મેઘાણીની સમગ્ર નવલિકા 2/ચોટલે ઝાલીને

Revision as of 09:17, 15 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચોટલે ઝાલીને|}} {{Poem2Open}} “તો પછી એને ચોટલે ઝાલીને ઉપાડી જવી જો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ચોટલે ઝાલીને

“તો પછી એને ચોટલે ઝાલીને ઉપાડી જવી જોઈએ;” પ્રોફેસર ઈન્દ્રજિતે ઊઠતાં ઊઠતાં કહ્યું. સુખદેવ ડોસા એની સામે સુખભરી પણ શંકાશીલ અને દયામણી આંખે તાકી રહ્યા: “સાચેસાચ શું એ તમારો મત છે? મશ્કરી તો નથી ને, પ્રોફેસર!” “ના, ના;” કહીને પ્રોફેસર ઈન્દ્રજિત ફરી પાછા ખુરસી પર બેઠા. “હું કટાક્ષ નથી કરતો; મારો સાચો મત કહું છું. એ તમારા દીકરાની કાયદેસરની સ્ત્રી છે. એ ન માને તો તમારે એને ચોટલે ઝાલીને — હું તો એટલે સુધી સળગું છું કે મુંબઈના ચાર ગુંડાઓ તેડાવીને — પણ એને લઈ જવી જોઈએ.” “શાબાશ, ઇન્દુભાઈ!” સુખદેવ ડોસાના બન્ને ગાલ ઉપર કોઈ જોબનવંતી સ્ત્રીના જેવી ચૂમકીઓ ઊપડી. “આજ સુધી હું એકલો પડી ગયો હતો. કોઈ મારું નહોતું રહ્યું. જેઓને મેં મરતા બચાવ્યા છે, લાગવગ લગાડી જેના છોકરાઓને નોકરીઓ અપાવી છે, તેઓ પણ આજ મને મારી પુત્રવધૂ પાછી મેળવી આપવાની મદદ દેવાને બદલે ઊલટાના મારા પ્રયાસો આડે પથ્થરો નાખે છે; મને પોતાને આંગણે ઊભવા નથી દેતા. હું એકલે હાથે મથી રહ્યો છું. મને બીજાનો તો ડર નથી. હુંય નાગાનો સરદાર થઈ શકું છું... મેં પંચાવન વર્ષ પાણીમાં નથી કાઢ્યાં. મેંય પાકી ત્રીસ સાલ સુધી મુંબઈ વેઠી છે. હું બધા દાવ રમી જાણું છું. પણ મને ખરેખર, ઈન્દ્રજિતભાઈ, તમારી જ બીક હતી. તમે શહેરના જુવાનોને મારી સામે સિસકારો તો મને એ ફાડી ખાય, એવો મારા દિલમાં ફડકો હતો. પણ જો તમે મારા પગલામાં સંમત હો, તો હું એકલો બીજા સહુને પૂરો પડીશ. મુક્તાને હું મારો હાથ બતાવીશ; મારા દીકરાનો ભવ એ કેમ બગાડી શકે છે તે હું જોઈ લઈશ.” સુખદેવ ડોસાએ ‘જોઈ લઈશ’ શબ્દના ઉચ્ચારની સાથોસાથ પોતાના શરબતી મલમલના પહેરણની બાંયો ચડાવી. પણ, સાચા વીર-રસની સાથે કરુણ રસ તો જોડાયેલો જ હોવાથી, ‘મારા દીકરાનો ભવ’ એ શબ્દોની અસરરૂપે ડોસાની આંખોમાં પાણી પણ દેખાઈ ગયાં. પ્રો. ઈન્દ્રજિતને કૉલેજમાં જવાનો વખત થયો હતો. કાંડા-ઘડિયાળ ઉપર એની નજર રમતી હતી. પણ સુખદેવ ડોસાને પડખે ખડા રહેવાનો ધર્મ એને ઊઠવા દેતો નહોતો. એણે કહ્યું: “જુવાનો પર મારો કાબૂ છે એ વાત સાચી; ને હું સ્ત્રી જાતિના હક્કોનો પક્ષકાર છું, મેં જુવાનોને મારાં ભાષણો વડે એ જુસ્સો પિવરાવ્યો છે. પણ હું તમારી મુક્તાના કિસ્સામાં તો કાળો કેર જોઉં છું. વેવિશાળ તોડવાની વાત હોય તો વાજબી હતું. આપણામાં છૂટાછેડા અથવા તલ્લાકનો કાયદો હોત તો પણ માર્ગ થઈ શકત. પણ, એવા કોઈ કાયદાની ગેરહાજરીમાં, પરણેલી હિન્દુ સ્ત્રીથી આવો સ્વેચ્છાચાર કેમ થઈ શકે?” “કહું. એના બાપના ઘરમાં દીકરી વધીને તાડ થઈ ગઈ હતી. પ્રીતમલાલ એને ક્યાં સંતાડત! હાઇસ્કૂલમાં ભણાવતા હતા ત્યાં કાંઈક વગોણું થયું. ઉઠાડી લીધી. ઘરમાં આખો દા’ડો હાર્મોનિયમ ઉપાડીને બેસતી. ગાતી. નાયકાનું ઘર હોય તેમ લોકોની ઠઠ વીંટળાતી. બાપની ઊંઘ ઊડી ગઈ હતી. કોઈ મુક્તાનું કાંડું ઝાલવા તૈયાર નહોતું. એવામાં મારા રમણની વહુ સ્ટવથી દાઝી મૂઈ. શ્રીફળની તો અમારે તેરમા જ દિવસે પડાપડી બોલી. પણ મુક્તાના બાપા સાથેની મારી જૂની મહોબ્બત હું નહોતો ભૂલ્યો. એણે વેવિશાળનો તાર કર્યો ને તરત ચાંદલા થયા. પછી મારા રમણ વિષે આઘાપાછી વાતો સાંભળીને મુક્તા રડી હશે, એટલે મારાં તેડાવ્યાં એનાં માબાપ એને ખાસ લઈને મારે ઘેર આવી આઠ દિવસ રોકાયાં. હું તો અનુભવી ખરો ને, ઈન્દ્રજિતભાઈ!” આંહીં સુખદેવ ડોસાનું મોં ગુલાબ જેવું લાલ થઈ ગયું. “એટલે મેં એક લૉકેટ, બે