ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ

Revision as of 16:43, 1 February 2022 by KhyatiJoshi (talk | contribs)


ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ
(રંગમંચ પર સંપૂર્ણ અંધકાર)
સૂત્રધાર

જાન્યુઆરી ત્રીસ, ઓગણીસસો અડતાલીસ.
ઢળતી સાંજે જીવલેણ અંતરેથી છૂટેલી ત્રણ ગોળી.

(ત્રણ ગોળીબારના અવાજ-મધ્યમાં સૂત્રધાર પર પ્રકાશ)</Poem>
સૂત્રધાર

દિલ્હીના બિરલા હાઉસના બાગમાં
ગોળી ઝીલનારના અંતિમ શબ્દો હતા હે રામ.
જેણે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવવા માટે જીવન સમર્પણ કર્યું હતું
તે ભારતમાતાના સપૂતનો અંત આવો હતો.

બીજા ભારતમાતાના સપૂત
જેણે જગતના બૌદ્ધિક વર્તુળમાં
ભારતનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું
તેણે તેની ચેતનાની અંતિમ ક્ષણોમાં આ શબ્દો લખાવ્યા હતા

તારી સૃષ્ટિના પથ પર
તેં વિચિત્ર, છેતરામણી જાળ બિછાવી છે,
હે છલનામયી.
જે અનાયાસે છલના સહી લે છે,
તેને તારા જ હાથે મળે છે
અક્ષય શાંતિનો અધિકાર.

પોતાની અંતિમ ક્ષણોમાં એક યાદ કરે છે ઈશ્વરને
તો બીજો પોતાના ઈશ્વરને છલનામયી કહીને પણ
તેના પુરસ્કાર તરીકે અક્ષય શાંતિ ઉપર પોતાનો અધિકાર છે તેમ માને છે.

મિત્રો, આજે મારે તમારી સાથે વાત કરવી છે
ભારતમાતાના આ બે સન્માનીય સંતાનોની –
એક સંત અને બીજો કવિ,
એક ભારતની પશ્ચિમે આવેલા ગુજરાતનો
અને બીજો પૂર્વના બંગાળનો,
એક બીજાને ગુરુદેવ કહેતો અને બીજો પહેલાને મહાત્મા!
પરસ્પર વચ્ચેનો સ્નેહ અને સન્માન
મિત્રોમાં પણ ભાગ્યે જ જોવા મળે
અને તેમની વચ્ચેના મતભેદો
પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પણ જવલ્લે જ જોવા મળે!

રવીન્દ્રનાથ ટાગોર ઇતિહાસને
એક વિચક્ષણ વિદ્વાનની દૃષ્ટિથી જોતા હતા.
તેમણે પોતાના જન્મના સમયને
બંગાળના જીવનમાં વહી રહેલા ત્રણ પ્રવાહોના
સંગમના સમય તરીકે બિરદાવ્યો છે.
આ ત્રણ પ્રવાહો
સાહિત્ય, ધર્મ અને રાજકારણના ક્ષેત્રમાં વહી રહ્યા હતા.
આ ત્રણે ક્ષેત્રોમાં
અંગ્રેજોને લીધે પાશ્ચાત્ય અસરનો અગત્યનો ફાળો હતો.
ટાગોર પરિવાર ભારતીય સંસ્કૃતિ અને વિચારધારામાં
તરબોળ હોવા છતાં
અજુગતી રૂઢિનું તર્કસંગત આધુનિક પાશ્ચાત્ય વિચારોથી મૂલ્યાંકન કરી શકે તેટલો સંસ્કાર સંપન્ન હતો.
આ ત્રણેય પ્રવાહોની અસર સમગ્ર સમાજ પર હોવા છતાં રવીન્દ્રનાથ કદાચ એકમાત્ર વ્યક્તિ હશે
જેમની આગવી અને ન ભૂંસાય તેવી છાપ
આ ત્રણેય ક્ષેત્રોમાં આજે પણ જોઈ શકાય છે.
આ છે રવીન્દ્રનાથની મહત્તા.

આ જ સમયના ગાંધીજીના ગુજરાતમાં જુદી જ પરિસ્થિતિ હતી.
અનેક રજવાડાના રાજ્યમાં સમાજ વાણિજ્યપ્રધાન હતો.
સામાજિક સુધારાના ક્ષેત્ર સિવાય પશ્ચિમના વિચારોએ
ગુજરાતમાં પગપેસારો કરવાનો હજી બાકી હતો.
ગાંધીજી એક રજવાડાના દીવાનના પરિવારમાં જન્મ્યા હતા.
તેમના બાળપણ અને કિશોરકાળમાં કાંઈ નોંધનીય ન હતું.
સાચું અને ખોટું, સદાચાર અને દુરાચાર, પાપ અને પુણ્યના રૂઢિગત ખ્યાલોથી તેમનાં નૈતિક મૂલ્યો ઘડાયાં હતાં.
તેમની મર્મગ્રાહી પ્રકૃતિને કારણે
તે આજીવન તેને વળગી રહ્યા હતા.
કાયદાના અભ્યાસ માટે રવીન્દ્રનાથની જેમ જ
તે પણ વિલાયત ગયા હતા
પણ તેઓ બૅરીસ્ટરની ઉપાધિ મેળવીને પાછા ફર્યા હતા.
સ્વદેશમાં ઉજળી તકનો અભાવ લાગવાથી
તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા.
ત્યાંના વસવાટ દરમિયાન તેમને મળ્યું જીવનનું ધ્યેય
જેની સાધનામાં તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું.
ત્યાંના દમનગ્રસ્ત અને શરમજનક વાતાવરણમાં
તેમના વ્યક્તિત્વમાં સૂષુપ્ત ખાસિયતો ખીલી ઊઠી.
સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્યને પોતાના જીવનનું ધ્યેય માન્યું.
પોતે માનેલા નૈતિક મૂલ્યોના આધારે મૂલ્યાંકન કર્યા પછી
તેમની સમગ્ર પ્રવૃત્તિનો પ્રવાહ આ જ દિશામાં વહેતો.
નૈતિકતા અને રાષ્ટ્રનું ઉત્થાન –
આ બંને તેમની બધી જ પ્રવૃત્તિના આધારસ્તંભ હતા.

કવિ રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ
તેમના શૈશવના વાતાવરણમાં કેળવાયું અને પોષાયું
જ્યારે ગાંધીજીનું વ્યક્તિત્વ
પ્રતિકુળ અને દમનગ્રસ્ત સંજોગોમાંથી ઉપસ્યું.
આ એક નોંધનીય રસપ્રદ હકીકત છે.

પોતાનું અડધું આયુષ્ય વીતી ગયા પછી
તેઓ એકબીજાને મળ્યા હતા.
પ્રથમ મુલાકાતના સમયે બંને
આખાય જગતમાં સુવિખ્યાત હતા.

તેમના જીવનકાળ દરમિયાન
ભારતને પહેલીવાર પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હતું.ભારતની કચડાયેલી સમષ્ટિ
સદીઓની મૃત:પ્રાય અવસ્થામાંથી જાગૃત થઈ હતી.
આ પ્રાણપૂરક જાગૃતિના સંચારક ગાંધીજી હતા
એ વાત નિર્વિવાદ છે.
પણ રવીન્દ્રનાથ તેમના મહાન સંત્રી હતા
એ હકીકત ખુદ ગાંધીજીએ જ નોંધેલી છે.
પ્રસંગોપાત રવીન્દ્રનાથે ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોનો સ્પષ્ટ અને સખત વિરોધ કરેલો છે એ પણ નોંધવું ઘટે.

તેમની વચ્ચેની ચર્ચા
વ્યક્તિ અને સમષ્ટિ, સાધક અને સિદ્ધ વચ્ચેની ચર્ચા હતી.
એક માનતા હતા કે કલ્યાણનું માધ્યમ વ્યક્તિ છે
તો બીજા માનતા કે સમષ્ટિ છે!
આ વાત છે સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા
ઇતિહાસના આ અદ્ભુત પ્રકરણની.

ચાલો એમને જ પૂછીએ કે પ્રથમ મુલાકાતનું એમને સ્મરણ છે.
ગાંધીજી, આપને યાદ છે કે
આપ રવીન્દ્રનાથને પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?

ગાંધીજી:

મને ચોક્કસ યાદ નથી આવતું પણ ૧૯૦૧માં હોઈ શકે.
તે સમયે હું દક્ષિણ આફ્રિકાથી
કૉંગ્રેસના અધિવેશન માટે કલકત્તા આવ્યો હતો.
ત્યાંના ભારતીય રહેવાસીઓની પરિસ્થિતિ
મારે રજૂ કરવી હતી.
ત્યારે હું ગુરુદેવના પિતા, મહર્ષિ દેવેન્દ્રનાથને મળવા ગયો હતો પણ તેમની તબિયત અસ્વસ્થ હોવાથી
તેમને મળી શક્યો ન હતો.
હવે મને કહેવામાં આવે છે કે તે વખતે
સરલાદેવી ચૌધરાણીએ એક સમૂહગાનનું સંચાલન કર્યું હતું. પણ તેમને પણ હું તે સમયે મળ્યો હોઉં એવું યાદ નથી.

રવીન્દ્રનાથ:
તે સમયે હું કૉંગ્રેસની સ્વાગત સમિતિનો સભ્ય હતો પણ મહાત્માજીને મળ્યાનું મને સ્મરણ નથી.
સૂત્રધાર

૧૯૦૧માં રવીન્દ્રનાથની વય હતી ૪૦ અને ગાંધીજીની ૩૨.
બંને પોતાની પ્રવૃત્તિના ક્ષેત્રની બહાર ખાસ જાણીતા ન હતા.
બંગાળના સાહિત્ય-વર્તુળની બહાર રવીન્દ્રનાથને
અને દક્ષિણ આફ્રિકાના ભારતીય રહેવાસીઓની બહાર ગાંધીજીને ઓળખનારા ઓછા જ હશે.
ડિસેમ્બર ૧૯૧૩માં રવીન્દ્રનાથના બે મિત્રો,
ચાર્લી એન્ડ્રુઝ અને વિલિ પિયરસન
ગાંધીજીને મદદરૂપ થવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા.
તેમની વિદાયના બે દિવસ પહેલાં
કોલકતાના ટાઉન હૉલમાં રવીન્દ્રનાથ અને બીજાઓએ
દક્ષિણ આફ્રિકાના ભારતીય રહેવાસીઓની પરિસ્થિતિનો
વિચાર કરવા માટે એક સભાનું આયોજન કર્યું હતું.
ઍન્ડ્રુઝ બંનેની વિચારશ્રેણીમાં રહેલું સામ્ય તરત જ જોઈ શક્યા.
તેમણે રવીન્દ્રનાથને જાન્યુઆરી ૧૯૧૪માં લખ્યું,

મને શ્રી ગાંધીનો દૃષ્ટિકોણ સમજવા અને સ્વીકારવામાં
કોઈ જ તકલીફ પડી નહીં
કારણ કે તેમનામાં અને તમારામાં ખાસ કોઈ તફાવત નથી.
બંને માનો છો,
સાચા સ્વાતંત્ર્યમાં, આધ્યાત્મિક શક્તિ પર આધાર રાખવામાં, દુન્યવી શક્તિ સામે નિર્ભય અભિગમમાં
અને સમષ્ટિ પ્રતિ સદ્ભાવ અને સહાનુભૂતિમાં.

આને બંને માહાનુભાવોનું સચોટ મૂલ્યાંકન કહી શકાય.

૧૯૧૪માં જ્યારે ગાંધીજીએ પોતાનો ફીનીક્સ આશ્રમ બંધ કરીને ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો
ત્યારે ચાર્લી ઍન્ડ્રુઝે સૂચન કર્યું કે
ભારતમાં કાયમી વ્યવસ્થા થાય ત્યાં સુધી
તેમના અંતેવાસીઓએ ગુરુદેવના શાંતિનિકેતનમાં રહેવું.
અને આમ નવેમ્બર ૧૯૧૪માં
ફીનીક્સના છોકરાઓ શાંતિનિકેતન પહોંચ્યા.

રવીન્દ્રનાથ:

મેં ચાર્લી ઍન્ડ્રુઝને લખ્યું,
ફીનીક્સના છોકરાઓમાં શિસ્ત છે જ્યારે હોવા જોઈએ આદર્શો.
તેઓ કેળવાયા છે આજ્ઞાંકિત થવા માટે
જે માણસ માટે ઉચિત નથી.
આજ્ઞાપાલનની મહત્તા તેમાં રહેલી બલિદાનની ભાવનામાં છે.
તે સિવાય આજ્ઞાપાલનમાં હું કોઈ બીજો ગુણ જોતો નથી.
આ છોકરાઓ આકાંક્ષા સેવવાનું ભૂલી જશે એમ મને લાગે છે અને આકાંક્ષા જ સિદ્ધિના મૂળમાં રહેલી છે.

થોડા દિવસ બાદ મેં મહાત્માજીને લખ્યું,

પ્રિય શ્રી ગાંધી,
તમારા છોકરાઓને અમારા છોકરાઓ બનવા દેવા માટે
તમારો આભાર માનવા હું આ પત્ર લખી રહ્યો છું.
આપણા બંનેના જીવનની સાધનાની તેઓ જીવંત કડી બનશે.
નિષ્ઠાપૂર્વક તમારો,

સૂત્રધાર:

સાચે જ આ જીવંત કડીથી
એક વિરલ અને આજીવન સંબંધનો પાયો નંખાયો.
બંને જણ પહેલી વાર માર્ચ ૧૯૧૫માં શાંતિનિકેતનમાં મળ્યા.
આ મુલાકાતના સંભારણા તરીકે આજે પણ માર્ચની ૧૦મી શાંતિનિકેતનમાં ગાંધી પુણ્ય દિવસ તરીકે ઉજવાય છે
અને તે દિવસે ગાંધીજીએ શરૂ કરેલો સ્વાશ્રયનો પ્રયોગ
આજે પણ યાદ કરવામાં આવે છે.
તે દિવસે રોપાયેલાં મૈત્રીનાં બીજ
અનેક મતભેદ અને વાદવિવાદના ઝંઝાવાત પાર કરીને
એક આદર અને સન્માનના ગઠબંધન સ્વરૂપે વિકસ્યાં.
આવી મૈત્રી સહકાર્યકર કે સહચર વચ્ચે જ સંભવિત છે.

બંને ભારતવર્ષ અને તેની સંસ્કૃતિને સન્માનની નજરે જોતા.
બંને ભારતમાં થતી અંગ્રેજ વર્તણૂંકથી વ્યથિત હતા.
બંનેને જોઈતું હતું સ્વરાજ.
પણ બંનેના માર્ગ જુદા જ હતા.
એકને માટે સ્વરાજ-રાજકીય સ્વાતંત્ર્ય ધ્યેય હતું, સાધ્ય હતું.
બીજાને માટે તે આત્મશક્તિ જાગૃત કરવાનું સાધન હતું.
વ્યાધિ અંગે એકમત અને ઔષધિ અંગે મતાંતર –
આ સંબંધની આ લાક્ષણિકતા હતી.

૧૯૧૮માં ગાંધીજીની ઇચ્છા હતી કે
હિન્દીનો રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર થાય.

