સોરઠી બહારવટીયા - 2/૧૦.
{{પડતો અક્ષર}શં}}ખોદ્વાર બેટથી થોડેક છેટે આજ સવારથી મનવારો ગોઠવાતી જાય છે. ચાર મોટી મનવારો સમીયાણીની દીવાદાંડી પાસે આવીને ઉભી રહી અને ત્રણ નાની બોટો ખાડીમાં ચોકી દેવા લાગી. સાતેના ઉપર અંગ્રેજી વાવટા ઉડે છે. તોપોનાં ડાચાં સાતેના તૂતક ઉપરથી બેટની સામે ફાટી રહ્યાં છે. ધીંગાણાના શોખીન વાઘેરો કિનારા ઉપર નાચતા કૂદતા બોલવા લાગ્યા કે “આયા! ચીંથડેંજે પગે વારા આયા ભા! ચીંથડેંજે પગે વાર ન લાલ મું વારા માંકડા આયા! હીં ચીંથડેંજે પગે વારા કુરો કરી સકે? (ચીંથરાના પગવાળા ને લાલ મ્હોં વાળા માંકડા આવ્યા, એ બિચારા શું કરી શકશે?)" ચીંથરાના પગવાળા એટલે મોજાંવાળા : વાઘેરોને મન આ મનવારો ને સોલ્જરો ચીથરાં જેટલાં જ વિસાતમાં હતાં. તાળીઓ પાડીને વાઘેરોએ ગોલંદાજને હાકલ કરીઃ “હણેં વેરસી! ખણો ઉન નડી તોપકે! હકડો ભડાકો, ને ચીંથડેવારાજા ભુક્કા!” બેટને આઘે આઘે છેડે બરાબર મોટા દરિયાને કાંઠે હાજી કરમાણીશા પીરની મોટી દરગાહ છે. હાજી કરમાણીશા ઓલીયો ઠેઠ ખંભાતથી, એક શિલાની નાવડી બનાવી, ધોકા ઉપર કફનીનો શઢ ચડાવી, આખો દરિયો તરતા તરતા બેટને આરે ઉતરી આવ્યા કહેવાય છે, એ જગ્યાની પાસે વાઘેર ગોલંદાજ વેરસીએ પોતાની નાની તોપમાં સીસાનો ભુક્કો, લોઢાના ચૂરા અને ગોળા વગેરે ખેરીચો ઠાંસી ઠાંસીને ભર્યો. મનવારોની સામે માંડીને તોપ દાગી, પણ ગોળા મનવારને આંબી જ ન શક્યા. હવે મનવારોએ મારો ચલાવ્યો. મણ મણના ગોળાઓએ આવીને વાઘેરોની તોપના ભુક્કા બોલાવ્યા. કિનારો ખરેડી પડ્યો. નાદાન વાઘેરો અણસમજુ છોકરાંની કાલી વાણી કાઢી કહેવા લાગ્યા : “નાર તો ભા! પાણ તો જાણ્યું જે હીતરી હીતરી નંડી ગોરી વીંજતો. પણ હે તો હેડા હેડ વીજેતો. હેડજો કરાર તો પાંજે ન વા! હણે ભા! ભજો! [આપણે તો જાણ્યું કે આવડી આવડી નાનકડી ગોળીએ છોડશે. આ તો આવડા આવડા મોટા ગોળા ફેંકે છે. આવડા ગોળાનો તો આપણે કરાર નહોતો, હવે તો ભાઈ, ભાગો!] કરમાણીશા પીરની દરગાહ ઉપરથી વાઘેરો ભાગ્યા. મંદિરોના કિલ્લામાં જઈને ભરાણા, અને આ બાજુથી દ્વારકાના દરિયામાં પણ મનવારોએ ડોકાં કાઢ્યાં. કિનારેથી જોધો ને મૂળુ, બે જણા આ વાઘેરોના કાળની નિશાનીઓ સામે ઠરેલી નજરે નિરખી રહ્યા છે. જોધો જરાક મોઢું મલકાવી મૂળુની સામે જુવે છે. મૂળુનું માથું ખસીઆણું પડીને નીચે ઢળે છે. “મુરૂભા! બચ્યા! કાળને કેવાં નોતરાં દીધાં