છેલ્લું પ્રયાણ/૫. બહારવટિયો રાયદે

Revision as of 10:25, 4 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. બહારવટિયો રાયદે|}} {{Poem2Open}} [રાયદે બહારવટિયાનું આ વૃત્તાંત,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૫. બહારવટિયો રાયદે

[રાયદે બહારવટિયાનું આ વૃત્તાંત, સત્તર વર્ષે સાંગોપાંગ પ્રાપ્ત થયું જેથી મૂક્યું છે એમાં બહારવટાંની ઉજળી બાજુ છે, અને નથી. પ્રસંગો રોમાંચક છે તથાપિ અનેક બહારવટિયાનાં વૃત્તોમાં પેસી ગયા હોઈ રૂઢિગત લાગે છે. ઝાઝો કાળ થયો એટલે આમાં જવાંમર્દીના વરખ પણ હશે. પણ એક અણદીઠ પ્રદેશની પ્રજાનો, તેની ભાષાનો, અને તેના જીવનપ્રશ્નોનો પરિચય મળે છે. તે માટે આ ચરિત્ર અત્રે ઉતાર્યું છે.] કાઠિયાવાડમાં જામનગર તાબે તુંબેલ શાખાના ચારણોનાં ચોવીસ ગામ છે. માડી એમાંનું એક છે. માડી ગામને પાદર સાની નામે નદી છે. ગામ ફરતા ચાર જૂના કોઠાનો ગઢ છે. માડી ગામમાં તુંબેલોનાં બે કુટુંબ રહે. એક બૂચડ ને બીજા ગામણા. ચારણ્ જેસો બૂચડ હતો. એની દીકરીને ગામણાઓના ઘરમાં દીધી હતી. દીકરાનું નામ ભાયો. ભાઈ ભાયાને એક વાર સાસરવાસી બહેન મળી ગઈ, અને કહ્યું કે, “મુકે હી ગામણું દુઃખ દિયેતા.” (મને આ ગામણા દુઃખ દે છે.) ભાઈ ભાયા કહે, “આંઉ હીન ઘડી પેકે કોઠણ લાઈ છડાંતો.” (હું આ ઘડીએ બાપુને તને તેડવા મોકલું છું.) દીકરે જઈ બાપને કહ્યું, “આંઈ વિજોં, બાઈ કે કોઠીચો.” (તમે જાવ, બેનને તેડી લાવો.) બાપ જેસો:-છડોદા ના તો કો કરીન્દા ? (એ. લોકો નહિ મોકલે તો શું કરશું?) ભાયો: “નારીન્દાસું” (જોશું.) તેડવા ગયેલ જેસાને ગામણાઓએ જવાબ વાળ્યો : ‘અસીકે હિતે કમ આય. જો આયંજી ધી કે કોઠી વીંજો તો હી મેયું કે મીડે? તે લાઈ છડીંદા ના.” (અમારે અહીં કામ છે. જો તમારી દીકરીને તેડી જાવ તો આ ભેંસોંને કોણ મેળે ? અર્થાત કોણ દોવે, દહીં-છાશ કરે ? માટે નહિ મોકલીએ.) જેસાએ ઘેર આવી પુત્રને કહ્યું, “તેં તો હી ઘોરેમેં ધૂર ઉખાઈને!” (તેં તો મારાં ધોળામાં ધૂળ નખાવીને?) ભાયો: “કો?” (શું?) ‘બાઈ કે છડ્યા ના, ને મુકે પણ જીં તીં કુછયા.” (બાઈને મોકલી નહિ ને મને પણ જેમતેમ બોલી ગયા) દીકરો તે ટાણે ભેંસ દોતો હતો. તે તાંબડી ફેંકી દઈ તરવાર લઈ ગામણને ઘેર પહોંચ્યો ને હાકલ મારી: ‘ભેણ, હલ, મોર થી, અને કેર ના ચીયેતો? કીન્જી કંધરોટી મથે બો મથા ઈન!? (હાલ બેન, આગળ થઈ જા. કોણ ના કહે છે? કોની ગરદન પર બે માથાં છે?) ‘જિનજે મથેમેં રાઈ હુઈ હી હલો આડા ફીરણ,' (જેના માથામાં રાઈ હોય તે ચાલો આડા ફરવા) ભેંસ દોતા દોતા છ ગામણા ભાઈઓ પણ હથિયાર લઈ ઊઠયા. પણ ભાયાએ પડકાર્યા, તેઓ ઘરમાં ઘૂસવા ગયા. ભાયાએ એકને ફળીમાં, બીજાને ઓસરીમાં, ત્રીજાને ચૂલા પાસે ઠાર માર્યો. ત્રણ ભાગી ગયા. ભાયો બેનને તેડી ઘેર આવ્યો, એ ત્રણે મરનારાઓની ખાંભીઓ માડીમાં છે. બે ફળીમાં ને એક ચૂલા પાસે. પછી બાપ-દીકરે ગામ છોડ્યું, બાપ મુઓ. ભાયાએ ગામણાઓને દંડ ભરી માફી માગી કસુંબો પાયો. દગો ન કરવા બંને પક્ષે માતાજીના સોગંદ લીધા. ભાયો પાછો માડીમાં આવીને રહ્યો. એક દિવસ ભાયો પોતાના નેસમાં ખાતો હતો. તે ટાણે ગામમાં રહેતા જામ શાખના ચારણો માંહેલો દેવો જામ આવ્યો. ભાયાએ કહ્યું: ‘અચો અચો. હલ્યા હલ્યા. કોચી કોચી માની, ને ખીર, ને ગુણગાર વારી ચટણી અય વઈ વીનો ખેંણકે.” (આવો આવો. હાલો હાલો. ગરમ ગરમ રોટલો ને દૂધ, ને લસણ્વાળી ચટણી છે. આવી જાઓ ખાવા) દેવો જામં કહે : “આંઉ હીન ઘડી માની ખઈ સિરાઈને અચાંતો.” (હું હમણાં જ રોટલા ખાઈ શિરાવીને જ આવું છું.) ખાઈ કરીને દેવા જામ પાસે બેસી ભાયાએ પૂછ્યું: ‘કીં આવ્યા. કીં કમ આય ? (કેમ આવ્યા ? શું કામ ?) દેવો કહે, “હી આંઈ જી તરાર ડિયો તે આંઉ હકડી બંધૂક ડિયાં.” (તમારી આ તરવાર મને આપે તો હું એક બંદૂક દઉં.) ભાયાએ જવાબ વાળે: “દેવા, હણે તેકે આંઉ કો ચાં? બાયડીજા મંગોં ઉખેતો! સરમાઈ દે નાંઈ! બંધુક તે છોકરીઉ રખે, અને ભાયડા તરાર રખે. તું બો બો બધુંકું રખેતો. નાહક ભાર ઉપાડી ઉપાડી મરી રીન્દો! અને પુંજી તરાર તો બાર મથ્યા ગિની વઈ,અને બિયા બાર ગિન્દી.” બંધુક તું વટે ઈન ને કય નાઈ કરી સક, હી તરાર કે કરીન્દ (દેવા! હવે તું બાયડીનાં માંગા કરછ તે શરમ નથી? બંધૂક તો છોકરીઓ રાખે, મરદ તો તરવાર રાખે. તું બબે બંધૂકો રાખે છે ને નાહક ભાર ઉપાડી મરી જઈશ. તારી પાસે બે બંધૂકો છતાં તે કાંઈ ન કરી શકે, તે તરવારથી શું કરીશ ? ને મારી તરવાર માથાં લઈ ચૂકી છે, બીજા બાર લેવાની છે.) દેવો કહે, “છપર વિંજું હુતે કમ અય. આંઈ હલો. તે ઉતે વીનીચું.” (હું છાપર ગામ જાઉં છું. કામ છે તમે પણ સાથે ચાલો) ભોળો ભાયો પોતાની તરવાર લઈ દેવા સાથે ચાલ્યો. માડીથી દક્ષિણાદા થોડે ગયા ત્યાં દેવાએ પાછળ રહી જઈ ભાયાને બંદૂકે ઠાર કર્યો. સંવત ૧૯૨૯. ત્યાં આજે ભાયાની ખાંભી છે. ભાયાની તરવાર લઈ દેવો ગામણાઓ પાસે આવ્યો. ગામણાઓએ જ એને આ કૃત્ય સોંપ્યું હતું. બદલામાં એને એક સાંતીની જમીન ને હજાર કોરી ઈનામ દીધી. ભાયાની જમીન પિત્રાઈએ લઈ લીધી. મરનાર ભાયાના ઘરમાં રાજબાઈ નામે કચ્છની ચારણી હતી. એને દેવી કામઈ સરમાં આવતાં તે સતી થાત, પણ બે દીકરી ને એક દીકરો હતાં તેને મોટાં કરવા પોતે દેહ રાખ્યો. રાજબાઈનો દીકરો રાયદે પંદર વરસનો થયો. કામકાજ કરે નહિ. ભેંસો ચારવા જાય તો ઠપકા ઘેર લાવે. પરણાવેલા પુત્રને એક દિવસ રાજબાઈએ કહ્યું, ‘પુતર. તોફાન મ કર. હી ગોઠમેં પાણજો કોઈ નાય. ને હી જામજો ને ગામણેજો જોર આય. તો પાણ મથે હીનજાં વેર આય. તો પાણને ધ્યાન રખણો ખપે. ને હી નાર હણે હી જામ વાઘોરેતા. કમ કજ કરીન્દો ના તો ખેન્દો કો!’ (તોફાન કર નહિ. આ ગામમાં આપણું કોઈ નથી. જામ તેમજ ગામણા ચારણોને આપણે માથે વેર છે. તો ધ્યાન રાખવું ઘટે. ને જો, જામ લોકો તો મારી નાખવાની ધમકી પણ મોકલે છે. કામ નહિ કર તો ખાઈશ શું ?) રાયદે કહે, ‘નારીજ મા! આંઉ થોડા ડી મેં હકડી ગુણ કુરીયું જી ગિની અચીન્દો, પોય વેઠાં વેઠાં ખેન્દા સું. પોય કો?’ (જોજે મા, હું થોડા દિવસોમાં એક કોથળો કોરીઓનો ઉપાડી લાવીશ, પછી આપણે બેઠા બેઠા ખાશું. પછી શું છે?) રાયદેએ એક ટોળી કરી પીપરડી ગામ ભાંગ્યું. પકડાયો. જામનગર રાજની સજા પડી. જેલમાં ગયો. બેચાર વર્ષે છૂટીને ઘેર આવ્યો ત્યારે એને ખબર પડી કે પોતાની પરણેલી ઓરત બુધીબાઈને દેવા જામ ચારણે ખજુરીઆના ચારણ ગાંગા મૂજ વેરે પરણાવી દીધી છે. રાયદેનું હ્રદય ધમપછાડા કરવા લાગ્યું: ‘હાય હાય, કો કરિયાં! હણે જામ કે ફૂંકી ડિયાં, કે ઘૂમી ડિયાં!’ માએ સમજાવ્યો: ‘નાર રાયદે, હણે તું કીંય પણ કરીન્દો તો આંઉ મથો પછાડી મરી વિન્ની.’ (હવે તું કાંઈ પણ કરીશ તો હું માથું પછાડી મરીશ.) મા રોવા લાગી, એટલે રાયદેએ કહ્યું, ‘મ રો! આંઉ કીંય ના કરીન્દો.’ ડોશીનો દેહ છે ત્યાં સુધી શાંતિ રાખવી એવું વિચારીને રાયદે શાંત બેઠો રહ્યો. પણ ચોરે ગયો ત્યાં ગામણા તેમજ જામ ચારણો એને મેણાં મારવા ને ગાળો દેવા લાગ્યા. બોલાચાલીમાં દેવા જામે કહ્યું એકવાર, કે ‘હી ચોરો તોજા પેજો નાંય. ભજી વીન. નીકર મારી ઉખીન્દો. હકડી દારૂજી ચપટીજો ખરચ આય, જીતરો તોજા પેજે લાઈ ખપ્યો હીતરો તો લાઈ અપનો.’ (ભાગી જા, નહિતર મારી નાખીશ. ચપટી દારૂનો જ ખરચ છે. જેટલો દારૂ તારા બાપને મારવામાં જોયો હતો તેટલો જ તને મારવામાં જોશે.) રાયદે કહે: ‘આંય મારીન્દા ને બીઆ માડુ કે હથ ન હુન્દા કીં ?’ (તમે મારશો તો બીજા માણસને હાથ નહિ હોય કેમ?) દેવો જામ કહે: ‘હથ હોય તો ગીન હી બંધૂક ને નીકર મું મથે બારવટે.’ (હાથ હોય તો લે આ બંદૂક ને નીકળ મારા પર બહારવટે.)

