ખરા બપોર/૧. ધાડ

Revision as of 05:28, 15 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. ધાડ|}} {{Poem2Open}} હું ફરી પાછો બેકાર બન્યો. ખભા પર કોથળો લઈ, કિન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧. ધાડ

હું ફરી પાછો બેકાર બન્યો.

ખભા પર કોથળો લઈ, કિનારે કિનારે ચાલતો હું બંદર છોડી રહ્યો હતો ત્યારે અઢી મહિનાની આ નોકરીની હૂંફ આપતી એક યાદ – એક પિછાન – મનમાંથી ખસતી નહોતી.

હું પૉર્ટની લૉંચની ચોકી કરતો બંદરથી ત્રણ માઈલ દૂર એકલો જ બેઠો હતો અંધારાં ઊતરી આવ્યાં હતાં, દરિયાનાં પાણીયે ઊતરી ગયાં હતાં. ઉત્તરનો પવન વાતો બંધ પડયો હતો. દરિયાની સપાટી ધીમું હાંફી રહી હતી. ત્યારે બધે જ નિષ્ક્રિયતા, શાંતિ અને કાળજાને કોરી ખાય એવી અવાક એકલતા. આ સ્તબ્ધ વાતાવરણમાં મને સહચર્ય મળવાની કોઈ શક્યતા નહોતી. ત્યારે ઘેલાનો ઓચિંતાનો ભેટો થઈ ગયો.

ઊંટો ચારવા બાજુના કાદવવાળા ચેરિયાના છોડવાથી છાયેલા કિનારા પર એ બે દિવસથી ઘૂમતો હતો.

ઊંચો, કદાવર, બિહામણો દેખાય એવો દેહ, સફેદ દાઢી, ઝીણી કટારીની ધાર જેવી તીક્ષ્ણ આંખો, સશક્ત રેખાઓ મંડિત ચહેરો, ચોક્કસ સાવચેત પગલે મારી પાસે આવ્યો ત્યારે એના આવ્યાની કળ જ ન પડી અને સામે ઉપસ્થિત થયો ત્યારે ડર લાગ્યો.

અને પછી વાતાવરણ પણ જ્યારે સાનુકૂળ રીતે મૂક હતું ત્યારે એણે વાતો કરવી શરૂ કરી – બહુ જ નિખાલસ મને. પણ એણે મને પોતાના પસીનાનો અડધો રોટલો ખવડાવ્યો ત્યારે મારું મન ભરાઈ આવ્યું. મારી આ નાનકડી જિંદગીમાં કોઈની બિરાદરીનો રોટલો ખાવાની મને બહુ ઓછી તક મળી છે અને આવા પ્રસંગની યાદને મેં બહુ જાળવણીથી સંઘરી રાખી છે.

ઘેલા પાસે જીવનનો એક જ ઉકેલ હતો:

‘દોસ્ત પ્રાણજીવન, આ જીવતરનો ભેદ અને એની મુશ્કેલી ઉકેલવાનો માર્ગ એક જ છે, કે માથાભારે થવું. આપણાથી વધારે તાકાતવાન હોય એનાથી વધારે તાકાત બઢાવવી અને એને નીચો નમાવવો – આવી વાતો તારી સમજમાં ઊતરે છે?’

આ વાત મારી સમજમાં ઊતરતી હતી પણ હું કબૂલ નહોતો થતો, તોયે મોઢા પર હાસ્ય મઢી હું એની સામે જોઈ રહ્યો.

‘જો,’ ઘેલાએ ચેરિયાના ઝાડ તરફ આંગળી ચીંધતાં કહ્યું, ‘આ ચેરિયાનું ઝાડ નર્યા કાદવ પર ખારા પાણી વચ્ચે કેમ પોષણ પામ્યું, એ કેમ મોટું થતું હશે, ક્યાંથી ખોરાક મેળવતું હશે, અને કેમ જીવન ટકાવી રાખતું હશે એનો વિચાર આવ્યો છે તને કોઈ દહાડો?

આ છોડનાં મૂળિયાં પહેલાં કાદવમાં ઊંડે જાય છે, તેથી એ છોડ પોતાના થડ પર મજબૂત બને છે, પણ કાદવમાં પોષણ ન મળતાં એ મૂળિયાં પાછાં બહાર નીકળી થડની આસપાસ પથરાઈ જઈ, પોતાના કાંટા મારફત હવામાંથી પોષણ મેળવે છે, સમજ્યા?’

‘હવામાંથી?’

‘હા, હવામાંથી,’ ઘેલાએ કહ્યું, ‘અને તોયે આવી જહેમતથી મોટા થયેલા અને માણસાઈથી ટટ્ટાર ઊભેલા આ છોડને અમારાં ઊંટ ખાઈ જાય છે, સૂકવી નાખે છે. આ તો ભેદ છે જીવનનો, દોસ્ત પ્રાણજીવન, કે દયા, મમતા, ધર્મ એ બધી ચોપડીમાંની વાતો છે. સાચેસાચ તો જે વધારે માથાભારે છે તે વધારે સારું જીવન જીવે છે.’

બસ ત્યાર બાદ ઘેલો જ્યારે મને મળતો ત્યારે ચેરિયાની વાત આગળ લાવી, ઊલટાવીપલટાવી એની એ જ વાત કહેતો. કોઈક વાર એ રણની વાત કરતો. ત્યાં એવી વાંઝણી ધરતી હતી કે એની છાતીમાંથી કોઈ દહાડો ધાવણ આવતું જ નહિ. ધૂળ, વંટોળિયા, ટાઢ તડકો, કાંટા, ઝાંખરાં અને નિ:સીમ મેદાનોની એ વાતો મને સાંભળવી ગમતી. કારણ મને ધરતી, કોઈ પણ ધરતી તરફ પ્યાર હતો.

‘દોસ્ત પ્રાણજીવન, તું એક વાર મારે ગામડે આવ, આ ધરતીની લહેજત ત્યાં આવ્યા વિના મળતી નથી અણે એ ધરતી વચ્ચે જ ત્યાંના માણસોનાં મન પારખી શકાય છે.’

બસ ત્યાર પછી બીજે દિવસે ઘેલો મને રામ રામ કરીને જતો રહ્યો.

મેં ઘેલાને આવવાની હા કહી ત્યારે મને સ્વપ્ને ખ્યાલ નહોતો કે હું આટલો જલદી બેકાર બનીશ.

અને અત્યારે ખભે કોથળો નાખી, કિનારે કિનારે ચાલતાં ઘેલાની હૂંફભરી યાદ મારા બેકાર જીવનની સંપત્તિ બની ગઈ.

અને મેં ચાલ્યા કર્યું.

આખી પૃથ્વી જાણે મારું ઘર હોય, આભ ધરતીને ચૂમે છે એ ક્ષિતિજ મારા પર્યટનના સીમાડા હોય, રાત્રીની સાવચેતીભરી ચુપકીદીમાં ચાંદની રાતનાં વૃક્ષો નીચેનાં અંધારાં જાણે મારા કુટુંબની વહાલભરી હૂંફ હોય….એવી મારી બેકારી હતી!

મારે કોઈ સગુંવહાલું નહોતું, મિત્રો નહોતા, દુશ્મનો નહોતા. હું કોણ હતો? મારાં માબાપ કોણ હતાં એની આછી આછી, બીજાઓએ આપેલી, માહિતીની મને જાણ છે. મારી મા કેવી હતી, કેવી પ્રેમાળ હતી, કેવી પરગજુ હતી અને બાપનું તો હું માત્ર નામ જ જાણું છું. અને પછી કોઈ મને ઊછેરવા માગતું નહોતું; છતાં હું કેમ ઊછરીને મોટો થયો અને મોટો થતાં મને કેવી રીતે છૂટો મેલી દેવામાં આવ્યો એ એક કંટાળાજનક હકીકતોની પરંપરા છે. મને એમાં રસ નથી અને હવે તો કેટલીક હકીકતોયે ભુલાઈ જવાઈ છે.

હું એટલું જ જાણું છું કે આ સમગ્ર ધરતી મારી છે. આ સૃષ્ટિનો હું માલિક છું; છતાં મારો હણાઈ ગયેલો, ધૂળભર્યો દેહ જોઈ લોકો કેમ મોઢું ફેરવી લેતા હશે એ સમજાતું નથી.

સમૃદ્ધ ખેતરોભર્યા વિસ્તારોમાં, ડુંગરાઓની ધારમાં, નદીઓના રેતાળ પટમાં, ઘાસના ગંજાવર મેદાનમાં – હું જ્યાં જ્યાં ભટકતો હોઉં છું, મારું બેતાલ જીવન મારી પાછળ પાછળ ભટકતું હોય છે.

હું ધરતી ખૂંદતો ભટક્યા કરું છું – એ મારો શોખ છે, બેકારી મારો ધંધો છે.

