સોરઠી બહારવટીયા - 2/૧૫.

Revision as of 12:49, 14 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫.| }} {{Poem2Open}} આભપરા ઉપર દિવસ બધો ચોકી કરતા કરતા બહારવટીયા જૂન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૫.

આભપરા ઉપર દિવસ બધો ચોકી કરતા કરતા બહારવટીયા જૂના કોઠાનુ સમારકામ ચલાવે છે અને રાતે દાયરો ભેળો થઈ દાંડીયા રાસ રમે છે. વાઘેરણો પોતાના ચોક જમાવીને ડુંગરનાં યે હૈયાં ફુલાય એવે કંઠે રાસડા ગાય છે, એવા ગુલ્તાનને એક સમે ચોકીદારે જોધાની પાસે અાવીને જણાવ્યું કે “બાપુ, હેઠલી ચોકીએથી વાવડ આવ્યા છે કે ચાર જણા તમને મળવા રજા માગે છે.” “કોણ કોણ?” “દેવડાનો પટલ ગાંગજી, સંધી બાવા જુણેજાનો દીકરો, ને બે સૈયદ છે.” “સૈયદ ભેળો છે? ત્યારે તો નક્કી વષ્ટિ સાટુ આવતા હશે. સૈયદ તો મુસલમાનોનું દેવસ્થાનું કે'વાય. ગા' ગણાય. એને આવવા દેજો ભા!” એક પછી એક નાકું અને ચોકી વળોટતા ચારે મહેમાનો આભપરાના નવા રાજાઓના કડક બંદોબસ્તથી દંગ થાતા થાતા આવી પહોંચ્યા. જોધા માણેક તથા મુળુ માણેકને પગે હાથ દઈને મળ્યા. બોલ્યા કે “જોધા ભા! વેર ગાયકવાડ સામે, અને શીદ જુનાગઢ જામનગરને સંતાપો છો? અમે તમારૂં શું બગાડ્યું છે?” “ભાઈ, અમને સહુને જેર કરવા સાટુ તમારાં રજવાડાં શીદ ગાયકવાડ અને અંગ્રેજની સાથે ભળ્યાં છે, તેનો જવાબ મને પ્રથમ આપો. અમે એનું શું બગાડ્યું છે?” “પણ કોઈ રીતે હથીઆર મેલી દ્યો? સરકાર ગઈ ગુજરી ભૂલી જવા તૈયાર છે.” “ખબરદાર વાઘેર બચ્ચાઓ!” વીઘો સુમણીઓ ખુણામાંથી વિજળીને વેગે ઉભો થયો, "હથીઆર મેલશો મા નીકર મારી માફક કાળાં પાણીની સજા સમજજો. રજપૂત પ્રાણ છોડે, પણ હથીઆર ન છોડે.” જોધાએ મહેમાનોને હાથ જોડી કહ્યું કે “એ વાત મેલી દ્યો. અમને હવે ઈશ્વર સિવાય કોઈ માથે ભરોસો નથી. અને મેં તો હવે મારા મોતની સજાઈ પાથરી લીધી છે. હું હવે મારો માનખ્યો નહિ બગાડું." પહાડ ઉપર જે કાંઈ આછી પાતળી રાબડી હતી તે પિરસીને મહેમાનોને જમાડયા. હાથ જોડી બેાલ્યો કે “ભાઈયું! આપ તો ઘણ જોગ, પણ અસાંજી સંપત એતરી!” છેક છેલ્લા ગાળાની ચોકી સુધી મહેમાનોને વાધેરો મૂકી આવ્યા.