દાદાજીની વાતો/૧. મનસાગરો

Revision as of 10:34, 6 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. મનસાગરો|}} {{Poem2Open}} સોરઠમાં પાંચાળ દેશ, એની કંકુવરણી ધરતી, એમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧. મનસાગરો

સોરઠમાં પાંચાળ દેશ, એની કંકુવરણી ધરતી, એમાં ચોટીલો ડુંગર, અને એ ડુંગરના ધરામાં મોરસર નામે ગામ: એ ગામમાં મગરપ્રતાપ રાજા રાજ કરે. રાજાની અવસ્થા વરસ પચીસેકની હશે. જેવાં એનાં રૂપ, એવાં જ એનાં ડહાપણ. રાજાએ જાલંધરના જેવી દોમદોમ સાયબી જમાવેલી. ઈંદ્રાપરી જેવું રાજ, પણ એક જ વાતની ઊણપ રહી ગઈ છે: નગરને બાગબગીચો ન મળે. દિવસ આખો ઝાડવાં વાવે, ત્યાં રાતે માંડવના ડુંગરમાંથી સૂવરનાં ડાર આવે અને દાતરડીથી ઝાડવેઝાડવાંનો સોથ કાઢી નાખે. સાંઢસર અને સીંઢસર તળાવની પાળે આ સૂવરડાંનો રહેવાસ હતો. રોજ સવારે માળી જઈને પોકાર કરે કે "ફરિયાદ! મોટા રાજા, ફરિયાદ! નંદનવન જેવી ફૂલવાડીને સૂવરડો વીંખી જાય છે.” રાજાએ કહ્યું કે, “માળી, હવે સૂવરડાં આવે ત્યારે અમને જાણ કરજે.” પૂનમનો દિવસ છે. સોળે કળાનો ચંદ્રમા આભમાં ચડ્યો છે. અજવાળાં ઝોકાર છે. ત્યાં તો સૂવર-સૂવરડી આવી પહોંચ્યાં. આવીને એણે તો નવી રોપેલી ફૂલવાડી ભાળી. સૂવરડી બોલી: "અરે હે ભોળા ભરથાર! આ કોઈ રાજાની વાડી છે હો! સવારે તારા સગડ લઈને બારસે બંદૂકદાર તારી વાંસે ચઢશે હો!” સૂવર બોલ્યો: "હે અબળા! તું તારે તારું ડાર કડ્યે વીંટીને ડુંગરામાં હાલી જા. હું તો ઝાડવાં ઉખેડ્યે જ રહીશ.” એમ કહીને હૂક! હૂક! હૂક! કરતો સૂવરડો ઊપડ્યો ફૂલવાડીમાં અને દાતરડી ભરાવીને ઝાડવાંનો ડાળોવાટો કાઢવા મંડ્યો. સૂવરડી બચળાંને રાતુડી ધારમાં સંઘરીને આવીને ઊભી ઊભી ચોકી કરી રહી છે. માળીએ જઈને ‘ફરિયાદ! ફરિયાદ! ફરિયાદ!' એવા પોકાર કર્યા. રાજાને જાણ થઈ. રાજાજી બોલ્યા: "આંહીં સાત વીસું રજપૂત બેઠા છો, પણ જો આજ સૂવરડો હાથમાંથી જાશે તો તોપને મોઢે બાંધીશ.” સાત વીસું રજપૂતોએ ઘોડે ચડીને સૂવરને માથે વહેતાં કર્યાં. સાત વીસું બંદૂકના ચંભા છૂટ્યા. સૂવરને માથે ગલોલીઓના મે વરસવા મંડ્યા. પણ સૂવર તો ગલોલીનો ઘા ખાઈને તરત પડખેના ખાબોચિયામાં પડે છે એટલે પલકમાં પાછો ઘા મળી જાય છે. ગલોલીઓની બહુ ભીંસ થઈ એટલે સૂવર ઝાળના ઢૂવામાં પેસી ગયો. ત્યારે સૂવરડી બોલી કે — સૂવરડો સૂતો ઝાળમાં, ભૂંડણ આંટા ખાય, ઊઠ હે કંથ નિંદ્રવા, તારાં ઘર ઘોડે ભેળાય. મેણાનો માર્યો સૂવર ઊઠ્યો ને બોલ્યો કે "જોઈ લેજે હો કે રાંડ, હમણાં તીતી ભીતી કરી નાખું છું.” હૂક! હૂક! હૂક! એવા હુકાર કરતો સૂવર દાતરડી કાઢીને નીકળ્યો. ગલોલીના મારને ગણકાર્યો નહિ. સાત વીસું ને એક ઘોડાં ઘેરીને ઊભાં હતાં તેમાંથી કોને મારવો એવો અણે વિચાર કર્યો: ‘અરે, ઘેંસનાં હાંડલાં તે કોણ ફોડે!' એમ બોલીને એણે દોટ કાઢી. સાતે વીસુંને કોરે મૂકીને એણે તો રાજાના ઘોડાને હડફેટમાં લીધો. રાજાના ઘોડાના બે પગને દાતરડી લગાડીને એ તો કૂંડાળામાંથી નીકળી ગયો. તે સ ડ ડ ડ ડ કરતો ડુંગરામાં ગેબ થયો. રાજા કહે: "મનસાગરા, તારી પાસેથી ગયો.” મનસાગરો મોઢું મલકાવીને બોલ્યો: "વાહ રે રાજા, પ્રથમ પહેલાં તમારા ઘોડાના ડાબલા તો સંભાળો!” રાજાએ ઘોડાના પગમાં જોયું તો ધધાખ ધધાખ ધધાખ લોહીની ધાર હાલી જાય છે! એણે બીજો ઘોડો રાંગમાં લીધો અને બોલ્યો: "રજપૂતો, તમે સહુ સહુને ઘરે જાઓ. હું સૂવરને મારીને જ આ નગરીનું પાણી પીવાનો.” એમ કહીને રાજાએ સૂવરને સગડે સગડે ઘોડો લાંબો કર્યો. ડુંગરના ગાળામાં તડબડ તડબડ તડબડ પાણીપંથો ઘોડો તીર વેગે ગયો. જોતજોતામાં તો રાજાએ સૂવરને ઝપાટામાં લીધો. પણ તરવારનો ઘા કરે ત્યાં તો સૂવર તીરને વેગે નીકળી જાય અને તીર છોડે ત્યાં સૂવર તરવારને વેગે છટકી જાય. એમ આખો દિવસ આથડીને રાજાએ સૂવરને થકવ્યો. સાંજ નમવા મંડી. સૂરજ મહારાજ મેર બેસે છે. રૂઝ્યું કુંઝ્યું વળી રહી છે. અને હાં કે હમણાં જ સૂવરડો હાથથી જાશે ત્યાં તો ‘જે મોરલીધર' કહીને રાજાએ કાન સુધી કમાનની પણછ ખેંચી. તીર છૂટ્યું અને પાડા જેવડો સૂવર ભફ કરતો ધરતી ઉપર જ‌ઈ પડ્યો. સૂરજ મહારાજ મેર બેસી ગયા. ચંદ્રમાનાં કિરણ મંડ્યાં છૂટવા. સામે જુએ ત્યાં

અખંડનેત્રા ઝાડી!
ડુંગરે ડુંગરાની મૂછું મળી છે.
ઝાડવે ઝાડવું અટવાઈ ગયું છે.
સાંસો ખાલ મેલે એવી
આરડ બોરડ અને કેરડાની ઘટા બંધાણી છે.
સાગના દોરિયા નેવું નેવું હાથને માથે ડોકાં કાઢી રહ્યા છે.
વાંદરા ઓળાંબો કોળાંબો રમે છે.
રીંછ કણકી રહ્યાં છે.
અને
નવ નવ હાથ લાંબા ડાલામથ્થા સાવજ
એવી તો ઝરડકિયું દિયે છે કે
ગ મ મ મ મ મ! નેસના ડુંગરા હલમલી હાલે છે.

