પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૮

Revision as of 10:23, 23 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮|}} {{Poem2Open}} [તા.૧૫-૧૬-૧૭ જાન્યુઆરી, ૧૯૪૯] સત્કાર મંડળના પ્રમુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૮

[તા.૧૫-૧૬-૧૭ જાન્યુઆરી, ૧૯૪૯] સત્કાર મંડળના પ્રમુખ, સંમેલનના સભ્યો અને મિત્રો, બીજી વાર તમે મને આ પ્રમુખસ્થાન આપ્યું છે; અને આવી અણીને વખતે ગુજરાતની અભિલાષા ને આદર્શ વ્યક્ત કરવા માટે તમે મને યોગ્ય ગણ્યો છે. આ સન્માન અને વિશ્વાસ માટે હું તમારો આભાર માની લઉં – માત્ર શિષ્ટચાર રૂપે નહિ, પણ ખરા અંતરથી. આ બધા માટે હું યોગ્ય બનું એટલી જ પ્રભુ પાસે મારી પ્રાર્થના છે. ગયા સંમેલન અને આની વચ્ચે તો જગતના ઇતિહાસમાં વિરલ એવો ભારતનો વિકાસ થયો. ગુલામીની સદીઓ-જૂની આપણી શૃંખલા તૂટી. ત્રેવીસસો વર્ષે ભારત એક રાજ્યવ્યવસ્થા પામ્યો. કદી ન મળેલી એવી એકતા અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પણ એણે પ્રાપ્ત કરી. ગુજરાતના ત્રણસેં સાઠેક રાજ્યકારભારો હતા તેના આજે ચાર થયા છે. સિદ્ધરાજ જયસિંહની સિદ્ધિ ને આપણાં સ્વપ્નાં બંનેય આજે સજીવ થયાં છે. નવસેંને ચોવીસ વર્ષે ભગવાન સોમનાથના મંદિરની જૂની જાહોજલાલી ફરી સ્થાપાશે એવી ઝાંખી પણ આપણને થઈ છે. સોમનાથનું રહસ્ય આપણે ભૂલી શકીએ નહિ. સોમનાથ એ તો દંતકથાએ માનેલા સર્જન પૂર્વેના દેવાધિદેવ. વખત છે ને પ્રાગૈતિહાસિક કાળમાં એને આપણા પૂર્વજોએ પૂજ્યા હશે. ચંદ્ર, રાવણ ને શ્રીકૃષ્ણે એનાં મંદિર કરાવ્યાં એ પણ કથા છે. પ્રભાસતીર્થે શ્રીકૃષ્ણનો વિહાર તો જાણીતો છે. ગુપ્ત સમ્રાટ, વલભી નરેશો ને પ્રતિહારવંશી ગુર્જરેશ્વરોએ એની પૂજા કરી હશે. મૂલરાજ સોલંકીના પિતા તો પ્રભાસના જ. પાટણના ગુર્જરેશ્વરોના એ ઇષ્ટદેવતા. લાખો વીરોએ ‘જય સોમનાથ’ રટી રટી ધર્મ ને દેશને માટે પ્રાણ આપ્યા છે. સમસ્ત ભારત અહીંયાં પૂજવા આવતું. મહમદ ગઝનવીએ ભગવાનનું મંદિર તોડ્યું. પરમાર ભોજ અને સોલંકી ભીમે તેને ફરીથી બંધાવ્યું. મીનળદેવીએ આ દેવની બાધા લીધી; સિદ્ધરાજે પગપાળા એની જાત્રા કરી. કુમારપાલે મંદિર સમરાવ્યું – આજે જેના અવશેષ છે તે જ. પછી બધા પાટણનરેશોએ એ દેવને પૂજ્યા. અલાઉદ્દીને એ મંદિર તોડ્યું; બાણના ટુકડા કરી એને લઈ ગયો. સાથે દેશની સમૃદ્ધિ લૂંટી અને ભારતની સંસ્કૃતિને ગૂંગળાવી. ફરી મંદિર સ્થાપાયું, દેવની પ્રતિષ્ઠા થઈ. એક જ આ મંદિર હતું, જ્યાં દરેક વર્ણ ને ધર્મના યાત્રાળુઓ પૂજા કરતા. ફરી મંદિર તૂટ્યું. અહલ્યાબાઈએ ફરી સ્થાપના કરી. પણ પુરાણું મંદિર તૂટ્યું તે તૂટ્યું. ૧૯૨૨ના ડિસેમ્બરમાં હું પ્રભાસમાં સોમનાથના દર્શને આવ્યો ત્યારે મારા હૈયામાં તો ઐતિહાસિક સ્મરણોના નાદ ગુંજતા હતા. અંધારામાં હું ‘સાગર ઊછળે નીર મોતીની પાળે’ ત્યાં ફર્યો. ભળભાંખળું થયું ત્યારે હું મંદિરમાં ગયો. ત્યાં એક ફોજદારે ઘોડું બાંધ્યું હતું. મારા હૈયામાં પ્રકોપનો સંચાર થયો. મેં પણ પદ્મનાભની માફક આકંદ કર્યુંઃ “ભગવન, ક્યાં ગયું ત્રિશૂલ ને શેં મિચાયું ત્રીજું નેત્ર?” પણ પ્રભુએ કૃપા કરી. મારી આંખે મેં સોમનાથનો છુટકારો થતો જોયો. જ્યાં વિધ્વંસકોએ વિનાશ સાધ્યો હતો ત્યાં સરદાર વલ્લભભાઈ – સ્વતંત્ર ભારતના ઉપ-પ્રધાનમંત્રી ને ગુજરાતની એકતાના વિશ્વકર્મા – ઊભા, દેવની સંસ્થાપનાનો સંકલ્પ કરતા. હવે તો જેમ ચૌલાએ મંદિરનો પુનરુદ્ધાર અને ભગવાનની પ્રતિષ્ઠા નજરે જોઈ હતી એમ જોવા હું જીવું એમ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. સોમનાથ એ માત્ર શિવનું બાણ નથી; ભારતની અમર સંસ્કૃતિના સામર્થ્યનું પ્રતીક છે. જ્યારે સોમનાથ મંદિર પરથી કરોડોની શક્તિ ને શ્રદ્ધાને સુસવાટે ધ્વજ ફરકશે ત્યારે ભારતીય સંસ્કૃતિ ફરીથી દિગ્વિજય પૂરો કરશે. આ બધી સિદ્ધિના વિશ્વકર્મા, રાષ્ટ્રપિતા ને પયગંબર જગતના પરમ શહીદોના અમર કીર્તિમંદિરમાં જઈને વસ્યા છે. એમનું અકાલ મૃત્યુ એમના ભવ્ય જીવનની જાજ્વલ્યમાન પરાકાષ્ઠારૂપ હતું. શ્રીકૃષ્ણ ઉત્તરાવસ્થામાં અજાણ્યે પારધીના હાથે મૂઆ. સૉક્રેટિસે ટૂંકબુદ્ધિ રાજ્યસત્તાની આજ્ઞાથી ઝેરનો પ્યાલો પીધો. ખ્રિસ્તે વીફરેલા બંધુઓના દ્વેષના ભોગ બની ક્રોસ પર દેહ છોડ્યો. ગાંધીજી પ્રાર્થનામાં જતાં, ‘હે રામ’ મુખે રટતાં અણસમજુ સ્વજનને હાથે ઠાર થયા. ઇતિહાસમાં ને નવલકથામાં આવી પરાકાષ્ઠા આપણે વાંચી નથી. આ મહાપુરુષ હિન્દી ને ગુજરાતી હતા; આ સંમેલનનું પ્રમુખપદ પણ એમના વડે શોભ્યું હતું. એ ગયા. આપણાં દુઃખનો પાર નહીં રહ્યો; આપણા ગર્વનો પણ આજે પાર નથી. છેલ્લા વર્ષનું સરવૈયું કાઢતાં ગુજરાતનું સ્વરૂપ બદલાઈ ગયું છે. કાઠિયાવાડ, જેમાં રાજકારભારો ઊભરાતા તેણે આજે સૌરાષ્ટ્ર રૂપે પુનર્જન્મ લીધો છે. કચ્છ મધ્યસ્થ સરકારને તાબે ગયું છે. મુંબઈ ઇલાકામાં ચાર જિલ્લાઓ હતા તેના છ થયા. વડોદરા રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થપાયું છે. સાથે ગુજરાતની એકતાની ભાવના આજે