ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/નૅશનલ સેવિંગ
ગામના ચોરા આગળ એક મોટર ઊભી છે. પાછલા ભાગમાંથી નીકળતો ધુમાડો, સવારની રસોઈ થઈ રહ્યાની સાક્ષી પૂરી રહ્યો છે. હવામાં પ્રસરેલી સુગંધ મૂઠિયાં તળાવાની ચાડી ખાઈ રહી છે. કોઈ લીલાં મરચાં સાથે આવે છે તો કોઈ શાક સાથે. એક માણસ લસણ ફોલે છે તો બીજો મસાલો વાટવાનો પથ્થર ધુએ છે. નાયી દહીં સાથે હાજર થાય છે તો કુંભારને માથે પાણીનાં બેડાં છે… બેત્રણ ‘અફસરો’ અંદર-બહાર કરતા ધમાલમાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે.
પરંતુ આગલા ભાગ પર તો પૂરેપૂરી શાન્તિ છે. એનો અર્થ એમ નથી કે ત્યાં કોઈ નથી, બલકે પાછલા ભાગ કરતાં અનેકગણી સંખ્યા છે. ચોપાડમાં નાખેલ ગાદીતકિયા પર ઑફિસર લાગતો, એક જુવાન માણસ સુરવાળ પર ખમીસ ચઢાવી ઉઘાડે માથે છાપું વાંચતો બેઠો છે. ડાબી બાજુએ હૅટ અને બસ્તો પડ્યાં છે, તો જમણી બાજુ પર ત્રણેક કારકુન બેઠા છે. એક જણ આંકણીથી લીટીઓ દોરે છે તો એક જણ લખી રહ્યો છે. છેલ્લે બેઠેલો કારકુન કામ કરવામાં મશગૂલ હોય તેમ કાગળિયાં ગોઠવે છે. પણ એના કામનો પાર જ નથી આવતો. ઉપરનાં નીચે કરે છે, તો વળી વચ્ચેથી પણ એકાદ એ તાણી કાઢે છે…
સામે—ગાદીએ અડોઅડ એક જાજમ પાથરેલી છે. વચ્ચે ઠીક ઠીક જગ્યા છોડી છેક ધાર પર બેચાર ખેડૂત બેઠા છે પણ તેય પૂરેપૂરા સંકોચ સાથે. એમની પાછળ ધોતલી-ફાળિયાના લગભગ એકસરખા લેબાસવાળા ચાળીસપચાસ ભીલ ખેડૂતો બેસી રહ્યા છે. નીચે ધૂળ અને કાંકરી છે જ્યારે માથા પર ઓતરા-ચિતરાના તાપ પડે છે. પણ કોઈનેય પેલી જાજમ ઉપર—અરે જાજમ વગરની અડધી ખાલી ચોપાડમાં બેસવાની ઇચ્છા નથી. ઇચ્છા છે તો હિંમત નથી.
સાહેબે ‘…સ્ટેટ ગૅઝેટ’ બાજુ પર મૂકતાં સામે બેઠેલા એક વૃદ્ધ ખેડૂતને ઉદ્દેશ્યો: ‘કેમ બેસી રહ્યા છો ગામેતી (મુખી)! આખા ગામનું ઊધડું કરે નહિ પોસાય.’ બાજુના કારકુન પાસેથી નામાવલિનું કાગળિયું લીધું. છેલ્લા આંકડા ઉપર નજર ફેરવતાં બોલ્યા: ‘એક તો તમે અડધાં નામ છાનાં રાખ્યાં છે.’ બસ્તા પરથી એક ચોપડી લીધી. પાનું ઉઘાડતાં કહ્યું: ‘જુવો, ઇકોતેર ઘરને બદલે તમે આખાં પાંસઠ લખાવ્યાં છે.’
‘ઓહે (હશે) બાવસી. રાજના સોપડામાં ઊગે ઈ ખરું, પણ સાપરાં તો તણ વીહું જ હે! પસે આપ નાં માનો તો ધણી સો.’
‘ખેર. બોલો, ચાલો તમારા કેટલા લખાવો છો?’
‘હું (શું) લખાવું, અનદાનાર!’