એમાં રાજાને એકલું એકલું લાગવા મંડ્યું. ડુંગરાની ખોપો જાણે હમણાં ખાઈ જાશે એમ ડાચાં ફાડીને બેઠેલી છે. રાજાજી મૂંઝાઈને જ્યાં પાછળ નજર કરે ત્યાં કોણ? મનસાગરો પ્રધાન! "અરે મનસાગરા! તું આહીં કેવો?” “મહારાજને એકલા મૂકું તો મને કાળી ટીલી ચોંટે.” “અરે રંગ રે મારા મનસાગરા, રંગ.” મનસાગરાની સાથે અફીણ હતું તે ઘોળીને કસુંબા પીધા ત્યાં તો સૂરજ મહારાજે કિરણ્યું કાઢી. મનસાગરે અડખે પડખેથી આવળિયાં, બાવળિયાં, લપોળિયાં, ઝપોટિયાં વીણી લાવીને ચકમક ઝેગવ્યો. ઈંધણાંનો દેવતા પાડ્યો. અને પછી — 

વાલિયા ગાબુના વાડાની બજર,
અછોટિયા વાડનો ગળ
મછુની કાંકરી
અને ઊંડનું પાણી

કર્યાં ભેળાં. ચલમ ભરીને એવો દેવતા માંડ્યો કે ચલમ ઊંધી વાળો તો ય તિખારો ન ઝરે. હોકાની ત્રણ ફૂંક લીધી ત્યાં તો રાજાની કાયામાં કાંટો આવી ગયો. પણ આઠ પહોર થયાં અંજલિ પાણી નહોતું મળ્યું એનું કેમ? રાજાના ગળામાં કાંચકી બંધાઈ ગ‌ઈ. રાજા પાણી પાણી પોકારવા મંડ્યા. ઝાડે ચડીને મનસાગરે જોયું તો આઘેરાં જાનવર ઊડતાં જોયાં. જાણ્યું કે હાં, ત્યાં પાણીનું થાનક હશે. મનસાગરો પ્રધાન તો પંખીની પધોરે પધોરે પાણી ગોતવા ગયો. રાજા નજર કરે ત્યાં સામે જ કાળાન્તરનાં જૂનાં પાંચ દેવળ દેખ્યાં. ઝાડવાની ઘટા જોઈ. નિમેષ વાર થ‌ઈ ત્યાં તો ઘ ર ર ર ર! કરતો દખણાદી દિશામાંથી રથ ઊડતો આવે છે અને એ રથને પાંખાળા ઘોડા જોડેલા છે. આવીને રથ દેવળે ઊતર્યો. અંદરથી અપસરા નીકળી. નીકળતાં તો ત્યાં તેજનાં કિરણ પડી ગયાં. અપસરાએ રાજાને ભાળ્યો. દેવળમાં જ‌ઈને પૂજા કરી. પાછી નીકળી. ​રાજાની સામે આંખના તારલા નોંધ્યા. કંકુવાળા ચોખા કર્યા. નારિયેળ દેખાડ્યું. છ આંગળીઓ ઊંચી કરી. કટાર ઉઘાડીને પોતાના પેટ સામે ધરી. અને પાછી રથમાં બેસીને ઘ ર ર ર ર! રથને ઉડાડી મેલ્યો. રાજા તો ‘ઓ જાય! ઓ જાય!' એમ બોલતો રહ્યો. મનસાગરો પાણી લ‌ઈને આવે ત્યાં તો ‘ઓ જાય! ઓ જાય! ઓ જાય!' એમ જાપ જપાય છે. બીજી કંઈ શૂધબૂધ રાજાને રહી નથી. મનસાગરો કહે કે "અરે હે રાજા! શું તમે ગાંડા થયા છો?” “મનસાગરા, એક અપસરાનો રથ દખણમાં ગયો. અને એ મને કાંઈક નિશાની કરતી ગઈ. ઓ જાય! ઓ જાય! ઓ જાય!” “અરે ચુડેલ હશે, ચુડેલ! અપસરા કેવી? ચુડેલથી બી ગયા લાગો છો. થૂંકી નાખો, થૂંકી નાખો.” “મનસાગરા! હવે થૂંકાય નહિ. હવે તો એ અપસરા રાંધે તે દિવસે હું અન્નજળ લ‌ઉં!” “હવે અન્નજળ નહિ લ્યો તો જાશો મારા બાપ પાસે, છાનામાના પાણી પી લ્યો ને!” પણ રાજા તો એકનો બે ન થયો. એના ઘટડામાં તો ‘ઓ જાય! ઓ જાય! ઓ જાય!'ના જ સૂર બંધાઈ ગયા છે. મનસાગરાને લાગ્યું કે ના, ના! રાજા ગાંડો નથી. કાંઈક કૌતુક થયું હશે. મનસાગરો મંદિરમાં ગયો. જ‌ઈને જુએ ત્યાં તો કંકુ કેસરનાં પગલાં: ધૂપ: દીવો: અને ચોખા: અહાહા! અપસરા તો સાચી! નીકર મહાદેવની આવી રળિયામણી પૂજા ન કરે. પણ એની સમસ્યામાં એ શું સમજાવી ગ‌ઈ? મનસાગરો તો બુદ્ધિનો સાગર હતો. એણે એક પછી એક સમસ્યા લ‌ઈને પોતાના મનમાં અર્થ બેસાર્યો: શ્રીફળ અને ચોખા બતાવ્યા એટલે શું? હાં બરાબર; એનો મર્મ એ કે હે રાજા, હું તને વરી ચૂકી છું. પણ છ આંગળી એટલે? હાં, હાં, છ મહિના તારી વાટ જોઈશ. અને કટારી પેટ સામી ધરી એ શું? બરાબર, તું નહીં આવ્ય તો કટારીથી મારો દેહ પાડીશ. હવે એણે શંકરના પદમની પૂજા શા સારુ કરી? એનું નામ શું પદમાવતી હશે? હા, બરોબર એમ જ. પણ એનું ગામ કયું? હાં, એણે પદમ ફરતાં કનકનાં ફૂલ ગોઠવ્યાં છે: એટલે કનકાવતી નગરી હશે. એવો મર્મ ગોઠવીને મનસાગરો રાજાની પાસે આવ્યો. આવીને કહે કે "ઊઠ ઊઠ હે રાજા! તને આજથી છ મહિને એ અપ્સરાની સાથે ચાર મંગળ ન વરતાવું તો તને ફાવે તે સજા કરજે.” રાજા કહે કે "માથું વાઢી લ‌ઈશ અને નવો ગઢ ચણાવી ગઢને કાંગરે કાંગરે તારા માથાની રાઈ રાઈ વાપરીશ.” મનસાગરો બોલ્યો કે "હવે માથું કાપ્યા પછી તારે ગમે તે કરજે ને! પછી મારે ક્યાં જોવા આવવું છે!” રાજાએ તો પાણીબાણી પી, ચાર ચાર ફૂંક હોકાની લીધી. ત્યાં તો ધણણણણ! બાર બાર મૂઠ્યના કેફના તોરા ચડી ગયા. ડિલ કાંટે આવી ગયું. પછી દણણણણ! ઘોડે ચડીને પોતાની નગરીને માર્ગે મંડ્યા ઘોડા ફેંકવા! સાંજ પડ્યે મોરસર ભેળા થઈ ગયા. દિવસ પછી દિવસ વીતવા લાગ્યા. પણ રાજાનો જીવ તો પાણીમાં માછલું તરફડે એમ તરફડતો હતો. રોજ ઊઠીને આજીજી કરે કે "હે મનસાગરા, હવે ક્યારે જાશું કનકાવતી?” “રાજા વાજાં ને વાંદર્યાં, ત્રણે સરખાં! તમારે તો બાપુ, બીજો ધંધો જ નથી! કનકાવતી નગરી તે શું રસ્તામાં પડી છે? કોણ જાણે ક્યાં હશે?” મનસાગરે ત્રણ ત્રણ મહિના સુધી ગોત કરી. પણ કનકાવતી નગરીનો પત્તો ક્યાંય મળ્યો નહિ. ત્રણ જ મહિના રહ્યા અને દિવસ તો નદીઓનાં પાણીને વેગે મંડ્યા વીતવા. હવે કરવું શું? એક વાર મનસાગરો બજારમાં હાલ્યો જાય. ત્યાં તો જોગી ઓતરાખંડરો! કોઈક નાગડો બાવો: માથે વેંત વેંત લાંબા પીંગલાં લટુરિયાં ફરકે: ઘેરી ઘેરી આંખડીઓ: આખે ડીલે ભભૂતના થર: એક હાથમાં ચીપિયો, અને બીજા હાથમાં ખપ્પર લઈને ‘આલેક! આ....લેક!' કરતો ચાલ્યો આવે છે. મનસાગરો બોલ્યો: "બાવાજી, નમો નારાયણ!” “નમો નારાયણ, બચ્ચા! લેકિન કુછ ગાંજા નહિ, સૂકા નહિ, કુછ નહિ.” મનસાગરે ગાંજાની કળીઓ વીણી, પાણી નાખીને હથેળીમાં ચોળી, ચલમમાં ભરીને બાવાજીના હાથમાં આપી, ચકમક ઝેગવીને દેવતા ચલમ ઉપર ધર્યો. ત્યાં તો બાવાએ — 