મહાગુજરાતમાં સિદ્ધિ પામતા ધ્યેયમાં મૂર્તિમાન થઈ છે. ૧૯૦૫માં ગુજરાતને ‘Grave of Vanished Empires’- ‘નષ્ટ સામ્રાજ્યોનું કબ્રસ્તાન’ મેં કહ્યો હતો ત્યારથી ‘ગુજરાતની અસ્મિતા’ મારે હૈયે રમી રહી છે. આજે સરદારશ્રીની કુનેહથી ગુજરાત ‘એક ને અતુલ’ થઈ રહ્યું છે ત્યારે એના ઘડતરમાં યત્કિંચિત્ ફાળો આપવાનું મને સદ્‌ભાગ્ય મળ્યું છે. ઈશ્વરનો પાડ માનું છું કે આમ મારાં સ્વપ્નાં સિદ્ધ થતાં જોવાનો મને અવસર મળ્યો છે. રાજકોટ સંમેલને ગુજરાત અને રાજસ્થાનના એકીકરણનો ઠરાવ કર્યો હતો. રાજસ્થાન ને ગુજરાતનાં રાજ્યોનો સંઘ ઊભો કરવા મેં સુડતાળીસમાં ઘણો પ્રયત્ન કર્યો ત્યારે કોઈ જાણતું નહોતું કે ઑગસ્ટની પંદરમીએ યુગ પલટાશે. યુગ પલટાયો. રાજ્યોના એકીકરણની યોજના સરદારે નવી ઘડી. રાજવીઓને દૂરંદેશી નહીં વરી અને મારી યોજના ભાંગી પડી. તેનું મને દુઃખ નથી. એક ઘડો ભાંગે કુંભાર કંઈ રડવા બેસે? રાજસ્થાનસંઘની એ યોજના સિદ્ધ ન થઈ, ઘણાએ ન થવા દીધી. આજે ઘણા પસ્તાય છે. જે સ્વેચ્છાએ તૈયાર નહોતા તે આજે પરિસ્થિતિને વશ થઈ તૈયાર બન્યા છે. રાજસ્થાની સંઘ જન્મવાની ઘડી આવી છે. તેમ મહાગુજરાત બનવામાં મને વિલંબ દેખાતો નથી; વિલંબ થવો નહીં જોઈએ. ૨ એક ભ્રમ દૂર કરી દઉં. મહાગુજરાત સંમેલનની સ્થાપના વખતે મેં પ્રમુખસ્થાનેથી કહ્યું હતું તે ફરી કહું છું. આપણે મહાગુજરાત પ્રાન્ત નથી જોઈતો; આપણે તો ગુજરાતી બોલતી પ્રજા મુંબઈ ઇલાકામાં ભેગી આવી જાય એટલું જ જોઈએ. આપણી પ્રવૃત્તિની પ્રેરણા ભાષાવાદ – Linguism –માંથી નથી મળી. આપણે બીજી ભાષા બોલનારાથી અલગ નથી થવું. મેં અનેક વાર કહ્યું છે તેમ ‘ગુજરાતની અસ્મિતા’નું પહેલું અંગ રાષ્ટ્રીયતા છે. ભાષાવાદમાં રાષ્ટ્રીયતાનો વિધ્વંસ છે. હું માતૃભાષાનો ભક્ત છું; પણ તેને આજે રાજકારણનું શસ્ત્ર બનાવવામાં પણ ભય રહ્યો છે. આજે ચારે દિશામાં ‘ભાષાવાદ’ સબળ થતો જાય છે. બંગાલમાં એણે ઉગ્ર સ્વરૂપ લીધું છે; બિહારીઓ પ્રત્યે દ્વેષ વધતો જાય છે. શીખો પંજાબી ભાષાવાદ કેળવી રહ્યા છે. આંધ્રમાં તો ઉગ્ર સ્વરૂપ હતું; મહારાષ્ટ્રમાં થતું જાય છે. કર્ણાટકમાં પણ છે. આપણે આમાંથી બચવું જોઈએ. ભાષાવાદનો વિકાસ નોંધવા જેવો છે. ૧૨૯૬માં અલાઉદ્દીન ખીલજીને હિંદુ રાજ્યો તોડ્યાં તે ભાષાવાદી નહોતાં. આખા દેશમાં સંસ્કૃત એક પ્રધાન ભાષા હતી. ખીલજીને માલવા, દેવગિરિ (મહારાષ્ટ્ર) ને વારંગલ (આંધ્ર)નાં રાજ્યો તોડ્યાં કે વશ કર્યાં ત્યાર પછી તો ફારસી બોલતા રાજાઓનાં રાજ્ય હતાં. તેમાં પ્રજા જુદી જુદી ભાષા બોલતી. બ્રિટિશ રાજ્યમાં વિશ્વવિદ્યાલયો સ્થપાયાં ત્યારે ગ્રૅજ્યુએટોએ સંસ્કૃત અને અંગ્રેજીની સંયુકત પ્રેરણાથી માતૃભાષાનો ઉદ્ધાર કરવા માંડ્યો. પરિણામે માતૃભાષાપ્રેમ વધ્યો. માતૃભાષાના પ્રેમમાંથી તે ભાષા બોલતી પ્રજાનો પુરાણો ઇતિહાસ સજીવન કરવાની ઉત્કંઠા પ્રગટી. મુસ્લિમ કાલમાં પરાજયના ઢગ હતા; તે કાલની પહેલાંનાં પરાક્રમો સજીવ કરવા સાહિત્યકારો ગૂંથાયા. આમ ભાષાપ્રેમ અને ઐતિહાસિક પૂર્વભૂમિકાએ યુવકોનું માનસ ઘડ્યું. પરિણામે પ્રાન્તીય ભાષાના માધ્યમવાળી વિદ્યાપીઠો સ્થાપવાની ઉત્કંઠા પેઠી; આ ઉત્કંઠા સાથે ભાષાવાદનો પણ સંચાર થયો. સંસ્કૃત અને પછી અંગ્રેજી એ આપણી ઉચ્ચ શિક્ષાનાં માધ્યમો હતાં, તેથી આપણી રાષ્ટ્રીય એકતા રચાઈ. જ્યારે પ્રાન્તીય ભાષા ઉચ્ચ શિક્ષાનું વાહન બને ત્યારે રાષ્ટ્રમાનસના એકીકરણનો વિચ્છેદ શરૂ થાય. હું તો ગુજરાતની વિદ્યાપીઠનો એક જૂનો પૂજારી છું. ૧૯૨૫માં મેં એ માટે આંદોલન શરૂ કરેલું. છતાં આપણી વિદ્યાપીઠમાં પ્રાન્તીય ભાષા માધ્યમ થાય તેનો વિરોધ કરી રહ્યો છું. પણ મારે તો મારો સ્વધર્મ કરવો જ રહ્યો. જો પ્રાન્તીય વિદ્યાપીઠમાં પ્રાન્તીય ભાષા માધ્યમ બનાવશો તો ભાષાવાદને સબળ કરશો, રાષ્ટ્રીયતાનાં બંધન શિથિલ થશે, તમારી ઊછરતી પ્રજાને દેશની પ્રવૃત્તિમાંથી પાછા હડસેલશો અને વિદ્યા ને સંશોધનનાં ક્ષેત્રો સુંકુચિત કરશો. હિંદી માધ્યમ વિના આપણો આરો નથી. કેટલેક ઠેકાણે ભાષાવાદનો પૂરો આવિર્ભાવ થયો છે. સ્વભાષા બોલનારાં આપણાં, પરભાષા બોલનારાં પરાયાં. સ્વભાષા બોલનારાંની દૃષ્ટિએ જ સરકારી નોકરો રખાય, યોજનાઓ થાય, રાજતંત્ર કબજે થાય. પરભાષાઓ બોલનારાં દુશ્મન ગણાય, ‘દ્રોહી’ ને ‘શોષકો’ કહેવાય. સ્વભાષા બોલનારાંની રાજકીય મદદથી પરભાષાઓ પર આર્થિક આક્રમણ થાય. અરે, અમને તો મુંબઈમાં કહેવામાં આવ્યું કે મરાઠી બોલનારાંઓને પ્રાન્ત એટલા માટે જોઈએ છે કે, પરભાષા બોલનારાંઓનું આર્થિક સામર્થ્ય પકડી લેવાય – “Capture economic power” – વાપરેલ શબ્દો વાપરું તો! આમ ભાષાવાદમાં સંકુચિત રાષ્ટ્રીયતાનાં બધાં લક્ષણો આવે છે. સંયુક્ત મહારાષ્ટ્રની માગણીનું દૃષ્ટાંત લઉં. ખાનદેશમાં ગુજરાતી ને ભીલી બોલતી પ્રજા તો મરાઠી જ, થાણા જિલ્લામાં ગુજરાતી ને કોંકણી બોલતી પ્રજા તો મરાઠી જ, મુંબઈમાં માત્ર ૩૭ ટકા લોકો મરાઠી બોલે પણ એ તો મહારાષ્ટ્ર જ. પણ સાથે ગુજરાતમાં ગણાતાં ધરમપુર, વાંસદા ને ડાંગ પણ એમાં જ આવે. આટલેથી