આ તકરાર બીજાઓએ ઓલવી, પણ રાયદે વિચારી રહ્યો કે શું કરું? કાંઈ કરીશ તો મા મારી ઝૂરી ઝૂરીને મરશે, એમ વિચારી ગમ ખાઈ રંહ્યો. પણ એકવાર ચોરે હજામત કરાવવા બેઠેલો ત્યાં એનું અપમાન થતાં, અરધી હજામતે એને ઉઠાડી મૂકતાં એણે ઘેર આવીને માને કહ્યું: ‘મા, હણે મુકે રજા ડિયો. મુસે હી સેન નાઈ થિન્દો. ને જો રજા મ ડિન્દી તો આંઉં મથો પછાડી મરી વીન્નો.’ (મા, હવે મારાથી સહન નથી થતું, હવે મને રજા નહિ દે તો હું માથું પટકીને મરીશ) આ સાંભળ્યા પછી રાજબાઈના શરીરમાં આઈ કામઈ આવ્યાં, પોતે ધૂણ્યાં, પુત્રનો વાંસો થાબડ્યો ‘વીંજ બેટા. રજા ડિયાંતી. પણ ધ્યાન રાખીજ. મુંજી કૂંખ લજાઈજ મા. ને માતાજી તોજી રક્ષા કરે. વીંજ, લોઢેજા કમાડજો રીન્દો. આશિષ દિયાંતી.’ (જો બેટા, પણ ધ્યાન રાખજે, મારી કૂંખ લજાવીશ નહિ. જા, માતાજી તારી રક્ષા કરે. ને તું લોઢાનાં કમાડ જેવો રહીશ. આશિષો દઉં છું. પણ કુંવારી જાન ન લૂંટજે, જે ગામ ભાંગ તેનું દૂધ ન ખાજે, મીઠામાં હાથ પડે તે ગામની લૂંટ મૂકી દેજે.) બેટાને છાતીએ લીધો ત્યારે રાયદેએ પગે લાગી, રડતાં રડતાં ભાંગ્યા તૂટ્યા શબ્દો કહ્યા: ‘મા, માફ કરીજ. આંઉ કીં પણ આંયજી સેવા કરી નાંઈ સક્યો. (મા માફ કરજે. હું તારી કોઈ પણ સેવા કરી ન શક્યો.)