*

હું ઘેલાના ગામ તરફ જઈ રહ્યો હતો. આ પર્યટન દરમ્યાન આ જાકારો દેતી ધરતી પર જીવન સમાધિસ્થ થઈ બેઠું હતું. દિવસે અને રાતે આકાશની એકધારી બદલાતી કંટાળાભરી ક્રિયા અને બેફામ દોટ મૂકતો પવન – એ જ ફક્ત જીવનમાં અહીં પ્રતીક હતાં. બાકી અહીંની ધરતીનું જીવન તો મુરઝાઈ ગયું હતું.

દરિયાનો કિનારો છોડી, નાનું રણ વટાવી ઘેલાએ વર્ણવી હતી એ ડુંગરાની ધાર પાસે આવી પહોંચ્યો. અહીં પૂછપરછ કરતાં મને જાણવા મળ્યું કે ફક્ત ત્રણેક ગાઉ દૂર ઘેલાનું ગામ હતું.

મેં ચાલ્યા કર્યું.

વૈશાખના બપોર સૂકી ધરતીને તાવી રહ્યા હતા, રણનાં મેદાનો પરથી વાતો આવતો ઝંઝાવાતી પવન ધૂળના વંટોળિયાને ડુંગરાની ધાર પર ધકેલી રહ્યો હતો.

એ તરફની ધરતીને છેડે મૃગજળનાં દૃશ્યો માનવીને ક્રૂર અને નિર્દય આશ્વાસન આપી રહ્યાં હતાં. વટોળિયા પવનથી ધકેલાતી કોઈક કાંટાળા બાવળની સૂકી ડાખળી મારા પગ પર ઉઝરડા પાડી પસાર થઈ ગઈ. કોઈક હોલું મને જોઈ કિકિયારી પાડી ઊડી જતું મે જોયું અને ખોરાકની શોધમાં નિષ્ફળ ગયેલી કોઈક ચકલી કાંટાળા છોડ પર બેઠી બેઠી પૂંછળી પટપટાવતી ચારે તરફ અસ્વસ્થ ડોક હલાવી રહેતી.

સુકાઈ ગયેલા તળાવને તળિયે ગંદું પાણી એકઠું થાય તેમ બે ઊંચી ટેકરીઓની તળેટી વચ્ચે એકઠું થઈ પડેલું ઘેલાનું ગામડું મેં જોયું.

અને આખરી શ્વસ જેવો છુટકારાનો દમ મારા હોઠ વચ્ચેથી સરી પડયો. ધૂળનું વાદળ લઈ આવી એક પવનનું ઝાપટું મારા પર ધસી આવ્યું અને તરત જ પસાર થઈ ગયું. ત્યારે કૂતરાં ટૂંટિયું વાળીને પડયાં હોય એમ વેરવિખેર આ ગામનાં ઝૂંપડાં પડેલાં મેં જોયાં.

ઘેલાનાં ખોરડાં, ઘર, આંગણાં અને આજુબાજુની વાડ વ્યવસ્થિત, સુંદર, સુઘડ અને સ્વચ્છ હતાં.

મેં ઘેલાની ખબર પૂછી ત્યારે મારે એનું શું કામ હતું, હું ક્યાંથી આવું છું વગેરે પૂછપરછ બંધબારણે થઈ. પછી દરવાજો ખૂલ્યો.

ઝૂંપડાના ઉંબરે એક સ્રી આવીને ઊભી. એ સ્રીના દર્શનથી હું થોડીક ક્ષણો અવાક બની ગયો. એવું એનું અકલંક સૌન્દર્ય હતું. સોનેરી વાંકડિયા વાળ, ભૂરાં નયનો, વહેતા ઝરણાની નજાકતથી ભર્યો ભર્યો સુગોળ, સપ્રમાણ દેહ – એ તો બધું હતું જ, પણ એ ઉપરાંત એ સૌન્દર્ય પર કોઈ એવો ઓપ હતો કે, જે જોઈને મારું સતત વિચારતું મન એક ઘડી અપંગ બની ગયું.

એણે મને અતિથિના ઝૂંપડામાં ખાટ ઢાળી ગોદડાં પાથરી બેસાડયો, રોટલો અને છાસ ખવડાવ્યાં, અને ‘તમે તમારે નિરાંતે બેસજો,’ કહેતાં એ થોડું હસી, એ તો આવશે ત્યારે આવશે.’

અને એ જતી રહી. અહીં એશ અને આરામ હતાં, સમૃદ્ધિનો વિસ્તાર હતો. દિવસે ફર્યા કરતાં અને રાતે ઊંઘમાં પાસાં ઘસતાં અસંખ્ય ભૂખ્યાં માનવીઓ જેવા ભૂખ્યો ઘેલો નહોતો. ઘર, સ્રી, ખોરાક અને સમૃદ્ધિ અને સહેલાઈથી સાંપડયાં દેખાતાં હતાં. મેં નિરાશા અનુભવી. લાંબા સમય પછી પેટ ભરીને ખાવાનું મળ્યું હોવાથી અંગો પર સુસ્તી ફરી વળી. હં ઊંઘી ગયો. છેક બીજી સવારે ઘેલાએ મને ઢંઢોળીને ઉઠાડયો.

દોસ્ત, પ્રાણજીવનપડી રહેલી પોતાની પિછોડી ખભે નાખી, ‘તને ખબર છે, મેં તને એક વાર કહ્યું હતું કે અમે રણમાં રહેવાવાળાઓની જિંદગીનો ભેદ હું તને એક વાર બતાવીશ. આ સૂકી, વેરાન, જાકારો દેતી ધરતી પર અમે કેવી કાબેલિયતથી જીવીએ છીએ; અમારી તાકાત, અમારી બુદ્ધિ, અમારી માટી, ઢેફાં, રણ, ઝાંખરા, ધૂળ અને વંટોળિયાવાળી ધરતીની ઘણી વાતો મેં તારી પાસે કરી છે. એ બધું તને કદાચ આજે જ બતાવીશ.’ આટલું કહી ઘેલો જતો રહ્યો.

બપોરે ઉતાવળે જમીને એ જતો રહ્યો. મારી સામે જોયું સુધ્ધાં નહિ. એનું વર્તન વિચિત્ર અને ધૂની તો હતું જ, પણ અપમાનજનક પણ હતું. અને અ પમાન હું જલદી ગળે ઉતારી શકતો નથી તોયે મેર હાજરીની નોંધ લીધા વિના ઘેલો જતો રહ્યો. હું અપમાન અને તડકાથી સણસણતો મારા ખોરડામાં જતો રહ્યો…

મને ઊંઘ ન આવી…

ઘેલાની માલિકીનાં ચાર ઝૂંપડાં હતાં. એકમાં રસોડું, બીજામાં એની સ્રી રહેતી, ત્રીજામાં ઘેલો રહેતો અને ચોથો મહેમાનોના ઉતારા તરીકે વપરાતો એવું મને લાગ્યું. ઝૂંપડાં ફરતું ચારે બાજુ બાવળનાં ઝાડોનું ઝુંડ હતું. બાજુના વાડામાં એક ગાય, એક ઊંટ અને બે બકરી પુરાયેલાં હતાં. વચ્ચે એક કૂવો હતો.

આખાય ગામમાં બીજે ક્યાંયે જોવા ન મળે એવું ઘેલાનું આ નિવાસસ્થાન ચીવટ અને ચોકસાઈભરી સ્વચ્છતાવાળું હતું.

ઝૂંપડીની છત પર ગોઠવાઈને વ્યવસ્થિત રીતે મુકાયેલું ઘાસ, બારીબારણાંઓ ઉપર ખંતથી કરેલું મોટા આભલામંડિત માટીનું કોતરકામ, સુંદર લીંપેલા અને કાળજીપૂર્વક સ્વચ્છ રાખેલા ઓટલા સ્વચ્છ અને સુઘડ જરૂર હતા, કળામય પણ હતા, પણ…પણ, એ બધામાં કોઈ એક વિકૃત જીવ હતો અને એ કશુંક બોલી રહ્યો હતો. હું કશું જ સમજતો ન હતો અને મૂંઝાઈ મરતો હતો…

ત્યાં અનેક વિચારોને વેરવિખેર કરી નાખે એવો ઝાંઝરનો અવાજ મેં સાંભળ્યો. અને એ અવાજની સાથે સંકળાયેલું સૌન્દર્યનું એક કલ્પન!!

મેં ડોકું ફેરવી પાછળ જોયું.

એ ઉંબરામાં ઊભી હતી અને અમારી નજર ટકરાઈ ત્યારે એણે ઓચિંતાંનું પૂછી નાખ્યું : ”તમે જવાના છો એમની સાથે?’

‘હા.’

‘એમ?’ મારી સામે વિસ્મિત નયનોએ જોતી, બેબાકળી, ઉતાવળે બે પગલાં પાછળ હઠી, પીઠ ફેરવી પોતાના ઝૂંપડામાં ગઈ ત્યારે મેં બૂમ પાડી : ‘સાંભળો છો કે?’

એ હતી ત્યાં જ ઊભી રહી, મારી તરફ પીઠ ફેરવીને.

‘તમારું નામ શું?’

