ખરા બપોર/૨. માટીનો ઘડો

Revision as of 05:32, 15 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨. માટીનો ઘડો

અનન્ત ધરતી અને એવાં જ અસીમ મેદાનો…શ્રાવણ વરસી ગયાને દોઢેક મહિનો વીત્યો હશે. અને આ વાંઝણી ધરતી પર પ્રાણ પાંગરી ઊઠયા હતા. નાનું કૂણું, સ્વચ્છ, ભાગ્યે જ ત્રણ આંગળ ઊંચું ઘાસ ધરતીની કાયા પર ચૂંદડી બનીને લપેટાઈ ગયું હતું, ચૂંદડી જેમ જ વારે વારે લહેરાતું હતું.

આથમતો સૂર્ય ધરતીના આ સૌન્દર્યને જોવા થંભી ગયો અને જોતો રહ્યો. એની આસપાસ રંગબેરંગી અજવાળાં નૃત્ય કરતાં એકઠાં થયાં. પછી ચૂપકીથી અંધારાં નજીક સર્યાં. સૌ સ્તબ્ધ-અવાક બની જોઈ રહ્યાં.

બીજલ પણ ઊભો રહી ગયો – ચૂપ અને વિચારશીલ. એણે ચુંગી પર બેધ્યાનપણે ઊંડો દમ ખેંચ્યો અને એક ક્ષણ એના શ્વાસદની ક્રિયા થંભી ગઈ. પછી હળવેકથી બિલાડી બારણા બહાર નીકળે એમ રોકેલો શ્વાસ ધુમાડો બની હોઠ વચ્ચેથી સરવા લાગ્યો. એની સાથે એક અદીઠ – આશ્રાવ્ય નિ:શ્વાસ પણ એક બેધ્યાન પળે ખરી પડયો.

બીજલે નીચે જોયું.

નીચે અબજો – અસંખ્ય ઘાસનાં તણખલાં ટોળે વળી ઊભાં હતાં, સમૂહમાં લહેરાતાં હતાં. તણખલાં વચ્ચે ઘેરી ઊંડાણભરી જગા હતી – થોડીશી, નાનકડી તોયે અવકાશ જેવી અમાપ. અને ત્યાં બીજલનો ખરી પડેલો નિ:શ્વાસ ઊંડે ઊંડે જઈ રહ્યો હતો. એને પકડીને બચાવવા, જીવતો રાખવા, બેબાકળી બનેલીક બીજલની એક સ્મૃતિ એની પાછળ દોડી રહી હતી.

બીજલે જયા કર્યું. પણ કશુંક જોતા હોવાનું ભાન નહોતું. એના હાથની શિથિલ આંગળીઓ વચ્ચે પકડાયેલી ચુંગી નમી પડી. સળગતી તમાકુનો ઉપલો થર ખરી જઈ કૂણા ઘાસનાં તણખલાંઓને દઝાડી ગયો.

‘કેમ આમ ઊભા રહી ગયા? કશુંક વિચારો છો?’

તપ્ત ગાલ પર ફરી વળતી સૌન્દર્યલહરી જેવો રતનીના હાથનો મૃદુ સ્પર્શ બીજલના ખભા પરથી હેઠે સરવા લાગ્યો.

‘મેલી દે !’

‘હાય! હાય! આ નથિ ગમતું?’

‘અટાણે નહિ.’

‘ત્યારે તો કશુંક અણગમતું યાદ આવ્યું લાગે છે!’

‘હા, આ ધરતી જોઈ?’ કહેતાં બીજલે આંગળી ચીંધિ. ‘પોરની સાલ અહીં કશું જ નહોતું – કશું જ નહિ! લૂખાં-સૂકાં મેદાનો, ધૂળ ઊંચકીને વંટોળે ભમતા વાયરા! જેના પર પંથ કાપતાં જુવાનીનું મોત સરજાય એવી જાકારો દેતી આ નઠોર ધરતી પર, આજથી પચીસ વરસ પહેલાં…..’

‘હવે રહેવા દો એ વાત.’

