મેઘાણીની સમગ્ર નવલિકા 2/બૂરાઈના દ્વાર પરથી
કોળી અને કોળણ ચીભડાં વેચવા બેઠાં હતાં. શાકપીઠની અંદર હાટડું ભાડે રાખવાની બે દા’ડા સારુ શી જરૂર, એટલે શેરીમાં રસ્તા ઉપર પછેડી પાથરીને ચીભડાં મૂક્યાં હતાં. પણ બેના ચાર દિવસ થઈ ગયા હતા. જુવાન જોડલું હતું. ચમનલાલ શેઠના ‘બાથરૂમ’માં જઈને એક વાર જો તેલનું મર્દન લઈને માઇસોરી સુખડના સાબુથી અંઘોળ કરે, અને ટુવાલે શરીર લૂછે, તો કોળી અને વાણિયા, વચ્ચેનો રૂપ-ભેદ કોણ પારખી શકે? એવાં એ કોળી અને કોળણનાં લાવણ્યવંતાં; ઘાટીલાં અને લાલ ચટકી ઊપડતાં શરીરો હતાં. સંસાર જો તપોવન હોય, અને પરસેવો ટપકાવીને પેટ-ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય, તો તો આ બેઉ જણાં સાચો યજ્ઞ જ કરી રહ્યાં હતાં. બેઉ ઉપવાસી હતાં. ધૂપમાં બેઠાં હતાં. એક આસને બેઠાં હતાં; ધૂળના વંટોળા ગરીબીના હવનના ધુમાડા-શા ઊડતા હતા, અને બેઉનાં મોં ઉપર આનંદનો ઉજાસ મલકતો હતો. “હવે બે ફાંટ મતીરાં રિયાં છે. ઝટ નીકળી જાય તો ભાગીએ.” “હા, હવે રોટલા પણ એક ટંકના જ બાકી છે. બે દિ’ના ઘડી લાવી’તી; તેને સાટે ચાર દિ’ ગદરી ગયા. માતાજીએ સે’ પૂરી, ખરું?” “પણ હવે રોટલા કાં’ક સુકાણા, હો! ભેળું કાંઈ શાક આથણું ન મળે ખરું ને, એટલે પાણીને ઘૂંટડે ઘૂંટડે...” “અરે, તમે જુઓ તો ખરા! હોંશિયાર થઈને આટલાં ચીભડાં કાઢી નાખો ને, એટલે સાંજે ને સાંજે અમરાપર ભેળાં થઈ જઈએ, અધરાત થઈ ગઈ હશે ને, તોય મારી મા ઊનાઊના રોટલા ઘડી દેશે, ને હું લસણની ચટણી વાટી નાખીશ. માટે તમે હેમત રાખીને આટલા વેચી કાઢો — મારો વા’લો કરું.” નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવે શબ્દે ધણીને ચાનક આપતી બાઈ પોતાનાં ધાવણવિહોણાં સ્તનો ચૂસી રહેલ નાના બાળકને પાલવ ખેંચીને ઢાંકતી હતી. પણ પાલવ તાણવા જાય છે ત્યાં પાછી બીજી બાજુ પીઠ ઉઘાડી થઈ જતી હતી; છોકરો છાતીમાં માથું માર-માર કરતો હતો. “પણ ઘરાક આવે છે જ ક્યાં?” “અરે, આવે શું નહિ? તમે મોઢામાંથી કાં’ક બોલો તો તો હમણાં આવે: મોરલીને માથે નાગ આવે એમ આવે. આમ જોવોને: આખી પીઠમાં કાછિયા કેવીકેવી બોલી કરીને લલકારી રિયા છે! તમે તો, ભૂંડા, જીભ જ હલાવતા નથી.” “મને એવું વેણ કાઢતાં ને સમે રાગે નાખતાં આવડે નહિ.” “નો આવડે શું?” ધીરે સૂરે બાઈ પુરુષને પઢાવવા લાગી: “એ આ સાકરિયા મેવા! એ આ મધના ઘડા લઈ જાવ! અમૃતના મેવા લૂંટી જાવ!... લ્યો, બોલો એમ!” લજામણીનો છોડ જાણે: એનું જડબું ફાટ્યું જ નહિ. નીચે જોઈ ગયો. “ઓય માટીડો! નારી