મણિલાલ હ. પટેલનાં કાવ્યો/સંપાદકીય

Revision as of 10:57, 22 March 2022 by KhyatiJoshi (talk | contribs)


‘મણિલાલને મળવું છે તો બેસો’*


– હસિત મહેતા

પંચમહાલનું મધવાસ ગામ
શિયાળાની ટાઢ
ઢળતી સાંજ
કોતરખેતરનો માર્ગ
આચાર્ય પાંડેસાહેબની ઓસરી
સળગતી સગડી
કરસનદાસ માણેકનું એકચિત્ત ધ્યાન
અને
૧૯૬૫-૬૬ના વર્ષોમાં
એક
ઊગું-ઊગું થતી કાવ્યચેતનાને
પોષતાં
કવિનો કાચો-પાકો કાવ્ય પાઠ

એ પાઠમાંથી ગરીબો વિશેનું કોઈ એકાદ કાવ્ય કવિ કરસનદાસ સાથે લઈ ગયા, અને પોતાના ‘નચિકેતા’ સામયિકમાં છાપ્યું, ત્યારે કવિ મણિલાલ હ. પટેલનો જન્મ થયેલો. એ ઉંમરનો પડાવ હતો માત્ર ૧૩ વર્ષનો. આમ તો ઘરની, સમાજની, સંબંધોની અને સગવડોની પારાવાર મુશ્કેલીઓ વચ્ચે ઊછરતો નમાયો છોકરો ટકે તો ટકેય શી રીતે? પણ એને ટેકો મળ્યો કુદરતનો, સાહિત્યનો. કાચી ઉંમરે જ કલાપી અને કાન્ત જેવા કવિઓને વાંચવા મંડ્યો હતો કિશોર મણિલાલ. એ બચાળા જીવને ઘરની જવાબદારીઓ અને ખેતરની કાળી મજૂરી કઠતી, પણ ડુંગરનો ખોળો અને કવિતા ગમતી. ખાસ તો દલપતરામના કાવ્યોએ તેને ઘેલું લગાડેલું અને કલાપીની ભગ્નહૃદયી પ્રણય સંવેદનાએ આકર્ષણ જન્માવેલું. તેથી કવિ મણિલાલની પહેલી પાટી ઉપર દલપતરામની અસરો ઉપસેલી. પણ વાંચવું, સતત વાંચવું અને કુદરતના ખોળે આળોટવું – એવી ધખનાએ કવિને અટકી પડતો અટકાવ્યો. ’૭૦ના દાયકે લખાયેલું ‘આ-ગમન પછી’ સૉનેટ ‘કુમાર’ના પાને છપાયું, અને તે એવું ચમક્યું કે વર્ષની શ્રેષ્ઠ કવિતા અને શ્રેષ્ઠ સૉનેટના બબ્બે પારિતોષિકો ખેરવી લાવ્યું. આમ તો એ વર્ષોમાં નવી-નવી સગાઈ થયેલી ‘ગોપી’ને જોવા મણિલાલ જમાઈ થઈને સાસરે ચઢી આવેલા, ત્યાં બે દિવસ રોકાયા, છતાં વાગ્દત્તાનું મુખદર્શન તો દૂરની વાત, પીઠદર્શનનો પણ કુમળો લાભ નહોતો મળ્યો એમને. વળતી વાટે એ હૃદયમાં કવિતાનો જે ઝરો ફૂટ્યો, તેણે ‘આ-ગમન પછી’ સૉનેટનું શરીર ધારણ કર્યું.

         ‘પરોઢે આવેલા સપન સમ આવ્યા, પિયુ તમે
          અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી-
          કમાડે અંઢેલી નયન જલ રોકી – નવ શકીઃ
          રડી વર્ષે હું વા વિરહ-દુઃખ? જાણી નવ શકી.’
                                     – ‘આ-ગમન પછી’