રતનીએ બીજલના ખભા પર હેતથી ભાર દીધો, ‘પચાસ વાર તમારે મોઢે સાંભળી છે, નાહકના શું કામ મન દૂભવો છો?’

ક્ષિતિજની કોટ પર જામતી બીજલની નજર થાકેલા ઢોર જેવી પાછી ફરતી દેખાઈ. એના નિ:શ્વાસની ઉષ્મા ઠંડા હોઠો પર મરી ગઈ.

સતત સાવધાન રહેતા સમયની એક પળ મૂર્છા પામી ગઈ.

બરાબર એ જ પળે પવન પડી ગયો. અનન્ત હરિયાળી લહેરાતી અટકી પડી.

આથમતો સૂર્ય, સન્ધ્યાનાં હર્ષાવેશભર્યાં તેજ, ધરતીનું હરિયાળું હૈયું અને બીજલનું મન ગૂંગળાવા લાગ્યાં.

‘તું આ વાત જ મને કહેવા નથી દેતી !’

‘પણ કેટલી વાર !’

‘હૈયાવરાળેય ન કાઢું તારી પાસે?’

‘લો ત્યારે કહો જોઉં,’ રતનીએ હેતથી બીજલને ગળે હાથ ભેરવ્યો, ‘કે પચીસ વરસ પહેલાં, હજી તમારી મૂછનો દોરો ફૂટતો હતો, ત્યારે તેમ આ જ ધરતી પર પંથ કાપતા હતા. ત્યારે પણ અહીં કશું જ નહોતું – વાંઝણી વેરાન ધરતી, આગઝરતું આભ….’

‘ઠેકડી કરે છે?’

રતની વહાલસોયું હસી: ‘તમે સાવ બાળક જેવા છે !’

‘આ ધરતીને પગ અડે છે અને આખી કાયા પર લાય ફરી વળે છે.’ બીજલ મોઢું ફેરવી ગયો. ‘આ ભવમાં મેં ભોગવેલી વેદના, અને ભવોભવ મારાં વડીલોએ ભોગવેલાં દુ:ખ, જાણે બધાં એકસાંમટાં ભેગાં થઈ ગળે ટૂંપો દેવા લાગે છે… આટલુંય જાણે ઓછું હોય એમ તુંય મારી આપવીતી ન સાંભળે ત્યારે મનમાં એવું થાય છે કે જે કાલે આવવાનું છે તે ભલે આજે જ અટાણે આવે ! આ ધગધગતી રેતી નીચે અમારાં ઘણાબધાં ઘેટાંબકરાં અને અમારા વડીલોનાં હાડપિંજર સૂતાં છે; એના ભેગો હુંય આ ઘડીએ સૂઈ જાઉં !’

રતનીએ એનું કાંડું પકડીને પોતા તરફ ખેંચવા બળ કર્યું પણ બીજલ ખસ્યો નહિ.

‘ચાલવા માંડો હવે, આવા વિચાર કરવા રહેવા દો.’

‘હું જાણીજોઈને આવું વિચારતો હોઈશ? વિચારો આપમેળે આવે છે. વીફરેલી કુદરત અને બેકાબૂ મન આ ધરતી પર બળજબરી આદરે છે. ખબર છે?’

‘હા, મને બધીય ખબર છે, પણ તમે હાલવા માંડશો?’

બીજલ પરાણે રતની સાથે ખેંચાયો. હજી તો માંડ બે ડગ આગળ ભર્યાં હશે ત્યાં યાદ આવ્યું કે પાછળ કશુંક રહી જતું હતું. આગળ વધવા ઊંચો કરેલો પગ આગળ વધતો અટકી પડયો. એ લથડયો અને લથડતાં પાછળ જોયું.

