ઝંડાધારી — મહર્ષિ દયાનંદ/ત્રણ અવાજ

Revision as of 07:38, 17 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રણ અવાજ|}} {{Poem2Open}} <center>૧</center> જેના કિનારાને ઘુઘવતો મેરામણ મોત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ત્રણ અવાજ

જેના કિનારાને ઘુઘવતો મેરામણ મોતીની છોળો ઉછાળીને દિવસરાત ધોઈ રહ્યો છે એવા આ સૌરાષ્ટ્ર દેશને જાણે એના સર્જનહારનું એક વરદાન છે. જ્યારે જગત માર્ગશૂન્ય બને, જ્યારે ભારતવર્ષમાં અંધકાર છવાઈ જાય, ત્યારે અંધારે અથડાતા એ જન-સમુદાયને જીવનપંથે દીવો ધરનારો એકાદ ઝંડાધારી અવધૂત આ સૈારાષ્ટ્રની ઝાડીઓમાંથી નીકળે છે. બે હજાર વર્ષ પૂર્વે, કનકના કાંગરાએ કરી એ કાળની દુનિયાને અમારાપુરી જેવી લાગતી કનકમયી દ્વારામતીના સિંહાસનેથી, કુરૂક્ષેત્રના સમરાંગણ ઉપર અર્જુનને ફરીવાર ગાંડિવ સજાવનારી ગીતાના ગાનારા શ્રી કૃષ્ણચંદ્ર સૈારાષ્ટ્રમાથી લાધ્યા. શ્રી યદુનન્દને રચેલા એ કીર્તિમંદિર ઉપર જાણે સુવર્ણ-કળશ ચડાવવા, આજથી બરાબર એકસો એક વર્ષ પૂર્વ,વેદોદ્ધારક બ્રહ્મમૂર્તિ દયાનંદ સરસ્વતી આ ટંકારાની ધરતીમાંથી પ્રગટ્યા. અને આજે યોગીએામાં યોગીશ્વર સમા, તપસ્વીઓમાં તપસ્વીવર સમા, બુદ્ધિપ્રતિભા અને હૃદયઔદાર્ય વિશ્વવંદ્ય બનેલા મોહનદાસ ગાંધી પણ સૌરાષ્ટ્રનુંજ રત્ન છે. જગગતના તારણહારોની કોટિમા સ્થાન પામે એવી આ ત્રણે વિભૂતિ એ ભારતવર્ષને ચરણે સૈારાષ્ટ્રની ભેટ છે. એ સૈારાષ્ટ્રનું સુભાગ્ય છે. એ સૈારાષ્ટ્રનો મોંઘો ભાગ્યાધિકાર છે.

કૃષ્ણચંદ્ર, દયાનંદ, મોહનદાસ; એ વિભૂતિત્રય માંહેના મધ્યસ્થ મહર્ષિ દયાનંદ સરસ્વતી-પૂર્વાશ્રમના મૂળશંકરનું જન્મસ્થાન મોરબી રાજ્યના ટંકારા પાસેનું જીવાપર ગામ. વનરાજ કેસરીઓ જેમ સૌરાષ્ટ્રનાં ગિરિગહ્યરોમાંજ નીપજે છે તેમ આ પુરૂષસિંહે પણ મોરબીના એ પહાડી પ્રદેશમાં, ૧૮૨૪ની સાલમાં, એક અષાઢી સંધ્યાએ તેની બાળ-આંખો ઉઘાડી આ સૃષ્ટિને પ્રથમ પહેલી નિહાળી, એના પિતાનું નામ કરસનજી. પિતાને ક્યાંથી ખબર હોય કે તેને ઘેર આર્યત્વનો ઉદ્ધારક અવતર્યો છે? એટલે, પુત્રજન્મથી હર્ષઘેલાં