ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સરોજ પાઠક/પોસ્ટ-મૉર્ટમ

Revision as of 06:47, 18 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} કોર્ટ બેસી ગઈ હતી : પોલીસ, ડૉક્ટર, વકીલ, બધાં પૂછે? અવાજ વિચિત્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કોર્ટ બેસી ગઈ હતી : પોલીસ, ડૉક્ટર, વકીલ, બધાં પૂછે?

અવાજ વિચિત્ર હતો. પૃચ્છા એક પછી એક સવાલરૂપે બહુ વારે આકાર ધારણ કરતી, અને જવાબ રૂપે વિચારો સુશ્રીના મગજમાંથી પૃથક્ પૃથક્ કીડી-મંકોડાની હાર મોંમાં ખાંડનો કણ ઉઠાવી દર તરફ ગતિ કરે, તેમ ફેલાતા અને હારબંધ પાછળ પાછળ નિરાંતે ચાલતા હતા.

સુશ્રી જાતે પડખું પણ ફરી નહોતી શકતી. કાનનો પડદો અને મગજનો પડદો (હોય તો) બહારથી આવતા સવાલોથી આઘાત-પીડા અનુભવતા.

‘તમે ઝેર ઘોળ્યું હતું?’

સુશ્રીએ મનમાં શબ્દની જોડણી તપાસી જોઈ. સારા અક્ષરે લખ્યું જાણે! બહુ ઓછી જગ્યામાં માઈ જાય એટલો નાનો શબ્દ હતો. અંગ્રેજી પણ તેને આવડતું હતું, એમ ત્યારે! ઝેરનું અંગ્રેજી પૉઇઝન થાય! બાળકોને એનો સ્પેલિંગ અઘરો પડે! મહેતીની જેમ તેણે પૉઇઝન શબ્દ બોર્ડ પર લખી બતાવ્યો. વચ્ચે ‘આઈ’ વધારાનો, તો જ ‘આઇ’ ઉચ્ચાર સંભવે! ઓહો, સૂતાં સૂતાં જ એ હવે બરાબર કેટલું બધું વિચારી શકે છે?

‘બોલો ઝેરની કેટલી માત્રા?’

સુશ્રીએ જાણે જાણકારી બતાવવાની હતી. કેવા કેવા પ્રકારનાં ઝેર હોઈ શકે? કયા ઝેરથી કેટલા માત્રા મરવા માટે ઉપકારક નીવડે? કયું ઝેર ઓછું કષ્ટદાયક હોઈ શકે? કશુંક ખાઈને મરવું હોય, તો તમે કયું ઝેર પસંદ કરો? જે જે દવાની બાટલી, ગોળી, પૅકેટ વગેરે પર ‘પોઇઝન’ લખ્યું હોય…’

‘ઊંઘવાની ગોળી બાટલીમાં કેટલી હતી?’

સુશ્રી મનમાંથી જાણે ચાલીને કબાટ પાસે ગઈ. ક્યાં આવ્યું હતું કબાટ? કાચનું કબાટ બીજા ઓરડામાં છે. તેના પર કોટ ભેરવેલું હૅંગર લટકે છે. ખોલવાનો પ્રયાસ કરો, તો એક વાર ફટ્ દઈને કોટ નીચે ગબડી પડે, હૅંગર સહિત. પહેલાં એને ઝાપટીને બીજી ખીંટીએ ટિંગાડો! હા, પછી કબાટમાં ત્રીજે માળે વચ્ચે જ બાટલી છે. આંખમાં નાખવાની દવા માટે ટ્યૂબની જરૂર પડે. ગોળી ખાવા માટે પાણીનો ગ્લાસ, ઊંઘમાં ઊઠીને બાટલી ખોલી ખાઈ લેવાય… બસ, જરા પાણી પીવું પડે!

‘બોલો, જવાબ આપો! તમે હવે ભાનમાં છો!’

