સોરઠી બહારવટીયા - 2/૧૯

Revision as of 10:57, 14 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯|}} {{Poem2Open}} સામસામા બે શત્રુઓ બેઠેલા : વચ્ચે કસુંબાની કટોરી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૯

સામસામા બે શત્રુઓ બેઠેલા : વચ્ચે કસુંબાની કટોરી ઝલકે છે : પચીસ વરસનાં વેર એ બે ય શત્રુઓની આંખોમાંથી અત્યારે નીતરી ગયાં છે. વજેસિંગ ઠાકોર અને જોગીદાસ ખુમાણ સમાધાની કરવા ભેળા થયા છે. “લ્યો આપા! માગી લ્યો!” અંજલિમાં કસુંબો લઈ ઠાકોરે હાથ લંબાવ્યો. “માગી લેવાનું ટાણું ગયું મહારાજ! આજ તો તમે આપો તે લઈ લેવું છે. માટે બોલી નાખો.” એમ કહીને બહારવટીયાએ ઠાકોરની અંજલિ પોતાના હાથે પકડી પોતાનું મ્હોં નમાવ્યું. “ત્યારે આપા! એક તો કુંડલા.” “કુંડલા ન ખપે મહારાજ!” બહારવટીયાએ હાથ ઉંચો કર્યો. ઠાકોર ચમક્યાઃ “આ શું બોલો છે, આપા? કુંડલા સાટુ જંગ મચાવ્યો, અને હવે કુંડલા ન ખપે?"

  • આાજ એનો પણ વંશ નાબુદ થયો છે.

“ન ખપે. મહારાજ બોલ્યા એટલે હું માની લઉ છું કે કુંડલા મને પોગ્યા. પણ પણ હવે મારૂં અંતર કુંડલા માથેથી ઉતરી ગયું છે. મારો બાપ મુવો તે દિ' મહારાજે મોટેરો દીકરો બનીને મુંડાવેલું. એટલે નાવલી-કાંઠો ભલે મોટેરાને જ રહ્યો. વળી બીજી વાત એમ છે કે કુંડલા વિષે મને વહેમ પડ્યો છે. ચારણનો દુહો છે કે, કીં થે તારા કુંડલા, ભડ વખતાને ભોગ્ય! આલણકા આરોગ્ય, હોય નૈ કસળે હાદાઉત! આ દુહે મને વ્હેમમાં નાખ્યો છે. અરથ તો સવળો છે કે “હે દાદાના પુત્ર! તારા કુંડલા વખતસિંહજી શી રીતે ભોગવશે? હે આલણકા! એનાથી હેમખેમ કુંડલા નહિ ખવાય!” પણ એથી ઉલટો અરથ પણ નીકળે છે. માટે કુંડલાને ટીંબે અમે નહિ ચડીએ! કુંડલા તો ભલે મહારાજને રહ્યું.” “ત્યારે એક આંબરડી કબૂલ છે?” “હા બાપા! અભરે ભર્યું ગામ.” “બીજુ બગોયું.” “એ પણ કબૂલ : સોના સરખું.” “એ બે તમને : વીરડી ને રબારીકું આપા ગેલાનાં છોરૂ ને.” "બરાબર.” “આગરીઆ ને ભોકરવું આપા ભાણને.” “વ્યાજબી.” “ઠવી ને જેજાદ ભાઈ હીપા જસાનાં મજમુ. થયા રાજી?” “સત્તર આના." “કાંઇ કોચવણ તો નથી રહી જતી ને આપા, ભાઈ! જોજો હો! જગત અમારી સોમી પેઢીએ પણ ભાવનગરને 'અધરમી' ન ભાખે.” “ન ભાખે બાપા. ભાખે એની જીભમાં કાંટા પરોવાય.” “ત્યારે આપા ભાઈ! મને લાગે છે કે તમારા દીકરા તમારૂં ગઢપણ કદિક નહિ પાળે તો?” ઠાકોર હસ્યા. “તો આંહી આવીને રહીશ બાપા!” “ના, ના, આંહી યે કદિક આ મારાં પેટ - અખુભા નારૂભા પલટી જાય. આજ કોઈનો ભરોસો નહિ કોઈની ઓશીયાળ નહિ. રાજ તમને 'જીરા' ખડીયા ખરચી દાખલ આપે છે. જીવો ત્યાં સુધી ખાઓ પીઓ.” બહારવટીયો આભો બન્યો ×[૧] જીરા! ત્રીસ હજારની ઉપજ આપનારૂ જીરા ગામ ઠાકોરે ખડીયા ખરચીમાં નવાજ્યું. જોગીદાસે ઠાકોરના હાથમાંથી કસુંબો પીધો. સામી અંજલિ પીવરાવી. વસ્તીને વધામણી સંભળાવવા સહુ કચેરીમાં આવ્યા. બહારવટીયાને શરણાગત નહિ પગ સમવડીઓ કરીને ઠાકોરે પોતાની સાથે અરધોઅરધ ગાદી પર બેસાર્યા, અને બંદીજનોએ બેયને ત્રોવડ તરીકે બિરદાવ્યા : વજો અવરંગશા વદાં, દરંગો જોગીદાસ તણહાદલ વખતાતણ, આખડીયા ઓનાડ. [બેમાંથી કોનો વત્તો ઓછો કહું? વજો મહારાજ ઔરંગજેબ જેવો વીર, ને સામો જોગીદાસ પણ દુર્ગાદાસ જેવો : એક વીર વખતસિંહનો યુદ્ધ ખેલી જાણ્યા.]

× આ 'જીરા' વિષે એમ પણ બોલાય છે કે એ ખડીયાખરચી તરીકે નહિ, પણ જોગીદાસના દીકરા લાખા હરસૂરની ધોતલીમાં અપાયલું. કહેવાય છે કે આ 'જીરા' ગામ જોગીદાસના વિદેહ પછી પણ એના વંશમાં ચાલુ રહેલું. ત્રીજી પેઢીએ એભલ ખુમાણના વખતમાં એ વંશનાં એક વિધવા બાઈએ, પેાતાને પિત્રાઈઓ ગરાસ ખાવા દેતા ન હોવાથી 'જીરા' વિષેનો દસ્તાવેજ દરબારી અધિકારીને આપ્યો. આધિકારીએ જોયું કે 'જીરા' તો ફક્ત જોગીદાસની હયાતી પૂરતું જ બક્ષાયલું. એણે રાજમાં જાહેર કરીને જીરા ખાલસા કરાવી લીધું. પૂછવા જતાં ગગા ઓઝાના રાજપુરૂષે કહ્યું કે "જીરા (જીરૂ) તો શાકમાં પડી ગયુ!” તનય, ને બીજો વીર હાદા ખુમાણનો તનય : બન્ને બહાદૂરો સામસામા એ બિરદાવળી સાંભળતાં વજેસંગજી 'વાહ કવિરાજ!' કહી મલકાય છે. જોગીદાસની સમવડ ગણાવાનો એને શોચ નથી. મોટા મનનો ભૂપતિ રાજી થાય છે. ને જોગીદાસનાં ગુણગાન વધુ રૂડાં બને છે : તું પાદર જૂના તણે, ફેસળીઓ ફોજે (તે દિ) બીબડીયું બંગલે, (તુંને) જોવે જોગીદાસીઆ! [હે જોગીદાસ! તું જે દિવસ જૂનાગઢને પાદર ફોજ લઈને ચાલ્યો હતો, તે દિવસ તને બીબીઓ મેાટા બંગલાની બારીઓના ચક્રમાંથી નયનો ભરી ભરી નિરખતી હતી.] “સાંભળો આપાભાઈ! તમારાં શૌર્ય અને સ્વરૂપ કેવાં!” એમ કહીને સાગરપેટો ઠાકોર બહારવટીયાને હસે છે. પણ બહારવટીયાના કાન જાણે ફુટી ગયા છે. માથું નમાવીને એ તો કચેરીમાં યે બેરખા જ ફેરવે છે. એટલું જ બોલે છે કે “સાચું બાપા! ચારણો છે, તે ફાવે તેમ બિરદાવે.” પણ બંદીજનો તો તે દિવસ ગાંડાતૂર બનેલા હતા. કવિતાનાં નીરમાં બહારવટીયાને તરબોળ બનાવવો હતો : દુહા રેલવા લાગ્યા : દત સુરત ટેકો દઈ, રાખીતલ પ્રજરાણ! ખળભળતી ખુમાણ, જમી જોગીદાસીઆ! [હે પરજોના રાજા! કાઠીઓની પૃથ્વી ખળભળીને નીચે પટકાઇ જવાની હતી, તેને દાન તથા શૌર્યના ટેકા દઈને તેંજ ટકાવી રાખી હે જોગીદાસ!] જોગો જોડ કમાડ, માણો મીતળપર ધણી ન થડક્યો થોભાળ, હુકળ મચીએ હાદાઉત. [જોટાદાર કમાડ જેવો જોગીદાસ! મીતીઆળાનો ધણી : યુદ્ધ મચતી વેળા જરાયે ન થડક્યો.] કરડ્યે કાંઉ થીયે, પરડોતરાં પ્રજરાણ! ડસતલ તું દહીવાણ, ઝાંઝડ જોગીદાસીઆ! [બીજાં નાનાં સાપોલીયાં ડસે તેનાથી તો શું થવાનું હતું? પણ ભાવેણાના નાથને તારા જેવા માટે ફણીધર ડસ્યો ત્યારે જ એનું ઝેર ચડ્યું.] જોગા! જુલમ ન થાત, ઘણુ મૂલા હાદલ ઘરે (તે તે) કાઠી કીં કે'વાત, સામી વડય સૂબા તણું! [હે જોગીદાસ! મહામૂલા હાદા ખુમાણને ઘેર જો તારો જન્મ ન થયો હોત, તો કાઠી મોટા સૂબા મહારાજાનો સમોવડીયો ક્યાંથી લેખાયો હોત?] અને ચારણે એ છેલ્લી શગ ચડાવી : ધૂવ ચળે, મેરૂ ડગે, મહદધ મેલે માણ (પણ) જોગો કીં જાતી કરે, ખત્રીવટ ખુમાણ! [ધ્રૂવ તારા ચલાયમાન થાય, મેરૂનાં શિખર ડગે, મહોદધિ પોતાની મરજાદ મેલે, તો પણ જોગો ખુમાણ પોતાની ક્ષત્રીવટ કેમ જતી કરે?] બહારવટીયાની બિરદાવળ સાંભળી સાંભળી મહારાજ જાણે ધરાતા જ નથી. ચારણોને સામા હોંકારા પણ પોતે જ આપી રહેલ છે. શબ્દે શબ્દે પોતે બહારવટીયાની સામે મીટ માંડી રહે છે. જોગીદાસ એની નજરમાં જાણે સમાતા નથી. બહારવટીયાના ગુણવિસ્તારની સરખામણીમાં ગોહિલને રાજવિસ્તાર નાનકડો લાગ્યો. જ્યારે મહારાજનું દિલ આટલું ડોલી રહ્યું છે, ત્યારે બહાવટીયાના ખુદના અંતરમાંથી તો આ બધી બિરદાવળ, પોયણને પાંદડેથી પાણી દંડે તેમ દડી