હાલરડાં/હાલો વા'લો રે.

Revision as of 06:47, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હાલો વા'લો રે.|}} <poem> હાલો રે વા'લો રે કાન કરસન કાળો હરિને હીંચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હાલો વા'લો રે.

હાલો રે વા'લો રે કાન કરસન કાળો
હરિને હીંચકો વા'લો!

શામળી સૂરત શામળો વાલો હાં-હાં-હાં
રંગમાં રૂપાળો,
માતા જશોદા એમ જ કે' મારો
મોરલી ધજાળો!

ભાઈ ભાઈ, મોરલી ધજાળો!
હાં...હાં મોરલી ધજાળો!
ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય
- હાલો રે વા'લો રે૦

હતું ઈ તો છતું કીધું હાં-હાં-હાં
કાનજી, તારું કામ;

વારિ ને વરમાંડ ડોલ્યાં,
મેવાડો મસ્તાન!

ભાઈ ભાઈ, મેવાડો મસ્તાન!
હાં હાં મેવાડો મસ્તાન!
ઓળોળોળો હાલ્ય હાલ્ડા હાલ્ય!
- હાલો રે વા'લો રે૦
પરથમ તો ધોબીડાં લૂટ્યાં હાં-હાં-હાં
જોયું મથુરા ગામ
મામા કંસને મારતાં કાંઈ
વરત્યો જેજેકાર!
ભાઈ ભાઈ, વરત્યો જેજેકાર!
હાં...હાં વરત્યો જેકાર!

ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય!
— હાલો રે વા'લો રે૦

પાતાળે જઈને કાના હાં-હાં-હાં
નાથ્યો કાળીનાગ,
પોયણ કરે પાંદડે કાંઈ
પોઢ્યા દીનોનાથ!

ભાઈ ભાઈ, પોઢ્યા દીનોનાથ!
હાં...હાં પોઢ્યા દીનોનાથ!
ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય!
- હાલો રે વા'લો રે૦

દોટ મેલીને દડો લીધો હાં-હાં-હાં
વનમાં પાડી વાટ;
માતા જશોદાએ હાલરડું ગાયું
ઊગમતે પરભાત!

ભાઈ ભાઈ ઊગમતે પરભાત!
હાં...હાં ઊગમતે પરભાત!
ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય
- હાલો રે વા'લો રે૦

ચણ્યા કેરો છોડ મગાવું હાં-હાં-હાં
ઓળા પડાવું;
બાળા કાના, છાનો રેને
ગૂંજો ભરાવું!
ભાઈ ભાઈ, ગૂંજ ભરાવું!
હાં...હાં ગૂંજો ભરાવું
ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય
-હાલો રે વા'લો રે૦

શેરડી કેરો સાંઠો મગાવું હાં-હાં-હાં
પાળીએ છોલાવું;
બાળ કાના, છાનો રે ને,
ગૂંજ ભરાવું!
ભાઈ ભાઈ, ગૂંજ ભરાવું!
હં હાં ગૂંજાં ભરાવું!
ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય
- હાલો રે વા'લો રે૦

શામળી સૂરત શામળો વાને હાં-હાં-હાં
રંગમાં રૂપાળો;
માતા જશોદા એમ જ કે'
મારો મોરલી ધજાળો!

ભાઈ ભાઈ, મોરલી ધજાળો!
હાં...હાં મોરલી ધજાળો!
ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય-

હાલો રે વા'લો રે
કાન કરસન કાળો
બાળાને હીંચકો વા'લો