કેમ અટકાય? વરાડને મહારાષ્ટ્રમાં નથી આવવું છતાં તે તો બળજોરીથી લાવવું જ રહ્યું. એક ભાષાવાદીએ તો સુરત માગ્યું. એક લેખકે ભરૂચ જિલ્લો મહારાષ્ટ્રના સીમાડામાં મૂક્યો. બીજાએ તો એને મધ્યવર્તી મહારાષ્ટ્ર ગણ્યું. બાકીનું – જ્યાં મરાઠા સૈન્ય ચોથ ઉઘરાવવા જતું તે બધું – બૃહત્ મહારાષ્ટ્રમાં મૂકી દીધું. “મારું તે મારું ને તમારું તે અમારું” એ તો જૂનું સૂત્ર; તેનું આજનું સ્વરૂપ ભાષાવાદ. હું તો એટલું જ કહું કે ભીલવાડા ને ભરૂચ બધાં જ સાથે રાખો, તો વડોદરા ને સૌરાષ્ટ્ર અને ગોધરા, ખેડા ને અમદાવાદ તમારાં છે તે સાથે રહેવા દો ને! અહીંયાં પણ મરાઠાઓ ચોથ ઉઘરાવવા આવેલા. મુંબઈ ઇલાકો છે તેમ જ રહેવા દો, તો પછી “છીએ તે જ ઠીક.” આમ ભાષાવાદ સંકુચિત રાષ્ટ્રવાદનું સ્વરૂપ પકડે છે અને રાષ્ટ્રવાદ સામે ભયંકર પ્રતિસ્પર્ધી ઊભો કરે છે. આજે બ્રિટિશો ગયા. અંગ્રેજીનું પ્રાધાન્ય ઓછું થાય છે. ભાષાવાદ ઉગ્ર સ્વરૂપ પકડે છે. તે વખતે એ સ્વરૂપને બહેલાવે રાષ્ટ્રીયતા કેમ ટકાવવી? ૩ ભાષાવાદ જ્યારે મહત્ત્વાકાંક્ષી બન્યો છે ત્યારે માત્ર આત્મરક્ષણ ખાતર ગુજરાતી ભાષાના સીમાડા ક્યા એ પ્રશ્ન વિચારવો જોઈએ. ગુજરાત સંશોધન મંડળ તરફથી પ્રો. દવેએ નકશો તૈયાર કર્યો હતો તેના પરથી મેં એક નકશો તૈયાર કર્યો. તે આ સાથે રજૂ કરું છું. આજે જે ગુજરાત દેખાય છે તેની મર્યાદા છાયાળી રેખાથી બતાવી છે; ખરી મર્યાદા ઘાડી કાળી રેખામાં આપી છે. પહેલો પ્રદેશ સીરોહી. એમ પણ કહેનાર મળ્યા છે કે આબુ પ્રદેશ – ગુજરાતનો ઉત્તરસ્થંભ, ગુજરાતીઓનું પુરાણું ધામ, ગુજરાતના વિમળ મંત્રીએ જ્યાં અનુપમ સૌંદર્યમંદિરો બનાવ્યાં તે – ગુજરાતમાં નથી! પણ હવે તો એ ગુજરાતનો ભાગ છે એમ સ્વીકારાયું છે એમ સાંભળ્યું. પછી ડુંગરપુર, વાંસવાડા, ઝાબુઆ અને અલીપુર પ્રદેશોના થોડા ભાગ રાજસ્થાની. એમના ગુજરાતી બોલતા રાજાઓની ઇચ્છા રાજસ્થાનમાં રહેવાની થઈ. મધ્યસ્થ સરકારે તે સ્વીકારી. પછી ખાનદેશનો ગુજરાતી ભીલીનો પ્રદેશ. ખાનદેશ હતું ગુજરાતી સલ્તનતનું. પ્રેમાનંદના રણકાર ત્યાં ગાજતા. ગ્રીયરસને એને ગુજરાતી પ્રધાન પ્રદેશ કહ્યો છે અને મરાઠી-પ્રધાન પ્રદેશની બહાર મૂક્યો છે. ગુજરાતી કુલની કે ગુજરાતી-પ્રધાન એવી ભાષા જ્યાં ન બોલાતી તેવો એક પ્રદેશ આપણે નથી જોઈતો. પરંતુ એ નિર્ણય શાસ્ત્રીય ને વૈજ્ઞાનિક દૃષ્ટિએ થવો જોઈએ. હવે દમણગંગાની દક્ષિણના પ્રદેશ તરફ વળીએ. એને માટે તો એમ કહેવાયું છે કે બધી દૃષ્ટિએ એ મહારાષ્ટ્રભૂમિ છે – ઇતિહાસની, ભાષાની, પ્રજાની ને ભૂગોળની. પણ એ દૃષ્ટિ વાસ્તવિક નથી. પ્રાગૈતિહાસિક કાલથી દક્ષિણથી ઉત્તર જવાનો એક જ ધોરી માર્ગ – નાસિકથી વલસાડ જે રસ્તે બસ જાય છે તે. એની નીચે ઉત્તર કોંકણનો ત્રિકોણ-જંગલોને અનૂપોથી ભરેલો. ઉત્તર કોંકણ એટલે સમુદ્ર અને ઘાટ વચ્ચેનો ઊંધો ગોઠવાયેલો ત્રિકોણ. એનો એક કોણ તે વસાઈ; એનો પાયો (Base) તે દમણગંગા. વસાઈના ખૂણા પાસે માહિમની ખાડી, તેની પેલી તરફ સાલસેટ અને મુંબઈના ટાપુઓ – ચારે તરફ પાણીથી વીંટાયેલા. તેની દક્ષિણે તોફાની દરિયો; પશ્ચિમે લાટનો સમુદ્ર (આજનો અરબી સમુદ્ર). ભારતનું આજનું ભૌગોલિક ઘડતર થયું તે પહેલાંના ગુજરાતના આદિવાસીઓ દૂબળા, વારલીને કાથકરી. જેમ જેમ ઉત્તરથી પ્રજાઓ આવતી ગઈ તેમ તેમ આદિવાસીઓ કોંકણના ત્રિકોણમાં આવી વસ્યા. દુબળાઓની એ ભૂમિ આજે ઉત્તમમાં નર્મદાથી શરૂ થાય છે અને થાણાનાં જંગલોમાં પૂરી થાય છે. એ આ સાથેના નકશામાં બતાવવામાં આવી છે. એ જાતિની ભાષા આજે ગુજરાતીપ્રધાન છે. પ્રાગૈતિહાસિક કાલનો કાલક્રમ લઈએ તો તે પછીની ગુજરાતી પ્રજા કોળીની. કોળીનો વસવાટ ગુજરાતમાં ને ખાનદેશમાં. જેમ જેમ આર્યભાષા બોલતી પ્રજા ઉત્તરમાંથી આવી વસતી ગઈ તેમ તેમ કોળીઓ દક્ષિણ તરફ જતા ગયા. કોળીનો એક વિભાગ તે દરિયાઈ સફર કરનાર ખારવા- (મ.ખારવી)નો તે કાલમાં હોડીઓમાં કાઠિયાવાડ, કચ્છ ને ગુજરાતનાં મથકોમાંથી દરિયાવાટે એમણે કોંકણમાં થાણાં સ્થાપ્યાં. નવસારી, દમણ, સંજાણ, માહિમ, શૂર્પારક, વસાઈ, માહિમ (મુંબઈનું), મુંબઈ ને ચઉલ એ બધાં કોળીઓનાં મૂળ બંદરો. થોડા અલીબાગ ગયા; ત્યાંથી દક્ષિણે રત્નાગિરિમાં તો નામના જ ગયા. કોળીઓ ગુજરાતથી આવ્યા ને કાઠિયાવાડમાં આજે પણ મનાતી ‘મો માઈ’ માતાને મુંબઈમાં સ્થાપી. મુંબઈના નાનકડા સાત ટાપુઓમાં આમ કોળીઓ આવ્યા. ત્યાર પછી ભૃગુકચ્છ, અપરાંત અને કંકણ નામની આર્ય જાતિઓ આવી; સાથે શૌરસેની પ્રાકૃતની કોઈ પૂર્વજ ભાષા લેતી આવી. તેમણે ગુજરાતમાં આર્યોની વસતિઓ સ્થાપી. ભૃગુકચ્છ અને શૂર્પારક એ બંને આંતરરાષ્ટ્રીય બંદરો બનાવ્યાં. ભૃગુકચ્છોએ એમનું નામ ભરૂચથી વલસાડ સુધીના પ્રદેશોને આપ્યું. કંકણોએ કોંકણને નામ આપ્યું; આજે પણ કેટલાક કોંકણા કહેવાય છે. કોઈક ભાગને અપરાંતોએ અપરાંત નામ આપ્યું; પણ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં સિંધુથી શરૂ થતો પશ્ચિમ કિનારો અપરાંત કહેવાતો. આમ કોંકણી ભાષા શૌરસેની પ્રાકૃતની કોઈ એક પુરાણી પૂર્વજાની વંશજ છે. એ મહારાષ્ટ્રીય