જાગૃતિની પણછ પરથી એનું મન તીર બનીને છૂટી ગયું…. કેવી કેવી યાદ, કેટકેટલા નિ:શ્વાસ ટોળે મળી એની પાછળ પાછળ ચાલ્યા આવતા હતા!…એક ઓચિંતા ફાટી નીકળેલા રુદનની ચીસ, કોઈના જીવનની અંતિમ આહ, મૃગજળ તરફ દોડતા કોઈ હરણની બેબાકળી આંખો, ઊભા થવાની તાકાત ખોઈ બેઠેલા કોઈ ઢોરની કાગડાઓએ ચૂંથેલી આંખો, તાક, તાપ અને તરસથી બેલગામ બનેલું બરાડતું કોઈ ઊંટ, લંગડાતી, ડૂસકાં ભરતી, પરસેવે રેબઝેબ કોઈ કુમારિકા!….બંદૂકનો એક ધડાકો અને એની પાછળ વિસ્તાર પામતું નિ:શબ્દ નિરાકાર અવકાશ !

તાપણાની જ્વાળાઓ અંધકારના દેહમાં ફૂલતી દેખાતી હતી. દેવતા પર ઊકળતા સંભળાતા ખીચડીના આંધણને પડખે, લાકડાની તાસકમાં રતની બાજરાનો લોટ મસળી રહી હતી.

રાત્રી ઊતરી પડી – માદક, નગ્ન, નીરવ અને શીતળ !

પવન બિલકુલ પડી જાય અને વાતાવરણ ઓચિંતાની ભીનાશ એકઠી કરે એવી રણવિસ્તારની રાત્રીનો અદ્ભુત હોય છે!

અશ્રાવ્ય કોલાહલ કરતા તારલાઓથી ખીચોખીચ ભરેલું આભ નિર્જન ધરતી પર એટલું તો નીચું ઊતરી આવ્યું દેખાય કે એની ખીંટીએ ટિંગાઈ રહેલા કૃત્તિકાના ઝૂમખાને ઊંચકીને અંબોડે લટકાવવાનું મન થાય !

આવી મોહક રાત્રીને અઢેલીને રાણલ એક પોટલા પર આડી પડી હતી.

સુસ્તીથી વાગોળ્યા કરતા ઊંટ આગળ સાવચેત બેઠેલા બીજલની નજર રાણલ પર ગઈ અને એના વિચારોએ દિશા બદલી.

એની પુત્રી રાણલ – એના અંશનો એક અંશ, એના જેવી જ અસ્વસ્થ અને ચંચળ અવિરત ગતિમાં રહેતાં વિશાળ ચક્ષુઓની આડે તેલ પીને ભારે બનેલી રખડુ લટોને ફૂંક મારી આઘું કરતું એનું દર્શન બીજલના જાગ્રત મનથી ક્યારેય આઘું ખસતું નહિ.

રાણલના દેહની ત્રિભંગી પરથી બીજલની નજર ઝરણું બનીને વહી ગઈ….નાનામોટા અનેક પથ્થરો પર, હાસ્ય અને રુદનના ગીતની અનેક સ્મૃતિઓ મૂકીને વહી જતું એક ઝરણું, અનેક દિશામાં અમાપ પરિભ્રમણ કરી થાકથી મૃત્યુ પામતા સંગીતના સ્વર….ઉદય અણે અસ્તને સાથે લઈને જન્મતી સૌન્દર્યની એક પળ…અને…અને….એક માત્ર વાર્ધક્યની પરિપક્વતા તરફ કૂચ કરતું યૌવન!

બીજલ પાછળ હટયો. ઊંટને અઢેલીને બેઠો. એણે પણ લંબાવ્યા અને આંખો મીંચી.

બે કોમળ હથેળીઓ વચ્ચે ટિપાતા રોટલાનો એકધારો ‘ટપ, ટપ,’ અવાજ એને કાનેર ઊતર્યો….બે માત્રા વચ્ચેના લયમાં એની સંજ્ઞા ખોવાઈ ગઈ… હાથમાંથી લગામ સરી ગઈ…કાંટાળા છોડ પરથી કળી ખરી પડી. આ ઠંડી આબોહવામાં એક ઊનો દીર્ધ નિ:શ્વાસદ ગરમી ગુમાવી બેઠો.