બનેલાં માતાપિતાએ તો જેમ સામાન્ય પુત્રનો જન્મ ઉજવાય તેમ આ મૂળશંકરને જન્મ ઉજવ્યો. જીવાપરના જમીનદારના ગૃહને શોભે તેવી રીતે કરસનજી મહારાજે મૂળશંકરના જન્મની વધાઈના આખા ગામમાં ગોળધાણા વહેંચ્યા. મૂળશંકરના પિતા કરસનજી ગામના મુખ્ય જમીનદાર હતા, ખેડુતોના શરાફ હતા, અને સાથે સાથે મોરબી રાજ્યની જમાદારી કરતા. તેમની જ્ઞાતિ ઐાદિચ્ય બ્રાહ્મણ અને તેમનો ધર્મ શિવધર્મ. કુટુમ્બ વિશાળ હતું. ઘર આંગણે લક્ષ્મીદેવીની કૃપાવૃષ્ટિ વરસતી. આખા પરિવારની શિવજીમાં અચળ આસ્થા ઉભરાતી. સૌના મ્હોં ઉપર ધર્મશીલતાની રેખાઓ અંકાયેલી રહેતી. કરસનજી ત્રવાડી તો અહોરાત્ર શિવ-ઉપાસનામાં જ મગ્ન રહેતા! એવા ધર્મમય વાતાવરણમાં મૂળશંકરનાં પ્રથમ પાંચ વર્ષ ખૂબ લાલનપાલનમાં વીતી ગયાં. કળી ઉઘડીને ખુશબુદાર ફુલ ખીલવા માંડ્યું. મૂળશંકરને માયાભર્યા પિતાએ દેવનાગરી કક્કો શીખવવો શરૂ કર્યો. ધર્મગ્રંથોમાંથી શ્લોકો ચૂંટી ચૂંટીને એનો મુખપાઠ મંડાયો. આઠમે વર્ષે યજ્ઞોપવીત-સંસ્કાર કરવામાં આવ્યા. ત્યાર બાદ તે સંધ્યાના મંત્રો અને વેદગાયત્રીના શ્લોકોનું ​શિક્ષણ જોશભેર ચાલ્યું, પિતા કે કાકા જ્યાં જ્યાં યજમાનોમાં કથા વાંચવા કે યજમાનવૃત્તિ કરવા જતા ત્યાં ત્યાં મૂળશંકરને સાથે જ લઈ જવાનો શિરસ્તો પડી ગયો. પુત્રને કુલધર્મમાં પાવરધો કરવાની પિતા ખૂબ કાળજી રાખતા. મૂળશંકર પાછળથી, પોતાને અને પૂર્વજોને પગલે ચાલે અને ચૂસ્ત શિવ તરીકે કુટુમ્બનો વારસો શોભાવે એ કરસનજી ત્રવાડીના જીવનની એક પ્રબળ અભિલાષા હતી. એ ઉદ્દેશથી ત્રવાડીજીએ મૂળશંકરને શિવાલયે સદા સાથે લેવા માંડ્યો. તેને શિવપૂજા શીખવી. શિવરાત્રિએ અને એવાં મહાપર્વોએ ઉપવાસ વગેરે વ્રત આચરવાનો ધર્મ એના અંતરમાં ઉતાર્યો. એવા દર પર્વે ધર્મ ઘેલા પિતાજી મૂળશંકરને ઉપવાસની ફરજ પાડતા; અને મૂળશંકર મહાવ્યથાપૂર્વક એ વ્રત આચરતો. કેટલી યે વખત એવી ફરજથી તેને બહુ કચવાટ થતો. ભૂખ વેઠાતી નહીં, અને પિતાની બીકે ઉપવાસ તજાતો નહીં, આખરે પુત્રવત્સલ માતા વચ્ચે પડી મૂળશંકરનું દુઃખ ટાળતી. આ છતાં, પિતાને પુત્રનો વિકાસ જોઈ સંતોષ રહેતો.