હા, તે ભાનમાં છું જ વળી. બાટલીમાં ગોળી પંદર હતી. પચીસ આવે છે એમાં. રોજ બે લેવી જોઈએ. રોજ એટલે જરૂર પડે ત્યારે! જરૂર ક્યારે પડે તે તમે શું સમજો? ‘ઍડવાઈઝ્ડ બાય ફિઝિશ્યન’ પછી તો રૂટિન થઈ જાય એટલે અમે જ અમારાં ડૉક્ટર! તમને… ભઈ, તમને શું ખબર પડે? ને જુઓ બાટલીમાં તેર ગોળી હોવી જોઈએ. બાટલી ફૂટી ગઈ હશે તો ગોળીઓ આમતેમ વેરાઈ ગઈ હશે.

‘મેં… ઝેર… ઘોળ્યું નથીઈઈઈઈ…’

ઊલટીમાં કશું નીકળ્યું નહિ ને? તો પછી? નક્કામો ત્રાસ આપો છો! જરા બરફ લાવો, ગળું છોલાય છે. કૉફીબૉફીમાં ઊલટીની વાસ આવે છે. મોર્ફિયાની વાસ… ડેટોલની વાસ મારાથી સહન જ નથી થતી. ડામરની ગોળીની વાસ બહુ જ ગમે છે. કચડ કચડ બરફનો ગાંગડો ચાવી જવાનું મન થાય! પણ કંઈ ડામરની ગોળી ચવાય? ચવાય તો ખરી, દાંત એની ફરજ બજાવે! પણ કમબખ્ત જીભ! હા, એમ તો પાણીનું પવાલું મદદ કરે. પણ એ તો ભઈ ડામરની ગોળી કે મોટો ગોળો? તમારે તપાસવું હોય તો તપાસો.

સુશ્રીનું શરીર જાણે ટેબલ પર ગોઠવાયું ને આંગળી ચીંધી. ચીંધી એ ખુદ શ્વાસનળી, અન્નનળી, ધોરી નસ, જઠર, પેઢું, કિડની, ગર્ભાશય વગેરે બતાવતી હતી. છે કંઈ? ન કહ્યું મેં? અરે, તે બાજુ કશું નથી. એપેન્ડિક્સ હતું તે કપાવી નાખેલું! ચામડી પર કરચલી નથી દેખાતી? પ્રસૂતિ ખમેલું શરીર લાગે છે? હા, તો મને મલાજો રાખવા દો. જરા પાલવ સંકોરી લઉં તેટલી વાર…

કપડાં ઠીકઠાક કરી જામે મર્યાદા-પાલવ સંકોરતી સુશ્રીને કાને અવાજ પડ્યો :

‘તો તમે દાઝી ગયાં? કે તમારાં પતિ-સાસુએ બાળી મૂક્યાં? ગભરાઓ નહિ…’

સુશ્રી છ વારની સાડીની બરાબર પાટલી ગોઠવતી – સળ ઠીક કરતી હોય… અરે વાહ! વાહ! હું દાઝી ગઈ? અરે હમણાં તો ચામડી ઘસીઘસીને નાહીને બાથરૂમમાંથી નીકળી છું! ચામડી ઘસવાને લીધે જરા ચચરે છે. આંખમાં સાબુ ગયો હતો. વાળ તો ભીના, એટલે સખત અંબોડો વાળીને બાંધી મૂક્યા છે એટલે ગરદન પર કોઈ અણસાર નથી. હજી કાન અને ગળા પર પાણી ટપકે છે. ટુવાલથી લૂછતી હતી. બોલો! કયા સાબુની સુગંધ છે? ઊભા રહો, રેડિયો ઑન કરી આવું! અરીસા પર ધૂળ ચડી ગઈ છે. બારણાનો બેલ છે કે ટેલિફોન? ભઈ, મારે ત્યાં ટેલિફોન નથી. કેટલા વાગ્યા? સાડાદસ થઈ જશે તો બસ નહિ મળે. સ્કૂલે જવાનું મોડું થાય ને પ્રાર્થનામાં હાજર ન રહું એ કેમ ચાલે? મારા વર્ગનાં છોકરાંઓ હાથ જોડીને ઘેરું ઘેરું બસૂરું ગાઈ લે. બેલ તો… આ તો ટપાલ આવી હશે. શ્વાસોચ્છ્‌વાસ ભેગા કરીને સુશ્રી ટપાલ લેવા ધડધડ ચાર દાદર એકસામટા ઊતરવાની હોય એમ અરીસાથી બારણા સુધીનું જ અંતર કાપી નાખે!

