ભૂંસાતાં ગ્રામચિત્રો/1. ૨૮. ભૂતના વારસદારો

Revision as of 11:43, 13 January 2022 by KhyatiJoshi (talk | contribs)
1.


૨૮. ભૂતના વારસદારો


તાણેં ગામમાં ઘીજળી આયેલી નઈ.

હાંજ પડતી. દાદા મને કહેતા  : દલપત, બેટા, સગડી નં લાકડાં લાઈ રાખ્ય  : કાળા પાડા જેવું અંધારું ઊતરી આવે એ પેલાં ઉં દાદાનો રૂપેરી હુક્કો પાણી ભરી તીયાર કરું. કાકમમાં ખાંડેલી કોરીમોરી ગંધાતી તમાકુનો લાડવો, છોરાંને બેહવાનાં કોથરાં-ટાટિયાં, સગડીમાં મૂકવાનાં ટીટિયાં નં સળિયાં, ચારે પા — ચાર માંચા, ગોદડીઓ ઉં બધું ગોઠવું. પસે રાત્ય પડતી.

શિયાળાનો મુકામ આથી જુદો લાગતો.

ટેકરીઓની વચ્ચી વહેલું ગામ. પાંહે શાધરાં-કોતેડાંવાળી મહીમાતા વ્હે. રાત્યદંન એનાં ખળખળતાં પાંણી હંભળાય. વનરઈથી ભરેલાં કોતેડાંમાં શિયાળાં રહે. ઝાડવે ઝાડવે ઘૂવડ, ચીબરાં ને વણિયોર બિલાડાં.

ગામમાં નેળિયાં ખાસ્યાં ઊડાં. વાડવેલાથી રાત્યે એ ભૂંડાંભખ ભળાય. ઘરાંની લેણે વચ્ચી નવેળિયાં, હંતાવાની જગ્યો એમાં ઑય. આગળ ફળિયાં, ફળિયાંમાં ઢોરાં બાંધવાના માળા. હારબંધ ખૂટા રોપેલા. માળાઓ ઉપર સાંડ્યુંસૂથ્યું ઘાસ ભરેલું. પાછળ વાડા. વાડાઓમાં ઘાસફૂસના ઑગલા-ઑગલીઓ. પરાળના ઑગલા ધોળેદંન હોના જેવા પીળાપીળા તગતગે. દંન રૂપાળો લાગે. પણ બાપ! રાત્યનાં અંધારાં છવાતાં બધું કાળુંભખ. ઝાંડાં રાખસ જેવાં ભળાય, છોડવાંબાંટવાં ભૂતભરમ. ચંદરમા ઑય તોય કાંય ના કરી હકે. રાત્ય રોજ છોરાને છાતીએ આઈ વાગતી. લોક ટેવઈ જયેલું. હેતરે જાય-આવે. હૂવા જનારાય આથબત્તી ના રાખે. એમના પગોનેય આંખ્યો જાણે! ને પીઠ પૂંઠે ભાળે. રાત્યે મૉડે લજી ખળોમાં કાંમ ચાલે. છોરાં માને બદલે માના હાડલાની ગોદડીએ બાજી માંચે ઢબૂરઈ જાય.

તાણેં દાદા અમને વાચ્યો માંડતા.

પાંણીમાં પથરા જેવી શિયાળાની ટાઢીએમ રાત્ય ઑય, ઘરનાં ખઈપરવારી ઑલ્લાંઠાંમળાં કરી અડખે-પડખે બેહવા જતાં રહે. બ્હાર્યનો અંધાર આંધળો, ભેંત્ય થઈ જતો. દાદા ઘર વચ્ચીં સગડી ભડભડાવતા બેહતા. દેવતા ઘડી વાર ખઉ ખઉ કરતા બાબરાભૂત જેવો ભળાતો. આખી ચોપાડ રાતાપીળે અજવાળે થરથર કાંપતી ઑય એવી ભળાતી.