ગાંધીજી:

પ્રિય ગુરુદેવ,
આંતરપ્રાન્તીય વહેવાર માટે તેમ જ રાષ્ટ્રીય કાર્યવાહી માટે
માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા થઈ શકે તેમ તમે નથી માનતા? કૉંગ્રેસના આવતા અધિવેશનમાં
મુખ્યત્વે હિન્દીનો જ ઉપયોગ થવો ન જોઈએ?
મને લાગે છે કે
જો આપણે બહુજન સમાજના સંસર્ગમાં આવવું હોય
અને રાષ્ટ્રસેવકો જો સમગ્ર ભારતમાં
બહુજન સમાજનો સંપર્ક સાધવા માંગતા હોય
તો આ પ્રશ્નને આપણે અગ્રસ્થાન આપવું જોઈએ.
નિષ્ઠાપૂર્વક તમારો,

રવીન્દ્રનાથ:

પ્રિય શ્રી ગાંધી,
ભારતમાં આંતરપ્રાન્તીય વહેવાર માટે
માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા હોઈ શકે એ વાત નિર્વિવાદ છે.
પણ મને લાગે છે કે કૉંગ્રેસમાં એનું આધિપત્ય સ્થાપવા માટે
ઘણો સમય જોઈશે.
મદ્રાસના લોકો માટે એ સાચે જ વિદેશી ભાષા છે.
મોટા ભાગના રાજકારણીઓને માટે
હિન્દીમાં સંતોષપૂર્ણ અભિવ્યક્તિ સંભવિત નથી.
જ્યાં સુધી રાજકારણીઓની એક નવી પેઢી તૈયાર ન થાય
જે આ સમસ્યા પ્રત્યે સજાગ હોય
અને સતત મહાવરાથી એનોે ઉપયોગ સર્વગ્રાહી બનાવે
ત્યાં સુધી રાષ્ટ્રીય કાર્યવાહીમાં હિન્દીનો ઉપયોગ
મરજિયાત રાખવો પડશે.
અત્યંત નિષ્ઠાપૂર્વક તમારો,

સૂત્રધાર:

આ હતો તેમની વચ્ચેના વાદવિવાદનો દોર.
૧૯૧૯ સુધીમાં ગાંધીજીએ
આખા દેશને અહિંસાની અગત્યતા અને અસર સમજાવી દીધી હતી.
રૉલેટ બિલના વિરોધમાં
તેઓ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ઉપાડવાની તૈયારીમાં હતા.

ગાંધીજી:

મને બરાબર યાદ છે એ દિવસો.
એપ્રિલની છઠ્ઠી તારીખે હડતાળનું એલાન હતું.
પાંચમીએ મેં ગુરુદેવને લખ્યું,

મને તમારા તરફથી એક સંદેશાની અપેક્ષા છે –
જેઓ આ અગ્નિપરીક્ષામાંથી પસાર થવાના છે
તેમને માટે એક આશા અને પ્રેરણા સભર સંદેશો.
તમે જાણો છો તેમ મારે પ્રચંડ તાકાતનો સામનો કરવાનો છે.
મને તેનો ડર નથી કારણ કે
મારી દૃઢ માન્યતા છે કે તેઓ અસત્યનો સહારો લઈ રહ્યા છે અને જો આપણને સત્યમાં પૂરતી શ્રદ્ધા હોય
તો તેનાથી આપણે તેમને જીતી શકીશું.
દેશના રાજકારણના શુદ્ધિકરણના મારા આ પ્રયાસ અંગે
જ્યાં સુધી મને તમારો ન્યાયપૂર્ણ અભિપ્રાય નહીં મળે
ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. …
મિત્રોના પ્રતિકુળ અભિપ્રાયનું પણ મારે મન મોટું મહત્વ છે કારણ કે તેનાથી હું મારો માર્ગ ન પણ બદલું
તોય તે દીવાદાંડીની ગરજ સારે છે
જેથી હું જીવનના માર્ગમાં આવતા જોખમોથી
સાવધાન રહી શકું.

સૂત્રધાર:

એપ્રિલની ૧૨મી તારીખે
રવીન્દ્રનાથે એક જાહેર પત્રમાં જવાબ આપતાં લખ્યું,

રવીન્દ્રનાથ:

પ્રિય મહાત્માજી,
કોઈ પણ સ્વરૂપમાં તાકાત તર્ક સાથે સુસંગત નથી હોતી.
એ તો આંખે પાટા બાંધીને ગાડી ખેંચતા અશ્વ જેવી હોય છે…
નિષ્ક્રીય પ્રતિકારની શક્તિને નૈતિક ન કહી શકાય,
તેનો ઉપયોગ સત્યને માટે તેમ જ સામે પણ થઈ શકે છે.
જ્યારે સફળતા નજીકમાં જ હોય
ત્યારે બધી જ તાકાતમાં રહેલા જન્મજાત જોખમો વધુ ભયજનક થાય છે કારણ કે ત્યારે તેમાં લાલચ ભળે છે.
હું જાણું છું કે તમે દૂષણો સામે
ભૂષણોની સહાય લેવાનું શીખવો છો.
પણ આવી લડત વીર પુરૂષો માટે હોય છે
તેમાં ક્ષણિક આવેગથી દોરાઈ જતા માણસોનું કામ નથી.
દુષ્ટતાનો જવાબ સ્વાભાવિક રીતે દુષ્ટતામાં જ મળે છે,
અન્યાયનો જવાબ હિંસા અને અપમાનનો વૈમનસ્ય!
કમનસીબે આવી તાકાત છૂટી મૂકાઈ છે
અને ગભરાટ કે ગુસ્સાથી
આપણી સરકારે એના નહોર બતાવવા માંડ્યા છે. …
આ કટોકટીના સમયે તમે એક મહાન નાયક તરીકે
અમારી વચ્ચે ઊભા રહીને
તમારા આદર્શોનું પ્રતિપાદન કરી રહ્યા છો.
તમે જાણો છો કે એ આદર્શો ભારતના છે.
એ આદર્શ, જે છૂપી વેરવૃત્તિની કાયરતા
તેમ જ આતંકથી ગભરાયેલાની મૂક શરણાગતિનો વિરોધ કરે છે.

સૂત્રધાર:

આ સૂચક શબ્દોના ઉચ્ચારણના બીજા જ દિવસે
અમૃતસરના જલિયાનવાલા બાગમાં
જનરલ ડાયરે સરકારની પાશવી તાકાતના નહોરને
છૂટો દોર આપી દીધો.
ચળવળને તાત્કાલિક બંધ રાખવામાં આવી.
વર્ષો પછી તેમની આત્મકથામાં,

ગાંધીજી:

એક સત્યાગ્રહી સમાજના નિયમોને
બુદ્ધિપૂર્વક અને પોતાની ઇચ્છાથી પાળે છે
કારણ કે તે એમ માને છે કે
આમ કરવું તે તેની પવિત્ર ફરજ છે.
કોઈ વ્યક્તિ જ્યારે આ પ્રમાણે
સમાજના નિયમોનું ચીવટાઈથી પાલન કરે છે
ત્યારે જ તે કયા નિયમો સારા અને ન્યાયપૂર્ણ છે
અને કયા નથી તે સમજી શકે છે.
ત્યારે જ તેને અમુક નિયમોનો
ખાસ સંજોગો નીચે સવિનય અનાદર કરવાનો હક મળે છે.
આ મર્યાદા મારા ખ્યાલ બહાર રહી ગઈ તે મારી ભૂલ હતી.
મેં લોકોને સવિનય અનાદરનું એલાન આપ્યું
ત્યારે તેમનેે તેનો હક પ્રાપ્ત થયો ન હતો
અને મારી આ ભૂલનું પરિમાણ
હિમાલય જેવું વિશાળ હતું.

સૂત્રધાર:

રવીન્દ્રનાથે આના સંદર્ભમાં મેની ૩૦મી તારીખે વાઈસરોયને લખ્યું,

રવીન્દ્રનાથ:

મહાશય,
સ્થાનિક તોફાનોને દબાવી દેવા
પંજાબમાં સરકારે લીધેલા અમાનુષી પગલાંથી
અમને ઊંડા આઘાત સાથે ખ્યાલ આવ્યો કે
અંગ્રેજોના ભારતીય નાગરિક તરીકે
અમારી પરિસ્થિતિ કેટલી દયનીય છે.
અમને ખાતરી છે કે
કમનસીબ જનતાને જે શિક્ષા કરવામાં આવી છે
અને તેનો જે રીતે અમલ કરવામાં આવ્યો છે
તેની નિષ્ઠુરતાનો જોટો
સભ્ય અને સંસ્કારી જગતમાં ક્યાંય જોવા નહીં મળે.
એક સત્તા, જેની પાસે
માનવજાતિના વિનાશ માટે
અત્યંત ભયંકર અને કાર્યક્ષમ સંગઠન છે
તેણે એક નિશસ્ત્ર અને નિર્ધન પ્રજાની સાથે કરેલી
આવી વર્તણૂંક જોતાં
અમારે દૃઢતાપૂર્વક જણાવવું જોઈએ કે
આમાં કોઈ રાજકીય ઉપયોગિતા તો નથી જ
કે પછી નૈતિક સમર્થન પણ નથી.
પંજાબમાં વસતા અમારા ભાઈઓને
સહેવા પડેલા અપમાન અને પીડાના હેવાલો
ઠોકી બેસાડેલી સ્તબ્ધતામાંથી
ધીરે ધીરે ભારતના ખૂણે ખૂણે પહોંચતા જાય છે.
અમારી પ્રજાના હૃદયમાં ઉદ્ભવતી
સર્વસામાન્ય પુણ્યપ્રકોપની તીવ્ર વ્યથાની
અમારા શાસકોએ અવગણના કરી છે -
શક્ય છે કે તેઓ જેને બિરદાવવા યોગ્ય ગણતા હોય
તેવા બોધપાઠ પ્રજાને આપવા માટે
પોતાને ધન્યવાદ આપતા હશે.
મોટા ભાગના અંગ્રેજી છાપાંઓએ
આ લાગણીહીનતાને બિરદાવી છે
અને કેટલાક કિસ્સાઓમાં તો
અમારી પીડાની પાશવી મજાક ઊડાવી છે…
હું જાણું છું કે અમારી બધી જ વિનંતી વ્યર્થ છે.
જે સરકાર પોતાની શક્તિ અને લાક્ષણિક પરંપરા પ્રમાણે
ઉદાર થઈ શકે તેમ હોવા છતાં
વૈમનસ્યના આવેગથી મુત્સદ્દીપણાનું ઉદાત્ત દર્શન ઘડી રહી છે
તેની સામે આતંકથી સ્તબ્ધ થઈ ગયેલા
મારા કરોડો દેશવાસીઓના વિરોધને વાચા આપવાનું કામ
મારે કરવું જ રહ્યું.
તેના બધા જ પરિણામોની જવાબદારી સ્વીકારીને પણ
ઓછામાં ઓછું આટલું તો મારે કરવું જ રહ્યું.
આવા શરમજનક સંજોગોમાં સન્માનના ચાંદ શોભતા નથી.
મારી ઇચ્છા છે કે
બધી જ સન્માનીય પદવીઓથી વેગળો થઈને
હું મારા ક્ષુલ્લક ગણાતા દેશવાસીઓની સાથે
ખભા મેળવીને ઊભો રહું
કારણ કે તેમને સાથે થતી વર્તણૂંક અમાનુષી છે.
જેમના સહૃદયી અભિગમને
હું હજી પણ સન્માનની નજરે જોઉં છું,
તેવા આપના પુરોગામીના હાથે આપના રાજાધિરાજના વતી
મને અપાયેલો સરનો ખિતાબ
ઉપરોક્ત કારણસર પાછો લેવા દિલગીરી સાથે વિનંતી કરું છું.
આપનો વફાદાર,

સૂત્રધાર:

૧૯૨૦માં ગાંધીજીએ રવીન્દ્રનાથને અમદાવાદમાં મળી રહેલી
છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવવા આમંત્રણ આપ્યું.

ગાંધીજી:

પ્રિય ગુરુદેવ,

અમારા આમંત્રણનો સ્વીકાર કરવા માટે
અમે સૌ આપના આભારી છીએ.
આપને કાર્યક્રમો કે તમાશાનો બોજો ન પડે
તે જોવા અમે સૌ પ્રયત્નશીલ છીએ.
જરૂર લાગે તો તારથી આપ મને જણાવશો કે
આપ ગુજરાત માટે કેટલો સમય ફાળવી શકશો?
આપ બીજા એક કે બે સ્થળે જઈ શકશો?
બીજો સવાલ છે આપના ઉતારા અંગે.
આપ આશ્રમમાં રહેશો?
આપ આશ્રમમાં રહેશો તો મને ખૂબ આનંદ થશે.
જેઓ આપના વિદ્યાર્થી રહી ચૂક્યા છે
તેવા આશ્રમમાં ઘણા છે
અને તેમને આપની ઉપસ્થિતિનો લાભ મળે
તે માટે હું ઉત્સુક છું.
ગુજરાતી છોકરાઓ અને છોકરીઓ
અને તમને યાદ હોય તો પેલો સિંધી છોકરો, ગિરધર, – એ બધાં સિવાય મણીન્દ્ર પણ હજી અહીં જ છે
અને સરલાદેવીનો દીકરો દીપક પણ આશ્રમમાં જ છે.
આશ્રમ અમદાવાદથી ચાર માઈલ દૂર
અને સાબરમતીના ઊંચા કિનારે આવેલો છે.
આપ આશ્રમમાં
કે પછી કોઈ ખાનગી બંગલામાં રહી શકો છો
જે બધી જ સગવડોથી સુસજ્જ હોય.
મારે કહેવાનું ન હોય કે અમારો મુખ્ય વિચાર
આપનું સ્વાસ્થ્ય અને સગવડો સાચવવાનો છે.
આપની ઇચ્છા મુજબ બધી જ સગવડ થઈ જશે.
આપને કોઈ ખાસ સગવડ કે જરૂરિયાત હોય
તો મને મહેરબાની કરી જણાવશો.
નિષ્ઠાપૂર્વક આપનો,

રવીન્દ્રનાથ:

હું ઉતર્યો હતો અંબાલાલ સારાભાઈના બંગલે
પણ આશ્રમમાં ગયો હતો
અને ત્યાં મારું કેવું ભવ્ય સ્વાગત થયું હતું!

ગાંધીજી:

ગુરુદેવ, તમને કલ્પના નથી કે
તમારે માટે બંધાવેલી કમાનો
અને તમને કરેલા તિલક માટે
મારા માનીતા અનુયાયીઓએ કેટલી ધમાલ કરી હતી.
વિનોબા ભાવે અને મગનલાલ,
જે મારો ભત્રીજો અને આશ્રમનો પ્રાણ હતો,
તે બંને ખૂબ અકળાયા હતા.
મારે તેમને સમજાવવા પડેલા કે
મેં તો માત્ર આશ્રમિકોની ઇચ્છાને માન આપ્યું હતું.
મારે કરવાનું હોત તો મેં કમાનો ન ઊભી કરી હોત. ગુરુદેવને સન્માનવાનો હું કોઈ બીજો ઉપાય કરત
જેમાં ઓછી શક્તિ ખરચ થાય.
પણ જે થયું તે માટે હું તટસ્થ છું.
હું માનું છું કે ગુરુદેવને યોગ્ય રીતે સન્માનવાની
આપણી ફરજ હતી
અને હું નથી માનતો કે
વિદ્યાર્થીઓએ આ કામમાં સમય આપીને
કાંઈ ગુમાવ્યું હોય.
આપણે ખ્યાલ રાખવો જોઈએ કે
ગુરુદેવ એક ખાસ વ્યક્તિ છે
જેમનામાં કવિતા, રાષ્ટ્રપ્રેમ અને ભલાઈનો સમન્વય થયો છે.
આ એક વિરલ વ્યક્તિત્વ છે. તે સન્માનીય છે.

રવીન્દ્રનાથ:

મહાત્માજી, તમને પડેલી તકલીફ માટે મને માફ કરજો.
મને પેલી સભા પણ યાદ આવે છે
જ્યાં શ્રોતાઓએ
મારા ભાષણના ગુજરાતી અનુવાદની માંગણી કરી હતી.
ત્યાં હાજર રહેલા ગુજરાતી સાહિત્યના માંધાતાઓએ
પોતાની અશક્તિ દર્શાવી હતી
અને તમે આવીને તરત જ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો હતો.

સૂત્રધાર

હવે ગાંધીજીના હાથમાં રાજકીય સૂત્રો હતા
અને રવીન્દ્રનાથ પ્રખર મેધાવી પુરૂષ તરીકે
સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતા.
ગાંધીજીએ અંગ્રેજી શાળાઓ અને કૉલેજોનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું હતું
અને સત્યાગ્રહ, ચરખો અને સ્વદેશીને
સ્વરાજની લડતમાં સ્થાન આપ્યું હતું.
રવીન્દ્રનાથે આ બધાંનો
સામયિકોમાં લેખ લખીને કે મિત્રોને પત્રો લખીને
વિરોધ કર્યો હતો.
ગાંધીજી એ જ માધ્યમ દ્વારા
પોતાના અભિગમનો દૃઢતાપૂર્વક બચાવ કરતા હતા.
ચર્ચા નો વિષય હતો રાજકારણ
પણ તેનું માધ્યમ હતું ફિલસૂફીના સ્તરે
અને ભાષા હતી ઉચ્ચ કોટિના સાહિત્યકારને શોભે તેવી!

