કિરીટ દૂધાતની વાર્તાઓ/૬. વીંટી

Revision as of 06:28, 14 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. વીંટી| }} {{Poem2Open}} ‘લે, આ લપળો પણ હાર્યે આવવાનો છે?’ રામજીબાપા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૬. વીંટી

‘લે, આ લપળો પણ હાર્યે આવવાનો છે?’ રામજીબાપા મને જોઈને નારાજ થઈ ગયા. હું ઓઝપાઈને આઘો ઊભો રહી ગયો. માથામાં નાખેલા ધુપેલની અને નવાં કપડાંની આછી, તાજી વાસમાં ખોવાઈ ગયેલો એમાંથી તરત બહાર આવી ગયો. મેં ઓશિયાળા મોઢે બાપા સામે જોયું. બાપા આમાં ખાસ કોઈ વાત ન હોય એમ નળિયાં ગણતા હોય એમ ઊંચું મોઢું કરીને બોલ્યા, બે દિવસથી વાંહે થ્યો કે મને લઈ જાવ, મને લઈ જાવ, પછી તારી ભાભી બોલી કે ખેધે પડ્યો છે તો લઈ જાવને, આમેય સવારે જઈને સાંજે પાછા જ આવી જવાનું છે ને, નકામું કાં વેન કરાવવું!’ પણ રામજીબાપાની ખીજ ઓછી ન થઈ. ‘ન્યાં ક્યાં રતિલાલની જાન જોડીને જાઈ છી, જિંથરીથી ઈ આજારને પાછો લાવવાનો છે.’ બાપા ચમક્યા. પછી રામજીબાપાને પણ ખ્યાલ આવ્યો કે ફળિયામાં કેશુબાપા પણ હાજર છે. એની હાજરીમાં રતિમામાની વાત ન કરવાની હોય તેમ ચૂપ થઈ ગયા. મારા વિશે પણ લાંબું બોલાય તો બાપાય નારાજ થાય એ જાણતા હતા. તોય મારી સામે જોઈ, મોઢું ફૂંગરાવી બોલ્યાઃ ‘બિરાજો, તમેય ગાડીમાં.’ જોકે કેશુબાપાનું આ વાતચીતમાં ધ્યાન નહોતું. એ મોટરના ડ્રાઇવર સામે લમણાઝીંક કરતા હતા. હમણાંથી એવું થતું કે કેશુબાપાની હાજરીમાં બાપા કે રામજીબાપા, રતિમામાની ઝાઝી વાત કરતા નહીં. બજારમાં થઈને ગાડી નીકળી તો ત્યાં હલચલ થઈ ગઈ. બેચાર ડોબાં ભડકીને ભાગ્યાં. સામેથી આવતાં ગાડાંને ગાડાવાળાઓએ તારવી લેવા પડ્યાં. બે-ત્રણ જણે હાથ લાંબા કરીને નવાઈથી ત્રણેય બાપાઓને પૂછ્યું, ‘ક્યાં જાવ છો?’ પણ બાપા અને રામજીબાપાએ માથાં હલાવ્યાં. કાંઈ બોલ્યા નહીં. કેશુબાપા બેધ્યાન થઈ ગયા હોય એમ બેઠા હતા. રસ્તામાં ખભે દફત૨ ભરાવીને મારાં ધોરણનાં છોકરાં જતાં હતાં એમને મેં જોરથી કીધુંઃ ‘એય લવકા, એય ધીરિયા, એ ય જયલી, તમારે નિહાળ્યે જાવાનું, મારે રજા, મારે રજા.’

એ બધાં ચમકી ઊભાં રહી ગયાં. બાપાએ ઇશારો કરી મને બોલાબોલ કરવાની ના પાડી એટલે હું મૂંગો થઈ ગયો.

