છેલ્લું પ્રયાણ/૬. ત્રીજા પ્રયાણને છેલ્લે ખાંભે

Revision as of 06:57, 5 January 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૬. ત્રીજા પ્રયાણને છેલ્લે ખાંભે

રાયદે બહાવરટિયાની આખી કથા મેળવવા માટે સુયોગ આ રીતે બન્યો. હરદાસ રાણસૂર લુણા નામના એક ચારણભાઈ મળવા આવ્યા. કહે કે, થોડાક છંદો રચીને લાવ્યો છું. આ રીતે નવાં જોડકણાં કરી કરીને લાવવાનો જે શોખ અત્યારના ચારણોમાં લાગ્યો છે તેની છાપ મન પર સારી નથી. એ કૃતિઓ નકલી હોય છે. વિશેષમાં એની અંદર રાષ્ટ્રીય ભાવનાનું પોતું મારેલું હોય છે. મને એમાં રસ નહોતો. જુવાન હરદાસને કહ્યું: ‘તમારી રચનાને તો શું કરું! પણ તમે તુંબેલ ચારણ છો, તો જાવ બારાડીમાં, રાયદેનો કડીબંધ કિસ્સો લઈ આવો.’ ભલો જુવાન, થોડે મહિને સાંગોપાંગ, એના હસ્તાક્ષરોમાં જ આવડ્યું તેવું ઉસરડી આવ્યો. સૂચના આપેલી. કે રાયદે વિશે જે શબ્દોમાં વાતો સાંભળો તે જ શબ્દો, રૂઢ પ્રયોગો, વાક્યો, વહેમો, માન્યતાઓ, બિલકુલ ઓપ ચડાવ્યા વગર ટપકાવજો. એ સૂચનાનું હરદાસ ગઢવીએ અણીશુદ્ધ પાલન કર્યું, પરિણામે આપણને, આગલા પ્રકરણમાં જોયું કે, તાદૃશ શબ્દચિત્ર મળ્યું. ​કેટલા લાક્ષણિક બોલી–મરોડો પ્રાપ્ત થયા! અને રાયદેના જોમ જવાંમદીંના મરોડદાર પ્રસંગો સાંપડ્યા. આંદામાનને કાળે પાણીએથી, એક તકલાદી લાકડા પર બેસીને અફાટ દરિયામાં ઝુકાવ્યું, એ વાત સાચી છે, ને કલ્પના સમક્ષ એક વાર ખડી કરવા જેવી છે. આંદામાનથી પાછા કાઠિયાવાડને કિનારે ઊતરીને પણ અસલના અધૂરા રહી ગયેલા ભયંકર જીવન– પ્રવાસને ફરી જારી કરનાર એ તુંબલ જુવાન કેવીક માટીનો ઘડેલો હશે તે વિચારપાત્ર છે. હરદાસ પાસે આખો દિવસ બેસી, ખૂબ શ્રમ લઈ, એ ભાષાને પણ મગજમાં બંધબેસતી કરી.