એ વર્ષો હતા તેમના મોડાસા કૉલેજકાળના, ૧૯૬૮થી ૧૯૭૦ વચ્ચેના. કૉલેજના પ્રો. પ્રાગજીભાઈ ભાંભીએ વર્ગમાં આ સૉનેટ કાળાપાટીયે ઉતાર્યું. ત્યારે પાટલી ઉપર સ્વયં વિદ્યાર્થીવેશે કવિ મણિલાલ વર્ગખંડમાં હાજર. કાવ્યરસદર્શન નિમિત્તે પ્રોફેસરે જ્યારે વર્ગમાં પોતાનું જ કાવ્ય ભણાવ્યું ત્યારે એ વિદ્યાર્થીનો કવિવેશે પ્રવેશ થઈ રહ્યો હતો. મણિલાલ હ. પટેલનો આ પહેલો કવિ પડાવ. શાળા જીવને કરસનદાસ માણેકને પોતાના કાવ્યપાઠમાં ધ્યાનમગ્ન કરવાનો, અને કૉલેજ કાળે પોતાના પ્રોફેસરને તથા ‘કુમાર’ જેવા પ્રતિષ્ઠિત સામયિકના પૃષ્ઠને આકર્ષવાનો. કવિ જન્મનો આ પહેલો પડાવ મણિલાલ માટે સફળ તો ન રહ્યો, પણ નાટ્યાત્મક જરૂર રહ્યો. ‘કવિતા મારે મન પુષ્પની સુગંધસમ સૂક્ષ્મ વસ છે’ એમ કહેતાં મણિલાલ કવિતાને ‘પ્રોસેસ ઑફ ફિલિંગ’ ગણાવે છે. તેઓ લખે છે કે ‘જે ફિલિંગ્સ છે, તે રચના દરમ્યાન ‘થિકિંગ’થી આગળ વધીને ‘નોઇંગ’ બને છે. સર્જક આ ‘નોઇંગ’ને અનુભવે છે. ભાવ-વસ્તુના અનેક પાસાં-સંદર્ભો એ ભીતરમાં ઊઘડતાં અનુભવે છે, ને શબ્દ રચનાના સંયોજન વડે એ બધું આકાર પામતું આવે છે. છેલ્લાં શબ્દ સાથે ‘નોઇંગ’ને એવું રૂપ મળે છે, જેનાથી કૃતિ એના ભાવાર્થો સાથે પૂર્ણ લાગે છે. આમ ‘ફિલિંગ્સ‘ છે એ ‘થિકિંગ‘ અને ‘નોઇંગ’ દ્વારા રચનાનું ‘બીઇંગ‘ (being) બને છે. ‘નોઇંગ‘ની પ્રક્રિયાને લીધે જ રચના અસ્તિત્વમાં આવે છે. આ પ્રક્રિયા મથાવનારી પરંતુ આનંદદાયી હોય છે. પ્રતિભાબીજ વિના એ શક્ય નથી!’૧ કવિ મણિલાલ ધીમે ધીમે દલપતરામનો ઢાળ ઉતર્યા, અને પોતાની નાજુક ભાવોર્મિઓને કવિતાનું રૂપ(બંધારણ) આપતા ગયા. મૂર્તનું અમૂર્તિકરણ કરતા ગયા. કવિતાને પ્રથમ પ્રેમ ગણતા ગયા. પરિણામે ઠીક-ઠીક ગણાય તેવી, સવાસો જેટલી કાવ્ય રચનાઓ એકઠી થઈ. જેને પોતાનાં પ્રથમ કાવ્યસંગ્રહ તરીકે પ્રસિદ્ધ કરવા ‘નક્ષત્ર ટ્રસ્ટ’ના રઘુવીર ચૌધરીને આપી. રઘુવીરભાઈએ આ ઊગતા કવિનો હવાલો સોંપ્યો ચંદ્રકાન્ત ટોપીવાળાને, પણ ઉન્નતભૂ નજર અને કડક નિરીક્ષણ હેઠળથી સવાસોમાંથી માત્ર ૧૫ જ રચનાઓ તેમના ચયનમાંથી પસાર થઈ શકી. વર્ષ ૧૯૮૩ અને કાવ્યસંગ્રહ ‘પદ્મા વિનાના દેશમાં’. તેને માટે ચંદ્રકાન્ત ટોપીવાળાનું ઝીણું નિરીક્ષણ હતું કે ‘માત્ર રાણી નહીં, પણ રાજરાણી અને માત્ર રાજરાણી નહીં, પણ ‘રાજરાણી અમૃતા’ની શોધની ઊંચી નેમનો અણસાર મણિલાલમાં કળાયો છે.... એક વાત ચોક્કસ છે કે મણિલાલની નજર ‘ખળ ખળ વિના’ની નથી. ખળ ખળ છે, પ્રવાહી છે, પ્રક્રિયા છે, સ્ફટિક બંધાવાની શક્યતા છે, તો સ્ફટિકની રાહ જોઈએ.’૨ કવિ મણિલાલની કવિતાનો આ બીજો પડાવ. કવિ જીવનની કુમારાવસ્થાનો, શબ્દ સાથે લોહીના વળગણનો, ‘લોહી ભીનો કાવ્યમાં જઈને ઢળું’ જેવું સાહસ કરવાની વૃત્તિઓનો, ટોપીવાળાની ભાષા બોલીએ તો, ‘ક્યાંક બંધાવા મથતા સ્ફટિક કે ક્યાંક સ્ફટિક બંધાવાની શક્યતાઓ’૩ વાળો આ પડાવ, એટલે કાવ્યક્ષેત્રે રીતસરના પ્રવેશ સમો, ઉદ્ઘાટકીય પડાવ. જુઓ, એ પડાવ કેટલો કુમળો હતો. જુઓ એ પડાવે કવિ કેટલો પ્રણયરાગી-સૌંદર્યરાગી-સંવેદનરાગી હતો.

