ફેરો/૧૦

Revision as of 10:25, 8 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦|}} {{Poem2Open}} મેં છત તરફ જોયું – આટલા પંખા હોવા છતાં તાપ કેમ? – ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૦

મેં છત તરફ જોયું – આટલા પંખા હોવા છતાં તાપ કેમ? – તો એક પંખો ચાલુ હતો અને બીજો બંધ. ‘બંનેની ચાંપ તો એક છે તોયે બીજીને શું થયું છે?’ આવું જરા મોટેથી બોલી પડાયું... My Secrets cry aloud I have no need for tongue.. ત્યાં આગલી સીટ ઉપરથી એક કાકા બોલ્યા, ‘બે છોકરા હોય અને એમનો બાપ એક જ હોય તોય કેટલો જમીન આસમાનનો ફરક હોય – એના જેવું છે આ...’ કાકાએ પ્રોડિગલ સનની કે જેકિલ-હાઈડની વાતો સાંભળી હશે? (મરવા દેને) પંખાનાં પાંખિયાને કો’કે હાથ-પંખાના છેડા વડે જોશથી ફેરવ્યા! લાગ્યું કે થયો ચાલુ. ત્યાં અધ્ધર ઊડેલી સમડી એકદમ નીચે મડદા ઉપર બેસી જાય તેમ પંખો બંધ. મૂંગો-મારી જેમ. ભૈ નિરાંતે એના બુશકોટનો કોલર ચાવતો હતો, ચૂસતો હતો. ચોથા સ્ટેશને ટાઈમટેબલ પ્રમાણે ટ્રેન ઊભી રહી. (ટાઈમટેબલની મર્યાદા ઉલ્લંધી ડ્રાઈવરને કોઈ દિવસે કોઈ અજ્ઞાત સ્ટેશને ટ્રેન થોભાવવાનું મન જ નહીં થયું હોય?) લીલી ઓઢણી પહેરીને ઊભેલી એક ગ્રામકન્યાએ – જેને ધજા ફરકાવતી દેરીની ઉપમા જ આપવાનું મન થાય – મારી તૃષા સંતોષી. પાંચ પડિયા પાણી પીધું. અહીં પડિયાનો રિવાજ હતો. જરા નવાઈ લાગે. ભૈએ અને એણે પાસેની બારીએથી પાણી પીધું. પત્નીને પાણી પીતી હું જે આંખે જોઈ રહ્યો હતો, તે જોતાં કોઈ ત્રાહિત માણસ તો જરૂર એમ જ કહે કે અમારો કોઈપણ પ્રકારનો સંબંધ જ નહીં હોય! પવનની એક લહેરખી આવી. બહાર મોં કાઢી પડિયામાં ભૈને પાણી પાતી મારી પત્નીના ચહેરાને તેના વાળની લટે આકર્ષક દેખાડ્યો. હું તાકી રહ્યો. મારી હડપચી? જાણો જ છો...આજે હું આ શું અવનવું જોઈ રહ્યો હતો! અમારા લગ્નજીવનના છેલ્લાં દસ વરસમાં આવો પવન કોઈ દિવસ કેમ નહોતો વાયો? કેમ આ રીતે લટ એના મુખ ઉપર કમાનની પેઠે ટૂંકી ન હતી? પેલી મારી અલૌકિક શક્તિમાં આવું તો કદીયે ઊગ્યું નહોતું કે આવા કો’ક અજાણ્યા સ્ટેશને મને આવું સૌંદર્ય-દર્શન થશે. ટ્રેન ખસી. લીલી ઓઢણીવાળી કન્યાને મેં પાવલી આપી. છૂટા હતા નહીં. એ ઊભી હતી.... ટ્રેન ઊપડતી હતી... ગ્રામકન્યા મારી દૃષ્ટિથી દૂર દૂર ખસવા લાગી. તેમ તેમ છાતીમાં કોઈ વિચિત્ર પ્રકારની વેદના ફૂટવા માંડી. દર દૂર બાવળિયાના જંગલમાં અશબ્દ વહી જતી કેડીઓ આછી આછી થતી ઓગળી ગઈ. ગરનાળા પરથી પસાર થતી ટ્રેન નગારાં વાગવાનો અવાજ કાનમાં મૂકતી ચાલી, ભૈ તાળીઓ પાડવા મંડ્યો. ભૈને આ બધું સંભળાવા લાગ્યું કે શું?