બાપુનાં પારણાં/મૃત્યુ પ્રહરી બન્યું
Revision as of 10:12, 28 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુ પ્રહરી બન્યું|}} <poem> <center>—ઝૂલણાં—</center> કોણ છે? — મૃત્યુ...")
મૃત્યુ પ્રહરી બન્યું
કોણ છે? — મૃત્યુ છું: કેમ ટેલે અહીં?
છે અહીં આજ મારું રખોપું.
સાંભળી મોતના બોલ માનવ હસ્યાં —
વાહવા! ચોર પ્રહરી બન્યો શું!
મોતના હાથમાં કારમી રાતમાં ૫
ભાઈ દેખાય કુંપા અમીનાં;
એકવીસ રાત લગ એક મટકાં વિના
મોત બાળી રહ્યું દીપ ધીના.
જાગરણ ખેંચતા મોતને નેણલે
નેવલાં આંસુનાં જોઈ ચાલ્યાં; ૧૦
બોલકાં માનવી જોઈ વિસ્મય થયાં
પૂછતાં મોતને, કેમ રો 'લ્યા!
લાખ જીભે તમે લાદિયા માનવી!
મોહરે શિર બદનામી-બોજા,
વાંક મારે દઈ પારકે પાય જૈ ૧૫
કરગર્યાં કેમ કંગાલ સોજાં!
'મરી જશે! મરી જશે! મેલી દો બાપજી!'
બોલતાં જીભ શાને ન કરડી!
લોહીલોહાણ હૈયે રડી હું રહ્યું:
કાળ મલકી રહ્યો મૂછ મરડી. ૨૦
મારનારી તમારી હશે દીનતા-
નામ મારું નકામું દુણાશે.-
એ ભયે માનવી! જાગું છું, પ્રાર્થું છું,
નાથ! કયારે હવે પ્રાત થાશે?