પ્રાકૃતમાંથી નથી નીકળી એ સ્વતંત્ર ભાષાશાસ્ત્રીઓએ કહ્યું છે. પરશુરામે સહસ્રાર્જુનની માહિષ્મતીનો વિનાશ કર્યો. ત્યાં ભરૂચ-ભુગુકચ્છ – સ્થપાયું. કોંકણ પરશુરામે સમુદ્ર પાસે માગી લીધું ને તે શૂર્પારકમાં આવી રહ્યા. નર્મદાના મુખ આગળ પરશુરામતીર્થ છે; વસાઈ પાસે વજેશ્વરીમાં પરશુરામક્ષેત્ર છે. ભરૂચના ભાર્ગવો ને રત્નાગિરિના ચિતપાવનો પોતાને એના વંશજ માને છે; આખો પશ્ચિમ કાંઠો એનાં ધામોથી ભરપૂર છે. આ દંતકથામાં પણ આ પુરાતન આર્ય પ્રજાના આક્રમણનો ઇતિહાસ છે એમ મને લાગે છે. પછી ભીલો ગુજરાતમાં આવ્યા. એ આર્ય, દ્રવિડ કે સિથિયન એ હજી ચોક્કસ નથી; ત્રણે મત છે. એમનો વસવાટ ગુજરાત-કાઠિયાવાડમાં; એ વસવાટની મર્યાદા લાલ ઘાડી રેખામાં નકશા પર દોરી છે. આભીરની સાથે એમનો સંબંધ હોવો જોઈએ. આજે પણ ભીલીના એક સ્વરૂપને ‘આહીરાણી’ કહેવામાં આવે છે. ઈ.સ. પૂર્વેથી આહીરો ગુજરાતમાં વસ્યા. ૬૫૧ પહેલાં આબુની પાસે આવેલું ભિન્નમાલ એમનું સ્થાન હતું. કર્ણે આશા ભીલને હરાવી કર્ણાવતી (અમદાવાદ) સ્થાપ્યું. ધીમે ધીમે જેમ ઉત્તરથી સંસ્કારી ને સબળ પ્રજા આવતી ગઈ તેમ ભીલો અરવલ્લી ને સાતપૂડાની ખીણોમાં જઈ વસ્યા અને નર્મદાને તાપીને કિનારે કિનારે ખાનદેશમાં વસવાટ કર્યો. આજની ગુજરાતી તે ભીલી, આહીરી અને શૌરસેની પ્રાકૃતના સંઘર્ષમાંથી પેદા થઈ. ૪ પછીના ઇતિહાસની રૂપરેખા તો મળે છે. ઈ. સ. પૂર્વેથી ખંભાતથી શૂર્પારક સુધીનો સાગરકાંઠો લાટના નામથી ઓળખાયો. દશમી ને અગિયારમી સદી સુધીમાં ઉત્તર કોંકણ (થાણા જિલ્લો ને મુંબઈ) લાટમાં ગણાતું ને તેની ભાષા લાટી હતી એમ આરબ મુસાફરો કહે છે. ત્યાં શિલાહારો રાજ કરતા. દક્ષિણ કોંકણથી (અલીબાગથી ગોઆ સુધી) એ જ વંશની બીજી શાખા રાજ કરતી; તેના એક રાજાની પુત્રી મીનલદેવી. જયસિંહ સિદ્ધરાજે વઢવાણથી થાણા સુધી કિલ્લાઓ બનાવેલા. કુમારપાળે (૧૧૪૩-૧૧૭૪) ઉત્તર કોંકણના શિલાહારને મારી તેને પોતાના રાજ્યનો પ્રાંત બનાવ્યો. અલાઉદ્દીને (૧૨૯૬-૧૩૧૬) ગુજરાત જીત્યું ત્યારે થાણા ગુજરાતમાં હતું, અને પછી ગુજરાતના સુલતાનના તાબામાં રહ્યું. ૧૩૫૪માં સુલતાને તેને વલંદાઓને આપ્યું. ૧૭૩૯માં પેશવાએ ઉત્તર કોંકણ લીધું અને ૧૭૭૪માં મુંબઈથી આવી અંગ્રેજોએ પડાવી લીધું. આ પાંત્રીશ વર્ષ થાણા મરાઠી રાજ્યમાં રહ્યું. ૧૮૮૪માં થાણા જિલ્લાને મુંબઈ ઇલાકાના ઉત્તર વિભાગમાં મૂકવામાં આવ્યો. થાણા જિલ્લામાં સાતમી સદી પહેલાં ગુજરાતમાંથી બ્રાહ્મણો આવ્યા. સાત, આઠ ને નવ એ ત્રણે સદીઓમાં આરબો આવ્યા. આઠમી ને નવમી સદીમાં ઈરાનીઓ આવ્યા – આજના પારસીઓના પૂર્વજો; દશ ને અગિયારમી સદીમાં ચાલુકય વિજેતાઓ સાથે ગુજરાતીઓ આવ્યા; પછીની સદીઓમાં આરબ ને તુર્કોના જુલમથી નાસીને કાઠિયાવાડ ને ગુજરાતથી શરણાર્થીઓ આવી વસ્યા. મુંબઈના સાત ટાપુઓમાં તો કોળીઓ વસતા. અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર ચઢાઈ કરી ત્યારે એક ‘ભીમદેવે’ પેઠણથી ચાંપાનેર ને અણહિલવાડ થઈ મુંબઈમાં આવી રાજ્ય સ્થાપ્યું. એ પેઠણ તે દક્ષિણ હૈદ્રાબાદના મરાઠાવાડાનું પાટનગર દેવગિરિ પાસે આવેલું પેઠણ કે ગુજરાતનું અણહિલવાડ પાટણ : એમ બે મત છે. પણ પેઠણ ને પાટણ એ બે તો ‘પત્તન’ના અપભ્રંશ. પણ ૧૩૦૬ પહેલાં મલિકકાફુર દેવગિરિ ગયો નહોતો. ભીમદેવે પેઠણથી મુંબઈ આવવા માટે અણહિલવાડ ને ચાંપાનેર શા માટે જવું પડે? એની સાથે એ સૂર્યવંશી ને શેષવંશીઓને લઈ ગયો; સાથે પાંચાલ, લાડ ને મોઢને લઈ ગયો. જૂના ઇતિહાસમાં સૂર્વવંશીઓની બે જાત મળે છે. રજપૂત હોય તો રાજસ્થાન ને ગુજરાતના પ્રતિહાર વંશના કે લાટના ખટીકો (ખાટકીઓ). એની સાથે પાંચાલો હતા. ગુજરાતમાં પણ પાંચાલો છે. સાથે પ્રભુઓ લઈ ગયો; એ પણ ગુજરાતથી ગયા એમ સ્વતંત્ર વિદ્વાનો માને છે. એમના ગોરો પલશી બ્રાહ્મણો પણ ગુજરાતમાં પ્રચલિત શુકલ યજુર્વેદીઓ હતા. ૧૩૦૦થી ૧૫૩૪માં થાણા ને મુંબઈમાં ગુજરાતી સલ્તનત રહી. તે સમયે થાણા ને મુંબઈમાં મુસ્લિમો આવીને વસ્યા. પછી વલંદાઓ આવ્યા; અને આજના ખ્રિસ્તીઓ તે કાં તો વલંદા, કે કાં તો વટલેલા કોળી ખારવા, કે કાં તો બંને જાતિઓ વચ્ચે થયેલા લગ્નવ્યવહારનાં સંતાનો. ૧૬૭૧માં ઓન્જીયરે અંગ્રેજી વ્યાપારને શિવાજીથી બચાવવા મુંબઈના દૂરના ટાપુમાં શહેર વસાવ્યું. સુરતનો વ્યાપાર ત્યાં ગયો. સાથે ત્યાંના વ્યાપારીઓ, ઈંટ પાડનારા ને મજૂરોને લઈ ગયો. ગુજરાતી ભંગી આવીને મુંબઈમાં વસ્યા. આજે પણ એ કામ કરનાર ઘણે ભાગે ગુજરાતી છે. અઢારમી સદીમાં ખંભાતથી વાણિયા ને કાઠિયાવાડથી કપોળો આવ્યા. ૧૮૦૩ના દુષ્કાળથી બચવા જૈનો, ખોજાઓ, મેમણો અને વોરાઓ ગુજરાત છોડી મુંબઈ વસ્યા; ભાટિયા ને લુહાણા પણ ત્યારે આવ્યા. ૧૮૮૫માં થાણામાં તો ગુજરાતી, દક્ષણી અને સંયુક્ત ને મધ્ય પ્રાન્તના બ્રાહ્મણો, નોકરો ને મજૂરો વસતા. એ સમયે વૈતરણા નદી સુધી ગુજરાતીઓ વસતા, અને ત્યાં સુધી ગુજરાતી બોલાતી. વસાઈમાં કોંકણી બોલતા ખ્રિસ્તીઓ અને મરાઠી બોલતી પ્રજા હતા. ગુજરાતી સંશોધન મંડળે ગુજરાતની દક્ષિણ સીમા વૈતરણા મૂકી છે તે અધ્ધર તો ન જ કહેવાય. ૧૮૫૦માં મુંબઈની વસતિમાં હિન્દુઓ અડધાથીય ઓછા; અને તેમાં દક્ષણી બોલતી પ્રજાનું પ્રમાણ ઓછું. હજી ત્રણથી ચાર હજાર ફૂટ ઊંચા ભોરઘાટમાંથી રસ્તો થયો નહોતો. મુંબઈનો મુખ્ય વ્યાપાર ગુજરાત ને કાઠિયાવાડ જોડે. ૧૮૬૫માં બી.