રૂપેરી ઉક્કો ગડગડાવતા દાદા. માથે ધોળા વાળ ધોળાંધબ દાઢીમૂછ. બગલાંની પાંખ જેવી પછેડી ઓઢી બેઠેલા દાદા, પેંપળાવાળાં જંત જેવા લાગતા. સગડીના લખલખતા દેવતામાં એમનો ચહેરો અંગારો જોઈ લ્યોં જાંણે! ઘરમાં ઘાસિયા માળા ગુફાઓ લાગે. માંય મેંશ જેવું અંધારું ઢાંસી ઢાંસી ભરેલું. મોટા ડુંગરા એવડા ઘરમાં આઘે ઊંડાં કોલા-કોડિયામાં અંધારાના ઢગલા જેવાં બળદ-ભેંસ બેઠેલાં ઑય, દંનભર કાધેલું નિરાંતે વાગોળતાં. એ જાનવરોની આંખ્યો તગતગે. બાચી આખ્ખા ઘરમાં મેંશનો મુકામ. કાળાં પાંણીમાં સગડીનો ટાપુ પાંણી પાણિયારાં, કપડાંની વાંહવળગણીઓ, માટીનાં કોઢી-કોઢારાં-ઘરમાં તોય બીજા મલકમાં ઑય એટલાં વેગળાં પડી જતાં. દાદાની વાત્યોમાં ઓગળી જતાં બધાં. ડિલે જૂનાં ડગલાં, બેસણે કૉથળાં કઈડે એવાં. ઘણાં તો ગોદડીમાં મોઢું ઘાલીને હાંભળે. હોલા જેવું કાળજું માંય ધબધબ ફફડ્યા કરતું.

શિયાળાં હુ… આ હુ… આ હુ… આ બોલતાં-રોતાં ઘરના કરા સુધી આવી લાગેલાં હંભળાતાં. કૂતરાં વ…હુ વ…ઉ વ…હુ ભસી ટાઢાં પડી જતાં. દાદા વાત્ય માંડતા. રાંમાયણ, માભારત દાદાને ફાવે નંઈ, એમાંથી થોડાક ટુકડા કહે, રાજા-રજવાડાં હાથે ચોરડાકુની વાત્યો કરે. બધું હાવ ખાલીખમ થઈ જાય, વગડાની વાંઝણી વાવ જેવું. પસે દાદા ભૂતાંની વાત્યોનો ભંડાર ખોલતાં. આથમાં ઉક્કો એમ જ ઝલઈ જાય. દાદો જંત-ભૂત-વંતરી હાર્યે વગડે સેમાડે, નદીવાવે, કૂવેપાદરે, તળાવકોતેડે, મંદિરમાદેવે ફરતા ઑય ને અમે હઉ એમની આર્યે ધક ધક ધક…

ભૂત ઘડીકમાં માંણહ થાય, ઘડીમાં કૂતરું, પાડો-ગધેડું થાય. ના ઑય તોય બોલતું હંભળાય. અમે અચંબે અટવાઈ રઈએ. દાદા ભૂત વંતરી, ચૂડેલ, શિકોતરનાં લખ્ખણ ગણાવે. એનાં ભાત્યભાત્યનાં ચેનાં બતાડે. વંતરી પૂંઠે પોલી ઢંઢ ઑય. જોઈ જઈએ તો ચીહ પડાઈ જાય, ભૂત દેવતા પેઠે હળગી ઊઠે, ઓળો થઈ જાય, પસે અલોપ. જે ફફડી જાય, હબક ખાઈ જાય એને તાવ ચઢે. ચ્યાંક ચ્યાંક તો માંણહો મરી જ્યાના ડાખલા સે. અમે મૂઢ જેવાં મોઢાં વકાસીને તાકી રઈએ દાદાને. દાદા કહે  : બીએ નંઈ એને ભૂતાં કાંય નો કરી હકે!  : પણ હાચું કઉં તો પેંપળાવાળાં જંતની વાત્યાં કરતાં દાદા જાતે જાણે જંત ઑય એમ અમે એમને હકબક ભાળ્યા કરતાં. બધાં ભૂતાંમાં જંત બાપડો વધારે ડાયો ઑય એમ લાગતું. એ ભોળિયો તે મોટો ભોગ માગે નઈ, પણ આ જંતે ગાંડો કરેલા વાંણિયાના છોરાની દાદે વાત્ય કયેલી તે દંન અમારીય ડાગળી ખહવામાં અતી. દેવ જેવો ડીચરો. હુકઈને લાકડું થઈ જ્યો. કોઈ પીરે એને હાજો કરેલો. એ હાંભળ્યા કેડ્યે અમારો જીવમાં જીવ આયેલો. હાશ.