‘જુઓ પાછા, એક વાર મેં તમને કહ્યું કે એમાં કંઈ આનાકાની ચાલે એમ જ નથી છતાંય’—અને કારકુન તરફ જોઈ કહ્યું: ‘લખો ગામેતીના પચાસ.’
પરંતુ રૂપિયા બોલાય તે પહેલાં તો ગામેતીએ માથા ઉપરથી ફાળિયું ઉતાર્યું: ‘ગજબ થઈ જાય ને અનદાતાર! પસા તો મારા થાપડા (નળિયાં) ની હે. મારી નાખવા હરખું તો થી (નથી) કરો માબાપ.’
ગામેતી સાથે પેલા બીજા માણસોય બોલી ઊઠ્યા: ‘ના સા’બ, ના! મરી જવાય ને?’
સાહેબ હસ્યા, ‘અરે ગાંડા! ગામેતી થઈને?’ અને એમણે વળી પાછી ખાતરી આપી કે ‘આ પૈસા તમને બાર વરસે વ્યાજ સાથે પાછા મળશે. દસ આપશો તો પંદર મળશે. વીસ આપશો તો ત્રીસ મળશે.’
અને આ પછી તો પેલા લોકોને પાસે બોલાવી એમણે નાનકડું એવું ભાષણ પણ કર્યું: ‘લડાઈમાં અંગ્રેજ સરકારને ધૂમ ખર્ચ થયું છે. ને આપણા રાજનેય પૈસા આપવા પડ્યા છે.’ એમણે અર્થશાસ્ત્રના કેટલાક મુદ્દા પણ સમજાવ્યા: ‘લડાઈને લીધે મોંઘવારી થઈ, મોંઘવારીને લીધે લોકો પાસે પૈસો આવ્યો, પૈસો આવ્યો એટલે ખરીદશક્તિ વધી ને એટલે મોંઘવારી થઈ. હવે તમારી પાસેથી પૈસા લેવાથી ખરીદશક્તિ ઘટશે, ને ખરીદશક્તિ ઘટશે એટલે સોંઘવારી થશે’—
પણ પેલા લોકોને ખરીદશક્તિ શું ને સોંઘવારી શું એની કંઈ સમજ જ નહોતી પડતી અથવા પાડવા નહોતા માગતા. એ તો એટલું જ જાણતા હતા કે રાજને આ રૂપિયા ભરવા માટે કાં તો કંઈ ઢોર વેચવું પડશે ને કાં તો કોઈને ત્યાં ભાગિયો રહેવા વખત આવશે.
આ પછી સાહેબે આ ‘નૅશનલ સેવિંગ સર્ટિફિકેટ’નો બીજો મોટો ફાયદો દેખાડ્યો: ‘એ બહાને સુખદુઃખ વેઠીને તમે આટલા રૂપિયા મેળવી શકશો… એક માણસદીઠ મહિનાના બે જ આના બચાવો તો ઘરમાં એવા આઠ માણસ હોય તો મહિને-દિવસે એક રૂપિયો બચે, વરસના બાર રૂપિયા થયા અને એમ દસ વરસ બચાવો તો છ વીસું જેટલી મોટી રકમ—’
ગામેતીને હસવું આવ્યું: ‘અરે અનદાતાર! એમ બસતા ઓય તો લોકોને દેવું જ હું કામ કરવું પડે!’
‘તમે સમજતા નથી ગામેતી, દેવું હોય તો કમાવાની દાનત થાય, સમજ્યા ને! લો બોલો, કેટલા લખાવો છો?’
સાહેબના આટલા ભાષણે અને પૈસા પાછા મળવાની પૂરેપૂરી ખાતરી આપ્યાને અંતેય લોકોના વિચાર તો એના એ જ હતા. આમ કરીને મીઠું મીઠું બોલીને રાજ પૈસા પડાવી ખાવા જ બેઠું છે. અને તેથી જ તો ગામેતીએય કહ્યું ને? ‘આપ પૈસા પાસા આલવાનું નીં કો તોય કાંઈ આલ્યા વગર સાલવાનું હે સા’બ, પણ જરા ગજું (શક્તિ) જોઈને માંડો તો ઠીક પડે બાવસી! … લખો બે રૂપિયા.’