‘રાણલ!’ રતનીનું આહ્વાન ભેજવાળા વાતાવરણમાં તોળાઈને ધ્રૂજી રહ્યું.

રાણલ ચમકીને ઊભી થઈ – એક વહેતું ઝરણું ઊભું થઈને ધોધ બની ગયું. બીજલની આંખ ખૂલી.

‘રાણલ!’ લોટવાળા હાથ મસળતી, ઊભી થતી રતનીએ કહ્યું, ‘સામેના તંબૂમાંથી થોડું પાણી માગી આવીશ?’

બીજલે ફરી એક વાર એ તરફ નજર ફેરવી. થોડે જ દૂર પંદરવીસ તંબૂઓ વ્યવસ્થિત હારમાં ઊભેલા દેખાયા – ક્યાંક પ્રકાશની ઝાંખી તરડ, ક્યાંક હવામાં હિલોળતા રેડિયો સંગીતના સ્વરો, ક્યાંક નિ:શબ્દ અંધારું! પેલી બાજુ, જરા વધારે દૂર, વાંસ અને ઘાસનાં અનેકાનેક ઝૂંપડાંઓના કોક દરવાજામાં સજાગ ચૂલો શુક્ર જેવો ટમટમતો દેખાયો.

અત્યારે બધી પ્રવૃત્તિ બંધ હતી. ધગધગતા તાપની દસ કલાકની મજૂરીનો પસીનો, લીસા ચીકણા દેહ પર સુકાઈને બદબોભરી ભીનાશ બની ગયો હતો.

આટલી નજીક, આવડી મોટી વસાહત…બીજલ જોઈ રહ્યો. અને કશો કોલાહલ નહિ? આ તંબૂ, આ ઝૂંપડાં, આ મહાકાય સ્થાપત્ય અને આવી મૃતવત્ શાંતિ? કાળજૂની સંસ્કૃતિ અવશેષ… મૃત:પ્રાય બનેલી લાગણીઓની આસપાસ વણાયેલાં વિસ્મૃતિનાં જાળાં….સાગર જેવું અસીમ પણ ઊર્મિઓના તરંગવિહોણું મન!

માટીના ઘડાને કેડ પર ટેકવી આગળ વધતી રાણલને બીજલ જોઈ રહ્યો. એની આંખ ઘેરાવા લાગી.

નજીકના તંબૂ આગળ રાણલ આવી પહોંચી. કાળી મખમલ જેવી હૂંફાળીસુંવાળી રાત એને અડું અડું થતી એની સાથે આવી પહોંચી. કોણ હશે અંદર? દરવાજા આડે લટકતા પડદા અને રાણલ વચ્ચે ક્ષોભની બે ક્ષણો આવી ઊભી. કોઈ એક વિચાર ઉતાવળે દોડી આવ્યો. એક વિચાર આવતાં અટકી પડયો.

પડદાની કોર પર થોડી વાર એની આંગળીઓ ધ્રુજી રહી.

એણે અંદર ડોકિયું કર્યું:

અહીં તો ખરેખરું ઘર હતું.

એક ખાટલો, ખાટલા પર વેરવિખેર કપડાં, કબાટ, ટેબલ, ખુરશી, ટોપૉઈ, ચોપડીઓ, કાગળિયાં, નકશા – ફૂટપટ્ટી…છબીઔ, અરીસો અને ફૂલની કૂંડી! આ રણવિસ્તારમાં પણ ખીલતાં આવાં મોટાં ફૂલ! દીવાના પ્રકાશ અને લંબાતા પડછાયા! ખાટલાની કિનારથી લટકીને કપડાં ભોંયને અડતાં હતાં. ટેબલની કિનાર પરથી ફૂટપટ્ટી અને એક ચોપડી પડું પડું થઈ રહ્યાં હતાં….વ્યવસ્થા પર ગેરવ્યવસ્થાનો કાટ ચડતો હતો.

વાતાવરણ નિશ્ચલ અને સુસ્ત હતું.

પડદાની કિનાર પર એની ધ્રૂજતી આંગળીઓ સરતી દેખાઈ.