ટપાલ છે ને?

એક ચોપાનિયું.

એક પોસ્ટકાર્ડ.

છટ્, જરા જેટલી ટપાલ!

હવે જરા વધુ ચચરે છે. શ્વાસમાં વાંધો નથી આવતો, પણ ઉચ્છ્‌વાસ જરા તકલીફ આપે છે. ઑક્સિજન સિલિન્ડર ગોઠવવો પડશે કે શું? બ્લડ બૅંકનું કયા વર્ગનું લોહી વહે છે. જોયું? જરા મને હવે માંસમજ્જા, હાડકાંપાંસળાં ગોઠવી લેવા દો. નસો ગૂંચવાઈ ન જાય! શ્વાસનળી, અન્નનળી, જઠર, પેઢું, ગર્ભાશય… ઓહ! ડૉક્ટર, ઉતાવળ ન કરો! તમારે તો બસ ઝટઝટ ટાંકા મરી ચામડી સીવી દેવાની ઉતાવળ છે! જોજો બખિયો બરાબર લેજો! તમને પુરુષહાથને વલી સરસ બખિયો…? તમે તો રોંચા જેવા ટેભા લઈને બેસી જાઓ! લાવો, હું સરસ બખિયો મારી લઉં? એકદમ ઇસ્ત્રીબંધ ચામડી જોઈએ. ઉપર ને અંદર બધે વ્યવસ્થા કરી લેવા દો!

‘તમે લવારા કરો છો! મારા સવાલનો જવાબ બરાબર આપો.’

હા આપું છું. આ જરા બખિયો લેતાં લેતાં જ વાત કરીએ તો કેવું? સોયની અણી કટાઈ તો નથી ગઈ ને? બીજું કંઈ નહિ, કાટનો ડાઘ પડે અથવા તો ધનુર થઈ જવાનો સંભવ! ધનુર એટલે લોહીમાં ઝેર થઈ જાય.

લોહીમાં ઝેર! સાહેબ, મને તો… આ હું તો સ્કૂલમાં સીવણકામ શીખવું છું, પાર્ટટાઇમ જવાનું. ઘરનું ઘર બી સચવાય ને ઉપરથી કમાઈ થાય ને વખત જાય! ઘરમાં સાસુ-બાસુ નહિ ને બાળકોની લંગાર નહિ, એટલે… એક જ બાળક હોય તો નોકરી થાય! તમે કંઈ સાસુની વાત પૂછી હતી? સાસુ ને ઝેર! લોહીમાં ઝેર નહિ ને સંસારમાં સાસુ નહિ. આ રહ્યો ફોટો! એ વખતના વળી ફોટા ક્યાં હસે કોણ જાણે! માળિયા પર પતરાની પેટીમાં હશેસ્તો! બિચારી દેવની દીધેલને રમાડનારી ક્યાંય જાતે જન્મી ચૂકી હશે! જીવતી હોત તો છપ્પરપગી કહી ભાંડતી હોત! ‘નખ્ખોદ’ જેવો શબ્દ!

‘તો તમે ડૂબી જવાનો ગુનો કર્યો?’

તરતાં આવડે છે કે? ખબર નથી, આવડતું હશે. પુરુષોત્તમ મહિનામાં મુંબઈમાં દરિયામાં એક વાર ડૂબતી હતી, ખારું ખારું પાણી નાકમાં ભરાયેલું. પછી લાગે છે કે – પણ ડૂબવાનું ભૈસાબ શું કામ પૂછો છો? પેટમાં પાણી હોય તો હાલે કે ફૂલે! આ પેટ જોયું? પેટમાં ગાંઠ છે? જરા તપાસી જુઓ. ગાંઠ હોય કે ન હોય, કંઈ પેટ ફૂલેલું છે? આખું શરીર, બાંધો, પેટ, ઊંચાઈ, તંદુરસ્તીનું માપ લઈ લો! ક્યાં ગઈ મેઝર-ટેપ? હું તો આ ડબ્બામાં બધું તૈયાર જ રાખું! રંગરંગીન દોરા, કાતર, સોય, બ્લેડ, આ મારો સીવણનો ડબ્બો છે. બન્ને બાજુ મેઝર-ટેપને આંકડા છે, દરજીની જેમ માપ લઈ જુઓ! ખભો, છાતી, કમર, પીઠ, સીટ… બસ… બસ… જુઓ અહીં ડબલ મશીન મારેલું છે. આ હાથ-સિલાઈ છે. રેડિયોનું વૉલ્યુમ જરા ધીમું કરી આવું! આ ટપાલ… આજે કંઈ ટપાલ છે કે? આજે બેલ વાગ્યો જ નહિ. સાડા દસે સ્કૂલે એમ ને એમ જવું પડશે.