રાયદે ચાલ્યો ગયો તે પછી તુરતજ રાજબાઈ ઘરમાં અલોપ થઈ ગયાં. રાયદે અમરેલી જઈને લાન્સરમાં દાખલ થયો. ત્યાં વધીને દફેદાર બન્યો. ત્યાંથી એની બદલી રાજકોટ થઈ. ત્યાં પોતે કમાન્ડિંગ સાહેબનાં મડમ પાસે જઈ બેસતો ને વાતો કરતો. મડમે રાયદેને ભાઈ તરીકે માન્યો હતો. પણ રાયદે બેઠો બેઠો એક દિવસ વિચાર કરે છે: ‘આંઉ તો હીતે નોકરી કરાતો, પણ વેર તા હી ને હી રઈ વિયો.’ (હું આંહીં નોકરી કરું છું, પણ વેર તો એમ ને એમ રહી ગયું) મડમે પૂછ્યું, ‘ક્યા વિચાર કરતા હે રાયદે ?’ રાયદે કહે કે, ‘મેરેકુ ગામ જાનાં હે.’ મેડમ કહે ‘કોન ગામ?’ ‘હમારા માડી ગામ.’ ‘અચ્છા તો જાવ. મેં સાબકો બોલકે રજા દિલાઉંગી.’ ‘યું નહિ.’ ‘તો ક્યું?’ ‘એ તુમારા જોટા દો, કારતુસ દો, ઘોડા દો, ડ્રેસ દો, તો જાનાં હૈ.’ મડમ કહેઃ ‘અચ્છા ભાઈ!’ મડમે રજા અપાવી, જોટાળી બંદૂક, કારતૂસ, ડ્રેસ, બધુ અપાવ્યું, ને રાયદે તે પહેરી ઘોડેસવાર બની બારાડી તરફ ઊપડ્યો. ને રસ્તે એની ખોપરી બોલતી રહી: ‘આંઉ જડે દેવેકે, વજેકે, સામતકે, હી બધાય જામકે, મૂંજી બાયડી રખીને વીઠો અય હી ગાંગે કે જડે ઘુમી ડિયાં, ફૂંકી ડિયાં, મારી ઊંખ્યાં, તડે જ ઠીક ચોવાય. મુંજા પેજો મારીતલ કો જીરો રે તો તો આંઉ મુંજી માજે પેટ પાણે પડ્યો ચોવાઉં. (હું જ્યારે દેવાને, વજાને, સામતને, એ બધા જામને તેમજ મારી બાયડીને રાખી બેઠેલ ગગાને ફૂંકી દઉં, ત્યારે જ ઠીક કહેવાય. મારા બાપનો મારનાર કોઈ જીવતો હોય ત્યાં સુધી હું માને પેટ પાણો પડ્યો કહેવાઉં.)

​ માડી ગામમાં સંવત ૧૯૪૪ના આસો સુદ પૂનમને દિવસે ચાર વાગે સાંજે પહોંચી તેણે દેવાના ભાઈને ઠાર માર્યો, દેવો ન જડ્યો, ઘોડાને ઉપાડ્યો. થોડે આઘે એક હરદાસ નામનો ચારણ મળ્યો. એના ખભામાં પાવલી જડેલી પટાવાળી ફૂમકિયાળી તરવાર હતી, હાથમાં ફરસી હતી, પગના જોડા ચરડ ચરડ બોલતા આવતા હતા. ઓળખ્યો, જોટાળી ચડાવીને સામી ધરી. હરદાસે હાથ જોડી કહ્યું ‘રાયદે, આંઉ તો તોજો કુત્તો અયાં.’ રાયદે કહે, ‘ભેંસા! ચારણ થી, તરાર બંધી, માફી મગેતો! વીંજ કુતા! દે ડે તરાર.’ (હે નાલાયક! ચારણ થયો છે, તલવાર બાંધી છે, ને માફી માગે છે? ચાલ્યો જા કુત્તા! દઈ દે તારી તરવાર) ત્યાંથી ખજુરીઆ ગામે જઈ પોતાની સ્ત્રીને રાખનાર ચારણ ગાંગાને ખેતરમાંથી તેડાવી ઠાર માર્યો. ત્યાંથી રાતના દસ વાગે બેહ નામના ગામે ગયો, ત્યાં માડીથી સામત જામ મહેમાન આવેલ તેથી વીરપાલ સંધિયાની ડેલીએ દાયરો જામેલો. ત્યાં જઈ ઘોડો ઉભો રાખ્યો ને સાહેબવેશે ત્રાડ પાડી: ‘ઈધર માળી વાલા સામતજામ આયા હૈ?’ સામતે અવાજ પારખ્યો. ઘરમાં ઘૂસી ગયો. હવે ઘણાં માણસો વચ્ચે એને બંદૂકે શી રીતે મરાય? એટલે ઘોડો ઉપાડી કહેતો ગયો કે, ‘ધ્યાન રખીજ, આંઉ રાયદે, આંયકે રિબાઈ રિબાઈને મારણા અય.’