ઘડતાંઘડતાં ભૂલથી નર ઘડ્યો લાગે છે ભગવાને.” એમ કહેતીકને બાઈ પોતાના ગળચટા ગળાના સૂર કાઢવા લાગી: “બે જઈના શેર! આ અમરતના કૂંપા બે પૈસાના શેર! આ સાકરટેટી બે જઈની શેર! આ મીઠા મેવા બે પૈસે શેર!” એક ખેસધારી વેપારી આવીને ઊભા રહ્યા. ઘેરે વિવાહ છે; સાંજે જાનનાં માણસોને પીરસવા ચીભડાનું શાક કરવું છે. પૂછે છે: “શો ભાવ?” “બે પૈસે શેર, બાપા! અમૃત રોખો માલ!” “આનાનાં અઢી શેર તો ઓલી દુકાને આપે છે.” “ના, બાપા; અમારે પોસાય નહિ. અમે પરગામથી આવેલ છયેં! ચાર દિ’થી ખુવારના ખાટલા છે અમારે. નદીમાં કૂંટિયા ગાળીગાળીને, માટલાં સારીસારીને વાડા પાયા છે, ભાઈ! કેડ્યના મકોડા નોખા થઈ ગયા છે!” “ઈ ઠીક; મહેનત વગર કાંઈ થોડો રોટલો મળે છે!” રૂના સટ્ટા રમનાર વેપારીએ કોળણને ભોંઠી પાડી. “લે — એક વાત કર, એટલે હું આ આખી ફાંટ લઈ લઉં. મારે ઘેર જાન આવવાની છે.” “અરે, મારા ભાઈ! જાનને જમાડવી છે, હજારું રૂપિયા ખરચીને વિવાહ માંડેલ છે, એમાં અમને ચાર-છ આના ખટાવતાં શું બીઓ છો? એમાં તમને કેટલોક કસ રે’શે?” “લાંબી વાત નહિ. આનાનાં ત્રણ શેર તોળી દેવાં હોય તો દે. તારાં સડેલબડેલ, અડધાં ચીરેલાં તમામ લઈ જાઉં.” “ના, ભાઈ; અમારે પેટના પાટા ન છૂટે.” “ઠીક ત્યારે; બેઠાબેઠા ફાકો ધૂળ આંહીં બે દિ’ સુધી.” વેપારી ભાઈ હાટડેહાટડે અને નીચે બેઠક કરીને વેચનાર એકોએકની પાસે ફરે છે. વારંવાર એની ટાંપ આ કોળી-બેલડીની ફાંટ ઉપર મંડાય છે. કોળી-કોળણના અંતરમાં આ વાત પરથી વિચારનું જાણે કે એક વલોણું ચાલવા લાગ્યું: “આ શેઠિયાવ: હજારુંના રળનાર અને હજારુંના ધુંવાડા કરીને વરા ઉકેલનારા પણ શાકપાંદડાંની વાતમાં પાઈ-પૈસાની ગણતરી છોડતા જ નથી.” “કોણ જાણે આપણે કઈ મેડિયું ચણાવી નાખીએ છયેં આ કમાણીમાંથી!” “ઈ વેપારીયુંની વિદ્યા જ અવળચંડી. બાપ દીકરાને પે’લું શાસ્તર જ ઈ પઢાવે કે આગલા પાસેથી કસીને લેવું, અને સામાને છેતરે ઈ ચડિયાતો.” એવી વાતો થાય છે ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને આવી ઊભી રહી: હાથ-પગ અને ડોકમાં હેમના દાગીના છે; પગમાં ચંપલની જોડી છે; ઝીણો સુંદર સાડલો છે; નાની-શી કોથળીમાં પૈસા ઠીકઠીક છે. “કેમ દે છે ચીભડાં?” “બે પૈસે શેર, બોન!” “અરે, એવું તે હોય? તમે કોળી તો હવે લૂંટવા બેઠાં... લે, જોખ એક શેર. મારે મંદિર જવાનું મોડું થાય છે... એમ શેની જોખછ? જો, કડી ચડી ગઈ છે ત્રાજવાની. ને નમતું જોખ બરાબર: છોકરાં ફોસલાવ મા.” “લ્યો, બોન! આ નમતું.” કહીને કોળીએ દોઢ શેરથી ઝાઝેરો