ઓઢણીને કન્યકાએ સૂકવી છે નાહીને
એટલે રોમાંચ લીલો થઈ રહ્યો છે વાડને’
                            – ‘ગઝલ’

આ પડાવના કાવ્યોમાં કવિનું સ્ફૂટ અને અસ્ફૂટ અભિવ્યક્તિકર્મ છે, પરિપક્વ અને પ્રાણવાન ઇન્દ્રિયકર્મ છે, મિથ-ને પોતાના અવાજમાં ઢાળવાની રીત પણ છે.

‘કેશ કર્યા છે ખુલ્લા કોણે? જંગલ વચ્ચે રાત પડી
ચાંદો પહેરી કોણ ગયું કે રસ્તે રસ્તે નક્ષત્રોની ભાત પડી.’

‘આ હવા મહીંથી કોનું કહેશો હરણ થયું છે?
લક્ષ્મણરેખા ભૂંસી કોણે?
જંગલો વીંધી રાતું રાતું કોણ ગયું છે?’
                            – (‘પોળોનો જંગલોમાં’)

આ બીજા પડાવે કવિ એવી તો મથામણ કરતાં જણાય છે જેમાં પરંપરાગત રચનાવિધાન વચ્ચે પોતિકી તાજપ, પોતિકા કલ્પન-પ્રતીકો, પોતિકી વૈયક્તિકતાનો રસ્તો કંડારવાનો જાણે કાવ્યયજ્ઞ ન માંડ્યો હોય! આ જ રસ્તે આગળ જતાં કવિનો ત્રીજા પડાવ મળે છે, જે કવિ માટે રાજમાર્ગ બને છે. જ્યારે ’૮૮માં બીજો કાવ્યસંગ્રહ, નામે ‘સાતમી ઋતુ’ મળે છે ત્યારે. અહીં કવિ-આલેખ ઊંચે જાય છે. તેથી હવે કવિ પ્રતિષ્ઠાનો કામળો તેમના ખભે નાંખવો રહ્યો, કારણ કે આધુનિકતાએ ઊભા કરેલાં રૂપવિધાનના અતિરેક પછી, કલ્પન અને વાસ્તવના સંમિશ્રણ સમા અનુઆધુનિકતાના ઉગતા પ્રભાતે, કવિ મણિલાલ હવે પ્રકૃતિરાગી, આદિમરાગી અને પ્રયોગરાગી બને છે. મણિલાલ હવે પોતાની કવિપ્રતિષ્ઠાને માટે પ્રકૃતિરાગી કવિ તરીકેનું અને નૉસ્ટેલ્જિક કવિ તરેકીનું સ્થાન સુનિશ્ચિત કરે છે. તેથી ‘પદ્મા વિનાના દેશમાં’ જેની આશા પૂરાઈ નહોતી, એ સ્ફટિક હવે ‘બંધાઈ રહ્યો’ નહીં, પણ બંધાઈ ગયો-ની ખાતરી મળે છે. અહીં પોતાના મેટાફૉરિકલ ઇલ્યુઝન ઊભા કરી પ્રકૃતિને સ્થળ, સમય નિરપેક્ષ આનંદનો પર્યાય બનાવે છે, જાત અને જગતની આવી સહોપસ્થિતિમાંથી કવિનો નવો દૃષ્ટિકોણ ઊભો થાય છે.

કો’ક દટાયાં નેપૂર ઉપર વેલ ઊગી છે
ફૂલો એનાં સુગંધની ઘૂઘરીઓ’

‘વ્હેતા વાયુ થંભે છે ત્યાં દોડી
ઘાસ ચરે છે કુરુક્ષેત્રમાં ઘોડી’
                   – (‘કાળ’)

રમણીય પ્રાકૃતિક પરિવેશ અને એના દ્વારા પોસાતો, રસાતો, અભિવ્યક્તિ પામતો આદિમ આવેગ, એ ‘સાતમી ઋતુ’ની પ્રથમ ઓળખ છે. અહીં બાર સૉનેટનું જે ગુચ્છ છે, તેમાં શિખરિણીની સરળ ગતિએ પોળોના જંગલોનો લૅન્ડસ્કેપ આંક્યો છે.