​ચોથે દિવસે રાજકોટ પહોંચી પોતાની નોકરીએ ચડી ગયો. પણ જામનગરના રાજ્ય તરફથી ધગધગતી તપાસ થવા લાગી, તેથી પોતે પલટનમાંથી ફારેગ થઈ નીકળી ગયો ને થોડા દિવસ પોતાની બન્ને બહેનો પાસે પરોડીઆ ગામે ને રાણ ગામે રોકાયો. પણ તપાસ ચાલુ હતી એટલે કંટાળીને વિચાર કર્યો કે, નકામા પકડાઈ ને ભીંત હેઠળ દબાઈ જઈ મરવા જેવું છે, માટે હવે તો નીકળી જ પડું. સંવત ૧૯૪પના ચૈત્ર માસમાં એણે દસ માણસોની ટોળી બાંધી: ચારણ ધાના કરશન ભાથરનો, ચારણ પેથો ગ્રામડીનો, ચારણ સામત ભીડાનો, ચારણ વીરે ગ્રામડીનો, ચારણ જેસો પરોડીઆનો, વાઘેર રાજપાળ ને માણેક હરભમ ગોરીઆળીના, વાઘેર હાડો વીરપુરનો, કાનગર બાવો ને રમજાન કુંભાર રાણનો: ગ્રામડી જઈને મમાઈ માતાજીને પગે લાગી માગ્યું કે– ‘સામે પગલે મોત દીજ.’ (સામે પગલે મોત દેજે મા!)

ધોકે લઈ વેરી ધસે, દિયે તતારે તુંબેદ્ધ, ગાલીએ છંદા ખેલ, સોંપ્યા સોરઠિયે કે. (વેરીઓ સામે ધોકા લઈને ધસવું અને તરવારો ઝીંકવી એ તુંબેલ ચારણોનું કામ છે. માણસોમાં બેસી વાતોના તુક્કા લગાવા, છંદો ગાવા કે ગેલ કરાવવા,એ તો સોરઠીઆ પરજીઆ વગેરે ચારણોને સોંપ્યું છે.) વજીર હશે વલ્યાતમાં, કાયમ વીંજે કેસ, ફાંકડા ફોજદાર કે, રણમેં ધીસે રાયદે. (વિલાયતમાં વજીરને હાથ રોજ મામલા પહોંચે છે. ફાંકડા ફોજદારોને રાયદે રણમાં સંહારે છે.) હાકેમ હાલારજા, કંગાલ માડુજા કાર, ઉન્જે ફાંદે મેં ફાર, રિસતી તોજી રાયદે. (હાલારના હાકેમોના પેટમાં તારો ફાળ રહે છે, હે રાયદે. ) આંબરડી ઝોરી એકડી, દાત્રાણા ઘોરે ડી, દેવડિયે કે દબિયો, રાતે ફુલેકાં રાયદે. (એક દિવસે આંબરડી ગામ ભાંગ્યું, ધોળે દહાડે દાત્રાણું ભાંગ્યું, દેવાળિયાને દાબી દીધું, ને રાતે તું ફુલેકાં ફર્યો.) ત્રાડ દિયે તુંબેલ, હાલારમેં હલાય ના, સુરો ચારણ છેલ, રફલે ધબે રાયદે. બીજું વૃત્તાંત એમ મળે છે કે રાયદેએ ઘોડો, બંદૂક, ડ્રેસ વગેરે પલટનમાંથી નહિ પણ આ રીતે મેળવ્યાં: પોતે માની રજા લઈ ખંભાળીઆ જાય છે. રસ્તે ‘ઘઈનો પુલ’ એ ઠેકાણે એક ઘોડેસવાર જમાદાર ટપાલ લઈને જતો હતો તે મળ્યો. રામ રામ કર્યા. જમાદારે પૂછ્યું : ‘કયાં જાય છે?’ ‘ખંભાળીએ ડોલા (તાબૂત) જોવા.’ ‘કેવો છો?’ ‘મકરાણી’ ઘઈ નદીના પુલ પાસે જમાદાર નીચે ઊતર્યા, રાયદેને પોતાનો ઘોડો ઝાલવા દીધો. જોટાળી બંદૂક ઝાડને થડ ટેકવીને પેશાબ કરવા ગયા. ‘વાહ! માતાજીએ હથોહથ દીધાં. જમાદાર! લ્યો રામ રામ!’ એમ કહેતો, રાયદે ઘોડે ચડી જોટાળી લઈને ભાગ્યો.

નગરની ગાદીએ વીભો જામ હતા. તેણે અમલદારોને તેડાવી સભા ભરી પોતે ભાષણ આપ્યું કે, તમે રાજપૂત થઈ ગામ ગરાસ ખાવ છો, સરકારી નોકર કહેવાવ છો ને ખાલી બગલૂસ (પટા) ગટર બાંધી ફરો છો, પણ એક રાયદેને હાથ કરી શકતા નથી, તેમ ઠાર કરી શકતા નથી, માટે મને બહુ રંજ થાય છે. સભાસદો નીચું જોઈ ગયા. જામ સાહેબે, રાયદે ન પકડાય ત્યાં સુધી અમલદારોના પગાર બંધ કર્યા. રાયદેને ખેડૂતો રોટલા આપે છે એમ વિચાર કરીને ખંભાળીઆ તથા કલ્યાણપરના અમલદારોએ દરેક ગામમાં નોટીસો ચોડી કે ખેડૂતોએ રોટલા ઘેરે ખાઈને જ સીમમાં જવું, કાંઈ અન્ન લઈ જવું નહિ. થોડા દિવસ પછી ખંભાળીઆ ગામે જઈ ત્રણ ગધેડાં ઊભાં રહ્યાં. તેને માથે છાલકાંમાં પંદર મણ લાડવા હતા ને સાથે એક ચિઠ્ઠી હતી. તેમાં લખ્યું હતું કે, હું ગરીબ ખેડૂતના રોટલા ઝૂંટતો નથી, ઓરતને લૂંટતો કે અડતો નથી, જાન લૂંટતો નથી, ખોટું બોલતો નથી, કોઈ માગણને પૈસાની ના કહેતો નથી, બાયલાપણું કરતો નથી. હું ખેડુના રોટલા ઝૂંટીને ખાઉં તો બહારવટું થાય નહિ તેની ખાતરી માટે આ લાડવા મોકલું છું તે સંભાળી લેજો. ને બીજું કાંઈ જમવા મન થાય તો કહેવરાવજો, મારી પાસે મીઠાઈ ઘણી છે. આ લાડવા એણે રાણ ગામમાં વળાવીને મોકલ્યા હતા. પરિણામે અમલદારેએ ખેડૂતને રોટલા સીમમાં લઈ જવાની છૂટ આપી.