આલેક ગરનારી દુલા
ભેજ ગાંજેકા પુલા
નજર કરે કરડી
સો મરે ટાંગા ઢરડી
સૂકા સાપ
ગાંજેકા બાપ
કડકડતી કાળકા
ભડભડતા મસાણ
ઉજડ ગામના હડમાન
મચા દે ઘમસાણ
ઠંડા પોરકી લેર
બાવા અબધૂતકી મેર
કોઈ પીવે ગાંજા ને
કોઈ પીવે ઝેર

— એમ બોલી ઝપટ મારી. ચલમને માથે વેંત વેંત ઝાળ ઊપડી. સાતમી ભોમકાને માથે બાવાનો જીવ ચડી ગયો. કેફનો તોરો લાગ્યો. બીજી કોર મનસાગરો પગ ચાંપવા મંડ્યો અને બોલ્યો કે, “ભલે! ચાર જગના જોગી, ભલે!” બાવો કહે: "બચ્ચા માગ, માગ!” “જોગીરાજ! બીજું કાંઈ નહિ, પણ મને કનકાવતી નગરીનો રસ્તો દેખાડો. હું ભૂલો પડ્યો છું.” “અરે કનકાવતી તો મેરે પાંવ નીચે ઘાસ ગઈ હે, દેખ, ઈધરસે બરડો ડુંગર, શેત્રુંજા ડુંગર, નાંદીવેલા ડુંગર. ઉધર દો રસ્તા તરેગા. જમણા રસ્તાસેં સાત કોસ કનકાવતી. ઔર ડાબા રસ્તાસેં તીન કોસ. લેકિન તુમ ડાબા છોડકે જમણા ચલના.” મનસાગરે રાજાને જાણ કરી. રાજાએ તો હાકલ કરી કે "હાં, થાય નગારે ઘાવ! રથ રેંકડા, ડેરા તંબૂ, દૂઠ દમંગળ લશ્કર સાબદાં થઈ જાઓ!” મનસાગરે હળવેક રહીને રાજાના કાનમાં ફૂંક મારી કે "કાં ભાઈ, કનકાવતી જઈને ગોળની કાંકરી ખાઈ આવ્યા છો ખરા કે?” “ના! કેમ?” “ત્યારે આવડી બધી તૈયારી શેની? ત્યાં કાંઈ સાસુ પોંખવા નહિ આવે. ત્યાં તો કાકાઓ છૂટી ડામણિયું મારશે તે બરડા ફાડી નાખશે, જાણો છો?” રાજાએ કાનની બૂટ ઝાલી. એક જ રથ લ‌ઈને બેઉ ભાઈબંધ અંદર બેઠા. ઠનનન! ઠનનન! ઠનનન! ઠનનન! રથ રોડવ્યે જાય છે. રસ્તામાં રાત રહેતા રહેતા નાંદીવેલાના ડુંગર પાસે બે રસ્તાને તરભેટે આવી ઊભા રહ્યા. મનસાગરે તો મૂંઝાઈને રથ થંભાવ્યો. હવે શું થાય? જોગીનું વેણ ચૂકી ગયા. ડાબે રસ્તે રથ હાંક્યો. મહા ઘોર ઝાડીમાં અટવાઈ ગયા. ચારેક ગાઉ રથે ગોથાં ખાધાં ત્યાં તો રાજાના માથામાં ચસકા નીકળવા મંડ્યા. ખોપરી જાણે હમણે નીકળી પડશે. રાજાનો પ્રાણ તો જાઉં જાઉં થાય છે. રાજા ચીસેચીસ નાખે છે. મનસાગરો તો મૂંઝાઈ ગયો છે. “અરે હે બાળારાજા! આ પરદેશી ધરતી છે. આપણે ભૂલા પડ્યા છીએ. તમે હરમત રાખો.”પણ હરમત ક્યાંથી રાખે? એક વાટપાડિયો ઝેરઝાળ નાગ જંગલમાં ચારો ચરે છે. અને —

બાર ગાઉમાં એનું ઝેર ફરે
ભોમધણી હોય એને ચડે.