રાણલ અંદર પ્રવેશી.

એના પ્રવેશથી પ્રકાશની વહેંચણીની બદલાયેલી વ્યવસ્થા અરીસામાં પ્રતિબિંબિત થઈ.

અરીસામાં મોઢું કરી ધીમી અદાથી માથાના વાળમાં દાંતિયો ફેરવતા સાહેબે ચમકી પાછળ જોયું.

ખભે લટકતો ટુવાલ એમના પગ આગળ ઢગલો થઈ પડયો.

એ પળ તોળાઈ રહી.

આંખને ખૂણે થથરતી કીકીઓ, હિલોળીને હમણાં જ સ્થિર થયેલી વાળની લટોવાળું રાણલનું મસ્તક, સૂર્યમુખી નમે એમ ખભા પર નમી પડયું હતું. કમર પર રહી ગયેલો એક હાથ – માટીના ઘડાને લાડથી ડોલાવતો બીજો હાથ શ્વાસોચ્છ્વાસથી છાતી પર તંગ થતા કમખા પર ચમકતાં આભલાં….સદાકાળ જાળવવાનું મન થાય એવા સુઘડ દેહનું અપ્રતિમ સૌન્દર્ય!….અને તે આ સ્થળે? કે જ્યાં નિત્યયુવા સૌન્દર્યને પણ કાળ કોરી ખાય… જાગૃતિ પણ જ્યાં એના અસ્તિત્વની હરપળે વિસ્મૃતિ ઓથ લેવા ઝંખતી રહે!

આંખ ઝીણી કરીને સાહેબે પૂછયું:

‘તું કોણ છો, છોડી?’

તંબૂમાંનો દરેક નિર્જીવ જીવ, અચાનક જાગૃતિ મેળવતો રાણલ તરફ મીટ માંડી રહ્યો. સાહેબનો પ્રશ્ન રાણલનો દેહ આસપાસ લપેટાઈ એને ભીંસ આપી રહ્યો.

‘હું પાણી લેવા આવી છું, સા’બ, મેન… મને થોડું પાણી જોઈએ છે.’

‘અને પાણી લેવા તું આમ એકલી તંબૂમાં આવી ચડી?’

રાણલના હોઠ અચાનક બિડાઈ ગયા અને એની આંખ નેમ ગુમાવી બેઠી…. એક ક્ષણ કશુંક દેખાતું હતું – ક્યારેક સ્પષ્ટ તો ક્યારેક ધૂંધળું.

….સૂર્ય અસ્તાચળે પહોંચે ત્યારે પશ્ચિમની ક્ષિતિજે એક એકલી વાદળી દેખાય, સંધ્યાના રંગ એને સુશોભિત કરી જાય અને સૂર્ય પણ એની પાછળ હોંશથી લપાય, પણ અંતે તો રાત્રીનાં અંધારાં એના દેહનો ગ્રાસ કરે!….ત્યારે આ એક એકલી વાદળીનું શું થયું એની કોઈને ખબર ના રહે, કોઈ દરકાર પણ ન કરે.

‘હું એકલી નથી સા’બ.’ રાણલે જવાબ આપ્યો.

પણ એ વાક્યનો અંત અને હવે શરૂ થનાર બીજા વાક્યની શરૂઆત વચ્ચેના ખાંચામાં સમયનો એક પરમાણુ અટવાઈ ગયો.

રાણલને લાગ્યું કે એ ખોટું બોલી હતી….પંદરવીસ કટુંબનાં થોડાં ઝૂંપડાં….થોડાં દૂઝણાં ઢોર, ઝાંખરાં જેવાં ઝાડ…અને, જેની જોડે સંબંધ ન રહે એવાં, દિવાસ્વપ્ન જેવાં સુંદર પક્ષીઓ! આવો એક અતિ નાનો સમાજ આ અનન્ત ધરતીની અસહાયતાઓમાં એકલો ફેંકાઈ ગયો હતો.

એનું મન પર્યટન કરી ગયું.