તુંબેલ શાખાના ચારણોમાં માનવ–વંશશાસ્ત્રના અભ્યાસને માટે એક વિશિષ્ટ રસવાળું પ્રકરણ પડેલું છે. આ ચારણ–દાયરાને છંદો, વાર્તાઓ, કાવ્યો, કવિતો ઈત્યાદિ, મારુ સોરઠિયા ચારણોની સભારંજની સામગ્રી પ્રત્યે, રાજરજવાડાંની પ્રશસ્તિ કરવાના ધંધા પ્રત્યે ઊંડી અને હડોહાડ ઘૃણા છે તેને તેઓ નીચેના નાનકડા દુહા દ્વારા બતાવે છે– ધોકે વેરી ધસ્સિયું. ⁠દિયે તરારે તુંબેલ; ગાલીએ છંદા ગેલ ⁠સોંપ્યાં સોરઠિયેં કે. અર્થ—અમે તુંબેલો તો વેરીજનોને ધોકે ધોકે ઢાળી દેનારા, ને તરવારે ઢીબનારા રહ્યા. વાતો છંદોનાં ગેલગુલતાન તો સોરઠિયા ચારણો! તમને જ સોંપ્યાં છે અમે! આવી ખુમારી પોષનારો તેમની ઉત્પત્તિ વિશેનો તેમનો પૌરાણિક ખ્યાલ છે. તુંબેલોના પ્રભવ વિશે તેઓ આ કથા કહે છે– શિવજીને ઘેર ચાર પ્રાણી હતાં: સિંહ, પોઠિયો, સર્પ ને ઊંદર, ચારેને ચારવા લઈ જવાની મુશ્કેલી, કારણ અંદરોઅંદર લડી પડે. એટલે પાર્વતીએ કપાળનો મેલ ઉતારી પૂતળું ઘડ્યું, તેમાં જીવ મૂક્યો. એને બનાવ્યો ગોવાળ. આ ગોવાળે ચારે પ્રાણીઓને શંકરની આણ દઈ ક્ષેમકુશળ ચાર્યાં. પાર્વતી પ્રસન્ન થયાં. કહે કે તને અપ્સરા પરણાવું. ગોવાળે માગી આવડ નામે અપ્સરા. આવડે એવી શર્ત કરી કે, તારા ઘરમાં રાજ તો મારું ચાલે. જે દી મારું રાજ ન ચાલે તે દી ચાલી જાઉં. ગોવાળ કહે કબૂલ બેઉના ગૃહસ્થાશ્રમમાંથી છડેસર, ક્રતાણંદ. લીરવરાસ, તંબર, નાદ, ગણ, ગંધર્વ, જખ, જેવજે (જયવિજય). નીલ, અનિલ, એટલા દીકરા ને લાંચબાઈ દીકરી થયાં તેરમો ગર્ભ પેટમાં હતો. એવે એક વાત બની. આવડ ભેંસ દોવા બેઠાં. ત્રાંબડી ઊંધી રાખીને દોવા લાગ્યાં. ચારણ કહે, ‘તાંબડી ઊંધી છે, સીધી કરો.’ ચારણી કહે: ‘ના, સીધી જ છે.’ ચારણ: ‘તાંબડી સમી ગીન; સરખી મેઈ કે મીડ; નકાં હકડી લઠ ડિનો, મથ્યો જોરી વિજનો.’ (તાંબડી સરખી રાખ ને ભેંસને સરખી રીતે દો, નહિતર એક લાકડી લગાવીશ ના, તો માથું ભાંગી જશે) આવડ ઊભાં થઈ ગયાં. તાંબડી ફેંકી દીધી. પેટમાં ગર્ભ હતો, તે પેટ ચીરી બહાર કાઢી એક તુંબડામાં નાખ્યો, ​લઈને ઊઠ્યાં. ઊડતાં ઊડતાં ગૂંગણા નામે સમુદ્રમાં તુંબડું નાખ્યું, ને સમુદ્રને ભલામણ કરી કે, ‘ચાર મહિના મારા પેટમાં હતો, હવે પાંચ મહિના તું સાચવજે.’ પછી આ તુંબડું સિંધ સમોઈના રાજા સમાને હાથ આવ્યું. એણે ઘેર લઈ જઈ કુંવર તરીકે એ બાળકને ઉછેર્યો. એનું સગપણ ઝાલા અને સોઢામાં કર્યું. માતાએ સ્વપ્નમાં આવી કહ્યું કે, ચારણ બાળને રાજકન્યા ન પરણાવાય. રાજા કહે કે, મારું વચન નહિ ફરે. માતા કહે કે, ઠીક, હું યોગ્ય કરીશ. એણે લગ્ન-ચૉરીમાં આવી રાજકન્યાને શિરે લોબડી (ચારણીને એઢવાની કામળી) ઢાંકી. તે દીથી એ (તુંબેલ – તુંબડામાં સેવાયેલ) ચારણનાં બે કુળ: સોઢી રાણીના તે મધુડા તુંબેલ અને ઝાલાની કન્યાના તે સાખડા તુંબેલ.