એટલે કે બાર બાર ગાઉમાં એનું ઝેર છવાઈ જાય તે બીજા કોઈને નહિ પણ રાજના ધણીને ચડે. રાજાની રગેરગમાં ઝેર તો ચડવા મંડ્યું. સાંજ પડ્યે ઝેરઝાળ નાગની વાવ આવી ત્યાં તો રાજાનો જીવ દસમે દ્વારે પહોંચી ગયો. એકલા તાળવામાં જ ધબકારા રહ્યા. મૂંઝાઈને મનસાગરો ધા નાખે છે કે ‘એ ઠાકોર! એક હોંકારો દ્યો.' પણ રાજા ક્યાંથી બોલે? મનસાગરો વાવમાં પાણી ભરવા ગયો. અંદર ડોકિયું કરે તો અંધારી ઘોર ઊંડી વાવ: ચોળિયું પારેવું ત્રા વિસામા ખાય ત્યારે છેલ્લે પગથિયે પહોંચે એટલી બધી ઊંડી. અંદર પાંદડાં! પાંદડાં! પાંદડાં ખસેડીને મનસાગરે ખાબોચિયું ઉલેચ્યું. કાજળિયો ભર્યો. રાજાના માથા પર પાણી છાંટ્યું. પણ રાજાની મૂર્છા વળતી નથી. ત્યાં રાત પડી ગ‌ઈ. રાજા બેભાન છે. મનસાગરો ઢાલ, તલવાર અને ભાથો બાંધીને ચોકી કરવા મંડ્યો. અઘોર રાત જામી ગ‌ઈ છે. ત્રમ! ત્રમ! ત્રમ! તમરાં બોલે છે. દોઢેક પહોર રાત ગ‌ઈ ત્યાં વાવમાંથી ફરરરર! કરતાં પાંદડાં ઊડીને બહાર નીકળ્યાં. મનસાગરો વિચારે છે કે ‘આ શું કૌતુક? વગડામાં વંટોળ દીઠા, પણ વાવમાં કોઈ દી નથી દીઠા!' ત્યાં તો ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા. અને પછી તો ઝડાફ! ઝડાફ! કરતાં ઝાળના ભડકા નીકળ્યા. કાંઠે જે લીલા કંજાર ઝાડવાં હતાં એટલાં બધાં બળીને કાળાં ઝેબાણ બની ગયાં. થોડીક વાર થઈ ત્યાં તો —  ફૂં! ફૂં! ફૂં! એવાં ફૂંફાડા મારતો ઝેરઝાળ નાગ નીકળ્યો. મનસાગરો થોડીક વાર તો હેબત ખાઈને ઊભો થ‌ઈ રહ્યો, પણ જેમ જેમ સાપને ફૂંફાડતો જોયો, તેમ તો "અરે ફટ ફટ! હું કંકુવરણી ભોમકામાં પાકેલો છું ને આમ ડરીને મરીશ?" એમ બોલીને "ઊભો રેજે તારી જાતનો નાગ મારું!" કરતો ઉઘાડી તરવાર લ‌ઈને દોડ્યો. ખડ! ખડ! ખડ! નાગ હસી પડ્યો. સામે મનસાગરોયે હસ્યો: ખડ! ખડ! ખડ! નાગ કહે: "એલા, કેમ હસ્યો?” મનસાગરે સામે પૂછ્યું: "ત્યારે તું કેમ હસ્યો?” “હું તો એમ હસ્યો કે તું બહુ લોંઠકો થ‌ઈને ઉઘાડી તરવારે દોડ્યો આવ છ, પણ હમણાં હું ફૂંક માર્યા ભેળો તને બાળીને ભસમ કરી નાખીશ.” ​મનસાગરો બોલ્યો: "હવે બાળી જાણ્યો. એમાં આવડી બધી બડાઈ શું કરી રહ્યો છે? બસ બાળી જ જાણ છ? કે કે'દી કોઈનું ઠાર્યું છે ખરું?” નાગ વિચારમાં તો પડી ગયો. એટલે બરાબર લાગ જોઈને મનસાગરે ટોણો માર્યો કે, "આવી જા, રવદ બાંધ: કાં તો તેં બાળ્યાં છે એટલાંને ફરી વાર લીલાં કરી દે તો હું ઊઠબેસ કરું, નીકર તેં બાળ્યાં છે એને હું હમણાં લીલાં કરી દઉં તો તું ઊઠબેસ કરીશ? છે કબૂલ? અરે, આબરૂ ધૂડ થ‌ઈ જાય ધૂડ! મોટા શેષનાગે ઊઠબેસ કરી એમ માણસ વાતું કરે, ખબર છે?” નાગના હૈયામાં ધ્રાસકો પડ્યો કે ‘વાત સાચી! આ મારો બેટો માનવી જો ક્યાંક ઝાડવાં લીલાં બનાવી દેશે તો મારી આબરૂ પડી જાશે!' એ બોલ્યો: "એમ! જોવુ છે? આ લે ત્યારે!” એટલું બોલીને નાગે મોઢામાં અમૃતની કોથળી હતી તે દાબીને ફરરર કરતી એક ફૂંક મારી. ત્યાં તો બળેલાં ઝાડવાંનાં ઠૂંઠાને કૂંપળાં ફૂટી નીકળ્યાં. ચારે દિશામાં લીલવણી પથરાઈ ગ‌ઈ. લીલું લીલું થઈ ગયું. અને રાજાનીયે મૂર્છા વળી ગ‌ઈ. નાગ બોલ્યો: "લે, હવે તારા પેટની વાત કર.” મનસાગરો તાળી પાડીને બોલ્યો: "હા...હા...હા...હા...! તને કેવો મૂરખ બનાવ્યો, દોસ્ત! ગાંડિયા, એટલુંયે ન સમજ્યો કે કાળા માથાનાં માનવી તે ક્યાંય સૂકાનાં લીલાં કરી શકતાં હશે! મારે તો મારા રાજાને સજીવન કરાવવો હતો એટલે તારી પાસે અમી છંટાવ્યું, મૂરખા!” નાગને તો રૂંવે રૂંવે ક્રોધની ઝાળ થ‌ઈ, પણ હવે શું કરે? એની ઝેરની કોથળી તો ખાલી થ‌ઈ હતી! એ તો ફરીવાર છ મહિને ભરાય. ફેણ માંડીને નાગ બોલ્યો: "યાદ રાખ બેટમજી, સ્વાતનું નખતર વરસે, અધ્ધરથી એનાં ફોરાં ઝીલું, એનું હળાહળ ઝેર કરું અને તું જ્યાં હો ત્યાંથી ગોતીને ડંસ કરું. કરડ્યા ભેળો ત્યાં ને ત્યાં પાણી જ કરી નાખું!” “લ્યો ત્યારે બાપજી! લેતા જાવ! બોલ્યા એના ગણ!" એમ કહીને ઉઘાડી તરવારે મનસાગરો ઊછળ્યો અને એક ઘા ઝીંકીને નાગના બે કટકા કરી નાખ્યા. “લ્યો બાપા! સદગતિ કરજો તમારા જીવને! મૂંગા રહ્યા હો તો કાંઈ હતું?” નાગના કટકા બે ઘડી તરફડ્યા. રાજાએ અને મનસાગરે રથ હાંકી મેલ્યો. ઠણણ! ઠણણ! ઠણણણણ! આવી પહોંચ્યા કનકાપરીના પાદરમાં. જુએ ત્યાં પાદરમાં ફૂલવાડી હિલોળા લઈ રહી છે. માળી કિચૂડ! કિચૂડ! કોસ હાંકે અને ગાલે મસનાં ટીલાંવાળી ચાંપલી માલણ ભાત લઈ ચાલી આવે છે. મનસાગરે વિચાર્યું કે અજાણી ભોમકા છે, ઉતારા તો માલણને ઘેર કરીએ તો ફાવીએ. ચાંપલી માલણ બરાબર રથને પડખેથી નીકળી એટલે મનસાગરે નિસાસો નાખ્યો, ‘આ! હા! હા!' ચાંપલી કહે: "મારા પીટ્યાઓ! તમારાં માણસો મરે! અમારી લીલી વાડીને ઝાંપે નિસાસો શીદ નાખો છો?” મનસાગરો બોલ્યો: "અરે બાઈ! બેન! અમે નિસાસો તો એમ નાખ્યો કે અમારેય તારા જેવી બેન છે. એ પણ તારી જેમ જ મસનાં ટીલાં કરે છે. તને જોઈને અમને બહેન સાંભરી. આ લે બાપ, કાપડું!” એમ કહીને મૂઠી એક ભરીને સોનામહોર ઠાલવી દીધી. ચાંપલીએ તો ‘ભાઈ! ભાઈ!' કરતાં મીઠડાં લીધાં. ધણીનું ભાત આ બે ભાઈઓને ખવરાવ્યું અને ‘પીટ્યા, મારા ભાઈઓ આવ્યા છે' એમ પોતાના ધણીને સંભળાવીને મહેમાન ભેળી ઘેર આવી. ભાઈઓને માથે તો અનોધાં હેત ઢોળવા મંડી. મનસાગરો પૂછે છે: "હેં બેન! શું ધંધો કરો છો?” “ભાઈ! રાજાની કુંવરી પદમાવંતી છે.

