વાસ્તુ/નિવેદન

Revision as of 09:24, 1 February 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નિવેદન

‘વાસ્તુ’ ‘શબ્દસૃષ્ટિ’માં ધારાવાહિક પ્રગટ થતી હતી તે દરમિયાન જે ભાવક મિત્રો – મુરબ્બીઓના પત્રો – ફોન આવતા રહ્યા તે બધાંનું આ ક્ષણે સ્મરણ થાય છે. દરેક હપ્તો વાંચ્યા પછી કવિમિત્ર જગદીશ ભટ્ટનો ફોન આવતો. એમનો ડૉક્ટર પુત્ર ખાસ્સો લાંબો સમય મરણના મુખમાં રહેલો અને એ પછીયે કૉમામાં ને હજીયે કૉમામાં…! ‘વાસ્તુ' વાંચતાં એમને મરણ જેવા એ દિવસોનાં સંવેદનોનું તાદાત્મ્ય અનુભવાતું. સંજય જાણે પોતાના જ કુટુંબનું પાત્ર હોય તેવું લાગતું… ક્યાંક, પોતાના જ ઘરની વાત-વાતાવરણ હોય તેવું લાગતું. ચિત્રકારમિત્ર જગદીપ સ્માર્તે લખેલું – ‘શબ્દસૃષ્ટિ’માં ‘વાસ્તુ' વાંચું છું. ખૂબ જ નજીકથી પસાર થવાય છે, કદાચ વાર્તા મારી જ લાગે મને. ફરક થોડોક જ છે… કે હૃદયરોગથી પીડાવાની શક્યતાઓના અનુભવમાંથી પસાર થાઉં છું… ટપાલી આવી જાય તે પછીનો અડધો કલાક તો ‘વાસ્તુ-મય' હોય છે. એકીબેઠકે વાંચી જાઉં છું. માત્ર કવિતા થતી નથી – (તમારા નાયકની જેમ.) મારી અનુભૂતિ કોઈક બીજાએ લઈ લીધી હોય એમ લાગે… અભિનંદન.’ મનસુખ સલ્લાના પત્રમાંથી કેટલુંક અહીં ઉતારવાનું મન થાય છે– ‘…તમે પરિવેશ સર્જવામાં અને મૃત્યુના કરાલ-મધુરરૂપને તથા મૃત્યુ સામે ઝઝૂમતા નાયકને શબ્દરૂપ આપવામાં સફળ થયા છો. હારવું નહિ, ઝૂઝવું એ મનુષ્યના ગૌરવને પ્રગટ કરે છે – ગ્રીક નાયકોની જેમ. સંજય નામમાં મહાભારતકાળના દીર્ઘદૃષ્ટિ સંજયનો અધ્યાસ પણ છે. ‘વાસ્તુ’માં પ્રારંભ અને અંતની સહોપસ્થિતિ છે. એની વચ્ચે સંવેદનોની ક્ષણક્ષણને તમે ક્યારેક ચિત્રકારની નજરે તો ક્યારેક કૅમેરામૅનની નજરે છબીઓ આલેખી છે. આખી નવલકથા ઉપર મૃત્યુનો ઓછાયો છે. પીડા અને ઉદાસી છે, પણ પીડાને તમે વેદનામાં પરિવર્તિત કરી શક્યા છો. તમારી ભાષા આવા નાજુક વિષયને અનુકૂળ એવી સૂક્ષ્મતા અને સૂચકતા સિદ્ધ કરી શકી છે. આ સઘળાં માટે તમને અભિનંદન. તમે પડકાર ઝીલ્યો છે અને તેમાં સફળ થયા છો. ૨-૧૦-૨૦૦૦ લિ. તમારો મનસુખ સલ્લા’

કોઈ વાંચે છે જ ક્યાં? કોના માટે લખવું? – ક્યારેક આવું થઈ આવે એવી પરિસ્થિતિમાં સહૃદય ભાવકોના પત્રો પ્રેરક બની રહે છે, શબ્દમાંની તથા માણસમાંની મારી શ્રદ્ધાને સંકોરે છે. લ્યૂકેમિયાને લગતી બધી જ વિગતો જેની પાસેથી મળી તે ડૉક્ટરમિત્ર હરકાન્ત જોશીને આ ક્ષણે યાદ કરું છું. સાધ્ય કે અસાધ્ય રોગોથી પીડાતા મનુષ્યો માટે તથા તેમના સ્વજનો માટે જો ‘વાસ્તુ’ પ્રેરક બની રહે. એમની હતાશા-નિરાશા ઓછી થઈ શકે... હારી જવાના બદલે, થાકી-હાંફી જવાના બદલે છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમવાનું ને મોતને હંફાવવાનું ને શેષ સમયને ભરપૂર જીવી લેવાનું મન થઈ આવે તો ‘વાસ્તુ' રચ્યાની મારી મહેનત સફળ. શ્રદ્ધા છે મારી મહેનત સફળ થશે. ‘વાસ્તુ' પ્રગટ કરવા બદલ ‘શબ્દસૃષ્ટિ' તથા તેના સંપાદક હર્ષદ ત્રિવેદીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. સુંદર પ્રકાશન બદલ મનુભાઈ શાહ, રોહિત કોઠારી અને આવરણ માટે લલિત લાડનો આભારી છું. – યોગેશ જોષી