સૌરાષ્ટ્રની રસધાર-4/રતન ગિયું રોળ!

Revision as of 13:00, 3 March 2022 by KhyatiJoshi (talk | contribs)


રતન ગિયું રોળ!


“ભણેં ચારણ્ય! જોઈ લે, આપડા મલકને માથે આષાઢની રીંછડિયું નીકળીયું! જો, જો, મોળો વાલોજી સાચાં મોતીડાં જ વરસેં છે હો! ખમા મોળી આઈને! હવે તો ભીંસું હાથણિયું થાશે, ચારણ્ય! હાલો આપડે દેશ.” આષાઢીલા મેહુલાને પોતાના મુલક પર વરસતો નિહાળીને દુકાળ ઊતરવા માટે ગુજરાતમાં ગયેલા એક નેસવાડિયા ચારણનું અંતર આવા કલ્લોલ કરી ઊઠ્યું, અને પડખે જ પોતાની પાડીની ખરીઓ ઉપર તેલ ચોપડતી જુવાન ચારણી મરક મરક હસીને મર્મ કરે છે : “ભણેં ચારણ, ક્યાંય તોળી ડાગળી ખસેં જાતી નંઈ!” “સાચેસાચ, ચારણ્ય, માલધારિયુંનાં મનડાં થર્ય ન રે’ ઈમો ભલો મે’ ત્રાટકતો સૅ, હો! મોરલાનાં ગળાં આમાં કીમાં ગુંજતાં હશે! આજ તો ગર્ય ગાંડી થે જાશે, હો!” “જેવા ગાંડા મોરલા, એવી જ ગાંડી ચારણની જાત્ય. બેયનાં મન મે’ દીઠ્યે ફટકે!” “હાલો, ચારણ્ય, ઉચાળા ભરો ભીંસને માથે, હળુહળુ હાલતાં થાયેં.” ગુજરાતના અધસૂકા તળાવડામાં પડીને કાદવમાં નાહતી અને માથે લાકડીઓના મે વરસે છતાં પણ માંદણેથી ન ઊઠે તેવી મેંગલ ભેંસ ફક્ત ચારણીના મુખમાંથી ‘બાપ! મેંગલ! હાલો બાપ! હાલો મલકમાં!’ એટલી ધીરી ટૌકાભરી બોલી સાંભળતાં તો ભુંભાડ દેતી એકદમ બેઠી થઈ ગઈ, અને શરીર ઉપર ચમરી ઢોળે તેમ પૂછડું ફંગોળીને દોડતી દોડતી ચારણના ઝૂંપડા પાસે આવી ઊભી રહી. ઘંટીના બે પડ, બે ગોદડાના ગાભા, ને બે-ચાર ઠામડાં, એક સિંદૂરની ડાબલી વગેરે જે થોડીક ઘરવખરી હતી તે ભેંસની પીઠ પર લાદીને ચારણ-ચારણી સોરઠને માર્ગે ચડી ગયાં. માથે કોઈક દિવસ ઝરમર ઝરમર, તો કોઈક દિવસ લૂગડાં બોળી નાખે એવો વરસાદ વરસતો આવે છે; અને વળી પાછો ઉઘાડ થતાં જ પોતાની ભીંજાયેલી ઓઢણી ને ધણીની