આજના ખરા બપોરે, દૂરના ડુંગરાની ધારે બધાં જ પક્ષીઓ ઊડી ગયાં હતાં ત્યારે એક બાજને આ નિષ્પ્રાણ ધરતી પર એણે આભ આંબતો જોયો હતો… આજ સવારે, એક નાનકડા માટીના ઢેફાની આસપાસ એક કરોળિયો ચૂપચાપ જાળું રચતો દેખાતો હતો…અહીં અસ્તિત્વમાં ન હોય એવાં કલ્પનાનાં તાજાં ફૂલની શોધમાં નીકળી પડેલી રાની ભમરીને એણે સતત ગણગણતી, દિલ ઠાલવતી સાંભળી હતી!

કોઈની સહાય વિના વનવગડે બાળકને જન્મ આપતી પ્રસૂતા – ગ્રહણમાં ઊંડે ઊતર્યે જતો અને ટુકડે ટુકડે પ્રાણ છોડતો કઈ વૃદ્ધ – અહીંનું નિર્જન એકાન્ત ભીષણ હતું!

ગઈ સાલની વાત…આ જ રણવિસ્તાર પર એણે બે દિવસ તાપતરસ વેઠી પ્રવાસ કર્યો હતો. ચામડીને સૂકવીને ચામડું બનાવે એવો પ્રખર તાપ હતો. હરપળે ખેંચાતો દરેક સ્નાયુ અસહ્ય વેદના આપી રહેતો….અને સમય, બેચેનીની અસીમ સપાટી પર લંબાતો અનુભવાતો ત્યારે….

…ત્યારે એક સૂરીલું ગાન યાદ આવતું રહી જતું. એક મનોહર દૃશ્ય દૃષ્ટિમર્યાદની સીમ ઓળંગતું અટકી પડતું… એક ટીપું તોળાઈ રહેતું…દૂરથી નજીક આવતી દરેક ક્ષણ નજર આગળ શિથિલ થઈ ઢળી પડતી.

ઓહ! આ અમર્યાદ ભૂમિ પર મારા જેવી કેટલીય છોકરીઓ આમ ભમતી હશે. ભૂખી, થાકી, તરસી, અનિદ્ર અને અસ્વસ્થ?

રાણલે એક ઊંડો લેવાયેલો શ્વાસ જતો કર્યો.

‘હું એકલી નથી સા’બ, મારાં માબાપ એ બેઠાં, તાપણા કને!’

એક એક ડગલું આગળ વધી…એક નાનકડું ઝાંઝર રણકી ગયું. એણે સાહેબને ટુવાલ ઊંચકીને ખભે મૂકતા જોયા.

સાહેબ ઊંચા, પાતળા અને સશક્ત હતા. ભૂરા વાળની વાંકડી લટો આસોપાલવની ઘટા જેવી કપાળ પર ઝૂકી આવી હતી. ભાગ્યે જ દેખાય એવા ઝીણા હોઠ શિયાળુ સન્ધ્યાની ફિક્કી લાલ રેખા જેવા એમના ચહેરા પર અંકાઈ ગયા હતા.

‘મેં કહ્યું, મેન થોડું પાની જોઈએ છે, સા’બ!’

‘પાણી?’ સાહેબનો હાથ ટુવાલની રૂંછાળી સપાટી પર ફરી ગયો. ‘આટલું બધું પાણી અત્યારે અહીં નહીં હોય|!’

‘આવડુંક પાણી અત્યારે અહીં નહિ હોય?’ રાણલના શબ્દો લંગડાતા સંભળાયા.

‘આવું સરસ ઘર!’ અહોભાવથી એની દૃષ્ટિ ભમવા ઊપડી, એનીક પાછળ એ પણ આ તંબૂમાં ભમવા નીકળી પડી. સુંવાળાં સ્વચ્છ કપડાં પર, કાગળિયાં અને નકશાની સપાટી પર આંગળીઓ ફેરવતી, કબાટને પીઠ દઈ એણે ટેબલ પર લાડથી પગ ટેકવ્યો, અને સહેબ સામે એકધારું જોઈ રહી.