‘બસ નીચે પડતું મૂકવાનું કારણ શું… એ આપઘાત છે, અકસ્માત નથી જ… જૂઠું ન બોલો!’

સુશ્રીને પડખું ફરવાનું મન થયું. પોતાની ઇચ્છાથી તે પડખુંય ન ફરી શકે… તો બસસ્ટેન્ડ પર તે રોજ સ્કૂલે જવા જતી હતી, મરવા માટે નહિ, બાજુના ઘરમાં ચાવી આપવાની રહી જાય તો દોડતી-ઝડપી પગલે રસ્તો ક્રૉસ કરતી પાછી ઘર સુધી જતી ને આવતી. ટપાલ આવી ગઈ હોય તો રસ્તે પાછા વળતાં બંધ કવરને ફોડતી કે વાંચતી પણ. તે ઘણી વાર ‘સ્ટૉપ’ ‘ગો’ને ઉવેળીને પોતાનો માર્ગ કચડાયા-ગભરાયા-મર્યા વગર કાઢતી હતી. હું જીવવા માગું છું. મરવા નહિ. ગમે તે થાઓ! ગમ્મે…ગમ્મે તે, ગમ્મે તે થાઓ… પાટલીના સળ ઇસ્ત્રીબંધ રહેવા જોઈએ.

‘મને લાગે છે કે મને કોઈએ ધક્કો માર્યો હશે.’

ધક્કો કેવી રીતે? પાંચમે માળ અગાસી પર, આકાશમાં કોઈ તૂટેલો પતંગ કપાતો, તૂટતો, ઝૂલતો, ગડથોલિયાં ખાતો, અટવાતો રસ્તા પર પડે છે, કોણ લૂંટે, કોણ પકડે, અધ્ધર વીજળીના થાંભલાના તાર પર ઝિલાશે કે વાહનની અડફેટે આવશે તે જોવા હું અગાશીમાંથી વાંકી, વાંકી, વાંકી વળી, વળી ને છેક દૂર દૂર સુધી જોવા ઢળું – ધક્કો વાગી જાય. કોઈનો વાંક નયે હોય! પેટમાં ખાધેલું ઝેર થઈ જાય. ઉપરથી નીચે પડતાં વચ્ચે જ પેટમાં બધું ડહોળાઈ ઊઠે. શીર્ષાસનથી ઊલટ-પલટ થતાં. વચ્ચે જ ઊલટી થતાં બાકી રહી જાય એવું બને! ન બને શું? મને ખ્યાલ નથી. ધક્કો લાગ્યો હોય કે માર્યો હોય કે…

‘આપઘાત અને અકસ્માતમાં નક્કી કરવું જ પડે! જરા સભાન થાઓ! પ્રયાસ કરો! બોલો આપઘાત…’

એક વાર્તા જેવું સાંભળશો? ધારો કે તે દિવસે… ટપાલરસ્તે કવર ફોડતાં-ફોડતાં આંખે ઝાંખ વળી ગઈ હશે.

‘અરે, આટલી ઝડપથી ક્યાં ચાલ્યાં?’

‘કેમ? લવ-લેટર?’

‘અરે સંભાલો… મરના હૈ?’

ચીં-ઈઈઈ… કરડ્‌ડ્‌ડ્… અવાજ… ચૂચૂચૂચૂ… બ્રહ્માંડમાં ઘૂંટાયેલા એક અંધકારનો ડામર જેવો ગરમગરમ રગડો છાતી પર પ્લાસ્ટરની જેમ દઝાડી – ચોંટી ચામડી ઉખેડી સિસકારો બોલાવી ગયો. પછી? પછી એમ કે,

‘કેમ શું થયું હતું? આટલી ધાડ શેની હતી? ક્યાં જતાં હતાં?’

