પુરાતન જ્યોત/૧૭

Revision as of 07:31, 7 January 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


[૧૭]


શાદુળ ભગત ગયા, પણ પોતાની પથારી પર નહીં, સંત દેવીદાસની સૂવાની જગ્યાએ. એ પથારી રોગિયાઓના નિવાસઘરની ઓસરીમાં હતી. આ ઓસરી અમરબાઈના ઓરડાની પછીત તરફ એક ચોગાનમાં પડતી હતી. "કેમ શાદુળ ભગત, આવ્યા?” સંતે છેટેથી પૂછ્યું. “જાગો છો?" "હા બાપ, માલધારીને ઝાઝી નીંદર ક્યાંથી હોય? જાગવાની ટેવ જ પડી ગઈ છે. પણ તમે નીંદર કરતા નથી એ ઠીક ન કહેવાય.” “મારી નીંદર એક વાતે ઉડાડી દીધી છે.” "એનું નામ તે કાચી નીંદર. કાગાનીંદર, ભગત! પાકી નીંદર એમ ઊડે નહીં. શી વાત છે, કહો.” "જગ્યામાં અનર્થ થઈ રહેલ છે.” “શેનો?” "કોઈક માનવી આવતું લાગે છે!” “ક્યાં?” "કહેતાં જીભ કપાય છે.” "એ તે બધી દુનિયાઈ વાણી, બાપ શાદુળ! બાકી જીભ તો કુહાડાનાય ઘા ઝીલી શકે છે.” “અમરબાઈની પાસે કોઈક નક્કી આવતું હોવું જોઈએ.” “કેમ જાણ્યું?” "બોલાશ કાનોકાન સાંભળ્યો.” "આજ અત્યારે ને?" “હા.” . "મેંય સાંભળ્યો.” શાદુળ રાજી થયા. સંતે કહ્યું : "કોણ હતું? ઓળખી લીધું?" "ના, ગમે તે હો, પણ બહુ એકાન્તની વાતો થાતી લાગી.” “શાદુળ, મેં તો એ ભાઈને ઓળખી લીધા છે.” "કોણ? કોણ? —” શાદુળે અધીરાઈ બતાવી. "કહું? ગભરાઈશ નહીં કે?” "નહીં ગભરાઉં.” "ભેંસાણ ગામના ખુમાણ આપા શાદુળ ભગત પોતે જ.” "હું?” શાદુળ ભભૂક્યોઃ “હું તો તે પછી ગયેલો, હું તો ચોરને ઝાલવા ગયો'તો.” "આપણે પારકા ચોર ઝાલવા ન જાત તો જગતમાં પોણા ભાગની ચોરી ઘટી જાત, આપા શાદુળ! આપણે બધા જ ચોરોને ઝાલીએ છીએ, નથી ઝાલતા ફક્ત આપણા માંયલા ચોરને જ.” શાદુળને આ ઠપકો ન ગમ્યો. પોતાનો ઘરસંસાર ભાંગીને જગ્યામાં બેસી ગયેલ એક જુવાન બાઈ ઉપર સંત ચોકી કે ચોકસી નથી રાખતા એવી મતલબની ઘણી ઘણી વાતો શાદુળ ભગત બોલી ગયા. “હું ફરી ફરી કહું છું કે અમરબાઈના હૈયાની અડોઅડ શાદુળભાઈ તું જ હતો. ઓ ગંડુ કાઠી! તે વખતે પવન મારી પધોરે હતો. મારે કાનેય બોલચાલ પડી હતી. પણ હું તો હંમેશ રાતે, અહીં તારા આવ્યા પછી રોજ રોજ રાતે, એ બોલાશ સાંભળું છું. અમરબાઈ સ્વપ્નામાં લવે છે. એની ગોદમાં કોઈક નાનું બાળ સૂતું હોય એવું એને સપનું દેખાય છે. બાળકને હેત કરતી કરતી એ સાધ્વી બોલતી હોય છે કે, શાદુળ, બેટા, તું બહુ પગ પછાડ મા. બહુ જ બળ બતાવ મા. બળને સંઘરી રાખ, બળને જાળવી રાખ બેટા! પારકા ઢોલિયા ભાંગીને ભગત બન મા. મારાથી નથી જોવાતું. મને બીક લાગે છે કે તું ક્યાંઈક તારાં જ હાડકાંને ભાંગી બેસીશ.” શાદુળે પોતાના કાન પર પડેલા સૂરો યાદ કર્યા. એને એ વીતી ગયેલી સ્મૃતિ અસ્પષ્ટ આકાર