બી. ઍન્ડ સી.આઈ. અને જી.આઈ.પી. રેલ્વે થઈ ત્યારે દક્ષિણનો માર્ગ ખુલ્લો થયો અને ત્યાંની વસતિ વધી. પછી તો થાણા જિલ્લામાં સરકાર-સ્વીકારેલી ભાષા મરાઠી થઈ, એટલે તેનો પ્રચાર થયો. આજે ઉમ્બરગામથી મુંબઈ સુધીનો પ્રદેશ વિવિધ ભાષા બોલનારો છે. આશરે અંદાજ કરતાં આજે મુંબઈમાં મરાઠી ભાષા ૩૭ ટકા બોલે છે, ૨૫ ટકા ગુજરાતી બોલે છે, ૩૮ ટકા બીજી ભાષા બોલનારાઓનો સમાવેશ થાય છે. આમ દમણગંગાથી ઍપોલો બંદર સુધીનો વિવિધ ભાષા બોલતો પ્રદેશ ગુજરાત-મહારાષ્ટ્રને બાંધતી સાંકળ છે. મુંબઈ શહેર તો નથી મહારાષ્ટ્રનું, નથી ગુજરાતનું પણ સમસ્ત ભારતનું છે. એના પર અવલંબતો આખો મુંબઈ પ્રાન્ત એક નોખો ને વિશિષ્ટ પ્રાન્ત છે. આ પ્રાન્તને આપણે તોડવો નથી. આપણું મુખ્ય ધ્યેય ગુજરાતી બોલતી પ્રજાને મુંબઈ પ્રાન્તમાં લાવવાનું છે. એ ધ્યેયને અંગે બે પ્રશ્નો છે : એક વડોદરાનો, બીજો સૌરાષ્ટ્રનો. બંને પ્રદેશની પ્રજા તો એકીકરણ માગે છે. પણ વડોદરા કરતાં સૌરાષ્ટ્રનું એકીકરણ વધારે જરૂરનું છે. વડોદરાના નાનામોટા વિસ્તારો મુંબઈના જિલ્લાઓની વચ્ચે છે. એ તો અળગા થઈ શકે એમ નથી. પણ સૌરાષ્ટ્ર ભૌગોલિક દૃષ્ટિએ અળગું છે. એની પ્રજામાં જુદાં જુદાં દેશી રાજ્યોના વારસા રૂપે વિચ્છેદાત્મક વૃત્તિ વધારે છે. એની નાનીમોટી અનેક ખટપટો ભિન્ન દિશાઓમાં વહે છે. જો મુંબઈ પ્રાન્તના જેવા વિશાળ રાજ્યતંત્રમાં એ ભળે તો જ સૌરાષ્ટ્રની પ્રજા સુખી થાય, એનું રાજકીય એકીકરણ અસરકારક નીવડે અને ગુજરાતી પ્રજાનું ભવિષ્ય સારા પાયા પર રચાય. અનેક વખત મેં કહ્યું છે ને હું ફરી કહું છું : ગુજરાતની અસ્મિતાનું પહેલું અંગ રાષ્ટ્રભક્તિ છે અને એ રાષ્ટ્રભક્તિ વિકસાવવા ગુજરાતીમાત્રે ભારતની શક્તિને સમૃદ્ધિ વધારવા જીવન અર્પણ કરવું જોઈએ. ૫ આપણી વિદ્યાપ્રીતિ વધતી જાય છે. છેલ્લાં દશ વર્ષમાં ગુજરાતમાં કૉલેજોની વૃદ્ધિ થતી ગઈ છે. ત્રણ ત્રણ વિશ્વવિદ્યાલયની યોજનાઓ ઘડાઈ રહી છે : વડોદરાની, અમદાવાદની ને આણંદની. હું તો ત્રણે સાથે સંકળાયેલો છું. ત્રણ વિદ્યાપીઠ થાય કે એક તે વિશે હું તટસ્થ છું. अमृतम् तु विद्या। એટલે જેટલું અમૃત પીવાય એટલું પીવું. ત્રણ પાત્રોમાં કે એક પાત્રમાં એનો નિર્ણય તો ભવિષ્યના ગુજરાતની રાજકીય વ્યવસ્થા પર નિર્ભર છે. સાહિત્ય પરિષદનું ૧૯૨૨થી સેવેલું સ્વપ્નું આમ સમૃદ્ધ થયું છે. વડોદરા સંમેલને જે ઘોષણા કરી હતી તે આજે સિદ્ધ થઈ રહી છે. વડોદરાની યોજના હવે પાર પડશે કે કેમ એ મોટો પ્રશ્ન છે; વડોદરાનું શું ભાવિ છે તે ઉપર તેનો નિર્ણય રહેશે. પણ ગુજરાતનું વિદ્યાપીઠ ભારતમાં અગ્રગણ્ય બને એ નેમ ચૂકશો નહીં. આ વિદ્યાપીઠના આંદોલનના એક આદ્ય પ્રવર્તક મહાન ગુજરાતીના અવસાનની સખેદ નોંધ લઉં છું. સર ચીમનલાલ સેતલવડ અડધી સદી સુધી રાજકીય જીવનના અગ્રેસર હતા. મુંબઈ શહેરની પ્રાથમિક શિક્ષાના સ્થાપક, મુંબઈ વિદ્યાપીઠના ગૌરવ ને સમૃદ્ધિના યોજના, ગુજરાતી સાહિત્યના એક જૂના ઉપાસક અને અદ્વિતીય ધારાશાસ્ત્રીને હું તમારા વતી અંજલિ આપું છું. મહાગુજરાતનો આપણો આદર્શ પ્રાન્તનો નથી. આ પરિષદ-સંમેલન જેની જનની છે એ મહાગુજરાતને ભારત અને મુંબઈ પ્રાન્તના અવિયોજ્ય અંગ તરીકે ગુજરાતી બોલતી પ્રજાનું એક સામુદાયિક, મૂર્ત સ્વરૂપ આપણે માન્યું છે. મહાગુજરાતની વિદ્યાપીઠની યોજના વ્યવહારમાં આવી ચૂકી છે. વડોદરા સંમેલન વખતે આપણે પ્રાચીન ગુજરાતી સાહિત્યનું સંપાદન કરવાની યોજના કરી હતી. આજે પરિષદ પ્રેમાનંદનાં કાવ્યોનું સંપાદન કરાવી રહી છે. પ્રતાપ ગ્રંથમાલા માટે ભારતીય વિદ્યાભવન શામળનું સંપાદન કરાવે છે. અને આ સંપાદનકાર્ય ભવનમાં પરિષદે સ્થાપેલી નર્મદ શિક્ષાપીઠમાં નર્મદ-પ્રાધ્યાપક ને આપણા ગત પ્રમુખ શ્રી રામનારાયણ પાઠકના તંત્રીપદ નીચે થઈ રહ્યું છે. શામળનાં કાવ્યોનું સંપાદન કરવા શ્રીમંત ગાયકવાડ સરકારે ૩૦,૦૦૦ રૂપિયાનું દાન કર્યું છે, જે માટે એમનો આભાર માનું છું. ૬ સંમેલનના પ્રમુખસ્થાનેથી સાહિત્ય વિશે તો મારે કહેવું જ જોઈએ. આ પ્રસંગે સાહિત્યની ઐતિહાસિક સમાલોચના કરવા કરતાં મારી સાહિત્યદૃષ્ટિ જ ફરીથી કહું. આ હું અભિમાન કે આત્મકથનના ઉદ્રેકથી કરતો નથી પણ સાહિત્યની મારી દૃષ્ટિ સ્પષ્ટ થાય થાટે જ. મેં ‘મારી કમલા’ લખી તેને આડત્રીસ વર્ષ થયાં. ૧૯૧૧માં ‘સરસ્વતીચંદ્ર’નો આથમતો યુગ હતો. કેટલાક એ પુસ્તકમાં જીવન અને સમાજના સનાતન સિદ્ધાંતો શોધવા મથતા. ત્યારે ઇંગ્લંડના વિકટોરિયાયુગના સાહિત્યાદર્શોએ આપણા સાહિત્યરસિકોને મુગ્ધ કર્યા હતા. સંસ્કૃત સાહિત્યની અસર પણ પ્રબલ હતી. ભારતની સાંસ્કૃતિક પુનર્ઘટના શરૂ થઈ ચૂકી હતી. સાંસ્કારિક પુનર્ઘટના (Renaissance) જ્યારે થાય છે ત્યારે જીવનની નવી ઉષા ઊગે છે. નવાં તેજોની મોહિની માનવીઓને મુગ્ધ કરે છે. નવા, મધુર