યોગેશ જોષીની કવિતા/યોગેશ જોષીની કવિતા

Revision as of 07:05, 30 March 2022 by MeghaBhavsar (talk | contribs)


યોગેશ જોષીની કવિતા

અવાજના અજવાળાને ઓળખનાર, અજવાળાના અવાજને પરખનાર કવિશ્રી યોગેશ જોષીનો જન્મ ૩જી જુલાઈ ૧૯૫૫માં મહેસાણામાં. વતન વિસનગર. માતા અનિલાબહેન. પિતા ભાનુપ્રસાદ. પત્ની રશ્મિબહેન. એક પુત્ર મૌલિક અને પુત્રી કૃતિ. યોગેશ જોષીએ બાળમંદિરથી બી.એસસી. સુધીનો અભ્યાસ વિસનગરમાં કર્યો. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી ફિઝિક્સ વિષય સાથે એમ.એસ.સી. થયા. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશનમાં ઍન્જિનિયર. ૨૦૧૫માં BSNLમાંથી ડે. જનરલ મૅનેજર તરીકે નિવૃત્ત. યોગેશ જોષી વિજ્ઞાનના વિદ્યાર્થી હોવા છતાં તેમણે સાહિત્ય ક્ષેત્રે અનોખું પ્રદાન કર્યું છે. સાહિત્યક્ષેત્રે અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યાં છે. તો ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્ર તેમના વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકારે તેમને ૧૯૯૧માં ‘સંચારશ્રી’ ઍવોર્ડ એનાયત કરેલો. યોગેશ જોષીએ કવિતા ઉપરાંત નવલકથા, વાર્તા, નિબંધ, ચરિત્ર, સંસ્મરણ, અનુવાદ અને સંપાદનક્ષેત્રે પણ મબલખ સર્જન કર્યું છે, તો બાળસાહિત્યક્ષેત્રે પણ અઢળક કામ કર્યું છે. તેમનું બાળસાહિત્ય અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષામાં પણ અનુવાદિત થયેલું છે. તેમની પંદરેક ઇ-બુક્સ ઓનલાઇન ઉપલબ્ધ છે. ખૂણે બેસીને, ધૂણી ધખાવીને ચૂપચાપ કાર્ય કરનાર આ સર્જકે સાહિત્યના દેરક સ્વરૂપમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે. કાલીઘેલી બોલીમાં બાળવયે કરેલી પ્રાર્થનાઓ – ‘ઓ ઈશ્વર ભજીએ તને’, ‘સાચી વાણીમાં શ્રીરામ’, નરસિંહ, મીરાં, કાન્ત, ઉમારશંકર, સુન્દરમ્‌ જેવા કવિઓનો અદ્‌ભુત વારસો, માતૃભાષાનો લગાવ, ઘરનું વાતાવરણ, મોટીબાની વાતો, પિતા કવિતા-વાર્તા લખતા ને હસિત બૂચ દ્વારા વિસનગરમાં ચાલતી ‘બુધસભા’માં જતા. સંવેદનસભર માતા, કવિનું પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય વગેરે પરિબળોએ આ કવિની સર્જક-પ્રતિભાને ઘડી છે. સર્જન પ્રક્રિયા વિશે કવિ ‘ભીતરના વીજ-ઝબકારે... ’ (‘શબ્દ સાથે મારો સંબંધ’ – હર્ષ બ્રહ્મભટ્ટ અને અનિલ ચાવડા સંપાદિત)માં લખે છે - ‘‘શબ્દમાં હું ધબકું છું અને શબ્દ મારામાં ધબકે છે, શબ્દ મારા શ્વાસનો પ્રાણવાયુ છે અને શબ્દ મારા લોહીમાંનું હિમોગ્લોબીન છે. શબ્દ સાથેનો મારો નાતો એ જાણે વૃક્ષ અને બીજના સંબંધ જેવો છે.’ આથી જ આ કવિના સાહિત્યસર્જનમાં integrity જોવા મળે છે. ‘કવિતા મારો પ્રથમ પ્રેમ છે’ એમ કહેનારા આ કવિની કાવ્ય-સર્જન પ્રક્રિયા વિશે તેમના જ શબ્દોમાં : ‘વીજ-ઝબકારની જેમ જ જાણે ભીતર કાવ્ય-ઝબકાર થાય, માટીમાંથી તૃણ ફૂટે તેમ, નદીમાં પૂર આવે તેમ, પાતાળમાંથી પાણી ઊભરાય તેમ... મારામાં કાવ્યપંક્તિઓ ફૂટે છે, ઉભરાય છે, રેલાય છે, વહે છે... સરસ્વતીના વરદાનની જેમ ગાંડાતૂર પૂરની જેમ કવિતા મારી પાસે આવે છે.’ કવિશ્રી યોગેશ જોષીનો પહેલો કાવ્યસંગ્રહ આવ્યો એ અગાઉ મુ. ભોગીભાઈએ ‘વિશ્વમાનવ’માં એમના એકત્રીસ કાવ્યો એક સાથે પ્રગટ કરેલાં. એમાંના કેટલાક એ સિવાય પણ ‘વિશ્વમાનવ’માં દસ-પંદર કાવ્યોના ગુચ્છ અવારનવાર પ્રગટ થયેલાં. આ કવિનો creative force એ મોટી નદીઓમાં ઊમટતા પૂર જેવો છે. પહેલો સંગ્રહ પ્રગટ થયો એ પહેલા આ કવિને, કવિ-વિવેચક મુ. મણિલાલ હ. પટેલે પોંખેલા. ‘મુદ્રાંકન’માં ‘કવિ કલ્પનાનો, કવિતા કલ્પનાની’ શીર્ષકથી અભ્યાસપૂર્ણ લેખ કરેલો. ‘અવાજનું અજવાળું’નો વિશેષ ઉન્મેશ તે કલ્પનાકાવ્યો. કવિના પ્રથમ સંગ્રહમાં પ્રણયકાવ્યોનું પૂર ઊમટે એ સ્વાભાવિક છે, પણ કલ્પના-કાવ્યો એના તાજાં કલ્પનો, પ્રતીકો, વ્યંજના તથા સંયમપૂર્વકના સંતુલનને કારણે ધ્યાનપાત્ર બની રહે છે. પ્રણય, વિરહ સિવાયનાં કાવ્યો પણ આ સંગ્રહમાં છે. ‘કલ્પના-કાવ્યો’ પોંખાયા હોવા છતાં આ કવિ એ પ્રકારના કાવ્યોમાં પછી રમમાણ રહેતા નથી. નવા સંગ્રહમાં નવી કવિતા નવા રૂપે, સ્વરૂપે વિવિધ વિષયો લઈને આવે એની આ કવિ પ્રતીક્ષા કરે છે. આથી જ તેઓ પહેલા કાવ્યસંગ્રહમાંના કાવ્યોનું પુનરાવર્તન ટાળી શક્યા છે. ‘ટેસ્ટ-ટ્યુબ’ કવિતા કરવાના બદલે તેઓ વૃક્ષને ફૂલ ફૂટે એની રાહ જુએ છે. સોળ વર્ષે કવિને પ્રણયકાવ્યોનું પૂર આવે એમ આ કવિને સાઇઠ વર્ષે વૃદ્ધાવસ્થા, મરણાવસ્થાને મૃત્યુકાવ્યોનુંય પૂર ઊમટ્યું છે ને એ કાવ્યોનો સંગ્રહ ‘તેજનાં ફોરાં’ આપણને પ્રાપ્ત થયો છે. કવિના કૅનેડાના અનુભવો એમનાં ‘મેપલ’ તથા ‘બરફ’ વિશેનાં કાવ્યોમાં વિશિષ્ટ કાવ્યરૂપ પામ્યાં છે. આ કાવ્યોને સાચા અર્થમાં ડાયસ્પોરા કાવ્યો કહી શકાય. પહેલા કાવ્યસંગ્રહમાં કવિની વ્યક્તિચેતના ઉજાગર થાય છે. પણ પછીનાં કાવ્યસંગ્રહોમાં કવિની સર્જકચેતનાના તાર સમષ્ટિચેતના સાથે, સમાજચેતના સાથે, પ્રકૃતિચેતના સાથે સૂર મેળવતા જણાય છે. નારી-સંવેદના, નારીચેતનાનાં કાવ્યો પણ આ કવિ પાસેથી સાંપડ્યાં છે, જેમકે, નારી જ લખી શકે તેવા કાવ્યો – ‘બ્રેસ્ટ-કેન્સરગ્રસ્ત કવયિત્રીની અંગત ડાયરીમાંથી : નવ સંવેદન ચિત્રો’ આ કાવ્યો વાંચતાં વિસ્મય થાય છે કે કોઈ પુરુષ નારી સંવેદનાનાં આવાં sensuas કાવ્યો કઈ રીતે રચી શકે?! પણ આ કવિના સંવેદનતંત્રનું રડાર એવું શક્તિશાળી છે કે સમષ્ટિના સંવેદનો આ રડાર ઝીલે છે, જે કવિની સર્જક-ભોંયમાં મૂળ નાખે છે ને એમાંથી જે સંવેદનોના મૂળ મજબૂત થાય છે એ કાવ્યરૂપે છોડની જેમ, વટવૃક્ષની જેમ પ્રગટ થાય છે. ભીતરથી ઊમટતા સર્જકતાના પૂરના કારણે ભરતીની દરિયાની જેમ ભીતરથી ઊમટતા મોજાં, મોજાં પર મોજાંનાં કારણે આ કવિ પાસે કવિતા – કાવ્યગુચ્છોમાં આવે છે. જેમ કે, ‘કૅનેડામાં પાનખર’ (ત્રેવીસ કાવ્યો), ‘ટોરેન્ટોમાં શિયાળો’ (અગિયાર કાવ્યો), ‘ઢળતી વય’ (સાત કાવ્યો), ‘મૃત્યુ’ (અગિયાર કાવ્યો), ‘મા ગઈ એ પછી...’ (સોળ કાવ્યો), ‘બ્રેસ્ટ કેન્સરના નવ સંવેદન ચિત્રો’, ‘વાવ’ (અગિયાર કાવ્યો), ‘બાર પુષ્પકાવ્યો’, ‘સમય’ (અગિયાર કાવ્યો), ‘પતંગ’ (છ કાવ્યો) વગેરે. દીર્ઘકાવ્યમાં કવિની કસોટી થાય. આ કવિના બીજા જ સંગ્રહ ‘તેજના ચાસ’માં ‘અંતિમ રાત્રિ’ જેવું દીર્ઘકાવ્ય મળે છે, જેને ‘કવિલોક’નું બ. ક. ઠાકોર પારિતોષિક પ્રાપ્ત થયેલું. (જેના નિર્ણાયકો હતા –નિરંજન ભગત અને નલિન રાવળ). પરંતુ પૃષ્ઠમર્યાદાને કારણે આ કાવ્ય કે કાવ્યનો અંશ અહીં સમાવી શકાયો નથી. આ કાવ્યમાં ઐતિહાસિક, સાંસ્કૃતિક અખિલાઈમાં પ્રગટતું vision ધ્યાનપાત્ર બને છે. ‘તણખલું’ જેવું લઘુકાવ્ય અને ‘સંબંધ’ જેવું વિલક્ષણ કાવ્ય પણ આ સંગ્રહમાંથી મળે છે. ૨૦૦૭માં પ્રગટ થયેલ દીર્ઘકાવ્ય ‘જેસલમેર’ તો ગુજરાતી કવિતાનું ઘરેણું છે. તે માત્ર સ્થળ-કાવ્ય નથી, પણ મનુષ્યની અનંત પીડાનું, ironyનું ને કરુણાનું કાવ્ય બની રહે છે. કવિતા છંદમુક્ત હોય, લયમુક્ત ન હોઈ શકે. ‘જેસલમેર’ની લય-ઈબારત પણ ધ્યાનપાત્ર છે. માત્રામેળ છંદના ટુકડાઓનો પણ દીર્ઘ અછાંદસમાં ઉપયોગ થયો છે, જેમ કે, ‘ઊંટના પેટમાં/ ઝલમલે ઝાંઝવા’ (‘જેસલમેર’, પૃ. ૨૮) છતાં પણ આ દીર્ઘકાવ્યમાં કવિ છંદ કે લયમાં લપસતા નથી, આથી ‘ભરતીની પંક્તિઓ’ – લયમાં ઢસડાઈને આવતી બિનજરૂરી પંક્તિઓને તેઓ ટાળી-ખાળી શક્યા છે. આ દીર્ઘકાવ્યને લાભશંકર ઠાકર જેવા કવિ અને રાધેશ્યામ શર્મા જેવા કવિ-વિવેચકના વિવેચનનો લાભ મળ્યો છે. કવિશ્રી લાભશંકર ઠાકરે ‘જેસલમેર’ વિશે નોંધ્યું છે : ‘‘એક લોંગર પોએમ રૂપે ‘જેસલમેર’ લઈને આવે છે, કવિ યોગેશ જોષી. આ રચનાના તમામ ઘટકોમાં પ્રત્યક્ષ થતા અવાજમાં, તે જેનો અવાજ છે તે કાવ્યનાયકનાં in-માં મને રસ પડે છે. જે out છે તે તો ઉદ્દીપન અને આલંબન વિભાવ હોય છે. પ્રથમ વ્યક્તિ એકવચનમાં સર્જકનું ‘ઇન’ પૂરી ઉત્કટ ભાવાત્મકતાથી ‘જેસલમેર’માં પ્રત્યક્ષ થાય છે. બહારને પામવું છે સર્જકે? ના; અંદરને પામવું છે. ‘જેસલમેર’ના રણ, ઢૂવા, ઝરુખા અને કિલ્લાના આલંબન પર જે poetic voice પ્રત્યક્ષ થયો છે તે અપૂર્વ, અનન્ય સર્જન છે.’’ પૃષ્ઠ મર્યાદાને કારણે ‘જેલસમેર’ દીર્ઘકાવ્યનો અંશ – ‘કિલ્લો’ અહીં સમાવ્યો છે. ‘કિલ્લો’માંથી કેટલાંક ઉદાહરણ : ‘આમ જુઓ તો/ તોતિંગ દરવાજા બંધ કરીને/ કિલ્લામાં બેઠો છું હું/ ને દરવાજા તોડવા બહારથી મથ્યા કરનાર પણ/ હું જ!’ ‘ને આમ જુઓ તો/ કિલ્લાની અંદર પણ હું નથી/ ને બહાર પણ નથી.’ દીર્ઘકાવ્ય ‘જેસલમેર’ પછી આવેલ સંગ્રહ ‘ટકોરા મારું છું આકાશને’માં કલ્પન-પ્રતીક સભર અદ્‌ભુત લઘુકાવ્યો પણ આપણને મળે છે. કેટલાંક ઉદાહરણો જોઈએ : ‘આ ખુલ્લી બારીયે/ કેમ લાગે છે/ ભીંત જેવી?!/ બંધ બારણે/ ટકોરા મારીએ એમ/ હું / ટકોરા મારું છું/ આકાશને...’