સામાન્ય વાચકને માટે કદાચ નીરસ બની જાય તેવી આ વિગતોને, અભ્યાસીઓ પૂરતી વિશેષ ઉપયોગી બનાવવા માટે હવે તો પૂરી જ આપી દઉં. તુંબેલ ચારણોની શાખા પેટાશાખાઓનાં નામો આ મુજબ છે: ગૂંગણા શાખાની પેટા-શાખા:—ટા, કાગ, રાગ, રૂડાસ, મૂન, મવર, ગઢ, સિંધીઆ, ભાકચર, વરમલ, ભીંડા. ભાનવાચા શાખાની:— લૂણા, જામ, સંઠીઆ, બુધીઆ, મોવાણીઆ ભાદરવા, ધમા, વડ, સીહડા, મેઘડા. ​પરચુરણા:—કાંરીઆ, સુમલીઆ, અવસૂરા, મસૂરા, બૂચડ, સાંખરા, મધૂડા.

પાનાં પાછાં ઊલટે છે, અને ફરીવાર ૧૯૩૯ની સાલના એપ્રિલ મહિનામાં જૂનાગઢ શહેરના પોલીસ–ઉપરી શ્રી છેલભાઈની ડેલીના ચોગાનમાં લઈ આવે છે. ચાર પાંચ તુરી (અંત્યજ ગાયકો)ની મંડળી સામે બેઠો છું. મંડળમાં એક સુંદરી (એ નામનું રગરંગી–વાદ્ય) વાગે છે. બીજાં સહવાદ્યો પણ સૂરતાલ પૂરે છે, અને મંડળી ગાય છે. સોન–હલામણની, મેહ–ઊજળીની, ખીમરા–લોડણની, સૂરના હેમિયાની, રાણક–રા’ખેંગારની દુહાબંધ લાંબી લોકકથાઓ, એમના ગાનયુક્ત વાર્તા–કથનથી આ વાર્તાઓનો અને કલાત્મક ઘાટ વિશેષ સ્પષ્ટ બનતો આવે છે. દેશવટે કાઢવામાં આવેલો હલામણ માતૃભૂમિ ઘૂમલીથી નીકળી જે માર્ગે ચાલ્યો ગયો, તે માર્ગ પરના એક પછી એક પ્રિય સ્થાને ઘડીક બેસી બેસી વતન અને વલ્લભાનું સ્મરણ કરે છે. બાયરનનું ચાઈલ્ડ—હેરોલ્ડ બી. એ. માં ભણ્યો હતો. એ યાત્રીના યાત્રાપથની, તેમજ યાત્રાને સ્થળે સ્થળે એણે કરેલા કાવ્યાભિષેકની કડીઓ તાજી થઈ. લોકકવિતા—બ. ક. ઠાકોરના શબ્દોમાં ‘હીનસંપન્ન છતાં મહાત્મ્યબીજ’—પણ, પોતાની રંક સંપત્તિની પોટકી સાથે જ એ મહાપંથે જ પરવરી છે એ વિચાર સોન-હલામણની ગાથાએ પેદા કર્યો. હલામણ પણ સ્થળનિર્દેશનું પગેરું મૂકતો ગયો છે, તે આ રીતે— જોઈ જેતાવાવ, નવલખા ન્યાળા નહિ; રામાપોળનું રાજ, પ્રાપતમાં હોય પામીએં. ઢેબર ને ઢોરે, ટીંબે મન ટક્યું નહિ; કાનમેરાની કોરે, આવી મન આંટા દિયે. બેઠલ બગાધાર, મનામણાં જાણે આવશે, દેશવટો ધરાર દીધો, શિયે જેઠવે જાળેરાની જોક, આતમ અંઘોળ્યું નહિ; સ્રગાપુરીનો સંતોક, પાછું મન પામે નહિ. વીસળપરને વાસ, મેડિયું બબે મંડાવિયેં, નતનું ગંગાજળ નાત, આભપરા આંખ્યુંઆગળે. વીશળપરના વાણિયા, એક સંદેશો સુણ્યે; સોનલ આંઈથી નીકળે, તો ઝાઝા જુહાર ભણ્યે. તન ઊભું ટૂંકડે, મિયાણીએ મન માને નહિ ઘેર્યું લૈ ગાંધવીએ, લટક્યું લાંબા ઉપરે. મિયાંણીની મોર્યે, હાકલ્યું મન હાલે નહીં; કરંડ કોયલાને, લટક્યું લાંબા ઉપરે. હાબા ડુંગર હેઠ, હલામણ હિંચોળ્યો નહિ, આવતો ઊંડળ લેત, જતને કરીને જેઠને