રવીન્દ્રનાથ:

ભારતમાં બ્રહ્મવિદ્યાનો હેતુ છે મુક્તિ –
જ્યારે બૌદ્ધધર્મમાં છે નિર્વાણ.
એમ કહી શકાય કે બંને જુદા નામથી
એક જ વિભાવનાની વાત કરે છે.
પણ નામથી મનની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે
અને તે સત્યના કોઈ ખાસ અંશ પર ભાર મૂકે છે.
મુક્તિ હકારાત્મક છે
જ્યારે નિર્વાણ સત્યનો નકારાત્મક અંશ છે.

ગાંધીજી:

મારા નમ્ર મત પ્રમાણે અસ્વીકાર
એ પણ સ્વીકાર જેટલો જ અર્થપૂર્ણ આદર્શ છે.
અસત્યનો અસ્વીકાર, સત્યના સ્વીકાર જેટલો જ જરૂરી છે. બધા જ ધર્મો શીખવે છે કે
બે પરસ્પર વિરોધી બળોનો પ્રભાવ
આપણા ઉપર પડતો હોય છે
અને માણસનો પ્રયાસ
શ્રેણીબદ્ધ સ્વીકાર અને અસ્વીકાર કરવાનો હોય છે.
દૂષણ સાથેનો અસહકાર ને ભૂષણ સાથે સહકાર,
બંને આપણી ફરજ છે.
હું હિંમતપૂર્વક સૂચન કરું છું કે
કવિએ નિર્વાણને નકારાત્મક જણાવીને
અજાણતાં બૌદ્ધધર્મને અન્યાય કર્યો છે.
હું દૃઢતાપૂર્વક માનું છું કે
મુક્તિમાં નિર્વાણ જેટલી જ નકારાત્મકતા છે.
શરીર સાથેના બંધનમાંથી મુક્તિ કે બંધનનું નિર્વાણ,
બંને આનંદ પ્રતિ દોરી જાય છે.
ઉપનિષદો-બ્રહ્મવિદ્યાનો અંતિમ શબ્દ છે નેતિ. ઉપનિષદોના કર્તા નેતિથી વધુ ઉચિત શબ્દ
બ્રહ્માના વર્ણન માટે શોધી શક્યા ન હતા.
આટલું કહીને હું મારી આ દલીલનો અંત લાવીશ.
જેમને લોર્ડ હાર્ડિંગ એશિયાના કવિ કહે છે,
તે ડૉ. ટાગોર, હવે વિશ્વકવિ કહેવાય છે.
વધુ ખ્યાતિની સાથે તેમની જવાબદારીઓ પણ વધે છે.
દેશની સેવા તરીકે તેમણે કરવું જોઈએ
જગત પ્રત્યેના ભારતના સંદેશાનું અર્થપૂર્ણ ઘટન.
માટે જ ભારતનો સંદેશો ભ્રામક અથવા
નબળો ન હોય તે માટે તે ઉત્સુક છે.
તે કહે છે કે તેમણે હાલની ચળવળ સાથે
સૂર સાધવાના અથાગ પ્રયત્ન કર્યા છે.
પણ અસહકારના કોલાહલમાં
તેમની વીણા માટે યોગ્ય તેમને કાંઈ જ સંભળાતું નથી.
તેઓ એવા તારણ પર પહોંચ્યા છે કે
એમના દર્શનના ભારતને માટે અસહકાર ગૌરવપૂર્ણ નથી કારણ કે તે
નકારાત્મક, નિરાશા અને સંકુચિતતાનો સિદ્ધાંત છે.
હું નમ્રતાપૂર્વક
કવિની શંકાનું નિવારણ કરવાનો પ્રયાસ કરીશ.
તેમની વાક્‌પટુતાથી અંજાયેલા વાચકને
હું કદાચ સમજાવી ન શકું
પણ મારે તેમને અને ભારતને ખાતરી આપવી છે કે અસહકારમાં તેમને ભય છે તેવું કોઈ પણ તત્વ નથી
અને અસહકારને અપનાવવા માટે
તેમણે તેમના દેશ માટે શરમિંદા થવાની
કાંઈ પણ જરૂર નથી. …
અસહકારનો સમય હજુ પાક્યો ન હોય એ સંભવિત છે. તો પછી ભારત અને જગતે તેની પ્રતીક્ષા કરવી જ રહી.
ભારત માટે હિંસા કે અસહકાર સિવાય
ત્રીજો કોઈ પર્યાય જ નથી.
દૂષણ સાથે ઇચ્છા કે બુદ્ધિ વિના સામેલ થવા સામે વિરોધ કરવો એ જ અસહકાર.
આપણો અસહકાર અંગ્રેજો કે પશ્ચિમ સામે નથી.
એ તો નબળાનું શોષણ કરતા અને લોભી
ભૌતિક સંસ્કૃતિ પર આધારિત અંગ્રેજ રાજ્યતંત્ર સામે છે.

રવીન્દ્રનાથ:

પશ્ચિમના હૃદયને સ્પર્શતા
સમયની ચેતનાના ચિન્હો હું જોઈ રહ્યો છું.
તેનું સાંપ્રત સ્વરૂપ અસ્વીકાર્ય હોઈને પણ
તેમાં સત્ય પ્રત્યે ઊર્ધ્વગતિ કરવાની આકાંક્ષા
દૃષ્ટિગોચર થાય છે.
આ આકાંક્ષાને આપણે વખોડવી ન જોઈએ.
જગતની જાગૃતિના આ પ્રભાતે
જો તેની સર્વસામાન્ય આકાંક્ષાને
આપણા રાષ્ટ્રીય પ્રયાસોમાં પ્રતિભાવ ન મળે
તો તે આપણી ચેતનાનું દારિદ્ર કહેવાશે.
ક્ષણમાત્ર માટે પણ હું એમ કહેવા નથી માંગતો કે
આપણે આપણા સળગતા પ્રશ્નોને અવગણવા જોઈએ.
પણ પંખી જ્યારે સવારે જાગે છે
ત્યારે તેની જાગૃતિ માત્ર અન્નની શોધમાં નથી સમાઈ જતી. તેની પાંખો થાક્યા વિના આકાશના સાદને પ્રતિભાવ આપે છે,
નૂતન પ્રકાશના આનંદથી તેના ગળામાં ગીતો જાગી ઊઠે છે.
વૈશ્વિક માનવતાએ આજે આપણને સાદ દીધો છે.
તેની પોતાની શૈલીમાં આપણા મનનો પ્રતિભાવ તેને આપીએ કારણ કે સાચી ચેતનાનું ચિન્હ જ છે પ્રતિભાવ.

ગાંધીજી:

તેમની જન્મજાત પ્રકૃતિ પ્રમાણે કવિ જીવે છે ભાવિમાં
અને આપણે પણ તેમ જ કરીએ તેમ ઈચ્છે છે.
આપણી નજર સમક્ષ તેમણે
સવારે આનંદનાં ગીત ગાતાં ગાતાં
આકાશમાં ઊડતાં પંખીઓનું સુંદર ચિત્ર મૂક્યું છે.
આ પંખીઓને તેમનું રોજીંદું ચણ મળેલું છે,
તેમની પાંખોને વિશ્રામ મળેલો છે,
તેમની પાંખોમાં આગલી રાતે નવા લોહીનો સંચાર થયેલો છે.
પણ મેં વ્યથિત નજરે જોયાં છે એવાં પંખી
જે શક્તિના અભાવે પાંખ પણ ફફડાવી શકતાં નથી.
ભારતીય આકાશ નીચે વસતાં માનવપંખી
સૂવાનો પ્રયત્ન કરતી વખતે હોય છે
તેનાથી વધારે અશક્ત જાગતી વખતે હોય છે.
કરોડોને માટે હોય છે સદાકાળ જાગરણ
કે પછી સદાકાળ તંદ્રા. …
કરોડોની ભૂખી પ્રજા માંગે છે માત્ર એક કાવ્ય –
પ્રાણપૂરક અન્ન.
અને તે તેમને આપોઆપ મળતું નથી
તેને માટે તેમણે કામ કરવું પડે છે, પરસેવો પાડવો પડે છે.
જો આપણે આપણો વર્તમાન સાચવી શકીશું
તો ઈશ્વર ભાવિની સંભાળ લેશે.

સૂત્રધાર

ખલેલ માટે ક્ષમા કરશો,
પણ આ તે રાજકીય વિવાદ છે કે કવિતાની સ્પર્ધા?
ચાલો પાછા અસહકારના વમળમાં!

રવીન્દ્રનાથ:

અસહકારની ભાવના રાજકીય વિરક્તિ સૂચવે છે.
આપણા વિદ્યાર્થીઓ શાનું બલિદાન આપી રહ્યા છે?
તેઓ જઈ રહ્યા છે અ-શિક્ષણ તરફ,
સંપૂર્ણ શિક્ષણ તરફ નહીં!
એના હાર્દમાં છે સર્વનાશનો હિંસક આનંદ
જેનું શ્રેષ્ઠ સ્વરૂપ છે વિરક્તિ
અને નિમ્નતમ સ્વરૂપ છે ડરામણો વ્યભિચાર,
જેમાં માણસની પ્રકૃતિ જીવનની વાસ્તવિકતાને ભૂલીને અનુભવે છે એક અર્થહીન બરબાદીનો ઉદાસીન આનંદ,
જે આપણે તાજેતરના યુદ્ધમાં જોયો હતો.
એનું નિષ્ક્રિય સ્વરૂપ છે વિરક્તિ અને સક્રિય સ્વરૂપ, હિંસા!
હું વિદ્યાર્થીઓને શાળાઓનો ત્યાગ કરવાની સલાહ નથી આપતો કારણ કે હું શૂન્યતાની અરાજકતાથી લલચાતો નથી,
ભલે તે હંગામી ધોરણે હોય!
એક સાવ નકારાત્મક કાર્યક્રમની તેમને સલાહ આપવાની જવાબદારી લેવાનું જોખમ હું લેવા નથી માંગતો.
આ કાર્યક્રમથી તેમનું જીવન જડમૂળથી જમીનમાંથી ઊખડી જશે, પછી તે જમીન ભલે ગમે તેટલી પથરાળ કે વેરાન હોય!
આ તે કેવી વિધિની વક્રતા છે કે
સાગરની એક તરફ હું
પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સમન્વયની વાતો કરું છું
અને બીજી તરફ અસહકારનું પ્રતિપાદન થઈ રહ્યું છે!
જેમ હું શરીરને માનવીનું પરમ સત્ય નથી માનતો
તેમ જ મને પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિમાં પણ વિશ્વાસ નથી.
પણ તેથી હું શરીરનો નાશ કરવામાં નથી માનતો
કે જીવનની ભૌતિક જરૂરિયતોની અવજ્ઞા કરવામાં
પણ નથી માનતો.
જરૂર છે માનવીની આધ્યાત્મિક અને ભૌતિક પ્રકૃતિની વચ્ચે સમન્વય સાધવાની,
પાયા અને ઇમારત વચ્ચે સમતુલન જાળવવાની.
હું માનું છું પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સાચા સમન્વયમાં.

ગાંધીજી:

હું પણ મુક્ત વાતાવરણનો કવિ જેટલો જ પ્રખર હિમાયતી છું.
મારું ઘર બંધિયાર હોય કે બારીઓ બંધ હોય
એવું મને પણ નથી ગમતું.
બધા જ દેશોની સંસ્કૃતિના પ્રવાહો
મારા ઘરમાં છૂટથી વહેતા રહે એવું હું ઇચ્છું.
પણ હું કોઈ પણ પ્રવાહમાં ઘસડાઈ જવા નથી માંગતો.
બીજાના ઘરમાં હું ઘુસણખોર, ભિક્ષુક કે ગુલામ થઈને
હરગિઝ નહીં રહું.
ભ્રામક અભિમાન કે બિનજરૂરી સામાજિક ફાયદાને ખાતર
હું મારા દેશવાસીઓ પર
અંગ્રેજી શીખવાનો બિનજરૂરી બોજો લાદવા નથી માંગતો.
કવિને મુખ્યત્વે વિદ્યાર્થીઓની ચિંતા છે.
તેઓ માને છે કે બીજી શાળાઓ ન હોય ત્યાં સુધી
તેમને સરકારી શાળાઓનો ત્યાગ કરવાનું ન કહેવું જોઈએ.
અહીં હું તેમની સાથે સંમત નથી.
હું શિક્ષણની પૂજા કરવામાં ક્યારેય માનતો આવ્યો નથી.
મેં મારા પોતાના અનુભવથી સાબિત કર્યું છે કે
માત્ર શિક્ષણથી નૈતિક ધોરણો જરા પણ સુધરતાં નથી
અને ચરિત્રના ઘડતરમાં શિક્ષણનું કાંઈ પણ પ્રદાન નથી હોતું.
હું દૃઢતાપૂર્વક માનું છું કે
સરકારી શાળાઓએ આપણને
સત્ત્વહીન અને પરાધીન બનાવ્યા છે અને ઈશ્વરથી દૂર કર્યા છે. ત્યાં જવાથી આપણને મળે છે અસંતોષ
અને અસંતોષનો કોઈ ઉપચાર ન હોવાથી
આપણે હતાશ થઈ જઈએ છીએ.
આ શાળાઓનો હેતુ હતો
આપણને કારકુન અને દુભાષિયા બનાવવાનો
અને તે હેતુ બરાબર સિદ્ધ થઈ રહ્યો છે.

રવીન્દ્રનાથ:

સ્વદેશી ચળવળને અનુસરતી આ ચળવળનો વ્યાપ વિશાળ છે
અને તેની અસર આખા દેશ પર જણાય છે.
પહેલાં આપણા રાજકીય નેતાઓનું દર્શન
અંગ્રેજી જાણનાર વર્ગ પૂરતું સીમિત હતું
કારણ કે તેઓે દેશનું અર્થઘટન
અંગ્રેજોના ઇતિહાસમાંથી મેળવતા હતા.
આવા સંજોગોમાં મહાત્મા ગાંધી આવ્યા
અને કરોડોની નિરાધાર જનતાની ઝૂંપડાના દ્વારે
તેમના જેવો જ વેશ પહેરીને
અને તેમની ભાષામાં વાતો કરતા ઊભા રહ્યા.
આખરે તેમને કોઈ પુસ્તકિયું અવતરણ નહીં,
પરમ સત્ય લાધ્યું.
તેથી જ તેમને અપાયેલો મહાત્માનો ખિતાબ
એ જ તેમની સાચી ઓળખાણ છે.
બીજા કોણે આટલા બધા ભારતવાસીઓને
પોતાના અંગત માન્યા છે?
સત્યના સ્પર્શથી
આજ સુધી પૂરાઈ રહેલી પ્રાણની શક્તિ મુક્ત થઈ છે.
ભારતના દ્વારે સાચા પ્રેમનું દર્શન થતાં જ એ દ્વાર ખુલી ગયાં;
બધી જ દ્વિધા અને સંકોચ અદૃશ્ય થઈ ગયાં.
સત્યથી સત્યનો દીપક પ્રગટ્યો.
ભારતનું હૃદય મહાત્માએ પ્રેમથી જીતી લીધું છે;
તે માટે આપણે તેમેની સર્વોપરિતા સ્વીકારીએ છીએ.
તેમણે આપણને સત્યની શક્તિનું દર્શન કરાવ્યું છે
અને તે માટે આપણે તેમના સદાકાળ ઋણી રહીશું.
પણ જો સત્યનું દર્શન કર્યા છતાં
તેનામાં આપણી શ્રદ્ધાનો પડઘો ન પડે તો તેનો અર્થ શું?
જેમ આપણું હૃદય પ્રેમના સત્યનો પ્રતિભાવ આપે છે
તેમ જ આપણા મગજમાં પણ
બૌદ્ધિક સત્યનો પ્રતિભાવ મળવો જોઈએ.
સત્યની શક્તિનું આટલું સ્પષ્ટ દર્શન કર્યા પછી
શું આપણે માત્ર સ્વરાજ મળવાની લાલચથી
તેમાં શ્રદ્ધા રાખવાનું છોડી દઈશું?
જાગૃતિ માટે જરૂરી સત્યને સિદ્ધિની ક્ષણોમાં ભૂલી જઈશું?
આજે દેશ ઉપર એક દમનગ્રસ્ત વાતાવરણનો બોજો છવાયેલો છે.
જાણે કોઈ બાહ્ય જબરદસ્તી
સૌની સાથે એક જ સૂરમાં વાત કરી રહી છે
અને એક જ યંત્ર પર કામ કરવા કહી રહી છે.
મારે જ્યારે ચર્ચા કરવી હતી, પ્રશ્નો પૂછવા હતા,
ત્યારે મારા હિતેચ્છુઓએ હોઠ પર હાથ મૂકીને કહ્યું, હમણાં નહીં!
આજે દેશના વાતાવરણમાં એક જુલમનો, સિતમનો માહોલ છે.
આ જુલમ કે સિતમ કોઈ શસ્ત્રસજ્જ શક્તિ નથી ફેલાવતી
પણ તેનાથી પણ વધુ ખતરનાક કોઈ અદૃશ્ય શક્તિ ફેલાવે છે.
મેં જોયું કે વર્તમાન પ્રવૃત્તિને જે શંકાની નજરે જોતાં હતાં
તેઓ જો તેમની શંકા અંગે
ગમે તેટલી સાવધાનીપૂર્વક કે ધીરેથી પણ વાત કરતાં
તો અંદરથી જ કોઈ તેમને ચેતવતું અને સખત જકડી રાખતું.
એક વર્તમાનપત્રે
એક દિવસ વસ્ત્રદહનની ટીકા કરવાની ધૃષ્ટતા કરી.
બીજા જ દિવસે તંત્રી વાચકોના ઉશ્કેરાટથી સમતુલન ગુમાવી બેઠો.
જે આગમાં કાપડ બળે છે
તે જ આગથી વર્તમાનપત્ર પણ રાખ જ થઈ જાયને?
હું જોઈ રહ્યો છું કે એક બાજુ લોકો અત્યંત વ્યસ્ત છે
તો બીજી બાજુ અત્યંત ભયભીત છે.
ચારે તરફથી હું સાંભળી રહ્યો છું કે
તર્ક તેમ જ સંસ્કૃતિને તિલાંજલિ આપો.
સવાલો પૂછ્યા વિના માત્ર આજ્ઞાપાલન જ આવશ્યક છે.
પણ કોની આજ્ઞાનું પાલન?
કોઈ મંત્રની કે પછી કોઈ વિવેકહીન સિદ્ધાંતની?