માલ જોખી આપ્યો. “હવે એક ચીર દે આ પાકા ચીભડામાંથી.” શેઠાણીએ એક કાપેલ ચીભડા ઉપર બણબણતી માંખો ઉડાડીને એમાંથી ચીર માગી. “હજી પાછી ચીર, બોન!” “હાસ્તો, મફત ક્યાં દેછ? મારો છોકરો ઘેર જતાં જ માગે, ખબર છે?” “પણ, બોન —!” કોળણને એ અક્કેક પલકે પોતાનો મહેનતે ઉઝેરેલ વાડો, મથી મથીને ગાળેલ કૂંટીઓ, અને માટલે માટલે સારીને ત્રણ મહિના સુધી લાગલાગટ પાયેલ પાણી સાંભરી આવતાં હતાં. શિયાળવાં અને હરાયાં ઢોર હાંકી-હાંકી ઉજાગરા તાણેલા. “લાવ, ચીર દેછ કે? નીકર આ લે તારું ચીભડું પાછું.” ચીર દેવી પડી. કેમ જાણે કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય, એવું દર્દ એના અંત:કરણમાં થયું. “આવા જીવ શે થઈ જાતા હશે આ પૈસાવાળાંના?” “માટે જ આપણે નિર્ધન રહ્યાં સારાં.” “ના, ના; મને તો દાઝ ચડે છે કો’ક કો’ક વાર.” “દાઝ ન ચડાવીએ, ડાયા! પારકો પરદેશ છે: આપણે રિયાં કોળી: કાંક થાય તો સપાઈને આપણા જ વાંકની ગંધ આવે.” તેટલામાં તો “પિયુ. પે’લી પૅસેન્જરમાં આવજો...”નું છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક-ગીત ગાતોગાતો બંકડો પોલીસ આવ્યો, અને એક ચીભડું લઈ, કશી ચર્ચા, માથાકૂટ કે લપછપ કર્યા વગર મલપતી ચાલે ચાલ્યો ગયો, ચીભડાં ઉપર આંગળીઓથી તાલ દેતો એ નવું કવાલી-ગીત ગાતો ગયો: અય બેઈમાન દિલબર, જોબન લૂટાનેવાલા! કોળી અને કોળણ એકબીજાં સામે જોઈ રહ્યાં. બાઈ તો ઝેર પી ગઈ હતી; હસીને બોલી: “આય એક તાલ છે ને!” “તને ઓળખે છે?” ધણીની આંખોમાં ઠપકો હતો. “તમારું તે ફટકી ગયું છે કે શું?” “ચાર પૈસાનો માલ આમ ઉપાડીને હાલતો થાય, તોય તું દાંત કાઢછ: કેમ જાણે તારા પિયરનો સગો હોય!” “હવે વાત જાતી કરોને...” બાઈએ ધણીના વાંસામાં હાથ ફેરવ્યો. “જોને, તમારાં લૂગડાં એક મહિનામાં મેલાંદાટ થઈ ગયાં છે, આજ સાંજે મારા બાપને ઘેર પહોંચવા દે: ત્યાં ખારોપાટ છે. તે સંધાય લૂગડાં ત્યાં ઘસી-ભૂંસી, ચોળીને હડમાનની કૂઈએ રૂપાળાં ધમધમાવી નાખું. હાલો, મારો વા’લો કરું — હવે એકાદ લલકારો કરો જોઉં!” ધણીના કલેજાની કળ જાણે કે આ સુંવાળાં વચનો વડે ઊતરી ગઈ. “માતાના સમ! મને શરમ આવે છે.” “હેઠ્ય નાની વઉ!” કહીને કોમળ કંઠે કોળણે સૂર છોડ્યા: “એ...