‘પળમાં/ ડૂ/ બી/ પળ/ ને/ જળમાં/ ડૂબ્યાં જળ!/ મારી કને/ બસ,/ એક તણખલું...’

‘નીકળી ગયો હું/ સ્થળ-કાળનીયે/ બહાર;/ બારણાંની જેમ/ આ...મ/ સમય ઉઘાડીને...’

‘કઈ તરફ જવું?/ એક દીવો/ પ્રગટાવવામાં/ જરીક મોડું થયું/ ને/ બધા જ રસ્તાઓ/ હોલવાઈ ગયા...’

‘બારીમાંથી/ પાન સૂકું/ એકદમ/ આવી ચડ્યું;/ કો’ક તો/ આવ્યું ચલો/ મારા ઘરે.’

આ કવિના અન્ય સંગ્રહોમાંથી પણ ઉત્તમ લઘુકાવ્યો મળે છે : ‘મારું આખુંય ઘર/ દો...ડ...તું જઈને ઊભું રહ્યું પાદરે;/ હાથની છાજલી કરી.’

‘ચોમાસા પછી/ ધાન તડકો તપાવીએ/ એમ મેં/ જૂના પુરાણા મજૂસમાંથી/ બહાર કાઢ્યો છે/ બંધિયાર સમય—/ તડકે તપાવવા...’ પ્રભાવક અછાંદસ કાવ્ય આપનાર આ કવિએ આઠમા-નવમા દાયકામાં ગીત-ગઝલ પણ રચેલાં છે. જે ૨૦૧૬માં પ્રગટ થયેલા સંગ્રહ ‘કલરવતું અજવાળું’માં સમાવ્યાં છે.

‘હું તો ખાલી આંખો મીંચું
અંદર ઝળહળ તું જ બતાવે.’


‘ઓસ જેવો હોત તો સારું હતું,
સૂર્ય ઊગે ત્યાં જ ઊડી જાત હું.’


‘એક બારી હોત તો આકાશને,
એને ખોલી ક્યાંક ઊડી જાત હું.’


‘પંખીની એકદમ તૂટી ગઈ પાંખ પછી આખ્ખું આકાશ નીચે આવ્યું,
......................................’