મૂળશંકર ચૈાદ વર્ષનો થયો, એ વર્ષની મહાશિવરાત્રિએ એના જીવનમાં એક એવો પ્રસંગ બની ગયો કે જેણે તેની જીન્દગીના જહાજની દિશા જ બદલી નાંખી અને તેના પિતાની બધી આશાઓના ચૂરેચૂરા કરી નાંખ્યા. સિદ્ધાર્થકુમારને વૃદ્ધાવસ્થા અને મૃત્યુનું — માનવદેહની ક્ષણભંગુરતાનું જ્ઞાન થયું અને જગતને નિર્વાણ બોધનારા બુદ્ધદેવ મળ્યા: તરૂણ ન્યુટને વૃક્ષ ઉપરથી ફળને નીચે પડતું જોયું અને વિશ્વના વિજ્ઞાનમાં પલટો લાવનારા ગુરૂત્વાકર્ષણનો નિયમ આપનારા વિજ્ઞાનાચાર્ય ન્યુટનની દુનિયાને પ્રાપ્તિ થઈ: તેમ એ મહારાત્રિ પણ મૂળશંકરના અંતરમાં, આર્યત્વના ઉદ્ધારક પરમ યોગીવર દયાનંદ સરસ્વતીની ​સ્થાપના કરનારી પરિવર્તન-રાત્રિ બની ગઈ. એ રાત્રિને સ્વામીજીના અનુયાયી-સંઘ ‘દયાનંદ બોધ ઉત્સવ' તરીકે ઉજવે છે. જીવનમાં એ પ્રસંગ ન આવ્યો હોત તો? તો દંભ, પાખંડ, અધર્મ અને અનાચારની સામે સિંહગર્જનાએ ગર્જી, એ દાનવના સામ્રાજ્યને જમીનદોસ્ત કરનાર અને હિંદુત્વના સૂર્યનો પુનરૂદય સિદ્ધ કરનાર સતનો લડવૈયો કદાચ, ભારતવર્ષને ન લાધત; તો મૂળશંકરને કુટુમ્બની પ્રતિષ્ઠા સાચવનારો પુત્ર તૈયાર કરવાની કરસનજી ત્રવાડીની મહેચ્છા સફળ થાત. પણ કિરતારની ઈચ્છા મૂળશંકરને માત્ર જીવાપરનો જમીનદાર બનાવવાની નહીં, પણ તેને કૃષ્ણ અને બુદ્ધ, ક્રાઈસ્ટ અને મહમદ, કેાન્ફ્યુશીયસ અને નાનકદેવ જેવા ધર્મ વીરોની હરોલમાં ઉભનારા પયગમ્બર બનાવવાની હતી. અને આખરે તો, પરમેશની ઈચ્છા જ પાર પડે ને? એ ૧૮૪૦ની સાલ મહા મહિનાની અંધારી ચૌદશને શૈવો શિવરાત્રિનું મહાપર્વ ગણીને ઉજવે છે તે મુજબ, એ વર્ષની શિવરાત્રિએ મૂળશંકરને સાથે લઈ કરસનજી શિવમંદિરે ગયા. આખી રાત પૂજનવિધિ ચાલવાની હતી. સો પૂજારીઓએ જાગરણ કરવાનું હતું. પણ આખો દિવસ ઉપવાસ રાખીને લોથ બની ગયેલા મૂળશંકરના પિતા અને તેમના સાથીઓ આખી રાતનું જાગરણ કરી શક્યા નહિ, શિવલિંગ પ્રત્યે નજર રાખી, એકાગ્ર ચિત્ત માળાના પારા ફેરવતા બધા ફેરવતા બ્રાહ્મણદેવોની આંખો ઘેરાઈ અને સૌ પોતપોતાને આસને ધીમે ધીમે ઢળી ગયા, મધરાતને સમયે માત્ર જાગતો બેઠો હતો એક મૂળશંકર. શિવાલય, ગામને પેલે પાર સ્મશાનને કાંઠે ઝાડીમાં અટૂલું ઉભું હતું. અંધારી ચૈાદશનો ચોમેર અંધકાર જાગ્યો હતો. સર્વત્ર મધરાતની ભયાનક શક્તિ વર્તતી હતી. એ વાતાવરણમાં, મહા મહિનાની દુઃસહ ટાઢથી ધ્રુજતો અને શરીર સંકોડાતો ​મૂળશંકર શિવાલયના એક ખુણામાં ગુપચુપ બેઠો હતો. નિદ્રાને હઠાવવા તે વારંવાર પાસેના વાસણમાંથી પાણી લઈ અાંખો ઉપર ચોપડતો હતો અને ટાઢને ઓછી કરવા