‘બધે કાળાં પાણી અરવ ઘૂઘવે, પ્હાડ પલળે
ડૂબે વૃક્ષો, વ્હેળા ત્રમત્રમ રવે રાત પલળે’
                   – (‘પોળોના પહાડોમાં’)

આ સંગ્રહે સવૈયા, કટાવ, શિખરિણી અને મંદાક્રાન્તાના સ-રસ પ્રયોગો દાખવતાં છાંદસ કાવ્યો છે જ, પણ અછાંદસ રચનાઓ ય આંતર જરૂરિયાત અનુસાર ચોક્કસ લયમાં ચાલે છે, સાથે છે ચિત્રાત્મકતા, રંગવૈવિધ્ય, નાદમાધુર્ય, સુગન્ધની છોળો અને કલ્પન-પ્રતીકોની પ્રયુક્તિઓ. કવિના ‘ડુંગર કોરી ઘર કર્યા’(૧૯૯૬) કાવ્યસંગ્રહમાં પણ આ ત્રીજા પડાવનો પડઘો અનુસંધાન પામ્યો છે. અહીં અનુષ્ટુપ અને સવૈયા છંદના સહારે ઋતુઓના તથા સવાર-બપોર-સાંજનાં ચિત્રો અંકાય છે. જો કે અછાંદસ કાવ્યોમાં સૌથી પ્રત્યક્ષ થતી વિશેષતા તેમાં રહેલું પેલું મેટાફૉરિકલ ઇલ્યુઝન છે. જે ભાવકને કાવ્યાર્થના રમ્ય અનુભવમાં લાવી મૂકે છે.

‘આ જળ, કળ ને કાળની રમત
મમત મેલી દેવામાં જ મઝા છે, બાકી-
ખરજવાંને ખૂજલી ખણીએ એટલાં માટે
વાટે ને ઘાટે જંતુડા ઘા ચાટે-
ચોરે ને ચૌટે ચાંદાસૂરજ ફદફદી ગયા છે
એકધારા વરસાદમાં ઢળી પડ્યા છે બૂરજ
ને હું નીતરી થયેલી નરવી ક્ષણની
ધૂપ ધોઈ વન્યક્ષણની
વૃક્ષોમાંથી અજવાળું પ્રકટવાની
વાટ જોતો ઊભો છું –
જનમોજનમથી
અંધારાને ઓથે.’
                   – (‘હું વાટ જોઉં છું’)

કવિનો ચોથો અને પાંચમો પડાવ ‘વિચ્છેદ’ (૨૦૦૬) કાવ્યસંગ્રહે સાગમટે ઊભો છે. અહીં એક તરફ તેઓ પોતાના સમયના પ્રમુખ પ્રકૃતિરાગી કવિપદે પ્રસ્થાપિત થાય છે, તો બીજી તરફ ‘ગામ જવાની હઠ છોડી દે’નો અહાલેખ જગવી અનુઆધુનિક ગાળામાં લોકકંઠે બેઠેલા લોક(પ્રિય) કવિ તરીકે પોંખાઈ રહે છે. આ રીતે શિષ્ટ-શાસ્ત્રીય કવિ થવું અને જન-જનના મોઢે સહજ ગણગણાટ જગવનાર કવિ થવું, જેવા બે સામસામા છેડાના પડાવ ઉપર કવિ પોતાનો ‘વિચ્છેદ’ સૂર રેલાવે છે. રાધેશ્યામ શર્માએ લખ્યું છે કે ‘સાર્ત્ર ‘અધર ઇઝ હેલ’ જેવું કહી બેઠા, જ્યારે મણિલાલ હ. પટેલ દંભી સૌજન્યનો અંચળો ફેંકી દી કાવ્યભાષાના માધ્યમથી સ્વ-જનો સાથેનો વિચ્છેદ અને વિદ્રોહ અહીં અભિવ્યક્ત કરી શક્યા.૪ જેમ નિબંધે, જેમ નવલિકાએ, જેમ નવલે, તેમ કવિતાએ પણ, મણિલાલ હ. પટેલનું ગ્રામચેતનાપ્રધાન પ્રદાન આ સંયચના બંને પડાવમાં સિદ્ધ થયું છે. આમ તો કવિનું જીવન, સંવેદન અને કવન, ત્રણેય ગ્રામજીવનના, એટલે તેમનાં કાવ્યો રાવજી પટેલના પ્રભાવથી બચી શકે નહીં તે સ્વાભાવિક જ. પરંતુ ધીમે-ધીમે તે નિજી વાટે નીકળ્યાં, ને પેલાં પ્રભાવથી છૂટ્યાં. ગ્રામચેતના અને લલિતચેતનાનું સાયુજ્ય સધાયું. આધુનિકતાની આત્મલક્ષી સંકુલતા અને અનુ-આધુનિકતાની જીવન-માન્ય રસાળતા અહીં પ્રબળપણે વ્યક્ત થવા માંડી.