‘પૂના, સાગા, રામા ભા, સુણો, પાણજે પાનેલી જોરણી અય, ને ડીએજ જોરણી અય. ન જોરાં તો જોગમાયાજી દુવાઈ. હણે ભલે મુંજે પઠાણ મારી ઉખય.’ આ રીતે એક દિવસ રાયદેએ જ્યારે સાંભળ્યું કે પાનેલી ગામ પર તો ગોંડળ રાજનો એક પઠાણ ફોજદાર પચાસ પઠાણોને લઈ રાયદેને જેર કરવાનું બીડું ઝડપીને બેઠો છે કે, રાયદે આવે તો ક–જગ્યાએ (ગુદામાં) બંદૂક મારી ઠાર કરું, ત્યારે તેણે સાથીઓ સમક્ષ પાનેલી ભાંગવાની—ને તે પણ દિવસે ભાંગવાની પ્રતિજ્ઞા કરી. એક દિવસ એક વાદી બહારવટિયાના રહેઠાણમાં આવ્યો ને રાયદેના રાસડા બોલવા લાગ્યા. બહારવટિયાએ એને ઈનામ આપીને કહ્યું કે, ‘હી તોજો રાવણહથ્થો મુકે ડે, ને તોજો પોશાક પણ ડે.' પછી પોતે એ બધો પોશાક પહેરી રાવણહથ્થો લઈ, સાથીઓને કહ્યું: “આંઈ બધા હણે ઘડીક હીતે વિયો તાં તો આંઉ હીન ઘડી અચાતો. જરા પાનેલી વિનીચાં.' ( તમે બધા થોડીવાર અહીં બેસો. હું જરા પાનેલી જઈ આવું.) એમ વાદીવેશે શહેરની તરતપાસ કરી આવી, અને ફોજદારને પણ મળી, રાયદે અહીં છે, સામે ડુંગરે બેઠો છે એવી ખબર પણ દઈ, પોતે રાતે પાછો આવ્યો અને ટોટેળી લઈ પાનેલી પર પડ્યોને ફોજદાર એની પાર્ટી વગેરેને દબાવી દઈ કહ્યું : ‘કો પઠાણ! તું કો ચોતો વો, કે રાયદે અચે તો આંઉ ક–જગ્યાએ બંધૂકે મારી મારી ઉખ્યાં. ગીન હિન્જા ફલ.” એમ કરી બંધૂકોના ઘોડા ચડાવ્યા. બધાને પકડી પૂરી દીધા. પછી ગામ લૂંટ્યું. પછી પૂરેલાને છોડી કહ્યું કે, ‘ડૈ દયો હીન્જી બંધૂકું. ધીંગાણું કરણું આઈ? ” (દઈ દ્યો એમની બંદૂકો. ધીંગાણું કરવું છે?) પછી મોરનાં પીછાં લાવી, ફોજદારની પાછળ બ્રિચીઝમાં ખોસી મેર બનાવીવે ને પીઠ ફેરવી ઊભો રાખી પછી કહ્યું, “હવે નીચે નમી નમીને કુકડૂ કૂ બોલ ને પાછો ઊભો થઈને કુકડ઼ કુ બોલ. જો બોલતો બંધ થઈ ગયો છે ને, તે પાછળથી બંદૂકે દઈશ.' ફોજદાર તો ફાળમાં ને ફાળમાં ‘કુકડૂ કુ, કુકડૂ કૂ, કુકડૂ કૂ,' એમ બોલતો નીચે નમતો તેમજ ઊંચો થતો રહ્યો. પાછળ ઊભેલો રાયદે પોતાના સાથીઓને લઈ ચૂપચાપ ચાલી નીકળ્યો. છેક બે ગાઉ નીકળી ગયા, ને અહીં ગોંડળની વાર આવી પહોંચી. તેને પણ ફોજદાર તો રાયદેની જ ટોળી સમજી ‘કુકડૂ કૂ’ કરતો રહ્યો. પાર્ટીવાળા કહે કે, ‘સાહેબ, આ શું કરો છો?’ સાહેબ શરમાઈ ગયા.

‘સામત, પેથા, જેસા, સાંમાં, સુણો,’ એમ કહીને રાયદેએ સાથીઓને સમજ પાડીઃ ‘પાણ નામ લાઈ નીકળ્યા અયું. તો હણે પાણ વાસે સત રાજજી ઘસતું ફિરેતીયું. તો હીનકે બીચારેક હણે પાણ નોતરો દિયું, ભલે અચે. કારણ કે જો પણ જીતીન્દા તો લક્ષ્મી કીર્તિ વધની; જો મરીન્દા તો વૈકુંઠ વીન્દાને પાણજી કાયા અમર રિન્દી. હીનકે મારીન્દા તોય લાભ અય, પાણકે મારી ઉખે તોય લાભ: કીં ભા, કો ચ્યોતા?’ (આપણે તો નામ રહે માટે નીકળ્યા છીએ,, આપણી પાછળ સાત રાજની ફોજો ફરે છે. તો આ બિચારાને નોતરા દઈએ. ભલે આવે. કારણ કે જો આપણે જીતીશું તે કીર્તિ ને લક્ષ્મી વધશે ને મરશું તો વૈકુંઠ જશું, ને આપણી કાયા કાંઈ અમર રહેવાની નથી. આ લોકોને મારીશું તોય લાભ, ને એ આપણને મારી નાખે તો પણ લાભ. કેમ ભાઈ, શું કહો છો?) સાથીઓએ હા કહી, સહુ ઊપડ્યા. બરડાના ડુંગરમાં એક ગામ આવ્યું, ત્યાં પ્રાગડ વાશી (પરોડ થયું) ને એક ખેડૂત સાંતી લઈ નીકળ્યો, તેને પૂછ્યું: ‘બોચવળી ગામમાં કોઈ ઘસત આવી છે?’ ખેડુએ હા કહી. રાયદેએ એક ચિઠ્ઠી લખાવી એ ખેડુને દઈ ઘસતને પહોંચાડવા કહ્યું. ચિઠ્ઠીમાં લખેલું કે, તમે જેટલા સરકારની હરામની ખીચડી ખાવાવાળા મારી પાછળ ફરો છે ને ઠેકઠેકાણે કંગાળ પ્રજાને હેરાન કરો છો, ને ધમકાવી પૂછો છો કે રાયદે ક્યાં છે, તો હું જણાવું છું કે હું રાયદે અહીં ચેકના ડુંગર પર છું, જેને મળવું હોય તે આવજો. આમ પોતે જ્યાં જાય ત્યાં લાલ વાવટો ચડાવે, હોકો પીતો બેસે, ફૂલેકે ચડે, અને અછતો ન રહેતાં સામે ચાલી સંદેશા કહેવરાવે.

પછી એ સાતેક રાજની ફોજો સાથે ધીંગાણું થતાં ફોજો ભાગી, ત્યારે રાયદે બોલ્યો : ‘ભેંસા ભાઈડે જેડા ભાઈડા થે ને ભજોતા, નીમક હરામ કરોતા ? ડાઢીયું રખીયું ઈન, બંદૂકું ગાળીયું ઈન, ને ભજોતા! તે સરમાઈન્દા નાઈ! કોઈ રજપૂત ઈન, કોઈ મકરાણ ઈન, કોઈ પઠાણ ઈન, ને આંઈજો પાણી કિતે વ્યો! મુકે તો આંઈ ગોતીન્દા વા. રાત ને ડી ગોઠ ગોઠ ફિરન્દા વા, ને માડુકે પૂછન્દા વા કે રાયદે કિતે ઈન. ને આજ આંઈકે આંઉ મીળ્યો તો આંઈ તો મુલાકાત નાંઈ કરીન્દા ને ભજોતા! હેડા કાયર બાયલા આંઈ હન્દા હેડી મુકે ખબર નાંઈ વઈ. નીખર આંઉ આંઈકે ન મીડ્યો હુન્દ. પણ હણે દાઢીઉં પડાઈ ઉખજા, બંધૂકું છડી દીજા.' (મરદ થઈને ભાગો છે? દાઢીઓ રાખી છે ને બંદૂકો બાંધી છે, તો પણ ભાગો છો? તમે તો મને ગોતતા હતા ને હવે મળ્યો છું ત્યારે ભાગો છો? મને આવી ખબર હોત તો હું મળત જ નહિ. હવે દાઢી–મૂછ પડાવી નાખજો વગેરે.)

