સોરઠી બહારવટીયા - 2/૪

Revision as of 10:00, 14 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪|}} {{Poem2Open}} "બાપુ! ગઝબ થઈ ગયો.” જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

"બાપુ! ગઝબ થઈ ગયો.” જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતીઆળાના ડુંગરામાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા.

  • કહેવાય છે કે પેલું વાળેલું ખપ્પર મુરાદશાએ ઉંચુ ઉપાડી લીધું. ઉપાડતાંજ નીચે એક ઘોડીના ડાબલાનું તાજેતાજું પગલું ને બીજું ઘોડાની તાજી કરેલી લાદનું પોચકું દેખાયું.

“શું થયું આપા?” “મહારાજ વજેસંગનો કુંવર *[૧]દાદભા ગુજરી ગયા.” “અરરર! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો? શું થયું? ઓચીંતાનો કાળ ક્યાંથી આવ્યો?” “ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દિ' નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા, અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઇક કામણ કર્યું : કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ ઝલાઈ ગઈ ને દમ નીકળી ગયો.” “કોપ થયો. મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા!” “વીજળી પડ્યાની તો શું વાત કરૂં બાપુ! શિહોર ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ વિલાપ થાય છે. વસ્તીના ઘરેઘરમાં પચીસ વરસનો જુવાન જોદ્ધો મરી ગયો હોય એવો કળેળાટ થાય છે.” “આપા! બાપ! દાદભાની દેઈ પડે એનું સનાન તો આપણને ય આવ્યું કે'વાય. આપણે ના'વું જોવે.” સહુ બહારવટીયાઓએ ફાળીયાં પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી: “બાપુ! એક વાત પૂછું?” “ભલેં બાપ!” “આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જઇ આવવું જોવે?”

  • તારીખો મેળવતાં જણાય છે કે આ મૃત્યુ પ્રસંગ કુંવર દાદભાનો નહિ પણ એથી નાનેરા કુંવર કેસરીસિંહનો હોવો જોઈએ.

હાદો ખુમાણ લગરીક હોઠ મલકાવીને વિચારે ચડી ગયા. એને એકસામટા અનેક વિચારો આવ્યા. ઠાકોર વજેસંગ, જેની સામે આપણે મોટો ખોપ જગાવ્યો છે, એની રૂબરૂ ખરખરે જવું? જેનાં માણસોને આપણે મોલની માફક વાઢતા આવ્યા છીએ તે આપણને જીવતા મેલી દેશે! જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે, એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે? પણ મારો જોગો તો જોગી જેવો છે. એને ખાનદાનીના મનસૂબા ઉપડે છે. એનું મન ભંગ ન કરાય. “જાયેં ભલે. પણ છતરાયા નથી જાવું આપા! દરબારગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને ભે નથી. પણ જો પ્રથમથી જ જાણ થાય તો પછી ઝાટકાની જ મેળ થાય, કેમ કે પાસવાનો ન સમજી શકે કે આપણે લૌકીક કરવા આવ્યા છીએ.” “ત્યારે બાપુ?" “કુંડલાનો સહુ કાઠી કણબી દાયરો જાય એની સાથે તું પણ માથે ફળીયું ઢાંકીને છાનોમુનો ગુડો વાળી આવજે. બીજું તો શું થાય?” કુંવર દાદભાને ખરખરે કુંડલાના કાઠી કણબી ને મુસદ્દી તમામ શિહોર ચાલ્યા. તેમાં બહારવટીયો જોગીદાસ પણ પેસી ગયો. માથા પર પછેડી ઢાંક્યા પછી એ પાંચસો જણના સમુદાયમાં કોણ છે તે ઓળખવાની તો ધાસ્તી નહોતી. દરબારગઢની ડેલી પાસે સહુ હારમાં બેસીને રોવા લાગ્યા. રીત પ્રમાણે મહારાજ વજેસંગ એક પછી એક તમામને માથે હાથ દઇ છાના રાખવા લાગ્યા. ચાલતાં ચાલતાં બરાબર જોગીદાસની પાસે પહોંચ્યા, માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો, “છાના રો' જોગીદાસ ખુમાણ! તમે ય છાના રો'.” “જોગીદાસ ખુમાણ” એટલું નામ પડતાં તો શિહોર ઉપર જાણે વજ્ર પડ્યું. હાંફળા ફાંફળા બનીને તમામ મહેમાનો આમ તેમ જોવા લાગ્યા. સહુએ પોતપોતાની તરવાર સંભાળી. અને આંહી બહારવટીયાએ પછેડી ખસેડીને પોતાનું પ્રતાપી મ્હોં ખુલ્લું કર્યું . બહારવટીઓ એટલું જ બોલ્યો કે “ભલો વરત્યો રાજ!” “વરતું કેમ નહિ જોગીદાસ ખુમાણ! કાઠીયાવાડમાં તો તારૂં ગળું ક્યાં અજાણ્યું છે? પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય, તો પછી તારા વિલાપ કેમ ન વરતાય?” બહારવટીયો! બહારવટીયો! બહારવટીયો! એમ હાકોટા થવા લાગ્યા. સહુને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે. તલવારોની મૂઠે સહુના હાથ ગયા. ત્યાં તો ઠાકોરનો હાથ ઉંચો થયો. એણે સાદ દીધો કે “રાજપૂતો! આજ જોગીદાસભાઈ બાઝવા નથી આવ્યા, દીકરો ફાટી પડ્યો છે એને અફસેાસે આવ્યા છે. મારા ગરાસમાં નહિ પણ મારા દુ:ખમાં ભાગ લેવા આવ્યા છે.” મહારાજ ગળગળા થયા. જોગીદાસની આંખોમાં પણ જળજળીયાં આવ્યાં. માણસોએ અરધી ખેંચેલી તલવારો મ્યાન કરતાં કરતા અગાઉ કદિ ન જોયેલું ને સાંભળેલું એવું નજરે દીઠું. મહારાજ બોલ્યા “જોગીદાસ, બ્હીશો મા હો!” “બ્હીતો હોત તો આવત શા માટે રાજ?” સહુ દાયરાની સાથે ખાઈ પી, મહારાજને રામરામ કરી પાછા જોગીદાસ ચડી નીકળ્યા. બહારવટીયાને નજરે જોઈ લેવા શિહોરની બજારે થોકેથોક માણસ હલક્યું હતું. બહારવટીયાના ચ્હેરા મ્હોરા જેણે કદિ દીઠા નહોતા તેણે તો ખુમાણોને દૈત્ય જ કલ્પેલા હતા. પણ તે ટાણે લોકોએ જુવાન જોગીદાસનું જતિસ્વરૂપ આંખો ભરીભરીને પી લીધું. આવા તપસ્વી પુરૂષ નિર્દોષ કણબીઓનાં માથાં વાઢી વાઢીને સાંતીડે ટીંગાડતો હશે, ને એના ધડનાં ધીંસરાં કરીને ઢાંઢાને ગામ ભણી હાંકી મેલી રાજ્યની સોના સરખી સીમ ઉજ્જડ કરી મેલતો હશે; એ વાત ઘડીભર તો ન મનાય તેવી લાગી. ગટાટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બહારવટીયો ચાલ્યો ગયો. જુવાન જોગીદાસની નજર જાણે દુનિયા કરતાં પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એ તે એકધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો. અનેક બાઈઓના મ્હોંમાંથી અહોભાવનું વેણ નીકળી પડ્યું કે “સાચો લખમણજતિનો અવતાર!”