‘‘નથી વાવતા ભાઈ મકાઈ ગામ જવાની હાઠ છોડી દે,
લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હઠ છોડી દે.’’
                   (ગામ જવાની હઠ છોડી દે)

‘લાગી આવે હાડોહાડ, ભાઈ કરે આંગણમાં વાડ,
મતલબ બહેરાં સઘળાં લોક, ફોગટ તારી રાડારાડ’
                           (ચોપાઈ)

પછી, પછી, રાધેશ્યામ શર્મા લખે જ ને કે ‘અતિશયોક્તિ લાગે તો ય કહ્યા વિના ના રહેવાય કે સર્જક રાવજી સાથેના ‘ફિક્સેશન’ને આગળ વધી કવિ મણિલાલને પ્રતિષ્ઠિત કરવું યોગ્ય છે.’૫ પછી પછી, ઉદયન ઠક્કર લખે જ ને કે ‘‘ ‘વિચ્છેદ’ની કવિતા વાંચતાવેંત સમજાઈ જાય તેવી, યુઝર-ફ્રેંડલી છે. ગામડે જઈ ન શકતા કે જવા ન માંગતા વાચકને આ વર્ણનાત્મક ચિત્રકાવ્યપોથી ભારે સંતોષ થશે.’’ જો કે અહીં જે વિચ્છેદ છે તે ગામડાથી છે, પ્રકૃતિથી છે, ઘરપરિવારથી છે, તો સાથેસાથે જાત સાથે પણ છે. ‘જાત સાથે’ કાવ્યમાં કવિ-નાયક આંખે કાળા ડાબલા ચઢાવીને ધ્રાણેન્દ્રિયથી, સ્પર્શેન્દ્રિયથી, શ્રવણેન્દ્રિયથી સ્વજનોને પામે છે, ને પછી બોલે છે કે ‘તમારી સાથે જ રહી જૂઓ હવે તમે એકલાં’. જાતે વહોરેલા અને સગાવ્હાલાંથી મળેલાં, એ બંને ‘જખ્મો’ અહીં મુખ્યધારાથી અલગ પડી જતી રચનાભાત અને ભાવસંવેદનમાં મળે છે.

‘‘બારીઓ બંધ કરી દીધી છે
પડદા પાડી દીધાં છે
મારી આંખે કાળા ડાબલા ચઢાવી દીધા છે
ઘાણીનો બળદ અને એક્કાનો ઘોડો મારામાં પમાય છે
બારણું બંધ કરતાં દીકરો કહે છે :
‘તમારી સાથે જ રહી જુઓ હવે તમે એકલા...’’
                   – (‘જાત સાથે’)

‘ગામ જવાની હઠ છોડી દે’, ‘કરમસદનો માણસ’, ‘તિલક કરે સરદાર’, ‘અવસર’, ‘પટેલભાઈ’, ‘કણબીકાવ્ય’...... આ એવા કાવ્યો છે જે કવિનાં પાંચમાં, લોકકંઠે વસેલા, હૈયેહૈયે રોપાયેલા, ભાવકપ્રિયતાએ પહોંચેલા પડાવની સાખી પૂરે છે. વિભૂતિ પ્રશંસક, સ્થાનવિશેષ અને જ્ઞાતિવિશેષની લાક્ષણિકતાઓ રજૂ કરતાં આ કાવ્યોમાં કવિના પ્રશસ્તિવચનો તેમાં આવતા સહજ છંદ, પ્રાસ, પ્રભાવ અને પ્રતિભામાં આપણને તાણે છે. વળી કવિ પોતે પણ છંદોલય તરફ પણ ઢળે છે, જીવનસત્યને ખોલે છે, અને સાથોસાથ લોકપ્રિયતાના શિખરો સર કરે છે.