ગાંધીજી:

એક ઉત્તમ અને ઉમદા લેખમાં શાંતિનિકેતનના કવિએ
હાલની ચળવળનો હુબહુ ચીતાર શબ્દચિત્રો દ્વારા રજૂ કર્યો છે
જે તેમના સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી.
એક ક્ષણિક દીવાનગીના આંધળા સ્વીકારને
અધિકાર કે પછી ગુલામીનું માનસ કે
બીજું જે કોઈ નામ આપી શકાય,
તેની સામેનો વાગ્છટાથી સભર વિરોધ તેમાં પ્રસ્તુત છે.
કવિ કહે છે કે જે હૃદય કે મગજને સ્વીકાર્ય ન હોય
તેનો ત્વરિત અસ્વીકાર કરવામાં જ શાણપણ છે. …
આની સાથે સૌએ સંમત થવું જ જોઈએ તેમ જ
સત્ય અને તર્કનો પક્ષ લેવા માટે
બધા જ દેશવાસીઓએ તેમનો આભાર માનવો જોઈએ.
જો દેશવાસીઓ વિચાર્યા વગર, અંધશ્રદ્ધાથી
મને અનુસરે છે એમ મને લાગતું હોત
તો મને અત્યંત દિલગીરી થાત.
સિતમગારના ચાબખાને વશ થવા કરતાં
પ્રેમની આંધળી તાબેદારીમાં રહેલા જોખમોથી
હું સુમાહિતગાર છું.
પાશવી શક્તિના ગુલામને મુક્તિની આશા હોઈ શકે,
પ્રેમના ગુલામને નહીં!
પ્રેમ જો બળજબરીથી આજ્ઞાપાલન કરાવે
તો તે પણ સિતમગાર થઈ જાય છે.
દંભ, જડતા, નિષ્ક્રિયતા, અસહિષ્ણુતા, અજ્ઞાન
કે તેમના જેવા દુશ્મનો સામે આપણને ચેતવીને
કવિએ એક સંત્રીની ફરજ અદા કરી છે.
આંધળા આજ્ઞાપાલનના દૂષણોથી
ચેતતા રહેવાની કવિની સલાહ સાથે હું સંમત છું
પણ એનો અર્થ એમ નથી કે
હું માનું છું કે આજે દેશમાં આંધળું આજ્ઞાપાલન ફેલાયેલું છે.
મેં વારંવાર વિચાર કર્યો છે
અને જો આજે દેશમાં ચરખાનો સ્વીકાર
સમૃદ્ધિની સીડીના પહેલાં પગથિયાં તરીકે થયો હોય
તો તે ગંભીર ચર્ચા અને ઘણા વિવાદ પછી થયો છે. …
સપાટી પરની ધૂળને
નીચે રહેલો પદાર્થ માનવાની ભૂલ કવિએ ન કરવી જોઈએ. …
હું ઇચ્છું છું કે કવિ અને સંત
કાંતણને એક ધાર્મિક વિધિ તરીકે સ્વીકારીને કાંતે.
યુદ્ધના સમયે કવિએ તેની વીણા,
વકીલે તેના કાયદાના કાગળો, વિદ્યાર્થીએ તેનાં પુસ્તકો
બાજુ પર મૂકી દેવા જોઈએ.
યુદ્ધની સમાપ્તિ પછી કવિ સાચા સૂરમાં ગાઈ શકશે,
જ્યારે લોકોને એકબીજાની સાથે લડવાની તક મળશે
ત્યારે વકીલ તેના કાયદાના કાગળો જોઈ શકશે.

રવીન્દ્રનાથ:

આપણા ગુરુ સમાન મહાત્મા પાસેથી
આપણે પ્રેમના પવિત્ર સત્યનું શિક્ષણ લેવું જોઈએ.
પણ સ્વરાજની કળા અને વિજ્ઞાનનું ફલક વિશાળ છે.
આ કામને માટે ભાવના અને આકાંક્ષાથી પણ વધારે જરૂર
વિચાર અને અભ્યાસની છે.
આને માટે અર્થશાસ્ત્રીઓએ વિચારવું પડશે,
કારીગરે મહેનત કરવી પડશે, કેળવણીકારે શિક્ષણ આપવું પડશે અને મુત્સદ્દીઓએ યોજના કરવી પડશે.
ટૂંકમાં આખા દેશમાં સૌએ બધી જ દિશામાં ક્રિયાશીલ રહેવું પડશે.
તદુપરાંત, આખા દેશમાં
ઝીણવટભરી પ્રશ્નોત્તરીનો દોર અખંડ અને મુક્ત રાખવો પડશે.
ખુલ્લી કે ખાનગી બળજબરીથી દેશનું મગજ ડરપોક કે નિષ્ક્રિય ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે.
જે આપણને કર્મના માર્ગે દોરી રહ્યા છે
તે વર્તમાન ગુરુ એક હાકલ કેમ નથી પાડતા?
તેઓ કેમ કહેતા નથી,
આવો, આવો, સૌ ચારે દિશામાંથી આવો, તમારું સ્વાગત છે.
દેશની બધી જ શક્તિને કર્મમાં જોડી દો – તો જ દેશ જાગૃત થશે.
સંપૂર્ણ જાગૃતિ એ જ સ્વાતંત્ર્ય, એ જ સંપૂર્ણ અભિવ્યક્તિ.
મહાત્મા પાસે ઈશ્વરદત્ત અવાજ છે જે હાકલ પાડી શકે છે
કારણ કે તેમનામાં સત્ય છે.
આ જ આપણી તક છે
જેની આપણે લાંબા સમયથી પ્રતીક્ષા કરતા હતા.
પણ એમની હાકલ એક સંકુચિત ક્ષેત્ર પૂરતી જ સીમિત રહી.
સર્વેને તે કહે છે, કાંતો અને વણો, કાંતો અનેે વણો.
નૂતન સમયનો નૂતન સર્જન માટે આ સાદ?
કુદરતે જ્યારે મધમાખીને
મધપૂડાની સીમિત જીંદગીનો આદેશ આપ્યો
ત્યારે લાખો મધમાખીઓએ તેને
માત્ર કાર્યક્ષમતા માટે માથે ચડાવ્યો.
પરિણામે તેમણે પ્રજનનનો હક ગુમાવ્યો.
કોઈ લાલચ કે આદેશને આધીન થવા માટે
જે દેશની પ્રજા નપુંસક થવાનું સ્વીકારે
તેનું કારાગાર તેની સાથે જ હોય છે.
કાંતવું સહેલું છે માટે જ દરેક માણસને તેની શિક્ષા કરવી
એ વ્યાજબી નથી. …
માનવીની પરાકાષ્ટા જ્યારે આંબવામાં આવે
ત્યારે જ તેનું શ્રેષ્ઠતમ ખીલી ઊઠે. …
પોતાના યોગ્ય સ્થાને ચરખો નુકસાન નથી કરતો
એટલું જ નહીં, તે લાભકર્તા પણ છે.
પરંતુ, જ્યારે માણસની પ્રકૃતિમાં રહેલા ભેદને જાણીજોઈને અવગણીને તેને અયોગ્ય સ્થાન મૂકવામાં આવે
ત્યારે કંતાયેલા સૂતરમાં મગજનું મહાન બલિદાન આપાયું હોય છે.
માણસનું મગજ સૂતરથી ઓછું મૂલ્યવાન નથી. …
આપણી આંખો સામે ધ્રૂજતી અને નગ્ન માતૃભૂમિના સંદર્ભમાં વસ્ત્રદહનનો વિચાર કરી જુઓ.
આવી હાકલનો શું અર્થ છે?
કયા ઉત્પાદકનું કાપડ વાપરવું અને કોનું નહીં
એ અર્થશાસ્ત્રીનો વિષય છે.
આપણા દેશમાં આ અંગે થતી ચર્ચા
અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી થવી જોઈએ.
જો આપણને એવી ટેવ પડી ગઈ હોય
જેમાં ચોક્કસ કે ઝીણવટભરી વિચારશ્રેણી અશક્ય હોય
તો બીજું બધું જ બાજુ પર મૂકીને
આપણી પ્રથમ લડત આ મરણતોલ કુટેવ સામે હોવી જોઈએ.
આવી ટેવ આદિ પાપ જેવી કહેવાય
જેમાંથી બીજા બધાં જ દૂષણોનો ઉદ્‌ભવ થાય છે.
પણ આપણે તો કોઈ જાદુઈ સૂત્રથી
વિદેશી કાપડને અશુદ્ધ કે અપવિત્ર માનીને
આવી ટેવનો સ્વીકાર કરીએ છીએ.
અર્થશાસ્ત્રનું પોટલું બાંધી, તેને બહાર ફેંકી દઈને
તેને સ્થાને કૃત્રિમ નૈતિક ધોરણોને ઘસડી લાવીએ છીએ.

ગાંધીજી:

મારે સ્વીકારવું જોઈએ કે
હું અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે
ખાસ કે પછી કોઈ પણ ભેદરેખા નથી દોરતો.
વ્યક્તિ કે રાષ્ટ્રની નૈતિક તંદુરસ્તીને હાનિકારક અર્થશાસ્ત્રને
હું અનૈતિક જ કહું.
આમ જોતાં જે અર્થશાસ્ત્ર
એક દેશને બીજા દેશનું શોષણ કરવા દે
તે અનૈતિક જ કહેવાય.
જ્યારે હું જાણતો હોઉં કે
પડોશના વણકરોએ વણેલું કાપડ પહેરવાથી
મને કપડાં અને તેમને રોજગારી અને અન્ન મળે છે
ત્યારે રીજન્ટ સ્ટ્રીટનાં સુંદર કપડાં પહેરવાં પાપ જ કહેવાય.
આવું પાપ જ્યારે મારી નજર સમક્ષ ઊછળતું હોય
ત્યારે મારે તે વિદેશી કપડાંની હોળી કરીને
મારા આત્માની શુદ્ધિ કરવી જ રહી.
ત્યાર પછી મારે મારા પડોશીએ બનાવેલી
ખરબચડી ખાદી પહેરીને જ સંતોષ માનવો જોઈએ.
જો મારા પડોશી બીજું કામ મૂકીને કાંતતા ન હોય
તો મારે કાંતવાનું શરૂ કરીને તેનો પ્રચાર કરવો જોઈએ
અને તેને લોકપ્રિય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

સૂત્રધાર

બંનેના મિત્ર, ચાર્લી ઍન્ડ્રુઝને ફિકર થતી હતી કે
આવા મતભેદથી બે ઉદાત્ત આત્માઓ વચ્ચે તિરાડ તો નહીં પડેને!
સાવચેતીના પગલા તરીકે
રવીન્દ્રનાથના કોલકતાના પારિવારિક રહેઠાણ, જોરાસાંકોમાં
તેમણે બંને વચ્ચે એક મુલાકાત યોજી.
તે મુલાકાતમાં તેમના ત્રણ સિવાય ચોથું કોઈ જ ઉપસ્થિત ન હતું.
મુલાકાત પછી ગાંધીજી કે રવીન્દ્રનાથે
પ્રેસને કોઈ પણ નિવેદન આપ્યું ન હતું.
ઘણાં વર્ષો પછી
રવીન્દ્રનાથે આ પ્રસંગ વિશે એલ્મહર્સ્ટને વાત કરી હતી.

રવીન્દ્રનાથ:

ગાંધીજી મને કલકત્તામાં મારા ઘરે મળવા આવ્યા હતા.
તેમને તેમના રાજકીય કાર્યક્રમોના વિવિધ પાસા માટે
મારો ટેકો જોઈતો હતો.

ગાંધીજી:

ગુરુદેવ, વીસેક વર્ષ પહેલાં
તમે જ સ્વદેશી ચળવળના પ્રણેતા અને નેતા હતા.
તમે હંમેશા ઇચ્છતા હતા કે
ભારતીયો પોતાના પગ ઉપર ઊભા રહે
અને અંગ્રેજોનું આંધળું અનુકરણ ન કરે.
મારું સ્વરાજનું આંદોલન
તમારા સ્વદેશીના કાર્યક્રમનું કુદરતી સંતાન છે.
એમાં જોડાઈને એને શક્તિશાળી બનાવો.

રવીન્દ્રનાથ:

ગાંધીજી, આખું જગત
સ્વાર્થી અને દીર્ઘદૃષ્ટિહીન રાષ્ટ્રવાદથી પીડાય છે.
ભારતે હંમેશા બધાં જ દેશો તેમ જ સિદ્ધાંતોને આતિથ્ય ધર્યું છે.
હું માનું છું કે ભારતમાં
આપણે પશ્ચિમ અને તેના વિજ્ઞાન પાસેથી ઘણું મેળવવાનું છે
અને આપણે આપણી વચ્ચે સમન્વય સાધતાં પણ શીખવાનું છે.

ગાંધીજી:

પણ ગુરુદેવ, મેં હિંદુ-મુસ્લિમ એકતા તો સાધી છે.

રવીન્દ્રનાથ:

હું નથી માનતો.
તમે તો માત્ર રાજકીય મંચની વાત કરો છો
જ્યાં હિંદુ અને મુસ્લિમ આનંદપૂર્વક ભેગા થઈને
અંગ્રેજો પર પ્રહાર કરી રહ્યા છે.
મને અંગ્રેજ બાબુશાહી પ્રત્યે ક્યારેય આદર થયો નથી
પણ તમે સાચે જ કહી શકો કે
હિંદુઓના હૃદયમાં મુસ્લિમો માટે પ્રેમભાવ છે?
જ્યારે અંગ્રેજો ચાલી જશે કે ભગાડી મૂકવામાં આવશે
ત્યારે શું થશે?

ગાંધીજી:

ગુરુદેવ,
મારું સમગ્ર આંદોલન અહિંસાના સિદ્ધાંત પર અવલંબે છે અને તેથી જ શાંતિમાં માનનારા એક કવિ તરીકે
તમારે મારા આંદોલનમાં જોડાઈને તેને માટે કામ કરવું જોઈએ.