ધીમે ધીમે સાદે, થોડી થોડી વારે, સંસ્કૃત શ્લોક બોલતો હતો. આખા શિવાલયમાં માત્ર શિવલિંગ પાસે ધીનેા ઝીણો દીવો ટમ ટમ બળતો હતો. એકાએક કંઈક સંચાર થયો. મૂળશંકરે સાવધ બની અવાજની દિશામાં કાન માંડ્યા. સંચાર વધતો ચાલ્યો. તે સાવધ બની ઉભો થયો, અને શિવલિંગ પાસે પહોંચ્યો. તેણે જોયું તો ઉંદરડાઓ શિવજીના લિંગ પર દોડાદોડી કરી રહ્યા હતા અને તેમની પાસે ધરાયલી પ્રસાદી પ્રસન્નતાપૂર્વક આરોગતા હતા. મૂળશંકર સ્તબ્ધ બની ગયો. તેણે પળવાર પોતાની સામેના દૃશ્યને સાચું ન માન્યું, પણ ત્યાં તો, મૂળશંકરને મૌનભાવે ઉભેલો ન દેખનારા મુષકોએ જોરશોરથી દોડાદોડી માંડી. ઉંદરોએ શિવજીના માથા ઉપર નાચ માંડ્યો અને શિવજીના દેહને ગલીચ કરવા લાગ્યા, મૂળશંકરથી એ ન જોવાયું. ‘આ શિવજીની મૂર્તિ? વિશ્વનો પ્રલય કરવાનું સામર્થ્ય ધરાવનારા ભગવાન રૂદ્ર આ પોતે? કૈલાસના સ્વામી, કરમાં ત્રિશૂલ ધારનારા, વૃષભરાજ ઉપર સવારી કરનારા, ડમરૂ બજાવનારા, તાંડવનૃત્ય કરનારા, સ્વેચ્છા મુજબ આ જગતના પ્રાણીઓ ઉપર શ્રાપ કે આશીર્વાદ ઉચ્ચારનારા, સકળ નિયંતા શિવજી આ હોય? અને એવા પરમ સામર્થ્યના પતિ આ મુષકોને આમ પોતાને દેહ બગાડવા દ્યે? એ ત્રિપુંડધારીની આવી અનાથ, અવાક્ દશા હોય? ના, આ શિવજી ન હોય, આ શિવજીની મૂર્તિ યે ન હોય.” એવી વિચાર-પરંપરાએ મૂળશંકરને ઘેરી લીધા. મુષકોની લીલા અને શિવજીની ચુપકીદી એ બન્ને વસ્તુનું તેના મનમાં કોઈ રીતે સમાધાન ન થઈ શક્યું. ​મૂળશંકરના મનમાં ભારી મૂંઝવણ ઉભી થઈ, મૂળશંકર મૂર્તિ પૂજક શૈવ મટી, મૂર્તિપૂજા સામે બંડ જગાવનાર દયાનંદ સરસ્વતી જન્મવાની ઘડી આવી પહોંચી. વિહ્વળ બનેલા મૂળશંકરે, તેના સંશયો રોકી નહીં શકવાથી, પિતાને જગાડ્યા અને વિનયપૂર્વક મનમાં ઉભરાતી બધી આશંકાઓના ઉત્તર માગ્યા. પિતા પુત્રના મનનું સમાધાન કરી શક્યા નહીં. થોડો ડારો, અને થોડા જવાબો આપી, મૂળશંકરને માળા ફેરવવા બેસી જવા આજ્ઞા દીધી, મૂળશંકર પાછા શિવાલયના ખૂણામાં બેસી ગયો. પિતાજી પાછા પોઢી ગયા. પણ પિતાના અપૂર્ણ ઉત્તરોથી મૂળશંકરનો વિરોધ શાન્ત ન થયો, ઉલ્ટો ઉગ્ર બન્યો. તેનો નિર્ણય થઈ ચૂક્યો કે આ શિવજી ન હોય, આ પાષણ છે, પિતાને ઉંઘતા મૂકી મૂળશંકર એકદમ ઉભો થયો, અને એ અંધારી રાતે, નદી અને સ્મશાન વીંધીને એકલો ઘેર દોડી ગયો. ઘેર પહોંચીને માતાને જગાડી અને ઉપવાસ તોડ્યો, પછી આખી રાત આ પ્રસંગ ઉપર વિચાર કરતો પથારીમાં આળોટ્યો. મૂળશંકરના જીવનમાં ચૈાદ વર્ષની વયે બનેલી આ ઘટનાએ આર્ય સમાજના સ્થાપકમાં મૂર્તિનો વિરોધ જન્માવ્યો.