રવો ઉલ્લાસ પ્રેરે છે. અંધકારના ઓળા ભેદવાને હૈયાં તલસે છે. ઠરી ગયેલાં વારિ નવે વેગે ધસે છે. સંસ્કાર નવે તાલે નાચતાં શીખે છે. પુનર્ઘટનાની કલા બે સંસ્કૃતિના સંઘર્ષથી પ્રગટે છે. તેના સ્વરૂપમાં – જેમ બાળકના સ્વરૂપમાં હોય તેમ – બંને સંસ્કૃતિઓનાં ઉપરછલ્લાં સ્વરૂપોની છાયા દેખાય છે. એના આત્મામાં બંનેનાં તત્ત્વોના એકીકરણથી પ્રગટેલી જીવંત અપૂર્વતાનો પ્રાણ હોય છે. ગુપ્તકાલમાં એવી પુનર્ઘટના થઈ હતી. એની કલા કાલિદાસે, અજંટાના કલાકારોએ ને ભાગવતકારે મૂર્તિમાન કરી હતી. શાકુંતલમાં ભાસનું અનુકરણ છે, પણ એની સંવાદી સરસતાનો આત્મા તો નવો છે. એ નવીનતા ‘મેઘદૂત’ ને ‘કુમારસંભવ’માં જડે છે. પંદરમી સદીમાં યુરોપમાં પુનર્ઘટના થઈ હતી. દાન્તે એનો સાહિત્યસ્વામી હતો. એની ‘ડિવાઇન કૉમેડી’માં વર્જીલની છાયા છે; એનો આત્મા નવો છે અને ‘નોવા વિટા’માં તેનું સ્પષ્ટ દર્શન થાય છે. લિયોનાર્ડો-દ-વિંચી ને શેકસપિયર પણ એ જ વસંતનાં પંખીઓ; એમણે જીવનનાં ગાન નવે ઉલ્લાસે ગાયાં. તે જ સદીમાં ભારતમાં ભારતીય અને ઈરાની સંસ્કૃતિનો સંઘર્ષ થયો. તેમાંથી ભક્તિયુગનું સાહિત્ય પ્રગટ્યું. એના આત્માને ચંડીદાસ ને વિદ્યાપતિ, નરસિંહ ને મીરાં અને સાહિત્યસ્વામી તુલસીદાસે શબ્દદેહ આપ્યો. ઓગણીસમી સદીમાં એવો જ ઉષઃકાળ આપણે ભારતમાં જોયો. યુરોપીય અને હિન્દી સંસ્કૃતિઓનો સંઘર્ષ થયો; તેમાંથી પુનર્ઘટના પ્રગટી, બંકિમચંદ્ર ચટોપાધ્યાયે તેને સર્જનાત્મક સાહિત્યમાં ઝીલી. ‘વિષવૃક્ષ’, ‘કૃષ્ણકાન્તનું વિલ’, ‘દુર્ગેશનન્દિની’, ‘દેવી ચોધરાણી’ અને ‘આનંદમઠ’ એ આપણી પુનર્ઘટનાના સીમાસ્તંભો. ગુજરાતમાં પુનર્ઘટના શરમાતી ડોકિયાં કરવા લાગી. નર્મદે પુનર્ઘટનાનો આત્મા વિકૃત રૂપે જોયો. એની પ્રારંભિક સ્થૂલ રસિકતા અમે ચોરીછૂપીથી ચાખતા. પુનર્ઘટનાનું વિવેચનશાસ્ત્ર સ્થાપનાર નરસિંહરાવ બહારવટિયા મનાતા. ‘ભદ્રંભદ્ર’ અને ‘હૃદયત્રિપુટી’ વંચાય ખરાં, પણ શરમાતાં શરમાતાં. ‘ સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ પુનર્ઘટનાનું આપણું નવીન પુષ્પ એમાં અવનવા અનુભવ કરવાની ને સરસતાનાં દર્શન કરવાની ઉત્કંઠા પંક્તિએ પંક્તિએ જડે છે. બીજા ભાગમાં ગોવર્ધનરામ નરી સરસતાનાં દર્શન કરે છે, ગુણસુંદરીના સર્જનમાં – પણ પુનર્ઘટનાનાં ડહોળાયેલાં પાણીમાંથી બહાર નીકળ્યા પછી. બંકિમ નવા જીવનનાં સુભગ ચિત્રો આલેખે ને ‘વંદેમાતરમ્’ રચે, ‘આનંદમઠ’ના સાધુઓ સર્જી દેશોદ્ધારના નવા મંત્રો આપે, ત્યારે ગોવર્ધનરામનો કકળતો આત્મા જૂની પ્રણાલિકાને સોને રસે અને ધંપટરાવ ચીતરી લોકમાન્ય ટિળકની વિડંબના કરે. નરસિંહરાવ, બાલાશંકર, બળવંતરાય, કાન્ત અને કલાપીનાં કાવ્યોમાં નવા ઉલ્લાસનાં દર્શન થાય છે. આ બધા કોઈ નિર્બંધ વાતાવરણવાળી ભૂમિમાં જન્મ્યા હોત – જ્યાં માનવતા મુક્ત વિહાર કરી શકે ત્યાં – તો સરસતાનું એમનું દર્શન વધારે અદ્‌ભુત થાત. પુનર્ઘટનાની સર્જકતાની બે દૃષ્ટિ હોય છે : એક અધીરતાથી નવસૌંદર્ય શોધે છે, બીજી માનવહૃદયને વિશ્વનું કેન્દ્ર માને છે. પુનર્ઘટનાનો કલાસ્વામી ધૃષ્ટ અને આત્મકેન્દ્રી હોય છે. પ્રણાલિકાઓ તોડે છે ને નવી પ્રણાલિકાના ચીલા પાડે છે. કબીરની માફક ‘હાથમેં કુંડા બગલમેં સોટા’ લઈ એ ચાર દિશાની જાગીરી પોતાની છે એમ માની વિહરે છે. ચંડીદાર રજકિણી–ધોબણ–ના પ્રેમને વેદમંત્ર માને છે. મીરાં ‘ગિરધર નાગર’ને પોતાના પ્રણયધોધથી પૂજે છે. તુલસીદાસ ‘સીયારામ’ના એકાકાર પાછળ ઘેલો બની, વાલ્મીકિ-રામાયણમાં અનેરી ભભક સીંચી, જૂની રમણીયતાને નવી બનાવે છે. કાલિદાસની કલા સંયમી છે. છતાં કાંતાવિરહે વ્યાકુલ બનેલા યક્ષના ઊર્મિગાનમાં, ઉમાના અમલ સંવનનમાં, પુરુરવાની પ્રણયઘેલછામાં પોતાનો સ્વાનુભવ વ્યક્ત કર્યો ત્યારે એ ધૃષ્ટ સર્જકને શિષ્ટાચારીઓએ ગામનો ઉતાર માન્યો હશે. જ્યારે રૂસોએ આત્મકથનો લખ્યાં, ગેટેએ ‘સોરોઝ ઑફ વર્ટર’ લખ્યું, બાયરને ‘ચાઇલ્ડ હેરોલ્ડ’ લખ્યું, ત્યારે એ આત્મકેન્દ્રિત સર્જકોએ પોતાનાં આક્રંદોથી અનંતકાળ ગજવ્યો. એમાં ધૃષ્ટતા હતી, આત્મમગ્ન આત્માનો અહંભાવ હતો. આવાં સર્જનો હળની માફક માનવતાના થરો ઉપરનીચે કરે છે અને તેમાં રહેલી જીવંતતા ઉત્તજે છે અને સરસતાનો નવો ફાલ આણવાની તેમાં શક્તિ દે છે. ગુજરાતી સ્વભાવને ધૃષ્ટતા કેળવવી અઘરી થઈ અને આત્મકેન્દ્રીયતાને કોઈ પણ બહાને ડામી દેવામાં લાભ જણાયો. ન્હાનાલાલમાં સૌંદર્યદર્શનની ઇચ્છા હતી; પણ તે માત્ર વાણીવિલાસમાં જ વિરામ પામી. સુવર્ણમય પાત્રમાં સત્ય છુપાયું છે એમ માની પાત્રને જ એ સર્વસ્વ માની બેઠા. એમનો આદર્શવાદ અને ઉપદેશવૃત્તિ ‘વસંતોત્સવ’ પછી એટલાં સબળ થયાં કે સરસતાનું દર્શન એમને દુષ્પ્રાપ્ય થઈ પડ્યું. મેઘાણી પુનર્ઘટનાકાલના કવિ હતા. લોકકથા ને ગીતની સરસતા અર્વાચીન સાહિત્યમાં એમણે આણી. ૭ આ સંધિમાં મારું માનસ અને સર્જકતા ઘડાયાં. જુદી જુદી પુનર્ઘટનાના ઉષઃકાલમાં સર્જયેલા ઉલ્લાસ-તરંગોએ ૧૯૦૨થી ૧૯૧૩ સુધી મારી રગેરગને નચવી મૂકી. એમણે મારી સર્જકતાને ફળદ્રુપ કરી. મેં લખવા માંડ્યું ત્યારે