આ સરબતના કૂંપા લઈ જાવ! આ દૂધિયા માલ લઈ જાવ!” સાંજ નમતી હતી. વર-વહુના ચહેરા ઉપર પશ્ચિમનાં કેસૂડાં જાણે રંગે ઢોળતાં હતાં. આથમણી દિશાના માળી સૂરજે સીમાડા ઉપર ફૂલ-ભરપૂર ખાખરાનાં કેસરિયાં વન ખડાં કર્યાં હતાં. વાદળાઓમાં રમતી વગડાઉ છોકરીઓ એ વન-ફૂલને વેડતી હતી. “સાંજે આપણે જાયેં ત્યારે ચારે દિ’ના પૈસા તમારી પાઘડીના માયલી કોરના એક આંટામાં બાંધી લેજો, હો! રસ્તે કાઠીનું ગામ છે...” “પણ ઈ તો પાઘડીય નહિ પડાવી લ્યે? રાતા મધરાસિયાની પાઘડી કાંઈ કાઠી એમ મૂકી દેશે?” “ઠીક ત્યારે, હું મારી કેડ્યે બાંધી લઈશ.” બકરીને હાંકતાં હાંકતાં ફરીથી બાઈએ લલકાર કર્યો કે “એ... આ ઘીના કૂડલા લઈ જાવ!” “કેમ કર્યાં ચીભડાં?” એમ પૂછતો, જવાબની રાહ પણ જોયા વગર એક જુવાન નીચે બેસીને કહે છે કે “અધમણ જોખો.” “સુમનલાલ!” પેલા ખેસધારી વેપારી સામેની એક ખોજાની દુકાને બીડી પીતા હતા, તેણે આ સુમનલાલને હાથની ઇશારત કરીને બોલાવી લીધાં, ને કહ્યું: “ઉતાવળ કરો મા. એ છે પરગામનાં. આજ સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગશે, એવાં થાકેલાં છે. તમે થોડી વાર થોભી જાવ. આનાનાં ત્રણ શેર લેખે આખોય ‘લૉટ’ આપણે ઉપાડીને પછી વહેંચી લેશું.” કોળી-કોળણે સમજી લીધું: “આપણું ઘરાક ટાળ્યું ઓલ્યે શેઠિયે.” “મને તો કાંઈનું કાંઈ થઈ જાય છે મનમાં.” કોળીના ધગધગતા મગજમાંથી જાણે કલ્પનાના દસ માનવી અક્કેક ડાંગ લઈને દોડે છે, અને એ વેપારીની ઉપર તૂટી પડે છે. સુમનલાલ શરમેશરમે થોડી વાર ઊભા થઈ રહ્યા. એના સલાહકાર ખેસધારી ભાઈ કોળી-કોળણ સામે જોઈ હસવા લાગ્યા. પણ સુમનલાલની અધીરાઈ દેખાવા લાગી. વારંવાર એની નજર પોતાની કાંડા-ઘડિયાળના કાંટા ઉપર પડવા માંડી. ખેસધારી ભાઈએ એને પાંચ-દસ મિનિટ કઢાવી નાખવાના હેતુથી પૂછવા માંડ્યું: “કૉલેજમાં પાછા ક્યારે જવાના છો? કેટલામો નંબર રાખો છો? હવે ‘એલ. એલ. બી.’ થવાને કેટલાં વરસ બાકી? વિલાયત જશો ને? કે ગાંધી મા’તમ્યામાં ભળશો?” “જે થાય તે ખરું.” એવા ટૂંકા અવાજથી પતાવીને સુમનલાલ પાછો એ કોળી-કોળણ તરફ વળ્યા ખેસધારીએ કહ્યું: “કાં! ઘડીક સાટુ શીદ બગાડો છો બાજી?” “મારે મોડું થાય છે.” “વોય ભણેલો! આ વિદ્યા શું લીલું કરવાની હતી?” સુમનલાલે જઈને કહ્યું: “લ્યો, જોખો અધમણ: હું મજૂર બોલાવું.” કોળી દરેક પાંચ શેરની ધારણમાં અક્કેક શેરે નમતું તોળવા લાગ્યો. ખેસધારી ભાઈ આવીને ઊભા રહ્યા: “આ બધું તો એકનું એક થયું ને, માળા ગાંડા! કે કોળો રહ્યો એટલે થઈ રહ્યું!” “કેમ?” “આટલી નમતી ધારણે તો એ જ હિસાબ થઈ રહે છે. મેં આનાનાં ત્રણ શેર તો માગ્યાં’તાં.” “અમે તો, બાપા રકઝકના કાયર, ચાર દિ’થી સૂકા રોટલા ચાવતાં હોઈએ, ઈ કાંઈ અમનેય થોડું ગમે છે? પેટમાં પાણાની જેમ ખૂંચે છે, ભાઈ!” કોળણ બોલતી ગઈ. કોળી જોખતો ગયો. પાંચેક