પડી. એના મુખડાની ગરવાઈ જરાય ઓછી ન થઈ. એ તો સૂરજના જાપમાં તલ્લીન છે. ને એને તો પોતાનાં પાતક સાંભરે છે. પોતાના મનવાને મારી મારીને એ પ્રાયશ્ચિત્ત કરે છે. મહારાજે ઈસારત કરી, એટલે સભામાં રંગરાગ મંડાયા. સારંગીને માથે સુંવાળી કામઠીંઓ અડી ને અંદરથી કૂણા કૂણા સૂર ઉઠ્યા. સાથે સ્ત્રીઓનાં ગળાં ગળવા માંડ્યાં. નરધાં ઉપર ઉસ્તાદની થાપી પડતાં તે રણણ ઝણણ ધૂધરા બોલ્યા અને કિન્નરકંઠી રામજણીઓનો મુજરો મંડાણો. વજો મહારાજ ; કનયોલાલ : રસરાજનો જાણે અવતાર : અને મારૂ વંશનો મોજીલો બેટડો : જેવો સંગ્રામમાં તેવો જ રસભેાગમાં : વીણી વીણીને અમૂલખ વારાંગના તેડાવી હતી. કેમકે આજ તો અનુપમ ઉજવણું હતું : જોગીદાસનું બહારવટું પાર પડ્યું હતું. વારાંગનાનાં ગળાં ગહેકવા લાગ્યાં. અને જોગીદાસે પીઠ દીધી! આંખો અધમીંચી હતી, તે પૂરેપૂરી બીડી દીધી. બેરખો તો હાથમાં ચાલી જ રહ્યો છે. વજો મહારાજ કાંઈ સમજ્યા નહિ. એણે જાણ્યું કે બહારવટીયો દિશા બદલવાની કાંઈક વિધિ કરતો હશે. નાચ સંગીત ખીલવા લાગ્યાં. કચારી જાણે ગણિકાઓના સર-સરોવરમાં તરવા ને પીગળવા લાગી. ઓચીંતો જોગીદાસે ભેટમાંથી જમૈયો ખેંચ્યો. કચેરીમાં એ હથીઆરનો ચમકારો થયો, અને 'હાં હાં! આપા!' કહીને મહારાજે જોગીદાસનું કાંડું ઝાલ્યું. જમૈયાની અણીને બહારવટીયાની આંખના પોપચાથી ઝાઝું છેટું નહોતું. “આપા ભાઈ! આ શું?” “કાંઈ નહિ બાપા! આંખો ફોડું છું.” "કાં?” “એટલે તમે સહુ આ નાચમજરા નિરાંતે ચલાવો.““કાંઈ સમજાતું નથી આપાભાઈ!” “મારૂવા રાવ! તમે મારવાડ થકી આવો છો, તમારે પરવડે. પણ હું કાઠી છું, મારી મા-બેન નાચે, ને ઈ હું બેઠો બેઠો જોઉં, એમ ન બને.” “અરે આપા! આ મા–બેન્યું ન કેવાય, આ તે નાયકાઉં. એનો ધંધો જ આ. ગણિકાઉ ગાય નાચે એનો વાંધો?” “ગણિકાંઉ તોય અસ્ત્રીનાં ખોળીયાં : જનેતાના અવતાર : જેના ઓદરમાં આપણે સહુ નવ મહિના ઉઝરીએ એ જ માતાજીનાં કુળ: બધું એકનું એક, બાપા! તમે રજપૂત, ઝટ નહિ સમજી શકો. પણ મને કાઠીને તો દીવા જેવું કળાય છે. હવે જો ઈ માવડીયું પગનો એકેય ઠમકારો કરશે તો હું મારી આંંખોનાં બેય રતન કાઢીને આપના ચરણમાં ધરી દઈશ.”

  • નાચ મુજરા બંધ કરવામાં આવ્યા.