એરિંગ અને એક ‘રોલ્ડ-ગોલ્ડ’નું કાંડા-ઘડિયાળ લાવીને મારા રમણને આપ્યું. ધક્કો મારીને એ શરમાળને બાજુના ઓરડામાં આ બધી ભેટો દેવા મુક્તા પાસે મોકલ્યો. મુક્તાને એ બધા શણગાર પહેરાવી મેં ફોટા સુધ્ધાં લેવરાવ્યા.” “ઓહોહોહો! આટલી હદ સુધી!” પુત્રના લગ્નનું આવું સંવનન પોષનાર ડોસા પ્રતિ પ્રો. ઈન્દ્રજિતને માન ઊપજ્યું. “ત્યારે તો તમે ન્યાતમાં સુધારાના છૂપા આદ્યપ્રેરક ગણાઓ, સુખદેવભાઈ!” “હા, ભાઈ! પાછું મેં તો મારા ઓરડામાંથી વેવાણને મોટે સાદે પૂછ્યુંય ખરું કે, ‘કેમ! મુક્તાને મારું ગરીબ ઘર ગમશે કે?’ ત્યારે વેવાણ બોલેલાં પણ ખરાં કે, ‘કેમ ન ગમે? આવી રાજસાયબી બીજે ક્યાં મળવાની હતી! મુક્તા જો મૂરખી હોય તો જ મન સંકોડે!’ મેં કહ્યું કે, ‘વેવાણ! મુક્તાને મોંએ હેતનો હાથ ફેરવનાર રમણની બા જો આજ જીવતી હોત તો હું સ્વર્ગનું સુખ પામત. પણ એ ખોટ હું ક્યાંથી પૂરું?’ આ સાંભળીને તો મુક્તાની આંખો પણ પલળેલી હતી એમ મને અમારી ઘાટણે પાછળથી કહેલું.” “હું તો આ સાંભળીને વધુ દૃઢ બનતો જાઉં છું કે છોકરી તમને દબાવે છે. એને તો ચોટલે ઝાલીને—” “હજુ સાંભળી લ્યો. આમ દીકરીનું દિલ ઠારીને બધાં પાછાં ગયાં. પાછળથી મેં મારા રમણને મુક્તા પર કાગળ લખતો કર્યો. અંદર ટાંકવા હું એને સારી કવિતાઓ પણ શોધી આપતો. ચિત્રો બિડાવતો. ઘણી વાર રમણના કાગળો હું ટપાલમાં નખાવતાં પહેલાં ફોડીને...” આંહીં ડોસાને એની વ્યવહારબુદ્ધિએ ‘બ્રેક’ મારી, ને એણે વાત કાપી નાખી: “હાં! મતલબમાં બન્યું એવું કે લગ્નનો દિવસ આવી પહોંચ્યો, ને અમે સૌ જાન લઈને જ્યારે છેક રવાના થયા, ત્યારે એ છોકરીએ અવળચંડાઈ માંડી. ઓરડીમાં પુરાઈને રડવું શરૂ કરેલું. એની માએ પંપાળીને પૂછેલું કે, ‘શું છે? રમણલાલ નથી ગમતા? ઘર નથી ગમતું? શી બાબતનો તને અસંતોષ છે તે કહે.’ પણ એ ઢોંગીલીએ માના ખોળામાં માથું દાટીને એટલું જ કહેલું કે, ‘મને કારણબારણની કાંઈ ખબર નથી પડતી. પણ મારે નથી પરણવું — ત્યાંય નથી પરણવું ને ક્યાંય નથી પરણવું.’ “ઓહો! કારણની ખબર નથી, એમ કહ્યું?” પ્રો. ઈન્દ્રજિતે માનવ-સ્વભાવનો તલસ્પર્શ કરેલો ખરો ને, એટલે એણે પકડી પાડ્યું: “સમજી શકાય છે: છૂપો કોઈનો પ્રેમ...!” સુખદેવ ડોસાએ આગળ ચલાવ્યું: “એ તો એ જાણે ને એનાં પાપ જાણે. પણ આવા ધમરોળ માંડ્યા, અને એની મા પોપલાવેડા કરતી રહી, ત્યારે પછી એનો બાપ આવ્યો. સારી પેઠે કેળવાએલો ને સંસ્કારી બાપ. થોડી વાર તો સાંભળી રહ્યો. દાઝ તો કાન ઝાલીને બે તમાચા ખેંચી કાઢવાની ચડી હતી; પણ દીકરીની મનપસંદગી ઉપરવટ એને જવું નહોતું. એણે કડક અવાજે કહી નાખ્યું: ‘મુક્તાને કહો કે આ ઘોલકીની રમત નથી માંડી. ચોવીસ કલાકની મહેતલ આપું છું. પોતાની દુર્દશાનો પૂરો ખ્યાલ કરીને જવાબ આપે.” “ધૅટ્સ ઇટ (બરાબર છે)!” પ્રો. ઇન્દ્રજિતે ગળું ફુલાવીને સંતોષ બતાવ્યો. “ચમત્કાર વિના નમસ્કાર નહિ!” “સીધીદોર થઈ ગઈ, ઈન્દુભાઈ! — નેતર જેવી સીધી થઈ ગઈ! બધા ફંદ મૂકી દીધા. ચોવીસ કલાકે એની માએ જઈને બાપને કહ્યું કે, ‘મુકતા ટાઢી પડી ગઈ છે. હા પાડે છે.’ “એ રીતે ચોખ્ખી સ્વેચ્છાથી લગ્ન કર્યાં. છતાં એ છોકરીએ ચાર દિવસ તો અમારે ત્યાં માંડ માંડ કાઢ્યા. ભુરાંટી થઈ. ઘર આખું ચગડોળે ચડાવ્યું. રમણને તો ખાજ ઉપર લાગેલી સિંહણની માફક પાસેય છબવા ન દે. ઈન્દુભાઈ! શું કહું? — મારા ત્રીસ વર્ષના પુત્રને એ છોકરીએ તમાચો ખેંચી કાઢ્યો. અંદરથી સાંકળ બીડીને બેસી ગઈ. ત્રણ દિવસ ખાધુંપીધું નહિ. મેં એના બાપને તાર કર્યો. એ તેડી ગયો. ત્યારથી આજ બાર મહિના થયા; નથી આવતી. માબાપ કહે છે કે, જોરાવરીથી લઈ જાવી હોય તો લઈ જાઓ — તમારું માણસ છે!” “મુક્તા પોતે શું કહે છે?” “કાંઈ નહિ. બસ, ‘નથી આવવું.’ મેં કહ્યું, દાવો માંડીશ. એ કહે, ફાંસીએ કેમ નથી ચડાવતા! અહીં, બસ, હાર્મોનિયમ બજાવે છે. ટોળાં ભેળાં કરે છે. જગબત્રીસીએ ચડી છે તોયે નફટ થઈને ફરે છે, હરે છે. મેળાવડાઓમાં ને ઉત્સવોમાં ભળે છે, ગરબે રમે છે. લોકો મોઢે ચડીને ફિટકારે છે તોયે નઘરોળની નઘરોળ! હું ત્રણ-ત્રણ વાર તો રમણને તેડીને અહીં આવી ગયો. ત્રણમાંથી એક વાર માંડ માંડ રમણને એનું મળવું થયું. મેં રમણને ગોખાવી રાખેલું કે, ‘પ્રથમ મીઠાશથી વશ કરવા મહેનત લેજે. પણ નરમ ઉપાય ન ચાલે તો પછી રાતી આંખ દેખાડજે’. બાજુના જ ઓરડામાં હું કાન દઈને સાંભળી રહ્યો હતો. રમણે ઘણું ઘણું પૂછ્યું કે, ‘હું તને કેમ નથી ગમતો? મારામાં તેં શી ખોડ દીઠી? આપણે નવી મોટર લીધી છે. બાપા વાલકેશ્વરમાં બંગલો લેવાના છે’. પણ આખરે એ વંઠેલીને સાન ન આવી. છેવટે જ્યારે રમણે કહ્યું કે, ‘હં! તારે આંહીં કોઈ બીજું પ્રણયપાત્ર છે, ખરું ને!’ એટલે તો સાંઢ જેવી એ છોકરીએ મારા રમણને બીજી લપડાક લગાવી દીધી. રાતી આંખ દેખાડતાં મારા રમણને ન આવડ્યું.” “માફ કરજો — પણ રમણલાલમાં કાંઈ કહેવાપણું તો નથી ના?” “રહો, બતાવું. બેટા રમણ! આંહીં આવ જોઉં!” અંદરથી કોમળ કંઠનો અવાજ આવ્યો: “આવ્યો જી!” જુવાન દાખલ થયો. એના મુખ ઉપર નીતરતી નરી મધુરતા એની ઉમ્મરમાંથી પાંચ વર્ષોના પોપડાને જાણે કે ધોઈ નાખતી હતી. એ માંડ પચીસ વર્ષનો લાગતો હતો. અડકશું તો ભાંગીને ભૂકો થઈ જશે, એવું બિલોરી કાચનું બનાવેલું જાણે એનું બદન હતું. અંજનની પારદર્શક ડબ્બીઓ જેવી બે આંખો હતી. “આ મારો રમણ!” “આ!” પ્રો. ઇન્દ્રજિત આભા બની ગયા: “આ પુરુષ એને પસંદ નથી પડતો? આટલી હદ સુધીની નફટાઈ! હું કહું છું કે એને ચોટલે ઝાલી ઉઠાવી જાઓ.” એમ કહી ઈન્દ્રજિત ઊઠ્યા. “જોયું, રમણ! ઈન્દ્રજિત જેવા પ્રોફેસરે આપણને ન્યાય કર્યો છે. ‘ચોટલે ઝાલીને!’ એ એના શબ્દો વેદના મંત્ર જેવા સાચા છે. હવે મને છાતી આવી ગઈ. હવે તું મૂંઝાઈશ નહિ. હું લાખોનાં આંધણ મૂકીશ. દુનિયાને દેખાડી દઈશ કે કુળવાન માણસ પોતાની આબરૂ સારુ શું શું કરી જાણે છે.” કુલીન પિતાની આબરૂનો આ પ્રશ્ન મેરુ પર્વતથી પણ મોટો હતો. સદાય રમણ જોતો આવતો હતો કે આબરૂ અને કુલીનતા ખાતર જ પિતાનું જીવતર હતું. આબરૂની વેદી ઉપર આત્મ-સમર્પણ કરનાર બાપને રમણ દેવ સમ ગણતો. એ માનતો કે પોતે, મુક્તા અને આખો સમાજ બાપુના કુળની આબરૂ આબાદ રાખવાનાં જ પુનિત સાધનો છે. એણે પિતાની વાતના વિરામચિહ્ન તરીકે હંમેશની માફક ઉમેર્યું કે, “જી હા!” સુખદેવ ડોસા મુક્તાને ‘ચોટલે ઝાલીને’ ઉઠાવી જવાની વેતરણ ઉતારતાં ઉતારતાં બોલ્યા: “હું આખી બાજી ગોઠવી રહ્યો છું. એના મુખ્ય પાત્ર તરીકે તારું જ સ્થાન રહેશે. તારે મુક્તાને છેલ્લી વારના એક મેળાપના બહાને, તારા તરફથી એને ચાહે તેની સાથે જીવન ગાળવાની ફારગતી આપવાને નિમિત્તે, તેડાવવાની છે. કાગળનો મુસદ્દો હું ઘડી દઈશ. એ આવે એટલે પછી હું બીજા માણસો મારફત જ કામ લઈશ. હું એક મોટરનો ને ચાર માણસોને જોગ કરી રહ્યો છું.” “જી હા!” રમણના રાતા હોઠેથી સનાતન વિરામચિહ્ન સર્યું. પોતાના ઓરડામાં જઈ રમણ એક ખુરસી પર ઉપર ઢગલો થઈ પડ્યો. એના કાનમાં પેલા શબ્દો ગાજતા હતા: ‘ચોટલે ઝાલીને...’ એ શબ્દો નવા હતા. કદી નહિ સાંભળેલા. એની આંખો મળી. એણે સ્વપ્ન દીઠું. મુક્તાને ચોટલે ઝાલી ઘસડી જતો પ્રો. ઈન્દ્રજિત દીઠો. એ ઊઠ્યો. મોઢું ધોયું. લખવા બેઠો. આ પહેલી જ વાર એણે પોતાની પ્રેરણાથી કાગળ લખ્યો: મુક્તા, અરીસામાં બહુ બહુ જોયું કે, તને કંટાળો આવે એવું મારામાં શું છે! પણ હવે સમજાય છે. આ કંટાળો સ્વયં પ્રેરિત પ્રીતિ જેવો જ સ્વયંભૂ છે. હું ભલે ફૂલનો બનેલ હોઉં, પણ તારી આંખોએ મારા પ્રત્યેક રજકણમાં કીડા ખદબદતા દેખ્યા છે. પરસ્પર વિનાદીઠ્યે થયેલાં અનેક લગ્નો