પુરાતન જ્યોત/૬. સમાધ

Revision as of 09:48, 6 January 2022 by KhyatiJoshi (talk | contribs)


૬. સમાધ


મેકણ બાવાએ બેઉ રંગો જીવનમાં જાળવી જોયા. જડ્યું તેટલું લોકોને દીધું, અને જુવાનીની વિશુદ્ધિ જાળવી. પછી એણે સંસારલીલાનો સંકેલો કર્યો. સંવત ૧૭૮૬ના આસો વદ ૧૪ના રોજ દિવાળીના આગલા પ્રભાતે ધ્રંગલોડાઈના સ્થાનકમાં એણે સમાઈ જવા માટે સમાધ ગળાવી. દસ જણા એની જોડે સમાધ લેવા તૈયાર થયા. અગિયારમો એક ઢેડ હતો. એનું નામ ગરવો. બીજા શિષ્યો સુગાયા. જગતે તિરસ્કાર કર્યો. અધમ ઢેડને પણ સાથે સમાધ? ત્યારે મેકણે જગતને જવાબ દીધો :

કેં કે વલિયું કોરિયું;
કેં કે વલા વેઢ;
વલે કના વલા,
મુંકે ઢાઢી બેઆ ઢેઢ.

"ઓ ભાઈઓ! કોઈને કેરીઓ (દ્રવ્ય) વહાલી, તે કોઈને વેઢવીંટીના દાગીના વહાલા, મને તો સૌથી વધુ વહાલા એ ઢાઢીઓ ને ઢેડો છે, કે જેમને જગતે અધમ વર્ણ ગણી અળગા કર્યા છે. "અને શો વાંધો છે એમાં?

પીપરમેં પણ પાણ
નાય બાવરમેં બ્યો;
નિયમેં ઊ નારાણ
પોય કંઢેમેં ક્યો

"પીપળામાં પણ પોતે જ (ઈશ્વર) છે, અને બાવળમાં પણ બીજો નથી. લીમડામાં પણ એ જ નારાયણ છે, ત્યારે ખીજડામાં વળી બીજો કયો હોય?” “વળી અંતકાળે હું મારાં વહાલાં સ્વજનો સિવાય બીજાં કેને પાસે રાખું

 
વિઠે જિનીં વટ
સે સો ઘટે શરીર જો,
મોંઘા ડઈને મટ,
પરિયન રખજે પાસમેં.

"જેમની પાસે બેસવા માત્રથી શરીરનું દુઃખ ઓછું થઈ જાય, એવાં પ્રિયજનોને તો મોંઘાં મૂલ દઈને પણ પડખામાં જ રાખવાં જોઈએ." "માટે ભાઈ લાલિયા, ભાઈ મોતિયા, તમે બેઉ પણ ભેગા જ ચાલો. તમને હું અળગા કેમ પાડું? મારા સાચા ટેલવા તો તમે જાનવરો છો. મોતિયા-લાલિયાની પણ સમાધ ગાળી રાખો, ભાઈ!.” એમ મેકણે મૃત્યુમાં પણ જગતનાં ભ્રષ્ટનો સાથ સ્વીકાર્યો. સમાધો તૈયાર હતી. ઉત્સવ ઊજવાઈ ચૂક્યા. સમાધમાં બેસવાનું ટાણું થયું. તે વખતે ઢેડ ગરવો બહારગામથી આવ્યો. “ગરવા, ભાઈ, ચાલો.” ગરવા વિનંતી કરીઃ "બાપુ, આંઉ છોકરેકે કૂછિયાં?” (હું મારા છોકરાઓની રજા લઈ આવું?) "ભાઈ મોડું થઈ જશે." "હમણાં જ પાછો વળીશ.” "ભલે ભાઈ, જઈ આવ.” પૂરી વાર વાટ જોયા પછી પણ ગરવો ન આવ્યો. વેળા થઈ ચૂકી. ચોઘડિયું ચાલ્યું જતું હતું. મેકણે કહ્યું, “ભાઈઓ, ગરવો તો ન આવ્યો :

ગરવે ગોદડ ખણિયાં
ઉગમતે પરભાત;
ગરવા બચારા ક્યા કરે!
માથે ઢેઢનકી જાત.

એમાં ગરવાનો બાપડાનો વાંક નથી. જાતનો સંસ્કાર નડ્યો એને. ચાલો ભાઈઓ! જી નામ!" “જી નામ!” પોકારીને સર્વે સમાધમાં બેઠા, તે જ વખતે દોડત ગરવો આવી પહોંચ્યો ને બોલ્યો : “બાપુ, હણે અચાં?” (બાપુ, હવે આવું?) “હાણે અભા! અતે જ રે'જે.” (હવે તો ભાઈ, ત્યાં જ રહેજે.) પછી તો અગિયાર જણા એક પંક્તિમાં સમાયા, લાલિયો, મોતિયો મેકણની સામે સમાયા, ને ગરવા ઢેડે થોડે છેટે સમાધ લીધી. આજે એ થાનકમાં અગિયાર સમાધો દેવળની અંદર છે. લાલિયા, મોતિયાની સમાધોને સંસારી લોકોએ બહાર રાખી છે. ગરવાની સમાધ પણ થોડે દૂર છે. હિંદુ, મુસ્લિમ, હરિજનો, સર્વના ત્યાં મેળા ભરાય છે