ઉપરના ઉદ્‌ગારોમાં જેતાવાવ, નવલખા મહેલો, ઢેબર નદી, કાનમેરો ડુંગરો, જાળેરા ગામ, વીસાવાડું, ટૂકડું, ગાંધવી, લાંબુ ને મિંયાણી નામે ગામો, અને છેવટે સિંધનો ડુંગર હાબો, એ સર્વ વિયોગી વાર્તાનાયકનાં પ્રયાણ પર પરનાં સાચાં વિરામસ્થાનો અદ્યાપિ મોજુદ છે. દરેક સ્થળે વિયોગનું વેદના–પગેરું પડ્યું છે.

‘મને દુહા ઘણા હૈયે છે, ભાઈ!’ આમ કહેનાર તરફ હોઠ હસી રમ્યા હતા. આજે એ જુવાન ક્યાં છે ? શું કરે છે ? પૂછપરછ કરેલી. એ તો ફકીર થઈ ગયો છે, એવી કંઈક માહિતી મનમાં રહી ગઈ છે. ૨૯માં એ જુવાન સૌરાષ્ટ્ર–છાપખાનાનો કારીગર હતો. અનાડી લેખે એની નામના હતી. વા સાથે બાઝવા ઊઠતો. એને કોઈ ગણતી નહોતી. એનામાં કોઈ સાહિત્ય હોઈ શકે ખરું ? છતાં આવીને આપમેળે કહે કે, દુહા આવડે છે, લ્યો લખાવું. ‘આ લે,’ કહીને નોટ જ આપી. ‘તું જ લખીને લાવ.’ લખીને લાવ્યો હતો. ટાંચણ–પોથીમાં શાહીને અક્ષરે મજૂદ છે — હલામણ જેઠવો બદલે બીજા લોક, બરડાઈત બદલે નહિ; કુળને લાગે ખોડ, હીણું કરે હલામણો. એવા બીજા દુહા–જેને છેડે હલામણનું વિજોગી મોત— હાબાના હદમાં ય, પીઠી ભર્યો પેઠાડિયો, મીંઢળ છુટ્યાં મસાણ, હારી બેઠાં હલામણો રાણા પ્રતાપ અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિંદુ અવર; જાગે જગદાતાર, પહોરે રાણા પ્રતાપસિંહ. ​ ‘બિડદ—છહુંતદીના’ જે છોંતેર દુહા ચારણ–કવિ દુરશા આઢાએ સોનાના સાચા સિક્કા સરીખા કરીને પાંચસો વર્ષ પૂર્વે આપ્યા, તેમાંના આઠેકની રચાએલી એ બિરદાવલિ રાજસ્થાનેથી પાંગરી ક્યાં જતી ફેલાઈ! એક અડબૂત મોલેસલામ પણ જાણે. ઢોલા–મારૂ દુવો (હો) દિલમાંય, ઉલટ વિણ આવે નહિ; ખાવું ખોળામાંય, ભૂખ વિના ભાવે નહિ. મારૂઈ! મારૂઈ! મન જઁખુ, મારૂઈ ઘેલડિયાં; પાણી પીતો માર્યો કેહેલિયો, ફૂટી બંગડિયાં. પછી તો સોરઠી બોલીની સગી બહેન જેવી કચ્છી પ્રાંતબોલીમાં એણે પ્રેમકથાઓના દુહા ટપકાવ્યા છે. કારાયલ સમો, લીલા કોરૂ, ઓઢો કેર, લાખો ફુલાણી, હમીર સુમરો, મામઈ, રાણો અને મુમલ: પણ લખાવટ પદ્ધતિ વગરની છે. પંક્તિઓ ને ચરણો અસ્તવ્યસ્ત છે. ખેર, એ અનાડી મુસ્લિમ યુવાનના અડબૂત હૃદયમાં વસેલી કવિતાએ મારી પોથીમાં વિસામો મેળવ્યો, એ પણ મહત્ત્વની વાત છે.