‘મોંઘી.’ માંથું ફેરવ્યા વગર ઉત્તરનો એ ટુકડો મારી તરફ ફેંકી એ ફરી ઝૂંપડા તરફ જઈ રહી અને મેં ફરી પૂછયું : ‘પણ તમે વાત અધૂરી મૂકી જતાં કેમ રહો છો? હું ન જાઉં એની સાથે?

એ કશો ઉત્તર આપ્યા વિના ઉતાવળે પગલે પોતાના ઓરડામાં જતી રહી.

આ ધૂળિયા વંટોળ વચ્ચે વલોવાતી ધરતી પર વસતા બધા જ લોક આવા અસામાન્ય અણે વિચિત્ર હશે કે માત્ર આ સ્રી ને આ પુરુષ જ આવાં હતાં? એ હકીકતને એક મોટો પ્રશ્ન બનાવી મેં મારા હૃદયના એક ખૂણામાં ભંડારી દીધો…

‘જો આ મારું ઊંટ.’ મોડી બપોરના હું અને ઘેલો ચા પીતા બેઠા ત્યારે એણે મોંઘી જેને માલિસ કરી રહી હતી એ ઊંટ તરફ આંગળી ચીંધી….

‘આ ઊંટ પર આજે હું તને પચ્ચીસ ગાઉ ફેરવીને પાછો લઈ આવીશ. આ ઊંટ એક વાર બરાડે, પગ મૂકતાં ચાતરે, અને સવારીમાં કંઈ તકલીફ આપે તો ઘેલાના નામ થૂંકજે, દોસ્ત પ્રાણજીવન! તને ત્યારે ખબર પડશે કે ઊંટ કેવું જાતવાન પ્રાણી છે.’

‘પણ આપણે જવું ક્યાં છે?’

‘મારી સાથે જહન્નમમાં.’ ઘેલાએ ખાટલાની ઈસ પર હાથ પછાડી મારી સામે તાકી રહેતાં પૂછયું : આવવું છે?’

હું ચૂપ રહ્યો.

‘નથી આવવું?’

હું ફરી ચૂપ રહ્યો.

અને પછી અમારી વચ્ચે થોડીક ક્ષણોની બેચેન ચૂપકી તોળાઈ ગઈ.

‘નથી આવવું એમ?’

‘પણ પહેલાં મારે જાણવું છે કે આપણે ક્યાં અને શા માટે જઈએ છીએ.’

એણે પોતાનો જમણો મુઠ્ઠી વાળેલો હાથ ઊંચો કર્યોં, મારા પર પ્રહાર કરવા માટે નહિ પણ પોતાના રોષને અભિવ્યક્ત કરવા માટે. ત્યારે એના હાથના સ્નાયુઓને મજબૂત રીતે તંગ થયેલા મેં જોયા.

એ અત્યાર પહેલાં ગુસ્સામાં ઊભો થઈ ગયો હતો. એ ફરી ખાટલા પર મારે પડખે ગોઠવાઈને બેઠો.

‘જવું છે એક જોખમ ખેડવા. પણ હું જ્યારે જોખમથી લડું છું ત્યારે જોખમ હંમેશ હારે છે, સમજ્યો? બીજું કોઈ હોત તો કહેત કે આવવું હોય તો આવ સાથે નહિ તો રોટલો ખાઈને ચાલતી પકડ. નામર્દો માટે આ અમારી સુકાઈ ગયેલા ધાવણવાળી ધરતી પર ક્યાંયે સ્થાન નથી !’

વૈશાખ મહિનામાં આ પ્રદેશમાં હંમેશ વાતા પવનનો એક ઝાપટો અમારા ઝૂંપડામાં બારી વાટે પેઠો. સામેના ઝૂંપડાની છત પર ઘાસમાં એ જ ઝાપટાએ એક લાંબું રુદન કર્યું. ત્રીજા ઝૂંપડાની છત પરથી ચકલીઓનું એક ટોળું ચિચિયારી કરતું ઊડી ગયું અને પેલી જતી મેં જોઈ.

થોડી ક્ષણો બાદ ફરી પાછી એ જ બેચેન ચૂપકી, ચીવટભરી સ્વચ્છતાવાળું અંદરનું અંદર મલિન હોય એવો ભ્રમ પેદા કરતું એ જ વાતાવરણ…

ઘેલાએ મારે ખભે હાથ મૂક્યો અને આંખો થોડીક ખોલી. એની નજરની તીક્ષ્ણ ધાર મને બતાવતાં કહ્યું : ‘પણ તું પ્રાણજીવન. હું તને ઓળખું છું. તું નામર્દ નથી તારે મારી સાથે આવવું પડશે કારણ કે મારે તારે સાથની જરૂર છે. હું તને લઈ જઈશ, જરૂર પડે તો બળજબરીથી.’

‘તો થયું હવે મને પૂછવાપણું કાંઈ રહેતું નથી.’

‘ના, નથી રહેતું.’ ઘેલાએ ઊભા થતાં ખભેથી ધક્કો દઈ મને ખાટલા પર પછાડયો. હું હંમેશ માનતો આવ્યો છું કે માણસજાત સમજાવટ કરતાં જુલમને સહેલાઈથી વશ થાય છે. ગુલામી એ ગમી જાય એવો નશો છે, પ્રાણજીવન !’

‘હશે.’ હું પડયો હતો ત્યાંથી એની સામેય જોયા વગર મેં નીરસતાથી જવાબ આપ્યો.

બરાબર એ જ વખતે મેં એક મોટા ઉંદરને ઝડપથી દાખલ થતો જોયો, ઘેલાએ મીંદડીની ઝડપથી તરાપ મારી પગ નીચે દાબી કચડી નાખ્યો. મૃત્યુની એક ચિચિયારી મોઢામાંથી કાઢવાનો એને સમય ન મળ્યો. સફેદ માટીની લીંપેલી દીવાલ પર લોહીનો ફુવારો ઊડતો મેં જોયો. ખાટલાના પાયા પર લોહીનાં છાંટણાં થયાં. મેં શરીર સંકોચી મેન આવતાં કમકમાં અટકાવ્યાં. તોયે મારા શરીર પરની રૂવાટી ઊભી થઈ ગઈ હોવાનું મને ઊંડે ઊંડે ભાન થયું.

‘એઈ!!’ ઘેલાએ પેલી સ્રીને સાદ દીધો.

એ દોડતી આવી ઉંબરા આગળ ઊભી રહી. પહેલાં મારી તરફ જોયું, થોડું જોઈ રહી પછી ઘેલા તરફ જોયું. ઘેલાએ કશું જ બોલ્યા વગર મરેલા ઉંદર તરફ આગંળી ચીંધી. પેલીએ ખૂણામાંથી સૂપડી ઉપાડી ઝાડુથી મરેલા ઉંદરને એમાં એકઠો કર્યો અને બહાર જતી તહી…

‘મેં ધાર્યું હતું તેવો તું ગમાર નથી, પાજી છો.’ ઘેલાએ કહ્યું.

‘હું પાજી નથી.’

‘અક્કલવંત તો છો ને? અને ઘણા ખરા અક્કલવંત આ જમાનામાં પાજી નીવડે છે.’

પેલી સ્રી ફરી ઝૂંપડામાં દાખલ થઈ. ભીંત પરના લોહીના ડાઘાઓ પર એણે સફેદ માટીનું પોતું ફેરવ્યું અને બસ આટલું પોતાનું કામ આટોપી, ચહેરા પરના એના એ જ નિર્લેપ ભાવને ક્ષતિ પહોંચાડયા વિના એ ઝૂંપડા બહાર જતી રહી.

આ ધરતી પર મેન વિચાર આવ્યો કે હિંસાનું કોઈ મહત્ત્વ ન હતું. એક ઉંદર મરે, એક ઊંટ મરે, એક માનવી મરે. રણના અસીમ વિસ્તાર પર કોઈ પાણીની તરસથી તરફડીને મરી જાય તો ખુદ ઈશ્વર આ સ્થળે એની નોંધ લેતો નથી. મેં ઊંચે જોયું ઘેલો મારી સામે બે પગ પહોળા કરી પિછોડીથી કમર કસી સફેદ દાઢીને બુકાનીમાં સંકેલી, મારી સામે એકીટશે જોઈ રહ્યો હતો….

અને હું નિ:સહાય – નિર્બળ, મારી લિજ્જત દૃષ્ટિ પર પાંપણના અંધકાર ટાળી નીચું જોઈ ગયો. ‘નમતા બપોરે તૈયાર રહેજે.’ કહેતો ઘેલો મારું ખોરડું છોડી ગયો.

મેં એક લાંબો નિ:શ્વાસ છોડયો અને બીજું કશું કરવાનું નહોતું એટલે હું બારી બહાર જોઈ રહ્યો. આ સૂકી નિ:સત્ત્વ અને નિર્વીર્ય ધરતી પર પ્રકૃત્તિ બેફામ બનીને દુશ્મની આદરી રહી હતી અણે એ વચ્ચે માનવીએ તાકાતથી જીવવાનું હતું એ વાત અત્યાર સુધી હું કેમ ભૂલી ગયો હતો? ખરેખર મારા જેવા કાયર અને નિર્બળ માટે આરામ કરવા બે ગજ ધરતીનો ટુકડો પણ અહીં નહોતો. આ પ્રદેશમાં જીવવા માટે મારી લાયકાત નહોતી.