આપણે?” હડુડુડુ! હડુડુડુ! દરિયામાંથી આગબોટોએ તોપોના બહાર આદરી દીધા. ઉપરાઉપરી ગોળાનો મે વરસવા લાગ્યા. ગઢની રાંગ તોડી. એટલે વાઘેર યોદ્ધાઓએ દુકાનોનો ઓથ લીધો. પલકવારમાં તો દુકાનો જમીદોસ્ત બની, એટલે વાઘેરો ખંડેરોનાં ભીંતડાં આડા ઉભા રહ્યા. ગ્રુપછાંટના ગોળા પડે છે. પડીને પછી ફાટે છે. ફાટતાં જ અંદરથી સેંકડો માણસોનો સંહાર કરી નાખે તેવી જ્વાળાઓ છૂટે છે, અને શું કરવું તે કાંઈ સુઝતું નથી. તે વખતે બુઢ્ઢાઓએ જુક્તિ સુઝાડી કે “દોડો ભાઈ, ગોદડાં લઈ આવો. અને ગોદડાં ભીનાં કરી કરીને ગોળા પડે તેવાં જ ગોદડાં વડે દાબીને બુઝાવી નાખો.” પાણીમાં પલાળી પલાળીને ગોદડાં લઈ વાઘેરો ઉભા રહ્યા. જેવો ગોળો પડે, તેવા જ દોડી દોડીને ગોદડાં દબાવી દેવા લાગ્યા. ગોળા ઓલવાઈને ત્યાં ને ત્યાં થંભી ગયા. એક આખો દિવસ એ રીતે બચાવ થયો. દુરબીન માંડીને આગબોટવાળાએ જોયું તો વાઘેરોની કરામત કળાઈ ગઈ. બીજે દિવસ પ્રભાતે આગબોટવાળાઓએ આગબોટો પાછી હટાવી. ગોળા બદલાવ્યા. તોપોના બહાર શરૂ થયા. આંહી વાઘેરો પણ ગોદડાં ભીંજાવીને હાજર ઉભા. પરંતુ આ વખતે ગોદડાં નકામાં નીવડ્યાં. ગોળા અદ્ધરથીજ ફાટી ફાટીને માણસોનો કચ્ચરધાણ વાળવા લાગ્યા. વાઘેરોનો ઇલાજ ન રહ્યો. દેવાએ પોકાર કર્યો કે “હવે કાંઈ ઉગારો?” "મંદિરમાં ગરી જઈએ.” “અરરર! ઇ ગાયુંના ખાનારાઓ મંદિર ઉપર ગોળા મારશે. અને આપણે ક્યે ભવ છૂટશું?” “બીજો ઈલાજ નથી. હમણાં ખલાસ થઈ જશું. બાકી મંદિર પર દુશ્મનો ગોળા નહિ છોડે.” ભાન ભૂલીને વાઘેરો મંદિરમાં દાખલ થયા. ત્યાં તો મંદિરના ચોગાનમાં બે ગોળા તુટી પડ્યા. અને ગોદડે ઝાલવા જાય ત્યાં એમાંથી ઝેરી ગેસ છૂટ્યો. ઓલવવા જનારા આઠે આદમીઓ ગુંગળાઈને ઢળી પડ્યા. બીજો ગોળો બરાબર મોટા દેરાના ઘુમ્મટ પર વાગ્યો. એક થંભ ખરેડી પડ્યો. તે વખતે ત્રાસ પામીને દેવા છબાણીએ હાકલ દીધી: “ભાઈઓ, હવે દુશ્મનોએ મરજાદ છાંડી છે. અને આપણાં પાપે આ દેવ ને આ દેરાંના ભુક્કા સમજજો. આપણાથી સગી આંખે હિંદવાણાના એ હાલ નહિ જોવાય. ભગવાનની મૂર્તિ તૂટે તે પહેલાં આપણો જ અંત ભલે આવી જાય, નીકળો બહાર. " “પણ ક્યાં જાશું!” “આરંભડે થઈને દ્વારકામાં” ત્યાં તો જાસૂસ ખબર લઈ આવ્યો : “દેવાભા, જમીન માર્ગે આપણે હવે જઈ રહ્યા. નાકાં બાંધીને તોપખાનાં ચાલ્યા આવે છે. ભાળ્યા ભેળા જ ફુંકી દેશે.” રઘુ શામજી નામનો એક ભાટીઓ : ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલી જાણે. એણે વાઘેરોને કહ્યું : “વષ્ટિ કરીએ. બીજો ઈલાજ નથી.” કિનારે આવીને લોકોએ ધોળો વાવટો ચડાવ્યો. સુલેહની નિશાની સમજીને મનવારનો કપ્તાન કિનારે આવ્યો, જુવાન જુવાન વાઘેરો કિલ્લામાં રહ્યા. બુઢ્ઢા હતા તેને કિનારે લઈ ગયા. કપ્તાન બોલ્યો કે “હથીઆર છોડી દ્યો.” બુઢ્ઢા બોલ્યા “હથીઆર તો ન છડ્યું, હીં કિલ્લો સોંપી ડ્યું.” દરમીઆન કિલ્લાના કોઠા પાસેની સાંકડી ગલ્લીમાં ખાડો કરી આડી રૂની મલીઓ ગોઠવી ચાર વાઘેરો તોપમાં ઢીંગલા ધરબીને છુપાઈ રહ્યા. વાઘેરો દગો રમ્યા. જોધો ત્યાં નહોતો. પાંચસો સોલ્જરો ઉતર્યા. કાંઠે ચોકી મૂકીને પાંચસો જણા આગળ વધ્યા. વાઘેરોએ રૂની મલી આડથી તોપ દાગતાં પચીસ સાલ્જરોની લોથોનો ઢગલો થયો. અને તોપો દાગનારા બેય વાઘેરો તલવાર ખેંચીને ફોજમાં ઠેકી પડ્યા. આખી ફોજને પાછી હટાવી, ગોળીએ વીંધાઈને બેય જણાએ છેલ્લા “જે રણછોડ!” નો નાદ કર્યો. શ્વાસ છૂટી ગયા.
માણેકે સીંચોડો માંડિયો, વાઘેર ભરડે વાઢ,
સોજીરની કરી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.
[માણેકે સંગ્રામ રૂપી સીંચોડો માંડી દીધો. જાણે વાઘેરો વાઢ ભરડવા બેઠા. ગોરા સોલ્જરો રૂપી શેરડી કરી. મોટા શુરવીરોને પીસી નાખ્યા.] ફોજે આથમણી રાંગ છોડીને દખણાદી બાજુ નીસરણી માંડી. સોલ્જરો સીડી ઉપર ચડી રહ્યા છે, ત્યાં “જે રણછોડ!”ના નાદ સંભળાયા. દેવા છબાણી પાંચ વાઘેરોને લઈ દોડ્યો. નીસરણી નીચે પટકી, ગોરીઆળી વાળો ગીગો તલવાર ખેંચી “જે રણછોડ!" કરી સોલ્જરો વચ્ચે ઠેકી પડ્યો. ઉંચેથી વાઘેરોએ એને પડકાર્યો કે “ગીગા ભા! જેડા ગાડર ગૂડેતા હેડ સોજરા ગુડજા! (જેવા ઘેટા કાપીએ તેવા સોલ્જરોને કાપજે!)” એ પડકારો સાંભળી એણે ૩૦ સોલ્જરોની કતલ કરી નાખી, અને ફોજને ફક્ત સાત મરદોએ કિનારા ઉપર પાછી કાઢી મેલી. ઘામાં વેતરાઈ ગયેલો બેટનો રક્ષપાલ દેવો છબાણી દ્વારકાધીશની ધજા સામે મીટ માંડીને થોડી વારમાં પ્રાણ છોડી ગયો. “હવે આપણો સરદાર પડતે આપણે આંહી રહી શું કરશું? અને હમણાં ફોજ બેવડી થઈને ઉમટશે.” એમ કહીને કિલ્લેદારો નાઠા, ગોળાનો વરસાદ ન સહેવાયાથી દ્વારકાવાળા નવસો જણા પણ નીકળી ગયા, કિલ્લાનાં બારણાં ખુલ્લાં મૂકાઈ ગયાં. રખેને હજુ પણ આગબોટો ગોળા છોડે, એવી બ્હીકે બેટના મહાજને કિનારે જઈ ફોજના કપ્તાન ડોનલ સાહેબને ખબર દીધા કે “વાઘેરો બોટ ખાલી કરીને નાસી છૂટ્યા છે, માટે હવે સુખેથી પધારો બેટમાં!”