રવીન્દ્રનાથ:

ગાંધીજી, આવો અને મારા વરંડામાંથી જુઓ.
નીચે જોઈને મને કહો,
તમારા અહિંસક અનુયાયીઓ શું કરી રહ્યા છે?
તેમણે ચિતપુર રોડની દુકાનમાંથી કપડું ચોર્યું છે
અને મારા આંગણામાં તેની હોળી સળગાવીને
તેની આસપાસ ફરતા દીવાના દરવેશોની જેમ બૂમો પાડી રહ્યા છે.
આ અહિંસા છે?

ગાંધીજી તમે જાણો છો તેમ આપણી પ્રજા આવેગશીલ છે.
તમારા અહિંસક સિદ્ધાંતોથી
તમે આ આવેગને સંયમમાં રાખી શકશો?
તમે જાણો છો કે એ શક્ય નથી.
હિંદુ અને મુસ્લિમ વચ્ચે પ્રવર્તતી હિંસક ભાવના પર સંયમ લાદવા
તેમના બાળકોને બે કે ત્રણ પેઢી સુધી સાથે શિક્ષણ આપવું પડશે.

ગાંધીજી:

ગુરુદેવ, તમે કહો છો કે
તમે ભારતીયોના ભારતીયો દ્વારા શિક્ષણમાં માનો છો.
તો તમે મારા રાષ્ટ્રીય શિક્ષણના આંદોલનને
સમર્થન આપી શકો.
હજારો યુવાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ
સરકારી અને મિશનરી શાળાઓ છોડીને
રોજ આ નવી શાળાઓમાં ભરતી થવા આવે છે.

રવીન્દ્રનાથ:

અને તમે તેમાંથી જે શ્રેષ્ઠ હોય
તેમને તમારા રાજકીય કાર્યક્રમમાં જોડી દો છો
અને બાકી રહેલા મૂર્ખ લોકોને એવી શાળામાં મૂકો છો
જ્યાં સંપૂર્ણ નહીં પણ વિકૃત શિક્ષણ અપાય છે.
મને તમારા રાષ્ટ્રીય કેળવણીના કાર્યક્રમમાં વિશ્વાસ નથી.
આપણે આખા જગતમાંથી શિક્ષકો અને અધ્યાપકોને
આમંત્રણ આપીને ભારતમાં શિક્ષણ આપવા બોલાવવા જોઈએ
જેથી તેઓ પણ આપણા સાંસ્કૃતિક વારસામાંથી શીખી શકે.
અત્યારે હું શાંતિનિકેતનમાં આવો જ પ્રયત્ન કરી રહ્યો છું.

ગાંધીજી:

ગુરુદેવ,
તમે મારે માટે બીજું કાંઈ પણ ન કરી શકો તો કાંઈ નહીં
પણ આ તમારા કલકત્તાના મોટી, મોટી ઉપાધિઓવાળા અવહેવારુ ભદ્રલોકને શરમમાં નાંખીને
કાંતવા તો બેસાડી શકોને?
અરે, તમે જાતે કાંતીને આખા દેશને ઉદાહરણ પૂરું પાડી શકો.

રવીન્દ્રનાથ:

હું કવિતા લખી શકું, ગીત ગાઈ શકું,
પણ ગાંધીજી, તમારા કિંમતી કપાસનો હું કેવો બગાડ કરું
તેની તમે કલ્પના નહીં કરી શકો.

સૂત્રધાર

ઍન્ડ્રુઝે એક ટૂંકું અને મુત્સદ્દીપૂર્ણ નિવેદન પ્રેસમાં આપ્યું હતું,
બંને વચ્ચે સ્વભાવગત મતભેદો એટલા તીવ્ર હતા કે
બૌદ્ધિક સમજુતી સાધવી અત્યંત મુશ્કેલ હતી
પણ મૈત્રીનું નૈતિક બંધન અકબંધ રહ્યું છે.
રવીન્દ્રનાથના કાવ્યમય અને ભવિષ્યવાણી જેવા વિરોધ છતાં સમષ્ટિ ઉપર ગાંધીજીની પકડ વ્યાપક અને અભૂતપૂર્વ હતી.
આખા દેશમાં
ગાંધીજીને શ્રીકૃષ્ણના સ્વરૂપમાં દર્શાવતા ચિત્રો વેચાતાં હતાં. અસહકારનું આંદોલન આખા દેશમાં સ્વીકૃતિ મેળવી રહ્યું હતું. નવેમ્બર ૧૯૨૧માં મુંબઈમાં
રવીન્દ્રનાથના ભયને પહેલી વાર સમર્થન મળ્યું.
પ્રિન્સ ઑફ વેલ્સની મુલાકાતના બહિષ્કાર દરમિયાન
હિંસક તોફાનો થયા.
ગાંધીજી મુંબઈમાં જ હોવા છતાં
ત્રણ દિવસ સુધી તોફાનોનો દોર ચાલુ રહ્યો.
ડિસેમ્બર ૧૯૨૧માં કૉંગ્રેસે સામુદાયિક સવિનય ભંગની ચળવળ આરંભ કરવાનો નિર્ણય લીધો
અને તેનું નેતૃત્વ ગાંધીજીને સોંપ્યું.
પહેલી ફેબ્રુઆરીના દિવસે રવીન્દ્રનાથે સુવિખ્યાત ગુજરાતી કવિ, ન્હાનાલાલને લખ્યું,

રવીન્દ્રનાથ:

બધા જ દેશોમાં રાજકીય શક્તિ જેના ઉપર આધાર રાખે છે
તેવા લશ્કરી બળને પરાજિત કરવાની શક્તિ અહિંસામાં છે
તેમ હું માનું છું.
પણ બીજા બધા જ નૈતિક સિદ્ધાંતોની જેમ જ
અહિંસા પણ હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થવી જોઈએ
અને કોઈ તાકીદના કારણસર બહારથી લાદેલી હોવી ન જોઈએ. જગતની મહાન વિભૂતિઓએ મુખ્યત્વે આધ્યાત્મિક પ્રગતિ માટે
પ્રેમ, ક્ષમા અને અહિંસાનો બોધ આપ્યો છે
નહીં કે રાજકારણ કે તેના જેવા ક્ષેત્રમાં સફળતા મેળવવા.
જેમણે પહેલાં સ્વાર્થનો માર્ગ જ અપનાવ્યો હોય
તેવા માણસોનો વિશાળ સમુદાય
અચાનક જ અહિંસાનો માર્ગ અપનાવે તો
તેમનું ધ્યેય નિશ્ચિત સમયમાં હાંસલ કરવામાં
પડતી મુશ્કેલીઓથી એ વિભૂતિઓ માહિતગાર હતી.
કોઈ બાહ્ય પરિણામની તીવ્ર ઇચ્છાનું દબાણ હોય
તો માણસો તેમની સ્વભાવગત ટેવોને મર્યાદિત સમય માટે
કાબૂમાં રાખી શકેે તે વાત નિર્વિવાદ છે.
પણ એક વિશાળ સમુદાય
જેની પરંપરા અને સંસ્કૃતિની ભૂમિકા વૈવિધ્યપૂર્ણ હોય અને
જે હેતુને માટે લાંબા સમયને માટે જટિલ લડત આપવાની હોય ત્યાં આવો કાબૂ રાખવાની શક્યતા હું જોતો નથી.
દક્ષિણ આફ્રિકાની વાત જુદી જ હતી.
મારી શક્તિઓની સીમા જાણતો હોઈ હું મારી જાતને મારા વ્યવસાયમાં જ વ્યસ્ત રહેવા દઉં છું
જે અંધ શક્તિઓને હું કાબૂમાં ન રાખી શકું
તેને છેડવાનું સાહસ કરવામાં હું માનતો નથી.

સૂત્રધાર

પાંચમી ફેબ્રુઆરીએ ચોરી ચોરામાં
એક ઝનૂની ટોળાએ બાવીસ પોલિસોને જીવતા બાળી નાંખ્યા.

ગાંધીજી:

ચોરી ચોરાના દુ:ખદ બનાવો
આવનારા દિવસો પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે.
જો સાવચેતીનાં સખત પગલાં નહીં લેવામાં આવે
તો ભારત સહેલાઈથી આ જ માર્ગે પ્રયાણ કરશે.
આપણે સ્વાતંત્ર્યના સામ્રાજ્યમાં પ્રવેશ કરવો હોય
તો સત્ય અને અહિંસાને અંતરમાં ઊતારવા પડશે.
વધુ પ્રગતિ કે પછી વધુ અધોગતિને અટકાવવા માટે સામુદાયિક સવિનય ભંગની ચળવળને મુલત્વી રાખવાનું
અને આવેગ અને ઉશ્કેરાટનું શમન અનિવાર્ય છે.
હું આશા રાખું છું કે
મારા આ પગલાથી કોઈ પણ કૉંગ્રેસી નિરાશ નહીં થાય પણ અવાસ્તવિકતા અને રાષ્ટ્રીય પાપના બોજામાંથી મુક્તિ અનુભવશે.

સૂત્રધાર

માર્ચની દસમીએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી
અને તેમના પર મુકદ્દમો ચલાવીને
તેમને છ વર્ષની જેલ ફરમાવવામાં આવી.
ગાંધીજી જ્યારે જેલમાં હતા
ત્યારે લગભગ બે વર્ષ માટે
રાષ્ટ્રીય આંદોલનો સ્થગિત થઈ ગયાં
અને સ્વાભાવિક રીતે જ આ ચર્ચામાં પણ વિક્ષેપ પડ્યો. ફેબ્રુઆરી ૧૯૨૪માં ગાંધીજી જેલમાંથી છૂટ્યા અને…

રવીન્દ્રનાથ:

(તારથી) અમને સૌને ખૂબ આનંદ થયો.
(કાગળ) પ્રિય મહાત્માજી,
તમને જેલમાંથી મળેલી મુક્તિની વધામણી આપવામાં મારે સમય નથી બગાડવો
પણ જ્યારે તમારા સ્વાસ્થ્ય અને શાંતિમાં ખલેલ પહોંચાડવાની બીજાઓને મળતી અબાધિત સ્વતંત્રતાના ચિન્હો દેખાય
ત્યારે હું શાંત કે નિષ્ક્રિય ન બેસી શકું.
આ કટોકટીના સમયે
હું ચાર્લીને તમારી પાસે મોકલી આપું છું.
તે તેની આગવી રીતે તમને સાથ આપશે અને મદદ કરશે.

સૂત્રધાર

આ થઈ અંગત વાત.
માર્ચથી જુલાઈ ૧૯૨૪માં રવીન્દ્રનાથ
ચીન અને જાપાન ગયા હતા.
નવેમ્બરમાં આર્જેન્ટીના પહોંચતા જ
એક અખબારી મુલાકાતમાં તેમણે કહ્યું,

રવીન્દ્રનાથ:

ગાંધી સાથે ત્રણ વર્ષ પહેલાં થયેલી
એક વેદનાપૂર્ણ ચર્ચા પછી
અમારા બંનેના રસ્તા જુદા થઈ ગયા છે
અને અમારા કાર્યક્રમો ભિન્ન દિશામાં ચાલી રહ્યા છે.
ગાંધી માત્ર હિંસા જ છે. …
મારી યુરોપની યાત્રા દરમિયાન
હું બધે જ ગાંધીને ભારતના એક વિચક્ષણ પ્રતિનિધિ તરીકે સન્માનતો હતો.
પણ આ ગૌરવ સભર યાત્રા પછી સ્વદેશ પાછા ફરીને મેં જોયું કે મારી આશા પર પાણી ફરી વળ્યું હતું.
મારા જીવનનો આ અત્યંત પીડાદાયી અનુભવ હતો.
મેં જોયું કે ગાંધીના શબ્દોથી ઉશ્કેરાયેલી સમષ્ટિને
જે કાંઈ પણ યુરોપિયન હોય તે ખપતું ન હતું.
તેનાથી હિંસામાં પ્રાણ પૂરાતો હતો.
અમે બંને મળ્યા અને ચર્ચા કરી.
મેં તેમને પૂછ્યું કે
આપણે પાશવી શક્તિનું પ્રતિનિધિત્વ કરીએ છીએ કે મગજનું?
ગાંધીએ મને જણાવ્યું કે જે કાંઈ યુરોપિયન હોય,
વિજ્ઞાન, વર્તણૂંક ઇત્યાદિ જે કાંઈ યુરપનું હોય,
તે બધાંનો વિનાશ કરવો જ પડશે.
તે ચર્ચા લાંબી ચાલી અને વેદનાપૂર્ણ હતી.
અંતે મેં કહ્યું કે તમારા કાર્યક્રમો રાજકીય છે
અને હું રાજકારણી નથી પણ કવિ અને કેળવણીકાર છું.
આ સંવાદ પછી મેં એક સભાને સંબોધી
જેમાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે
હું શા માટે ગાંધીના કાર્યક્રમો સાથે સંમત નથી થતો.
આ સભામાં વિશાળ મેદની હતી.
મેં પ્રેમથી અને લાગણીપૂર્વક
લંબાણથી હિંસામાં રહેલી વિસંગતિ સમજાવી
અને માર્ગ બદલવાનું સૂચન કર્યું.
મારા શબ્દોનું મૃત:પ્રાય મૌનથી સ્વાગત થયું.
એ વિશાળ મેદનીમાંથી મારા શબ્દોનેે
એક પણ તાળીએ વધાવ્યા નહીં.
ફરી એક વાર મને લાગ્યું કે
મારા પોતાના દેશમાં હું એકલો પડી ગયો છું.

સૂત્રધાર

ફેબ્રુઆરી ૧૯૨૫માં રવીન્દ્રનાથ ભારત પાછા ફર્યા.
ફરીથી જાહેરમાં ચર્ચાનો આરંભ થાય તે પહેલાં,
મે ૧૯૨૫માં ગાંધીજીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી.
રવીન્દ્રનાથે તેમનું હાર્દિક અને કલામય સ્વાગત કર્યું.

ગાંધીજી:

મારા રૂમમાં આ સોહાગ રાતના શણગાર કમ ક ે ર્યા છ?ે
ક્યાં છ ને વવધૂ?

રવીન્દ્રનાથ:

અમારા હૃદયની સદાબહાર રાણી, શાંતિનિકેતન
આપનું સ્વાગત કરે છે.

ગાંધીજી:

પણ તે મારા જેવા બોખા ભિક્ષુકની સામે
નજર પણ નાંખશે?

રવીન્દ્રનાથ:

અમારી રાણી તો સત્યને ચાહે છે
અને ઘણાં વર્ષોથી તેની સાચા મનથી પૂજા કરતી આવી છે.

સૂત્રધાર

થોડા જ સમય પછી ચર્ચાનો આરંભ થયો.