‘ગામ કરમસદના માણસની અચરજ જેવી વાત
ફૂલો શા કૉમળ હૈયામાં પથરીલી તાકાત
ઝીણી નજરે જોનારો એ પળને પરખી કાઢે
ગોળ ગોળ ના બોલે એ તો એક ઝાટકે વાઢે’
                   – (‘કરમસદનો માણસ’)

‘ચ્હેરાના અજવાળે રોટલા ઘડતી પટલાણીબાઈ ફાટફાટ રોતી
દીકરા વિનાના સાવ નોંધારા આયખાને પડુંપડું ઊભેલું જોતી
પટલાણી જોવાને ઝંખતી‘તી ઝાડભર્યા પ્હાડો
ખેતરથી ઘેર જતાં કણબીને ઊતર્યો છે સાપ એક આડો.’
                   – (‘કણબી કાવ્ય’)

મણિલાલની કવિતાનો છઠ્ઠો પડાવ ‘સીમાડે ઉગેલું ઝાડવું’ (૨૦૧૧) તથા ‘માટી અને મેઘ’ (૨૦૧૮) કાવ્યસંગ્રહે જોઈ શકીએ. આ પડાવે નખશિખ ગ્રામચેતનાના, નખશિખ નૉસ્ટેલ્જિયાના, નખશિખ પ્રકૃતિના કાવ્યોમાં વિચ્છેદના વિદ્રોહને વણતી સર્જકચેતના ઊભેલી છે. આપણી કવિતામાં આ વિષયે, આ પૂર્વે, રાવજી પટેલથી માંડીને રામચંદ્ર પટેલે કે રઘુવીર ચૌધરીનાં કાવ્યો જો મોટો પડાવ છે, તો મણિલાલના કાવ્યોનો આ પડાવ તદ્-ક્ષેત્રે મોટો વળાંક છે. કારણ કે ગ્રામચેતનાની પૂર્વ ચાલને છેડે આ કવિની પલાંઠી છે જ, સાથોસાથ એમાં જે પોતિકો અવાજ ભળ્યો છે, તે નથી માત્ર ગ્રામીણ કે નથી માત્ર શહેરી. એ તો છે આધુનિકતા પછીના સમયે ઊભી થયેલી એવી ગ્રામચેતના, જે ઉચ્છેદાઈ ગયેલાની, ભૂંસાઈ ગયેલાની તમા રાખે છે, એ વિશેની તકલીફ વેઠે છે, માટે અંદરથી વલોવાય છે, તેથી એ માત્ર ચિત્રો આંકીને બેસી રહેવાને બદલે, એ પૃષ્ઠભૂમિના એક અંગ તરીકે ઊભા રહે છે. એની વચાળે ઊભી થતી પીડાને ઠારે છે, અને પછી એ વલોપાતમાંથી અમૃતકળશસમી નવી ચેતનાની સર્જકતા દાખવે છે. કહો કે આ પડાવે કવિ મણિલાલ અનુઆધુનિકતાનો કળાત્મક સૂર માંડે છે. આ વાત જરા જુદી રીતે પણ વિચારીએ. કબૂલ કે કવિતા હંમેશા અર્થવિલંબન કરે જ કરે. પણ જો તે સીધેસીધાં અર્થ આપે, અને એ અર્થ જો ધમ્મ દઈને ચોંકાવી દેનારો બને તો સ્થૂળ વાસ્તવિકતાનું અભિધાસ્તરે થતું, પણ નવું નિરૂપણ કે આક્રોશભરી અભિવ્યક્તિ કવિતાના ઘણાં શિખરો સર કરે. એ તબક્કે કાવ્યાત્મકતા જેટલી જ સંવેદનાત્મક પ્રતિબદ્ધતા અગત્યની ઠરે. છઠ્ઠા પડાવની આ કવિતાઓમાં મણિલાલ ઝૂરતાં વન-વગડાં, જીવનના આઘાત-પ્રત્યાઘાત, તથા પોતાનું હોવાપણું, એમ ત્રણ દિશાનો રચના-વિસ્તાર કરે છે. અલબત્ત એમાં કવિતા કરતાં નવીનતા તરફનો મોહ ઝીલાય, અલબત્ત એમાં ઇન્દ્રિયસંવેદનો કરતાં બાહ્યપદાર્થોનો આધાર ભળાય, અલબત્ત એમાં કવિના (સમષ્ટિના) સંવેદન કરતાં વ્યક્તિના (પર્સનલ) સંવેદનનો મુખર બને, અલબત્ત એમાં રચનારીતિની સહજતાને બદલે કોઈક અખતરાં મળે, અલબત્ત એમાં કવિન્યાયને બદલે સમાજોભિમુખતા પ્રગટે, તો ય.... તો ય... એ નવી ચેતના, અનુઆધુનિક સમયની માંગને તાકતી કળા, આધુનિકતાની તર્કહીનતા, દુર્બોધતા ને પ્રયોગોને કંટ્રોલ કરીને ગામ-વતન-પ્રકૃતિ અને લયબદ્ધ જીવનની ઝાંખી કરાવતી ગ્રામચેતના, એનાથી થયેલો વિચ્છેદ અને એ વિચ્છેદ સામેનો વિદ્રોહ... આટલું જરૂર પ્રસ્થાપિત કરે છે, અને એ જ મણિલાલના કાવ્યોનો આખરી પડાવ છે. જ્યાંથી કવિ જાત અને જગતને, દેશ અને પરદેશને, ખેતરને અને શહેરને, કુદરતને અને હૃદયોર્મિને સ્થળકાળ મુક્ત રહીને અનુભવે છે, અને અનુભવડાવે છે પણ. અર્થાત્ ભાવકને પ્રતિબદ્ધ, સંવેદન અને કાવ્યાર્થ, બંનેનો વ્યાયામ કરાવે છે, જે રમ્ય અનુભવમાં પરિણમે છે. આવા વ્યાપક અને સ્થૂળ સંવેદને કદાચ શુદ્ધ કવિતા-pure poetry-ની ક્ષિતિજો ધૂંધળી રહે, પણ નવી ચેતનાનું રસસંવેદન, એટલે કે જરા જુદી ગ્રામચેતના તો ચૈતન્ય સભર જ રહે. આવાં નિતાંત પ્રકૃતિ કાવ્યો, આવાં નિતાંત સ્મરણ કાવ્યો, આવાં નિતાંત ચિત્રો ખડાં કરતાં કાવ્યો, આવાં નિતાંત લયહિલ્લોળો, આવાં નિતાંત છંદોવિધાનો, આવા નિતાંત રૉમેન્ટિક વલણો, આવી નિતાંત સામાજિક સંપ્રજ્ઞતાઓ મણિલાલને અનુઆધુનિક ગાળાના ઉદ્ઘાટકીય કવિઓમાંના એક કવિ તરીકે સ્થાપે છે.