center>૪

એ મહાશિવરાત્રિ પછી બીજી બે એવી શિવરાતો ચાલી ગઈ એ બે વર્ષ દરમ્યાન મૂળશંકરના જીવનમાં કોઈ મહત્વનો બનાવ ન બન્યો. એનો મૂર્તિવિરેાધ માત્ર મનમાં જ દૃઢ બનતો જતો હતો. કુટુમ્બને કે આસપાસની દુનિયાને મૂળશંકરના એ મનેામન્થનની ભાળ નહોતી. મૂળશંકર કિવચિત્ જ શિવમંદિર જતો. તેનો સંસ્કૃતનો અભ્યાસ પિતાની દેખરેખ નીચે વધતો; હતો. બીજી તરફથી કરસનજી મહારાજે મૂળશંકરને જમીનના અને ધીરધારના કામની કેળવણી આપવાનું શરૂ કર્યું હતું. પણ ​ત્યાં તો મૂળશંકરના આંતર વલોપાતને વધારે વ્યગ્ર બનાવી મૂકે એવો એક પ્રસંગ બની ગયો. એક રાત્રે મૂળશંકર, તેના પિતા અને કાકા અને સૌ કુટુંમ્બ પરિવારના સંગમાં, ગામમાંજ એક સ્વજનને ઘેર વિવાહની ઉજાણીમાં ગયો હતો. આખુ મંડળ, ભોજન પછી બહાર ચોગાનમાં, ચાન્દનીના પ્રકાશમાં સંગીત-ગાનનો આનન્દ માણતું બેઠું હતું. એકાએક એક અનુચર ચોંકવનારા સમાચાર લઈને આવ્યો કે નાનાં બેનને કાગળીઉં વળગ્યું છે. આખું મંડળ, હાંફળું ફાંફળું ઘેર પહોંચ્યું અને ગામડામાં બની શકે એવી સરસમાં સરસ સારવાર છતાં, મૂળશંકરની નાની બેન, માત્ર બે કલાકમાં જ, ભાઈને છોડી કોણ જાણે ક્યાં ચાલી નીકળી! આખા ઘરમાં રોકકળ મચી રહી. કાચી ઘડીમાં જમડો સાજી નરવી બેનને ઝૂંટવી ગયા, એ કાળજું ચીરનારી કહાણી ઉપર આખા કુટુમ્બે હૃદયફાટ રડવા માંડ્યું. માત્ર અચળ, મુખ ઉપર શોકની છાયા વિનાનો, ગંભીર ઉભો હતો એક મૂળશંકર. એની વહાલી બેનનું શબ ભાળી ન તો એની આંખમાં આંસુ આવ્યું, કે ન તો એના મુખમાંથી એક ઉનો નિસાસો નીકળ્યો. ખરી રીતે તો બેનના વિજોગથી ભાઈને અસહ્ય દુ:ખ થતું હતું — એટલું અસહ્ય કે તેનાં આંસુ અને તેના નિસાસા ગુંગળાઈને મર્યા હતા. એ વખતે, બેનનું કારમું મૃત્યુ જોઈ ભાઈ જીવન- મરણના કૂટ પ્રશ્નનો વિચારતો હતો, તે જીન્દગીની ક્ષણભંગુરતાનાં કારણો શોધતો હતો. સોળ વર્ષનો એ તરૂણ અક્ષય અને અમર બનવાની કોઈ સંજીવનીને માટે તલસતો હતો. મૂળશંકરના આ વર્તાવથી સૌ કુટુમ્બીઓને ભારે અચંબો થયો. પણ, એ છતાં, બેનનું મૃત્યુ મૂળશંકરના મન ઉપર સજ્જડ છાપ મૂકી ગયું, એના અંતરમાં વૈરાગ્યે આસન માંડ્યાં. ૧૮૪૦ ની શિવરાત્રીએ શરૂ થયેલો આંતર વિગ્રહ પાછો વિશેષ જોરથી મંડાયો.