*

જ્યાં પ્રકૃતિ વીફરે અને માણસ અમિત્ર બને ત્યારે કોણ જીવે અને કોણ મરે એ માત્ર જુગારની સોગઠાબાજીનો પ્રશ્ન હતો.

આંગણામાં દોડી આવેલા એક કૂતરા પર ઘેલાએ પગરખાનો ઘા કર્યો. કૂતરું ચિચિયારી કરતું, ચક્કર ખાતું, બહાર નાસી ગયું.

ત્યારે પેલી સ્ત્રી હિંમત કરી ધીમે પગલે ઘેલા નજીક આવી એક સ્મિત કીકીઓનું નૃત્ય અને એણે ઘેલાને ખભે હાથ મૂકવાનું કર્યું.

‘શું છે પણ? તારી તો એની એ જ વાત!’ કહેતાં, એ ક્યાં પડશે, એને ક્યાં વાગશે, એની દરકાર કર્યા વિના ઘેલાએ પંજો પહોળો કરી પેલી સ્રીને છાતીએથી ધક્કો મારી ફેંકી. પેલી પડી, ત્યાંથી ઊઠવા જાય તે પહેલાં ઘેલાએ જમણા પગની લાત એની તરફ ઉગામી. એ તોળાઈ રહેલા ઘાની અસર નીચે કૂતરું સિફતથી પોતાનું શરીર વળોટી બાજુમાં ખસી જાય એમ એ સ્રી દૂર ખસી ગઈ.

‘જા જતી રહે, બેશરમ.’

પોતાનાં કપડાં સંકેલતી એ સ્રી પોતાના ઝૂંપડાના અંધકારમાં વિલીન થઈ જતી દેખાઈ.

ખભા પરથી સરી પડતા ફાળિયાનો એકઠું કરી ખભે નાખતાં ઘેલાએ ઝાંપા બહાર જતાં પહેલાં એક નજર મારા ખોરડા તરપ ફેંકી.

અને અતિ વિચિત્ર, કે આ વખતે હું આની નજરનો સંદેશ સમજી શક્યો. એમાં આરજૂ અને ધમકી, બિરાદરી અને નફરત હતાં. હું થોડીક ક્ષણો મારા ઓરડાના ઉંબરા પર અવાક ઊભો રહ્યો.

*

બાવળના ઝુંડ વચ્ચે ચાર ઝૂંપડાં અને એક કૂવાવાળી વસાહતના આ એકાકીપણાનું પણ કોઈ એક વિચિત્ર રંગબેરંગી જીવન હતું તેમ મારા ખોરડાની દૂધિયલ સફેદાઈ, સ્વચ્છતા અને વ્યવસ્થાના અંશેઅંશમાં પુરાયેલી એકલતા જીવનના ભેદ અંગે કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. અને આટલા નાનકડા સમયમાં મારી લાગણીઓ પર એટલા બધા કારી ઘા પડયા હતા, હું ન જાણે કેવી અસહાય અને અપંગ પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો કે મારી સહનશીલતા તૂટી પડી. પરિણામે મેં વિચારવું છોડી દીધું.

બારીમાંથી આવતો તડકો ખાટલો પસાર કરી ઉંબરો ઓળંગી આંગણામાં પ્રવેશ્યો. કેટલીક ઘડીઓ ઊડી ગઈ હતી, કેટલીક ઊડી રહી હતી, અને એ બધી એટલી તો ખીચોખીચ એકબીજાને વળગી રહી હતી કે હવે સમયનો અંદાજ કાઢવો મુશ્કેલ બન્યો હતો. બધું જ જાણે કરોળિયાની જાળમાં ફસાઈ ગયું હતું.

ત્યારે મોંઘી એક વાર મારા ખોરડાના ઉંબરે આવી મને બેધ્યાન જોઈ પાછું ફરવા જતી હતી ત્યાં મેં એને પૂછયું: ‘મોંઘીબહેન !’

એ નયન વિકાસી મારી સામે મધુર હસી: ‘તમને કંઈ બાળબચ્ચાં નથી?’

એણે ડોકું ધુણાવી ના કહી, પછી થોડું અમસ્તું જ હસી અને જતી રહી.

આ રણકાંઠાના વિસ્તારમાં આગળ પણ હું એક વાર ભમ્યો છું. ચોમાસામાં હોંશભેર વહેતા પાણીના ધોધ રણના વિશાળ મેદાનમાં ટૂંપાઈ જઈ મૃત્યુ પામતાં મેં જોયા છે. જ્યાં સ્વયં સંજીવની પર મૃત્યુનો બળાત્કાર થઈ શઅકે ત્યાં બધું જ શક્ય હોઈ શકે છે. આ સુંદર સ્રીનું જીવન એના માનસિક વ્યાપારોના રણમાં બળજબરીને વશ થઈ નિરર્થક વેડફાતું નહીં હોય તેની શી ખાતરી?

પાછળના બાવળના ઝાડ પર કાગડાઓનો કકળાટ શરૂ થયો. આજુબાજુના બીજા બાવળો પરથી હોલાઓ, ચકલીઓ અને બુલબુલો ઊડી ઊડીને ભાગવા લાગ્યાં.

ત્યારે નમેલા બપોર વધારે નમવા લાગ્યા.

*

ઘેલો આવી ગયો હતો.

અમે બન્ને જમી રહ્યા પછી મારા ઝૂંપડામાં પાછા ફર્યા. ત્યાં બીડી ફૂંકતા ઘેલાની નજર છત તરફ ચઢતા ધૂમાડાના ગોટાઓ પર સવાર બની વ્યવસાયહીન બની ગયેલી દેખાઈ.

બપોર છેક જ નમ્યા અને સંધ્યા હમણાં આવેશ એવા કટાણે ઘેલાએ ઝીણા કાપડની પિછોડી પોતાની કમર પર કસીને બાંધી. માથા પર પાઘડીને દાબીને સરખી બેસાડી. દાઢીના વાળ બુકાનીમાં ભેગા કરી પાઘડી પર એના બન્ને છેડા કસીને બાંધ્યા. ‘ચાલ ઊઠ,’ એણે મને કહ્યું.

અમે બન્ને ઊંટ પર બેઠા. ત્યારે મોંઘી હળવે પગલે ઊંટની નજીક આવી. એણે ઘેલાને ખભે બંદૂક ભેરવી અને છેડેથી પકડીને કટારી એના હાથમાં આપી. ત્યારે બકરીઓ ભાંભરી ઊઠી અને ધૂળનું એક વાદળ ધસી આવતું દેખાયું.

ઘડીવારમાં અમારું ઊંટ ગામની ભાગોળ છોડી વંટોળિયાની જેમ મેદાનમાં દોડવા લાગ્યું.

*

અંધારાં વીંટળાઈ વળ્યાં હતાં, ખુલ્લાં મેદાનો પર વૈશાખના વાયરા વાઈ રહ્યા હતા. તાલબદ્ધ એક ગતિએ દોડયે જતા ઊંટ પર સવારી કરતાં મેં સ્થળ અને સમયનું ભાન ગુમાવ્યું.

‘પ્રાણજીવન!’ ઘેલાએ કહ્યું, ‘આવાં કેડી વિનાનાં સપાટ મેદાનો, ધૂળના વંટોળભરી અંધારી રાત, એક તારોય ન દેખાતો હોય ત્યારે દિશા શોધવી મુશ્કેલ બને છે, પણ આ ઊંટ એવું કેળવાયેલું છે કે એ વિના દોરવે, ઘરથી નીકળ્યું, એ મને એ ડુંગરાની ધાર આગળની નદીના પટમાં લઈ જશે અને ત્યાંથી હું ફાવે ત્યાં દોડી જઈશ, સમજ્યો?’

મેં ચુપચાપ સાંભળ્યા કર્યું, એટલે ઘેલાએ રાડ પાડીને મને પૂછયું: ‘સાંભળે છે?’

‘હા.’મે કહ્યું.

‘તો હું વાત કરું ત્યારે હોંકારો આપતો રે’જે, કે જેથી મને ખબર પડે કે તું પાછળ બેઠો છો અને જાગે છે.’

પછી ઘેલો આવા જાતવાન ઊંટ કેમ કેળવાય છે એની બારીક વિગતો મને કહેવા લાગ્યો અને મેં હોંકારો આપ્યા કર્યોં.

‘આવું ઊંટ બરાડી શકતું નથી. દોડતાં એવી રીતે પગ મૂકે છે કે પગ મૂક્યાનો અવાજ સુધ્ધાં ન થાય. આવું ઊંટ ‘ધાડી’ ઊંટ કહેવાય છે.’

હું ઓચિંતાનો સજાગ બન્યો.

‘તો….આપણે ક્યાં જઈ રહ્યા છીએ?’

‘જહન્નમમાં!’ ઘેલાએ બૂમ પાડી, ‘એક વાર તને કહ્યું, તોયે તારી પૂછ પૂછ હજુ બંધ ન પડી !’