‘અરે કાંઈ ગાંડો થયો ગામેતી!’ પેલો કારકુન બોલી ઊઠ્યો. સાથે સાથે એણે એક કાગળિયું સામે ધર્યું: ‘આ જો, માંડણની પાલના દુંગા ગામેતીએ કેટલા લખાવ્યા છે? છે ને પચ્ચીસ રૂપિયા?’
‘આઈ કુણ ભણ્યું હે તે. પણ આપ કાંઈ જૂઠું તો નીં બોલતા ઓ હો!’
‘તો બસ ત્યારે. લે બોલ!’ કારકુને કલમ ઉઠાવી, સાહેબ બોલી ઊઠ્યા: ‘લખો વીસ રૂપિયા.’ અને ગામેતીને વળી ફાળિયું ઉતારતો જોઈ પંદર કરાવી દીધા. ‘હવે બોલીશ નહિ.—હાં, પછી કોણ છે?’
કારકુને નામ બોલવા માંડ્યાં. જેમ જેમ આવતા ગયા તેમ તેમ, કોઈ વાર સાહેબ લખાવતા તો કોઈ વાર કારકુન પોતે લખી નાખતો. લાંબી પંચાત તો હતી જ નહિ: કાં તો પાંચ કે કાં તો દસ, એથી કોઈના વધારેય નહિ કે ન ઓછા. હા, કકળાટ વધી પડતો તો કોઈને બિલકુલ છોડી દેતા એ ભલે. બાકી પાંચથી ઓછા લેવાની સર્ટિફિકેટમાં ગુંજાઈશ ન હતી.
સાહેબ પોતેય સમજતા હતા કે આ લોક પાસે પૈસા નથી ને બધો ત્રાસ જ છે, પણ શું કરે? ચિઠ્ઠીના ચાકર હતા. જ્યાં આખીય પ્રજા ગરીબ હોય ત્યાં છોડી છોડીનેય કેટલાને છોડે?
એક ભીલને ગરીબ સમજીને એની અરજ ધ્યાન પર લઈ છોડી દેવા જતા હતા ત્યાં તો કારકુને અંગ પર નાખેલું કપડું લઈ લેવડાવ્યું. કાળી કાયા પર પેલી ચાંદીની ચૂડી ચમકી રહી, ‘જોયું ને, કે’ છે ને ગરીબ છું?’
સાહેબનેય કારકુનનું કહેવું સાચું લાગ્યું. વળી એમ પણ થયું: ‘લંગોટીભર જીવનાર પ્રજા ત્રણ ત્રણ કપડાં પહેરવા લાગી, ઢોરઢાંખર રાખવા લાગી ત્યારે પૈસાદાર તો ખરી જ ને?’
મૂડીવાળાની મદદે એના પછીના નામવાળો એક ભીલ ધાયો: ‘એ તો સા’બ, એની બુનની હે.’
સાહેબને દાઝ ચડી: ‘ઠીક, એના પાંચ માંડો ને આ ડહાપણ કરે છે એના દસ લખો.’
‘ઓ હો હો! ગજબ થાઈ જાય ને માબાપ!’ પેલા ભીલને તો જાણે સાચે જ તાવ ચડી ગયો.
કારકુનને એકડા ઉપર મીંડું કરતાં વાર શી લાગવાની હતી! ‘લે ચાંપ અંગૂઠો, રાવજી.’
પણ રાવજી તો હજુય મશ્કરી જ માનતો હતો. ગામેતી તરફ એણે નજર નાખી, ભીડ પડે કોઈ ભક્ત ભગવાન સામે જુએ એમસ્તો.
સૌ કોઈએ બોધ લીધો કે કોઈની ભલામણ ન કરવી. પણ આની ભલામણ કર્યા વગર તો ગામેતી ન રહી શક્યો.
‘હાં અનદાતાર! હાવ (સાવ) ગરીબ હે. બૈરુંય મરી ગયું હે ને નાનાં નાનાં બેત્રણ સોરાંય—’
‘તો એ છોકરાંનું કેમ પૂરું કરી શકે છે? ને રાજને—આ આટલી દસ રૂપરડી નથી અપાતી! લઈ લો એનો અંગૂઠો. ઝટ કરો. જમીને પાછું ઊપડવું છે!’ સાહેબે જાણ્યું કે નરમાશી નહીં પાલવે.
