Revision as of 09:58, 5 January 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંત દેવીદાસ


[૧]


મહાશિવરાત્રિનો મોટો તહેવાર હતો. ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘુંટતો હોય તેવી ખુમારીથી ભરતીનાં જળ એ સાંકડા ભોંયરામાં પેસતાં હતાં ને પાછાં ઘુમ્મરો ખાઈ ખાઈ બહાર ધસી આવતાં હતાં. કોઈ બરકંદાજની નજરથી નિહાળીએ તો જાણે કે રત્નાકર એક પ્રચંડ તોપની અંદર દારૂગેળા ઠાંસી રહ્યો હતો. સોરઠને ઉગમણે કિનારે એક એકાન્ત સ્થાન માં અરબી સાગરનું એ અંતર્ગત નાનું તીર્થ આવેલું છે. પૃથ્વીનું પેટાળ ભેદભેદીને રત્નાકરે એ ભોંયરું રચ્યું, ને માનવીઓએ કોણ જાણે કયા અકળ કાળમાં એ ભોંયરાને ઊંડે છેડે શિવલિંગ બેસાડ્યું. માનવજાતિનો હરેક મહાન સંસ્કાર જમાને જમાને ભયાનકતાનું શરણ લેતો આવ્યો છે. એ જ અવસ્થા ધર્મ નામના માનવસંસ્કારની થતી આવી છે. ધર્મનાં મૂળિયાં ઢીલાં પડ્યાં ત્યારે એણે ભીષણતાને પોતાની બહેન બનાવી લીધી. રત્નેશ્વર મહાદેવની એ ગુફામાં ધસતાં ને પાછાં ઉલેચાતાં સાગર-જલ નિહાળતાં કાચાં હૈયાં થરથરી ઊઠે. પ્રભાતનો પહોર ચડતો હતો ત્યાં જ પાસેના દિયાળ ગામમાંથી બ્રાહ્મણોનાં જૂથ ઊમટવા લાગ્યાં. તેઓની જોડે લીલાગર ઘૂંટવાની ખરલો, છીપ, ઉપરવટણા, ભાંગનો મસાલો ને મોટાં રંગાડાં પણ આવી પહોંચ્યાં. ભરતી પાછી વળી ત્યારે રત્નાકરે રત્નેશ્વરનું ભોંયરું ખાલી કરી દીધું. ભયાનકતા દૂર ચાલી ગઈ. બ્રાહ્મણો અંદર ઊતરીને ભોંયરામાં પેઠા ને પાણી પાછું કદાપિ ચડવાનું જ નથી એવા પ્રકારની વિશ્વાસભરી લહેર કરતાં સહુએ શિવલિંગ સમક્ષ સુખડ ઘસીને લલાટ પર સુંદર ત્રિપુંડો ખેંચ્યાં. ગુફાનું પોલાણ ‘બોમબોમ ભોળા’ના ઘેરા અવાજોથી ભરપૂર બની ગયું. "કેદાર!” બેઠેલા જૂથમાંથી એક ત્રિપુંડધારીની હાક પડી : “તું અહીંથી બહાર નીકળ.” "કોણ કેદારિયો આવ્યો છે? માર્યા રે માર્યા,” એવું બોલતા બીજાઓએ પણ એક માણસને નિહાળી પોતાનાં આસનો જરા છેટાં જમાવ્યાં. "બહાર નીકળ આ તીર્થમાંથી!” પ્રથમ વાર અવાજ ફરીથી વધુ જોરાવર બનીને વછૂટ્યો. "પણ મારો વાંક શો છે?" કેદારે દૂબળો સવાલ કર્યો. "વાંક?” બે વાર બોલેલા એ ભવ્ય પુરુષે ફરીથી ગુફાને ગુંજાવી : “હજુય તું હાથે ખેડ કરતો અટક્યો છો? તમામ બ્રાહ્મણોએ પોતાની જમીન કોળીએાને ખેડવા દીધી, તે છતાં તેં હજુ તારી હઠીલાઈ છોડી છે? તારા દેદાર તો જો! તારું ધરતીનાં ઢેફાં સાથેનું જીવતર, તારાં સ્નાન-શૌચનાં ઠેકાણાં ન મળે! તારાં લૂગડાં આ ગુફાને