મહારાજે બહારવટીયા જોગ પૂરેપૂરા નિરખ્યા, અંતર ઓળઘોળ જઈ જવા લાગ્યું. જોગીદાસ જીવ્યા ત્યાં સુધી પોતાના ભાઈ કરી પાળ્યા. અન્ય સંભળાતા પ્રસગો : કવિ શ્રી ન્હાનાલાલ એક પ્રસંગ એમ પણ સંભળાવે છે કે ગાયકવાડ તથા ભાવનગર રાજની વચ્ચે સીમાડાની મોટી તકરાર હતી. કેમેય ગુંચ નીકળે નહિ. બન્ને રાજ્યોને એમ સૂઝ્યું કે જોગીદાસ બહારવટીયો સતવાદી છે, સીમાડાનો અજોડ માહિતગાર છે, એ ખરો ન્યાય તોળશે. માટે એને જ આ તકરારનો ફડચો સોંપાયો હતેા. સતવાદી બહારવટીયાએ ભાવનગરની સામે કારમુ વેર ચાલુ હતું છતાં સત્ય ભાખ્યું : ફડચા ભાવનગરના લાભમાં ગયા. એ પ્રસંગના ગુલતાનમાં બહારવટીયાને તેડાવવામાં આવ્યા હતા, અને તે વખતે આ ઘટના બની હતી. શ્રી. ધીરસિંહજી ગોહિલ લખી જણાવે છે : “જ્યારે ઠાકોર અને જોગીદાસ કસુંબો લેવા ભેળા થઈ તંબુની બહાર બેઠા હતા, ત્યારે ઓચીંતો એક સાપ નીકળ્યો. બધા એ સાપને દેખી ભાગ્યા. ફક્ત જોગીદાસ બેઠા રહ્યા, સાપ જોગીદાસ તરફ ચાલ્યો. ઠાકોર કહે “જોગીદાસ, ભાગો!” બહારવટીયો કહે “ના મહારાજ! આપ દેખો તેમ મારે સાપોલીઆથી ડરીને તગ! તગ! ભાગવું ન પરવડે!” પલાંઠી ઠાંસીને બહારવટીયો બેસી રહ્યો. સાપ એના શરીર પર ચડ્યો. માથા ઉપર ફેણ લઈ ગયો. પછી ઉતરીને ચાલ્યો ગયો. જોગીદાસ જેમના તેમ બેઠા રહ્યા. ઐતિહાસિક કથાગીત : બૅલેડ [આ ગીતના રચનાર કેાણ, તે નથી જાણી શકાયું. ભાવનગર રાજના આશ્રિત હશે એમ લાગે છે. ભાવનગરના રાજકવિ શ્રી પીંગળશી ભાઈના જૂના ચોપડામાંથી, એમના સૈજન્યથી આ પ્રાપ્ત થયું છે.] પડ ચડિયો જે દિ' જોગડો પીઠો આકડીયા ખાગે અરડીંગ,

જરદ કસી મરદે અગ જડિયા

સમવડિયા અડિયા તરસીંગ. ૧ [જોગીદાસ ને પીઠો ખુમાણ યુદ્ધમાં ચડ્યા, શુરવીરો ખડગ લઈ આફળ્યા. મરદોએ અંગ પર બખર કર્યાં. બરોબરીયા સિંહોએ જાણે જગ માંડ્યો. (સિંહોને 'તરસીંગ' ત્રણ સીંગડાં વાળા કહેવામાં મનાવે છે.)] જુધ કરવા કારણ રણ ઝૂટા સાંકળ તોડ્ય બછૂટા સિંહ, માંડે ખેધ બેધ ખુમાણો લોહ તણો સર જાણે લીંહ. ૨ [યુદ્ધ કરવાને કારણે બહારવટીયા રણમાં ધસ્યા. જાણે સિંહ સાંકળ તોડીને વછૂટ્યા. ખુમાણેાએ મરણીયા થઈ વેર માંડ્યું. જાણે એ તો લોઢાની ઉપર આંકેલ લીંટી! ભૂંસાય જ નહિ.] કસંપે ખોયા મલક કાઠીએ કરિયોયે ઘરમાં કટંબ કળો; સાવર ને કુંડલપર સારૂ વધતે વધતે વધ્યો વળો. ૩ [પરંતુ કાઠીઓએ કુસંપને કારણે મુલક ખોયા. ઘરની અંદર જ કુટુંબ-કલહ કર્યો. સાવર