પ્રેમભરપૂર નીવડ્યાં હશે; પરંતુ તેથી કરીને તારું ને મારું માબાપોએ તારથી કરી નાખેલ સાટું કશો બચાવ પ્રાપ્ત કરતું નથી. તને ઘૃણા હતી. દબાવી-ડરાવીને તારી જીભમાંથી ‘હા’ કઢાવવામાં આવી હતી. સંમતિ-લગ્નનો એ દંભ હતો. તું કુલીનનું બાળ છે. હિન્દુ કાયદાની ગુલામ છે. વિવાહિત જીવનને ઠેલ્યે તારો ક્યાંયે ઉગાર નથી; જ્યારે હું પુરુષ તો પાંચ બૈરાં પરણવા પણ સ્વતંત્ર છું. આમ છતાંય તું નાસે છે, એટલે નક્કી કોઈ ભયંકર ઘૃણાએ તને વલોવી નાખી હશે. મારી સાથેનું સહજીવન અસહ્ય થઈ ગયું હશે. મારા બાપુ તને ચોટલે ઝાલીને ગુંડાઓને હાથે ઉઠાવી જવાની પેરવી કરે છે. મારા હાથના બીજા કોઈ કાગળથી ભોળવાઈશ નહિ. આ સાથે રૂ. ૧૦૦ની નોટ બીડું છું. ફાવે ત્યાં નીકળી જઈ રક્ષણ મેળવજે. મારા તરફની આ ફારગતી ગણજે. અદાલતમાં જવું પડે તો આ દેખાડજે. લિ. રમણ. રૂ. ૧૦૦ની નોટ સાથે બીડેલા કાગળનું પરબીડિયું ગજવામાં છુપાવીને રમણ બહાર નીકળ્યો. છેક ટપાલ-પેટી સુધી હિંમતભેર પહોંચી ગયો. પરબીડિયું અંદરના ગજવામાંથી કાઢીને પેટી સુધી હાથ લંબાવે તે પહેલાં તો એ હાથ પર કોઈની થપાટ પડી. જુએ છે તો — બાપાજી પોતે! પરબીડિયું આંચકી, ફોડી, અંદર સપાટાભેર નજર ફેરવીને પછી બાપાજીએ બીજી થપાટ ચોડી દીધી. કહ્યું: “ચાલ.” વળતે દિવસે જેને ‘ચોટલે ઝાલીને ઉપાડી જવું’ કહી શકાય એવી યોજના કરીને સુખદેવ સસરા પુત્રવધૂને મુંબઈ લઈ ગયા. મોરલીધર પરણ્યો “એ... સોમચંદ જેઠાના ઘરનું સાગમટે નોતરું છે.” “એ... ભાઈ, કાળા હેમાણીના ઘરનું ન્યાતની વાડીમાં તમારે સાગમટે નોતરું છે.” “એ... આ પ્રાણજીવન વેલજીના ઘરનું સાકરનું પિરસણું લઈ લેજો.” રોજ સવાર પડે અને શેરીએ શેરીએ આવા લહેકાદાર સૂરો છંટાય. ગામમાં વિવાડો હતો. ન્યાતના મહેતાઓ હાથમાં લાંબો ખરડો લઈને ઘેરઘેર આ નોતરાં ફેરવતા હતા. અપચાના ઓડકાર ખાતાં ખાતાં ઘરઘરનાં લોકો કહેતાં કે “હવે તો રોજ રોજ ગળ્યું જમવાનું ભાવતું નથી.” “પણ આજ તો હરખ-જમણ છે, એટલે દૂધપાક પૂરી હશે.” “હા, તો તો જશું.” એમ ખાવાની લાલસા થાકીપાકી છતાં આળસ મરડીને, હિંમત રાખીને, હોશિયાર બનીને જઠરમાં જાગ્રત થતી. ઘચરકા-વિકારની દવા કરાવવા માટે વૈદ્યની દુકાને ચડેલો દર્દી ‘તમારે હમણાં પખવાડિયું ચરી પાળવી પડશે...’ એવી વૈદ્યરાજની માગણી સાંભળીને ઊભો થઈ જતો; કહેતો કે, ‘તો તો અઠવાડિયા પછી જ વાત; હમણાં ન્યાતમાં ને સગાંવહાલાંમાં વિવાડો છે અને દેખીપેખીને ચરી પાળવા ક્યાં બેસીએ, ભાઈસાહેબ!’ એવો એ મહાન વિવાડો હતો. જમણ-ભોજન સિવાયનું સર્વ જગત ક્ષણભંગુર હતું. પ્રજા પાસે દોલત નથી, એ વાત ગલત હતી. લોકોનાં હૈયાંમાં ગુલામીની વેદના સળગે છે, એ કથન વાહિયાત હતું. પ્રજાએ, ઓહોહો, કેવી સમદૃષ્ટિ કેળવી હતી! જ્વાલામુખીના શિખર પર બેસીને પણ વિવાડો માણવાની કોઈ અલૌકિક આત્મશક્તિ આ આર્ય જાતિના કલેવરમાં પડી હતી. પાસે શબ પડ્યું હોય તોયે વિવાહ તો ચાલુ જ હતા. જમી કરીને લોકો સ્મશાને જતા, સ્મશાનેથી આવીને જમણવારમાં જતા. ઢોલીનો ઢોલ ચારેય પહોર ધ્રૂસકતો હતો. વાઘરાંને, ઝાંપડાંને અને કૂતરાંને અધરાતે એંઠવાડ વહેંચાતો હતો. ગીતો બસૂરાં-બસૂરાં તોયે ગવાતાં હતાં. વાઘ, ચિત્તા અને દીપડાનું કોઈ વૃંદ હોય તેવા વેશધારી બૅન્ડવાજાંવાળાઓ ખાસ ત્રીસ રૂપિયાને રોજે રાજધાનીમાંથી આવીને ગામ લોકોની સમૃદ્ધિની સાબિતી આપતા હતા. સંગીતનો મિથ્યા મોહ કોઈએ રાખ્યો જ નહોતો. બે છલોછલ ટ્રંકો ભરીને કપડાંલતાં સાથે મોરલીધર પરણવા ઊતર્યો. રાજથળી દરબારની ખાસ બે ઘોડાની ગાડી એને સ્ટેશને લેવા ગઈ હતી. પોતાના ગામના દેશાવર ગયેલા ભાઈઓ પૈકી જેની જેની સ્થિતિ સારી બંધાયેલી માલમ પડતી તેને તેને દરબાર આ રીતે ગાડી સામી મોકલવાનો શિરસ્તો રાખતા. મોરલીધરનાં સગાંવહાલાંઓ તથા ગામના આગેવાનો સ્ટેશન લેવા ગયેલ, ત્યાં પણ તેઓએ ચા-નાસ્તાની સગવડ કરી હતી. મોરલીધર લગ્ન કરવા ઊતરે છે એ સહુને મન મોટો બનાવ થઈ પડ્યો હતો. સ્ટેશનથી ગામ પાંચ ગાઉ દૂર હતું, એટલે રસ્તામાં પણ એક-બે ગામડાંને પાદરે ચાપાણીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ગામના સોનીની બે દુકાનો હમણાં હમણાં રોજગાર વિના બેઠી હતી, તેને ધમધોકાર ઉદ્યોગ ઊઘડ્યો. દેશના ચાલુ ઘાટ ઉપરાંત મોરલીધર હાથની બંગડીના અને પગના છડાના કેટલાક પરદેશી સુંદર નમૂનાનો પણ લાવેલ તે ફૅશનના દાગીના તૈયાર થવા લાગ્યા. એવા નાના કસ્બાતી ગામમાં પરણેલી સ્ત્રીઓથી કાનમાં એરિંગ ન પહેરાય. તે છતાં પણ મોરલીધરને આ ઝૂલતા, ફૂલોની મંજરીઓ જેવા, ગાલ પર ઝલક-ઝલક ઝાંય પાડતા અલંકારોનો બડો મોહ હતો, તેથી ગામ-લોકોથી કશું કહી ન શકાતું. ઊલટું એમ બોલાતું થયું કે, “હોય, ભાઈ; નસીબદારનાં ઘરનાં નહિ પે’રે તો પે’રશે કોણ બીજું?” એ દેખીને તો ગામની બીજી બે-ત્રણ કન્યાઓએ પણ એરિંગોની હઠ કરી, અને માવતરોએ મોરલીધરની કુલીનતાની નકલ કરવામાં કશો જ વાંધો લીધો નહિ. રોજની બેઠક ચાલુ થઈ. મોરલીધરને ઘેર ચાનું તપેલું ચારેય પહોર સગડીચૂલા પર ઊકળતું થયું. કેટલાક તો ત્યાં આવીને જ દાતણ કાઢતા. ઔદિચ્ય બ્રાહ્મણોની ન્યાતનું નાક ગણાતા મહેશ્વર મહારાજ રોજ આવીને કહેતા કે, “આ વખતે તો મોરલીધરભાઈ પાસેથી લગનની ચોરાસી જમ્યા વગર છૂટકો નથી. નહિ તો અમે બ્રહ્માના પુત્રો લીલા માંડવા હેઠ લાંઘશું.” મામલતદાર, કે જેને ભૂતનાથની માનતાથી પિસ્તાલીસમે વર્ષે પુત્ર સાંપડ્યો હતો. તેમણે આવીને જણાવ્યું કે, “જુઓ, શેઠ, અત્યારથી સવાલ નોંધાવી જાઉં છું કે ભૂતનાથની જગ્યામાં ત્રણ ઓરડા ખાલી રહેલ છે, તેમાં શિવલિંગની પ્રતિષ્ઠા તમારે આ વેળા કરાવી આપવાની જ છે.” “ખુદ સાહેબ ઊઠીને વેણ નાખે છે, મોરલીધરભાઈ!” બીજા શેઠિયા બોલી ઊઠતા: “સાહેબનું વેણ કંઈ લોપાશે!” એ રીતે સ્વામીનારાયણનું મંદિર એક વધુ ઘુમ્મટ માગતું હતું. પાંજરાપોળને ચાર દુકાનો ઉતારી હૉટલોનાં ભાડાં રળવાં હતાં. અને તે તમામે આવીને મોરલીધરભાઈના લક્ષ પર આ માગણીઓ નોંધાવી દીધી. મોરલીધર એટલે ગામ-લોકોને મન તો સોનાનું ઝાડવું: સહુ ખંખેરવા લાગી પડ્યાં. મોડી રાતે બીજા સહુ વીખરાતા ત્યારે દાક્તર સાહેબ એકલા જ બેસી રહેતા. મોરલીધરનો તમામ આધાર દાક્તર પર હતો. દાક્તર અનેક પુસ્તકો ઉથલાવીને, ફેરવી–ફેરવીને ડોઝ, પડીકી, માલીસનું તેલ વગેરે એકસામટી ત્રેવડી ઔષધિઓ આપતા. સૂર્યસ્નાન, શીર્ષાસન વગેરે કુદરતી ઇલાજો પણ ચાલુ કરવામાં આવ્યા હતા. મોરલીધરનું આ નવું વેવિશાળ આટલી નાની વય છતાં પણ ત્રીજી વારનું હતું. ચાર વર્ષની અંદર જ એણે બે વહુઓના જાન ગુમાવ્યા હતા. દેખીતી રીતે આ એક દુર્ભાગ્યની ઘટના કહેવાય છે. તકદીરમાંથી બાયડી ખડે એ ગરીબ માણસને માટે આપત્તિની અવધિ જ છે; પરંતુ સુખી ઘરનો જુવાન અંત:કરણને અતલ ઊંડાણે એક ભયાનક ગર્વ અનુભવે છે એ શું સાચી વાત હશે? બે નીરોગી અને અલમસ્ત સ્ત્રીઓનાં યૌવનનો ભુક્કો કરી નાખવો એ શું સામર્થ્યની વસ્તુ નથી ગણાતી? છૂપુંછૂપું, ઊંડેઊંડે, એકાંતે, એકાદ મિત્ર સાથેના ઠઠ્ઠામાં ‘બહાદરિયો ખરો; બબેને શોષી ગયો!’ એવું કંઈક બોલાય છે ખરું? ખેર! મોરલીધરના જીવનની એ પાતળી ખીણમાં ડોકિયું કરવાની શી જરૂર છે? અંદર જોતા તમ્મર આવે તેવી કૈક કંદરાઓ માનવીના પ્રાણમાં પડેલી છે. લોકોને તો ફક્ત આટલી જ ખબર હતી કે કાલીકટમાં એને એની બીજી વહુ અચાનક મરી ગયાના સમાચાર મળેલા, એટલે હરિચંદ નામના એના મહેતાની બહેન વેરેનું વેવિશાળ ત્યાં એણે પરબારું જ કરી લીધું હતું. લગ્નની તિથિ જોવરાવવામાં હવે હરિચંદની જ વાટ જોવાતી હતી. હરિચંદના બાપનો કશો ધડો નહોતો. એ એક ‘રિટાયર’ થયેલા સનંદી વકીલ હતા. અરધાપરધા સાગરઘેલડા હતા. કંઈક છાપાંબાપાં અને એલફેલ ચોપડીઓ વાંચવાની વધુ પડતી ટેવને કારણે વિચારવાયુ પણ થઈ પડેલો, અને ધંધામાં એક પ્રવીણ માણસને ન છાજે તેવા કેટલાક ચોખલિયા સિદ્ધાંતો પણ એનામાં ઘર કરી ગયેલા. હાથમાં લીધેલો કેસ સાંગોપાંગ ચાલુ રાખવાની છાતી જ ન મળે. અરધેથીય જો માલૂમ પડે કે અસીલનો પક્ષ જૂઠો છે, તો ધગધગતા પાણીનું વાસણ જેમ કોઈ બાળક હાથમાંથી પાડી નાખે તેમ એ મહેરબાન ઓચિંતા એ કેસને પડતો મૂકતા. પરિણામે એના ‘જુનિયરો’ હતા તેઓએ મેડીઓવાળાં ચૂનાબંધ મકાનો પણ કરી નાખેલાં, ત્યારે આ સિદ્ધાંતીને ફક્ત મૂછોના ગુચ્છા તથા આંખો ફરતી કાળી દાઝ્યો સિવાય બીજું કશું જ વધ્યું નહોતું. ગામ લોકો એને રૂબરૂમાં ‘બાલીસ્ટર’ કહી બોલાવતાં અને ગેરહાજરીમાં ‘વેદિયો’ શબ્દે ઓળખતાં. ઘરમાં પણ એની કિંમત અંકાઈ ગઈ હતી. સ્ત્રી એને નમાલો કહેતી. એક-બે વાર તો સ્ત્રીએ એની ચોપડીઓ પણ ચૂલામાં નાખેલી. દીકરો બાપની આ કંગાલિયત ન સહેવાયાથી દેશાવર ચાલ્યો ગયેલો. પિતાની ભેરે હતી માત્ર પુત્રી ચંપા. છાપામાં કે ચોપડીમાં કંઈક સારો લેખ અથવા છબી આવે તો ‘ચંપા! બેટા, અહીં આવ તો!’ કહી બોલાવતા, અને એને પાસે બેસારી એના માથા પર હાથ મૂકી એ નવું લખાણ કોઈ અજબ છટાથી વાંચી સંભળાવતા. “હવે ચંપાનો ભવ શીદ બગાડો છો?” કહેતી સ્ત્રી હાથમાં હાંડલું હોય તો હાંડલું ને સાવરણી હોય તો સાવરણી લઈને દોડી આવતી. “તમારો ને મારો બગડ્યો તે ઘણું છે! એના મગજમાં શીદ ભરો છો આ પસ્તીના ડૂચા! એને વેઠવાનું છે પારકું ઘર: એટલું તો ભાન રાખો!” “ના, મારે તો ચંપાને પરણાવવી જ નથી.” “લ્યો, જરા લાજો — લાજો બોલતાં.” “અરે ગાંડી, વિલાયતના વડા પ્રધાન મૅકડોનાલ્ડની દીકરી, એના બાપ ભેળી જ રહીને બાપનો વહીવટ કરે છે: ખબર છે?” “હા, એટલે તમેય રાખજો ચંપાને તમારી પસ્તીનો વહીવટ કરવા.” “બસ, હું બનીશ મૅકડોનાલ્ડ, ને મારી દીકરી ચંપા બનશે મારો મંત્રી: ખરું ને, બેટા ચંપા?” ચંપાને બાપની અનુકંપા આવતી. છાનીછાની આવીને ચંપા બાપુ પાસેથી રોજનું નવું છાપું જોઈ જતી. મા આઘીપાછી હોય ત્યારે બાપુને ચાનો વાટકો પણ ઝટઝટ તલસરાં બાળીને કરી દેતી. બહેન ચંપાનું સગપણ એના ભાઈ હરિચંદે કાલીકટમાં બારોબાર મોરલીધર વેરે કરી નાખેલું અને તેના સમાચાર એણે પોતાની બાને પહોંચાડેલા — કે જેથી બા તાબતડોબ બાજુના કોઈ ગામડામાં જઈને હરિચંદનું સગપણ પણ કરી કાઢે. મોરલીધરને બીજી કોઈ કન્યા આટલી સસ્તી સાંપડત નહિ; અને હરિચંદનું વેવિશાળ પહેલી વારનું છતાં વગર કોથળીએ થાત નહિ. ચંપાનો વકરો એ રીતે ખપ લાગી ગયો અને બન્ને ભાઈ-બહેનનાં લગ્ન લેવાનું નક્કી થઈ ગયું. ફક્ત ચંપાનો બાપ ‘બાલીસ્ટર’ જ આમાં રાજી નહોતો. એ ઘરના મેડા ઉપર બેસીને બબડતો જ રહ્યો. સ્ત્રીએ કહી દીધું કે, “બબડી લ્યો જેટલું બબડવું હોય એટલું. હું દીકરીને ક્યાં — કોઠીમાં છાંદી મૂકત! એણે તમારું શું બગાડ્યું છે? બાપ છો કે વેરી? એનું ઘર બંધાય છે એય જોઈ શકતા નથી?” હરિચંદની જ રાહ જોવાતી હતી. ‘બાલીસ્ટર’ની પરવા તો નહોતી મોરલીધરને કે નહોતી બીજા કોઈને. એને તો ચંપાના વેવિશાળની ખબર પણ ત્યારે જ પડી, જ્યારે ચંપાને એક દિવસના છાપામાં આકાશી વિમાન ઉરાડનારી કુમારી એમી જોનસનનું ચિત્ર દેખાડવા બોલાવતાં બાપે એના કપાળમાં ચોખાવાળો ચાંદલો અને શરીર પર હેમના નવા દાગીના દીઠા. તે દિવસે એ મેડેથી ઊતર્યો ત્યારે ત્રણ-ત્રણ પગથિયાં સામટાં ઊતર્યો. એનાં ચશ્માં ફૂટ્યાં, એ પડતો પડતો રહી ગયો. એણે સ્ત્રીને ફાટી આંખે પૂછ્યું: “હેં, ચંપાનું વેશવાળ કર્યું? મોરલીધર વેરે? મને પૂછ્યું પણ નહિ?” “લ્યો, હવે જાવ: મેડે ચડીને નિરાંતે પસ્તી વાંચો. વેવાર હલાવવાની જો રતિ નથી, તો પછેં બીજાંને હલાવવા