પાદર વટ્યું. મોટર સડકે ચડી એટલે બાપા બોલ્યા : ‘જો ગામતરામાં તું ચારેબાજુ ડોળા ફાડીને બધું જોયા કરશ્યો. વચ્ચે વચ્ચે આંખ્યું બંધ કરી દેવી જોઈએ એવું તને ભાન નથી રે’તું એટલે પછી ઊલટી કરશ્યો. વળી, અમારાં કપડાં બગાડીશ. ઈ કરતાં આંયા મારા પગ ઉપર માથું મૂકી, આંખ્યું બંધ કરીને સૂઈ જા. જિંથરી આવશે એટલે તને જગાડશું.’ એમણે સાથળ ઉપર ખાદીનો રૂમાલ પાથરી, એ ૫ર મારું માથું ઢાળી થપથપાવવા મંડ્યાં. મને ઊંઘ નહોતી આવતી. મોટરની ઘરઘરમાં ઘડીક કોઈ કશું ન બોલ્યું. આમ જ પંદરેક મિનિટ જતી રહી. હું થોડોથોડો સળવળ્યા કરતો હતો. ત્યાં રામજીબાપા ધીમેથી બોલ્યા, ‘ભાણો સૂઈ ગયો લાગે છે. તો પછી થોડીક વાતુંની ચોખવટ્ય થઈ જાય તો સારું.’ બાકીના બંને બાપા ચૂપ રહ્યા, એટલે એમણે વાત આગળ વધારી : ‘પછી ડૉક્ટરે ફાઇનલ શું કીધું?’ સવારથી પહેલી વાર કેશુબાપાએ મોઢું ઉઘાડ્યું. ડૉક્ટર કે છે કે હવે દરદીને પાછો લઈ જાવ અને સેવા કરો એટલે મેં પૂછ્યું કે અમદાવાદ સિવિલમાંય ટીબીની હૉસ્પિટલ છે ન્યાં લઈ ગયા હોય તો કેમ રેય?’ એટલે ડૉક્ટર બોલ્યા કે, મારી ના નથી, પણ ઝાઝો ફેર પડે એમ લાગતું નથી.’ એમનો અવાજ ઘોઘરો થઈ ગયો હતો. ગળું સાફ કરવા વચ્ચે વચ્ચે બે-ચાર વાર ખોંખારા ખાવા પડ્યા. બાપા બોલ્યા : પછી મેં જ કેશુને કીધું કે જિંથરીવાળા જ ના પાડતા હોય હવે રતિલાલને દવાખાનાના ખાટલા તોડાવવા ઈ કરતાં ઘેર્યે લઈ આવીએ. બધાંય સગાંવાલાં અને ખાસ કરીને બેન્યું-દીકરિયું આયાં ઘેર્યે આવી ખબર્ય કાઢી જાય તો ઈ બધાંયને કાહટી નૈ.’ વળી ત્રણેય મૂગા થઈ ગયા. હું શ્વાસ રોકીને સૂતો હોઉં એમ હલ્યાચલ્યા વગર પડી રહ્યો. પછી બાપા બોલ્યા : ‘તો પછી રતિલાલના સગપણનું શું કરવું એનીય ચોખવટ્ય કરી લેવી જોઈ.’ ‘કેમ?’’ જાણે કેશુબાપા ચમકી ગયા હોય એમ મોટેથી બોલ્યા : ‘અઠવાડિયા પહેલાં હું અને રામજી પીપરિયા ભાદાણી કુટુંબમાં ખરખરાના કામે ગયેલા. રતિલાલના સાસરે ખબર પડી કે હું અને રામજી આવ્યા છઈ એટલે રતિલાલના સાસરા અને કાકાજી સાસરા અમને બેયને ચા પીવા બરકી ગ્યા.’ પછી રતિલાલના કાકાજી સાસરાએ વાતમાંથી વાત કાઢીને બોલ્યા : ‘તમારે ત્રણેય ભાયુંને સંપ સારો છે. કોઈ વાત એકબીજાથી અછતી હોય જ નૈ એટલે મારો તો સ્વભાવ છે કે સીધું જ પૂછી લેવું. એટલે આજ પૂછી લઉં છું કે અમારા જમાઈની તબિયત વિશે અમે થોડાક નબળા સમાચાર સાંભળ્યા છે ઈ સાચું? સારું થ્યું કે તમે આંય ખરખરામાં ભટકાઈ ગ્યા, નકર મારે ને ભાઈને રૂબરૂ ધક્કો થાત આ પૂછવા વાંકે, અમે કાંઈ ખાત્રીબંધ હા કે ના નો પાડી એટલે ઈ જ બોલ્યા કે તો પછી આપડે અટાણે જ આ સગપણ તોડી નાખવું સારું. ચોખ્ખી વાત છે, જમાઈને કાંઈ થઈ ગ્યું તો તમે દીકરો ખોવો ઈ તો બરાબર્ય પણ અમારી દીકરીના કપાળે તો કાળી ટીલી લાગી જાય. પછી બીજું સગપણ ગોતતાં અમને નવનેજાં પાણી ઊતરે.’ ‘છતાં એમને વાત કરી વગદ્યા કરી એટલે ઈ કંટાળ્યા હોય એમ બોલી ગ્યા, પછી આ વાતનો ફોડ તમે પાડીને હા કે નામાં જવાબ મોકલાવજ્યો, દસ-પંદર દીમાં વ્યવસ્થિત જવાબ નૈ આવે તો અમારે જ રૂપિયો-નાળિયેર પાછાં મોકલવાં પડશે.’ આ સાંભળી કેશુબાપા પોક મૂકીને રોવા મંડ્યા. હું તરત ચમકીને બેઠો થઈ ગયો. મારા માથે ખાદીનો નેપકીન લાજ કાઢ્યો હોય એમ લટકતો હતો. આટલી ઉંમરના મરદને આમ ધ્રુસકું મેલતાં મેં તો પે’લી વાર જોયા એટલે હું તો સાવ બીય ગયો. મને થયું કે આંયા વળી ક્યાં આવ્યા! પછી બંને બાપાએ કેશુબાપાને જાતજાતનાં આશ્વાસન આપી છાના રાખ્યા. બાપા મારી ઉપર ખિજાણા, ‘તું કેમ બેઠો થ્યો? મોટાની વાતુંમાં પડાય? સૂઈ જા કવ છું.’ હું ફરીથી આડો પડ્યો. બે દિવસ પહેલાં બાપા મોટાં બાને વાત કરતા હતા કે રતિલાલને લેવા જાવો પડશે. એ સાંભળીને મેં વેન આદરેલું કે મારેય આવવું છે ને આવવું છે. હમણાં રતિમામા ક્યાંય દેખાતા નહોતા. મેં બધાંને પૂછપરછ કરેલું કે, ‘રતિમામા કેમ કળાતા નથી? ક્યાં ગ્યા છે?’ આ સાંભળીને માસિયું ભરત લઈને બેહી જાય. મામાઓ ખિસ્સામાંથી નવકૂકરી કાઢી લાદી ઉપર આડાઅવળા લીટા તાણવા બેસી જાય. મોટાં બા કે એવી મોટી ઉંમરની બાયું રસોડામાં જઈ ઢાંકોઢૂંબો કરવા મંડે કે ઢોરને કડબ નીરવા ગમાણ બાજુ જતાં રહે. મોટેરાં ખિસ્સામાંથી બીડિયું કાઢી લીલા કે ધોળા દોરાને વળ ચડાવી મોઢામાં મૂકી ધુમાડા કાઢતાં બોલે, ભાણા, આમ લપળાની જેમ વાંહે લાગ્ય મા, જા, રમવા જા.’ મને એમ કે એ સુરત હીરા ઘસવા કે અમદાવાદ મિલમાં દાખલ થવા ગયા હશે. ક્યાંક વળી મુંબઈ પણ ગયા હોય તો તો વળી ઓર મજા! એ બધા દિવાળી કરવા ગામમાં આવે ત્યારે એમને સ્ટેશને લેવા જાવાની બહુ મજા પડે. શું કપડાં પહેર્યાં હોય બધાએ! હાથમાં ટંકડી ન હોય હોં, સરસ મજાની બૅગો શોભે. મોઢું દેખાય એવા બૂટ ને પાછાં નવાં મોજાં પહેર્યાં હોય. કૅવેન્ડર ઉપર કૅવેન્ડર પીતા જાય ને સુરત, અમદાવાદ ને મુંબઈની જાતભાતની વાતો કરતા જાય. વચ્ચે વળી ચપટી વગાડી કૅવેન્ડરની રાખ ખેરે. એમની વાતો સાંભળીને થાય કે હવે આને એકલા મૂકવા જ નથી. બસ એ બધાની વાતો જ સાંભળ્યા કરીએ. પછી એ વાતો પાછી નિશાળમાં એકબીજાને કરવાની તો એનાથીયે ખૂબ મજા આવે. રતિમામાને લેવા જાવાની વાત નીકળી એટલે થયું કે ચાલો આપણેય સાથે જઈએ. ટેસડો પડી જશે. પછી બધાંયને એની વાતું કરશું. મારા ધોરણના લવા અને ધીરિયાના ભાયું છે સુરતમાં તે કાંઈ ફાંકા મારે! એનેય કહેવાય કે લે તંઈ સાંભળ, આ મારા રતિમામાની વાત. એય કાંઈ ઓછા નથી હોં. એનેય દીકરાવને ખબર પડે પણ આ કેશુબાપા રોવા કેમ મંડ્યા? શું હશે? શું થયું હશે? બસ આવું બધું વિચારતો હતો એમાં ઘારણ વળી ગયું. એ તો મોટર ઊભી રહી એટલે બાપાએ ઉઠાડ્યોઃ ‘જો કાળુ, જિંથરી આવી ગ્યું. ઊઠ્ય, રતિમામાને લેવા આવ્યો છો ને? દવાખાનામાં જા ને મળ્ય તારા મામાને તબિયતના સમાચાર પૂછ્ય.’