ધારણ કરતી લાગી. "બેસ શાદુળ.” સંતે એનો હાથ ખેંચ્યો : “હું તને સમજાવું.” બાઘા જેવો બનેલો શાદુળ બેઠો. ચોપાસ કંસારીના લહેકાર બંધાઈ ગયા હતા. "શાદુળ, અમરબાઈનું તો નારીહૃદય છે. નારીનો પરમ આનંદ, સહુથી જોરાવર ભાવ, જણવાનો છે. હું જાણતો હતો કે અમરબાઈ આશાભરી પતિઘેરે જતી'તી તેમાં વચ્ચેથી અહીં ઊતરી પડી છે. હું ધારતો જ હતો કે અમરને ભોગવિલાસ હવે નહીં જ લોભાવી શકે, પણ એના જીવનમાં વહેલોમોડો એક સાદ તો પડશે જ પડશે. એ સાદ જનેતાપણાનો. હું ઝીણી નજરે જોતો હતો કે આપણી દાડમડીને દાડમ બેઠેલાં જોયાં, તે દી અમરે એકાએક દાડમ ઉપર છૂપાછૂપા કાંઈ હાથ ફેરવ્યા’તા – કાંઈ હાથ ફેરવ્યા'તા! મેં બરાબર જોયું’તું કે ગાયને વાછરું આવ્યું તે દી અમરે છાનામાના જઈ ને વાછરુને પોતાના હૈયા સરસું ચાંપી, પોતાની જીભે ચાહ્યું હતું! એ બધું જ નીરખી નીરખી મને મનમાં ફફડાટ પેઠો હતો કે મારે માથે શી થશે? ત્યાં તું આવ્યો ને તે પછી અમરે તને જણ્યો – સંગીત અને કળાના તારા પ્રેમને પ્રસવ્યો : પોતાના હૈયાના ગર્ભાશયમાંથી : શરીરની કુખેથી નહીં. તને જણી કરીને અમર સંતોષી બની, પ્રફુલ્લિત બની. તે પછી જ એની કાયા કોળી ઊઠી છે ભાઈ! ને તને જાણ્યા પછી જ જગ્યાનાં કામમાંથી એનો જીવ ઊઠી ગયો છે.” શાદુળ શાંત રહ્યો. થીજી ગયો. આ રબારીની નજર કેટલી ઝીણી! “તેં એને શું પૂછ્યું? કશું પૂછ્યું છે?” “હા, મારાથી ન રહેવાયું.” “શું પૂછ્યું?” “પૂછયું કે અહીં એરડામાં કોણ હતું?" “તને એવું પૂછવાને કોઈ હકદાવો હતો ખરો?" શાદુળે પોતાનું માથું એક હાથની હથેળીમાં ટેકવી મોં નીચું ઢાળ્યું. એણે એક છેલ્લો પ્રયત્ન કર્યોઃ “આ થાનક પવિત્ર રહેવું જોઈએ. જગતનો વિશ્વાસ જાય તો આપણું શું થાય?” સાંભળીને સંત સૌ પહેલાં તો પેટ ભરીને હસ્યા. હસતાં એણે શાદુળ ભગતની પીઠ થાબડી. થબડાટે થબડાટે હાસ્ય કરતા કરતા જ સંત બોલતા ગયા : “સાચેસાચ? અરે રંગ શાદુળ! તેં તો અવધિ કરી બાપ શાદુળ! અવધિ કરી.” પછી જરા ગંભીર બનીને ઉમેર્યું : "કોઈક વેપારી પેઢીનો તું ભારે સરસ ગુમાસ્તો બની શકત, હો શાદુળ! તારાં કમભાગ્યે આ તો ગુરુદત્તનો ધૂણો છે. લખમીની દુકાન નથી. ને ધૂણામાં તો બીજું શું હોય? રાખ. એ રાખના ઢગલા ઉપર બેઠેલ આ દેવલા રબારીને જગતનાં વિશ્વાસ-અવિશ્વાસરૂપી આભરણાની બહુ કોઈ કિંમત નથી, બાપ!” થોડી વાર રહીને ફરી પાછા એ હસવા પર ચડ્યા. કહ્યું : “હેં શાદુળ! સાચેસાચ તું આ થાનકની આબરૂની ચોકી કરવા સારુ ઉજાગરા ખેંચતો'તો? અમરબાઈના ઓરડા ભણી તું એટલા માટે જ ગયો’તો?” શાદુળને લાગ્યું કે જાણે પોતાની છાતી હેઠળ છુપાવેલું કોઈ લોહિયાળું ખંજર પકડાઈ ગયું હતું.