‘ના, જતી નહોતી; આવતી હતી.

‘ક્યાંથી?’

‘જરા આત્મહત્યા કરવા ગઈ હતી. પણ થયું એવું કે જે જગ્યા, જે સમય, જે વસ્તુ, અને જે મુહૂર્ત શુભ હતું તેમાંથી જગ્યા એની ઊલટી દિશામાં જ હતી. આ તરફ પણ સગવડ ખરી, પણ આપણા કામની નહિ, તે તરફ આત્માને જરા વધુ રિબાવવામાં આવે છે. બ્લેડનો છરકો વાગે ત્યારે લિસ્સું લિસ્સું લાગે પછી તરત લોહીનો ચચણાટ! એટલું અમથુંય સહન ન થાય હોં! વળી…’

‘અરે, એના કરતાં મને પૂછ્યું હોત તો, બીજાં બે-ત્રણ સરનામાં આપત! બોલો શો વિચાર છે? હા, પણ આવોને ભેળ ખાઈ લઈએ. ખાઓ છો ને? કાંદાનો વાંધો નથી ને?’

‘અરે, ભેળ તો મારી પ્રિય વાનગી… મરતાં પહેલાં જગતનો રસ, ઇચ્છા પૂરી કરી જ લેવી. આ તરફ તો ભેળપુરીવાળા લસણની ચટણી બહુ તીખી રાખે છે. સિસકારો બોલી દેવાય! તમે જણો છો ને! તકલીફ કોઈ વાતની મારાથી સહન જ ન થાય.’

‘ભેળ એટલે ભેળ, ભેળ એટલે કાંદાકચુંબર, ખાટી ચટણી. પણ ખાવાનું ચમચીથી – સિસકારોય બોલાવવો પડે! બધા જ રસ ભળ્યા હોય!’

‘તે તરફ તો ચમચીય આપતા નથી. પણ પાંચે આંગળીઓથી ચટણી મિલાવી ચાટીચાટીને ખાવાનો રસ પડે! એમાં આંગળાંનોય સ્વાદ ભળે છે. આમ ભેળ ખાઈએ ત્યારે જ આત્મા સંતર્પાય!’

‘સમજ્યો! આ તરફ આત્મા સંતર્પાય પછી જ આપઘાત સફળ નીવડે એટલે! આ તરફ… કાગળમાં ભેળ મળે છે.’

…કાગળિયું પણ એવું ચાટી જવાનું કે એના અક્ષરો પણ ઓહિયાં થઈ જાય! અક્ષરો વંચાય નહિ પણ ખાઈ જવાય. ભેળ સાથે લોહીમાં ભળી જાય? શાહી કંઈ ઝેરી નથી હોતી! ન હોય, તો તો… શૉર્ટ કર્ટ!’

‘ઊભા રહો, છીંક ખાઈ લઉં!’

‘બેસ્ટ લક.’

‘હા, અણી ચૂકી જ જવાય.’

‘તો તમે ઝેર ઘોળ્યું હતું?’

‘ઓહ, ના, મને… મને કાગળના પડીકામાં ઝેર…’

‘તમે ખરીદ્યું હતું?’

‘ના, મને પાઠવવામાં આવ્યું હતું ઍરલેટરમાં! પણ હું ખાવાની નહોતી, મારે ખાવું નહોતું. હું ખાઉં એવી કાચી નથી. મને કાગળ ઉઘાડતાં જ વાસ આવી ગઈ. ઘ્રાણેન્દ્રિય સતેજ હતી. શ્વાસ એવો ધસારાબંધ કે તમે તો જાણો છો કે શ્વાસ લેવામાં વાંધો ઓછો, પણ ઉચ્છ્‌વાસ તકલીફ આપે! શ્વાસનો વારો પૂરો થયો. પણ ઉપવાસ કર્યો હોય ને ખાવાની વાનગીની તીવ્ર સુગંધ ઘ્રાણેન્દ્રિય દ્વારા લો, તો ઉપવાસ ભાંગી જાય! એટલે ઉઘાડતાં જ શ્વાસ સાથે ધસારાબંધ ઝેર…! બાકી મારે ખાવું નહોતું! એથી તો ઉપવાસ કરતી હતી. અને પછી ઉચ્છ્‌વાસનો વારો શરૂ થયો. આંતરડાં અમળાવા લાગ્યાં, જાણે પેટની ગાંઠ… ફાટી જશે!