‘ભાણો આવ્યો છે ને શું!’ રતિમામા મને જોઈ હસી પડ્યા. પછી ત્રણ ચાર ઉધરસ ખાધી. ત્રણેય બાપાને ખાલી હાથે જોઈ બોલ્યા, ‘કેમ આ વખતે કાંઈ નો લાવ્યા? મેં મંગાવ્યું’તું ઈ બધુંય ભૂલી ગ્યા?’ કેશુબાપા મૂંઝાઈને રામજીબાપા સામે જોઈ રહ્યા. રામજીબાપા બોલ્યા, ‘રતિલાલ ડૉક્ટર આજ રજા આપવાના છે, એટલે થ્યુંં કે ક્યાં બધુંય ઊંચકીને જાવું. સાંજે તો ગામ પાછા.’ ‘લે એવું થ્યું! જોયું સુધારો આવી ગ્યો ને? શરૂઆતમાં બધાંયને થાતું’તું ફેર નહીં પડે. હવેની દવાનો ચમત્કાર જોયો?’ હું આવાં બધા કેસો મારી સગી આંખે જોવું છું ને. આપણને તો માન્યામાં નો આવે. બાજુના કૉટેજવાળા ગણાત્રાભાઈ છે ને. બોલતાં બોલતાં રતિમામાને લાંબી ઉધરસ આવી. એ પલંગની ઈસ પકડીને ઉધરસ ખાવા મંડ્યા. થોડી વાર પછી બાપા અને કેશુબાપા ડૉક્ટરનું બિલ ચૂકવવા ગયા. રામજીબાપાને સંબંધના કામે સોનગઢ જવાનું હતું એટલે એ મોટર લઈને નીકળ્યા. હું અને રતિમામા એકલા પડ્યા. ‘શું ભાણા, ગામમાં બધાંય શું કરે છે?’ એમનું મોઢું મરકવા માંડ્યું. એમનું શરીર સાવ ખેંખળી થઈ ગયું હતું. મોઢું સુકાઈ ગયેલું. ગાલ ઉપર ભઠ્ઠીમાં બહુ પકાવેલી ઈંટો જેવી પાકી લાલાશ પર આછા કાળા ડાઘ દેખાતા હતા. દાંત એકદમ મોટા થઈ ગયા હોય એવું લાગતું હતું. વાળ તેલ નાખીને વ્યવસ્થિત ઓળ્યા હતા એટલે કે કેમ પણ કપાળ ઘણું મોટું લાગતું હતું. બોલતા ત્યારે બંને બાજુ આંખથી હોઠ સુધીના આખા ગાલ પર બે ચાસ પડી જતા હોય એમ ચામડી આછા કમકમાં આવે એ રીતે ખેંચાતી હતી. એમની આંખોમાં પાણી વગરના ભંમરિયા કૂવા જેવું ઊંડાણ દેખાતું હતું. એટલે એમની પાસે બેઠો હોઉં ત્યારે કોઈ વિકરાળ જનાવર પાસે બેઠો છું એવું લાગતું હતું. મને ઊભા થઈને રૂમ બહાર નીકળી જવાનું મન થયું પણ હિંમત ચાલતી નહોતી. થોડી વાર પછી એ ઊભા થયા. કબાટ ખોલી થોડાં બિસ્કિટ લઈ આવ્યા. મને કહે, ‘ખા, આમ તો દરદીને ખાવાનાં છે પણ બીજા ખાય તોય વાંધો નહીં, ઘણાય તો આને સંતાડીને ઘેર્યય મોકલે છે.’ મેં ડોકું ધુણાવ્યું, ‘નૈ-નૈ’. એમણે આગ્રહ કર્યો, ‘ખા-ખા, ખવાય તું તારે’ મેં અડધું બિસ્કિટ મોઢામાં મૂક્યું. અંદરથી અમી સુકાઈ ગયેલાં. કેમેય કરી રસ છૂટે જ નહીં ને! ગળામાં છોલાતું હોય એવું લાગ્યું. બાકીનાં બિસ્કિટ દવા રાખવાના સ્ટીલના ટેબલ ઉપર રાખી દીધાં. રતિમામા બોલ્યા, ‘ઠીક તંઈ નો ખાવા હોય તો ત્યાં મૂકી દે, બાકી આ બિસ્કિટ ખાવાથી શક્તિ બોવ આવે હો. સામેના ‘કૉટેજવાળા સુરાણીભાઈ તો આ બિસ્કિટ ઉપર જ સાજા થઈ ગયેલા.’ એના હાથના ગોટ્યલા જોયા હોય તો! જો મારા ગોટલ્યા જો! એમણે ખમીસની બાંય ઊંચી કરીને ગોટલો ફુલાવવાની પેરવી કરી. નાની સોપારી જેટલી લોંદો થ્યો. ‘જો દેખાય છે ને? હજી નાનો છે પણ ધીરે ધીરે ઈ ફૂલવા મંડશે.’ એ થોડી વાર ચૂપ બેઠા પછી ઝડપથી ઊભા થઈને દમામથી રૂમમાં આંટો માર્યો. પછી ખાટલા પર બેસી ગયા, ‘કેમ હાલે છે તારો અભ્યાસ? તારા ધોરણમાં તો માસ્તર પરગડઅદા કેમ? ઊંકારો નો થાય ખરું ને? મેં જવાબ ન આપ્યો. એ જમણા હાથની બીજી આંગળીમાં પહેરેલી વીંટી ગોળ ગોળ ફેરવવા મંડ્યા. વળી એમના મોઢા ઉપર મલકાટ આવ્યો. મને વીંટી બતાવીને પૂછવા મંડ્યા. ‘શેની છે બોલ્ય તો?’ ‘મને નથી ખબર.’ ‘મારા સાસરાએ આપી છે. રૂપિયો-નાળિયેર દેવાણા ને તંઈ. છેને ગઠ્ઠા જેવી?’ બોલીને એ ફરીથી આંગળીમાં વીંટી ફેરવવા મંડ્યા. અચાનક વીંટી એમની આંગળીમાંથી સરકી દડતી દડતી એક ખૂણામાં જઈને પડી. એમનું મોઢું પડી ગ્યું, ‘લે આય ખરી છે.’ પછી ઊભા થઈ વીંટી ઉપાડીને કબાટમાંથી મખમલની નાની ડબ્બી કાઢી. એમાં મૂકી દીધી, ‘પછી પે’રશું કાંઈ નહીં કાંઈ નહીં.’ ફરીથી ઊભા થયા, ‘ભાણા તારી મામીને જોઈ છે કે નૈ? હાલ્ય બતાડું,’ કરતા એમની ટંકડીમાંથી એક ખાખી કવર લઈ આવ્યા. એમાંથી એક ફોટો કાઢીને બતાવ્યો, ‘જો કોણ છે? કૈલાસ! તારી મામી.’ ફોટામાં રતિમામાનું શરીર ભરાવદાર લાગતું હતું. હસતા હસતા આપણી સામે ઇશારો કરતા હોય એમ ઊભેલા, એમના ડાબા ખભાને ઢાંકીને સહેજ આગળ શરમાતાં હસતાં હોય એમ કૈલાસમામી ઊભાં હતાં. બીજના કટકા જેવી બાઈ લાગતી હતી. ‘કંઈ પડાવ્યો છે કઉ? બેયના ઘેર્યેથી સંતાડીને હો. એક વાર સંતાઈને બેય જણાં અમરેલી પિક્ચર જોવા ગ્યાં’તાં ‘ખેમરો લોડણ.’’ પછી ટાવર પાંહે ટુડિયો ને ત્યાં છાનાંમાનાં પડાવી આવ્યાં. આની એક કૉપી તારી મામી પાંહેય છે હોં. જો ભાણા, આ શિયાળામાં લગન. નવાં લૂગડાં સિવડાવી લેજે હોં. મામાની જાનમાં જાવાનું છે ભાય.’ પછી વધારે પડતી ખાનગી વાત મને કહેવાઈ ગઈ હોય એમ અચાનક ચૂપ થઈ ગયા. વળી મનમાં જ કાંઈ નહીં, કાંઈ નહીં બોલીને ખાંસીનું ઠસકું મૂક્યું. મને અકળામણ થઈ. મેં ઊભા થઈને રૂમમાં આંટા મારવા માંડ્યા. ઘણા વિચાર આવતા હતા પણ બોલવાની ઇચ્છા નહોતી થતી. વળી રતિમામા બોલ્યા, ‘ભાણા, ચતુર શું કરે છે?’ ‘ચતુરમામાને હે ઈ મજામાં છે, કેમ?’ ‘– એને કઈ દેજે કે આ વખતે જેવડી મોટી હોળી પ્રગટાવી હોય એવડી પ્રગટાવે. હોળી કૂદવામાં રતિલાલનો જ નંબર પેલ્લો રે’વાનો. ગ્યા વખતે ભલે ઈ કૂદી ગ્યો’તો. આ વખતે એને ફાવવા નથી દેવો. બધાયને ઈ નાળિયેરની ઊની ઊની શેષ આ રતિમામા જ ખવરાવશે અને ઘઉંની ઘૂઘરી ઈ જ વહેંચશે. કઈ દેજે.’ મને ફેર ચડવા મંડ્યાં, ‘મામા, હું બહાર આંટો મારી આવું.’ કહીને નીકળ્યો. મેદાનમાં મરિયલ તડકો પથરાઈને પડ્યો હતો. ચારેબાજુ દરદીઓની રૂમ છૂટી-છવાઈ આવી હતી. ફરતો ફરતો દવાખાનાની ઓસરીમાં થઈ નીચે દાદરો ઊતરી રસોડામાં જતા રહેવાયું. ચારેક સ્ત્રી-પુરુષો મોટા ચૂલા ઉપર શાક-રોટલી, દાળભાત રાંધતાં હતાં. બે જણાં નવાઈથી મને તાકી રહ્યાં. દાદરો ચડી ઉપર આવ્યો. ફરીથી બીજો દાદરો ચડ્યો ત્યાં એક રૂમમાં થોડાક દર્દીઓના પલંગ હતા. ત્રણેક જણાં પલંગમાં ચત્તા સૂતાં હતાં. એમની કેડ પાસે કાણું પાડી નળી જોડી હતી. એમાંથી એક પ્લાસ્ટિકની નાની કોથળીમાં પાણી ખેંચાતું હતું. એક પલંગમાં સાતેક વરસની છોકરી સૂતી હતી. એની કેડમાંથી પણ પીળાશ પડતું સહેજ ડોળું પાણી નળીની કોથળીમાં ટપકતું હતું. પલંગની બાજુમાં નાના ટેબલ ઉપર બેસીને એક સ્ત્રી ભરત ભરતી હતી. પલંગના છેડે એક પુરુષ ધ્યાનથી છાપું વાંચતો હતો. છોકરીએ મારી સામે જોતાં કણસવા જેવું કર્યું. એના મોઢા પર દુઃખ નીતરતું હતું, પરંતુ એના ગળામાંથી અવાજ ન નીકળ્યો. બે-ત્રણ પુરુષો દવાખાનામાં ઢીલાં કપડાંમાં મોઢે કપડાં બાંધી ધીમેથી હરફર કરતા હતા. રૂમમાં બધેથી ઊબકા આવે એવી ગળચટ્ટી અને ખંજવાળીએ ત્યારે સારું લાગે એવી વાસ સતત આવ્યા કરતી હતી. બધું સપનામાં થાય તેમ જરા પણ અવાજ થયા વગર કરતું હતું. એક નર્સ દર્દીના ખાટલા પાસે ઊભી હતી. એણે મને હાથનો ઇશારો કરી બહાર જતા રહેવાનું કહ્યું. હું દાદર ઊતરી બીજી ઓસરીમાં આવ્યો. ત્યાં નાની રૂમોની હાર હતી. એક રૂમની બહાર બાપા અને કેશુબાપાનાં પગરખાં પડ્યાં હતાં. અંદરથી બાપાનો અવાજ આવ્યો, ‘ડૉક્ટર સાબ્ય, તંઈ હવે દરદી વિશે અમારે શું સમજવું?’ ‘એક ફેફસું સાવ ખવાઈ ગયું છે, બીજું અર્ધું પણ ખલાસ થઈ ગયું હોય તેમ ઍક્સ-રે બતાવે છે. હવે આમાં શું કહેવા જેવું હોય? તમે ઘેર લઈ જવા આવ્યા છો એ ડહાપણનું કામ કર્યું. બધાં સગાંવહાલાંને મળવા બોલાવી લેજો.’ હું ઝડપથી પાછો વળ્યો. રૂમમાં રતિમામા પથારી પર બેય હાથ ટેકવી, એક પગ ઉપર બીજા પગની પલાંઠી મારી બેઠા બેઠા હાંફતા હતા, ‘જો ભાણા, બધાય બિસ્તરા બાંધી લીધા છે. હવે રામજીકાકા આવે એટલે નીકળીએ કેમ? જોને આ સુવાસ વારે વારે ચડી જાય છે,’ કહીને એ માફી માગતા હોય એમ હસ્યા. ઢસાથી આગળ ચાલ્યા તો જાનબાઈની દેરડી આવવાની તૈયારી થઈ. અહીંયાં મોંઘીફઈ રહે. રતિમામાનાં સગાં ફઈ. મને ખાસ એટલા માટે યાદ રહી ગ્યું કે એક વાર અંબામા કહેતાં હતાં, ‘રતિ કેશુબાપાને એકનો એક છે. માંડ જીવતો ર્યો છે. સારાં પુણ્ય મોંઘી બેન્યનાં. રતિ પહેલાંનાં બધાં છોકરાં જન્મીને પાછા વળી ગયેલાં. કોઈ ઉઝરે જ નૈ ને. ઘણીય માનતાયું અને બાધાઆખડી કરેલી. છેવટે મોંઘીબેને માનતા માની કે આ રતિ ઉઝરી જાશે તો એનું ગૂ ખાશ્ય અને રતિ ઉઝરવા મંડ્યો. એટલે મોંઘીબેન ખાસ પિયર આવ્યાં. અઠવાડિયું રોકાણાં અને સાત દિ’ સુધી દિ’માં એક વાર સાવરણીની સળી રતિના ગૂમાં બોળી સળી ઉપર આવે એટલું ગૂ ખાધું. એમનું ખેતર સડકના કાંઠે જ. ત્યાં ઘડીક પાણી પીવા ઊભા રહ્યા. ફઈએ આવીને રતિમામાનાં દુઃખણાં લીધાં. દશેય આંગળીઓના ટાચકા ફૂટ્યા. પછી થોડાક આઘે જઈને રામજીબાપા સાથે વાત કરવા મંડ્યાં. રામજીબાપાએ કાંઈક કીધું એ સાંભળી ફઈ રોવા મંડ્યાં. તે એમને રતિમામાનું ધ્યાન ન જાય એમ છાનાં રાખ્યાં. ફુવાએ રોકાઈ જાવાનો અને જમીને જવાનો આગ્રહ કર્યો, પણ અમે બધાએ ના પાડી. ફઈના હાથમાં દસ રૂપિયા આપીને નીકળ્યા. ગામમાં પહોંચ્યા તો આઠ-દસ કુટુંબી રાહ જોઈને બેઠેલા. ઘેર પહોંચ્યા તો એ બધા ઘેર આવ્યા. બીજી આઠ-દસ બાયું પણ આવી. છોકરાંવની પણ ઘીંઘ વળી ગઈ. બધાંય ટોળે વળીને ચડકારા બોલાવવા મંડ્યા. ‘શરીર કેવું લેવાઈ ગયું છે મારી બાઈ!’ ‘ડિલ બોવ પાછું પડી ગ્યું છે, કેમ ચંદુ?’ રતિમામાને તરત ખાટલો ઢાળીને સુવરાવી દીધા. બાપા પનિયાથી પવન નાખવા મંડ્યા, ‘એલાંવ આઘાં જાવ, વાહર નાખવા દ્યો, બધાંય ખસો તો વાહર આવે.’ પછી મારી સામું જોઈને બોલ્યાઃ ‘તું ઘેર્યે જા, મારે થોડુંક મોડું થાહે ’ રતિમામા મારી સામે જોઈ હસવા મંડ્યા, બાકી ભાણો ઠેઠ સુધી સામો લેવા આવ્યો હોં. હું ડેલીની બહાર નીકળી ગયો.