ગંધાવી મૂકે તેવાં : તું મનુષ્ય છે? વિપ્ર છે? મહારાજ સિદ્ધરાજે વિપ્રોને આ જમીન આપી તે પશુ જોડે પશુ બનવા માટે? કે ધર્મની રખેવાળી માટે?" “પણ પૂજારીજી!” સુખડ ઘસતા બ્રાહ્મણેમાંથી એક જણ બોલી ઊઠ્યોઃ “તમે એ બધી વાતો કરો છો, ને મુદ્દાની વાત પર તો આવતા જ નથી.” "શી, શી છે મુદ્દાની વાત?” બીજાઓએ પૂછ્યું. "હા, હું જાણું છું. હું હમણાં જ એ કહેવાનો હતો. કેદાર, તારી માને રક્તપીત છે. છતાં તેં હજુ એને ઘરમાં સંઘરી મૂકી છે. રત્નાકર રોજ રાતે મારા સપનામાં આવીને જવાબ માગે છે. મને આજ્ઞા કરે છે કે મારો ભોગ મને હજુ સુધી કાં નથી અર્પણ કરી દેતા?” "હું શું કરું!” કેદાર નામનો ચૂપ બેઠેલે ખેડુ બ્રાહ્મણ બીતા બીતો બાલ્યા. એના શરીર ઉપર કંગાલી છવાઈ ગઈ હતી. એના માથામાં ઉંદરીની રસી વહેતી હતી. ને એને ગળે, હાથ, પગે છારી વળી ગઈ હતી. આસપાસ બેઠેલા તમામ ઘાટીલા, નાજુક, સ્વચ્છ ને રંગીલા દેખાતા વિપ્રો વચ્ચેથી કેદારની શિકલ બહાર તરી નીકળતી હતી. "શું કરું એટલે ભાઈ?” પૂજારીનો સૂર જરા નરમ પડ્યો. "રક્તપીત એ રોગ નથી બાપા! એ તો પાપ છે. મહાપાપ છે. એ પાપ પૃથ્વી ઉપર સમાય નહીં. એ પાપ તો એકલી તારી માને જ નહીં, પણ તારા કુળને, તારાં બાળબચ્ચાંને, તારા વંશવેલાને, અરે, આખા ગામને ભરખી જશે. એ પાપને તો સંઘરે છે એક મારો નાથ રત્નાકરદેવ. હવે સમજ પડી?” કેદાર આ બધું સાંભળતો હતો, ત્યારે એનું મોં એનાં બે ઘૂંટણોની વચ્ચે દટાયું હતું. પોતાની આંખને એણે બે હાથની અદબની પાછળ છુપાવી દીધી હતી. "સમજ પડી કે બાપા?" એ સવાલ ફરીથી સંભળાયો. કેદારે માથું ઊંચું કરીને પૂજારી સામે ડોકું હલાવ્યું ત્યારે એની પાંપણો ભીની હતી. “જા ઊઠ ત્યારે. તારી મા પાસે સંકલ્પ કરાવ. આવતી પૂનમનું પ્રભાત અતિ મંગલ છે. હું મધુવન, મેથષળા, કોટડા, કળસાર, ગોપનાથ, તળાજું વગેરે સ્થળામાંથી વેદવાન વિપ્રોને તેડાવું છું. જા તું તારી માને મનાવ. કહેજે કે આમાં તે મહાપાપનું નિવારણ રહ્યું છે. ને જન્મ્યું તેને એક વાર મરવું તો છે જ ને?” "ને વળી પૂજારીજી!” બીજા વિપ્ર બોલી ઊઠ્યા : “આ રોગ લઈને જીવવું એ તો મરવા કરતાંય વધુ ભયાનક નરકવાસ જ છે ને?" "ને આપણે આંગણે રત્નેશ્વર બિરાજેલ છે. આપણું ગામ તો અનેક આવાં મહાપાપીઓનું, અશરણોનું શરણ છે. આ ટીંબે તો ગામેગામથી પતિયાં, કોઢિયાં રત્નાકરને ખોળે બેસવા ચાલ્યાં આવે છે. તે પછી તીર્થ જ જેઓનું છે તેના જ શા ભાગ કે તેમને લાભ લેવાનું સૂઝતું નથી?” કેદાર ત્યાંથી ઊઠ્યો.