‘હાં બોલો બોલો, પ્રયાસ કરો, બી બોલ્ડ!! ઈમોશનલ ન થાઓ!’

તમે તો જાણો છો મારા ઘરમાં ટેલિફોન નથી. પણ હું તો રસ્તામાં હતી. ભોંપી, ટ્રીં, ટીનીનીની, ખટ્ ખટ્, તબડાક તબડાક, ભર્‌ર્ ખડખડખડ…ડડડ… ટેલિફોન, તાર… ક્યાં સગાને બોલાવું? કોની મદદ માગું? બચાવો! મને કોઈ પકડો! એલાવ હા, એલાવ! આખરે… એમ થયું! આખરે ટપાલ આવી ગઈ. મરોડદાર અક્ષરો સાક્ષાત્ મારી સામે ઊભા રહ્યા. સ્વચ્છ કપડાં, એકેય ક્રીઝ નહિ. તારીખ, સ્થળ, સમય, શુભ-લાભ, ગણેશનું ચિત્ર, લાલ ચૂંદડી ‘રૂબરૂ મળ્યા તુલ્ય’ એમાં છે. એ મારા નામનું સરનામું, સીવણ. શિક્ષિકા… બિચારીને સ્કૂલે જવાનું મોડું થતું હતું. બસ પકડવાની હતી. ત્રીજી વાર મોડું થવાની ચોકડી જો રજિસ્ટરમાં લાગે તો એક દિવસનો પગાર કપાઈ જાય!

પગાર કપાઈ જાય, તે હવે કેમ પોસાય? ભેળ માટે કરકસર કરી શકાય. ટેલિફોન ન કરીએ તો કૉલના ચાર આના બચી જાય! ડૉક્ટર, મારો પગાર એક નાના સંસાર માટે પૂરતો છે. મારે મરવું નથી. ગમ્મે તે… ગમ્મે તે થાય, ટપાલ ન આવે તોય મરવું નહોતું, ટપાલ આવી ગઈ એક વારકી – છૂટકો કરતી, તોય મરવું ન જોઈએ.

જોઈએ કે ન જોઈએ? રહેવા દો, પાસું બદલવા દો. એક આખું જીવન પેલા પડખે કણસે છે, જરા પાસું જ બદલવાનો પ્રયાસ મેં કર્યો સરનામું બદલવા. એક દિશામાંથી બીજી દિશા કેવી હશે? ઉતાવળે, ઝડપથી કાગળ વાંચી દોટ મૂકી, પણ જરા જોઈ જ લેવા! તમે જરા મદદ કરો! પાસું બદલવામાં શો ગુનો છે? અરે ભલે નામ ન આપો, જરા સ્વાદ બદલવો છે. તકલીફ ન થાય એવાં સ્થળ તપાસી જવાં છે.

સુશ્રી સળવળી ઊઠી. અવાજમાં વિચિત્રતા હતી. એ કોઈ સંવાદ બોલતી હતી. રંગભૂમિ પર કરુણાન્ત નાટકની નાયિકા સ્વગતોક્તિ કરે તેમ!

મારે ન્યાય નથી જોઈતો પ્રભુ, નિસાસા નથી નાખવા, સાચ-ખોટનાં લેખાં નથી જોખવાં, હવાના વંટોળથી આંખમાં એન્જિનની કોલસી પડે ને કણું ખૂંચ્યા કરે, તે દર્દ સહેવું છે. આંખનાં પાણી મદદ કરે ને વાગેલા ઘાને, ઉઝરડાને, મુલાયમ પણ રાખે, સાથે નાજુક કીકીમાંથી સલામત એ કણી બહાર નીકળી જાય!

