હાલરડાં/નિવેદન

Revision as of 12:43, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નિવેદન

આમાંનાં કેટલાંક હાલરડાં ‘રઢિયાળી રાત’ (ભાગ ૨)માં બહાર પડેલાં છે. બીજાં કેટલાંક જડી આવ્યાં તે ભેળવીને આ અલાયદો સંગ્રહ કરેલ છે. અલાયદો સંગ્રહ એ હેતુથી કે એક સ્વતંત્ર વિષય તરીકેની એની મહત્તા બતાવી શકાય; અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત વગેરે હાલરડાંની સાથે સરખાવી તેનો તુલનાત્મક પ્રવેશક આપી શકાય; તથા હાલરડાંની ધારા વહેતી રાખવાની અગત્ય સમજાવી શકાય. આજે માતાઓ નવાં હાલરડાં માગે છે, જૂનાંને વીસરી ગઈ છે. એ વિસ્મૃતિ ટળો અને નવાં રચવાની પ્રેરણા કોઈ માતૃપ્રેમી કવિને મળો! એક બીજો આશય એ હતો કે નજીવી કિંમતે આવી રમકડા જેવી નાની સ્વતંત્ર પુસ્તિકાને આપણી માતાઓ-બહેનો જલદી ખરીદી શકે અને સહેલાઈથી વાપરી શકે. ત્રણેક ગીતો હાલરડાં નથી, પણ સરતચૂકથી સંગ્રહમાં પેસી ગયાં છે.

[બીજી આવૃત્તિ]

આ રમકડા જેવી ચોપડીનો ત્વરિત સત્કાર થયો તે બદલ લોકસાહિત્યના પ્રેમીઓનો આભાર માનું છું. તાજેતરમાં મુંબઈ ખાતે મારી જે વ્યાખ્યાનમાળા ચાલે છે તેના પ્રથમ વ્યાખ્યાન માટે ‘હાલરડાં તથા બાલગીતો’નો વિષય મેં રાખેલો હતો. તેને અંગે વિધવિધ ભાત્યનાં બાલગીતોની મીમાંસામાં મારે ઊતરવું પડ્યું હતું. એ દોહનને પરિણામે હું તરતમાં જ આપણાં બાલ-જોડકણાં (‘નર્સરી ર્હાઈમ’)નો એક નાનો સંગ્રહ, એના તુલનાત્મક પ્રવેશક સહિત, પ્રકટ કરવાની સ્થિતિમાં છું. જીવન-કાવ્યના પ્રથમાંકુરો ક્યાંથી ને કેવી રીતે ફૂટે છે તેની સમજ વાચકગણને એ ચોપડીમાંથી મળી શકશે. બાળકોને તો બહુ ગમશે. વસંતપંચમી: ૧૯૨૯ઝ. મે.

[ત્રીજી આવૃત્તિ]

લોકગીતોના નક્ષત્રમંડળમાં હાલરડાં અને બાલગીતોનું નાનકડું ઝૂમખું શીતળ તેજે ચમકી રહ્યું છે. એની શોભા એની સાદાઈ અને સુઘડતામાં જ રહેલી છે. એનો અલાયદો સંગ્રહ મેં બાળપ્રેમીઓની ઈચ્છાથી ચૌદ વર્ષ પર ગોઠવી આપ્યો હતો. આ ત્રીજી આવૃત્તિ કરતી વેળા નવેસર શ્રમ લઈને મેં જેને હાલરડાં ન કહી શકાય તેવાં લાગેલાં પાંચ ગીતોને બાદ કરી દઈને નવાં શુદ્ધ હાલરડાં ઉમેરેલ છે. સૂરત બાજુના નમૂનાઓ મેં સ્વ૦ રણજિતરામ સંગ્રહેલ ‘લોકગીત’માંથી, સ્વ૦ મહીપતરામકૃત નવલકથા ‘વનરાજ ચાવડો’માં એમણે વાપરેલાં લોકગીતોમાંથી તેમ જ સ્વ૦ નર્મદ સંગ્રહેલ ‘નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો’માંથી મૂકીને અન્ય સોરઠી હaલરડાં સાથે એનું સામ્ય તેમ જ વૈવિધ્ય સમજવાની સગવડ કરી આપી છે. આમાંનાં ત્રણ પારસી, હિન્દુસ્તાની, તેમ જ મહારાષ્ટ્રી હાલરડાંની પ્રાપ્તિ તો ઐતિહાસિક છે! ૧૯૨૯ના ફેબ્રુઆરીમાં જ્યારે હું સ્વ૦ ડૉ૦ જીવણજી મોદીના પ્રમુખપદે જ્ઞાનપ્રસારક મંડળીના ઉપક્રમે મુંબઈમાં સર કાવસજી જહાંગીર હૉલમાં એક વ્યાખ્યાનમાળા આપી રહ્યો હતો, તે વખતે ‘હાલરડાં’ ને ‘બાલગીતો’ના ઊઘડતા જ વિષયમાં રસ પામેલાં શ્રીમતી ધનબાઈ બમનજી વાડિયા નામનાં અજાણ્યાં અણદીઠાં એક પારસી બહેને ડૉ૦ જીવણજી મોદી પર પોતાની લખેલી એક નોટબુક મોકલેલી, તેમાં જૂનાં-નવાં કેટલાંક હાલરડાં હતાં. એ બહેનની સૂચના મુજબ સ્વ૦ ડૉ૦ જીવણજીએ મને એ નોટ નીચેના કાગળ સાથે મોકલી: “આ સાથે કેટલાંક પારસી ગીતોની હસ્તપ્રત મોકલું છું તેમાં કદાચ આપને રસ પડશે. આપના વ્યાખ્યાનમાં શ્રીમતી ધનબાઈજી બમનજી વાડિયાને રસ પડવાથી તેમણે તે મારી ઉપર મોકલી હતી. એનો ઉપયોગ કરી લીધા પછી મને તે પાછી મોકલાવશો.” આ કાગળ અને નોટ, મારી પાસે આટલાં વર્ષ- બરાબર તેર વર્ષ! - મારી હસ્તપ્રતોના જીર્ણ થોકડા સાથે સલામત પડ્યાં રહ્યાં છે તેની મને પોતાને પણ હમણાં જ ઝબકતી જાણ થઈ. હું મારા સદ્ભાગ્ય માનું છું કે મારા અભ્યાસજીવનના એક સુંદર સોપાન સમી એ યાદગાર વ્યાખ્યાનમાળાના પ્રણેતાની તેમ જ એ દિલસોજ અજાણ્યાં પારસી બાનુની સ્મૃતિ આ રીતે મારી પાસે સચવાઈ રહીને અત્યારે હવે આ પુસ્તિકામાં અંકિત બને છે. આ બહેનની નોટમાંના ત્રણ નમૂના ઉપાડીને, મને જરૂરી ભાસેલી પાઠશુદ્ધિ કરીને મૂકું છું અને મને ખબર નથી, ખાતરી નથી, કે એ બાનુને આ પહોંચશે! – એમનું ઠેકાણું આજે તેર વર્ષે આ પૃથ્વી પર કોણ જાણે ક્યાં હશે! રાણપુર: ૧૭-૨-'૪૨ ઝ૦ મે૦