મેં ગુજરાતીનો જરાય અભ્યાસ નહોતો કર્યો. આપણા સાહિત્યમાં પ્રચલિત પ્રણાલિકાઓથી હું અજાણ હતો. સ્વભાવ, કલ્પના અને સર્જકતા રંગભર હતી. એટલે પુનર્ઘટનાકાળના સાહિત્યસ્વામીઓની પ્રેરણા મને જીવનદાયિની થઈ પડી. પરિણામે ભાવિ જીવનના આદર્શ સરજવા જતાં મારી કલ્પનાએ સોલંકીકાલ ને વેદકાલના સ્વતંત્ર જગતમાં ઘર બાંધવા માંડ્યાં. આ પણ પુનર્ઘટનાયુગના કલ્પનાવિહારનું એક લક્ષણ છે. મારી કલ્પના પર પડેલાં સંસ્મરણો, મારી સ્વાનુભવની શક્તિ, મારી આકાંક્ષા, ઊર્મિ અને ભાવના બધાં મારાં પુસ્તકોમાં જીવંત પાત્રો બની વિહરે છે. કોઈ જાણકાર વિવેચક હોય તો કહી શકે કે મારી કૃતિઓ કેટલે અંશે વિસ્તૃત આત્મકથા છે. છેલ્લાં વીશ વર્ષમાં અનેક સાહિત્યકારોએ ગુજરાતમાં સરસતાનાં દર્શન નવલિકામાં ને કવિતામાં કર્યાં છે, પણ ગાંધીજી જેવા વિશ્વવંદ્ય ઉપદેશકની પ્રબલ અસરે સારસ્યદર્શન કઠણ કર્યું છે. સાહિત્ય એમને મન ઉપદેશનું અને અધમોદ્ધારનું માત્ર સાધન હતું. એમની પ્રચંડ શક્તિએ સાહિત્યસર્જન પર અણદીઠો માનસિક અંકુશ મૂક્યો અને સાહિત્યનો ઝોક ઉપદેશ, પીડિતોદ્ધાર અને પ્રાસંગિક વિષયો તરફ વળ્યો. આ અસર માત્ર સાહિત્યકારો પર જ નથી થઈ, આચાર ને વિચાર પર પણ થઈ છે. કાયદાથી ને સરકારી હુકમોથી પ્રજાના નાનામોટા આચારો નીતિમાન કરવા પ્રયત્નો થાય છે. ઇતિહાસમાં આવા અનુભવો નવા નથી. એક મહાપ્રતાપી વ્યક્તિના અનિવાર્ય પ્રભાવનું આ પરિણામ છે. સરસ સાહિત્યને અભાવે ગુજરાત બીજા પ્રાંતના સાહિત્યના અનુવાદ પર જીવતાં શીખ્યું છે એ ખેદની વાત છે. ક્યાં હાસ્યરસ – દવે પછી? ક્યાં છે નાટક ને કાવ્ય – મેઘાણી, ચંદ્રવદન, ઉમાશંકર આદિ પછી? ક્યાં થે નવા શૈલી-પ્રયોગ? ક્યાં છે નવલકથાનો નવો ફાલ? આપણે અનુભવીએ છીએ; અનુભવને સરસ બનાવી શબ્દોમાં મૂર્તિમાન કરી શકતા નથી – એ યુગપલટાની ત્વરિત ગતિનું પરિણામ છે. ખરી કલા એ સ્વાનુભવકથન પર જ અવલંબે છે. કલાકાર સ્વાનુભવની સૃષ્ટિનાં જ ખરાં ચિત્રો દોરી શકે છે. સમયનાં ક્ષણિક તત્ત્વો અને પ્રચારક વૃત્તિઃ બંનેથી પર જે સરસતા છે તે જ શાશ્વત છે, સનાતન મનુષ્યહૃદયની અમર ભાવના છે. શિષ્ટ સાહિત્ય આ સનાતન હૃદયના તલસાટ પર રચાય છે અને યુગે યુગે તેની જ પ્રેરણા માનવોની તરસ છિપાવે છે. પચીસસો વર્ષ પર ગ્રીસના ટાપુ પર વિહરતી એક વારાંગનાનાં ગીતોના અવશેષ, ચૌદસો વર્ષ પર ગુપ્તકાળમાં થઈ ગયેલા એક કવિની સૌંદર્યદૃષ્ટિ, ચારસો વર્ષ પર ગવાયેલાં ચિત્તોડની રજપૂત વિધવાનાં વિરહગાન – એ બધાં યુગેયુગની, મારી ને તમારી સરસતાની ભાવના શા માટે પોષે છે? કારણ એટલું જ કે સદીઓના પ્રવાહમાં પણ માનવહૃદય તેનું તે જ રહ્યું છે. સૌંદર્યતલસાટનો પ્રકાર પણ એક જ છે. આ તલસાટ જ્યારે શબ્દદેહ પામે ત્યારે અનંતકાલ સુધી સંસ્કરી હૈયામાં આંચ લગાડે છે. આ સરસતા શું છે? ‘નેતિ નેતિ’થી લો. એને માટે ઘણું કહી શકાય. સંવાદ સરસતા નથી, સપ્રમાણ નથી, સૌંદર્ય પણ નથી. શબ્દો ને કલાકૃતિઓ તો માત્ર એનાં પ્રતીક છે, બીજાને એનાં દર્શન કરાવવાનાં વાહન છે. પણ કવિ દર્શન કરાવે છે – કઈ વસ્તુનું? સરસતા શું છે? એક અનુભવ મને થાય તે મારા સ્મરણમાં રહી જાય. મારી કલ્પના તેમાં રંગ પૂર પૂર કરે. પછી સર્જકતાનો વેગ આવે અને એ અનુભવ શબ્દ કે બીજા કોઈ વાહન દ્વારા હું વ્યક્ત કરું અને તે વાહનના સ્પર્શથી સામાને એ અનુભવ થાય અને એમાં રહેલી સરસતાનાં દર્શન થાય. માત્ર અનુભવમાં સરસતા નથી હોતી. સરસતા અનુભવમાં જ હોત તો બધા કવિ બને. બધી માતાઓ લાડ લડાવે છે, પણ ભાગવતકારે જ જસોદાના લાડને સરસ બનાવ્યા. ઘણા યુવકો યુવતીઓ જોઈ મુગ્ધ થાય છે પણ કાલિદાસે દુષ્યંતની મુગ્ધ દશાને સરસ બનાવી. એ તો કવિની કલ્પનામાં સ્વાનુભવનું ચિત્ર હતું તેમાંથી જ આવી. સ્વાનુભવ તરવરાટભર્યો ને મર્મસ્પર્શી બને ત્યારે તે સ્મરણમાં રહી જાય અને કલ્પનાની સમૃદ્ધિ આકર્ષે. જ્યારે એ અનુભવ માટે આપણે તલસ્યા કરીએ ત્યારે કલ્પનામાં રહી એ ચિરંજીવ બને. જ્યારે તે તલસાટના માર્યા એ અનુભવ – ચિત્ર પર એકાગ્ર ચિત્ત કરીએ ત્યારે એમાં સરસતાના રંગ પુરાવા લાગે. અને જ્યારે એ ચિત્રમાં તલ્લીન બનીએ અને એની સાથે તન્મયતા સાધીએ ત્યારે સર્જન થાય. એ અનુભવ શબ્દ કે બીજા પ્રતીક દ્વારા મૂર્તિમાન થાય, એ પ્રતીક સામાની કલ્પના ઉત્તેજે; ને તે જ પ્રકારનો અનુભવ, સરસ અનુભવ તેને કરાવે ત્યારે સર્જન થાય. આમ સર્જનનાં ચાર અંગ છેઃ સંવેગ યા તલસાટ, કલ્પનાસમૃદ્ધિ, માનસિક ચિત્ર પર એકાગ્રતા અને તન્મયતા – આ સર્જકતાનો નિયમ માત્ર સાહિત્યને નથી લાગુ પડતો. જ્યારે શબ્દો દ્વારા સરસતા સરજાય ત્યારે શિષ્ટ સાહિત્ય પ્રગટે; જ્યારે કલાકૃતિ દ્વારા સમજાય ત્યારે સુંદર સ્થાપત્ય, શિલ્પકૃતિ કે ચિત્ર પ્રગટે; નાદ દ્વારા થાય ત્યારે મોહક સંગીત પ્રગટે. એ બધાની સરસતા તો કલાકારની ક્લપનામાં જ હોય. સંવેગ કલ્પનાને ખળભળાવે છે. તેમાંથી જળમાંથી લક્ષ્મી નીકળે તેમ સર્જનનો આકાર મૂર્ત થાય છે. તેની જોડે સર્જક તન્મય થાય એટલે સર્જન થાય. આમ કલ્પના દ્વારા સર્જન કરતાં સરસતા બહાર પડે