તો દ્યો!” એ મેડે ચડી તો ગયો, પણ ત્યારથી નીચે જમવા પણ નહોતો ઊતરતો. મા ચંપાની સાથે એનું ‘ઠોસર્યું’ — અર્થાત્ ભાણું — મેડે જ પહોંચાડતી. બાપે ચંપાને તે દિવસથી છાપાં બતાવવાં બંધ કર્યાં, વાતો પણ બંધ કરી. થાળી દેવા જતી ચંપા બાપની છાતીમાંથી એક પછી એક ડોકિયાં કરી રહેલ પાંસળીને નિહાળતી અને બાપની ભીની આંખોના ઊંડા ખાડામાં નાની નાની બે ચંપાઓને આંસુમાં નહાતી જોતી. આખરે હરિચંદ પણ એનું વેવિશાળ થઈ ગયું હોવાનો તાર મળવાથી પરણવા ઊતર્યો. રતિવિહોણા બાપનો પોતે રાંક પુત્ર, ઉંમર હજુ નાની છતાં બાહોશીથી બહેનને ઠેકાણે પાડી, પોતેય ઠેકાણે પડી શક્યો, માનું હૈયું ઠાર્યું, અને બાપની હાંસીને સ્થાને પોતાની ડાહ્યપ સ્થાપી દીધી — એથી હરિચંદનું દિલ ભર્યું ભર્યું બની ગયું હતું. વિવાહ પણ સૌ જોઈ રહે એવો મોભાસરનો કરવાની એની ઉમેદ હતી. મોરલીધરના લગ્ન ઉપર એમના અંગ્રેજ આડતિયાની પેઢીનો જે પારસી મૅનેજર આવવાનો હતો તેને પોતે પણ પોતાની જાનમાં એકાદ ટંક બપોર પૂરતો લઈ જાય એવો એનો મનોરથ હતો. એટલી ઇજ્જત-આબરૂ પરદેશ ચરબી ચડાવનારી વિલાયતી કંપનીનો પારસી મૅનેજર એક વણિકના પુત્રની જાનમાં એક ટંક આવે એ પ્રતિષ્ઠા — એ કંઈ જેવીતેવી છે! પોતે ગામમાં દાખલ થયો તે દિવસે વિવાડાના ઠાઠમાઠ અને ઉછરંગ જોતાં એને પણ ‘કૉંટો’ આવી ગયો કે બીજા સહુનું ઝાંખું પડી જાય એવી જુક્તિ પોતે પોતાના ઘરનાં લગ્નોમાં જમાવશે. અનેકની આંખોમાં આજે ચંપાના અહોભાગ્યની અદેખાઈ થતી હશે, એ વિચાર અત્યારે હરિચંદના હૈયામાં ફૂલેલ ડોકવાળા કબૂતર-શો ઘૂઘવી રહ્યો હતો. મેડે બેઠેલ બાપે હરિચંદને પાસે બોલાવ્યો; કહ્યું: “ભાઈ, મારે એક વાત કહેવી છે.” “તમારે ચંપાના નવા સંબંધ વિષે કાંઈ જ કહેવાનું નથી. બીજું જે કહેવું હોય તે કહો.” “પણ, ભાઈ, આમાં બેનનો ભવ—” વધુ ન સહેવાયાથી હરિચંદ ઊઠી ગયો. લગ્ન લખવા માટે એણે મહાજન તેડાવ્યું. બીજાંને ત્યાં ફક્ત ચા મળે છે પણ હરિચંદ તો કેસરિયાં દૂધનો કઢો પિવરાવવાનો છે, એ સાંભળીને મહાજનમાં ન ખપે એવા પણ ઘણા માણસો હાજર થયા. નીચે સ્ત્રીઓ પણ ગાવા એકઠી મળી. મહાજનમાં પ્રશંસા ચાલી: “હરિચંદે પણ નાની ઉંમરમાં નામના સારી કાઢી.” “બેનને ભારી ઠેકાણે પાડી! ભાઈ હોય તો આવા હોજો!” “નીકર, ભાઈ, આ ઘરનું કામ સો વરસેય સરેડે ચડે એવું થોડું હતું!” “બાપ બચારા સાગરઘેલડો: સળી તોડીને બે તણખલાંય ન કરી શકે. ક્યાં છે બાલીસ્ટર, હેં હરિચંદ?” “મેડે બેઠા છે.” “બોલાવો તો ખરા! દીકરીના બાપે હાજર તો રે’વું જોવે ને?” “એ વેદાન્તમાં ઊતરી ગયેલને આ સંસારી માયા ગમતી નથી.” એમ વાતો થાય છે, અને જ્યાં નીચેના ઘરમાં પહેલું — માંડવડે કાંઈ ઢાળોને બાજોઠી, કે કંકુ ઘોળો રે કંકાવટી... એ ગીત ગવાઈ ગયા પછી — કે રાયવર, વેલેરો આવ! સુંદર વર, વેલેરો આવ! તારાં ઘડિયાં લગન, રાયવર, વહી જશે... — એ રસભર્યું, કન્યાના હૃદયમાં નવવસંતના વાયુ-હિલ્લોળ જગવતું, પોઢેલા પ્રેમપંખીને હૈયાના માળામાંથી જાગ્રત કરતું, સ્થળ-કાળના સીમાડા ભૂંસાડીને હજારો યોજન પર ઊભેલાં વિજોગીઓની વચ્ચે મિલન કરાવતું, તલસાવતું, પલ-પલની વાટડીને પણ યુગ સમી વસમી કરી મૂકતું બીજું ગીત ઊપડ્યું, અને અહીં બ્રાહ્મણના મંત્રોચ્ચાર મંડાયા, નગરશેઠે લેખણ લઈ લગ્ન-કંકોતરી લખવા માંડી ત્યારે સહુના કાન ફાડી નાખે તેવો આર્તનાદ પડખેના મેડામાંથી સંભળાયો. એ રુદનમાં હજાર વીંછીના ડંખો હતા; એકસામટા સાત જુવાનજોધ પુત્રો ફાટી પડ્યાની વેદના હતી. એવું રુદન માનવીના ગળામાંથી જીવનમાં એકાદ વાર માંડ નીકળે છે. જાણે કોઈ સળગતા ઘરની અંદરથી પંદર માણસોનો આખો પરિવાર ઊગરવા માટે ચીસો પાડી રહ્યો છે. “આ શું થયું? કોણ રુવે છે?” પૂછતાં સહુ સ્તબ્ધ બન્યા. વિલાપ વધારે વેધક બન્યો. રસ્તે