હું મોટા પાદર બાજુ ગયો. મગજમાં બધું ચક્કર ચક્કર ફરતું હતું. આખા શરીરમાં જોરથી વલોણું ફરતું હતુંઃ ‘શરડીમ્‌... શરડીમ્‌ કાનપટ્ટી ઉપર જોરથી લાફો ખાધો હોય તેમ કાનમાં એકધારો ત્રમ અવાજ ત્રમ, ત્રમ અવાજ આવ્યા કરતો હતો. એમ જ ચાલતા કોઈ સાથે ભટકાયો, ‘રોયા રાંડુનાંવ, હવે નાના છોકરાવ જાણી જોઈને ભટકાવા મંડ્યા!’ બોલનાર અજવાળી હતી. ‘ગામનો ઉતાર. રાખ્ય રાખ્ય રાંડ, આ તો ભાણો છે જાણી જોઈને એવું નો કરે,’ બીજી કોક બાઈ બોલી. ઉતારાની વંડી પાસે માંડ પહોંચાયું. સીધી ગટરમાં ઊલટી થઈ ગઈ. એકસાથે બેત્રણ ઘળકા નીકળી ગ્યા. તોય અંદર બધું અમળાયા કરતું હતું. ઝાટકા સાથે આંતરડાં ખેંચાતા હતાં, ‘એક ફેફસું તો સાવ ખવાઈ ગ્યું છે’ - હું ગોઠણ વાળી, બેય હાથ જમીન પર ટેકવી હજી ઊલટી કરવા મથતો હતો, અજવાળી સાડલાનો ડૂચો મોઢામાં નાખી, લે હાય... હાય, બોલીને ચાલતી થઈ. મને જોતાં જ મોટાંબાનાં નસકોરાં ઉઘાડ-બંધ થયાં, પાછી ઊલટી થઈને?’ હું કંઈ ન બોલ્યો. રોયા, મોટરમાં ગ્યો તો તોય કામા કરી આવ્યો ને? ધોળાં બાસ્તાં જેવા નવાં કપડાં બગાડી આવ્યો ને? જો; તારા દરહણ જો, કેટલાં ડાઘા પડ્યા છે કપડાં ઉપર્ય? ખાટો બડબા જેવો ગંધા છો. હે ભગવાન, મારે આ છોકરાનું શું કરવું? કીધું કે ઊલટી કર્યા વગર નૈ રે, રે’વાદે રે’વાદે. પણ માને ઈ બીજા, કહેતા મને બે-ચાર ધુંબા મારી દીધા. પછી કાઢ્ય, કપડાં કાઢ્ય, કહીને અજડાઈથી ચડ્ડી-બુસકોટ, બૂટ-મોજાં કઢાવીને કપડાંનો ડંકીની ચોકડીમાં ઘા કર્યો. મને ઢસડતાં લઈ જઈને ડંકી નીચે બેસાડી દીધો અને જોરજોરથી ડંકી ધમવા મંડ્યાં. મોઢામાં ખાટો, ગંધાતો ઊલટીનો ને આખા દિવસની વાતોનો સ્વાદ હતો. દાંત અંબાઈ ગયા હતા. મોઢામાં વારંવાર ચીકણી લાળો આવતી હતી. મને થયું કે મોટાંબાએ પૂછ્યું તો નહીં કે રતિમામાને તેડવા ગ્યો’તો તે હવે એને કેમ છે? પછી થયું ન પૂછ્યું એ સારું કર્યું. ઠંડું પાણી ધડધડાટ માથા પર પડતું હતું.


{{HeaderNav2 |previous = ?????-????? |next = ????? }