પલળેલી પાઘડી વગડામાં સૂકવતાં સૂકવતાં બેય જણાં ચાલ્યાં જાય છે. વાયરામાં ચારણીના માથાની વાંભવાંભ લાંબી કાળી વાદળી-શી લટો ઊડી ઊડીને મોં ઉપર નાટારંભ કરે છે; અને એ ભીનલાવરણી વહુના ગાલ ઉપર, ગોરાં રૂપવાળી સ્ત્રીઓને પણ આંટે એવી સુખની લહેરો પથરાતી દેખીને ચારણ હાંસી પણ કરતો આવે છે કે “આવાં રૂપ ને આવાં હસવાં કાંઈ ચારણ્યને અરઘે?” “સાચેસાચ, ચારણ! ન અરઘે. નેસમાં જાશું ત્યારે સોનાં ફુઈ ને જાનાં ફુઈ મને લાખ લાખ મેણાં મારશે.” “મેણાં વળી કીમાંનાં!” “બસ, મેણાં ઈ જ કે આવડ્યા બધાં રૂપ તે કાંઈ ચારણીની દીકરીને હોય? વેશ્યાને હોય. અને આવડું ખડ! ખડ! તે ક્યાંય હસાય? ચારણ્ય જુવાનડી હોય તોય બીજાનાં ભાળતાં મોયેં કીં મલકાવાય! આવું આવું બોલી મારો જીવ કાઢે નાખશે.” “તે કટંબમા રિયા વન્યા હાલશે?” “હુંયે કહું છું કે કટંબમાં રિયા વન્યા હાલશે? હું તો બીજું કીં કરું? મહેનત કરે કરેને મોઢું કરમાવે નાખશ, અને હસવું રોકવા સારુ ગાલે ડામ દેશ.” “અરરરર ભણેં ચારણ્ય! તું આ કીં ભણછ?” જાણે પોતાની તમામ માયામૂડી કોઈ ભૂત ભરખી જતું હોય તેમ ચારણ આંખો ફાડીને સ્ત્રીના મોં સામે જોઈ રહ્યો. “બીજો ઉપા કીં, ચારણ?” “ના, તો આપડે નેસમાં નસેં જાવું. આસે થડમાં કો’ક ગામ આવે ત્યાં જ કૂબો કરે ને પડ્યા રે’શું. ઈમા કટંબમાં મેલે ને તિખારો!” ટૌકા કરતાં ચારેય જણા — બે માનવી ને બે ઢોર — ચાલ્યાં અને થોડા દિવસે ગીરની ઝાડીમાં ઊતર્યાં. રાયણાં, ઊંબરાં અને ટીંબરવાનાં ઝાડ ઉપર ફળફૂલ ઝળુંબે છે, વાંદરા ઓળકોળાંબો રમે છે અને જાંબુડાં ખરી ખરીને નદીઓનાં પાણી જાંબુવરણાં કરી મૂકે છે. ડુંગરની ધારો ઉપરથી મોરલાને ગરદન ફુલાવીને ગહેકાટ દેતાં જેમ ચારણે જોયા, તેમ તો એનો પ્રાણ ગગન સુધી છલંગો મારીને છકડિયા દુહા ફેંકવા લાગ્યો :


આષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘનઘોર,
તેજી બાંધ્યો તરુવરે, મધુરા બોલે મોર.
         મધુરા બોલે મોર તે મીઠા
         ઘણમૂલાં સાજન સપનામાં દીઠાં,
કે’ તમાચી સુમરો, રિસાણી ઢેલ ને મનાવે મોર,
આષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘનઘોર.

એમ છકડિયો પૂરો કરીને ચારણ પોતાની પડખે ચાલી આવતી ‘ઢેલડી’ સામે જુએ છે. બન્નેનાં મોં સામસામાં મલકે છે, અને સામેથી ચારણી દુહો ઉપાડે છે કે :


મોર મારે મદૈ1 થિયો, વહરાં કાઢે વેણ,
તેની ગહક ગરવો ગજે, સૂતાં જગાડે સેણ.
સૂતાં જગાડે સેણ તે મોરલો ઊડી ગિયો,
વાલાં સાજણનો સંદેશો અધવચ રિયો,
પાંખો પીળી પોપટની ને કોયલ રાતે નેણ,
મોર મારે મદૈ થિયો ને વહરાં કાઢે વેણ.

એવાં ગીત લલકારાય છે, ને ડુંગરાના ગાળા સામે ગાવા લાગતા હોય તેમ ગુંજી ઊઠે છે. ધણી ને ધણિયાણી બન્ને ચારણ : બન્નેની જીભે સરસ્વતી : બન્નેને મુખે કવિતાનાં અમૃત ઝરે છે. “ચારણ્ય! કેમ જાણે અષાઢની રાતમાં આપણે વિખૂટાં પડીને ગાતાં હોઈએ, એવો રંગ મચ્યો છે, હો!” “અરે ચારણ, આ તો પારકી વાણી : આમાં ઓલ્યો સાચો સવાદ ન આવે — હું મરી ગઈ હોઉં ને તું મરશિયા ભણતો હો, એવો સવાદ!” “અરે, તું મરી જા તો તો હું ઝાડવાં રોવરાવું, ખબર છે? મરી તો જો એક વાર!” “હું મરીને પછી ક્યાંથી તારાં ઝાડવાંનાં રોણાં જોવા આવવાની હતી?” એવા કિલ્લોલ થઈ રહ્યા છે, ત્યાં એક પહોળા પટવાળી નદી આવી. નદીમાં આછો આછો પ્રવાહ ચાલ્યો જાય છે, કાંઠે હાંડા જેવું રૂપાળું ગામડું શોભી રહ્યું છે, અને સાંજને સમયે પનિહારીઓ પોતાને માથે અધ્ધરપધ્ધર પાણીની મોટી હેલ્યો માંડીને નદીમાં ઊંચા ઊંચા ભેડાનો ચડાવ ચડી રહી છે. એ ચડાવના થાકથી રાતાંચોળ થયેલા મોઢાં ઉપર આષાઢના આથમતા સૂર્યની કેસૂડાંવરણી છાયા છવાય છે, અને ભેખડો ઉપર કોઈ અજબ જાતનાં ફૂલઝાડ સીધે સોટે એકસામટાં ઊગી નીકળ્યાં હોય એવો ઠાઠ મચી જાય છે. ભેંસ પાણી પીએ છે, ચારણી એના ભીનલા પગના પોંચા ધોઈને કાદવ ઉખેડે છે, અને ચારણ નદીના કાંઠાના લોકને પૂછે છે : “ભાઈ, ગામના દરબાર કોણ છે?” જવાબ મળ્યો કે “બાપુ પોરસો વાળો.” “કેવાક માણસ છે?” “ગુલાબી દિલના.” “વાસ રાખશે?” “માલધારીને કોણ ના પાડે?” “ઠીક, ચારણ્ય, તું આસેં વેકરામાં ઊભી રે’જે હો, ને ભીંસને સાચવજે. હું અબઘડી હડી કાઢતો ગામમાં જઈને દરબારને મોઢે થે આવું. જો હા પાડશે તો આપણે સહુ ગામમાં જિશું. નીકર સામે ગામ તોળાં માવતર છે તીસે પોગી જિશું.” “ઠીક ચારણ, હું ઊભી સાં.” “પણ જોજે હો, આસેં જ ઊભી રે’જે. આઘીપાછી થાતી નૈ, નીકર હું બોકાસાં દેને કિસેથી બોલાવીશ? અને વળી અજાણ્યું ગામ છે.” “ભલે, ચારણ, નઈ ખસાં.” ફરી વાર ચારણે પાછા વળીને ભેખડ ઉપરથી સાદ કર્યો : “ભણેં ચારણ્ય! ખસતી નૈ હો, અજાણ્યું ગામ છે.” “એ......હો! હો!” “મોળા સમ છે!” એમ હળવેથી બોલતાં બોલતાં ભેખડેથી ચારણે પોતાની ગરદન ઉપર હાથની આંગળીઓ ફેરવી. ચારણીએ ડોકું ધુણાવીને સોગંદ કબૂલી લીધા. ચારણે દરબાર પોરસા વાળાની ડેલીએ જઈ છેટેથી દરબારને બિરદાવ્યા :


જવ જેટલાં જાળાં, વાળા મું દ્યો વતન,
તો આણીએં ઉચાળા, પાદર તમાણે પોરસા.