ને કુંડલા માટે વેર વધવા જ લાગ્યાં.] મત્ય મુંઝાણી દશા માઠીએ કાઠી બધા ચડ્યા કડે, ચેલો ભાણ આવીયા ચાલી જોગો આવધ અંગ જડે. ૪ [પણ માઠી દશાને લીધે તેઓની મતિ મુંઝાણી. કાઠીઓ બધા કડે ચડ્યા. જસદણનો ચેલો ખાચર અને ભડલીનો ભાણ ખાચર આવ્યા. તે વખતે જોગીદાસ અંગ પર આયુધ કસતો હતો.] વેળા સમે ન શકિયા વરતી ફરતી ફોજ ફરે ફરંગાણ, ભાયું થીયા જેતપર ભેળા ખાચર ને વાળા ખુમાણ. ૫ [કાઠીઓ સમય ન વર્તી શક્યા. ચોફેર અંગ્રેજોની ફોજ ફરતી હતી. છતાં બધા ભાઈઓ જેતપરમાં ભેળા થયાં. ખાચર, ખુમાણ ને વાળા, ત્રણે.] વહરા તસર સિંધુ વાજીયા સજીયા રણ વઢવા ભડ સોડ પાવરધણી બધા પરિયાણે મળુને સર બાંધો મોડ. ૬ [ઘોર સીંધુડા રાગ વાગ્યા. સુભટ્ટો રણમાં વઢવા માટે સજ્જ થયા. પાવરના સ્વામીઓ (એટલે કે પાવરમાંથી આવેલા કાઠીઓ) બધાએ પ્રાયણ કર્યા કે કાકા મુળુવાળાના શિરપર સરદારીની પાઘ બંધાવીએ. મૂળુ સાચો અખિયો માણે જાણે દાય ન ખાવે ઝેર, ફરતો ફેર મેરગર ફરવો વજમલસું આદરવો વેર. ૭ [મુળા વાળાએ સાચી સલાહ આપી કે ભાઈ! મેરૂની પ્રદક્ષિણા કરવી જેટલી મુશ્કિલ છે, તેટલું જ વિકટ વજેસંગ સાથે વેર આદરવાનું છે.] હેક વચન સાંભળ તણ-હાદા! નર માદા થઈ દીયો નમી! પડખા માંય કુંપની પેઠી જાવા બેઠી હવે જમી. ૮ [હે હાદાના તનય! એક વચન સાંભળ. હવે તો મરદો છો તે અબળાઓ બનીને નમી જાઓ. કેમકે હવે પડખામાં અંગ્રેજની કંપની પેઠી છે, હવે આપણી જમીન જવા જ બેઠી છે.] બરબે હાદા-સતણ બોલિયો કાકા ભીંતર રાખ કરાર! જોગો કહે કરૂં ધર જાતી (તો) વંશ વાળા લાજે અણવાર. ૯ (હાદા-સુતન જોગીદાસ ઉશ્કેરાઈને બોલ્યો કે હે કાકા! તું હૃદયમાં ખાત્રી રાખજે. હું જોગો જો ધરતી જાવા જાઉં, તો તો અત્યારે આપણો

અસલ વાળા ક્ષત્રિયનો વંશ લાજે.] 

મૂળુ કને આવીઆ માણા કેા' મુંઝાણા કરવું કેમ! વાળો કહે, મલકને વળગો જેસા વેજા વળગ્યા જેમ. ૧૦ [જેતપુર મૂળુવાળાની પાસે માણસો (કાઠીઓ) આવ્યા. પૂછ્યું કે, કહો, હવે શું કરીએ? વાળાએ કહ્યું કે, જેસા વજા જેમ બહારવટે નીકળી દેશને ધબેડતા તેમ તમે પણ ધબેડો.] મરદાં સજો થાવ હવ માટી! આંટી પડી નકે ઉગાર, અધપતીઓના મલક ઉજાડો ધાડાં કરી લૂંટો ધરાર. ૧૧ [હે મરદો! હવે બહાદૂર થઈને સાજ સજો, હવે એવી આંટી પડી છે કે ઉગાર નથી. હવે તે રાજાઓના મુલકને ઉજ્જડ કરો. ધાડ પાડીને ધરાર લુંટો.] એ કથ સુણી ભરિયા ઉચાળા ગરના ગાળામાંય ગીયા, વાંસેથી