ફેરો/આમુખ

Revision as of 05:28, 8 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આમુખ|}} {{Poem2Open}} ‘ધક્કો વાગ્યો...ગાડી ઊપડી...’ આ શબ્દોથી ‘ફેરો’ શ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આમુખ

‘ધક્કો વાગ્યો...ગાડી ઊપડી...’ આ શબ્દોથી ‘ફેરો’ શરૂ થાય છે. ધક્કો વાગે ને ગાડી ઊપડે એટલા ગાળામાં તો કથાનાં લગભગ અડધા જેટલાં પાનાં પૂરાં થાય છે. અમદાવાદની પોળમાં રહેતાં, દામ્પત્યજીવનનું એક તપ વિતાવી ચૂકેલાં વરવહુ મૂંગા બાળક(ભૈ)ને લઈને ગાડીએ બેઠાં છે. સ્ત્રીને છે કે સૂરજદાદાએ આ બાળક આપ્યો છે તો તે બોલતોય કેમ નહીં કરે, એટલે ત્રણે જણાં તીર્થના સ્થાનકે જવા નીકળ્યાં છે. બહારગામ જતાં હંમેશાં પુરુષને થતું તેમ આજે પણ દાદર ઊતરતાં થતું હતું : ફરી પાછા આવનારાઓમાં કદાચ હું જ નહીં હોઉં. પણ.... કથા પૂરી થાય છે, ત્યાં ગાડી હજુ સ્થાનકે પહોંચી નથી અને પડતી રાતે વચલા એક સ્ટેશને ભૈ ડબામાં મળતો નથી. સંડાસમાં ગયેલો પુરુષ બારણું હચમચાવવામાં આવતાં બહાર આવે છે અને ‘ભૈ તમારી સાથે છે ને?’ – એમ પૂછતી ચિંતાતુર પત્નીને લપડાક મારી બેસે છે, પણ ગાડી ઊપડવાની સિસોટી થતાં સાંકળ ખેંચવા કરે છે. પાસેના પાટા પર પસાર થતા એન્જિનના ભરપૂર પ્રકાશથી અને એણે છોડેલા પુષ્કળ ધુમાડાથી ‘સાંકળ તરફ ઊંચો થતો મારો જમણો હાથ ગૂંગળાવા લાગ્યો’ –એવા પતિના ગૂંગળામણના અનુભવ આગળ કથાની સમાપ્તિ થાય છે. સમાપ્તિ? આ તો ફેરો છે. લખચોરાશીમાંનો એક, એ એકમાંના પણ અનેક ફેરાઓમાંનો એકાદ. આ કે તે વ્યક્તિનો નહીં, ગમે તે કોઈનો. આ કે તે સ્થળકાળનો એવું પણ કંઈ નહીં, ગમે તે સ્થળ કે કાળનો. એ બધા ફેરાઓમાં તત્ત્વતઃ ફેર છે એવું પણ ખાસ નહીં, વન્સમોરથી જાણે કે એક જ વાત એક, બે...જ નહીં પણ હજારો લાખો વાર પ્રસ્તુત થયા કરતી હોય અને જાણે માણસની અંદરનો ‘કંટાળો પોતે પણ આદતથી કે દેખાદેખીથી તાળીઓ પાડતો હોય છે.’ કથાના આરંભે જ પુરુષ કહે છે ‘‘પોતાની જાતની અંદર જ મેં કોણ જાણે ક્યારથી વન્સમોર પાડવા શરૂ કરી દીધા હતા. હું નાયક તરીકે અનિવાર્યપણે પાઠ ભજવતો કોઈને લાગું પણ એ ભ્રમ છે. મારા સ્થાને મારા જેવા કોઈનેય કલ્પી સ્થળકાળમાં આગળ કે પાછળ ગતિ કરી શકાય.’ આ કથા-નાયક પોતે નવલકથાકાર છે, હડપચીના સામ્યને કારણે, મિત્રો ‘મશ્કરીમાં’ એને જેમ્સ જોય્સ પણ કહે છે. કથાને અંતે ભૈ ન જડ્યાની મૂંઝવણમાં એક ક્રૂર વિચાર એના મનમાં પસાર થઈ જાય છે : ‘ચાલો એક કથા પૂરી કરી.’ હા, એક પૂરી કરી. બીજી શરૂ થશે, અથવા કહો કે બીજી ‘એક’, તત્ત્વમાં પહેલીના જેવી જ ફરી એક, શરૂ થશે. ‘ફેરો’ કથાનો આરંભ થાય છે—ધક્કો વાગ્યો, ગાડી ઊપડી, એ શબ્દોથી. અંત આવે છે વ્હિસલ વાગ્યા પછી ગાડીને ઊપડતી અટકાવવાનાં ફાંફાં આગળ. ફરી એક નવો ફેરો શરૂ થાય છે? ભૈ પાછો મળ્યો હશે ? બોલતો થયો હશે?... એ તો બધું વળી નવા ફેરાઓમાં પસાર થતાં જાણવા મળે. કથાના આરંભે નાયકે ક્યારથી વન્સમોર પાડવા શરૂ કરી દીધા હતા. હવે એક કથા પૂરી થતાં ફરી એને માટે વન્સમોર પાડવાનું રહે છે. આ બધા વન્સમોર, આ બધા ફેરા, એમાંથી ઊગરે છે શું? કંટાળો? કથાનાયક જે નવલકથાકાર છે તે ભલે એવું સૂચવે, પણ આપણા નવલકથાકાર, ‘ફેરો’ના લેખક શ્રી રાધેશ્યામ શર્મા, નાયક તરીકે એક અત્યંત પટુસંવેદનશીલ વ્યક્તિને પસંદ કરી એને જીવનના નાનાનાના અનુભવોમાં તરબોળ થતો તેમ છતાં લગભગ સાક્ષી ભાવે વિચરતો નિરૂપી, એક જાતની સંપ્રજ્ઞતા (awareness) દરેક ફેરાની ફલશ્રુતિ છે એમ સૂચવતા જણાય છે. નાયકની હવે પછીની નવલકથા ‘ધૂમ્રવલય’નો આંતરેઆંતરે નિર્દેશ કરીને શ્રી રાધેશ્યામે આપણી આગળ ‘ફેરો’ ઉપરાંત ‘ધૂમ્રવલય’નું પ્રતીક મૂક્યું છે, જે કદાચ એક રીતે જોતાં વધુ ઉચિત છે. ધુમાડાનાં વલયો ઊંચે ચડતાં જાય અને સાથે સાથે વિસ્તરતાં પણ જાય એમ સંપ્રજ્ઞતાનું ચક્રાકારે (spiralling) ઉચ્ચતર અને બૃહત્તર થવું એ દરેક ફેરો પૂરો થાય એની ઉત્તરોત્તર લાધતી ફલશ્રુતિ છે. કથાનાયકનો અનુભવ દેખીતો કંટાળાનો ભલે હોય – અને દરેક ફેરામાં એ કંટાળાની સામગ્રી જુદી જુદી સાંપડી રહેવાની, પણ પ્રત્યેક ફેરો તત્ત્વતઃ વન્સમોર છે તે તો એમાં પસાર થતાં લાધતી સંપ્રજ્ઞતાને કારણે. આપણા સમયમાં ટૂંકી વાર્તા અને લઘુનવલમાં, તેમ જ નવલકથામાં પણ ઘટનાલોપ માટેનું વલણ જોઈએ છીએ. કેવળ ઘટનાથી પરિતૃપ્ત થવાના સામાન્ય વાચકના વલણ સામેનો આ પ્રત્યાઘાત છે. ઘટનામાત્રનો નહીં પણ ઘટનાના ફટાટોપનો લોપ ઇષ્ટ છે. આજે નવલકથાકાર ઘટના વગર ચલાવતો નથી, પણ બાહ્ય ઘટનાના નિરૂપણમાં ભરાઈ જવાને બદલે આંતર ઘટનાના સૂચનમાં એ રાચે છે. ભીતર ક્યાંક ભારે ભૂકંપ થયો છે, એના અનુભવકંપોનો એક કંપનઆલેખ(seismograph) પાત્રના જીવનની નાનીનાની જણાતી વિગતોના અંકન દ્વારા આપી છૂટવો એટલું કવિકર્મ આજના કથાકારને પર્યાપ્ત લાગે છે. ‘ફેરો’માં રાધેશ્યામ નાનાં નાનાં ઇંગિતો દ્વારા સંસારને અનેક બિંદુએ સ્પર્શે છે. પત્નીને સળગાવી દેવાનો નાયકના મનમાં પસાર થઈ જતો વિચાર, રિક્ષાવાળો, નાયકની વચનસિદ્ધિની શક્તિ – આ વિવિધ નિર્દેશો અને ગાડીની યાત્રામાં કબ્રસ્તાન પરની તકતી, પાટા પર પ્રેમવૈફલ્ય પછી પડતું મૂકતી કન્યાનું સ્મરણ, ‘અંદર હતો જ નહિ’ એમ બેઠેલો