‘ખેડેલાં ખેતરોમાં તરફેણો ફરે એમ
ઋતુઓ ફરી વળી લોહીમાં-
પુનઃ
હું તરસી ઊઠ્યો-
પીઠ પસવારતા મા-ના હાથ માટે!’
                   – (‘વળી વતનમાં’)

‘જે જાણે છે તે જ જાણે છે-
અભાવોના કાફલાઓને આવતા રોકવા
અહોરાત જટાયુની જેમ ઝૂઝતા પિતાને-
વ્હાલ કરવા જેટલો વખત જ નથી હોતો...’
                   – (‘શું હોય છે પિતાજી....?’)

રમણીય પ્રાકૃતિક પરિવેશ, અને તેના દ્વારા અભિવ્યક્તિ પામતો આદિમ આવેગ, એ મણિલાલના કાવ્યોની પ્રથમ પહેચાન. આ કવિને પોતાના અનુભવોનું, ચાહે તે પ્રકૃતિ સાથેના વળગણના હોય કે ચાહે તે બદલાતા માનવસંબંધોના હોય, ચાહે તે ઝુરાપાના હોય કે ચાહે તે સમાજોન્મુખ હોય, એ બધાનું આ કવિને રૉમેન્ટિક ઑબ્સેશન છે.

‘મેં તો કાયમ વાટ જોઈ છેઃ
કે, મેઘો મ્હેર કરશે
ને કાંટાળી વાડે કંકોડીના વેલા ચઢશે
સીમ લીલછાઈ જશે
પ્હાડ થયેલો ડૂમો ઑગળીને
પાદર સુધી વહી આવશે
રતુંબડી સાંજ વાડવેલાનાં
વાદળી ફૂલોમાં જાંબલી જાદુ લાવશે.’
                   – (‘વાટ’)

‘એવું રખે માનતા કે.....
ખેતરો કેવળ સીમમાં રહે છે
ખેતરો આવે છે વાડામાં, ખળામાં
ફળિયાં વીંધી પ્રવેશે છે પડસાળે-ઓરડે
કોઠારે, કોઠીએ ઓળખ તાજી કરતાં
ફરી વળે છે ઘરમાં, ઘટમાં ખેતરો.’
                   – (‘ખેતરો’)