ચીભડાં વધ્યાં. જુવાને કહ્યું: “જોખો એક વધુ ધારણ.” “ના;” કોળણે કહ્યું: “ઈમ ને ઈમ નાખી દ્યો. ધારણ નથી કરવી. ભલે ભાઈ લઈ જાતા. તમારાં પેટ ઠરે, બાપા!” જુવાન સુમનલાલને આ કોળી-કોળણમાં રસ પડ્યો. વર્ડ્ઝવર્થના ઊર્મિ-ગીતોમાં કદી આવો રસ નહોતો ઊપજ્યો. એણે કૌતુકથી પૂછવા માંડ્યું: “ક્યાંનાં છો? ક્યાં વાડા કરો છો? કેટલા મહિનાની મહેનત? શી શી મુસીબતો? કેટલું રળો? ક્યારે પરણ્યાં છો? કેટલી ઉમ્મર છે બેઉની? આ બાળકને કેમ ધવરાવ્યા જ કરો છો? ટાઢા રોટલા કેમ ખાઓ છો? આંહીં કોઈ ન્યાતીલાઓનાં ખોરડાં નથી?” દરેકના જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ સલૂકાઈ દીઠી. વચ્ચેવચ્ચે વર-વહુના મતભેદનું મીઠું, મર્માળું ટીખળ પણ માણ્યું. પણ આ વર-વહુએ એ વાતો દરમિયાન પોતાનો સંકેલો ચાલુ જ રાખ્યો હતો. પછેડી ખંખેરીને એ બન્ને પોતાની ભાડે રાખેલી વખારમાં ગયાં. સૂરજ દોડાદોડ ચાલ્યો છે: ક્યાં જાય છે — આટલો અધીરો બની ક્યાં જાય છે! પોતાને સાસરે કે પિતૃઘેરે — તે તો એ જાણે! પણ એની સાથે આ કોળી-કોળણ પણ રવાદ કરી રહ્યાં છે. છોકરાંને કેડે ઝાલીને કોળણ ધણીને એક હાથે બધી લે-મેલ્યમાં સાથ દઈ રહી છે. “આ અલીભાઈની અઢી-શેરી દઈ આવો: આ છરી લઈ લ્યો: આ દીવામાંથી ઘાસલેટ ઢોળીને લઈ લ્યો: આ લ્યો — આ કાગળમાં વીંટી લ્યો: આ તાળું વખારના માલેકને આપી આવો: લ્યો, આપણાં લૂગડાંલત્તાંની ને તોલાં-ત્રાજવાંની ફાંટ બંધાવું: સૂંડલો મારે માથે મેલો: અરે ભાન-ભૂલ્યા, ઇંઢોણી તો પે’લી મૂકો!” દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો. સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે; ને બાઈને કહે છે: “તમારું કહ્યું બરાબર ઉઠાવે છે, હો!” ઉઠાવે નહિ, ભાઈ? ઊનાઊના રોટલા જમવા છે આજ મારી માના હાથના: ખરું ને, એલા?” કોળીના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા. “પાછા આ વખતે તો અમારે સરમાણિયાને મેળે જાવું છે: કાં ને, એલા?” કોળી જુવાનની આંખોમાં આ બધી વાતોની ‘સેંક્શન’ થકી આનંદના દીવા રમવા લાગ્યા. પેલા ખેસધારી ભાઈ પાંચમી બીડીનું ખોખું ચૂસતાંચૂસતાં ક્યાંઈક આંટો દઈને પાછા આવ્યા: “કાં, સુમનલાલ! શાક ક્યાં?” “ક્યારનું ઘેર પહોંચડાવી દીધું, મજૂર ભેળું.” “ઠીક; મજૂરને પણ ઘરનું બે ટંકનું શાક નીકળશે! ને તમે તો બહુ રોકાણા! કાંડા-ઘડિયાળના કાંટા ખોટકી ગયા કે શું?” એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી. સુમનલાલે કહ્યું: “હું તો જોઈ રહ્યો