ખેડૂત, શિરાઓનાં સાપોલિયાંવાળી વૃદ્ધા, બિસ્તરાવાળી બાઈના અંબોડે બેસીને ઊડી જતું ફૂદું (‘ગયા ભવનું સંતાન’) —એ બધા નિમિત્તે ચેતના પર થતા સંસ્પર્શો આ કથામાં એક પ્રકારનું સમૃદ્ધ પરિમાણ ઉમેરે અને જીવનના કોઈ ફેરા વિશે ‘ફેરો આ નકામ’ કહેવાવારો રહે જ નહીં એની પ્રતીતિ કરાવે છે. કથાનાયક તરીકે નવલકથાકાર લીધો હોઈ નાનાંનાનાં સૂચનો (દા.ત. જાત્રાએ જતા માને તાજમહાલની નાયકે નાનપણમાં જીદ કરીને ખરીદેલી સસ્તી છબી જમનાજીમાં પધરાવવા માટે આપવાની નાનકડી ક્રિયા) દ્વારા માનસ ઊંડાણોમાં ડોકિયું કરાવવાનું રાધેશ્યામ માટે શક્ય બન્યું છે. અને ક્યાંય એમને રોમૅન્ટિક બનવું પડતું નથી, એ આ કથામાં એમની નોંધપાત્ર સિદ્ધિ છે. બલ્કે પ્રતિ-રોમૅન્ટિક પ્રતિ-કવેતાઈ વૃત્તિ, અને તેથી ગદ્યશૈલી પણ, કથામાં આગળ તરી આવે છે. નાયકનાં ઢીંચણની ઢાંકણીઓ સામસામી અથડાય છે, માત્ર તણખા ઝરતા નથી એટલું જ. અમુક પ્રસંગોએ એનું નીચલું જડબું ઢીલું પડી જઈ લબડે છે અને લાળ ઝરે છે. નાયિકા છીંકણી લૂછ્યા વિનાના મોંની (મોં પણ કોઈ અણઘડે ટાંકેલ ઘંટીપડ જેવું) પ્રસ્તુત થાય છે. અને ભૈ? એ ભૈ ન બોલીને આખી કથામાં (નાયકના આગલાપાછલા આખાય જીવનમાં) ભારે ઉત્પાત મચાવી રહે છે અને એની કુંઠિત અને આપણને ટટળાવે એ રીત અકળ રહેવા પામતી ચેતના કથાને એક જાતની mystic– રહસ્યમયી આભાથી છાઈ દે છે. કથામાં અનેક માણસોની વાત આવે છે પણ એકેનું નામ આપવામાં આવ્યું નથી. આરંભમાં કથાનાયક પોળમાં પેસતાં જ મન સાથે કંઈક બોલી બેસે છે એમાં એક નામ આવે છે : ‘‘ગાય પૃથ્વી છે...તડકો શૂદ્ર છે. પોળ બહાર એ વાટ જોતો ઊભો છે...ક્યાં છે પરીક્ષિત? —પરીક્ષિત ઘોરતો હશે, કાં પેપર વાંચતો હશે.’’ દેખીતો જ, ઉલ્લેખ ભાગવતના આરંભમાં પૃથ્વીરૂપી ગાયને કનડતા શૂદ્ર કળિને રાજા પરીક્ષિત વશ કરે છે તેનો છે. પણ આજનાં શહેરોની પોળનો પરીક્ષિત ક્યાં છે? ભરબપોરે પણ ઘોરતા અથવા એટલે મોડે પણ વર્તમાનપત્રોના વાચનથી ન પરવારેલા પરીક્ષિત પાસે જાણે કે ધા નાખવામાં આવી છે. સૃષ્ટિને ખીલવનાર તડકો એ પોતે જ અહીં શૂદ્રરૂપે રજૂ થયો છે, અને સુવર્ણ ટીપવાના હથોડીના થતા થડકારથી એ ધ્રૂજે છે. કથાને અંતે ઉલ્લેખ છે ઊધઈની પેઠે જામેલા અંધારાનો. ચારેબાજુ પર્યવેક્ષણ કરવા કરતા આધુનિક પરીક્ષિતનું કામ સહેલું નથી જ. અર્થગર્ભ પ્રતીકોથી અને આખી કથામાં સહજપણે આવ્યે જતાં અનેક કલ્પનોથી કૃતિ એક સમૃદ્ધ સ્વર-કંપોવાળી રાગિણી જેવી બની છે. અને આ પ્રકારની કથનશૈલીની અપાર શક્યતાઓનો નિર્દેશ કરે છે. આપણે ત્યાં એ શક્યતાઓ પૂર્ણપણે ખેડાઓ. અમદાવાદ : ૨૮-૧૧-૧૯૬૮