‘છીએ ત્યારથી જ
ચાલે છે કરવત શ્વાસની જેમ
તે જતી ય વ્હેરે ને વળતી ય વ્હેરે
કાશી જવાની જરૂર જ ન પડી
આપણે તો ઠેર ના ઠેર
ભોળા ભામણ-જીવને ઘણું ય કઠે કે –
ઘેરના ઘેર ને ભૈડકાભેર’
                   – (‘હોવુઃ૧’)

હલ્લો કવિ, મણિલાલ હ. પટેલ, તમે શાળાજીવનના પહેલા પડાવે કવિતાની પા-પા પગલી પાડવા મથ્યાં, અને પછી વેઠતાં-વેઠતાં જુદા-જુદા છ પડાવોમાં વિસ્તર્યા. કવિ તમે તમારાં અનુભવોનું ઇલ્યુઝન ઊભું કરીને ‘કાળ’ અને ‘પ્રકૃતિ’ની જે સહોપસ્થિતિ ઊભી કરી, જે અર્થધ્વનિછટાઓ (nuances of meaning) સંભળાવી, જે દૃશ્યચિત્રશ્રેણીઓ રજૂ કરી, વ્યતીતરાગ અને પ્રણયરાગ અને મૂળ તરફ પાછા વળવાની ધખના... ને એવું બધું, જે ચૈતન્યસભર ઇન્દ્રિયસંવેદનો ઝંકૃત કરતું પદ્યપેય પાયું છે તમે, હલ્લો,હલ્લો એનો અમને ભારે કેફ છે કવિ. સલામ, સો-સો સલામ. છેલ્લે, મારે એ નથી કહેવું કે ૧૯૭૦થી ૨૦૨૦ સુધીના પચાસ વર્ષના ગાળે પ્રસિદ્ધ થયેલાં કુલ્લે ૬ કાવ્યસંગ્રહોમાં અને અગણિત સામયિકોના પૃષ્ઠો ઉપર કવિના ૪૫૦થી વધુ કાવ્યો આવી મળ્યાં છે. એ તો હું કહીશ જ નહીં કે આ કવિના કેટલાંક ચયન કરેલા કાવ્યોનાં હિન્દી અનુવાદો, ‘પતઝડ’ કાવ્યસંગ્રહે પ્રસિદ્ધ થયાં છે. મારે એ નથી કહેવું કે આ કવિ ગીત, ગઝલ, સૉનેટ, ખંડકાવ્ય, દોહરો તો ગાય જ, પણ અછાંદસ કાવ્યો તરફ વધારે ઝૂકેલો છે, અને તેમાં આંતર જરૂરિયાત અનુસાર એક પ્રકારનો ચોક્કસ લય (પ્રાસ) છે. મારે એ ય શું કામ કહેવું કે કવિને શિખરિણી, લયાન્વિત કટાવ, અનુષ્ટુપ, ચોપાઈ, ઝૂલણાં, મંદાક્રાંતા જેવા અક્ષરમેળ અને માત્રામેળ છંદો હાથવગા છે, એ કહેવાની હવે જરૂર જ નથી કે આ કવિને મુખ્યત્વે તો ગ્રામચેતનાની જડીબુટ્ટી જ જીવાડી ગઈ છે....... આવી બધી વાતો તો સંપાદિત સામગ્રી કહેવાય. આપણે તો માણવો રહ્યો ફક્ત કવિનો અવાજ. જે આ સંપાદનમાં ઝીલવાનો પ્રયત્ન કર્યો છે. હા, એમાં નથી કવિના શ્રેષ્ઠ કાવ્યો કે ઉત્તમ કાવ્યો પસંદ કરવાનો દાવો. આ તો ગમતાં, ચૂંટેલા, કવિનો નિજી અવાજ સંભળાતો હોય તેવા કાવ્યોનો મેળો છે. એ તરફ તમે ય કાન માંડો, કાનથી વાંચો અને કાનમાં માણજો હો. બેસો, એમને મળવા, તેમના આ કાવ્યલોકે. તમે સાદર નિમંત્રિત છો. તમે સાનન્દ ભીંજાઈ રહો.

સંદર્ભ :- (૧) ‘મણિમુદ્રા’, સં : હસિત મહેતા, આ : ૨૦૧૫, પૃ. ૪૪૧ (૨) ‘પદ્મા વિનાના દેશમાં’, મણિલાલ હ. પટેલ, આ : ૧૯૮૩, પૃ. ૦૯ (૩) એજન, પૃ. ૮ (૪) ‘ઉદ્દેશ’, મે-૨૦૦૭, પૃ. ૩૯ (૫) એજન, પૃ. ૪૦ (૬) ઉદયન ઠક્કર, ‘પ્રત્યક્ષ’, નવે. ૨૦૦૬, પૃ. ૦૯