ખાચર ને વાળા રાળા ટાળા કરી રીયા. ૧૨ (જેતપૂર મુળુવાળાનું આવું કથન સાંભળીને ખુમાણોએ ઉચાળા ભર્યા. ભરીને ગિરની ખીણોમાં ગયા. પણ પાછળથી ખાચરો અને વાળાઓ ખટપટ કરવા માંડ્યા.] પરથમ એ ખૂટામણ પેઠું બેઠું સહુ ગ્રહી ઘરબાર, જોગો કરે ખત્રવટ જાતી (તો) ભૂવણ શેષ ન ઝીલે ભાર. ૧૩ [પ્રથમ જ ખૂટામણ પેઠું. બધા પોતાનાં ઘરબાર ઝાલીને બેસી ગયા. ફક્ત એક જોગીદાસે કહ્યું કે જો હું ક્ષત્રીવટ જતી કરૂં, તો તો શેષનાગ પૃથ્વીનો ભાર ન ઝીલે.] જૂસણ કસીઆ જોધ જુવાણે ખૂમાણે સજીયા ખંધાર, પૃથવી કીધી ધડે પાગડે બાધે દેશ પડે બુંબાડ. ૧૪ [જુવાન જોદ્ધાઓએ બખ્તરો કસ્યાં. ખુમાણોએ અશ્વો સજ્યા. પૃથ્વીમાં નાસ ભાગ કરાવી મૂકી. આખા મુલકમાં બૂમો પડી.] દીવ અને રાજૂલા ડરપે શેષ ન ધરપે હેઠે સાંસ, આવી રહે અચાનક ઉભો દી' ઉગે ત્યાં જોગીદાસ! ૧૫ [દીવ અને રાજુલા શહેરો ડરે છે. શેષનાગ જાણે કે નીચો શ્વાસ નથી મેલી શકતો. દિવસ ઉગે છે ત્યાં ઓચીંતો આવીને જોગીદાસ ઉભો રહે છે.] આઠે પહોર ઉદ્રકે ઉના ઘર જુના સુધી ઘમસાણ, પાટણરી દશ ધાહ પડાવે ખાગાં બળ ખાવે ખૂમાણ. ૧૬ [ઉના: શહેર આઠે પહોર ઉચાટમાં રહે છે. જૂનાગઢ સુધી ઘમસાણ બોલે છે. પાટણની દિશામાં પણ બહારવટીયા પોકાર પડાવે છે. તલવારને જોરે ખુમાણો ખાય પીવે છે.] એ ફરીઆદ વજા કન આવી અછબી ફોજ મગાવી એક, લુંટી નેસ નીંગરૂ લીધા ત્રણ પરજારી છૂટી ટેક. ૧૭ [આવી ફરીઆદ વજેસંગજીની પાસે આવી. એણે એક મોટી ફોજ મગાવી. કાઠીઓનાં નેસડાં ઉચાળા લૂંટી લીધાં. કાઠીઓની ત્રણે શાખાઓની ટેક છૂટી ગઈ.] ભૂખ્યા ગિરે ડુંગરે ભમીઆ સોહડ જોખમિયા ભાઈયાં સાથ, ગેલો હાદલ ચાંપો ગમિયા નમિયા નહિ ખૂમાણા નાથ. ૧૮ [બહારવટીયા ભૂખ્યા ભૂખ્યા ગિરના ડુંગરામાં ભમ્યા. બહુ જોખમો ખમ્યાં. ગેલો ખુમાણ, હાદો ખુમાણ, ચાંપો ખુમાણ, વગેરેના જાન ગુમાવ્યા. છતાં પણ ખુમાણોનો નાથ જોગીદાસ ન નમ્યો. ઠેરોઠેર ભેજીયાં થાણાં કાઠી ગળે ઝલાણા કોય, જસદણ અને જેતપર જબરી ડરિયા મૂળુ ચેલો દોય. ૧૯ [વજેસંગે ઠેર ઠેર થાણાં મોકલ્યાં. કાઠીઓની ગરદન પકડી. જેતપુર ને જસદણ પર પણ જપ્તી આવી. એટલે મુળુ વાળો ને ચેલો ખાચર બન્ને ડરી ગયા.] મુળુ ચેલો બેય મળીને અરજ કરી અંગરેજ અગાં, વજો લે આવ્યો સેન વલાતી જાતી કણ વધ રહે જગ્યા! ૨૦ [મુળુ ને ચેલો બન્નેએ મળીને અંગ્રેજ પાસે અરજ કરી કે આ વજેસિંગ ઠાકોરે વિલાયતી સેના-એટલે કે આરબોની સેના ઉતારી. તો