પદમાવંતી શંકરની પૂજા કરે,
પુરુષ નામે ચોખો ન જમે,
એવાં પતિવ્રતાનાં વ્રત પાળે.

એની સારુ રોજ ફૂલની છાબ લઈ જાઉં છું.” “કાંઈ આલે ખરાં?” “ના માડી! વાડીમાં બકાલું કરી ખાઈએ. રાજભાગ ન લ્યે. દરબારમાં વીવા-વાજમ હોય તો ખીચડો જમીએ.” “અરે બેન! અમારા મલકમાં તો માળીની છાબ ખાલી ન જાય. લે, અમે તને આજ એવી કરામત કરી દઈએ કે તારો રોટલો વધે.” માલણ તો ફૂલડાં લાવી, તેને ગૂંથીને મનસાગરે ત્રણ પોશાક બનાવ્યા: ઓઢણી, ચણિયો અને કાંચળી. અંદર અક્કલ કામ ન કરે એવી નવરંગી ગૂંથણી કરી, અંદર કાગળની કટકી સંતાડી. ચાંપલી તો હરખનાં ડગલાં માંડતી છાબડી લઈને રાજમહેલે ઊપડી. પદમાવંતી બેઠી છે. સવા સવા વાંભની વેણીની લટો મોકળી મૂકી દીધી છે. કપાળે કેસર-કંકુની આડ્ય તાણી છે. અને — 

નમો શંકરા ઈસરા માય બાપા!
તુંજાં નામ લેતાં ઘટે કોટિ પાપા!

— એવા જાપ જપી રહી છે. ત્યાં છાબ આવી. દોથો ભરીને કુંવરીએ ફૂલ મહાદેવને ચડાવ્યાં. પોતે ફૂલનો પોશાક ધારણ કર્યો અને અંદરથી ચિઠ્ઠી નીચે પડી તે ઉપાડીને વાંચી — 

પાંચ દીઓળા પરસાળ,
એક નર દો ઘોડા હાથ,
એક નર નહિ ગંધ્રવ જસો
એ આવ્યા, એને ઉત્તર કસો!