મેં ગીતાપાઠ કર્યો, બરાડા પાડીને. ચોકડીમાં બેસી ધબાધબ કપડાં ધોયાં. રેડિયોનું વૉલ્યુમ ઊંચું કરી અવાજોને કાનમાં પધરાવ્યા. પડોશની ભેંકડો તાણતી છોકરીનો એકધારો અવાજ આરોહ-અવરોહ સહિત એટેન્ડ કર્યો. અરીઠાંથી માથું ચોળ્યું… ખટક ન ગઈ.

બારી પર બેઠેલા કાગડાને બેસવા દીધો. કાંટાળી તારની વાડ પર બેઠેલી ચકલીના કૂદકા જોયા, વાડાની એક વેલ પર કીડીઓની સેર ચાલતી ભીંસ પર ચડતી જોઈ. કબૂતરના ગળાની ઝાંય, બારમાસી ફૂલોનું હાસ્ય, તડકામાં ચમકતું ખાબોચિયું, પાણિયારે બાઝેલી લીલ… હાજી, આ બધું આવકાર્ય છે, હું સ્વીકારું છું વ્યક્તસ્થિત છું. એમ તો શાકવાળાએ મને દૂભવી છે, દૂધવાળાએ દૂધની ના કહેતાં દૂભવી છે, પસ્તીવાળાએ ગોલમાલ કરી જીભાજોડી કરતાં દૂભવી છે, ધોબીએ સ્ટાર્ચવાળી સાડીની ઈસ્ત્રી કરવાની ના કહીને દૂભવી છે. પડોશણે બારણું વાસી દઈને દૂભવી છે. આંગણે આવનાર મહેમાનોએ કટાક્ષ કરી દૂભવી છે, ન ગમતી મોસમે, રેડિયોમાં વાગતા ન સહેવાતા ગીતે, સંધ્યાની ધૂંધળાશે, બપોરની ગરમીએ, સવારના પ્રકાશે, રાતની અનિદ્રાએ, અનિદ્રા પછી જાગતી અવસ્થાએ. ઝોકું આવતાં અંદર ઊમટી પડેલા ઓથારે – અવ્યવસ્થિત દુઃસ્વપ્ને ટપાલી સ્વરૂપે મને દૂભવી છે.

થોડા કલાકની હું મહેમાન બનવા ગઈ. આ કયો પ્રદેશ? આની માનવતા કેવી છે? અહીંની લુખ્ખી હવા ગૂંગળાતી ગઈ. માણસોના અવાજો ડરાવી ગયા. બરછટતા ભોંકાતી ગઈ. કશાય વાંક વગર મને પકડીને બાંધવામાં આવી… ને મેં માત્ર ચીસ જ પાડી. ‘મને મારી નાખો, જીવતી સળગાવી દો, ઝેર આપો, મોત આપો…’

નહિ, મારી સજ્જનતા અળપાઈ જવા નહિ દઉં! રખે ને મારાં આંસુ કોઈની સૌભાગ્યવંતી દીવાલના ધબ્બા બને! રખે ને મારી કકળતી આંતરડી કોઈના સુખમાં સુરાખ પાડે! રખે ને મારા નિસાસા કોઈના કપાળના લાલ રંગને રોળી નાખે! દુભાયાની પીડાની ઝીણી ઝીણી નકશીને મેં તપાસી છે.

મારા ખંડના અંધકાર, દૂર જા! મારી પચીસ વર્ષથી સાથે રહેનાર ધરતી, હું તારી પાસે છું. મને આળોટવા દે! માથે ઝળૂંબેલી રક્ષક છત, મને બચાવ! સાગોળની ઠંડી દીવાલો, તમે નજીક રહો! લાકડાની બારી, તું પ્રકાશને આવવા દે! બહારના અસહ્ય તાપ, અપમાન, વેરઝેરને બહાર રાખી મારાં દ્વાર, તમે બંધ થઈ જાઓ. મારી ઊંઘ મને ચિરકાળ સાથ આપ! ઊંઘમાં મને છેલ્લી પ્રાર્થના કરવાનું ભાન આપ કે ‘હે પ્રભુ, મારાં મિત્રો, અમિત્રો, દૂભવનારાં, અપમાન કરનાર સૌને કદી ન દૂભવશો! એમને માફ કરજો, કારણ કે એ જાણતાં નથી કે આ લોકો શું કરી રહ્યાં છે!’