‘વર્ષાની ધારાઓ સાથે
આભ પીગળતું ચાલે,
ધણ વાદળનાં વીજ-ચાબખે
પવન હાંકતો ચાલે.’

અદ્‌ભુત કલ્પનાઓ કરીને આ કવિ વાતાવરણને કેટલું તાદૃશ્ય કરે છે! આકાશ સંદર્ભે પણ આ કવિ કેટકેટલી કલ્પનાઓ કરે છે : આકાશની હોડી બનાવીને રણમાં તરતી મૂકવી, આકાશને કિન્યા બાંધીને ચગાવવું, આકાશને ટકોરા મારવા, આખુંય આકાશ માળામાં લઈ આવવું વગેરે. પ્રભાવક કલ્પનો, દૃશ્યો, સંવેદન-સભર આ ગીત-ગઝલોમાં આ કવિના છંદ-લય સહજ ચાલે છે. ગીત-ગઝલનો આ અનુભવ આ કવિને અછાંદસ કાવ્યોની લય-ઈબારત રચવામાં પણ ખપ લાગ્યો છે. આથી જ આ કવિના અછાંદસ કાવ્યોમાં ક્યાંય ગદ્યાળુતા દેખાતી નથી. અછાંદસના લય બાબતેય કવિના કાન સરવા છે, સભાન છે. બોલ-ચાલની વાગ્‌-છટાનો લય પણ આ કવિ બરાબર પકડી શકે છે. ‘આખુંય આકાશ માળામાં’માંથી ‘અચાનક’, ‘અઢારમા દિવસ બાદ’, ‘ટગલી ડાળ’, ‘સરકતું પ્લૅટફૉર્મ’, ‘હજીયે’, ‘કેદ’ જેવી રચનાઓ મળી છે. પ્રતીકો, કલ્પનો, વ્યંજના દ્વારા સંવેદનાની સચોટ અભિવ્યક્તિ એ આ કવિની વિશેષતા છે. ‘તેજનાં ફોરાં’માં ‘મેપલ’, ‘બરફ’ તથા કૅનેડાના અનુભવોનાં કાવ્યોનાં સામે છેડે ઘીના દીવાની જેમ ભારતીયતા પ્રગટતાવતાં કાવ્યો પણ મળે છે. જેમ કે, ‘મા ગઈ એ પછી’ ગુચ્છનાં કાવ્યો, ‘ઢળતી સાંજે’, રાધેશ્યામ શર્માએ જેને ‘વૈષ્ણવી સ્ક્રીન પર સ્થગિત વાર્ધક્ય’ લખ્યું છે તે ‘વૃદ્ધાવસ્થા’, ‘હરિદ્વારમાં ગંગા કાંઠે’, ‘ઘીના દીવાની વાટમાં’ વગેરે. ‘મૃત્યુકાવ્યો’માં ભારતીય સાંસ્કૃતિક સંદર્ભો થકી દર્શન રજૂ કરતી પંક્તિઓ જોઈએ – ‘કાચની બંગડી/ નંદવાય તેમ/ કઈ ક્ષણ/ તૂટવાનો અવાજ/ પડ્યો કાને?!’

‘તેં/ શરૂ કર્યો/ ગીતાનો/ પંદરમો અધ્યાય?’

‘તેં / શરૂ/ કર્યો/ ગજેન્દ્રમોક્ષનો/ પાઠ?!’

‘તેં/ પાણિયારે/ પેટાવ્યો/ ઘીનો/ દીવો?!’ આ કવિની કવિતાનો વ્યાપ ઘણો વિશાળ છે. પહેલા સંગ્રહ પછી આ કવિની કવિતાની ત્રિજ્યા વિસ્તરતી ગઈ છે ને નવાં શિખર સર થતાં રહ્યાં છે, એની પ્રતીતિ આ સંપાદનમાં પસંદ કરેલાં કાવ્યો કરાવશે તથા આ કવિનાં અનેક તાજાં કલ્પનો, સંવેદનો ભાવક-ચેતનામાં ઊંડે ઊતરશે તેવી આશા છે. ગમતું કામ મને સોંપવા માટે કવિશ્રી મણિલાલ હ. પટેલ તથા દૃષ્ટિપૂર્વક ઇ-પ્રકાશન કરનાર શ્રી અતુલ રાવલની આભારી છું.