અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જન્મદિવસ
પૃથ્વી
અનંત યુગ ઊતર્યા, હજી અનન્ત આવી જશે!
સુઅલ્પ જીવની શી ત્યાં કથનયોગ્ય કા’ણી હશે?
અનેક યુગ ને ક્ષણો થઈ રમી નિરાળો રમે.
પ્રવાસ નિજ ખેપતાં નિજ શું ગાન-આનંદ લે. ૧
અપાર સુખ સંપડ્યાં, વિપત વેઠી વંઠી ગયો,
તથાપિ રમતો સદા, ઉભય પાર ઊભો રહ્યો,
યુવા, રસિક, બાલ કે તરુણ, વૃદ્ધ, ભોગી, યતિ,
ન દુઃખ, સુખ ના કહીં;–નિજશું નિજની એ રતિ. ૨
ન દાહ હૃદયે કશો, નયનમાં ન આંસુ વસે,
ન બુદ્ધિ લથડે કહીં, નથી ઉપાધિ ઇચ્છામિષે;
રડે કહીં પડે દુઃખે મનથી પાછલાને સ્મરી,
ન એ કૃપણતા ભરી, ન લઘુતા, સ્વઉરે જરી; ૩
ન ફાંસ નડતી કશી, ન મનમાં ઉછાળો કશો;
અપાર તિમિરે હોરો પ્રકટ હાથ આવી વશ્યોઃ
અગાધ સમતા જડી વિકટ જાલ મમતાની માં,
ખરે! ગયાં વરસ તે ન કદીયે જણાયે ગયાં! ૪
સ્વરૂપ સમજે ન તે અરૂપમૃત્યુમાં આથડે,
સ્વરૂપ રમતે ગયાં વરસ તે ફરી છો જડે,
હજાર હજી નીકળે, ક્ષણ ન એક વા ઊગરે,
જીવ્યું જીવન જીવવું–અધિક, સાર્થ, સાનંદ, છે.