ફેરો/૯
ગાડી કબ્રસ્તાનની કાંટાળી વાડની બહાર – અડીને જાણે વચ્ચોવચ્ચ પસાર થતી હતી. કબ્રસ્તાનના નાકાના ગેટની તકતી ઉપર મોટા અક્ષરે ‘કુલ્લો નફસીન ઝા એ કતુલ મૌત’ (દરેક જન્મનારને મૃત્યુનો રસ ચાખવો પડશે.) લખેલું વંચાયું. એક કબર ઉપર વખડાને મળતું કોઈ વૃક્ષ હતું અને તેની ડાળીઓ સાથે દોરડાં બાંધીને એક ઘોડિયું લટકાવેલું હતું. પાસે ગરીબ મુસલમાનનાં ઝૂંપડાં હતાં. કોઈ છોકરી ઘોડિયાને ધક્કો દેતી, ઘોડિયાનો કબરો પર ધસડાતો સમડી શો પડછાયો ઓકળીઓ પાડતો સામે છેડે જતો – ત્યાંથી એક છોકરો ફરી પાછો સામો ધક્કો મારતો. કબરોની આસપાસ હર્યો-ભર્યો બગીચો હતો. બોલ્યાચાલ્યા વિના અહીં પાણી પાવા માળી તરીકે, અને દૂર ઓ...દેખાય તે મસ્જિદમાં સાંજ પડ્યે દીવાબત્તી પગી તરીકેની નોકરી મળે તો કેવું? મહિને પાંચસો મળે તો ઘણા કહેવાય. (પાંચસો રૂપિયા કે પૈસા?) નદી પરનો મોટો પુલ આવ્યો. બારણાં આગળથી નીચે નદી તરફ જોયું તો ખાસ પાણી નહોતું. પૈસા નાખે તો ઝીલવા ચાર પાંચ અર્ધનગ્ન કાળાં છોકરાં ઊભાં હતાં. પાસેના ડબ્બામાંથી કોઈક ભાઈએ કશાકની એક લાલરંગી પોટલી, એક શ્રીફળ અને થોડાક છુટ્ટા પૈસા નીચે ફેંક્યા. ભૈ બારીએ ઊભો ઊભો નીચે જોતો હતો. મેં લાંબા થઈ ભૈના હાથમાં પંજો મૂક્યો. એ તેણે નીચે જવા દીધો. પણ નદીમાં પડવાને બદલે રેતીના દડમાં પડ્યો. આઘે અર્ધો બનેલો સિમેન્ટ-કોંક્રીટનો નવો પુલ પુષ્ટ ઢેકાવાળા ઊંટનો ખ્યાલ આપતો હતો, કેમ કે પુલ ઉપર ધૂળની ડમરીઓ શમી શમીને ઊડતી હતી...સ્મશાન – અત્યારે કોઈ ચિતા નથી બળતી; પણ રાતે ગાડી પસાર થાય ત્યારે રાતીમાતી બળતી ચેહ જોવાની મઝા પડે છે. બીજું સ્ટેશન આવ્યું. મને તરસ લાગી હતી; પણ ગાડી ઊપડ્યા પછી પાણી સાંભર્યું. મારા પગે ખાલી ચઢી હતી. બેઠે બેઠે પૂંઠ તપી ગઈ હતી. કોઈ ચસકે તો જગા થાય ને? ત્રીજું સ્ટેશન જલદી આવ્યું. ગાડી સહેજ ધીમી પડી. મને આશા બંધાણી, પેલા સેલ્સમેનને પૂછી જોયું, તો કહે, રેલવે ટાઈમટેબલ મુજબ તો ચોથા સ્ટેશને ગાડી ઊભી રહેશે. આ તો રિપેરિંગ ચાલે છે; એટલે ધીમી પડી છે. ત્યાં તો ગતિ વધી. સ્ટેશન આવ્યું, પ્લૅટફૉર્મ આવ્યું, પાણીનો નળ આવ્યો - ખુલ્લો હતો, પણ પાણી નહોતું આવતું. કંટાળ્યો. એક તૃષાતુર શિશુ એની માતાના સ્તને બાઝ્યું હતું. મારી પત્ની મને ટોકતી, ‘આવી શી કટેવ, વારે વારે માટલીએ હું બાઝો છો! છોકરા કરતાં પીવા તો તમારે વધારે જોઈએ છે. છોકરાથીયે વધારે ભૂંડા છો. આટલી તરસ શાની લાગે છે? આમ પાણી પીઈ પીઈને જ ખાતાં પહેલાં ભૂખને મારી કાઢો છો અને પછી દવાઓ ખાઓ છો...તમારું મોત ગયા ભવમાં રણ વચમાં થયું હોવું જોઈએ.’ ‘પણ એ વખતે મારું ઊંટ કોણ હતું ખબર છે? તારા ઢેકાને ફોડીને મેં તરસ છિપાવેલી એ ભૂલી ગઈ?’ ‘ઊંટ કે ઊંટડી? ઊંટ જેવા ઊંચા તો તમે છો?’ એ ઉત્તર વાળતી.