‘પણ તું મને ધાડ પાડવાના કામમાં તારો સાથી બનાવવા માગતો હો તો મારે નથી આવવું. મને અહીં જ ઉતારી દે ઘેલા, હું ફાવે તેમ રાત ગાળીશ અને દિવસ ઊગતાં ક્યાંક જતો રહીશ.’

‘બાયલો!’ ઘેલાનો અવાજ તીખો અને એનો શબ્દ સ્પષ્ટ, નિર્ભેળ ઘૃણા અને તિરસ્કારભર્યો હતો.’

એની એ જ ગતિએ ઊંટ આગળ વધી રહ્યું હતું. આંગળીથી અડવાનું મન થાય એવાં ઘટ્ટ અને નક્કર અંધારાં અમને ઘેરી વળ્યાં હતાં. એક માત્ર ગતિ સિવાય સૃષ્ટિની બીજી કોઈ ક્રિયા અનુભવાતી નહોતી.

હું અતિશય ખિન્ન બની ગયો. કોઈની તાકાતના જુલ્મ નીચે આટલું નિરાધારપણું અને જીવનની નિરર્થકતા કોઈ દહાડો અનુભવ્યાં નહોતાં. ‘ઘેલા’ મેં પૂછયું: ‘તારો આ જ ધંધો છે?’

‘હા, બાપદાદાનો વારસામાં મળેલો. અમારે આખી જાતનો આ ધંધો છે અને અમને એની શરમ નથી.’

અને હંમેશ પોતાની વાતને વિસ્તારીને કહેવાવાળો ઘેલો માત્ર આટલું જ બોલીને જ્યારે ચૂપ રહ્યો ત્યારે મારી બેચેન વ્યથાએ સીમાડા તોડી નાખ્યા.

‘ઘેલા,’મેં પાછળથી એનો ખભો પકડતાં કહ્યું : ‘મને આમાં ભાગીદાર નથી થવું…. નથી થવું… મને ઉતારી દે, ઘેલા મને છૂટો મેલી દે.’ એણે પાછું ફર્યા વગર જ પોતાનો ડાબો હાથ પાછળ લાવી મારું કાંડું પકડી એના પર જોરથી ખેંચ મારી. હું બહુ મુશ્કેલીથી મારા પગ પાગઠામાં ટેકવી મારું સમતોલપણું જાળવી શક્યો.

‘આટલી વાર લાગશે જો !’ ઘેલો બે દાંત વચ્ચેથી બોલ્યો. ‘અને પડીશ તો એકે હાડકું સમું નહિ રહે, નામર્દ !’

એણે મારું કાંડું જતું કર્યું. મેં તરત જ પાછા હઠી કાંઠીના પાછલા ભાગનો ટેકો લઈ લીધો.

અને ઊંટ એ જ ગતિએ આગળ વધી રહ્યું હતું.

*

સામે ડુંગરાની ધાર સ્પષ્ટ દેખાઈ. નદી પસાર કરી એક ટેકરીની તળેટીમાં ઝીણા બળતા દીવાઓ મેં જોયાં એક મોટા ઢોળાવ ઊતરતાં ઊંટની ગતિ ધીમી પડી. સામેના ખૂણામાંથી દોડી આવતાં ત્રણચાર શિયાળવાં જારના જૂથમાં લપાઈ જતાં મેં અંધારામાં પણ જોઈ લીધાં.

અમે બેત્રણ ગામ વટાવ્યાં. મારાં તપ્ત ગાત્રો પર ભીની હવા વહેવા લાગી. એક આંબલી અને વડ પાસેથી પસાર થતાં મેં દૂર વાડીઓનાં વૃક્ષો ઝૂલતાં જોયાં.

‘હવે –’ ઘેલો લાંબા સમય પછી બોલ્યો: ‘જ્યાં પહોંચશું ત્યાં ઊતરવું છે. તારે ફક્ત મારી સાથે જ આવવાનું છે. મને મદદ પણ કરવાની નથી. હું કહું એ ઉપરાંત કાંઈ આડુંઅવળું કીધું છે તો યાદ રાખજે તારી હયાતી નહિ હોય !’

હું ચૂપ રહ્યો.

ઊંટ હવે દોડતું નહોતું, ચાલતું હતું. ગામની એકદમ નજીક આવ્યાનાં મેન ઘણાં ચિહ્નો દેખાયાં.

મને ફરી એક વાર એમ થયું કે હજી ઘેલાને સમજાવું કે મારે કોઈ ધંધો કરવો નહોતો. હું તો માત્ર ધરતી ઢૂંઢવા નીકળ્યો હતો. એક વટેમાર્ગુ અને આમ ભટકતાં મારાં ગાત્રોએ એક દિવસ માટીમાં મળી જવાનું હતું ! પણ શો ફાયદો ઘેલાને આવું કહેવાથી? આ સમજ મારી હતી અને આ બેચેની મારી હતી. હું તો માત્ર ઘેલાનો શિકાર હતો.

એક જૂની મસ્જિદના ખંડિયેરમાં ઊંટને દોરવી જઈ ઘેલાએ એને ત્યાં બેસાડયો, એનાં ઘૂંટણ બાંધ્યાં અણે અમે ખંડિયેરમાંથી બહાર નીકળ્યા. માત્ર એક જ સ્થળે અમારી પાછળ કૂતરાં ભસ્યાં. અમે ગામમાં પેઠા, બેત્રણ શેરીઓ વટાવી, અમે એક સુઘડ મકાન આગળ આવી ઊભા. ઘેલાની ઈશારતથી હું એની પાછળ ઊભો.

ઘેલાએ ડેલીનું કમાડ ખખડાવી બૂમ પાડી: ‘દાજી શેઠ, ઓ….દાજી શેઠ !’

આટલી મોડી રાત્રે પણ જાણે કોઈના બોલાવવાની રાહ જોઈ બેઠો હોય તેમ દાજી શેઠે તરત જ જવાબ આપ્યો : ‘કોણ છે?’

‘એ તો હું વાલો કોળી.’

‘શું છે?’

‘શેઠ, ગવારની લૉરી નદીની રેતીમાં ખૂંચી ગઈ છે. લોરીના ડ્રાઈવરે મને તમારી પાસે મોકલ્યો છે અને કહાવ્યું છે કે લૉરીમાં તમારી બે ખાંડની ગૂણીઔ છે તે સવાર પહેલાં ઉપડાવી લેજો!’

‘એમ?’ શેઠ અંદરથી બોલ્યા, ‘તું જઈશ વાલા, હમણાં જ?’

‘હા…પણ ગાડું?’

‘વાડમાં છે. ઊભો રહે ચાવી આપું !’

અંદરથી સાંકળ ખૂલવાનો અને તાડી ખસવાનો અવાજ આવ્યો. કમાડ થોડાંક જ ખૂલ્યાં ત્યાં ઘેલાએ ઝડપથિ પોતાના બન્ને હાથ અંદર ઘાલીળ દાજી શેઠનું ગળું પકડી લીધું. હું સૂચના પ્રમાણે એની પાછળ સરી આવી ડેલીમાં દાખલ થઈ ગયો. ઘેલાએ મારી તરફ આંખ ફેરવી. મને અજાયબી થાય છે કે આ ધાડપાડુની આંખની ભાષા હું કેવી રીતે સમજ્યો. મેં ઉતાવળે, પણ ઓછો અવાજ થાય તેમ ડેલી બંધ કરી અંદરથી સાંકળ દીધી. બાજુના ઘાસલેટના કોડિયાના અજવાળામાં મેં ઘેલાને કરી અંદરથી સાંકળ દીધી. બાજુના ઘાસલેટના કોડિયાના અજવાળામાં મેં ઘેલાને દાજી શેઠનું ગળું જતું કરી પોતાની બંદૂકની નળી એની છાતીએ અડાડતો જોયો.

આ ઓચિંતા હુમલાથી દાજી શેઠ એવા તો હેબતાઈ ગયા કે મદદ માટે બૂમ મારવાનું પણ એમને સૂઝયું નહિ.

બંદૂકની નળીએથી ધકેલીને ઘેલો શેઠને ઓસરીમાં લઈ ગયો. ઘાસલેટનું કોડિયું ઉપાડી હું એમની પાછળ ચાલ્યો. ઓસરીમાંના ઝૂલા પર શેઠને બેસાડી ઘેલાએ શેઠને ટૂંકમાં કહ્યું: ‘જીવતા રહેવું હોય તો જે હોય તે કાઢી આપો !’

પણ દાજી શેઠ નિર્જીવ રમકડાની જેમ આંખો પટપટાવતા બેસી રહ્યા ત્યારે ઘેલાએ શેઠનો કાન પકડી તમાચો ઠોકી કાઢયો: ‘બહેરો છે કંઈ? તારા ગગાના વિવાહમાં નથી આવ્યો !’