પાદરને કૂવે રેહતી વંતરી, નવી વઉવારુનો વેશ લેતી. મધરાતે કે કવખતે નેકળેલાં વટેમારગુઓને દેખો દેતી. હેતરેથી વળતા ખેડુને અહતી હંભળાતી. કોઈને બેડું ચડાવવા મશે કૂવે બોલાઈ નેં પસે અલોપ થઈ જતી. જનારું અવાચક થઈ જાય. પાંહેના વડલાની ડાળોમાં ખખડાટ હંભળાય ને છેલ્લે આગનો મોટો ભડકો કાં ખડખડ અહવાનો ખણહારો. માંણહ ડરનું માર્યું ચીહ પાડી ઊઠે. ભલભલાના પોત્યાં પલળી જતાં. દાદા કે’તા કે ગાંમમાં કોઈ રજપૂતે વિધવા વહુની લાજ લીધેલી, પછી એ બાઈ બેજીવી થતાંમાં તો મારીને કૂવે નાંશેલી. એ રજપૂતાણી વંતરી થયેલી. રાંમજાણે! માયામાં, મરતી વેળા જીવ અટવાઈ જાય કે પસે કમોતે મરે એ બધાં ભૂતડાં થતાં. અવગત્યે જતાં એમ દાદા અમને હમજાવતા.

ગામ-પાદરના લેંબડા નેંચે દાદાએ યુવાનીમાં રાત્યે રમતી જોગણીઓ જોયેલી તળાવની પાળે રે’તો રગત્યો વીર, ઢાળે શેમળાના પોલા થડમાં વસતો બાબરોભૂત, ગાંમ વચ્ચી આંબલી પર રે’તી વગડાની અવડ વાવે પગથ્યે બેહી રહેતી વંતરી-વાદણ, વાંઘમાં રવડતો ધોળિયો પીર, ડુંગરાની તળેટીથી ઠેઠ ગામ હુધી ભટકતો ખોડિયો ભૂત — દાદાને આ બધાંનો વખતે-કવખતે ભેટો થઈ જ્યેલો. અમે એ હાંભળીએ ને ડિલે રૂંવાડાં ભાલોડાં જેવાં બેઠાં થઈ જતાં. દેઈમાં કંપારી વછૂટતી. ટાઢના હરોળિયા વળતા. છાતીમાં લોલક ઘડિયાળ હંભળાવા માંડતું, માથામાં વીજળીના ઝાટક્યા થતા. જીવ લે લબૂક થતો, ને અંધારું જાણે લપકારા મારતું.

મોટો થયા પછી કાલ લગણ મેય મારી હહ્હી આંખ્યે આ બધું ભાળ્યું સે. છોરાં કે મોટાં માંદાં થાય એટલે દોરાધાગા, માંલ્લાં — કડાકૂટ મંડાય. ભેંસ વેતર નાં આવે, તરોઈ જાય, દૂધ ના દે કે વાગોલે નઈ તોય દોરો ધૂપ કરતાં ઑય. ભૂવો દાંણા જુવે. દાણાનાં જોડકાં બંધાય ને વ્હેમ-કારણ સે એ પાકું થતું. ભૂવો ઉતાયણું કાઢે, રૂપિયા લે. મા ભેંસને ભેંસને શેંગડે ને પગે કાયમ દોરા-ધાગા બંધાવી રાખતી. માગવા આવતી ચાંમઠીઓ, વાદણોને વીજપડીઓ છોરાં કે ઢેરાંને ભરખી જતી. ડાકણી બાયડીઓ કાળી ચૌદશની રાત્યે નદીએ જતી, નાગડી થઈને મગર બોલાવતી, મંતરથી મગર આવે પસે એની પૂંઠે બેહીને ભરનદીએ મંતર સાધવા જાય. ભૂવા પણ અહોરાત્ય મહાંણોમાં સાધતા જાય ને ધૂણતા જાય. એક રાત્યે અમે દોસદારો હંપ કરીને હાંભળવા જ્યેલા, બીજે દંન કાંન્યાને તાવ આયેલો, પણ દોરો મંતરીને બચાવી લીધેલો.