ટાંચણ–પાનું ફરે છે: મનવેધુ કોઈ મળ્યા નહિ, ⁠મળ્યા એટલા ગરજી; દિલની ભીતર જામા ફાટયા, ⁠કેમ સીવે દરજી! ​ દલહીણાં મનમાં દગા, ⁠મીઠું બોલે મોહ્ય; આવે પણ ત્યારે ઓસરે ⁠નેચળના! સંગત્યુ નો’ય. સજણાં! પરધર જઈ કરી, ⁠દુ:ખ ન ગાયીં રોય; ભરમ ગમાવે આપણો, ⁠વેંચી ન લિયે કોય. દિલવિહોણા, બેદિલ, કપટી દિલવાળા માણસો પર લોકસાહિત્યમાં ઠેર ઠેર આવા પ્રહારો નજરે પડે છે. થોડા દિવસ પર એક ભાઈ આવ્યા? કહે કે ‘એક નવું ભજન. શીખી આવ્યો છું.’ આબાદ હલકથી ગાયું — બેદિલ મુખથી મીઠું બોલે, એને વેણ વ્રેહમંડ ડોલે; રે મુંજા બેલીડા! બેદલનો સંગ નવ કરિયે રે. કપટી માનવી મીઠું તો એવું બોલી જાણે, કે ‘એને વેણે વ્રેહમંડ ડોલે ? એના શબ્દોથી બ્રહ્માંડ ડોલી ઊઠે! એવા તો એનો વાગાડમ્બર હોય છે. ફાંકડું સ્વભાવાલેખન! દર્દભર્યો એ વિષય ત્યાં જ અટકી જાય છે.

ત્રણ ભજનોની, ટાંચણ–પાનાંમાં નવી ભાત પડી છે. (૧) વેલા ધણી! વચન સુણાવ રે, આગમ–વેળાની કરું વીનતિ. ​ બાળુડા! બાળુડા! મુવાં મૈયતને બોલાવશે. એને હથેળીમાં પરમેશર દેખાડે રે, એવા પાખંડી નર જાગશે. બાળુડા! બાળુડા! જળને માથે આસન વાળશે, એનાં અધ્ધર પોતિયાં સુકાય રે—એવા૦ બાળુડા! બાળુડા! બગલાની વાંસે બાળા દોડશે, એક નરને ઘણી નાર રે—એવા૦ બાળુડા! બાળુડા! ઘોડામુખા નર તો જાગશે, એની વાણીમાં સમજે નહિ કોઈ રે—એવાo વેલનાથ ચરણે રામો બોલિયા, ઈ છે આગમના એંધાણ રે—એવાo

પાખંડી નરોનું આ કળિયુગમાં જાગવું, એ આ ભજનની આગમ–વાણી ( ભવિષ્યવાણી)થઈ. મુર્દાને બોલતાં કરી બતાવે, હથેળીમાં પરમેશ્વર દેખાડે, પાણી પર બેસી બતાવે, એવાને પાખંડી કહેનારો ભજનિક એક શિકારીમાંથી પલટાઈને અહિંસાનો ઉપાસક બનેલે કોળી હતો. ગુરુ વેલો બાવો પણ કોળી હતા. ચારિત્રહીન ચમત્કાર વિધાયકોની જાદુગીરીમાં સપડાઈ જનારી શ્રદ્ધાળુ દુનિયાને ચેતવનારા આવા શબ્દોથી ભરપૂર એવી આપણી ભજનોની વાણી આપણને ચકિત કરે છે. જેને આપણે અંધશ્રદ્ધાની પોષક માની હતી તે જ આ વાણી પાખંડોની સામે સાવધાની પુકારે છે; ને એનો એક ચેતવણસ્વર તો આધુનિક યુવતીઓને માટે શબ્દશ: સજુગતો છે: ‘બગલાની વાંસે બાળા દોડશે’: ઉજળા દેખાતા બેવફા પ્રેમિકોની પાછળ લટુ બનતી બાળાઓનો ઉલ્લેખ એક કોળીના ભજનમાં થાય એ પણ વિલક્ષણ વાત છે. ‘ઘોડામુખ નર’ ક્યા તે કળાય છે? ‘એની વાણીમાં નહિ સમજે કોઈ રે’ એટલે કેવા લોકોની વાણી? વિદ્વતાના ડોળધાલુઓની? પોકળ દલીલબાજોની? શબ્દમાત્રથી સત્યને ગૂંગળાવી મારનારા વિપથગામી વાદ–પ્રચારકોની ? નરી શબ્દચાતુરીથી દુનિયાને સર કરનારાઓ પર ભજનવાણી હમેશાં આ પ્રહાર કરતી રહી છે.