ને આ જોઈને કારકુન સૌ કોઈના પાંચ પાંચ ટપકાવે જતો હતો. કોઈ પાંચાત કરતો કે અરજ ગુજારતો તો કામ પતાવવાનો નુસખો — દસનો આંકડો તૈયાર જ હતો.
બપોર થતાં એક તરફ રસોઈ પણ થઈ, બીજી તરફ આ લોકનું પણ પતી ગયું. સાહેબે રજા આપતાં ગામેતીને વળી કહ્યું: ‘તમ લોકને હમણાં તો મુશ્કેલ લાગશે પણ જ્યારે દસના પંદર રૂપિયા હાથમાં આવશે ત્યારે ઊલટાનું એમ થશે કે વધારે ભર્યા હોત તો સારું. ને જુઓ, જ્યારે કોઈ અમલદાર પૈસા લેવા આવશે ત્યારે તમને સામેથી ‘નૅશનલ સેવિંગ સર્ટિફિકેટ—’ નોટ જેવું છાપેલું એક કાગળિયું મળશે એ સાચવી રાખજો.’
પરંતુ ગામેતી જ નહિ, સૌ કોઈને થતું હતું કે સાહેબ ગપ્પાં જ મારે છે. આ બધી રાજની છેતરપિંડી જ છે; હાથી આગળ પડેલો પૂળો કોઈ દિવસ પાછો લેવાયો છે કે લેવાશે?
એક જ મહિનામાં ઉઘરાણી-અમલદાર આવી પહોંચ્યો.
કોઈએ ગામમાં આવેલી ઘાંચીની દુકાન પરથી રૂપિયા ઉપર મહિને એક આનો કરીને વ્યાજે કાઢ્યા તો કોઈએ વળી ધાન વેચ્યું. તો કોઈ કોઈએ, ઘી કે બકરાં-કૂકડાં વેચીને ભેગા પણ કરી રાખ્યા હતા.
પરંતુ પેલા રાવજીએ રૂપિયાનું વ્યાજ રૂપિયો આપે તોયે ન તો પેલો ઘાંચી ધીરે એમ હતો કે ન હતા ઘરમાં દાણાય. મિલકતમાં ગણો ન ગણો તો, એક બકરી ને ત્રણ નાનાં નાનાં છોકરાં હતાં. એણે વળી આ નવા અમલદારને અરજ કરી: ‘સા’બ કાંઈ ની હે. હું (શું) આલું?’
પણ આ અમલદાર તો કરડવા જ દોડ્યો. પાંચસાત ગાળો ચોપડાવતાં ઉપરથી એક લાત પણ લગાવી દીધી: ‘ઊઠ સાલા ડુક્કર! ન હોય તો બૈરું વેચી આવ પણ—’
‘પણ સાબ, બૈરુંય મરી ગયું હે, હું (શું) વેચું!’
‘શું વેચું? દેખાડું?’ કહેતો પટાવાળો ધસી આવ્યો.
ગામેતી વચ્ચે પડ્યા ને રાવજીને સમજાવીને ઘેર કાઢ્યો: ‘એક ટાટું (બકરું) હે એ વેચી ખા તાણે: બીજું હું થાય!’
પરંતુ તક આવે, પંદરની બકરીના કોઈ દસ આપવાય તૈયાર ન હતું. છેવટે પેલા દુકાનદારને જ ‘મહેરબાની’ કરવી પડી. આઠ રૂપિયા બકરીના આપ્યા ને બે રૂપિયા, રૂપિયે મહિને બે આના કરીને વ્યાજે ધીર્યા.
રાવજીના હાથમાં, દસનું નૅશનલ સેવિંગ સર્ટિફિકેટ આવતાં વળી એક મહાભારત મૂંઝવણ ઊભી થઈ: ‘આ કાગળિયાને સંઘરવું ક્યાં?’
ઝાંખરાંના ઘરમાં ન તો પેટી હતી કે ન હતું માટીનું એવું વધીકું વાસણેય. કોઠીય ભાંગેલી હતી, અને તેય, મહિનો-માસ સાચવવું હોય તો ગમે તે કરે પણ આ તો બાર બાર વરસ લગી!