વાંચીને પદમાવંતીનું હૈયું હાંફવા મંડ્યું. સમજી કે જેની વાટ જોતી હતી એ પરોણા આવી પહોંચ્યા. હવે જવાબ શી રીતે કહેવડાવવો? આ ચાંપલી ઓછું પાત્ર છે. જાણી જશે તો બદનામ કરશે. માટે એ બીવે અને ઓલ્યા સમજી જાય એવી સમસ્યા કરું. થાળમાં કંકુ-કેસરના થાપા ભરીને કુંવરીએ ચાંપલીને બેય હાથે અડબોત મારી. કંકુના આંગળાં છપાઈ ગયાં. ચાંપલી રોતી રોતી ઘેર આવીને કકળી ઊઠી: "ચૂલામાં જાય તમારી કરામત, પીટ્યાઓ!” રાજા બોલ્યાં કે "મનસાગરા, મંડો ભાગવા. આ તો આપણે ઘર ભૂલ્યા.” મનસાગરે તો ચાંપલીને મૂઠી ભરીને સોનામહોર દીધી. એટલે ચાંપલી પાછી રાજી રાજી થઈ ગઈ. રાજા પણ છક થઈ ગયો: "અરે મનસાગરા, આપણને ઘાણીમાં ઘાલી તેલ કાઢશે હો!” મનસાગરો કહે: "મહારાજ, સવામણની તળાઈમાં સૂઈ રહો. તમારું રૂંવાડું ય ફરકે નહીં. કાલ પદમાવતી સાથે તમારો હથેવાળો થાય. પછી શું? આમ જુઓ સમસ્યા.” રાજાએ કંકુનાં આંગળાંની છાપ ચાંપલીને ગાલે જોઈ. કંકુનો મર્મ રાજાને સમજાયો. રાજકુંવરીએ માવતરને સંદેશા મોકલ્યા કે ‘મારો સ્વયંવર આદરો.' આજ આટલે આટલે વરસે દીકરીએ પરણવાની હા પાડી તેથી રાજારાણીએ તો તાબડતોબ તૈયારી કરી. સ્વયંવર રચાણો. અલકમલકના રાજા આવ્યા. પદમાવતીએ તો રાજા મગરપ્રતાપને વરમાળા આરોપી. હાથી, ઘોડા, મ્યાના અને વેલ્યોની પહેરામણી લઈને પદમાવતી પોતાના ભરથાર સાથે પાંચાળમાં સિધાવ્યાં. રસ્તે નારંગીના તંબૂ જેવો એક લેલુંબ વડલો આવ્યો. એ વડલાને છાંયડે રાજાના રસાલાએ રાતવાસો રહેવા મુકામ નાખ્યા. રાવટીમાં રાજા અને રાણી પોઢ્યાં છે અને મનસાગરો બેઠો બેઠો ઉઘાડી તરવારે પોતાના ધણીની ચોકી કરે છે. અધરાતનો ગજર ભાંગ્યો છે. મનસાગરો ચંદ્રમાના ઝોકાર અજવાળાં જોતો જોતો જાગે છે. તે વખતે વડલાની ઘટામાં બે પંખીએ વાતો કરવા માંડી — 'અરે હે ગરુડ પંખણી!' 'શું કહો છો ગરુડ પંખી?' 'આપણે આંગણે આજ રાજારાણી મહેમાન છે, પણ આવતી કાલે એનું રાજ રાંડી પડશે!' કે' ‘કેમ?' કે' ‘આ રાજાને માથે આવતી કાલ્ય છ ઘાતો છે.' કે' ‘કઈ કઈ?' 'આંહીંથી રથ જોડીને હાલશે, એટલે એને માથે આ વડલાની ડાળ ફસકીને ત્રાટકશે અને રાજારાણીને કચરી નાખશે.' 'એમાંથી એને કોઈ ન બચાવે?' 'હા, કોઈ બીજે માર્ગેથી રથ હાંકી જાય તો રાજા-રાણી બચે. પણ થોડે જાશે ત્યાં બે ડુંગરા આવશે. જીવતું જાનવર વચ્ચે થઈને નીકળે કે તરત એ ડુંગરા સામસામેથી દોડીને ભટકાય છે. ત્યાં આ રાજા અને રાણી છુંદાઈ જશે.' 'એમાંથી બચે તો?' 'તો રસ્તામાં હીરાજડિત સોનાનો વેઢ પડ્યો હશે, તેમાં રાજાનો જીવ લલચાશે; લેવા જાશે કે તરત તંબોળિયો નાગ થઈને ફટકાવશે.' 'એમાંથી બચે તો?' 'તો ગામનો દરવાજો માથે પડશે.' 'એમાંથી બચે તો?' 'તો છેલ્લામાં છેલ્લી ઘાત રાતે આવશે. રાજા-રાણી બેય પહેલા પો'રની મીઠી નીંદરમાં પડ્યાં હશે તે વખતે એક કાળી નાગણી છાપરામાંથી નીકળશે, એના મોંમાંથી ઝેરનું ટીપું બરાબર એ સૂતેલી રાણીનાં ગાલ ઉપર પડશે. રાજા જાગીને ગાલ ઉપર બચ્ચી લેતાં જ ઝેર એના પેટમાં જાશે. પલકમાં એના પ્રાણ નીકળી જાશે.' 'પણ હે ગરુડ પંખણી! આ વાત જો કોઈ સાંભળીને કોઈ બીજાને મોંએ કરે તો એ કહેનાર માનવી પથરો બની જાય હો!' એટલી વાત કરી પંખી પોઢી ગયાં. મનસાગરાએ આ વાત કાનોકાન સાંભળી. પંખીની વાચા ઉકેલતાં એને આવડતું હતું. એના મનમાં થયું કે અહાહાહા! આટલે આવીને હું શું મારા ધણીને મરવા દ‌ઉં! સવારે રસાલો ઊપડ્યો. મનસાગરે પોતાની સાથે એક પોપટ ઝાલી લ‌ઈ લીધો. વડલાની જે ડાળ પડવાની હતી તેની હેઠળથી રથ ન હાંક્યો અને બીજે લાંબે મારગે આંટો ખવરાવ્યો. રાજા કહે: "આમ કેમ?” મનસાગરો બોલ્યો કે "બસ, અમારી મરજી!" આવો જવાબ સાંભળીને રાજાને ખોટું લાગ્યું. બરાબર બે ડુંગરા પાસે આવી પહોચ્યા. પાસે જ‌ઈને મનસાગરે પોપટને ઉડાડ્યો. બેય ડુંગરા પોપટને કચરવા દોડ્યા. ભટકાઈને પાછા વળ્યા, એટલે સડેડાટ રાજાના રથને મનસાગરે ઓળંગાવી દીધો. રાજાએ આ કૌતુકનું કારણ પૂછ્યું. મનસાગરો મૂંગો રહ્યો. રાજાને વધુ દુઃખ લાગ્યું: આ મારી સામે કોણ જાણે કેવાંયે કારસ્તાન કરી રહ્યો હશે! ઓહોહો! વાણિયાનાં પેટ આવડાં બધાં ઊંડાં! રાજાએ તો મનસાગરાની સાથે જાણે અબોલા આદર્યા. તોય મનસાગરાના અંતરમાં કાંઈ દુઃખધોખો નથી. એ તો રાજાના રથના મોઢા આગળ પોતાનો ઘોડો મૂંગો મૂંગો હાંક્યે જાય છે. ત્યાં તો સૂરજનાં કિરણોમાં ઝળળક! ઝળળક! ઝળળક! થતો વેઢ રસ્તે પડેલો છે. મનસાગરો ચેતી ગયો કે હાં! આ જ પેલા ગરુડપંખીએ કહેલો વેઢ. રાજાની નજર ચુકાવવા એણે પોતાના ઘોડાને વેઢ આડો ઊભો રાખ્યો. પણ ભાતભાતના રંગે ઝબૂકતો વેઢ એમ કેમ અછતો રહે? જાણે એમાં તો નીલમ, માણેક અને પદમ જડ્યાં હોય ને! “એ... એ ઓલ્યો વેઢ!" રાજાએ રથમાંથી બૂમ પાડી. "કોઈ પદ્મણીના હાથમાંથી પડી ગયો લાગે છે," એમ કહીને