શેઠના ગળામાંથી ન સમજાય એવો અવાજ નીકળવાની તૈયારીમાં હતો, ત્યાં ઘેલાએ ફરી શેઠને ગળચી પકડીને ઊભા કર્યા. તિજોરી તરફ જતાં શેઠનો પગ સૂતેલી વ્યક્તિ પર પડયો. તે સફાળી જાગી ગઈ. અમને ત્રણને જોઈને રાડ પાડવા જતી હતી, ત્યાં ઘેલાએ તેના વાંસમાં લાત મારી. એ ઊલળીને બાજુના બિછાનામાં પડી. મેં ઘાસલેટનું કોડિયું ઊંચું કર્યું. શેઠે શેઠાણીના તકીયા નીચેથી ચાવીનો ઝૂડો સેરવ્યો.

‘હાય – હાય !’ લાત ખાઈ, જાગી ઊઠેલાં શેઠાણી બોલી ઊઠયાં. ઘેલાએ કૂદકો મારી શેઠાણીના વાળ પકડીને ખેંચ્યા, ‘ચૂપ ! ખબરદાર એક શબ્દ બોલી છે તો ! અને તું,’ ઘેલાએ શેઠને કહ્યું : ‘શું તમાસો જોઈ રહ્યો છે?| ઉતાવળે તિજોરી ખોલ, નહિ તો…એક ઘડીમાં ન બનવાનું બની જશે, સમજ્યો?’

તિજોરી ખોલી માંયથી શેઠ નોટોનાં બંડલ કાઢી રહ્યા હતા, એ જોઈ શેઠાણીથી બોલ્યા વિના રહેવાયું નહિ, ‘અરે, આવું તે હોય કંઈ! આટલો જુલમ હોય !’

આટલા અવાજથી પણ ઉપરના મેડા પર કોઈ જાગી ગયું હશે તે દાદર ઊતરવા લાગ્યું. ઘાસલેટના કોડિયાને જમીન પર રહેવા દઈ હું એ તરફ ફર્યો અને દાદર ઊતરનાર વ્યક્તિ ભીંત આગળથી અમારા તરફ ફરી ત્યાં મેં એને ગળચીથી પકડી. મને હજી સમજાતું નથી કે સ્વપ્ને પણ આવું કૃત્ય કર્યાનો મને ધોખો થાય તે કૃત્ય મેં ત્યારે કેમ કર્યું હશે? એ વ્યક્તિ મારા હાથમાંથી છટકી તો ન શકી, પણ ઝીણી ચીસ પાડતી હું એને અટકાવી ન શક્યો. એ અરસામાં ઘેલાએ કૂદી આવીને એક હાથે નાક અને મોઢું દબાવતાં, બીજા હાથે એને ઊંચકી શેઠાણીની બાજુમાં બેસાડી દીધી.

એ દાજી શેઠની જુવાન દીકરી હતી. જુવાન, ભરાવદાર, ઠસ્સાદાર. એના મોટા બહાર પડતા હોઠથી એ વધારે શોભતી હતી.

‘કેટલી વાર પણ!’ ઘેલાએ શેઠની પીઠમાં બંદૂકનો ગોદો માર્યો ત્યારે શેઠ ચમકીને કૂદકો મારી ગયા.

‘બસ?’ ઘેલાએ કહ્યું: ‘આટલું જ છે? અને સોનાના દાગીના?’

‘મુંબઈ, સેફ ડિપૉઝિટમાં છે.’

‘અને બીજા પૈસા?’

‘બૅંકમાં છે.’

‘મર – મર તું તો! કહેતા ઘેલાએ શેઠના માથાની ઝીણી ચોટલી પર ધબ્બો ફટકાર્યો.

‘આ – આટલા માટે આવડું જોખમ મેં ખેડયું હશે…સૂવર સાલો.’

જેને હમણાં જ શેઠાણીની બાજુમાં બેસાડી હતી તે શેઠની દીકરી ઝડપથી ઊભી થઈ ગઈ.

‘વિના કારણ શું કામ મારે છે?’

એના મોઢા પર ભય વિનાનો રોષ હતો. એ હાથની મુઠ્ઠીઓ વાળતી, ટટ્ટાર થતી નિર્ભય અમારા સામું જોઈ રહી : ‘એક તો હાથોહાથ જે છે તે તમને આપીએ છીએ; છતાં મારપીટ કરી અમારી ઠેકડી ઉડાવે છે! એટલીયે માણસાઈ તારામાં બાકી નથી રહી?’

બરોબર એ જ વખતે એક ઉંદરને આંગણામાંથી ઓસરીમાં પ્રવેશતો ઘેલાએ જોયો. આદતના જોરે ઝાપટ મારી પગ નીચે એને પકડયો અને છૂંદ્યો.

લોહીના ફુવારા ગાદલાની ચાદર પર અને જમીન પર પ્રસરી ગયા.

હું આ વખતે કમકમાં રોકી ન શક્યો.

શેઠાણીએ એક હળવી ચીસ પાડી.

શેઠ મૂઢની જેમ જોઈ રહ્યા.

‘હાય, હાય – કેવો ક્રૂર માણસ છે !’ છોકરીથી બોલાઈ જવાયું.

પછી મચ્છરોના ગણગણાટ વચ્ચે ભીની થઈ તોળાઈ રહેલી ખામોશીની થોડી ક્ષણો ખરી પડી.

આ ઉંદર, – આ લોહીના ડાઘ અને ઘ્રૂજી રહેલા ઘેલાના હોઠવાળી એની અસ્વસ્થતા. અહીં ઇતિહાસનું પુનરાવર્તન થતું મને દેખાયું અને મોંઘી – એની ચંચળ, વિહ્વળ બેબાકળી આંખો; માણસને કયા પ્રસંગ અને કેવી પરિસ્થિતિ વચ્ચે શું યાદ આવતું હોય છે !

ઘેલાએ દાજી શેઠનો ખભો પકડી દાંત ભીંસીને કહ્યું: ‘કહી દે આ બન્નેને કે અંગ પર જે પહેર્યું હોય તે ઉતારી આપે !’

શેઠે એ બંને તરફ પોતાની નજર ફેરવી ઘેલાના શબ્દો તરફ એમનું લક્ષ ખેચ્યું, એટલે શેઠાનીએ ગળામંની સેર, કાનની બુટ્ટીઓ અને હાથ પરની સોનાની બંગડીઓ ઉતારી ઘેલાએ પાથરેલી પિછોડીમાં ફેંક્યાં, પણ શેઠની દીકરીએ કાન અને ગળામાંથી ઉતારી આપ્યા પછી હાથ પરના ચૂડલા ઉતારી આપવાની ના પાડી, ત્યારે અસ્વસ્થ ઊંચીનીચી થયા કરતી ઘેલાના હાથની આંગળીઓ ઝડપથિ મુઠ્ઠીમાં બિડાઈ ગઈ એના નાકની બાજુમાંથી ઊતરી પડતી રેખાઔ વધારે સખત બની એના હોઠના છેડા સાથે મળી ગઈ.

‘ખેરિયાત કરે છે, તું એમ સમજે છે?’ ઘેલાના દબાયેલા અવાજમાં ગુસ્સાનો ભારોભાર કંપ હતો.

‘હું ચૂડલા નહિ આપું, એ મારા સૌભાગ્યનું ચિહ્ન છે, હું એ નહિ ઉતારું, એની બહુ કિંમત નથી, પણ –’ કહેતી એ અવાજ ન થાય એમ રડી પડી.

મને એ વખતે લાગ્યું કે મારા ચૂપ રહેવાની હવે હદ ઓળંગી હતી હું ઘેલાને રોકવાનો વિચાર કરું તે પહેલાં ઘેલાએ દોડી જઈ, ઘૂંટણ વચ્ચેથી પેલીનો હાથ ખેંચી લાંબો કરી ચૂડલા ઉતારવા માંડયા. છોકરી બીજા હાથથી ઘેલાના કાંડાને વળગી રડતી રડતી બોલી: ‘નહિ આપું….નહિ આપું…ના…’

કોઈની પણ લાગણી છંછેડાય અને મારી બુદ્ધિ બહેર મારી જાય એવો બનાવ નજર સામે બની રહ્યો હતો. છતાં દાજી શેઠના આવડા મોટા સ્થૂળ શરીરમાં ક્યાંયે કશું હાલ્યાચલ્યાનું ચિહ્ન દેખાયું નહિ. એક મૂઢ પ્રેક્ષકની જેમ આ પ્રસંગને ખીલતો જોઈ રહ્યા.

‘તને પગે લાગું ભાઈ, એને છોડી દે.’ શેઠાણી કરગરવા લાગ્યાં.

ખભેથી ધક્કો મારી ઘેલાએ છોકરીને બિછાના પર ચતી પાડી. ‘નહિ, નહિ, નહિ!’ તરફડિયાં મારતાં પણ એણે ઘેલાનું કાંડું છોડયું નહિ.

