ઝંડાધારી — મહર્ષિ દયાનંદ/જ્ઞાન-પિપાસા

Revision as of 08:32, 17 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જ્ઞાન-પિપાસા|}} {{Poem2Open}} <center>૧</center> સિદ્ધપૂરના મેળામાં ભગવી કંથા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જ્ઞાન-પિપાસા

સિદ્ધપૂરના મેળામાં ભગવી કંથાઓનો જાણે કે મહાસાગર ઉમટ્યો છે. ભોળો બાળક પોતાના ગુરૂપદને યોગ્ય એવા કોઈ યોગીરાજને ઢુંઢી રહ્યો છે. રોજરોજ વીસ વીસ ગાઉની મજલ કાપતો એ અરણ્યો વીંધીને આવી પહોંચ્યો છે. અચાનક એના બાવડા ઉપર એક વજ્ર પંજો પડ્યો. ઉંચું જુવે ત્યાં પોતાના પિતા! “કુલાંગાર! તેં મારો વંશ લજાવ્યો!” એવાં કૈં કૈં વચન-પુષ્પોની વૃષ્ટિ કોપાયેલા પિતાની જીભમાંથી ચાલવા લાગી, બાળકનું માથું નીચે ઢળી રહ્યું. એની પાંપણો ધરતી ખોતરવા મંડી. આખરે ન સહેવાયું ત્યારે દોડીને પિતાના પગ ઝાલી લીધા. છળભર્યો જવાબ દીધો કે “હવે હું નહિ કરૂં!” પિતાએ તો દીકરાને માથે કડક ચોકી જ લગાવી દીધી. રાત્રિને ત્રીજે પહોરે, ઝોલાં ખાતા પહેરગીરોને “લઘુશંકા કરવા જાઉ છું" એવું સમજાવી એ નવયુગનો ગૌતમ ચાલી નીકળ્યો. લોટા સાથે બાકીની રાત એક દેવાલયના ઘુમ્મટ ​પર ચડીને વીતાવી રાત્રિભર અબોલ તારાઓની સાથે જાણે ગુપ્ત વાર્તા ચલાવી. પ્રભાતે સંસારની છેલ્લી ગાંઠ છોડી નાખીને એણે દુનિયાની બહાર દોટ દીધી.

“આ કુડી કાયાનું પીંજરું હવે kયાં સુધી વેઠવું? દેહ પાડી નાખું તો? હિમાલયનાં હિમભર્યા શિખર પર જઈને ગાત્રોને ગાળી નાખું તો?" “ના, ના, જીતવા! એક વાર તો આ દેહ દ્વારા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લઉં. અંદરના મળ મેલ સાફ કરી નાખું. અને હિમાળે શા સારૂ ગળું? લોકોનાં દુઃખોની સળગતી ભઠ્ઠીમાં જ કાં ન ઝંપલાવું? ચાલ આત્મારામ, ચાલો આ પ્હાડી શિખરો ઉપરથી ધરતીનાં સબડતાં માનવીઓની વચ્ચે!”

દ્રોણાસાગરથી ઉતરીને યુવાન યોગી જ્ઞાનની શોધમાં ચાલ્યો. આપઘાતના મનસૂબા છોડી દીધા. પણ પુસ્તકોનાં લફરાં હજુ લાગ્યાં હતાં. ગંગાના કિનારા ઉપર એ પોથીઓનાં પાંદડાં ઉખેળતાં ઉખેળતાં યોગ્યાભ્યાસના અટપટા કોયડા ને નાડીચક્રનાં લાંબાં વર્ણનો વાંચ્યાં. એની બુદ્ધિની સરાણ પર એ નાડીચક્રનો વિષય ચડી ગયો. અંતરમાં સંદેહ જાગ્યો અને જ્ઞાનની સળગતી પ્યાસ એમ તે શે' શાંત થાય? એક દિવસ ગંગાના નીરમાં એક મડદું તરતું જાય છે. પોથીએાનાં થોથાને કિનારે મેલી શેાધકે પ્રવાહમાં ઝંપલાવ્યું. શબને બહાર ખેંચી આણ્યું. ચપ્પુ લઈને ચીરી જોયું. ચીરીને હૃદયનો ભાગ બહાર કાઢ્યો. એની આકૃતિ, સ્વરૂ૫ અને લંબાઈ પહોળાઈ પુસ્તકોનાં વર્ણનોની સાથે મેળવી જોયાં. પુસ્તકનાં વર્ણનોની સાથે બીજાં પ્રત્યેક અંગની સરખામણી કરી. પણ પુસ્તકોમાં લખેલા પેલા ​નાડીચક્રના બયાન સાથે દેહના ચક્રનો મેળ ન જ મળ્યો. પુસ્તકને તૂર્ત જ તોડી ફાડી એ શબની સાથે જ પાણીમાં પધરાવી દીધું. બુદ્ધિનો વિજય થઈ ગયો.