છે. આ સરસતા ચિત્તવૃત્તિની પર – Conscious selfની પર – જેને આપણે અવ્યક્ત મનોદશા કહી શકીએ, તેમાંથી નીકળે છે. સર્જનની વ્યાખ્યા આમ આપી શકાયઃ અવ્યક્ત મનોદશામાં રહેલી અપૂર્વતા જ્યારે કલ્પનામાં મૂર્ત થાય, અને સર્જક ચિત્તવૃત્તિઓને તેમાં લીન કરી શકે ત્યારે એ અપૂર્વતા વાહન દ્વારા વ્યક્ત થાય; ત્યારે સર્જન થાય. પણ સરસતાનું સર્જન માત્ર સાહિત્ય કે કલામાં થાય છે એ સત્ય નથી. તે આચાર દ્વારા થાય ત્યારે આપણે તેને સંસ્કાર કહીએ. સદ્‌ગત આનંદશંકર ધ્રુવ હતા, જે આચાર દ્વારા સરસતા મૂર્તિમાન કરતા. હૈદ્રાબાદનાં કેટલાંક પુરાણાં મુસ્લિમ કુટુંબોનાં સ્ત્રીપુરુષોના આચાર આગળ આપણે જંગલી લાગીએ. કેટલાક વયોવૃદ્ધ મેં જોયા છે કે જેના નમસ્કારથી, તેમની ખબર પૂછવાની રીતમાંથી, સરસતા ઝરે છે. સુંદરતમ પ્રણયવ્યવહારમાં ને દામ્પત્યજીવનમાં આપણે સરસતા જોઈએ છીએ. ચક્રવાકનો સહચાર સરસતા પ્રેરે છે. પણ એક યુગલની માનસિક તન્મયતા એ બધી પ્રણય-સરસતાનું મૂલ છે એ સાહિત્યકારોને કહેવું પડે? એ સંબંધમાં તલસાટ, એકાગ્રતા ને તન્મયતા ત્રણે સહજ રીતે મળે છે. તરવરાટ સરલ થઈ પડે છે. સર્જકતાનો ધોધ ઝરે છે. તેથી જ જગત પ્રણયવ્યવહારમાં સરસતા સહેલાઈથી જોઈ શકે છે. સરસતા લોકવ્યવહાર દ્વારા પણ સરજાય. લોકવ્યવહારનું ધોરણ તો ભગવાન પતંજલિએ આપ્યું છે. જ્યાં સુખ હોય ત્યાં મૈત્રી કેળવવી, જ્યાં દુઃખ હોય ત્યાં કારુણ્ય દાખવવું, જ્યાં પુણ્ય હોય ત્યાં આનંદ માણવો, જ્યાં અપુણ્ય હોય ત્યાં તટસ્થ થઈ જવું – આ જાતના વ્યવહારમાં સેવાની સરસતા દર્શન દે છે – ઠક્કરબાપાના સેવાભાવમાં દર્શન દે છે તેમ. અને એ વ્યવહારની સરસતા પ્રગટે, જ્યારે “મને બધામાં જુએ, અને બધાને મારામાં જુએ” એ પ્રતીતિનો સાક્ષાત્કાર થાય ત્યારે. આમ સરસતાનું સર્જન વિવિધ વાહનો દ્વારા થાય છે. પણ આવાં એકપક્ષી વાહનને બદલે સમગ્ર વ્યક્તિત્વને પણ સરસતાનું વાહન કરનાર કલાસ્વામીઓ થઈ ગયા છે. એમનું આખું માનસ સરસતાથી ઓતપ્રોત થઈ પરિવર્તન પામે છે. શબ્દ, આચાર, વ્યવહાર એ માત્ર સમગ્ર સરસતાનાં અંગ બને છે. રામકૃષ્ણ પરમહંસના વાર્તાલાપની નોંધપોથી – Gospel of Ramkrishna પ્રગટ થઈ છે. પ્લેટોએ સૉક્રેટિસની વાતચીતની પણ નોંધ આપી છે. બંને પુસ્તકમાં સમગ્ર વ્યક્તિત્વની સરસતાનાં દર્શન કરીએ છીએ; પછી ભલે આપણે એને કૈવલ્ય, સિદ્ધિ કે મોક્ષ કહીએ. આ સરસતા આખા વ્યક્તિત્વમાંથી નીતરતી હોવાથી વગર પ્રયત્ને, વગર શબ્દે, માત્ર પરમ શાંતિથી તે સામાને સરસતાનો અનુભવ કરાવે છે. આ કલાકારનું મૌન માત્ર વાણીનો અભાવ નથી રહેતું પણ સરસતા અનુભવવાનું પ્રચંડ બળ બને છે. શ્રીઅરવિંદ અને રમણ મહર્ષિની અસર-મૌન – જેણે અનુભવી હશે તેને આ સમજાશે. મૌન માત્ર નિઃશબ્દતા નથી; એ વ્યક્તિત્વની સરસતાનું વાહન બની રહે છે. આમ સર્જકતાની એક જ રીત : સંવેગ, એકાગ્રતા ને તન્મયતા. સરસતા પણ એક જ, માત્ર વાહન જુદાં. એના વેરીઓ પણ તે જ : ચંચલ અનુભવોની ભૂખ – Sensationalism – કે તૃપ્તિ, સ્થૂલ જરૂરિયાતો અને નગ્ન વાસ્તવિકતાની પ્રશંસા ને પૂજા અને એ બધાંની જનની ચાર્વાકવાદ – Materialism. સરસતા એ તો માનસથી અને કલ્પનાથી પર એવી અવ્યક્ત મનોદશાના ગર્ભમાં રહે છે. ‘As you think, so you are’ – માર્કસ ઓરેલિયસે કહ્યું છે. मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः। – શ્રીકૃષ્ણે કહ્યું છે. માનસિક સર્જન એ જ બાહ્ય સર્જનનું મૂલ ને કારણ. બાહ્ય સર્જન ખરું જોતાં માનસિક સર્જનનો આછો આછો પડછાયો. જો સરસતા સિદ્ધ કરવી હોય તો શિષ્ટ સાહિત્ય ને સરસ વસ્તુઓનું મનન કરવું જોઈએ; સરસ જીવનચર્યાનો નિરંતર અભ્યાસ કરવો જોઈએ. આમ સરસતાના મનન ને નિદિધ્યાસથી જ શાશ્વત સરસતાનાં દર્શન અને સાક્ષાત્કારનો મનુષ્ય અધિકારી બને છે. શુદ્ધ સાહિત્યની ભક્તિને અવગણનાર સર્જકતાનો આ વ્યાપક નિયમ સમજતો નથી. ગમે તે સમયે કે સ્થળમાં સાહિત્યકાર અને સાહિત્યરસિકનો એક જ ધર્મઃ સરસતાનો સાક્ષાત્કાર. એ સાહિત્યસેવીઓનો એક બંધુગણ છે. એમની વચ્ચે ઊંચનીચ, દેશ કે ધર્મનો ભેદ નથી. એના વડે જ માનવસમૂહની એકતા સિદ્ધ થાય છે ને થતી જશે. આપણે પોતપોતાની ઓછીવધતી શક્તિ પ્રમાણે એક જ પંથે જઈએ છીએ, સમગ્ર જીવનની એકતા ને અપૂર્વતા શોધતા – વ્યાસ, વાલ્મીકિ, હોમર ને સેફો; કાલિદાસ, દાન્તે, ભાગવતકાર, તુલસીદાસ ને મીરાં; શેકસપિયર, ગેટે અને હ્યુગો; બાઇબલ ને ગીતા આ બધાંની પ્રેરણાથી ઉત્તેજિત બનીને. આ સારસ્યધર્મ ધાર્યું હતું તેવી સરલતાથી ગુજરાત સ્વીકારી શક્યો નથી. પણ નિમિત્ત નિર્બલ હોય તેથી કાંઈ ઈશ્વરની મહત્તા ઓછી થાય છે? આ જમાનામાં સામાજિક નિયંત્રણનાં બળો સમસ્ત જીવનને જકડી રહ્યાં છે. તે સમયે સાહિત્યકાર પણ સમાજબળોનો ચારણ કે પ્રચારક બને તેમાં નવાઈ નથી. ગુલામોને ગુલામગીરી છોડવી ન ગમે, કાળી ટોપીઓને કેદખાનામાંથી છૂટવું ન ગમે એ સ્વાભાવિક છે. પણ એક સત્ય હું જાણું છું – મેં જોયું છે, એનો મને સાક્ષાત્કાર થયો છેઃ સનાતન સરસતાની ભક્તિ વિના મનુષ્યજીવન દૈત્યોના જીવનથીય ભૂંડું છે.