[૨] મને નાતો બંધાણો હરિના નામનો, તનથી તોડ્યો નહિ જાય, મનથી મેલ્યો નહિ જાય—મનેo પાંદ સરીખી મીરાં પીળી હુઈ, લૌક જાણે પંડ્ય રોગ; ચાર પાંચ લાંઘણું મીરાંને પડિયું, આવ્યો હવે હરિભજવાનો જોગ—મનેo ચાર પાંચ વૈદ રાણાએ તેડાવિયાં, પકડો મીરાંની બાંય; જાવ વૈદ તમે તમારે ઘેર, મારે ઓસડ ન કરવું કાંઈ રે—મનેo ખનું ચડું ખનું ઊતરું, ખનુ નગરની પાળ, ​ ઘાયલ થઈ ઘરમાં ફરું મારી તલપ ન બૂઝે તોય—મનેo બાઈ મીરાં કે’ પ્રભુ ગીરધરનાં ગુણ, દેજો સંતો ચરણે વાસ, કાશી નગરના ચોકમાં ગુરુ માળ્યા રોહીદાસ—નાતોo મીરાંના તીવ્ર મનોભાવ પણ ભાષા અને રચના સોરઠની તળપદી. મીરાં, ગોપીચંદ, ભરથરી, ગોરખ, કોઈ પણ પરપ્રાંતીય સંતનો કિસ્સો લો, એનાં ઊર્મિસંવેદનોને આત્મસાત કરીને સોરઠી ભજનિકોએ એને આપેલો કલાત્મક શબ્દદેહ એનો નિરાળો જ છે. એ સાહિત્યધન તળપદું સોરઠી છે, સ્વભૂમિનો જ પાક છે, નહિતર ‘પાંદ સરીખી મીરાં પીળી હુઈ’ એવો પ્રયોગ ભાગ્યે જ સાધી શકાયો હોત.

(૩) દલ–દરિયામાં અખંડ દીવો રે, ⁠દેખ્યા વિનાનું મારું મનડું ડોલે રે. પ્રાંત્યુંનાના ભરિયલ ઓલ્યા ભવોભવ ભૂલ્યા ને, ⁠સતગરુ વિનાં તાળાં કોણ ખોલે રે. આ રે મારગડે અમે આવતાં ને જાતાં, ⁠આનંદ ભર્યો મારા મનડાની મેળે રે. છેલ્લી સનંદના તમે સુણે મારા ભાઈલા! ⁠આખર જાવું સંગે જગ છેલે—દલદરિયામાં. દોરે ને ધાગે સાજાં ન થાયેં, ⁠જીવ્યાની દેરી એક હરીને હાથ રે,

જડી રે બુટીનું જોર નવ ચાલે, ⁠(નીકર) ધંતર વૈદ તો મરી કે, જાત રે— કુળદાવો છોડ્યો મેં તો તમ સારુ શામળા! ⁠મીઠો મેરામણ મારે મોલ ન આવે રે. કે રવિસાબ ગરુ ભાણને પ્રતાપે, ⁠ખેલ્લ ચૂકે એ ફરી નવ ફાવે રે.

ભજન–વાણીમાં ફરી ફરીને એકોપાસના પર જ આગ્રહ મુકાય છે. દોરા ધાગા ને જડીબુટ્ટીનાં વહેમ–જાળાંને માથે પ્રહારો દેવાય છે. છેક નીચલા થર લગી ઊતરીને પણ આવું પ્રબોધનારી લોક્સંસ્કૃતિને પ્રગતિશીલ કહ્યા વિના ચાલે નહિ.