રાજ્યે છેવટે પરોડીએ રહેતી એની બહેન માણસીબાઈ પર દબાણ કર્યું. પકડીને ખંભાળીએ લઈ ગયા. બહેન તો ન ચળી, પણ બનેવી ગળી ગયો. એને બાઈએ કહ્યું: ‘અરે ભૂંડા! અટાણે ખડ ખા છ?’ લાચાર બેને દશ દિવસની મુદ્દ્ત મેળવી. ભાઈને પરોડીઆ ગામે બોલાવ્યો. રાયદે બહેનને ઘેર ગયો ત્યારે બહેને વિનવ્યો કે, ‘હવે બસ થયું. હવે કાંઈ કરવું નથી. આપણા ચારણોને જેલમાં પૂર્યા છે. જામ સાહેબ અને રાઘવભાઈ વજીર કહે છે કે, રાયદે જો હથિયાર છોડે તો એને અમે કાંઈ નહિ કરીએ, ને એના ચારણને છોડશું. એટલે રાયદેએ પોતાના જે સંબંધીઓ પુરાયા હતા તેમને છોડાવવા માટે શરણે જવાનું નક્કી કરી બહેનને કહ્યું, ‘ભેણ! હણેં તો દરેક અમલદાર કે ચોઈજ જે આંઉં કલ ધરમસાલામે અચીન્દો. જેડી માતાજીજી મરજી.’ રાયદેને અભયવચન આપી માનપાનથી પોલીસ રસાલો લઈ જતા હતા, ત્યારે સીમાડે એક કાગડો બોલ્યો. બહારવટામાં પણ ગામ ભાંગવા જતી વેળા કાગડો બોલે ત્યારે રાયદે સાથીઓને પૂછતો કે ‘કાગડો કો કૂછેતો ?’ (કાગડો શું બોલે છે?) અને પછી એનો પોતાને મનમાં ઊગે તે અર્થ કરતો. એ રીતે અહીં પણ એણે કાગડાને બોલતો સાંભળી સાથીને પૂછ્યું કે, ‘સામત, કાગડો કે કૂછેતો?’ સામત કહે, ‘કાગડો ચ્યેતો કે આજ ડી સુધી જે બાધુરી કઈ હીન જે મથે પાણી ફરી વ્યો ને હણે તુરંગમેં સડી સડી મરી રોન્દા.’ (કાગડો કહે છે કે જે બહાદુરી કરી તેને માથે પાણી ફરી વળ્યું ને હવે જેલમાં સડી સડી મરી રહેશું.) રાયદે કહે, ‘ના, કાગડે હીં કૂછેતો કે બધાય ઘેર અચના. પણ દગો થીન્દો. પણ વાંધો નાંય.’ (ના, કાંગડા એમ કહે છે કે બધા ઘેર આવીશું પણ દગો થશે, પણ હવે વાંધો નહિ.)

છ મહિનાની સારી રખાવટ પૂરી થઈ ને રાયદે પર કામ ચાલ્યું; કાળા પાણીની સજા થઈ. એ અને સામત થાણાની જેલમાં જુદે જુદે ઠેકાણે જેલ ભોગવે છે, એક વરસ થઈ ગયું છે. એક વાર કામગરીમાં રાયદે ને સામત ભેગા થઈ ગયા; ત્યાં કાગડો બોલ્યો. રાયદે કહે, ‘સામત, કાગડો કૂછેતો કે હીતેથી ભજો તો આંઈ કે લાભ અય.’ (કાગડો કહે છે કે અહીંથી ભાગી છૂટો તો તમને લાભ છે.) સામત કહે, ‘હેડી સાતથરી જેલ પઈ અય. હીનમેં સે ભજણું કી ?’ રાયદે: ‘ભજણો હીનમેં તો કી નાય.’ બંને જણાએ સંતલસ કર્યો. રાતે રાયદે જ પોતાની બરાક તોડી સામતને કાઢવા એના ખંડના છાપરા પર ચડ્યો ને ઉપલી બારીના સળિયા હચમચાવ્યા, પણ છાપરું આખું હાલી ઊઠ્યું. નળિયાં પડ્યાં; સંત્રીઓ સાવધ બન્યા. રાયદે તો મકાનના છાપરા પર હતો. નીચે ઊતરે નહિ, બહુ સમજાવી ઉતાર્યો, પૂર્યો; પછી જામનગર સાથે લખાણ કર્યું. ત્યાંથી આ બેઉને આંદામાન કાળે પાણીએ મોકલી દેવાની સૂચના આવી.

‘હાલો તમને પાછા જામનગર લઈ જવા છે ને ત્યાં પહોંચાડી છોડી દેવાના છે,’ એમ કહીને બેઉ કેદીઓને વહાણમાં બેસારી કાળા પાણીના બેટમાં ઉતારી દીધા, ને ગોરા ઉપરીને એમના કાગળીઆં પણ સોંપ્યાં. કેસનાં કાગળીઆ વાંચતાં સાહેબને માયા થઈ. રાયદેને પાસે બોલાવ્યો, ને એની વાતોથી સંતોષ થતાં તેને મુકાદમ બનાવ્યો ને સદરમાં ફરવાહરવા છૂટ આપી. રાયદે તો કાળાં પાણીની વચ્ચે બેટમાં ફરેહરે છે. એમાં એક દિવસ એવું બન્યું કે કેદીઓમાં કાંઈક કુસંપ થ્યો, તેમાં સામતને એક કેદીએ ગેરશબ્દો કહ્યા. રાયદે શાંતિથી એ કેદીને પોતાની પાસે તેડાવી સમજાવવા લાગ્યો. ‘આંઈ કુલાઈ બન્જો તા? હીતે તો પાણ હકડી ખાઈ જા ગલૂડિયા ચોવાયું. ને અસીંકે દુઃખ હોય તો આંઈજે મદદ દેંણી ખપે, ને આંઈકે દુઃખ હોય તો અસીંકે ભાગ ગીનણો ખપે. કારણ હીતે દુઃખ જી જગા ઈન હીતે મા, પે, કાકા, મામા, જી ચ્યો હી પાણ.’ (તમે શીદ લડો છો ? અહીં તે આપણે એક માનાં પેટ કહેવાઈએ. એકબીજાને દુ:ખમાં મદદ કરવી જોઈએ કારણે અહીં તો મા, બાપ, કાકા જે કહીએ તે આપણે જ પરસ્પર છીએ.) આવા ખામોશીના શબ્દોથી પણ છેડાઈ ઊઠીને એ કેદી તોફાને ચડ્યો એટલે રાયદેએ એને માર્યો, તેના પરિણામે રાયદેને અંધારી ખોલીની સજા થઈ.