વળી પાછી બીજી બે શિવરાત્રિઓ ચાલી ગઈ. મૂળશંકર અઢાર વર્ષનો યુવાન બન્યો. બધા જખમોને રૂઝાવી દેનાર અને બધા વ્યાધિઓને વિસરાવી દેનાર કાળદેવે મૂળશંકરને પાછી મન:શાન્તિ બક્ષી. જાણે એ મૂર્તિવિરોધ અને એ મનોવૈરાગ્ય શમી ગયા હોય તેમ મૂળશંકર પાછા કુટુમ્બના કામકાજમાં ગુંથાવા લાગ્યો. તેનું શિક્ષણ બંધ થયું હતું. વૃદ્ધ પિતાનો બધો વહીવટ જુવાન પુત્રને માથે મૂકાયો હતો. મૂળશંકર જીન્દગીની ક્ષણભંગુરતા ભૂલી, તેને માટે નિર્દિષ્ટ થયેલું કાર્ય ચૂકી, સંસારના વહનમાં ઘસડાતો હતો, પણ ત્યાં તો એ મહાપિતાએ, સૌના હલનચલનની દોરીઓ ખેંચનારા એ સર્વસત્તાધીશે, એક નવો પ્રસંગ યોજી મૂળશંકરને ત્રીજો અવાજ દીધો. મૂળશંકરનો આત્મા ફરીવાર જાગ્રત બન્યો. મૂળશંકરના ગૃહત્યાગની સંધ્યા નજીક આવી પહોંચી. મૂળશંકર ઉપર પિતા જેટલુંજ વાત્સલ્ય વરસાવતા મૂળશંકરના એક કાકા હતા. મૂળશંકરને પણ એ કાકા ઉપર અપાર હેત હતું, કાકાને મૂળશંકર પોતાના ગુરૂ માનતો, પોતાના ઉચ્ચ સંસ્કાર અને ઉન્નત આશયોના જનક સમજતો. બે વર્ષ પહેલાં જે કોગળીયું નાની બેનને કુટુમ્બની સોડમાંથી ઝડપી ગયેલું એજ કોગળીએ કાકા ઉપર નિશાન માંડ્યું. કાકા પટકાયા, બેનના રામ બે કલાકમાં ઉડી ગયા હતા, પણ કાકાની બિમારી ઘણા દિવસ ચાલી અને એ લંબાણ મૂળશંકરને ઉલ્ટું વિશેષ અસહ્ય થઈ પડ્યું. સરસ તબીબી સારવાર ચાલી. કાળ-શિકારીએ તેના શિકારને છોડવાની સાફ સાફ ના સંભળાવી. કાકા ચાલ્યા. ચાલતી વખતે છેલ્લી ઘડીએ પ્રાણથીએ અધિક પ્રિય ભત્રિજાને પાસે બોલાવી કાકા આશીર્વાદ ઉચ્ચારવા ગયા, ત્યાં તો જીવનનો દીવો બુઝાઈ ગયો. મૂળશંકરથી આ ન સહાયું. ​કાકાના શબને નીરખી બે વર્ષ પહેલાના બેનના મૃત્યુની સ્મૃતિઓ સજીવન થઈ. યમદેવ એના સ્નેહીજનને આમ ઉઠાવી જાય છે અને તે નિરાધારીની નજરે જોઈ રહે છે એ વિચારે! મૂળશંકરને શબ્દોમાં ન વર્ણવી શકાય એટલું દુ:ખ થયું. આવા કારમા પ્રસંગોએ ગંભીર અને અડગ રહેતો મૂળશંકર પોકેપોક મૂકીને રોયો. એને માટે, હવે, ક્ષણભર પણ સંસારમાં રહેવું ખારૂં ઝેર બની ગયું. મૂળશંકરને આ દુનિયા અને તેના ક્ષણિક રંગો જોઈ વારંવાર જમડાની સવારીઓ સાંભરતી હતી. એને એ જમડાઓની સત્તામાંથી છુટવું હતું, મૂળશંકરને અમરત્વ જોઈતું હતું. એ અર્થે એને યોગીઓની પાસે પહોંચવું હતું. હવે મૂળશંકરને પહેલી તકે ઘર છોડી યોગ સાધવાની — જીવન અને મૃત્યુથી પર બનવાની ધુન લાગી.