ત્યાં તો એ પોતાની મૂંઝવણ પર પોતે જ હસવા લાગ્યો. અને, મૂળમાં આ કાગળિયું જ સંઘરવા સરખું છે કે કેમ એ નક્કી કરવા બેચાર જણ સાથે એય પેલા દુકાનદારને ત્યાં ગયો.
દુકાનદાર પોતેય—ગુજરાતી પૂરું નહોતો જાણતો પછી અંગ્રેજી તો જાણે જ ક્યાંથી?
પણ નોટના જેવું ચિતરામણ અને અંગ્રેજ રાજનો સિક્કો જોઈને એને સાહસ ખેડવાનું મન થયું. હસતાં હસતાં પેલા ભીલોને પૂછ્યું: ‘અલે, આઠ આઠ આનામાં આલવું છે આ કાગળિયું?’
‘અરે જા જા શેઠ, પાંચ રૂપિયાનું કાગળિયું આઠ આનામાં તે—ઊઠો ’લે, આ તો ઈમ કરીને સેતરી લેહે!’ અને ચાલતા થયા.
પણ રાવજી ન ઊઠ્યો. એનો વિચાર તો આ દુકાનદારને છેતરવાનો જ હતો. કહ્યું: ‘એ બધાંનાં તો પાંસ પાંસના હે ને મારું કાગળિયું તો દહનું હે.’
‘તો તારો રૂપિયો. બોલ, આલવું છે?’
‘ઊંહું.’ રાવજીએ ના પાડી.
‘દોઢ. આલવું હોય તો હા ભણ નકર લે આ પાછું,’ અને કાગળિયું પાછું નાખતાં ઉમેર્યું: ‘ઘરે જઈને ભાજીમાં નાખજે તે ખટાશ થશે.’
રાવજી જેમ દુકાનદારનું મન પારખી ગયો હતો તેમ દુકાનદાર એનીય મરજી જાણી ગયો હતો. અને તેથી જ તો ચાલતા થયેલા રાવજીને એણે ન બોલાવ્યો ને?
દુકાન બહાર નીકળેલો રાવજી વલી ગૂંચવાયો: બીજું બધું તો ઠીક પણ આને સંઘરવું ક્યાં? બાર વરસ સુધી કોણ જીવ્યું ને કોણ મર્યું! છોકરો તો એક વરસનો છે ને તેય હવે દૂધ વગર કેમ જાણ્યું કે જીવશે. જ્યારે છોકરીઓ તો સાસરે જતી રે’વાની… ને પોતેય— રાવજીને હસવું આવ્યું: ‘આ પાંસ વરહ જીવહે તો છોકરાંનાં ભાયગ વળી’… અને નિર્ણય કરતાં બબડ્યો: ‘આલી દેવા જ દે ને, દોઢ તો દોઢ. હંગરવાની માથાકૂટ મટી. પાછા ફરી પૂછ્યું: ‘શેઠ, પેલા ઉપરના પૈસા—વ્યાજ તો મૂડી હંગળુંય વાળી દેવું હે! બોલો, વસ્યાર ઊગે તો?’
‘અહીં આવે ત્યારે કે ત્યાં ઊભે ઊભે?’
રાવજી પાછો દુકાનમાં ગયો.
દુકાનદારે બે બતાવ્યા ને આડત વ્યાજના આઠ આના તરત માગ્યા: ‘લાવ, આઠ આના હાથમાં આલે તો બેના કાકા.’
રાવજીને વળી ટાઢ ચડી: ‘ઓ હો હો! રૂપિયા લીધે એક ચૂંગી (બીડી) પીએ એટલી વાર તો થાઈ ની હે ને એટલામાં આ આઠ—’
દુકાનદાર હસ્યો: ‘ત્યારે એ તો એ! ગણ ને હિસાબ: બે રૂપિયાનું ચાર આના આડત થયું ને ચાર આના મહિનાનું વ્યાજ.’