‘રાંડ, ખોલકિ!’ કહેતાં ઘેલાએ પોતાનો બીજો હાથ ઊંચક્યો ત્યારે આખા શરીરમાં કંપ વ્યાપી ગયો. ઘેલાના શરીરના બધા સ્નાયુઓ તંગ બની જઈ પોતાની સમગ્ર તાકાત કેન્દ્રિત કરવા તૈયાર થયા હોય એવું મને જણાયું. એનું પરિણામ ભયંકર આવવાનું હતું એ ખ્યાલથી એક વાર તો હું બીને પાછળ રહ્યો, પણ પછી, આ પરિસ્થિતિને કેવી રીતે પલટો આપવો, એનો હજુ તો હું વિચાર કરું છું, એટલી વારમાં મેં ઘેલાના હાથની ગતિ અટકી જતી જોઈ, ગુસ્સામાં બહાર આવેલું જડબું ઓચિંતાનું પાછળ હઠી ગયું, કપાળ પરની નસો ઓચિંતાની ઊપસી આવી. ચહેરા પરની સખત રેખાઓ અદૃશ્ય થઈ અને એની આંખના ડોળા બહાર ધસી આવ્યા.

એ જ ઘડીએ, પેલી છોકરીના ગળા પર ઘેલાનો હાથ પરની પકડ છૂટી ગઈ. એ હાથ પેલીના ખભા પરથી સરતો, છાતીને અડતો હેઠો પડયો ત્યારે નીચે નમેલા ઘેલાને મહામહેનતે ટટ્ટાર થતો મેં જોયો. મને ત્યારે થયું કે કંઈક ન બનવાનું બન્યું હતું.

અમારી બધાંની નજર ઘેલા પર રહી ગઈ. મૂઢ જેવા શેઠ, બીકથી વધારે કદરૂપાં દેખાતાં શેઠાણી, બિછાના પર ચતીપાટ પડેલી બેબાકળી બની ડૂસકે ડૂસકે રડતી શેઠની દીકરી અને હાથમાં ઘાસલેટનું કોડિયું લઈ ઊભેલો હું…

અમે બધાં ઘેલાને જોઈ રહ્યાં.

એક હાથ ઊંચો કરી, એક પગ પાછળ લઈ બીજા પગને પરાણે પાછળ ઢસડતાં પાછળ હઠી ઘેલો ઝૂલા પર ફસડાઈ પડયો.

હું એની પાસે દોડી ગયો. એને ખભે હાથ મૂકી કોડિયું એના મોઢા આગળ ધરી રહેતાં મેં જોયું તો એના મોઢાને ડાબે ખૂણેથી ફીણ નીકળી રહ્યાં હતાં.

‘શું થયું?’ મેં પૂછયું.

ઘેલાની બહાર ધસી આવેલી લોહીનીતરતી આંખોએ મારી સામે ટગર ટગર જોયા કર્યું. એણે ડોકું ધુણાવ્યું.

મેં એનો ડાબો હાથ ઊંચક્યો અને જતો કર્યો તો એ નિષ્પ્રાણ એના ખોળામાં પડી રહ્યો.

ઘેલાને પક્ષાઘાતનો હુમલો થયો હતો.

શેઠાણીને કશુંક અવનવું બન્યાની ગંધ આવી ગઈ હતી, મેં ઘેલાના ખભા પરથી બંદૂક ઉતારી મારા હાથમાં લીધી અને શેઠાણીને ચૂપ રહેવા ઇશારત કરી.

‘હવે તું છાની રહે તો એક વાત કરું.’ મેં શેઠની દીકરીને સંબોધીને કહ્યું ત્યારે તે બિછાનામાં બેઠી થઈ અને એણે મારી સામે જોયું. કેવા સુંદર હોઠ અને કેવા ધ્રૂજી રહ્યા હતા !

શેઠને ઇશારત કરી મેં આગળ બોલાવ્યા અને એ ત્રણે તરફ બંદૂક તાકી મેં કહ્યું : ‘આને ટેકો આપી ઊભો કરો.’

‘હેં! શેઠની દીકરીથી બોલાઈ જવાયું: ‘શું થયું છે એને?’

મેં ઘેલા તરફ જોયું: એક ઘડી પહેલાં જે આ પ્રસંગને પોતાના પંજામાં રમાડતો હતો તે અપંગ – પરિસ્થિતિનો ગુલામ બની ઝૂલા પર નિ:સહાય ફેંકાઈ ગયેલો જોઈ મને અતિ દુ:ખ થયું.

શેઠાણી ખંધાઈથી, એમની દીકરી નિર્દોષ કુતૂહલથી અને શેઠ એના એ જ મૂઢ ભાવથી ઘેલા તરફ જોઈ રહ્યા હતા.

‘હવે સાંભળો તમે બધાં,’ કહી મેં બંદૂકની નળી એમની સામે ધરી, ‘આને ટેકો આપી કંઈ અવાજ કર્યા વિના, કોઈને ખબર ન પડે તેમ હું ચીધું ત્યાં એને ગામ બહાર પહોંચાડો, નહિ, તો…’મેં ડાબા હાથની આંગળીનો નખ બંદૂકની નળી પર બેત્રણ વાર ઠોક્યો, ‘આ કોઈની સણસ રાખશે નહિ.’

શેઠાણી અને શેઠની દીકરી ઉત્સાહથી ઊભાં થયાં હોય એવો મને ખ્યાલ આવ્યો અને શેઠની આંખમાં પહેલી જ વાર અર્થ પ્રગટતો મેં જોઈ લીધો. મને લાગ્યું કે મારી ક્યાંક કશીખ ચૂક થતી હતી. ત્યાં શેઠ દીકરીની નજર પેલી પોટલી તરફ ઝડપથી ફરી જતી મેં જોઈ લીધી.

એ ત્રણે ઘેલાને સરખો ટેકો આપી બહાર દોરવી રહ્યાં ત્યારે મેં દાગીના અને રોકડની પોટલી ઉપાડી મારી બગલમાં ખોસી અને તરત જ મારી પાછળ શેઠશેઠાણીની કરગરતી નજર દોડી આવી.

‘આગળ વધતાં રહો અને હું કહું તે સાંભળતાં જાઓ. અને આ તમારા દાગીના રોકડ અને તમારી મિલકતની જરાયે તમન્ના નથી. આને ઊંટ બેસાડી દો અને ઊંટ દોડતું થશે એટલે તમારી માલિકીની આ બધી વસ્તુઓ તમારી તરફ ફેંકીશ, સાંભળ્યું? હવે નિરાંત વળી?’

રાત ઘણી આગળ વધી ગઈ હતી. કૂતરાં ભસવાની મને બીક હતી પણ એવું કશું બન્યું નહિ. પવનનાં ઝાપટાં ઘડીએ ઘડીએ શેરીઓ વચ્ચેથી હુંકાર કરીને પસાર થતાં હતાં.

ખરી રીતે ઘેલાએ કહ્યું હતું તેમ બધું જ સાંગોપાંગ પાર પાડયું હતું, જપણ અણીને ટાણે કુદરત વીફરી બેઠી અને કરુણાન્ત કથા સર્જાઈ ગઈ.

અમે ઊંટ નજીક આવી પહોંચ્યાં. મેં ઘેલાને આગલા કાંઠા આગળ બેસાડયો. એના જમણા હાથમાં ઊંટની

‘રાશ’ આપી, હું પાછળ બેઠો. ઘેલાએ ઊંટની રાશને ખેંચ મારીને અને મેં ઊંટની ગુડી પર બાંધેલી દોરીઓ ખેંચ મારીને છોડી મૂકી. ઊંટે ઊભા થઈને ભાગવા માંડયું કે તરત જ મેં આ ત્રણે જણ પર એમની મહામૂલ સંપત્તિની પોટલી ફેંકી.

ઘેલાને ઊંચકીને, આ કટોકટીમાંથી હું બુદ્ધિપૂર્વક છટકી જઈ ભાગી જતો હતો એ વિચારે મેં સંતોષ અનુભવ્યો.

શેરીઓ, ગામનું પાદર, વડ આંબલી, કૂવો, નદીની ભેખડ અને પેલી સીમાચિહ્ન જેવી ટેકરી અમે થોડી જ વારમાં પસાર કરી ગયા.

ઘેલાને ડાબો હાથ, તૂટી પડેલી ડાળ ઝાડના થડની બાજુમાં લટકે એમ લટકી રહ્યો હતો. સમતોલપણું જાળવવા ઘેલાનું ધડ જમણી બાજુ નમી પડયું હતું. મારે એને સતત ડાબી બાજુ ટેકો આપવાની જરૂર જણાતાં હું પણ આગળ નમી મારા ડાબા હાથથી એને ટેકાવી રહ્યો હતો.

પછી તો એ જ આદિ અને અંત વિનાનાં મેદાનો પર બેફામ તૂફાનોની પરંપરા ઊભો કરતો પવન, એ જ અંધકાર, મધ્યરાત્રીનું મૌન અણે એ વચ્ચેની એક કરુણ પરિસ્થિતિ ને એવી ને એવી તાજી – જીવતી એને યોગ્ય સ્થળે પહોંચાડવાના મારા પ્રયત્નો.

મને આ જીવતર પર અનહદ અણગમો ઊપજ્યો.

મેદાનોમાં દાખલ થયા પછી ઊંટ દોડતું બંધ પડી માત્ર ઉતાવળે ચાલતું હોય એવું મને લાગ્યું.