રાજા લેવા દોડ્યો. મનસાગરે જાણ્યું કે હમણાં રાજાનો પ્રાણ જાશે. એટલે રાજા પહોંચે તે પહેલાં તો મનસાગરે વેઢને પોતાના ભાલાની અણીએ ચડાવીને આઘે ફગાવી દીધો. ફુંફાડા મારતો તંબોળિયો થ‌ઈને વેઢ ચાલ્યો ગયો. પણ રાજાએ તો એવું કાંઈ જોયું નહિ. એને તો રૂંવે રૂંવે ઝાળ થ‌ઈ. ખિજાઈને એણે પૂછ્યું: "મનસાગરા! મારો વેઢ કેમ ફગાવી દીધો?” “બસ! અમારી મરજી!” સાચું કારણ તો મનસાગરો કેમ કરીને કહે? કહે તો પથરો બની જાય. અને હજુ તો રાજાને માથે ત્રણ ઘાત બાકી રહી હતી. મનસાગરો અબોલ રહ્યો. રાજાએ રોષે ભરાઈને દાંત ભીંસ્યા. આગળ ચાલ્યા, રાજધાનીનું પાદર આવી પહોંચ્યું. નગરમાંથી સાત વીસ સામંતો સામૈયું લ‌ઈને આવ્યા છે; ગામની બહેન-દીકરીઓ રાજારાણીને કંકુના ચાંદલા કરીને મીઠડાં લેવા મંડી છે. શરણાઈઓના ગળતા મધુરા સૂર ગાજી રહ્યા છે. દેવળે દેવળે નોબતો ગડેડે છે. કોટને કાંગરે કાંગરે ઘીના દીવા બળે છે. એવી રોશની અને રંગની છોળો મચી રહી છે, ત્યારે મનસાગરો ક્યાં ઊભો છે? મનસાગરો આ કલ્લોલમાં ભળતો નથી. એના મોં પર ચિંતાનું વાદળું ઝળુંબે છે. એ તો ઊભો છે સામૈયાના ઘોડાની વાટ જોતો. જરિયાની સરંજામમાં શોભતો ઘોડો પોતાની ઝગમગતી ઝૂલડીઓ ફરફરાવતો, હીરનાં ફૂમકાં ડોલાવતો, ઝાંઝરિયાળા પગ માંડીને રૂમઝૂમ રૂમઝૂમ નાચ કરતો કરતો, કેમ જાણે સૂરજના રથના સાત ઘોડા માહ્યલો એક હોય ને, એમ હાલ્યો આવે છે. કપાળ ઉપર માણેક-લટ ઝપાટા ખાઈ રહી છે. ‘એ મારો દેવમુનિ આવે! મારો કલેજાનો કટકો આવે! મારો આતમરામ આવે!' એમ રાજાએ હરખના બોલ કાઢ્યા. ઘણા મહિનાના વિજોગી ઘોડાએ સામી હેતની હાવળ દીધી. રાજા સામો દોડ્યો. પણ હજુ રાજા પહોંચવા જાય છે ત્યાં તો ધડ દેતી મનસાગરાની તરવાર ઘોડાની ગરદન ઉપર પડી. ડોકું ધડથી નોખું જઈ પડ્યું. અને તરફડ! તરફડ! ઘોડો ટાંટિયા પછાડવા લાગ્યો. પછી તો રાજાના કોપનો કાંઈ પાર રહે? રાજાનાં નાખોરાં ફૂલી ગયાં, હોઠ ધ્રૂજી ઊઠ્યા, કાયા કંપવા લાગી, રૂંવાડેરૂંવાડું બેઠું થઈ ગયું, ચહેરો તો ધમેલ ત્રાંબા જેવો લાલઘૂમ! મારું કે મરું! મારું કે મરું! મારું કે મરું! રાજાએ તરવાર ખેંચી. હમણાં માર્યો કે મારશે! પણ મનસાગરો? મનસાગરો તો માથું ઢાળીને હાથ જોડી ઊભો છે. કાંઈ બોલે કે કાંઈ ચાલે. એની આંખમાંથી તો અમી ઝરે છે. ત્યાં તો સાત વીસ સામંતો દોડ્યા આવ્યા. રાજાજીના હાથ ઝાલી લીધા. તલવાર આંચકી લીધી. મહારાજ! ધીરા પડો. ક્ષમા કરો. સાહસ કર્યે કદાચને વાંસેથી વિમાસણ થાય. સામૈયું તો હજી સાબદું થાય છે, રાજા ટાઢા પડીને સહુને હળેમળે છે, રાજકુટુંબના સુખસમાચાર સાંભળે છે. ત્યાં તો મનસાગરો સરકી ગયો. દરવાજે જઈ હુકમ દીધો કે "દરવાણી, દરવાજો પાડી નાખો.” દરવાણી ચમકીને બોલ્યો કે "મહારાજ, આ શું? પરણીને આવતા રાજાનું અપશુકન થાય?” “પાડી નાખો દરવાજો, નીકર માથું વાઢી લઉં છું.” એવી મનસાગરે ત્રાડ નાખી. દરવાણી બિચારો શું કરે? ચિઠ્ઠીનો ચાકર! પ્રધાનજીનો હુકમ! પચાસ મજૂરો વળગાડીને દરવાજો પાડી નખાવ્યો. બોલાવો માળીને! માળી આવ્યા. “દરવાજે ફૂલની કમાન ગૂંથી કાઢો — વાર લાગે નહિ હો!” પથ્થરની કમાનને ઠેકાણે ફૂલની કમાન ગૂંથાઈ ગઈ. ગાજતે વાજતે સામૈયું આવ્યું. રાજાજી જોઈ રહ્યા કે દરવાજાને કમાનની કાંકરી યે ન મળે! કે' “આ કોણે કર્યું?” કે' “મહારાજ, મનસાગરે પ્રધાને!” હાય! હાય! હાય! હાય! આવું અપશુકન! ક્યારે સવાર પડે ને કાળો ઘોડો અને કાળો પોશાક આપીને મનસાગરાને દેશવટે મોકલી દઉં. ત્યાં તો દરવાજામાંથી રાજાનો રથ નીકળ્યો. અને ઉપરથી ખ ર ર ર! ફૂલની કમાન પડી. રાજાના રથમાં તો ફૂલ! ફૂલ! રાજા-રાણી ફૂલમાં ઢંકાઈ ગયાં. રાજાને થયું કે ‘હાં! હરામી રાણીને રીઝવતો લાગે છે!” રાણીએ બત્રીસ જાતનાં ભોજન અને તેત્રીસ જાતનાં શાક બનાવ્યાં. રાજા જમવા બેઠા. માનસરોવરનો હંસલો મોતી ચરે એમ રાજાએ અનાજના ત્રણ ત્રણ નવાલા લીધા. સામસામા કોળિયા દેતાં રાજારાણી રંગે ચંગે જમી ઊઠ્યાં. રાતનો પહોર સોનાને સોગઠે અને હીરાજડિત ચોપાટ ખેલ્યાં. ફૂલડાંની સેજમાં પોઢી ગયાં. મુસાફરીના થાકથી મીઠી નીંદર આવી ગઈ. બિલોરી કાચમાં ચૂવાના તેલના દીવડા બળે છે. દીવા જાણે કે રાજારાણીના ગુલાબી મોં ઉપર મીટ માંડી માંડીને હસી રહ્યા છે. દેવડીની ઝાલરમાં બરાબર બારના ડંકા પડ્યા અને પહેરેગીરે ‘ખેરિયાત' પોકારી. એ વખતે રાજમહેલની પાછળ આવીને મનસાગરો ઊભો રહ્યો. એના હાથમાં ચંદનઘો હતી. એણે દીવાલ ઉપર ચંદનઘોનો ઘા કર્યો. મહેલની દીવાલે ચંદનઘો એવી તો ચોંટી ગઈ કે જાણે લોઢાનો ખીલો માર્યો હોય ને! પછી ચંદનઘોને જે દોરી બાંધી હતી તે ઝાલીને મનસાગરો ઉપર ચડ્યો. પાછલી દીવાલેથી રાજાજીનાં ઓરડામાં દાખલ થયો. હાથમાં ઉઘાડી તરવાર છે. અંગ ઉપર અંધારપછેડો ઓઢેલો છે. લપાઈને ઓરડાના ખૂણામાં સંતાઈ રહ્યો. એની નજર ઊંચે છાપરા પર ચોંટી છે. ત્યાં તો ફૂં ફૂં ફૂં ફૂંકારા સંભળાણા. કાળી નાગણી આડસર ઉપરથી નીકળી. ટપક! ટપક! ટપક! ઝેરનાં ત્રણ ટીપાં નાગણીની ફેણમાંથી ટપક્યાં. બરાબર રાણીના ગાલ ઉપર લી...