રવીન્દ્રનાથ:

ચરખાની ચળવળથી
મારા મગજના ઊંડાણમાં કોઈ જ અસર થઈ નથી
એમ કહેતાં હું જરા પણ ક્ષોભ અનુભવતો નથી.
હું જોઈ રહ્યો છું કે
જ્યારે ત્રાક ચલાવવા મટે હાથ રાજી નથી હોતા
ત્યારે મોઢેથી તેના વખાણ કરવામાં આવી રહ્યા હોય છે.
હું દૃઢતાપૂર્વક માનું છું કે સમુદાયના માનસ ઉપર અજમાવવામાં આવતું સમજુતીનું તીવ્ર દબાણ
તેને માટે સુપથ્ય નથી. …
આનો પ્રત્યાઘાત તો આવશે જ
અને તેના પરિણામે ભ્રમ દૂર થતાં
રહી જશે શિથિલ ચરિત્રમાંથી ઉદ્‌ભવતી હતાશા.
હિંદુ-મુસ્લિમ એકતાની તક ઉજળી છે
એવો આભાસ થતાં જે જબરદસ્ત ભાવોન્માદ પ્રગટ્યો હતો તેનો અનુભવ તાજો જ છે.
કોઈ વિશ્વસનીય વ્યક્તિના ચીંધેલા
આડરસ્તાના પ્રલોભનોમાંથી બચવાનું
આપણી પ્રજા માટે શક્ય નથી
તેથી જ ચરખામાં મૂકાતી સામુદાયિક અંધશ્રદ્ધાનો
મને ભય છે.
કોઈ વળી એમ પણ કહે છે કે
બીજું બધું જ બાજુએ મૂકીને
માત્ર કાંતવાનું જ અમે નથી કહેતાં.
પણ તેઓ બીજા કોઈ પણ અગત્યના કામની વાત પણ નથી કરતા. સ્વરાજ મેળવવાના એકમાત્ર સાધનની વાત ચાલે છે
તે સિવાય સૌ મૌન ધારણ કરીને બેઠા છે.
આવું મૌન બોલાયેલા શબ્દો કરતાં પણ વધુ શક્તિશાળી નથી?
આવા મૌનની ભૂમિકામાં
ચરખાના અવાજને અનુચિત પ્રાધાન્ય નથી મળતું?
શું ચરખો ખરેખર એટલો મહાન છે?
કરોડો ભારતીયોના
પ્રકૃતિ અને ક્ષમતાના વૈવિધ્યને અવગણીને
તેમની એકનિષ્ઠ ભક્તિ
ચરખા પ્રતિ દોરી જવાનું ઉચિત કહેવાય
એવું દિવ્ય તત્વ ચરખામાં છે?
દરેક ભક્તની અંજલિ
સ્વરાજના મંદિરમાં પ્રસ્થાપિત ચરખા દેવીને જ સમર્પિત થશે એવી આશા રાખી શકાય?
આપણો દેશ તો રૂઢિ અને કર્મકાંડની ભૂમિ છે
તેથી જ આપણને ઈશ્વર કરતાં
તેની પૂજા કરતા પૂજારીના ચરણકમલમાં વધુ શ્રદ્ધા હોય છે.
આવા જ દેશમાં પ્રજા ચરખાને મુક્તિનું પ્રતીક માની શકે
અને કોઈ ભ્રામક લાલચથી અંજાઈને આજ્ઞાપાલન કરતા લોકો એક ખૂણામાં એકલા બેસીને કાંત્યા કરી શકે
અને સ્વપ્ન જોયા કરે કે
સ્વરાજનો રથ આપમેળે તેમના ચરખાના ભ્રમણ સાથે
પોતાની વિજયયાત્રાના પથ પર આગળ વધશે.
ભારતમાં બધાંની વચ્ચે ધર્મની બાબતમાં ઐક્ય સાધવું શક્ય નથી.
રાજકીય મંચ ઉપર ઐક્ય સાધવાનો પ્રયત્ન હજી તાજો કહેવાય અને તેને સમષ્ટિ સુધી પહોંચતા હજી સમય લાગશે.
તેથી અર્થશાસ્ત્રના ધર્મમાં
આપણે ઐક્ય સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આનાથી વિશાળ બીજું કોઈ પણ ક્ષેત્ર આપણી પાસે નથી;
અહીં ઊંચ-નીચ, જ્ઞાની અને અજ્ઞાની, બધાંને તક મળી શકે તેમ છે.
અહીં લડાઈ ઝગડા ટાળીને
જો આપણે સાબિત કરી શકીએ કે
સ્પર્ધા નહીં પણ સહકારમાં જ સત્ય સમાયું છે
તો આપણે શેતાન પાસેથી
શાંતિ અને સદ્‌ભાવનાનું એક વિશાળ સામ્રાજ્ય
પ્રાપ્ત કરી શકીશું.
ઘરે કાંતેલા સૂતર અને કાપડના ઉત્પાદનથી
ગરીબી દૂર કરી શકાય
એવી માન્યતાને સ્વીકારીને અત્યાર સુધી ચર્ચા કરવામાં આવી છે.
પણ જેમનો આ વિષય છે તેમને આ માન્યતા જ સ્વીકાર્ય નથી.
મારા જેવા અજ્ઞાનીએ આ વિવાદમાં પડવું જ ન જોઈએ.
મારી ફરિયાદ તો માત્ર એટલી જ છે કે
આ ચરખા અને સ્વરાજ વચ્ચેના ગૂંચવાડાને કારણે
દેશનું ધ્યાન સ્વરાજને બદલે બીજી જ દિશામાં જતું રહે છે.
આપણા દેશના કલ્યાણ માટેની આ લડતમાં
ચરખાને અગ્રસ્થાન આપવાથી
આપણી અપમાનિત બુદ્ધિ હત:પ્રાય નિષ્ક્રિયતામાં સરી પડશે.
દેશના કલ્યાણનું સ્પષ્ટ અને મહાન ચિત્ર
જો પ્રસ્તુત કરવામાં આવે
તો દરેક દેશવાસી પોતાનું શ્રેષ્ઠતમ આપીને
એવા રસ્તા પર પ્રયાણ કરે
જેમાં તેમની સમગ્ર પ્રવૃત્તિ એ જ ધ્યેય પ્રતિ આગળ વધતી હોય.
સૂતર અને કાપડના મોટા ઢગલા
એ કાંઈ કલ્યાણના ચિત્ર માટે સુયોગ્ય વિષય નથી.
એ તો એક ગણતરીબાજનું દર્શન છે;
તેનાથી એવી અગણિત શક્તિને ઉત્તેજના ન મળે
જે પરમ જ્ઞાન માટે વેદના અને મૃત્યુ પણ સ્વીકારે
અને ટીકા કે નિષ્ફળતા પણ ધ્યાનમાં ન લે.
હું માનું છું કે મુખ્ય જરૂરિયાત છે
દેશભરમાં નાના કેન્દ્રો ઊભા કરવાની,
જ્યાં સ્વરાજપ્રાપ્તિ દેશની પોતાની જવાબદારી છે
એવી ભાવનાને અભિવ્યક્તિ મળે.
બીજા શબ્દોમાં કહીએ તો
પોતાના સમગ્ર કલ્યાણ માટે, માત્ર ઘરે કાંતેલા સૂતર માટે નહીં!
સ્વાસ્થ્ય, પ્રવૃત્તિ, તર્ક, શાણપણ, આનંદ
બધી જ સામગ્રીનો ઉપયોગ સંપૂર્ણ કલ્યાણ માટે થવો જોઈએ.
તેથી દેશના વિવિધ ભાગોમાં એવા કેન્દ્રો ઊભા કરવા જોઈએ
જે સ્વાસ્થ્ય, શાણપણ અને સમૃદ્ધિથી સભર જીવનનું
ઉદાહરણ પૂરું પાડી શકે.
બાકી કાંતવાથી કે ખાદી વણવાથી કે ચર્ચા કરવાથી
આપણે સ્વરાજનો સાચો અર્થ નહીં સમજાવી શકીએ.
આપણે જે ભારતભરમાં મેળવવું છે
તે પહેલાં તેના કોઈ એક નાના ખૂણામાં મેળવવું જોઈએ.
જ્યારે સામૂહિક આત્મનિર્ધારના પરિચય, આચરણ અને ગૌરવનો દેશમાં વ્યાપક પ્રચાર થશે
ત્યારે જ આવા વિશાળ અને કાયમી પાયા ઉપર
સાચા સ્વરાજનું પ્રસ્થાપન થશે.
જે ગામડાંના લોકો સાથે હળીમળીને
પોતાના અન્ન, સ્વાસ્થ્ય અને કેળવણીના પ્રશ્નો હલ કરશે
અને તેમાંથી આનંદ મેળવશે
તેઓ સ્વરાજના પથ પર એક દીપક પ્રગટાવશે.
ત્યાર બાદ એક પછી એક બીજા દીવા પ્રગટાવતા
સ્વરાજના પથ પર આગળ વધવું સહેલું થઈ જશે.
આ બધું અંતર્ગત પ્રક્રિયાના જીવંત વિકાસથી સાધી શકાય, ચરખાના યાંત્રિક પરિભ્રમણથી નહીં!
કોઈ પણ સિદ્ધાંત કે પદ્ધતિની બાબતે
મહાત્મા ગાંધીથી જુદો મત ધરાવવો
મારે માટે અત્યંત દુ:ખદાયક છે.
જેમને માટે આટલો પ્રેમ, આદર અને સન્માન હોય
તેમની સાથે મળીને કામ કરવાથી વધારે આનંદ શામાં હોઈ શકે?
મારે માટે મહાત્માજીના નૈતિક વ્યક્તિત્વથી
વધુ આશ્ચર્યકારક કાંઈ જ નથી.
દિવ્ય કૃપાથી તેમની પાસે વજ્રસમી ઝળહળતી શક્તિ છે.
આ શક્તિથી તે ભારતને સામર્થ્ય પ્રદાન કરે, ગૂંગળાવે નહીં
એવી મારી પ્રાર્થના છે.
અમારામાં રહેલી પ્રકૃતિગત ભિન્નતાને કારણે
તેમના કાર્યક્ષેત્રને મારો અંતરાત્મા પોતાનું ગણીને
સ્વીકારી શકતો નથી.
કેટલીય વાર મારી અંગત આદરપૂર્ણ ભાવનાઓએ
મને આગ્રહ કર્યો છે કે
હું ગાંધીજીના ચરખા સંપ્રદાયનેે અનુસરું,
પણ મારો અંતરાત્મા અને બુદ્ધિ હંમેશા આડે આવ્યાં છે.
જો ચરખાને તેને મળવું જોઈએ
તેનાથી વધુ ઊંચું સ્થાન આપવામાં આવશે
તો સર્વવ્યાપી પુનરૂત્થાનના કાર્યક્રમમાં
વધુ અગત્યના પરિબળોને બદલે બીજી તરફ ધ્યાન ખેંચાશે
અને હું તેની જવાબદારી લેવા માંગતો નથી.

ગાંધીજી:

સર રવીન્દ્રનાથનો ચરખાની ટીકા કરતો લેખ
થોડા સમય પહેલાં છપાયો
ત્યારે મિત્રોએ મને તેનો જવાબ આપવા જણાવ્યું હતું.
તેમની ટીકાથી હું જરા પણ નારાજ નથી થયો.
માત્ર મતભેદથી શા માટે નારાજ થવું જોઈએ?
મને તો સ્પષ્ટ ચર્ચાથી આનંદ થાય છે.
મતભેદથી તો મૈત્રી વધુ મજબૂત બને છે.
મતભેદમાં તીખાશ કે કડવાશ ન હોવી જોઈએ.
અને મારે સાભાર કહેવું જોઈએ કે
કવિની ટીકામાં આનો અંશમાત્ર નથી.
મારે આ પ્રાસ્તાવિક ટિપ્પણી કરવી પડે છે કારણ કે
એવી અફવા છે કે ઈર્ષા આ બધી ટીકાના મૂળમાં છે.
આવી પાયા વિનાની શંકા
અશક્તિ અને અસહિષ્ણુતા તરફ આંગળી ચીંધે છે.
ભલા, કવિને મારી ઈર્ષા કરવાનું શું કારણ?
જ્યાં સ્પર્ધાની શક્યતા હોય ત્યાં ઈર્ષાને સ્થાન હોઈ શકે.
હું તો જીવનમાં ક્યારેય એક પણ પ્રાસ મેળવી શક્યો નથી!
મારામાં કવિત્વનો છાંટોય નથી.
હું વળી ક્યાંથી તેમની મહાનતાની આકાંક્ષા સેવી શકું?
તે તો કાવ્યશાસ્ત્રના પંડિત છે તેમાં કોઈ શંકા નથી.
આખાય જગતમાં તેમના જેવો કવિ શોધ્યો મળે તેમ નથી.
બધાંએ તેમને આપેલી કવિની પદવી સામે
મારી મહાત્માગીરીનું કોઈ જ મહત્વ નથી.
અમારા કાર્યક્ષેત્રો સાવ જુદા જ છે
અને તેમાં ક્યાંય એકબીજાની સીમા ઓળંગાતી નથી.
હું તો કોઈના બનાવેલા ચરખાનો ગુલામ છું.
કવિ તો તેમની વાંસળીના સૂર પર ગોપીઓને નચાવે છે.
મારે તો સીતા સમાન મારા ચરખાને
જાપાન, માન્ચેસ્ટર અને પેરિસ જેવા
દસ માથાવાળા દાનવ પાસેથી છોડાવવાનો છે.
કવિ તો સર્જક છે – તે સર્જે, વિનાશ કરે અને ફરીથી સર્જે.
હું તો શોધક છું અને એક વાર જે મળે
તેને પકડીને મારે તો બેસી રહેવું પડે.
અમારા બે વચ્ચે સ્પર્ધાનો કોઈ સવાલ જ નથી આવતો.
પણ હું નમ્રતાથી કહી શકું કે
અમારા બેની પ્રવૃત્તિ એકબીજાની પૂરક છે.
કવિ યંગ ઇન્ડિયા વાંચતા નથી
અને એમને એની જરૂર પણ નથી.
તે જે કાંઈ અમારા કાર્યક્રમ વિશે જાણે છે
તે તેમણે સાંભળેલું છે.
તેથી તેમણે પોતે કલ્પેલા ચરખાના અતિરેકની ટીકા કરી છે.
આળસ ખંખેરીને જે લોકો સહકારનું મહત્વ સમજ્યા છે,
તેવા લોકોની વચ્ચે અને ચરખાની આસપાસ
રાષ્ટ્રીય સેવકો મેલેરિયા વિરોધ, સ્વચ્છતા સુધારણા,
ગામના વિવાદોનું નિવારણ, ઢોરોનું પ્રજનન અને સ્વાસ્થ્ય અને બીજા અનેક સર્જનાત્મક કાર્યક્રમો હાથ પર લઈ શકે.
જયાં જ્યાં ચરખાનું કામ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે
ત્યાં બધે જ આવી સુધારક પ્રવૃત્તિ
ગામના લોકોની અને સેવકોની ક્ષમતા મુજબ ચાલી રહી છે. મારો હેતુ કવિની બધી જ દલીલો અંગે
વિગતવાર ચર્ચા કરવાનો નથી.
જે મુદ્દે અમારી વચ્ચે પાયાના મતભેદ નથી
તે બધાંમાં હું કવિની દલીલોનું સમર્થન કરતો હોવા છતાં ચરખાની બાબતમાં મારા દૃષ્ટિકોણને વળગી રહું છું.
ચરખા અંગે તેમણે એવા મુદ્દાઓની ઠેકડી ઊડાવી છે
જેનું પ્રતિપાદન મેં કર્યું જ નથી.
મેં વર્ણવેલા ચરખાના ગુણોને કવિના આક્ષેપોથી
કાંઈ જ હાનિ થતી નથી.
અમારી વચ્ચેના મતભેદો છતાં,
તેઓ જાણે છે તેમ,
હું તેમને આદર અને સન્માનના ભાવથી જોઉં છું.

સૂત્રધાર

આ ચર્ચાનો દોર ચાલતો હતો ત્યારે
ગાંધીજીએ રવીન્દ્રનાથને સર તરીકે સંબોધન કર્યું હતું
તે અંગે જાતજાતની વાતો થવા માંડી હતી કારણ કે જલિયાનવાલા બાગની ઘટના પછી
રવીન્દ્રનાથે વાઇસરોયને એ ખિતાબ પાછો લઈ લેવા
વિનંતી કરી હતી એ વાત સૌને સુવિદિત હતી.
ઘણાંને એમ લાગતું હતું કે
આવો કટાક્ષ મહાત્માને ન શોભે.