પછી મઢમની કૃપા થઈ તેથી એ પાછો મુકાદમ બન્યો ને એક વાર બજારમાં ચાલ્યો જતો હતો, ત્યાં કોઈક માણસને દુહો બોલતો સાંભળ્યો. દુહો તો આમ હતો— શેખપર સિંધવો કિયો, રાયદે વડો રૂવાબ; ધરણી લાગી ધ્રુજવા, ન ચડે નગર કે નવાબ. કોઈક ઓળખીતો કેદી આ દુહો બોલ્યો તેથી રાયદેને ગઈ ગુજરી યાદ આવી: ‘અરે જીતવા! આંઉ હકડે ડી નગર ને નવાબ જેડે કે ધ્રુજાઈન્દો વો, ને હિંદમેં હાક ફાટતી વી. ને આજ પેરમેં જંજીર પઈ વઈ.’ એમ આ દુહાએ રાયદેના વિચાર ફેરવી નાખ્યા. એ દુહાએ મોટું બળ આપ્યું, હાલતાં ને ચાલતાં, ખાતાં ને પીતા, એ જ દુહો યાદ આવવા લાગ્યો. એમાં સામત આવ્યો, બન્ને બેઠા, કારણ કે સામત પણ હવે છૂટો ફરતો હતો. એની સાત વર્ષની સજામાં હવે ફક્ત બે વર્ષ બાકી હતાં. રાયદે કહે, ‘સામત ભા, હકડી ઘાલ ચાં. આંઈ તો ઠીક પણ આંઉ તો હીતે ને હીતે મરી વીન્નો ને કોઈ ચારણ જે હથ પણ અડીન્દા ના.’ (એક વાત કહું: તું તો ઠીક પણ હું તો અહીં જ મરી જઈશ ને મારા શબને કઈ ચારણના હાથ પણ નહિ અડે.) સામત કહે, ‘ભલા માણસ, મરદ જેવો મરદ હવે નમાલી વાત કરે છે ? શરમાતો નથી ? ને મરદ તો તુરંગમાં પણ પડે. ને આપણે કંઈ અધૂરું રાખ્યું છે ?’ રાયદે કહે: ‘મારે તો ભાગી જવું છે.’ ‘ક્યાં?’ ‘આપણા દેશમાં. તારે આવવું છે?’ સામતે કહ્યું કે, ‘મારે તો હવે નથી આવવું, પણ તું બારાડીમાં જા તો મારે ઘરે જઈને બધાને મારી વાત કહેજે.’ એમ કહેતો સામત હસવા લાગ્યો, એટલે રાયદે કહે, ‘સામત, તોકે ઠેકડી લગેતી પણ સચી ઘાલ ચ્યાંતો. મરીં તો વીંજણો જ અય. હીતે મરણું નાય. ભલે દરિયેમેં મરું.’ બન્ને જુદા પડ્યા. રાયદે ભાગવાની જુક્તિ વિચારવા લાગ્યો. એક વિચાર સૂઝ્યો. હમેશાં વહેલો ઉઠીને ગામમાંથી લાકડાના લાંબા કટકા ગોતીને તે લઈ ગામથી દૂર ભેગા કર્યા પછી એકબીજાને જોઈન્ટ કરી બે ખાટલા જેવડું ત્રાપું બનાવ્યું ને થોડા દિવસનું ખાવાપીવાનું લીધું. પછી એક દિવસ સામતને કહ્યું ‘જે માતાજી! હણે ધ્યાન રાખીજ ને ગરીબ થૈ સજા પૂરી કરી જ, આંઉ જો તો હણેં માતાજીજી મરજી હી થિન્દો.’

બેઉ જણે ભેટ્યા. સાંજે રાયદેએ ત્રાપો દરિયામાં નાખ્યો, ને બંદર પર એક સંત્રી બંદૂક લઈ ટેલતો હતો તેની પાસે જઈ, ગળું પકડી, દબાવી મારી નાખ્યો; તેની બંદૂક લઈ ત્રાપા ઉપર નાખ્યો. સઢ ચડાવી રવાના થયો. પવન સારો એટલે સવાર થતાં ત્રાપો આગળ નીકળી ગયો. ને સામેથી એક વહાણ આવ્યું. આ વહાણ રાયદેના વતનના બંદર સલાયાનું હતું તેનો ખારવો આમદ હતો. આમદ વહાણ લઈ આંદામાન આવેલો ને બજારે રાયદે સાથે મેળાપ થયો હતો. સંતલસ કર્યા પ્રમાણે આમદ એક દિવસ વહેલો વહાણ ઉપાડી દરિયે જઈ થોભ્યો હતો. રાયદેને વહાણમાં લીધો. વહાણને સાત સઢ ઉપર કાગડી ચડાવી મારી મૂક્યું. એક રાતે કાઠિયાવાડના પિંડાર ગામને કિનારે રાયદેને ઉતારી વહાણું પાછું વળી ગયું. આંદામાનના તાર છૂટેલ તેથી તપાસ થતી હતી. રાયદે બંદૂક લઈ જંગલમાંથી પસાર થવા લાગ્યો.