મૉયણી નાખનારા ભૂવા હતા, મૂઠ મારનારી રાંડો હતી, ખાધેલું પેટમાં શીલી લઈ પથરો કરી દેનારી પાવરધી બાઈઓ હતી; ઊડતાં ચકલાં પાડનારી, લીલાંરાંહ ઝાડવાં હૂકવી મેલનારી ડાકણીઓ હતી. કેરી ભરેલો આંબો રાત્યોરાત્ય હુકાઈ જ્યેલો ને કેરીઓ ટપોટપ ખરવા માંડેલી તો મેંય ભાળેલી. બાપા એ કેરીઓ ઘરમાંથી કોતડે નાંશી આયેલા. લાંબા વરહો વીત્યાં નંઈ. નાંનપણના એ દંન અજી અસલ એવા નેં એવા સે.

રાત્ય પડતી ને વાત્યો થતી. ફલાંણાની રાંડે ફલાંણાને ભૂતાં મેલ્યાં સે. જઈ કાલ્ય રાત્યે ફલાંણાએ અડધી નદીમાં દીવા તરતા દીઠા’તા ઝાંડાં વળગતાં માંણહ પાસું થતું. આ તરાહથી બચાવ લોક ટૂચકાં કરતું નાયકા તો ઑય, પણ હુથાર ને લુવાર પણ ભૂવા થતાં બધા હાજરાહજૂર રે’તા. દવા કે ડાગતર કરતાં ભૂવા પહેલાં ઘરે આવતા. પાંણી મંતરાતું. ખાંડ/ગૉળ મંતરાતાં. ઊજણી નંખાતી મરચાંનો ધૂપ કરાતો. નજરો બંધાતી, બાધાઆખડીઓ થતી. ભૂત કૂકડાનો ભોગ માગતો. શિકોતર નાળિયેર લેતી, વંતરી સોળ શણગાર માંગતી ને શીરો ખાવા જીદ કરતી, રોજ વાઢ ગવાતા. સગડીના અંગારોમાં સાંકળો તપતી. પસે હાકોટા-સાકોટા આર્ય રાત્ય આખ્ખી માંલાં કુટાતાં. મળહકે કાંય બન્યું ના ઑય એમ ગાંમ ખેતીના કાંમે વળી જતું.

ગાંમના ઘાંયજાને બે બાયડીઓ હતી. નવી-જૂનીને બને નંઈ. આર્યે મલીને ઘાંયજે જૂનીને મારી કૂવે નાંશેલી એ હવારણ બઈ વંતરી થે’લી એક વખત ઊં હેતરેથી આઉં, અંધારાં વેરાઈ જ્યેલાં. ગાંમમાં દીવાય રાત્ય થઈ હેંડેલા. પાદરને કૂવે આવતાં પેલી મરેલી હવારણનું મડદું વરહો પે’લાં જોયેલું એ યાદ આયું, ડિલે ટાઢ ચડી. ત્યાં જ કોઈ બઈ માંણહનો બોલાશ હંભળાયો  : દલપતભાઈ, ઉં તમારી આર્યે આઉં?  : બોલાશ ઘણો મેઠો હતો. મારાં તો મોત્યાં મરી જ જ્યેલાં.