“હે પોરસા વાળા, મને બે-પાંચ વીઘાં જમીનનાં જાળાં કાઢી આપો તો હું આંહીં વતન કરીને મારી ઘરવખરી લઈ આવું.” “આવો, આવો, ગઢવી! ક્યાંથી આવો છો?” “બાપુ, ગુજરાતમાંથી દુકાળ ઉતારીને આવતો સાં. બે માણસનાં મૂઠી મૂઠી હાડકાં માય ને એક બકરી જેવડી ભીંસ બંધાય, એટલી જગ્યા આપો તો ગામ દીધાં બરોબર માનીશ. અટાણે તો અંતરિયાળ સાં.” “ભલે, ઠાકર મા’રાજ દઈ રે’શે, ગઢવી! કસુંબાપાણી તો લ્યો.” ચારણના પેટમાં બે પ્યાલી લાલ કસુંબો પડ્યો, એટલે ચારણને ઇંદ્રાસન મળી ગયું લાગ્યું. દાયરામાં વાતોના ધુબાકા ઊપડ્યા હતા, એમાં ચારણ પણ ઊતરી પડ્યો. જાતનો દેવીપુત્ર : જીભમાં ભારી મીઠપ : કોઠામાં કવિતાના અખંડ દીવા બળે : આષાઢ જેવી મદમસ્ત ઋતુ : અને એમાં પણ પોતે રસભરી ચતુર સુજાણ ચારણીનો જોબનવંતો કંથ! પછી તો પૂછવું શું? ગીત-છંદોના ધમાકા મચ્યા. હોકાની ત્રણ ઘૂંટ લેતા ચારણને કૅફ ઊપડ્યો. આંખો બન્ને ઘૂઘવતા પારેવાની જેમ લાલ ચણોઠી બની ગઈ. પોતાના ફૂલેલા ગળાને મોકળું મેલી ચારણે રાધા-કાનના વિજોગની બારમાસી ઉપાડી, અને દિશાઓ જેમ સજીવન બનીને સામા હોંકારા દેવા મંડી તેમ તો ચારણે, ભાંગતી રાતે કોઈ વિજોગી માનવી મરેલા કંથને સંભારી વિલાપનાં ગીત ગાતું હોય તેવાં સોરઠી ભેરુબંધોનાં વિરહ-ગીત ઉપાડ્યાં :


ગરદે મોર જીંગોરિયા,
         મો’લ થડક્કે માઢ,
         વરખારી રીત વ્રણ્ણવાં,
આયો ઘઘૂંબી આષાઢ.

[પહાડ પર મોર ટહુક્યા, મહેલો ને મેડીઓ થરથરી ઊઠ્યાં, ગર્જના કરતો આષાઢ આવ્યો, એવી વર્ષાની ઋતુ હું વર્ણવું છું.] એટલો દુહો ઉપાડતાં તો સાચેસાચ દરબારની માઢ મેડી થર! થર! કાંપવા લાગી. અને ‘આયો ઘઘૂંબી આષાઢ’ આટલા આખરી વેણની દોઢ્ય વાળીને ચારણે આષાઢને આલેખ્યો :


આષાઢ ઘઘૂંબીય લૂંબીય અંબર
વદ્દળ બેવળ ચોવળિયં,
મહોલાર મહેલીય, લાડગેહેલીય,
નીર છલે ન ઝલે નળિયં,
અંદ્ર ગાજ અગાજ કરે ધર ઉપર
અંબ નયાં સર ઊભરિયાં,
અજમાલ નથુ તણ કુંવર આલણ,
સોય તણી રત સંભરિયા,
જીય સોય તણી રત સંભરિયાં,
મુને સોય તણી રત સંભરિયા.

[આષાઢ ગાજે છે. આકાશ લૂંબીઝૂંબીને ઢળી પડ્યું છે. વાદળાં બેવડાં ને ચોવડાં થર બાંધી ગયાં છે, મહેલાતો જાણે કે લાડઘેલી થઈ ગઈ છે. નીર એટલાં છલકાય છે કે નળિયાંમાં ઝલાતાં નથી. ધરતી પર ઇંદ્ર ગાજ્યા જ કરે છે. સરોવરમાં નવાં પાણી ઊભરાયાં છે. તેવી ઋતુમાં, હે અજમાલ નથુના પુત્ર આલણ, તું મને યાદ આવે છે.] એમ ત્રણ-ત્રણ ને ચાર-ચાર પલટા ખવરાવી છેલ્લા ચરણનું કલેજું ચીરનારું સંભારણું ગળામાં વારંવાર ઘૂંટે છે. અને ચારણની વાણી પર ફિદા બનીને દરબાર પોરસા વાળો પડકાર આપે છે કે “વાહ વા! વાહ વા, ગઢવા! પ્રાણ વીંધી નાખ્યા! હાં મારો ભાઈ! હવે શ્રાવણ ભલે થઈ જાય! જો, સામા મોરલા ગહેકે છે! જો, છંદ હેઠો ન પડી જાય!” એમ ભલકારા સાંભળતાં તો ચારણે શ્રાવણનું રૂપ બાંધ્યું :