આ ત્રીજી ટાંચણ–પોથીનાં આખરી પાનાં ગીરના બહારવટિયા રામવાળા વિશેની નોંધથી ભરેલાં છે. એને જોતાં મને યાદ આવે છે ગીર–નાકા પરનું એ લાખાપાદર નામનું પોલીસ–આઉટ પોસ્ટ. આ સંસ્કારહીન અને કોઈએ નહિ ઘડેલા શૈશવનું એ પ્રકૃતિ–પારણું હતું. એજન્સી પોલીસના માણસો લાખાપાદર થાણે બદલી થતાં ધ્રૂજી ઉઠતા, એને કાળું પાણી સમજતા. ત્રીશ માઈલ તો જ્યાંથી તે કાળે રેલ્વે વેગળી, શાકપાંદડું પણ જ્યાં સોગંદ ખાવા ય ન જડે. પાણી જ્યાં ગીર–ઝાડવાંનાં ઝેરી મૂળિયાં ગળેલાં પીવા મળે, નિશાળને દવાખાનું જ્યાં નામનાં, વસ્તી જ્યાં કાઠિયાઈ—છોતાં બની ગયેલી, વેપારી જ્યાં સાડા બે; એવા, દોષિત નોકરને સજારૂપે મોકલવા માટે વપરાતા ​લાખાપાદર થાણાનું આકર્ષણ મારાં બાળ–ચક્ષુઓમાં ઊલટા જ પ્રકારનું હતું.

અંગ્રેજી બીજા ધોરણથી જ જેણે એક અગિયાર વર્ષના બાળકને માવતરથી ઊતરડીને વીશ માઈલ વેગળો અભ્યાસ માટે ફગાવી દીધો હતો, પારકાં ઘરના ટુકડો રોટલાનો અને પૂરું છાલિયું પણ નહિ એટલી છાશનો ઓશિયાળો કરી મૂક્યો હતો, તે જ આ લાખાપાદર થાણું એ પરઘરાવલમ્બી બાળકને માંદગીના કે લાંબી ટૂંકી રજાના દહાડા આવતાં, ગાય વાછરુને ખેંચે તેમ ખેંચતું અને પાણીના પ્રવાહ વચ્ચે આવતાં કદી કદી બેસી જનાર ટારડા ટટ્ટુ પર, અગર તો ઊઠતાં તેમ જ બેસતાં અસવારના શિશુ–શરીરને શીર્ષાસનની તાલીમ આપતા ઉસ્તાદ સરીખા અઢાર–વંકા ઊંટની પીઠ પર જ્યારે બેસીને આ અગિયાર વર્ષનો પરજીવી બાળક એક પછી એક ગામડાં પાર કરીને આવતો હતો…એ જામકું, શીલાણું, શેત્રુંજીની આભઊંચી ભેખડ–ટોચે કોઈક ધક્કો મારે ને નીચે જઈ પડે એવું જણાતું એ ભથ્થ, એ દરબાર સાહેબનું ગામ ઢસા, દહીડા, ગરમલી… ત્યાં તો આઘેરી ધરતી ઉપર, ઘટાદાર વૃક્ષોની લેલુંબ, હરિયાળાના એક વિસ્તીર્ણ કુંડાળાની વચ્ચે, વેરાન સૂકા જમીન–ટુકડા પર ઊભેલાં થોડાંક ચૂનાબંધ ખોરડાં દેખાય, પછી શેલ નદીના જળ–ઘૂઘવાટ સંભળાય, ઊંટ કે ઘોડું લગભગ ઊંધે માથે થઈને નીચે ઊતરે એવા એ નદી પાર કરવાના ઊંડવઢ આરામાં તે પગ મહામહેનતે પેઘડાંમાં ​રહે, અને કૈંક બળદોને તોડી નાખનારી તેમજ કૈંક ઊંટિયાઓને લપસાવી ભાંગી નાખનારી એ શેલ ભયંકર છતાં રમ્ય ભાસે.