ગાંધીજી:

મેં વિશ્વ ભારતીના અગ્રગણ્ય અધ્યાપક,
શ્રી વિદુશેખર શાસ્ત્રીને પત્ર લખ્યો,

ડિસેમ્બર ૨૧, ૧૯૨૫
પ્રિય શાસ્ત્રી મહાશય,
મારે પત્ર કોને લખવો તે હું નક્કી કરી શકતો ન હતો.
આપને લખું, કે પછી સીધો જ ગુરુદેવને પત્ર લખું
કે રામાનંદબાબુને?
આખરે મેં આપને લખવાનું નક્કી કર્યું છે
અને આ પત્ર ગુરુદેવને અને રામાનંદબાબુને બતાવવો કે નહીં તેનો નિર્ણય આપના પર છોડું છું.
રા.બાબુનો મૉડર્ન રિવ્યુમાં આવેલો લેખ
મને વાંચી સંભળાવવામાં આવ્યો હતો.
મારે કહેવું જ જોઈએ કે મને વાંચીને અત્યંત દુ:ખ થયું હતું.
હું જાણું છું કે તે જાણીને
કોઈને માટે ગેરસમજણ ઊભી કરે તેવા નથી.
મારું કમનસીબ છે કે
સાવ શુદ્ધ ભાવનાથી લખાયેલા મારા લખાણમાં
તેમના જેવા માણસને પણ કાંઈક અયોગ્ય લાગ્યું.
જો ગુરુદેવને પણ એમ જ લાગ્યું હોય
તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું.
હવે તો હું માત્ર મારી કેફિયત રજુ કરીને
શાંતિનિકેતનના દરેક મિત્રને તેનો સ્વીકાર કરવાની વિનંતી કરી શકું.
ગુરુદેવનો ખિતાબ અજ્ઞાનથી
કે અજાણતાં વાપર્યો ન હતો.
હું જાણતો હતો કે તેમણે તેનો ત્યાગ કર્યો ન હતો
પણ તેમણે તે પાછો ખેંચી લેવા માટે કહ્યું હતું.
પણ તે ખિતાબ પાછો ખેંચી લેવાયો ન હતો.
મેં અને ઍન્ડ્રુઝે આ બાબતની ચર્ચા પણ કરી હતી
અને અમે એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે
જે ખિતાબ પાછો નથી લેવાઈ ગયો
તેને માટે આપણે, એટલે કે ગુરુદેવના મિત્રોએ,
ખોટી ધાંધલ ન કરવી જોઈએ.
અમને એમ પણ લાગ્યું કે
યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવો વિવેકપૂર્ણ કહેવાય.
આવા ખિતાબોના બહિષ્કારથી કેવું ઝેર રેડાયું છે
તે હું જાણતો હોવાથી
મેં જાણીને ખિતાબ ધરાવનાર વ્યક્તિઓને
ખિતાબ સાથે સંબોધન કર્યું છે
જેથી એમ ન લાગે કે ખિતાબોનો ઉપયોગ કરવો કોઈ ગુનો છે.

આમ ગુરુદેવને માટેના આદરને ધ્યાનમાં રાખીને
મેં ખિતાબનો ઉપયોગ કર્યો હતો.
એનો ઉપયોગ એટલો સહજ રીતે થયો હતો કે
રામચન્દ્રન્‌નો પત્ર આવ્યો અને મહાદેવે મારું ધ્યાન ખેંચ્યું
ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મેં એનો ઉપયોગ કર્યો છે!
ઈર્ષાની વાત અંગે રામાનંદબાબુ અને બીજા મિત્રોને જણાવજો કે એકથી વધારે બંગાળી મિત્રો
તેમ જ કેટલાક ગુજરાતી મિત્રો અને બીજાઓએ પણ
આ વાતનો ઉલ્લેખ એ જ સંદર્ભમાં કર્યો હતો.
મારે ઉમેરવું જોઈએ કે
મેં તેમની સાથે પણ ચોખવટ કરી હતી.
મને જ્યારે ખબર પડી કે
કેટલાંક વર્તુળોમાં આ માન્યતાનો
બહોળો પ્રચાર થયેલો છે ત્યારે મને થયું કે
મારે યંગ ઈન્ડિયાનો આશરો લેવો જોઈએ.
રા.બાબુને કવિના અન્ય ગુણોનો ઉલ્લેખ કરતાં જોઈ
મને આશ્ચર્ય થયું.
આપની સંમતિથી મને કહેવા દો કે
તે કવિની અનુપમ કવિતાની તોલે આવી શકે તેમ નથી.
એક સુધારક તરીકે હું તેમની સાથે વિવાદમાં ઊતરી શકું.
પણ એક કવિ તરીકે તેમનું સ્થાન અદ્વિતીય છે.
આજે જગતમાં અનેક સુધારકો છે
પણ કોઈ પણ પ્રજામાં તેમના જેવા કવિ મળવા અસંભવ છે.
તે એક મહાન કેળવણીકાર છે
પણ તેમણે જ મને કહ્યું હતું કે
આ બોધપાઠની વાતો એ તો તેમની લીલા છે.
તેમના બીજા ગુણો ઘણા ઉમદા હોઈને પણ
તેમની તુલના તેમની કવિતા સાથે કરવી
એ તેમની કવિતાની સર્વોપરિતાને અવગણવા બરાબર છે.
હું તો આમ માનું છું.
અંતે મારી નમ્ર વિનંતી છે કે મેં જ્યારે લેખ લખ્યો
ત્યારે મારા મનમાં કોઈ પણ જાતની દ્વેષયુક્ત લાગણી ન હતી.
મેં તો માત્ર ટીકાકારોનું મોં બંધ કરવા માટે
અને અમારી વચ્ચેના મતભેદને કારણે
મારો તેમને માટેનો આદર અને સન્માન ઓછા નથી થયા
એનો પુરાવો આપવા માટે જ લખ્યું હતું.
માટે તમને સૌને ફરી એકવાર વિનવું છું કે
મને તમારામાંનો જ એક ગણજો
અને કવિ કે તેમના કર્તવ્ય અંગે મારા મનમાં ક્યારેય ગેરસમજુતી થઈ શકે જ નહીં એમ માનજો.
મને ન તરછોડવા તેમ જ
મારે અંગે કોઈ પણ જાતની ગેરસમજુતી ન રાખવા વિનંતી.
રા.બાબુની પાસે
તેમને મારો ખુલાસો સ્વીકાર્ય છે તેવી સ્પષ્ટતા કરાવશો.
અને કવિની પાસેથી ખાતરી મેળવી શકશો કે
તેમના મનમાં મારે અંગે કોઈ ગેરસમજુતી નથી રહી?
તમને યોગ્ય લાગે તે સર્વેને આ પત્ર બતાવશો.
સપ્રેમ તમારો,

રવીન્દ્રનાથ:

પ્રિય મહાત્માજી,
અમારા શાસ્ત્રી મહાશયને લખેલો તમારો પત્ર મેં જોયો છે.
તમારી ઉમદા ચેતના તેમાં છલકે છે.
હું તમને ખાતરી આપું છું કે
તમે જેને સત્ય માનતા હો
તેને માટે મારા પર સખત પ્રહાર પણ કરશો
તો પણ આપણા પરસ્પર સન્માન ધરાવતા સંબંધોને આંચ નહીં આવે.
નમસ્કાર સાથે,

સૂત્રધાર

અંગત સ્તરે છવાયેલી શાંતિ છતાં
તર્ક અને રાજકીય અનુકૂળતા વચ્ચેના આંતરિક વિગ્રહનો પ્રક્ષુબ્ધ કોલાહલ યથાવત જ હતો.
સુવિખ્યાત ફ્રેન્ચ તત્વચિંતક અને જૂના અંગત મિત્ર,
રોમાં રોલાંને રવીન્દ્રનાથે લખ્યું,

રવીન્દ્રનાથ:

મારા અત્યંત પ્રિય મિત્ર,
…મારો ભારતવાસ મારા મન પર મહાન બોજો લાદી રહ્યો છે.
નૈતિક એકલતાના સતત અને અદૃશ્ય દબાણનું દમન
હું અનુભવી રહ્યો છું.
મહાત્મા ગાંધી સાથે હાથ મેળવીને
પ્રવર્તમાન પ્રચલિત પ્રવાહને તાબે થઈને
હું વહેતો રહી શકતો હોત તો કેવું સારું થાત!
સત્યની સમજ અને શોધના અમારા માર્ગ
ધરમૂળથી જુદા છે એ હકીકતનો સ્વીકાર
હવે મારે કરવો જ રહ્યો.
આજે મહાત્મા સાથે અસંમત થઈને
ભારતમાં શાંતિથી રહેવું અસંભવ થઈ ગયું છે.
તેથી હું આવતા માર્ચમાં અપેક્ષિત છૂટકારાની
અધીરાઈથી પ્રતીક્ષા કરી રહ્યો છું.
હું જાણું છું મારા યરોપના મિત્રો મારા સાચા સમભાવી છે અને તેમની સહાનુભૂતિ મારી વર્તમાન શ્રાંત પરિસ્થિતિમાં આરોગ્યવર્ધક ઔષધિનું કામ કરશે.
સપ્રેમ, સદા તમારો,

સૂત્રધાર

ગાંધીજીના અનુયાયી, મીરાબહેને
શાંતિનિકેતનની મુલાકાત પછી
૧૯૨૯ના જાન્યુઆરીની બારમી તારીખે રવીન્દ્રનાથને લખ્યું,

…હવે મને સમજાય છે કે શાંતિનિકેતન અને સાબરમતી એક જ માતૃભૂમિની બે દીકરીઓ છે.
બંનેને પોતાનું આગવું સૌંદર્ય છે –
ભલે તે દેખાવમાં જુદી હોય
પણ તેમનામાં રહેલું મૂળભૂત સામ્ય
એક જ માબાપનાં સંતાનોમાં હોય તેવું છે.

રવીન્દ્રનાથ:

માનવીના જીવનના બે સ્વરૂપ હોય છે.
એક છે સત્યનું શિસ્ત અને બીજું અભિવ્યક્તિની પૂર્ણતા.
સાબરમતીમાં સત્યનું શિસ્ત છે
કારણ કે મહાત્માજી જન્મ્યા છે સત્યના વિશુદ્ધ અગ્નિમાંથી

તેમની પ્રકૃતિએ તેની સાથે તાદાત્મ્ય સાધ્યું છે.
કવિ હોવાથી મારું કર્તવ્ય છે
જીવનની પૂર્ણતાની અભિવ્યક્તિ કરવાનું
અને મને આશા છે કે
શાંતિનિકેતનની દરેક પ્રવૃત્તિમાં આ આદર્શ પ્રગટ થાય છે.
ઉપનિષદના મત મુજબ તપસ્યા અને આનંદ વચ્ચેના વિરોધાભાસનું સમાધાન સર્જનના મૂળમાં રહેલું છે.
મહાત્માજી તપસ્યાના પયગંબર છે અને હું આનંદનો કવિ છું.

સૂત્રધાર

જાન્યુઆરી ૧૯૩૦માં બંને સાબરમતી આશ્રમમાં મળ્યા
અને વિવિધ વિષયો ઉપર તેમણેે ચેતનાપૂર્ણ ચર્ચા કરી હતી.
રવીન્દ્રનાથને શરદી થઈ હતી
અને થાક અને વધતી વયનાં ચિન્હો
તેમના પ્રભાવશાળી ચહેરા પર દેખાતાં હતાં.

રવીન્દ્રનાથ:

મહાત્માજી, મને હવે સિત્તેર થયાં,
તમારા કરતાં મારી વય ઘણી વધારે છે.

ગાંધીજી:

પણ સાઠ વર્ષનો ડોસો નાચી નથી શકતો
જ્યારે સિત્તેરનો યુવાન કવિ નાચે છે!

રવીન્દ્રનાથ:

એ વાત સાચી.
સાંભળ્યું છે કે
તમે ફરી ધરપકડથી આરામ મેળવવાની તૈયારી કરી રહ્યા છો.
ક્યારેક મને પણ આવી તક મળે તો સારું.

ગાંધીજી:

પણ તમારી વર્તણૂંક એવી હોવી જોઈએને.

રવીન્દ્રનાથ:

મહાત્માજી, દેશને માટે તમારો શું કાર્યક્રમ છે?
તમે એક વખત સંપૂર્ણ સ્વરાજ મેળવવાની ઘોષણા કરો
અને પછી કોઈ કાર્યક્રમ ન હોય તો
તેનાથી આપણી વિશ્વસનીયતાનો વિનાશ નહીં થઈ જાય?

ગાંધીજી:

હું દિવસરાત એનો જ વિચાર કરી રહ્યો છું
પણ મને આસપાસના અંધકારમાંથી
પ્રકાશનું કિરણ આવતું નથી દેખાતું.
આપણને અસરકારક પ્રતિકારનો કાર્યક્રમ ન પણ સૂઝે
તોય આપણે જાહેર તો કરવું જ રહ્યું કે
આપણું ધ્યેય સ્વરાજ છે
કારણ કે સાંસ્થાનિક સ્વરાજનો અર્થ
આપણે સમજતા હતા તેનાથી જુદો જ કરવામાં આવે છે.

રવીન્દ્રનાથ:

આપણને એમ લાગવું જોઈએ કે
આપણે આપણો દેશ ગુમાવી બેઠા નથી.
હાલમાં તો આપણા દેશને આપણો માનવો
એ પણ એક ભ્રમણા સમાન છે.
એ વિશ્વાસ અને આપણા દેશનુું આધિપત્ય આપણો હક છે
એવી દૃઢ માન્યતા સાથે શરૂઆત કરવી જોઈએ.
હું અમેરિકાથી નીકળ્યો ત્યારે મને આશા હતી કે
તમે સમગ્ર દેશ માટે
એક સંપૂર્ણ સેવાભાવી સંગઠનનું માળખું તૈયાર કરશો
જેમાં દરેક પોતપોતાની શક્તિ પ્રમાણે સેવા આપી શકે.
તમે જો મને કેળવણીનું કામ સોંપો
તો હું મારી સેવા આપવા તૈયાર છું.
દેશમાં સુષુપ્ત પડેલી શક્તિઓને શોધીને
તેમનો ઉપયોગ કરવો જોઈએ.
એક સમય એવો હતો જ્યારે આ બધું શક્ય હતું.
હવે તેને માટે થોડું મોડું થઈ ગયું છે.
દુનિયાની કોઈ પણ સત્તા
દેશને સેવાઓ, સ્વચ્છતા અને શિક્ષણ મળતું અટકાવી શકે નહીં.
તમારા સિવાય બીજું કોઈ
આવું સેવાભાવી સંગઠન ઊભું કરી શકે
એમ મને નથી લાગતું.
સુભાષ સમાંતર સરકારની વાતો કરે છે.
કદાચ તેણે એ વિચાર મારા ભાષણમાંથી લીધો હશે.
મને લાગતું હતું કે હું અમેરિકાથી પાછો ફરીશ
ત્યારે તમે મને બોલાવશો.
જનતાનો વિશ્વાસ ધરાવતી વ્યક્તિની
આપણે જરૂર છે અને તમે તે ધરાવો છો.
મને લાગે છે કે સ્વતંત્રતા માટે એ જ સાચો કાર્યક્રમ છે.
પહેલાં ઘોષણા કરવી કે અમે સ્વતંત્ર છીએ,
અમે અમારો વહીવટ જાતે જ કરીશું
અને અમે અમારા દેશની સેવા કરવાનો પ્રયત્ન કરીશું.

ગાંધીજી:

સમય તે વખતે પણ પાક્યો ન હતો અને હજી પણ નથી.
વાતાવરણમાં પરિણામ આવે તેવાં એંધાણ નથી દેખાતાં.
પ્રજાની જરૂરિયાતોને અનુરૂપ સંગઠન ઊભું કરવા માટે
હું વિચારી રહ્યો છું.
મને ક્ષણમાત્ર માટે પણ નથી લાગતું કે
મેં મારી પકડ ગુમાવી છે.
કદાચ આજે મારી પકડ વધુ મજબૂત હશે.
આપણી પાસે શૈક્ષણિક સંસ્થાનો ચલાવવા માટે
જોઈએ તેટલાં સંપત્તિ અને સાધનો નથી.
અનેક સામાજિક દૂષણો છે.
તમને આકર્ષી શકે તેવું મારી પાસે કાંઈ જ નથી
અને મારે તમારા નામનો દુરુપયોગ નથી કરવો.

રવીન્દ્રનાથ:

મને આશા છે કે સમગ્ર દેશને સ્વીકાર્ય કાર્યક્રમ તમને સૂઝશે.

ગાંધીજી:

એક વખત એ સૂઝી જાય
પછી ઇંગ્લૅન્ડને પણ લાગશે કે હવે સત્તા હાથમાંથી ગઈ.
એક વખત મને કાર્યક્રમ સૂઝે
પછી હું પરિણામની પરવા કર્યા વિના
વિશ્વાસપૂર્વક આગળ વધીશ.
હજારોનો સંહાર થશે.
આજે મારી પાસે નથી
પણ થોડા જ સમયમાં મને સૂઝશે.
એને અમલમાં મૂકવાનું આજે સ્વપ્ન જોવા જેવું લાગશે
પણ મને આવી બાબતનોે અનુભવ છે.
આનું સમાધાન આપોઆપ થશે
અને સ્વતંત્રતાના થર્મોમીટરનું ઉષ્ણતામાન વધતું જ જશે.