મને વાઢ્યો ઑય તો લોહીનું ટેપું પણ ના નેંકળે એવો થઈ જ્યેલો, ઉં મુઠ્ઠીઓ વાળીને આગળ વધ્યો. ફરી બોલાશ આયો  : ચ્યમ, બોલ્યા નંઈ દલપતભાઈ? ઉં આઉં… પસે તો ખખડાટ અને આગનો ઓળો ખબર્ય નંઈ ઉં ચ્યમ કરતો ઘેર પહોંચ્યો હઈશ. પશાકાકા લુવારે દોયડો કર્યો તાણેં બે દંને તાવ ખઠેલો.

ડુંગરે ને માદેવે મધરાતે દીવા ફરતા જોયા સે. તળાવની પાળે જોયેલો. લોક કહેતું કે પઇણવા નેંકળેલો ઠાકોરનો ડીચરો વાટ્યમાં જ મરી જ્યો. એ અજીય ઘોડે બેહીને નેંકળે સે. ગાંમમાં આવે સે. એના ઘોડાના ડાબલા તો મેં હઉ હાંભળેલા ભાગતી રાત્યે હેતરે હૂવા જનારા તો લાંબી વાત્યો માંડતા. ભૂત આર્યે ગોઠિયાપણાં બાંધનારાય હતા. દા’ડાઓ લજી દાદાની વાત્યોએ અમને થથડાવેલાં. દાદા તો માંણહોની વાત્યો ઑય એમ ભૂતડાંની વાત્યો કરતા. અંધારું તાણથી મને કાળ જેવું લાગવા માંડેલું. આજે તો એ કોઠે પડી જ્યું સે. પણ દાદાએ કરેલી એક છેલ્લી વાત્ય અજી લજી ભુલાઈ નઈ. મારા ગાંમમાં ‘ભૂતિયોનાં ઘરાં નામનું ફળિયું સે. દાદાએ મને કયેલું કે એ ઘરાં ‘ભૂતિયોનાં ઘરાં’ ક્યમ કેવાયાં એ ખબર્ય સે તને?’ દાદાએ આખી વાત્ય આમ ક્યેલી  :

‘વરહો પેલ્લાંની વાત્ય. એ ધરાંનો મોરવી નારણ ચાળી વરહની ભરજીવાંનીમાં ઓચમતો મરી જ્યો. હાંજ પડવા આયેલી. બધાંએ ઠરાયું અતારે મડદું કાઢવું ને બાળી આવવું. જુવાંનજોધ મૈણું, રાંત્યભર ઘરનાં કકળાટ કરે એ હારો નંઈ. દંન બૂડ્યો અશે ને અમે મડદું લઈ નેંકળેલા. મારી ઉંમર તાણે આખી વીહ વરહનીય નંઈ. નદીકાંઠે ઉગમણે ઘઉં હેંડીએ પસે સમશાંન આવે. વાટ્યમાં પેંપળાના ઝાડે થાક ખાવા ઊભા રયા. કેટલાક લાકડાં લઈ પાસળ આવતા’તા ઉતાવળમાં, મડદા આર્યે કવાડી કે કટારી એવું હથ્યાર બાંધવાનું વિહરી જેલા. પોંરો ખઈને જેવા આગળ વધતા’તા. તાં તો હાળો નાયણો બોયલો  : મારું મુઢું ચ્યમ ઢાચ્યું સે? સવાસ નંઈ લેવાતો. ઉઘાડો. ડાઘુ તો અચરત પાંમી જ્યાં. કવતક થ્યું. મોટાંને ફડક પેઠી… નક્કી અથ્યાર વના નેંહર્યા ને કવખતે પેંપળે અડચ્યા એટલી જંત પેહી જ્યો લાગે સે. પણ અવે થાય હું? મૂંગા ર્‌યા.