છું, કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે!” “કૉલેજમાં આવું નહિ શિખવાતું હોય, ખરું? વાણિયાના દીકરાઓની નિશાળ શાકપીઠમાં ખોલાવવા જેવું છે: કેમ, નહિ?” “હા. સટ્ટાબજારમાં તો નહિ જ...” “બરાબર છે: ત્યાં બાઈઓ ન મળે ખરી ને!” “એટલે જ આપણે પાંગળા છીએ ને? બાઈઓ રસોડે આપણા મહેમાનો સારુ ઊની ઊની રોટલી જ ઉતાર્યા કરે છે!” દરમિયાન કોળી-કોળણ પરવારી રહ્યાં. વહુએ માથા પર ગાંસડીવાળો સૂંડો ચડાવી લીધો. ધણીએ છોકરાને ખભે ચડાવ્યો. છોકરો બાપને માથે માથું ઢાળીને ત્યાં ને ત્યાં જ ઊંઘી ગયો. “લ્યો, બાપા, રામરામ! તમારે પરતાપે વે’લા વે’લાં અમે ઊના રોટલા ભેગાં થઈ જાશું.” “પ્રતાપ તમારી મહેનતનો, બહેન!” ઉજળિયાત જુવાનના મોંમાંથી ‘બહેન’ શબ્દ સંબોધાતાં કોળણને એક નવી દુનિયાનાં દ્વાર ઊઘડી પડ્યાં લાગ્યાં. “હું રાજપર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ.” “જરૂર જરૂર આવજો, ભાઈ; આ ગગાના સમ છે તમને.” કેસૂડાંની વનરાઈ સંકેલીને જ્યારે સંધ્યા ચંપા-ધારની પાછળ ઊતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણીઓ દેતો હતો, ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ તરેહની વાતો ચાલી રહી હતી: પેલા ખેસધારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનનાં માણસોને સુમનલાલનો દાખલો આપી કૉલેજમાં ભણનારાંની વ્યવહારકુશળતાની મશ્કરી માંડતા હતા: ‘વાણિયા વિના રાવણનું રાજ ગયું તે આ રીતે, બાપા!’ એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કહી જણાવી. ઘેરે પોતાની બહેનનાં લગ્ન હતાં, તેની ધમાલમાંથી છાનીમાની પોતાની જુવાન પત્ની સવિતાને મેડી ઉપર બોલાવીને સુમન અમરાપરનો કેડો બતાવતો હતો: “સવિતા! એ કેડે બે વર-વહુ ચાલ્યાં જાય છે. એનું તે સાચું સહજીવન. મરતાંમરતાં પણ એ જીવતરનાં તોફાનો સાથે રહી વીંઝે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં, અને રાતનાં પાંચ-છ કલાકમાં. હું વકીલ થઈશ; ને તું કુટુંબમાં રોવા-કૂટવાનું કરીશ. મારું ભઠિયારખાનું કરીશ: મારો ક્લાર્ક પણ નહિ બની શકે. ઘૃણા છૂટે છે આ सहनाववतु सह नौ भुनक्तु सहवीर्यं करवावहैના એકવીસ ક્રોડ વાર જૂઠા બોલાએલા મંત્ર પર, એ મંત્રનાં આચરનારાં તો ઓ જાય અમરાપરના કેડા ઉપર...