સોળ સોળ વર્ષના રઝળપાટને અંતે છત્રીસમા વર્ષની વયે ગુરૂજ્ઞાનને માટે તલસતા એ દયાનંદને ગુરૂ લાધ્યા. ગુરૂ વિરજાનંદની સેવા એ તો તલવારની ધાર જેવી હતી. અંધ ગુરૂજી દુર્વાસાનો જ અવતાર હતા! ધમકાવે, ગાળો ભાંડે, મારે અને પીટે. એક દિવસ તો દયાનંદને માત્ર અમુક પાઠ ન આવડવાને કારણે વિરજાનંદજીએ પિત્તો ગુમાવ્યો. ક્રોધાંધ બનીને એમણે દયાનંદને એક લાકડી ઠઠાડી. દયાનંદજીના હાથ ઉપર ફુટ થઈ. લોહી વહેવા લાગ્યું. પરંતુ સત્યનો શોધક એટલેથી કેમ છેડાય? બે હાથ જોડીને સુકોમળ અવાજે એ બોલ્યા, “મહારાજ! મારૂં શરીર કઠોર છે. એટલે મને મારતાં તો ઉલટો આપનો સુંવાળા હાથ સમસમી ગયો હશે. મને આપ ન મારો, કેમકે આપને ઈજા થાય છે.”

દંડીજી નામના શિષ્યે ગુરૂજીને એમની નિર્દયતા બદલ ઠપકો દીધો. ભોળા, ઓલીઆ જેવા ગુરૂને પોતાની ભૂલનું ભાન થયું; પસ્તાયા, બોલ્યા કે “ભાઈ, હવે પછી હુ એને નહિ મારૂં.” દયાનંદને આ વાતની જાણ થતાં જ એમણે જઈને દંડીજીને કહ્યું “શા માટે ગુરૂજીને તમે મારે વાસ્તે ઠપકો દીધો? ગુરૂજી શું કોઈ મને દ્વેષથી મારે છે? એ તો કુંભાર જેમ માટીને ટીપી ટીપી તેમાંથી સુંદર ઘાટ બનાવે છે તેમ મને પણ મનુષ્ય બનાવવા માટે જ શિક્ષા કરી રહ્યા છે." એ લાકડીના પ્રહારનો ડાઘ, દયાનંદજીના હાથ ઉપર જીવનભર રહ્યો હતો. અને જ્યારે ત્યારે પોતાની દૃષ્ટિ ત્યાં પડતી ત્યારે ત્યારે પોતાના ગુરૂજીના ઉપકારોની સ્મૃતિઓથી એમનું અંતર ગદ્ગદિત થઈ જતું હતું.

ગુરૂજીના સ્વભાવની ધખધખતી ભઠ્ઠીમાં અઢી વર્ષ સુધી તવાઈ તવાઈને એ કંચન નિર્મળ બની ગયું. રહ્યાં સહ્યાં પાપની પણ ભસ્મ થઈ ગઈ. અઢી વર્ષનો અભ્યાસ પુરો થતાં સ્વામીજીએ ગુરૂને ચરણે પડીને વિદાય માગી કે “મહારાજ! મારાં રોમેરોમ આપને ધન્યવાદ દઈ રહ્યાં છે. આપે મને સાચું વિદ્યાદાન દીધું. હવે હું દેશાટન માટે આપની આજ્ઞા લેવા આવ્યો છું. હું આપને ગુરૂદક્ષિણામાં શું આપું? મારી પાસે રાતી પાઈ પણ નથી. આ ચપટી લવીંગ છે, તે આપના ચરણોમાં ધરૂં છું.” દયાનંદના મસ્તક ઉપર શીતળ હાથ મેલીને ગુરૂજી ગદ્ગદ્ કંઠે બોલ્યા “બેટા, મેં તને બહુ જ સંતાપ્યો છે. હવે મને તારા સરખા તેજસ્વી અને સાગરપેટો શિષ્ય ક્યાં મળવાનો હતો? જા બેટા! તારી મંગળ કામનાઓ પૂરી થજો! મારે તારી ગુરૂદક્ષિણા ન જોઈએ. ગુરૂદક્ષિણામાં હું ફક્ત એટલું જ માગી લઉં છું કે હે વત્સ, તું આ દુ:ખી ભારતવર્ષની સેવા કરજે.” ગુરૂની મહત્તાનું રટણ કરતા દયાનંદ સંસારની રણવાટમાં ચાલી નીકળ્યો. હજાર વર્ષ થયાં અબોલ બની ગયેલા ગંગાજીના કિનારાઓ ઉપર ફરીવાર શુદ્ધ વેદ-મંત્રો ગુંજી ઉઠ્યા છે, ઋષિ મુનિઓનો વારસદાર વીર દયાનંદ રાજપુતોનાં ગામડેગામડાં ચીરતો ઘુમે છે. ચાલીસ ચાલીસ, પચાસ પચાસ રજપુતો પંક્તિમાં ગોઠવાઈને ગંગા-તીરે ખડા થાય છે. એ તમામને યજ્ઞોપવિત પહેરાવતા દયાનંદજી ગાયત્રીના સિંહનાદ ગજાવે છે. અને કેટલોય કાળ વીત્યા પછી પહેલી જ વાર, સંસ્કૃતિ માતાનાં સ્તન પરથી દૂર ફેંકાયેલ, ધાવણાં, નિઃસહાય સંતાનો સરખી સ્ત્રીજાતિને આજે ગાયત્રી-જપ કરવાનો અધિકાર પણ મહર્ષિ દયાનંદે જ અર્પણ કર્યો.