મૂળશંકરે તેની આ મનોદશાથી પિતાને અજાણ રાખવાને ખૂબ પ્રયત્ન કર્યા. પણ મૂળશંકરના મ્હોં ઉપર, તેના દરેકે દરેક વર્તનમાં, વૈરાગ્યની છાપ સ્પષ્ટ દેખાતી હતી, ત્યાં વ્યવહારથી બિનવાકેફ એ યુવક તેના મનોભાવને ગુપ્ત કેમ રાખી શકે? માતાપિતાએ મૂળશંકરને પાછા સ્વસ્થ બનાવવા પરણાવી દેવાનો વિચાર માંડ્યો. મૂળશંકર એ કળી ગયો. એણે એનો ઉગ્ર વિરોધ કર્યો અને વિદ્યાભ્યાસ અર્થે કાશી જવાની જોરદાર માગણી મૂકી. મૂળશંકર કાશી તો ન જઈ શક્યા; પણ, આખરે, તે પાસેના ગામડામાં એક પંડિતને ત્યાં થોડાં વર્ષ વિદ્યાભ્યાસ માટે મોકલવાનું ઠરાવી પિતાએ પુત્રના મનનું સમાધાન કર્યું. ગૃહત્યાગ સાધવાનો હવે અવસર મળશે એ વિચારે મૂળશંકરને ખૂબ જ હર્ષ થયો અને તે હરખાતો હરખાતો પંડિતને ગામ ગયો. કરસનજી ત્રવાડીની આજ્ઞાથી પંડિત ​મૂળશંકર ઉપર પૂરો જાપ્તો રાખતા. તેને ક્યાંય એકલો જવા દેતા નહીં, અને થોડા દિવસમાં તે દક્ષ પંડિતે પણ મૂળશંકરની મનો દિશા માપી લીધી. યોગ અને યોગીઓનું દિવસરાત રટણ કરતા આ નવા શિષ્યને જોઈ પંડિતનો ભય મૂળશંકરના પિતા કરતાં યે આકરો થયો. પંડિતે કરસનજી ત્રવાડીને પોતાની પાસે બોલાવ્યા અને મૂળશંકરની મનોઘેલછાની વાત કરી. સાથે સાથે દુનિયાડાહ્યા પંડિતજીએ મૂળશંકરના પિતાને સલાહ દીધી કે એ ઘેલછામાંથી પુત્રને ઉગારવાનો એક જ ઉપાય છે અને તે ઝટપટ પરણાવી ખંભા ઉપર ઘોંસરી નાખી દેવાનો. પિતાએ પંડિતને ઘરેથી મૂળશંકરને પોતાની સાથે પાછો જીવાપર લીધો, અને એક તરફથી તેની ઉપર છુપી રીતે ચોકી ગોઠવી અને બીજી તરફથી એટલી જ છુપી રીતે લગ્નની તૈયારીઓ માંડી. પણ જેમ મૂળશંકરના મનોભાવ પિતાથી અજાણ નહોતા રહી શક્યા, તેમ લગ્નની તૈયારીઓ મૂળશંકરથી છાની રહી શકી નહિ. મૂળશંકરે પોતાના લગ્ન સામે સખ્ત વિરોધ કર્યો અને કાશી ભણવા જવાની હઠ લીધી. આ વખતે તો પિતાએ પુત્રના મનનું સમાધાન કરવાને બદલે તેને રાતી આંખ બતાવીને જ ચૂપ કર્યો. મૂળશંકર ઘડીભર ચૂપ થયો. પણ મૂળશંકરે લગ્નના ફંદામાં ન ફસાવાનો અને કુટુંમ્બનાં બંધનો તોડી નાસી છૂટવાને નિર્ણય કર્યો હતો. તેણે આજન્મ બ્રહ્મચારી રહી. યોગની સિદ્ધિઓ વરવાનો મનોરથ બાંધ્યો હતો. આખરે એ નિર્ણય અને એ મનોરથનો વિજય થયો. પ્રભુના આદેશને વશ બની મૂળશંકર ઓગણીસ વર્ષની વયે, જેઠ મહિનાની એક સાંજે, માતાપિતાને ખબર ન પડે એવી રીતે ઘરબાર છોડી ચાલી નીકળ્યો.