‘પણ મઈનો તો—’
‘એ તો ચોપડામાં આંકડો પડ્યો કે મહિનાનું — પણ એની માથાકૂટ શી! જો, તારે આ કાગળિયું આલવું જ હોય તો આઠ આના પાછળથી—અરે હોળી ઉપર આલજે, જા.’ અને કામે વળતાં ઉમેર્યું: ‘પછી તો તારી મરજી.’
પણ રાવજી હઠે ભરાયો: ‘સૂકતે કરો તો આલું; નકર—’
‘એ ભાઈ ચૂકતે. લાવ હેંડ.’ કહી દુકાનદારે કાગળિયું લીધું, ઊલટતપાસ ફેરવીને બેત્રણ વાર જોયું. આખરે નિર્ણય કરી નાખ્યો: ‘પડ્યું છે ત્યારે. બાર વરસે રાજવાળો આપશે તો ઠીક નકર બકરી જાણે આઠને બદલે દસમાં પડી’તી. ધંધો કાંઈ ચાખીને ઓછો થાય છે!’ અને સર્ટિફિકેટ ઉપર રાવજીનો અંગૂઠો લઈ ચોપડી ઉઘાડી એનું ખાતું ચૂકતે કરી દીધું: ‘લે, બસ હવે.’
દુકાન બહાર નીકળતો રાવજી એટલો બધો ખુશ હતો કે ઘેર જતા પહેલાં ગામેતીને વાત કરવા એ તરફ વળ્યો. આંગણામાંથી જ વધાઈ ખાધી:
‘મીં તો એ કાગળ્યાના અઢી રૂપજ્યા ઉપજાવી કાઢ્યા, ગામેતી.’
ગામેતીને જ નહિ, ચલમ ફૂંકતા બેઠેલા પેલા પંદરવીસ જણનેય આ રાવજીડા ઉપર રીસ ચડી. ગામેતીએ કહ્યું: ‘દહ રૂપિયાનો માર્યો ની મરી ગ્યો તાણે આ અઢીમાં હું (શું) મરી જાતો’તો વાંદરા?’
રાવજીનેય ક્ષણભર તો થયું: છેતરાઈ ગયો! પણ વળતી જ પળે પેલી મૂંઝવણ યાદ આવી. લાચારી વ્યક્ત કરતાં કહ્યું: ‘ઉં (હું) તો ની મરી જાઉં ગામેતી, પણ પેલો છોરો તો ટાટાના દૂધ વગર મરી જ જાહે. પણ એનેય ઉં તો ની ગણતો હું. પણ—’ અને આસપાસના બીજા માણસો તરફ નજર ફેરવતાં ઉમેર્યું — ‘બાર બાર વરહ લગી તમે બધા આ કાગળિયાને હંગરી કીં (ક્યાં) રાખહો?’
હવે જ સૌ કોઈની આંખ ઊઘડી—ને આંખ ઊઘડતાં જ પેલી સંઘરવાની મૂંઝવણ વધી પડી. ન મલે પેટી-પટારું કે ન મલે કરંડિયો—અરે સાંઠિયોની ભીંતોમાં આળિયા સરખુંય ન હતું!…
સૌ કોઈને લાગ્યું કે, રાવજી ફાવી ગયો, કાગળિયાના ડૂચામાંથી ખાસ્સું એક કેડિયું ઊભું કરી લીધું!
અલબત્ત એકાદ-બે જણે તમાચો મારીને મોં રાતું રાખવા સરખું તો કહ્યું જ: ‘અરે વાંહડાની (વાંસની) ભૂંગળીમાં ઘાલી રાખહું!’
પણ એ ભૂંગળી ક્યાં સંઘરી રાખવી, એ સવાલ પણ પેલા કાગળિયા જેટલો જ જટિલ હતો.
ને તેથી જ તો એ પંદરવીસના ટોળામાંથી એક પછી એક સરકવા લાગ્યા ને?—ફાળ અને ઉતાવળ સાથે: રખે ને મારા પહેલો બીજો ફાવી જતો… મરે ના! જે આવે એ પણ લઈ જા લેવા. પાંચ શેર મીઠું આવશે તોય ક્યાં છે… તો કોઈ કોઈના મનમાં આમ હતું: ‘અચ્છેર સૂકો (તમાકુ) આલહે તોય ઘણો!’