ઝટઝટ નનાંમી ઉકેલી નાંશી. નાયણો તો મડદું મટી બેઠો થ્યો  : ઉં તો જીબ્બાનો. કેતો નાયણો ઘરની વાટી હેંડ્યો. આખુંય ગાંમ હેબતઈ જેલું. પણ બોલે કુણ? દઈનો ભા! બાઈડી રતનીએ હેવાતણ ફોડી નાંશેલું. પસી તો ફરી પ્હેર્યું. જીવતર આનંદમાં મંડાયું. ગાંમે ગાંમે વાત્યો થઈ, લોક જોવા આવ્યું ને ભૂલી જયું.

નાયણો આંમ ભોળો, ભલો. કાંમથી કાંમ. નબળી વાત્યોથી નવગજ આઘો. દાડા હેંડ્યા. વસ્તાર નોતો એણે ઠેકાંણે નાયણાની વહુએ છ વરહમાં તઈણ તઈણ ડીચરા જણ્યા. લીલી વાડી થઈ. માંદો રેતા નાયણાના નખમાંય રોગ ના ભળાયો. રાત્યદંન ટાઢતાપ વરહાદ જોયા વના નાયણે કાંમ ફૂટ્યે રાસ્યું. નાયણો મદડેથી જીવેલો એ હઉ ભૂલી જ્યું. નાયણો નાત્યમાં પંકાયો.

તઈણે ડીચરાઓ હારું તઈણ ઘરાં બાંધ્યાં. હૌને પઈણાયા-પૂંખાયા. નાયણાની કાયા ઘયડી ભળાવા માંડી.

એક વખત ઉનાળું દંન તપે. નાયણો ડોહો ઘરનાં નળિયાં ચાળતો. ફળિયે ફકીર માગતો ઊભો. બૂમ પાડી. ઘરમાંથી કોઈ બોલ્યું નંઈ, ઘર માથેથી નાયણો ડોહો બોલ્યો  : ચલે જાઓ બાપજી… તમારે જેસે તો ઘણે આવતે હય. કોઈ નવરા નઈ હય દેવા હાટું.

ફકીર ચોંક્યો. એની નજર પડી નાયણા ડોહા પર. એ બરાડી ઊઠ્યો  :

અરે! પાજી તુમ ઈધર? તુમ ઇન્સાન નહીં હો! તુમારી આવાજ… લોકો એકઠાં થઈ જેલાં. ફકીરે ચપટી રાખોડી ફેંકી  : તુમ અબ ઇધર નહીં રહ સકતે  : બસ. નાયણા ડોહો ખખડતો ગબડતા નેંચે આવી મડદું થઈ પડ્યો. પાદરે પોંચેલા ફકીર પાસળ આદમી દોડ્યા. ફકીરે કયેલું કે એ આદમી નઈ એના ખોળિયામાં જંત અતો. નાયણો ડોહો તો બાળી કુટાયો, પણ એના ઘરાં ‘ભૂતિયાં ઘરાં’ તરીકે નાત્યમાં ગવાઈ જ્યાં. આજેય એ નાંમે ઓળખાંય સે. ભૂંતાંવંતરાં ઑય કે ના ઑય, દલપત! આ તો મેં મારી હગ્ગી આંખ્યે જોયેલી વાત્ય સે.

આજે તો દાદા નથી. નાયણા ડોહાને હૌ ભૂલી જ્યા અશે. નદીનાં કેતેડાં પુરઈ જવા આયાં. વનરાઈ કપઈ જઈ. ઘૂવડ ઊડી જ્યાં. શિયાળાં ખપી ખૂટ્યાં. ગાંમમાં વીજળી દીવા આયા, સડકની કાળી લીટી પડી ગઈ સે. પણ અજી ગાંમમાં ભૂવા સે, હાવ આથમી જ્યા નથી. દોરાધાગા થાંય સે. ઉં પેલા નાયણા ડોહાના તઇણે ડીચરાઓના ડીચરાઓના નવી રીત્યભાત્યનાં લૂગડાંમાં ફરતા જોઉં સું, રેડિયા વગાડતા હાંભળું સું. મારા મનમાં નાયણો ડોહો, જંત અને દાદા આરબંધ ઊભા રઈ જાંય સે.

[૧૯૮૭ : મોટાપાલ્લા]