લું કાચ ઝેર ટપકી પડ્યું. અંધારપછેડાવાળો મનસાગરો હળવાં હળવાં પગલાં ભરતો ભરતો પલંગ પાસે આવ્યો. ઓશીકે ઊભા રહીને એણે ડોકું નમાવ્યું; નમાવ્યું, નમાવ્યું, નમાવ્યું, તે ઠેઠ રાણીના ગાલ ઉપર હોઠ અડ્યા. લબરકો લ‌ઈને ઝેરનાં લીલાં ટીપાં એણે ચાટી લીધાં. પાણીની ઝારીમાંથી કોગળો કર્યો. ત્યાં તો ‘વોય!' કરતી રાણી જાગી. “કોણ છે!" કરતો રાજા ઝબક્યો. “કોઈક ચોર! કોઈકે મારે ગાલે ચૂમી ભરી!" રાણી થરથરતી બોલી. એનો સાદ ફાટી ગયો. “ઊભો રે પાપિયા!" કહેતા રાજાએ છલાંગ મારી. જુએ ત્યાં તો મનસાગરો! હાથ જોડીને ગરીબ ગાય જેવો ઊભો છે. “પાપિયા!" રાજાએ ત્રાડ દીધી. "એટલા માટે આ બધી રમતો કરતો હતો? મારી રાણી ઉપર તારી કૂડી નજર!” રાજાએ તો ખડગ ખેંચ્યું. રાણી થડક થ‌ઈ ગ‌ઈ. મનસાગરે માથું નમાવ્યું. બોલ્યો: "મહારાજ! જોજો હો, વાંસેથી વિમાસણ ન થાય.” “તો બોલ, આ કારસ્તાન સમજાવ!” “સમજાવવામાં કાંઈ સાર નથી.” “બોલ. નીકર ઘા કરું છું.” “ભલે! બોલીશ. માથે કાળી ટીલી લ‌ઈને મરું તેના કરતાં તો ભેદ ખોલીને જ કાં ન મરવું?” એમ વિચારીને મનસાગરે વડલાવાળા ગરુડ પંખી અને ગરુડ પંખણીની વાત માંડી. રાજા ને રાણી બેય સાંભળી રહ્યાં. વડલાની ડાળની વાત વર્ણવી, ત્યાં તો મનસાગરાના પગ ગોઠણ સુધી પથ્થર થઈ ગયા. “રાજાજી, રહેવા દ્યો. જુઓ મારા પગ પથરા બનવા મંડ્યા છે!” “નહિ. તું દગાબાજ છો. બોલ!” મનસાગરે જ્યાં ડુંગરાની વાત કહી દેખાડી ત્યાં તો કમર સુધીની કાયા પથરો બની ગ‌ઈ. “રાજાજી! હજી કહું છું રહેવા દ્યો!" પણ રાજા તે કાંઈ માને! વેઢલાની વાત પૂરી થઈ ત્યાં પેટનો ભાગ પથ્થર! ઘોડાની વાત કહેતાં છાતી સુધી પાણો થ‌ઈ ગયો. એકલું ડોકું જ જીવે છે. અવાજ બેસી ગયો. જાણે કોઈ ઊંડી ગુફામાંથી બોલતું હોય એવો ધીરો અવાજ આવવા માંડ્યો: "રાજાજી, હવે કે'વરાવો મા!" પણ રાજાની ભ્રમણા હજુ ભાંગી નહોતી. મનસાગરો એને જાદુગર લાગતો હતો. એણે કહ્યું: "આગળ ચલાવ.” મનસાગરે દરવાજાની કમાન તોડવાનો ખુલાસો કર્યો. ત્યાં તો દાઢી સુધી પથ્થર બની ગયો. જીભ ઝલાવા માંડી. “બોલ, છેલ્લો ભેદ ખોલી દે.” “હે રાજા! હું ઘડી બે ઘડીનો મહેમાન છું. આજ તો મારો કોઈ ગુણ તારે હૈયે નહિ વસે. પણ આગળ ઉપર કોઈક દી જો મનસાગરો સાંભરે તો તારા પહેલા ખોળાના દીકરાનું લોહી આ પથરા પર છાંટજે.” “મારે એ કાંઈ નથી સાંભળવું. મને તારા છેલ્લા પાપની વાત કહી બતાવ.” મનસાગરે નાગણીની વાત કરી. એની આંખોમાંથી આંસુડાં ચાલ્યાં જાય છે. હાથ જોડાય તેમ નથી. રાણીની સામે એણે તગ તગ નજર કરી. "બેન! બે...ન!” એટલું બોલતાં તો એ માથા સુધી પથ્થર બની ગયો. સવાર પડી ગયું છે. સૂરજનું અજવાળું થવા આવ્યું છે. ઘડી એક પહેલાં બોલતો ચાલતો માનવી પથ્થરનું પૂતળું બનીને ઊભો છે. એની આંખનું છેલ્લું આંસુડુંયે પથરારૂપે થીજી ગયું છે. સામે રાજારાણી પણ થંભી ગયાં છે. “અરરર! અમારે માથેથી છ છ ઘાત ઉતારનાર મનસાગરાની અમે આવી દશા કરી? છેવટ સુધી એનું કહ્યું માન્યું જ નહિ!' “મનસાગરા! ભાઈ, મનસાગરા! એક હોંકારો તો દે?" એવું બોલતો રાજા પથરાને ગળે બાઝી પડ્યો. એ ઓરડામાંથી રાજાએ પોતાની પથારી ફેરવી નાખી છે. ત્યાં મનસાગરાનું મંદિર બનાવ્યું છે. સાંજ-સવાર ત્યાં ધૂપ દીવા થાય છે, સિંદોર ચડે છે, ફૂલ ચડે છે, નિવેદ ધરાય છે. કોઈ વાર રાજા મૂંઝાય છે ત્યારે મનસાગરાના પૂતળાને ગળે બાઝીને ચોધાર આંસુડે રોઈ આવે છે. એમ કરતાં રાણી પદમાવંતીને નવમે મહિને સોળે કળાના ચંદ્રમા જેવો દીકરો અવતર્યો. દીકરાને મનસાગરાના ચરણમાં પગે લગાડ્યો. પણ દીકરાનું લોહી છાંટવાની છાતી હાલી નહિ. એમ કરતાં કરતાં વાત વીસરાઈ ગ‌ઈ. દીકરો મોટો થયો. રમવા જાવું ગમે નહિ. આવીને મનસાગરાના ઓરડામાં બેસે. બેઠો બેઠો રમે. એકવાર કુંવર શેરડી ખાય છે. ખાતાં ખાતાં ટચલી આંગળીએ છોતો વાગ્યો. લોહીનાં ટીપાં દડ દડ દડ દડી પડ્યાં. જ્યાં કુંવર મનસાગરાના પૂતળા ઉપર લોહી લૂછવા જાય, ત્યાં તો ઓહો! આ શું? પથરો જીવતો થયો! મનસાગરે કુંવરને તેડીને બથમાં લીધો. બચી કરવા મંડ્યો. બેય જણાની વાતો ચાલી. અરે! આ બે માનવી વાતો કોણ કરે છે? રાણીજી દોડ્યા આવ્યાં. “માડી રે! ભૂત! ભૂત! ભૂત!” “બહેન! હું ભૂત નથી. બીશો નહિ! હું મનસાગરો.... કુંવરનું લોહી અડવાથી સજીવન થયો છું.” રાજાજી દોડ્યા. "મારો મનસાગરો! મારો ભાઈ! મારો બાપ!" બોલી બાઝી પડ્યા. બેય ભાઈબંધોને હેતનાં ને પસ્તાવાનાં આંસુડાં આવ્યાં. નગરીમાં તે દિવસે ધામધૂમ જામી, ઘેરે ઘેરે લાપસીનાં આંધણ મુકાણાં.