આ લાખાપાદર થાણું, જેની ઊંચી ભેખડ પર એ ઉભેલ છે વસમો વોંકળો ચમનિયો, અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ—જાણે ઘૂમટો કાઢીને વહેતી ગામુખી ગંગા— આજ સાંભરે છે એ શૈશવના નિસર્ગાશ્રયો, એક તો એ કારણ કે શિશુ–કાળની નધણીઆતી, લાલનવિહોણી અને ગૃહકલહની મૂંગી મુરઝાતી લાગણીઓને કોમળ શીતળ સ્પર્શ કેવળ આ ગીરપ્રકૃતિ તરફથી જ મળતું હતું અને બીજા એ કારણ કે બીજી વાર જ્યારે હું બી. એ. માં ભણતો હતો, ત્યાર વેળાનું પિતા–ધામ બનેલું આ લાખાપાદર હરહમેશ, રાત્રિ ને દિવસ, બહારવટિયા રામવાળાને ભણકારે ધ્રૂજતું હતું. વાવડી ને ધારગણી, રામભાઈનાં વતન ગામ, એ તો લાખાપાદરને અડીને ઊભાં હતાં. હું જ્યારે મારાં પોથા વાંચવામાં પડ્યો હતો ત્યારે, બેઠી દડીના અને એકવડિયા છતાં કસાયેલ બદનના પિતા ઘોડાની પીઠ પર બહારવટિયાની સામેના બંદોબસ્ત નિમિત્તે ભાટકતા હતા. કંઈક જવાંમર્દ અને જાખી (ડાઘા જેવા) મોટા અમલદારોની ત્યાં થતી આવજા, ત્યાંથી પછી હેટના પિશાક કાઢી નાખીને રામભાઈ ક્યાંક ભેટી જાય તો સામાન્ય સપાઈમાં ખપવા માટે માથા પર બાંધી લેવાતા ખાખી સાફા, રામભાઈ ઊગમણાં ગામડાં ધબેડતો હોય ત્યારે આથમણી કૂચકદમ કરી જતી મોટી ગાયકવાડી ટુકડીઓ — અને બાપુ ઘેરે આવે ત્યારે જ એમને જીવતા જાણી પછી ‘આજ તો રામવાળો મળ્યા હતા’ એ વાળી એમની કનેથી ઊંચે શ્વાસે સાંભળેલી વાતો… ૧૯૧૪–૧૫નાં એ વર્ષો યાદ આવે છે, અને વેકેશન ખૂટી જતાં ફરી પાછા કોઈક ઘોડીની કે ઊંટની પીઠ પર, લપસણી બિહામણી તોયે શિશુહૃદય-સોહામણી શેલને સામે પાર, સપાટ ખુમચા જેવી ભોમકા પર વહેતું થતું વાહન પાછળ ફરી ફરીને કેટલી વાર નિહાળેલાં એ ચૂનાબંધ ખોરડાં, ફરી પાછાં બીજે માર્ગે આવતાં રંક અને રોટીવિહોણાં એ ગામડાં — એ માણાવાવ, પાદરગઢ, હાલરિયું, હૂલરિયું, ફરી પાછી ત્યાં એ ભેટતી ને છાનો દિલાસો દેતી મંગળમૂર્તિ ભદ્રવાહિની, પહોળા પટવાળી, સુજલા સુફલા સોરઠી શેત્રુંજી… ઊતરીને એનું પાણી ખોબે ખોબે પીતો, પગ ઝબો ળીને ટાઢો થતો — ને સાંજે તો પાછી શરૂ થઈ જતી, પારકા ટૂંબા ખાઈને રોટલો પામતી ઓશિયાળી વિદ્યાર્થી–અવસ્થા. રે! પાયામાં જોઉં તો કશો જ નક્કર કુલસંસ્કાર, નગરસંસ્કાર, રક્તસંસ્કાર, ધર્મસંસ્કાર નથી જડતો, જડે છે ફક્ત આ શેત્રુજી, સાતલ્લી અને શેલ સમી નદીઓનાં નીર સમીરણ મારતનાં થોડાં નિસર્ગ લાલન; પણ એટલેથી થોડું આ માનવજીવનનું લાકડું ઘાટમાં આવે છે! બહુ બહુ અણઘડ્યું રહી ગયું. મોટો દુર્મેળ મચી ગયો. ખેર! પેલો રામવાળો તો બાપડો એટલું ય ન પામ્યો. એનો તો આ દુનિયા સાથે કોઈ મેળ જ ન મળે. કાળને પંથે લગ્નમોડ પહેરીને ચાલે, તો સાથીઓમાં લૂંટારુ– મૈત્રીની નીતિ પણ ન નભી. અને પોતે પ્રારબ્ધને હાટડે મહામોલું જીવન પાછું દઈને, સસ્તુ મોત માગી લીધું હતું તો એ મોત પણ કમોત બન્યું. નહિ તો એ રામવાળો પણ શેલ નદીના જ અંકમાં ક્યાં નહોતો આળોટ્યો!