હવે અમારો ગરાશ શી રીતે રહેશે?) અંગરેજે દીયો એમ ઉતર સૂતર ચાલો છોડ સ્વભાવ, આશ કરો જો ગરાસ ઉગરે જોગીદાસ લે આવો જાવ. ૨૧ [અંગ્રેજે આવો ઉત્તર દીધો કે તમે તમારો લુંટારૂ સ્વભાવ છોડીને સીધા ચાલો, ને જો ગરાસ ઉગારવાની આશા રાખતા હો તો જાઓ, જોગીદાસને લઈ આવો!] જોગા કને ગીઆ કર જોડી ચેલો મૂળુ એમ ચવે, ચરણે નમો વજાને ચાલો (નીકર) હાલો પાવર દેશ હવે! ૨૨ [ચેલો ને મૂળુ જોગીદાસ પાસે જઈ, હાથ જોડીને કહે છે કે કાં તો તમે વજેસંગજીને ચરણે નમો, નીકર ચાલો પાછા આપણા પૂર્વજોના વતન પાવર દેશમાં. કેમકે અહીં આપણને રહેવા નહિ આપે.] જોગીદાસે મનમાં જાણ્યું તાણ્યું વેર ન આવે તાલ, આવ્યો શરણે વજો ઉગારે મારે તોય ધણી વજમાલ. ૨૩ [જોગીદાસે મનમાં વિચાર્યું કે હવે વધુ વેર તાણવામાં ફાયદો નથી. વજેસંગજીને શરણે જ જઈએ. એ ઉગારશે ને કદાચ મારશે તો પણ એ માલિક છે.] ખાળા ચાળા મેલ્ય ખુમાણે વાળાનો લીધો વિશવાસ, કૂડે દગો કાઠીએ કીધો દોરી દીધો જોગીદાસ. ૨૪ [ખુમાણોએ તોફાન મૂકીને વાળા (મૂળુ)નો વિશ્વાસ કર્યો. કાઠીએ (મૂળુ અને ચેલાએ) જૂઠું બોલીને દગો દીધો. જોગીદાસને દોરી જઈ શત્રુના હાથમાં સોંપી દીધો.] જોગો ભાણ કહે કર જોડી કરડી કોપી પરજ કજા! ગજરી વાર કરી ગોવીંદે વાર અમારી ક્યે વજા! ૨૫ [ભાણ જોગીદાસે હાથ જોડીને કહ્યું કે હે વજેસંગજી! અમારી ૫રજની (જ્ઞાતિની) કુટિલતા અમે જોઈ લીધી, હવે તો ગજની વ્હાર જેમ ગેાવીંદે કરી હતી, તેમ તું અમારી વાર કર.] મોટા થકી કદિ નહ મરીએ અવગણ મર કરીએ અતપાત, માવતર કેમ છોરવાં મારે છોરૂ થાય કછોરૂ છાત્ર! ૨૬ [હે મહારાજા! ભલે અમે ઘણા અવગુણો કર્યા છે, છતાં મોટા દિલના પુરૂષને હાથે અમને મરવાની બ્હીક નથી. છોરૂ કછોરૂ થાય પણ માવતર છોરૂને કેમ મારે?] અવગણ તાજી લીયા ગણ અધપત મહે૫ત બાધા એમ મણે, જોગીદાસ વલ્યાતે જાતો તે દિ રાખ્યો વખત તણે. ૨૭ [અધિપતિએ-રાજાએ અવગુણ તજીને ગુણ લીધો. અને આજે બધા રાજાઓ એમ કહે છે કે જોગીદાસને તે દિવસે અંગ્રેજના હાથમાં ચડીને વિલાયત જતો બચાવનાર તો વખતસિંહજીના પુત્ર વજેસંગ જ હતા.] પીડ ખુમાણાં તણી પિછાણી ધણીઅત જાણી. વડા. ધણી મારૂ રાવ! વજા મહારાજા! તું માજા હિન્દવાણ તણી. ૨૨ [તેં ખુમાણોની પીડા પિછાની; અને હે સમર્થ માલિક! તેં તારો સ્વામી-ધર્મ સમજી લીધો. હે મારૂ (મારવાડથી આવેલા) રાવ! હે વજેસંગ મહારાજ! તું હિન્દુઓની શોભા રૂપ છે.]