મારે ઘેલાને એક બાજુ નમી પડતો અટકાવવા સતત નીચા નમી રહેવું પડતું.

મારો ડાબા હાથ કે જેના પર ઘેલાનું આખું શરીર તોળાઈ રહ્યું હતું અને મારી ડાબી જાંઘમાં અસહ્ય કળતર થતું હતું.

અમે ગયા ત્યારે અમે કોઈ એક બનાવને જન્મ આપવા ગયા હતા અને હવે આ બનાવ ઉપરાંત એક બીજા ખોફનાક બનાવનો ભાર લઈ પાછા ફરી રહ્યા હતા, ત્યારે મને એક વિચાર આવ્યો કે પૃથ્વીની આ વિશાળતા પર સ્વચ્છંદ વિહરતા આ માતરિશ્વા અને ધૂળનાં દળોનાં વાદળો ઉપર અસંખ્ય તારકે માઢયા અવર્ણનીય ચૂપકીભર્યા વ્યોમે કે પ્રકૃતિના કોઈ પણ અંશે અમારી હાજરીની નોંધ સુધ્ધાં નહોતી લીધી. અમે અને અમારી માની લીધેલી પ્રવૃત્તિની મહત્તા એ તો માનવીની ગુમાનભરી કલ્પના માત્ર હતી.

ઘેલાનાં અંગ હવે મારા ડાબા હાથ પર લટકી રહ્યાં હતાં, એનું નીચું નમી પડેલું માથું કોઠાના મોરા પર અથડાતું હતું.

*

સંશય આવે એટલાં જ માત્ર અજવાળાં પૂર્વમાં પ્રગટયાં હતાં ત્યારે અમે અમારા ગામને પાદરે પહોંચ્યા.

ઊંટ ઘેલાના ઘરના ઝાંપામાં પ્રવેશ્યું. મોંઘી એરંડિયા તેલના કોડિયાને સાડલાના છેડા વતી ઓથ આપતી આંગણામાં ઊભેલી દેખાઈ.

ઊંટ આંગણાની વચ્ચોવચ્ચ હંમેશ બેસવાની જગા પર ઢીંચણ ખોડી બેઠું અને એના બેસવાની સાથે જ મારા ડાબા હાથ નીચેથી સરી જઈ ઘેલાનું શરીર ઢગલી થઈ જમીન પર ઢળી પડયું.

મોંઘીએ એને પડતો જોયા અને એ એકદમ નજીક દોડી આવી. હું નીચે ઊતર્યો ત્યારે, સા ડલાના છેડા નીચેથી દીવો બહાર લાવી એણૈ મારા મોઢા સામે ધર્યો. હું મોંઘીના ચહેરા તરફ જોઈ રહ્યો, મેં અનુભવેલી વ્યથાથીયે વધારે વ્યથા સહન કર્યાના ઓળા એના ચહેરા પર ટહેલી રહ્યા હતા.

એણે ઉતાવળે મારા ખભેથી બંદૂક ઉતારી પોતાના ખભે ભેરવી. એકદમ, શબ્દોની આપ-લે કર્યા વિના, ઘેલાને ઊંચકી, એના ઝૂંપડામાં લઈ જઈ ખાટલા પર સુવાડયો. ઘેલો બેભાન હતો!

મોંઘી એને શેકતાપ કરતી બેઠી. મારું મન અને શરીર વેદના અનુભવી રહ્યાં હતાં તોયે, થાકની અસર નીચે પણ મને ઊંઘ ન આવી.

હું બેસી રહ્યો – જાગતો રહ્યો અણે ચુપચાપ જોયા કર્યું.

સવારના તડકા ઊંબરમાં અફળાયા ત્યારે ઘેલાએ આંખ ખોલી. એણે સામે મોંઘીને બેઠેલી જોઈ. માથું મારી તરફ ફેરવવાના એના પ્રયાસો નિષ્ફળ ગયા ત્યારે, હું એના ખાટલાની કોર પર એની બાજુમાં બેઠો. એણે જમણો હાથ મારા હાથ પર મૂક્યો અને મારો હાથ ઊંચો કરી પકડયો, પંપાળ્યો અને દાબ્યો. ઘેલાને કશુંક કહેવું હોય એમ લાગતું હતું, પણ એની વાચા બંધ હતી.

જમીન પર બેસી ઘેલાના પગ દાબતી મોંઘીને મેં વિગતવાર અમારા પરાક્રમની વાત કહી સંભળાવી. હું વાત કરતો હતો તે દરમ્યાન ઘેલાના અંગની ડાબી બાજુમાં અનેક વાર આંચકી આવતી મેં જોઈ, પણ વચ્ચે અનેક વાર મારે ખભે હાથ મૂકી મારી પીઠ થાબડી ઘેલો મેન પંપાળતો રહ્યો.

આ ઘરની બહાર ઉદ્યમ કરતાં ચકલી, હોલા, કાગડા, બુલબુલની બોલ બોલ સતત ચાલુ હતી. કઈ ઊંટનું ગાંગરવું, કોઈ ભેંસનું ભાંભરવું અને બકરીની બેં…બેં પણ સતત ચાલુ હતાં. માત્ર આ ઘર જે આ પહેલાં એકધારી બોલબોલથી ગાજતું તે હવે ખોફનાક રીતે ચૂપ હતું.

*

સમય દોડવા લાગ્યો.

બોપર નમ્યો.

સર્વ શૃંગાર અને સર્વ વસ્રોનો ત્યાગ કરી, પોતાની રંગબેરંગી નજાકતને હણી નાખી સંધ્યા રાત્રીના અંધારા બાહુઓમાં સમાઈ ગઈ, ડૂસકાં ખાવા લાગી.

*

નમતા બપોર પછી ઘેલાની આંખો બંધ પડી, પછી ક્યારેય ખૂલી નહીં, ક્યારેક એકધારી મારે સામે જોઈ રહેતી મોંઘીની આંખોમાં તોફાન વિનાની રણનાં મેદાનોની ગહન મોકળાશ મેં ડોકિયું કરતી જોઈ.

ભીંતને અઢેલીને બેસી રહેતાં મેં અવારનવાર બેડોળ સ્વપ્નાંવાળી ઊંઘ ચોરી લીધી, પણ પોતાના શરીરને ક્યારેય શિથિલ કર્યા વગર અમારા બન્નેની ચોકી કરતી મોંઘી આખી રાત જાગતી રહી.

ત્રીજે દિવસે ઘેલાએ પ્રાણ છોડયા અને એના મૃતદેહને થાળે પાડવાની અનેક ક્રિયાઓ શરૂ થયા તે પહેલાં મેં એનું ગામડું છોડયું.

હું ઝાંપો બંધ કરી રહ્યો હતો ત્યારે મોંઘી દોડતી મને વિદાય આપવા આવી. એના ચહેરા પર આંસુઓ સિવાયનો રુદનનો સર્વ સરંજામ હાજર હતો અને એની આંખોની ભૂરી કીકીઓમાં વળ ખાતો એક પ્રશ્ન ઊભરાઈ રહ્યો હતો જે શું હતું તે હું સમજ્યો નહિ. આજ દિવસ સુધી વિચારું છું તોયે સમજતો નથી.

છિન્નભિન્ન કરી નાખે એવી આ બેચેનીને ટૂંકાવવા મેં ઝાંપો બંધ કર્યો અને મોંઘી તરફ પીઠ ફેરવી અને આગળ વધ્યો કે તરત જ મારી કલ્પનામાં મેં એક મીંદડીને ઉંદરનો શિકાર કરતી જોઈ. એ પ્રાણીની ખબરદાર ચૂપકી, ધીરજ અને ઉંદર પર તૂટી પડવાના પૂર્વયોજિત કૂદકાની માપણીનું ચિત્ર સચોટ રીતે મારી યાદમાં આજ દી સુધી ગોઠવાઈ રહ્યું.

બપોરે ભયંકર પવન વાવો શરૂ થયો. કાંટાળા છોડવાઓની આજુબાજુની બખોલમાંથી નોળિયા, ઉંદર અને સાપ નાસભાગ કરી રહ્યા હતા. ધૂળના રજકણોએ ઉપર ઊંચકાઈ ઊંચકાઈ આકાશને મેલું કરી દીધું હતું.

ઉઝરડા પડેલી, ખંડિત ધરતીના દેહની મોકળાશ પર મેં ફરી મારું પ્રયાણ આદર્યું.

  • આ વાર્તા ૧૯૫૩માં ‘આરસી’ સામયિકમાં છપાયેલી. એ વાર્તા કરતાં અહીં છપાયેલી વાર્તા એટલી બધી જુદી પડે છે કે જયંત ખત્રીની વાર્તાઓનાં એક સંપાદક શરીફા વીજળીવાળાએ એ સામયિકમાં છપાયેલી મૂળ વાર્તા ફરી પ્રગટ કરેલી. એ વાર્તા આ પુસ્તકને છેડે ફરીથી મૂકી છે – અભ્યાસી પોતાની રીતે બેઉ વાર્તા તપાસી શકે એટલા માટે.