રવીન્દ્રનાથ:

મને તો જેમજેમ વિચારો આવે છે તેમ હું બોલ્યે જાઉં છું.
હું જ્યારે તમારી અસહકારની વાત સાથે સંમત થતો ન હતો
ત્યારે મેં કહ્યું હતું કે જેમની સાથે સહકાર શક્ય હોય
તે બધાંની સાથે સહકાર સાધવો જોઈએ.
દરેકને કહો કે
પોતપોતાની આગવી શક્તિ પ્રમાણે દેશની સેવા કરે.
આપણે ભૂલી જવું જોઈએ કે આપણે વિદેશી શાસન હેઠળ છીએ.
આપણા દેશ પર આપણો હક છે
એમ સમજીને દેશની સેવા કરવી જોઈએ.
એક બીજ રોપાશે
અને પછી થોડા જ સમયમાં સારું કામ અનુસરશે.
આમાં સ્વાર્થનું બલિદાન જોઈશે
અને પછી આપણે ભીખ માંગવી નહીં પડે.

સૂત્રધાર

આવા આશાવાદ સાથે બંને છૂટા પડ્યા.
પછી થોડા જ સમયમાં
ગાંધીજીને મીઠાના કાયદાનો ભંગ કરવાનો કાર્યક્રમ સૂઝ્યો.
માર્ચ ૧૯૩૦માં તેમણે દાંડીકૂચ આદરી.
રવીન્દ્રનાથ તે સમયે યુરોપમાં હતા.
ત્યાર બાદ ગાંધીજી ક્યારેય આશ્રમમાં પાછા ન આવ્યા
અને રવીન્દ્રનાથ ફરી ક્યારેય અમદાવાદ ન આવ્યા.
રવીન્દ્રનાથે જર્મનીમાં
ઈશુ ખ્રિસ્તના અંતિમ દિવસો પર આધારિત એક નાટક જોયું.
થોડા જ સમયમાં તેમણે સીધું જ અંગ્રેજીમાં એક કાવ્ય લખ્યું.
તેનું શીર્ષક છે શિશુ.
તેના થોડાક અંશનું પઠન કરવાનું આકર્ષણ હું રોકી નથી શકતો.

તેમણે પૂછ્યું, કેટલી થઈ રાત?
કાંઈ જ ન મળ્યો જવાબ.
કારણ કે પોતાના રસ્તા કે હેતુથી અજ્ઞાત,
આંધળો સમય ખોવાતો ભુલભુલામણીમાં.
એક મહાકાયની મૃત આંખોના બાકોરા જેવો અંધકાર ખીણમાં.
દુઃસ્વપ્ન જેવા વાદળદળનું દમન આકાશમાં
અને રાત્રિના વિચ્છિન્ન અંગોપાંગ જેવા
વિશાળ પડછાયા પથરાતા અવકાશમાં.
એક બીભત્સ જ્વાળા ભભૂકતી ક્ષિતિજે –
આ તે કોઈ અમાનુષી નક્ષત્રની અંતિમ ધમકી,
કે પછી કોઈ અનાદિ ક્ષુધાની જીહ્વા ચાટતી આકાશને?
બધું જ છિન્નભિન્ન, અસ્તવ્યસ્ત, વેરણછેરણ છે.
આ કોલાહલનું વ્યાકરણ છે વેદનાનો આક્રોશ
અને શબ્દો થઈ ગયા છે બેહૂદા ને બેડોળ.
આ તો છે એંઠવાડ, હડધૂત, તિરસ્કૃત, જીવનની નિષ્ફળતા,
ઉછાંછળા ગર્વના વિચ્છિન્ન અવશેષ,
લુપ્ત નિર્ઝરના અવકાશ પરના સેતુના ટુકડા,
મૂર્તિવિહીન મંદિર જેમાં રહેતા સરિસૃપ,
અવકાશે દોરી જતા સંગેમરમરના સોપાન.
એકાએક જાગી ઊઠતો કોલાહલ આકાશે ને ઝઝૂમતો
અને સહસા એક ધ્રૂજારી પ્રસરતી નિદ્રાહીન સમયમાં.
અથડાતું કોઈ તુમુલ પૂર ગુફાની દીવાલોને
કે પછી ચકરાવો લેતો ઝંઝાવાત ગજર્તો તાંત્રિક મંત્રો?
કોની છે આ ચીસ?
પ્રાચીન વનનો સંચિત અગ્નિ આત્મહત્યાના પ્રયાસમાં પ્રગટવાની
કે પછી અંધ-બધિર પાગલોથી
સટાસટ ફટકારાતી ચેતનાહીન મેદનીની?
ભયાનક કોલાહલની નીચે
ગુપચુપ પ્રગટતો ઉકળતા લાવારસ જેવો ગણગણાટ-
બીભત્સ ઘુસપુસ, અફવા, બદનક્ષી અને વ્યંગમય પરિહાસ.
તે માણસો, જાણે મહાકાવ્યના છૂટા પડેલાં પાનાં,
વેરાયેલાં અહીંતહીં.
ફંફોળતાં એકબીજાને એકલા કે સમૂહમાં.
તેમની મશાલના પ્રકાશમાં દોરાતી
તેમના ચહેરા પર ભયભીત આકૃતિ.
એકાએક કોઈ પાગલ વહેમાઈને તેના સાથીને મારે છે
અને આખા ટોળામાં મારામારી ફાટી નીકળે છે
અને ચારે બાજુના પર્વતો ગાજી ઊઠે છે.
સ્ત્રીઓ રડે અને કૂટે છે, કહે છે કે તેમના બાળકો ખોવાયા છે,
અંતે ગુંચવાતા વિરોધાભાસી રસ્તાના વેરાનમાં.
બીજા બીભત્સ મજાક કરતાં ને કર્કશ હાસ્યથી થનગનતા,
તેમના કામાતુર અંગોનું પ્રદર્શન કરતા,
કારણ તેમને નથી કોઈની પરવા.

ત્યાં, પર્વતના શિખર પર ઊભો છે એક આસ્તિક,
શ્વેત, બર્ફીલા મૌનની વચ્ચે,
આકાશમાં પ્રકાશનો અણસાર શોધતો.
જ્યારે વાદળ પર વાદળ ખડકાતા
અને નિશાચર પંખી ચીસ પાડતાં ઊડતાં,
ત્યારે તે કહેતો,
‘ભાઈઓ, નિરાશ ન થશો, માનવ તો મહાન છે’
પણ તેનું કોઈ જ સાંભળતું નહીં.
કારણ, બધાં એમ જ માનતાં કે હેવાનિયતનું મૂળ શાશ્વત છે
અને તેના ઊંડાણમાં છુપાયેલી માનવતા છેતરામણી છે.
જ્યારે તેઓ ઇજાગ્રસ્ત અને પરાજિત હોય છે ત્યારે પૂછે છે,
‘ભાઈ, તું ક્યાં છે?
જવાબ મળે છે, ‘હું તમારી સાથે જ છું.
પણ અંધારામાં કાંઈ જ દેખાતું નથી
અને તેઓ માને છે કે આ તો તેમની ઉત્કટ કામનાનો અવાજ છે
અને માનવને તો શ્રાપ છે
પરસ્પરના દૂષણોના અંતહીન રણમાં
ભૂતાવળો સાથે લડતા રહેવાનો.
વાદળ વીખરાતા પૂર્વમાં પ્રભાત તારક દેખાતો,
ધરતીના હાર્દમાંથી નિરાંતનો શ્વાસ નીકળતો.
વનના માર્ગે સંભળાતી પાંદડાના સળવળાટની લહેર
અને પંખીનાં ગીત.
આસ્તિક કહેતો, ‘સમય થઈ ગયો છે.
‘શેનો સમય?’
‘યાત્રા માટે નીકળવાનો.’
તેઓ બેસીને વિચારતા, અર્થ જાણ્યા વિના.
ને તો યે પોતપોતાના સ્વાર્થ પ્રમાણે
જાણે સમજતા હોય એમ લાગે છે.
પ્રભાતનો સ્પર્શ માટીમાં ઊંડે સુધી ઊતરે છે
અને સર્વસ્વના મૂળમાં જીવનનો ધબકાર છે.
એક નાનો અવાજ ઊઠે છે, ‘પૂર્ણતાની યાત્રા.
કોઈ જાણતું નથી કે આ અવાજ આવ્યો ક્યાંથી!
જનમેદનીમાં ઝિલાતા તે અર્થપૂર્ણ બને છે.
પુરુષો માથું ઊંચું કરી જુએ છે
ને સ્ત્રીઓ ભક્તિથી હાથ જોડે છે.
બાળકો હસીને તાળી પાડે છે.
સૂર્યના સોનેરી હાર જેવા સવારના પ્રકાશમાં
આસ્તિકનું કપાળ ચમકે છે અને સૌ બોલી ઊઠે છે,
‘ભાઈ, અમારા પ્રણામ.
ચારે બાજુથી ભેગા થવા માંડ્યાં માણસો.
દરિયાપારથી, પર્વત પરથી ને પથહીન વેરાનમાંથી,
આવતા તે નાઈલની ખીણમાંથી
ને ગંગાને કિનારેથી, હિમાચ્છાદિત તિસ‌રૂટના મેદાનોમાંથી,
ઝગમગતા મિનારા ને ઊંચી દીવાલોવાળા નગરોમાંથી,
ગીચ, અંધારા, જંગલી, ઉજ્જડ પ્રદેશોમાંથી.
કોઈ ચાલતા તો કોઈ હાથી, ઘોડા, ઊંટ પર બેસીને,
કોઈ સવારના વાદળને ચૂમતી પતાકાવાળા રથમાં બેસીને.
બધા ધર્મના સંતો ધૂપ બાળતા ને ચાલતા, ચાલતા મંત્ર બોલતા.
રાજા મોખરે રહેતો તેની સેનાની,
દુંદુભિનાદ ને તડકામાં તલવારો ચમકતી.
ચીંથરેહાલ ભિખારી ને વરણગિયા દરબારી,
ચપળ, યુવાન વિદ્યાર્થી ને જ્ઞાનથી લદાયેલા વિદ્યાવ્યાસંગી,
એકબીજાની સાથે જનમેદનીમાં કદમ મિલાવતા.
માતા, કુમારિકા ને નવોઢા
સર્વ નારી હસતી, હસતી વાતો કરતી.
ફૂલ, ફળ, ચંદન ને પવિત્ર જળનો પ્રસાદ ધરતી.
તેમની સાથે હાથ મિલાવતી
ગણિકા, સજ્જ ભડક પોશાકમાં ને તીણા અવાજે બોલતી.
અફવાનું વિષ માનવતાના સ્રોતમાં રેડાતું.
ટોળામાં અંધ, બધિરને મળતાં અપંગ ને વિકલાંગ,
જે પ્રભુને વેચવાનો વેપાર કરતા,
તેવા ચોર અપ્રમાણિક ને બેઇમાનદાર.
સંતના ચાળા પાડતા ને બોલતા, ‘પૂર્ણતા.
એ જાહેરમાં નથી બોલતા પણ મનમાં લોભ મમળાવતા
ને સ્વપ્ન જોતાં અસીમ સત્તાના ને સજા વિનાની લૂંટફાટનાં
ને તેમના મલિન, ખાઉધરા શરીર માટેની શાશ્વત મિજબાનીના.
આસ્તિક વિચરતો વિકટ પથ પર,
બળતી રેતીવાળા પથરાળ, આકરા ઢાળવાળા પર્વતીય પથ પર.
તેને અનુસરતા બળવાન અને કમજોર, આબાલવૃદ્ધ,
સામ્રાજ્યોના સમ્રાટ, ધરતીના ખેડનાર.
કોઈ થાકતા, કોઈ ગુસ્સે થતા, કોઈ શંકા કરતા,
ડગલે ને પગલે પૂછતા, ‘હજી કેટલે દૂર?’
જવાબમાં આસ્તિક ગીતના સૂર છેડતો.
મોં ચઢાવી મુઠ્ઠી ઉગામતા, પણ ન તેનો શબ્દ ઉથામતા.
ટોળાની ભીંસથી ને અમર આશાથી આગળ તે વધતા.
નિદ્રા ને વિશ્રામ ટૂંકાવીને, મોડા પડવાના ભયથી,
આગળ રહેતા એકબીજાથી.
એક પછી એક, દિવસો પસાર થતા,
તેમને અદૃશ્યના આકર્ષણે આછી ક્ષિતિજ લલચાવતી.
તેમની મુખરેખા કંટાળીને સખત થતી
ને તેમના વેદનાના નિઃસાસા ઘેરા થતા.
રાત પડી.
પથારી પાથરી, મુસાફરો વડના ઝાડ નીચે સૂતા.
પવનના એક સપાટે દીવો હોલવાયો.
બેહોશીમાં સરતી નિદ્રાની જેમ અંધારપટ ઘેરો થયો.
એકાએક કોઈ ટોળામાંથી ઊભું થયું,
ને દયાહીન આંગળી ચીંધીં, મોટેથી બોલી રહ્યું,
‘જૂઠા મસીહા, તેં અમને છેતર્યા છે.’
એક પછી એક, એ બોલ સૌ ઝીલતા ગયા,
સ્ત્રીઓ નફરત થૂંકતી ને પુરુષો ગજર્તા.
આખરે, બધાંથી બહાદુર એક વીરે તેના પર વાર કર્યો,
તેનું મોં જોયા વિના સૌ તૂટી પડ્યા – વિનાશક પારાવાર.
અંતે, તેનું નિશ્ચેતન શરીર ધરતી પર પટકાતું.
સ્તબ્ધ રાત્રિમાં દૂરના જળરાશિનો અવાજ ઢબુરાતો
ને હવામાં જૂઈની આછી સુવાસ પથરાતી.

ગાંધીજી:

એક મિનિટ, ગુરુદેવ,
વર્ષોનાં આ પડળની પાર,
વર્તમાન અને ભૂતનાં અજાણ્યાં થરને વીંધીને,
તમારા સુંદર કાવ્યપ્રવાહમાં વિક્ષેપ પાડીને પણ
મારે એક સવાલ પૂછવો જ પડશે.
મારો અંત આ જ આવશે એવું તમે કેવી રીતે જાણ્યું?

રવીન્દ્રનાથ:
<poem>આનો જવાબ હું એક બીજી કવિતાથી જ આપીશ. થોડાં વર્ષો પહેલાં એક અંગ્રેજ કવિ, વિલિયમ રૅડિચિ, મને આવા જ સવાલો પૂછતો હતો. તમને વાંધો ન હોય તો તેની કવિતા હું તમને અંગ્રેજીમાં જ સંભળાવું, What would you now regard as best? The world you wanted in one nest On red earth and khoyai, Or all of us mixing willy-nilly In Rome, Times Square or Piccadilly, L.A., Tianmen, Mumbai? What best for your sweet Bangla tongue? To be just spoken, read and sung Jol-pothe, sthole, ghate, Or part of the babble we now hear In cities if we cock our ear, Sipping our Coke or latte? Would you, Rabi, fear and grieve That bhodrolok should now believe Their children’s future safer If in their sandwiches they stick Maths, science and English layered thick With Bangla just a wafer? Or would you thrill at seeing how Translators labour now to plough A field where each short story Or poem of yours can grow and bloom In speech you too tried to assume But not with lasting glory? You didn’t have a means to beam The light of your Rabindric dream To each and every corner. Would you now, at the global way English can give your sun new day, Be gladder or forlorner? Would you be sure your songs would thrive As once you hoped they would – survive Which world can better – yours or ours – Remove the national gates and bars You wanted to dispel? આના જવાબમાં મેં કહ્યું હતું, Your fears and flops Are yours to fix, not mine. I gave you questions, not replies, No more than at its first sunrise My Rabi gave a sign – Or at its last descent, to where I too now rest in quieter air And even darker night Than is the dark outside your room, Where you, like I, must in the gloom Search for your own light. Keep on, keep trying, I did no more, I merely made, to love and adore, Images of my seeking Poems of beauty, songs of joy, Rhymes for the learning girl or boy, Questions, never replies. Don’t worry if you don’t know me yet: When all solutions have been met, That day my spirit dies.