એ દૃષ્ટિમાં એક ગજબનો મિજાજ પાંગરી ઊઠયો. ગાલની સુરખી અને હોઠના કંપમાં એક મસ્તી ફૂટી નીકળી.

‘આવું સરસ ઘર, રાચરચીલું અને ખીલેલાં ફૂળ!’

ખાટલા પર નીચા નમીને એણે તળાઈમાં આંગળીઓ ઘાંચી.

‘અને આવી સુંવાળી તળાઈ!’

અને એ બોલતી અટકી પડી. એક ભાવ એના મોઢા પર થીજી ગયો. અચંબાની એ પળ એના હોઠ પર સમાઈ ન શકી. એ હસી પડી, પણ બીજી જ પળે ન બનવાનું બની ગયું…આ પ્રસંગની આંગળીએ વળગીને દોડી આવેલું હાસ્ય એ આંગળી ત્યજી રિસાઈને દૂર ઊભું.

એ સહસા ટટ્ટાર થઈ.

એની કીકી પર નમી પડેલી પાંપણ નીચે કશુંક લહેરાઈ ગયું…ધુમ્મસનું આવરણ ઝડપથી સરવા લાગ્યું. રેતાળ પટ લાંબો થતો દેખાયો.

‘જે ઘરમાં પાણી ન હોય એ ઘરમાં રોટલાનું બટકુંય નહિ હોય?’ એણે પૂછયું.

‘ના…નથી.’

‘તો આ ઘર શું કામનું, આવું સરસ હોય તોય?’

એને ત્યરે ઓચિંતું જ ભાન થયું કે સાહેબ એની સામે અનિમિષ જોઈ રહ્યા હતા…અનેકેવું જોઈ રહ્યા હતા….એ દૃષ્ટિમાં કશો અર્થ હતો…. કોઈ છાની વાત હથિ કે વરસોથી બુઠ્ઠી થયેલી કોઈ લાગણીનો કરુણ અંજામ હતો?

રાણલની આંખ કરમાઈ.

મનના વલોણા પરથી લાગણીઓની દોરી છટકી ગઈ.

આ તંબૂમાંની હરેક વસ્તુ અને આ વ્યક્તિ ઘડીએકમાં પોતાની ઉપયોગિતા ખોઈ બેસે….અનેએ વાત પર મન દુભાઈ જાય….એ મન પણ કેવું ચંચળ!

‘થયું ત્યારે!’

એવા નિ:શ્વાસના બે શબ્દો ફેંકી એ માટીનો ઘડો ઊંચકવા નીચી નમી.

એના ખભા પરથી સાડલાનો છેડો સરી પડયો. એની કિનાર પર ભરતમાં જકડાયેલાં આભલાંની ચમક સરી ગઈ, આકાશગંગા પૃથ્વી પર અવતરણ કરી ગઈ.

સાહેબની આંખે અંધરાં છવાયાં.

તંબૂ, તેલનો કૂવો અને આ સમગ્ર રણવિસ્તાર એમના ટેબલ પરના નકશામાં એક નયા પૈસા જેટલી જગામાં સમાઈ ગયાં. એ ગોઠવણીમાં, ટાંચણીની અણીથી પણ નાનું એવું સાહેબનું અસ્તિત્વ ક્યાંક ખોવાઈ ગયાનું એમને સહસા ભાન થયું.

રાણલના બન્ને પગ ઝૂકીને પૃથ્વી પર કૂદી પડતા કૃષ્ણ પક્ષના વ્યોમને એ શૂન્યમનસ્ક જોઈ રહ્યા.

….મણિપુરની ટેકરીઓ પર આવું જ દિગ્મૂઢ આભ તોળાઈ રહેતું! સાગ, દેવદાર અને સરુના વનમાં નિદ્રાધીન પગન હળવા શ્વાસ લેતો સંભળાતો…એ દિવસોનું એક અમૂલું સુંવાળું સાન્નિધ્ય, એ હૃદયની બેબાકળી ધડકન, ઠંડી ડોક પર ઊની ભીનાશ મૂકી જતો એક ઉચ્છ્વાસ…કોઈકમાં ખોવાઈ જવાની તમન્ના સેવતા જીવનની કેટલીય ધન્ય ક્ષણો.