રાહદારીઓ ઊભાં રહી ગયાં. જાણે કોઈની હત્યા થતી હતી. “કોણ રુવે છે?” હરિચંદ જોવા જાય ત્યાં તો ચોધાર આંસુડે છાતીફાટ રોતો, જાણે ગાંડો થઈ ગયો હોય તેવો એનો પિતા આવ્યો. ચિતાના ઢેળાખામાંથી બળતુંબળતું શબ ઊઠ્યું હોય એવી એની દશા હતી. “આ શું! બાલીસ્ટર કેમ રુએ છે! શું છે, બાલીસ્ટર!” નાના બાળકની માફક તરફડિયાં મારીને રોતો, કપાળ કૂટતો ચંપાનો પિતા બોલી ઊઠ્યો: “મારી ચંપાને ગરદન મારો, ચાય કૂવે હડસેલો; પણ તમે એને એની સાત પેઢીને શીદ આમ સળગતી આગમાં હોમી રહ્યા છો?” “પણ શું છે એવડું બધું, અરે બાલીસ્ટર!” “તમે દાક્તરી તપાસ કરાવો, દાક્તરી તપાસ કરાવો.” “કોની?” “મોરલીધરની. તમે ડાહ્યાઓ કાં ભૂલો? એટલું તો વિચારો, કે એની પહેલી વહુને આખે શરીરે વિષ્ફોટકવાળું બાળક અવતરેલું; અને બીજીને ત્રણ કસુવાવડો થઈ હતી. એના રોગની કલ્પના તો કરો. મારી ચંપાને — મારી ફૂલની કળી જેવી ચંપાને રૂંવે રૂંવે ફૂટી નીકળશે, એની સંતતિને ય લાગી જશે. એનો છૂપો રોગ—” સહુ સમજી ગયા હોય તેમ એકબીજાનાં મોં સામે જોવા લાગ્યા. “ચાં-દી.” કોઈકનો ધીરો સ્વર ઊઠ્યો. “મારી ચંપાને તમે પાલવે ત્યાં પરણાવો, હું આડો નહિ પડું. મારો હરિચંદ ભલે બહેનને વેચીને પોતાનો સંસાર બાંધે. પણ આ નરકમાં! તમે કોઈ દાક્તરી તપાસ કરાવો.” પિતા પાગલની પેઠે રોતો હતો. “નીકર મારા ને મારી ચંપાના તમને એવા કકળતા નિસાસા લાગશે કે તમારી બહેનો-દીકરીઓનાં ધનોતપનોત નીકળી જશે. હું જિંદગીમાં કદી રોયો નથી. મારું આ પહેલું અને છેલ્લું રોણું સમજજો તમે, મહાજનના શેઠિયા! હજારો દીકરીઓના સાચા માવતર! ઘરેણાં-લૂગડાંના ધારા બાંધો, લાડવા-ગાંઠિયાના ધોરણ ઠરાવો; પણ તમને કોઈને કેમ સૂઝતું નથી કે વર-કન્યાનાં શરીરની શી દશા છે!” મહાજન થંભી ગયું હતું. તેમાં બે ભાગલા પડ્યા. બે સૂર ઊઠ્યા: “શરીર-પરીક્ષાનું આ એક નવું તૂત, ભાઈ!” “એમાં ખોટું શું છે?” “કાલ તો કહેશો કે, વરનું નાક ચપટું છે તે મોટું કરાવો.” “એમ વાતને ડોળો મા. ચાંદી-પરમિયાનો રોગી ચાય તેટલો પૈસાવાળો હોય તો પણ કુંવારો રહે.” “એ...મ?” મોરલીધરના પક્ષકારોની આંખો સળગી: “કોને રોગ છે! કોણ કુંવારો રહેશે? કોણ કન્યાને સવેલી લઈ જવા માગે છે? આવી જાય બેટો પડમાં.” “આ કકળાટમાં અમે લગન નહિ લખી શકીએ, ભાઈ!” એમ કહીએ મહાજન ઊઠી ગયું. ઢોલી, બૈરાં અને પુરોહિત પાછાં ચાલ્યાં ગયાં. હરિચંદ અને મા ચંપાને સમજાવવા લાગ્યાં: “તું તારે એમ જ કહેજે કે, બસ, મારે મોરલીધર વેરે જ પરણવું છે: ભલે એ રોગિયલ હોય. હું સતી છું. બીજા મારે ભાઈ–બાપ છે.” ચંપાની કાળી કાળી મોટી આંખોમાંથી જવાબરૂપે આંસુ ઝર્યાં. દાક્તરી પરીક્ષા: દાક્તરી પરીક્ષા: વરકન્યાની દાક્તરી પરીક્ષા: ઘરેણાં-લૂગડાં અને કેળવણી કે કુલીનતા કરતાંય વધુ જરૂરી: એ મંત્ર ગામમાં રટાવા લાગ્યો. અનેક માબાપોએ પોતપોતાનાં પરણાવી રાખેલાં સંતાનોની ઊંડી વેદનાઓના તાગ લીધા, તો તળિયેથી આ ભયંકર વાતો નીકળી પડી. પણ મોરલીધર આ વાત ઝાઝી ચર્ચાય એવું ઇચ્છતો નહોતો. “મારે સર્ટિફિકેટ શા માટે લાવી આપવું? શું ગામમાં એ એક જ કન્યા છે? અરે, એની આંખ આંજીને એની છાતી સામે જ બીજી કોઈ પણ કન્યા લઈ આવું — ને એ ધૂળ ફાકતાં રહે. લાખ વાતેય મારે લગ્નનું મૂરત ખડવા દેવું નથી.” અને થોડા જ કલાકોમાં ચંપાના અંગ ઉપરથી ઘરેણાંનો ઢગલો ઊતરી ગયો, ને ગામના એક કરજદાર સટોડિયાની વીસ વરસની દીકરીના શરીરને એ જ આભૂષણો શોભાવવા લાગ્યાં. નક્કી કરેલાં મુહૂર્તે મોરલીધર ચંપાના ઘરની સામેને જ ઘેર નાખેલા માંડવામાંથી મૂછે તાલ દેતો ધરાર બીજી ‘નસીબદાર’ કન્યાને ગાલે પેલાં એરિંગો ઝુલાવવા ઉપાડી ગયો, અને ‘ભાગ્યહીન’ ચંપા જોતી રહી ગઈ. હરિચંદની સોહાગ-રાત્રિ તો આવી આવીને પાછી કેટલે દૂર ચાલી ગઈ!