“માતાના સમ!” અમરાપરને કેડે પુરુષ ખભે છોકરું સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો: “આજ તો મને ખાઈ ગઈ’તી. પાંચ વરસથી વાડા વાવતાં આજે ગળોગળ આવી ગયો’તો. એમાં ઓલ્યા સપાઈએ, ઉપર ચીર્ય માગનારી બાઈએ એ શેઠિયાએ તો મારી ખોપરી ફાટફાટ કરી મેલી.” “અરે ભૂંડા, ખોપરીને તો ટાઢી રાખીએ.” “ના, ના; આમ લોહીનાં પાણી કર્યેય જો રોટલો ન પમાતો હોય, તો પછી... મેરકાની ટોળીમાં ભળવું શું ખોટું!” “રોયા! ચોરી...” બાઈએ વરને ચીંટિયો ભર્યો. “માતાના સમ: કદીક છે ને બે મહિનાની જેલ મળે, એટલું જ ને!” “બસ, એ તારે મન કાંઈ નહિ?” બાઈએ પ્રેમના તુંકારા માંડ્યા. “ના; રોટલા તો ત્યાંયે મળે છે: ઊલટાનાં બે ટાણાં બબ્બે રોટલા, દાળ અને શાક પેટ-પૂરતાં આપે છે.” “પણ ત્યાં તુંને બે વાનાં નહિ મળે; તારાં આંસુડાં નહિ સુકાય.” “શું નહિ મળે?” “એક આ તારી ઝમકુ, ને બીજો આ દીકરો ઝીણિયો.” “એટલેથી કરીને જ આ વાડા પાઈને પ્રાણ નિચોવું છું ને! બાકી, આ દુનિયા — આ શેઠ શાહુકાર ને આ સપારડા તો હવે મને ચોર જ બનાવી રહેલ છે.” “કેમ આમ હારી જા છ?” ઝમકુએ ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી ભાળી. એના સાદમાં પણ ખરેડી પડી હતી. એણે ધણીને શરીરે હાથ વીંટીને હૈયા સાથે ચાંપ્યો: “હે બહાદુર! મરદ થઈને આવા માઠા વચાર! ઠાકર—” “ઠાકરની વાત હવે નથી ગમતી. ‘કીડીને કણ અને હાથીને હારો’ દેનારો મરી ગયો લાગે છે.” “ગાંડા! સંજ્યાટાણે ઠાકરનું હીણું ન બોલીએ, તારે ખંભે તો જો: ઝીણિયો જંપીને સૂતેલો છે.” “પણ ત્યારે આ તું ને હું બેય તૂટી મૂવાં, તોય તાજો રોટલો કેમ ન મળે? આ મલક બધો બંગલા મેડિયુંમાં મા’લે છે, ગંઠાહાર ને હીરા પે’રે છે; તારા-મારા જેવા દસ નભે એટલી તો એની એઠ્ય રોજ ગટરુંમાં પડે છે; ફોનુંગ્રામ અને ધૂડપાપ વગર એના દા’ડા ખૂટતા નથી: ત્યારે આપણને તો પૂરી ઊંઘેય નહિ! આ તે શું?” “તને વિચારવાયુ ઊપડ્યો.” “મારું મન મૂંઝાય છે. મેરકાની ટોળી મહિને પંદરદા’ડે કેટલું પાડે છે — જાણછ?” “તું ઝમકુનો દા’ડો ખા — જો હવે વધુ બોલ્ય તો. જો, અમરાપરનો સીમાડો આવી ગયો.” ઝમકુએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા. સમાજનો સેવક આ કોળી, એ આઠમની રાતને પહોરે, સમાજની શત્રુતાના ઊઘડું ઊઘડું થતા દ્વાર ઉપર છેક ઉંબર સુધી પહોંચી ગયો હતો. ઝમકુનાં જનેતા સમાં ફોસલામણાંએ એને ત્યાંથી પાછો વાળી લીધો. શિયાળવાંની લાળી સંભળાતી હતી. ચાંદનીમાં પણ એકાન્ત અકારી હતી. પોતાના પગ-ધબકાર પણ કોઈક પાછળ પડ્યું હોય તેવી ભ્રાંતિ કરાવતા હતા. એ બીક ઉરાડવા માટે બાઈ બોલી: “કોઈ કાઠીબાઠી ન નીકળ્યો. દેન કોની છે આવવાની! માતાજીને નાળિયેર માન્યું છે મેં તો.” ત્યાં તો ગામ-પાદરનાં કૂતરાં બોલ્યાં.