એક બેન પાસે પરોડીઆ ગામે ને બીજી બેન પાસે રાણ જઈ આવીને રાયદે દ્વારકા પહોંચ્યો, થોડા વાઘેરોને લીધા જેનાં નામ: ગોરવીઆળીનો રાજપાળ, મીંઆણીનો ભીમો મકવાણો, ગોરવીઆળીનો હરભમ માણેક, વીરપુરનો હાડો માણેક, ને ચારેક મુસલમાન કુંભારો: એમને લઈ બીજી વાર બહારવટે ચડ્યો. ભાયાણી ભારથ કરે, ખૂચડ બબે વાર; તીખી ધાર તરવાર, રગતે ડોળે રાયદે. આ બીજા બહારવટામાં એક પછી એક ગામ રાયદે ભાંગતો ગયો, પણ બજાણા ગામના સીમાડે નારાડી વાવમાં ઉતારો કરી સાથીઓ હેમરાજ શેઠને ત્યાં સીધુંસામગ્રી લેવા ગયા, ને પાછા આવ્યા ત્યારે કહે કે હેમરાજને લૂંટીએ. ‘કાગડો કો કૂછેતો ?’ એમ કહી રાયદેએ કાગ-વાણી ઉકેલી. કહે કે ‘શુકન નથી, પંખી ના પાડે છે.’ છતાં સાથીઓના આગ્રહથી દી આથમતે બજાણા પર પડ્યા, હેમરાજ શેઠને ઘેર ગયા, શેઠે આવકાર દીધો, કે બહાદુરને જોઈ હું ખુશી થાઉં છું. ‘તુને લૂંટવા આવ્યા છીએ.’ ‘ભલે.’ ‘તો બધી બાઈઓને ઓરડામાં પૂરી દે.’ લૂંટીને બહાર ચાલ્યા ત્યારે બહાર જઈ પેલા બે મુસલમાન કુંભારોએ કહ્યું કે હેમનો હાર ભૂલથી ગોખલામાં પડ્યો રહ્યો. એ બહાને પાછા જઈ ને એ કુંભારોએ બાઈઓની આબરૂ લીધી. એથી રાયદે કંટાળ્યો. ‘હવે આ લોકો મારા ભેળા ન હોય.’ આંબલાની ધાર નજીક સૂતા. ન ઊઠ્યા—તે દી ચડ્યો ત્યાં સુધી! ઊઠે છે ત્યાં તો ઘસતને આવી પહોંચેલી જુએ છે. ધીંગાણું કરતા કરતા પ્રોડીઆની નાળ્યમાં પહોંચી જાય છે. ત્યાં મછવો પડ્યો છે. ઠેકી ઠેકીને મછવામાં એક પછી એક જણ ચડે છે ને રાયદે પોતે વારને હટાવતો રહે છે. છેવટે પોતે કુદ્યો, પણ વહાણની મીંદડી પગમાં વાગી. મછવો હાંકી ભાગ્યા, પણ મછવો તૂટેલો એટલે જખ્મી રાયદેને ઝોળીમાં ઉપાડી વાઘેરો કાંઠે કાંઠે ભાગ્યા. એને પહોંચાડવો હતો ગોંજ ગામે જેઠીજી દરબારને ઘેર. વાડીએ ગયા, પૂછ્યું. ‘દાજીભાઈ છે? કહો કે ભાઈબંધ આવ્યા.’ ભાણેજ ઘેર પૂછવા ગયો. મામીએ જવાબ કહાવ્યો કે ‘ઘેર નથી.’ રાયદેએ સાથીઓને કહ્યું : ‘જુવાનો! પાણજી કજા અચી વઈ.’ (આપણું મોત આવી પહોચ્યું.) ચાલ્યા. રસ્તે કાળો મહારાજ મળ્યો. ઘણી તાણ કરી પોતાની વાડીએ લઈ ગયો. વાઘેરો કહે, ‘ચાલ અમારી ભેળો ઓખે.’ ‘તમારું મોં નહિ જોઉં, જાવ.’

ગાડું જોડીને કાળે મહારાજે રાયદેને ગામમાં આણ્યો. સવારે ફળિયામાં પીપળે કાગડો બોલ્યો. કાગડાની વાણી સાંભળીને રાયદેએ કહ્યું ‘કાળા મા’રાજ! કાળી રાત છે, કાળો કાગડો છે, કાળાવડ ગામ છે, ચોથો તું કાળો મા’રાજ છે. હવે પાંચમું કાળું કામ કરીશ માં.’ સવારે કાળા મહારાજે રાયદેને જોયોઃ પગમાં જખમ છે, ચાર છ મહિના અહીં રાખવો પડશે, ખબર પડશે તો હું મરી જઈશ, માટે હું જ ઈનામ લઉં. રાયદેને અંદર પૂરી, તાળું મારી સલાયા પહોંચ્યો. મહમદખાં દફેદારને જઈ કહે કે, ‘રાયદેને પકડાવું તો ?’ ‘તો તને ફોજદારની જગ્યા અપાવું.’ ‘ચાલો મારે ઘેર.’ ઘરમાં પડ્યો પડ્યો રાયદે બહાર રહેતી બ્રાહ્મણ બાઈને બોલાવે. બાઈ કહેઃ ‘નહિ આવું.’ ‘કાળો મા’રાજ કયાં છે?’ ‘કાળું કામ કરવા ગયો છે.’ ‘ઉધાડ.’ ‘નહિ ઊઘડે.’ ‘કાંઈક તોડવાની કોશ તો દે!’ ‘નથી, પણ આ લે આ હળનું છવડું.’ હળના છવડા વતી રાયદેએ ભીંત હેઠળ ખાડો પાડ્યો. બીજા ઓરડામાં જવા માટે વચલો કરો તોડ્યો. રાંધણીઆમાં જવાનું ફાંકુ પાડ્યું. ઘસત આવી. મહમદખાં દફેદાર ને જેશંકરભાઈ ઘસતના આગેવાન હતા, તેણે હાકલ કરી: ‘રાયદે, હથિયાર છોડ.’ ‘તમે પોતે આવો તો હથિયાર આપું.’ આડું ગાડું દેવરાવી મહમદખાં ખડકીમાં અંદર આવ્યા. રાયદે પાસે ત્રણ જ ભડાકાનો દારૂ હતો. છરા ગોળી કાંઈ નહોતું. પોતાનો પગનો તોડો તોડી નાખ્યો. તોડાના મકોડા બંદૂકમાં ભર્યા. બંદૂક લઈને બાંકોરા વાટે બાજુને રસોડે પેઠો. ત્યાંથી એક બંદૂક, ને બીજી મારી. અંદરથી દુહા ને છંદ બોલે. અહીંથી પોલીસના ગોળીબાર ચાલે. રોંઢે ઘસતે ઘર સળગાવ્યું ત્યારે રાયદેએ અંદરથી કહ્યું: ‘કોઈ એમ ન કહેતા કે અમે રાયદેને માર્યો છે. હું જ જાઉં છું. રામ રામ.’ પોતે ત્રીજીવાર એટલે કે છેલ્લી વાર ભરેલી રાખેલ બંદૂક માથા સોંસરી ખાધી. ઘર સળગી ગયા પછી થોડોક દી રહ્યો ત્યારે અંદર તપાસ કરી. મુવેલો રાયદે એમ ને એમ ઊભો હતો. ઘણા ફેર કર્યા, મુરદું પડ્યું. મરદું ઓળખવા રાયદેની બેનોને બેલાવી. બેનો જોઈને કહે, ‘ના, હી અસાંજો ભા જ નાંય.’ ‘કાં?’ ‘અસાંજો ભા પચીસ પચાસ માડુકે મારીને મરે: હી કરઈ હેઠ દબાઈને મરે ના.’ રાયદેનું પહેલું બહારવટું બાર વરસ ચાલ્યું, ને બીજું અઢી વરસ. કાળા મહારાજને જમાદારી મળી. અમુક વખતે જામ સાહેબે જમાદારી આંચકી લીધી. કહ્યું કે, ‘તેં દગલબાજી કરીને ઘણી નાલાયકી બતાવી છે.’ કાળા મહારાજનો છોકરો મુવો. પોતે ગાંડો થઈ ગયો, ને મુવો ત્યારે ગરાસીઆઓએ કાલાવડમાં દેન પણ ન પડવા દીધો.