સભાન મનનાં રખેવાળાં વીંધીને સાહેબના મોઢામાંથી એક શબ્દ બહાર નીકળી ગયો.

‘રાણી!’

રાણલ ચમકી.

માટીના ઘડાને હતો ત્યાં રહેવા દઈ એ ચપળતાથી સાહેબ તરફ ફરી.

‘મને રાણી કહી?’

સાહેબના ચહેરા પર અનેક સ્નાયુઓ કંપને સ્થિર, ચૂપ થઈ જતા રાણલે જોયા.

‘મારું નામ તો રાણી નથી!’

‘નથી સ્તો, પણ મને એ નામ યાદ રહી ગયું છે.’

‘કયું નામ? રાણી?’

‘હા – રાણી.’

પણ રાણલના પ્રશ્ન-પ્રહારથી એમની સ્વસ્થતા ટુકડેટુકડા થઈ એમના ચહેરા પર વેરાયેલી દેખાઈ.

ભયભીત તોય અસ્થિર નયનો, શિથિલ તોયે ધ્રૂજતાં અંગો, અનસૂય તોય ફિક્કી ત્વચા…નિર્જલ સરિતાપટ પર ફરી વળેલું પોષ મહિનાની ઠંડીનું મોજું…

પરવશ અંગો પર કાબૂ મેળવવાના પ્રયત્નોની નિષ્ફળતા સ્વીકારી સાહેબે રાણલ તરફ પીઠ ફેરવી, અને અણછાજતી ઉતાવળથી રેશમનો ઝભ્ભો ઊંચકીને પહેરી લીધો.

‘લાવ, તને પાણી લાવી દઉં….’

અને રાણલને કશું કહેવાની તક આપ્યા વિના, એની હાજરીમાંથી ભાગી છૂટવા એ બારણા તરફ ફર્યા.

રાણલ જોતી જ રહી.

ચોમાસાના ત્રણેય માસ એક પળમાં વરસીને ચલ્યા જાય, એમ કશુંક એકસામટું, ઉતાવળું બનીદ ગયું હતું…અપર્ણ કાંટળા છોડની ડાંખળીઓ એકબીજામાં પરોવાઈ ગઈ હતી….હૃદયનો એક થડકો બીજામાં અટવાઈ ગયો હતો… અને એક આરજૂ હોઠ પર મરી ગઈ હતી.

સાહેબ દરવાજા બહાર નીકળી ગયા.

થોડાં આંદોલનો પામી દરવાજાનો પડદો સ્થિર થયો.

હવે અહીં કોઈ અવાજ નહોતો.

રાણલની નજર તંબૂમાં ચારે કોર ફરી વળી. આ રાચરચીલાની હરેક વસ્તુમાંથી એણે અર્થ સરી ગયેલો જોયો.

જરાક ખૂલેલા પડદાને અડીને અંદર ધસી આવેલી પવનની એક લહર દોરી પર લટકતી ટેપને હલાવી ગઈ. તંબૂની દીવાલ પર એનો પડછાયો ઝાડની ડાળીએ સર્પે ત્યજેલી કાંચળી જેવો ડોલી ગયો. ભડકી ગયેલી દીવાની જ્યોત પ્રકાશનો હેતું ખોઈ બેઠી… અને પ્રકાશ સ્વયં જાણે અંધકારનો અભાવ હોય એવો એક નિરર્થક નકારાત્મક ભાવ આ તંબૂની દીવાલો વચ્ચે ફૂટી નીકળ્યો….

ક્ષિતિજની કિનાર પર જન્મતો ધૂળનો એક વંટોળ અત્યારે દેખાય તેમ નહોતો. પણ….લટકતા પડદા અને દરવાજાની ધાર વચ્ચેની ફાડમાંથી, આભને અંબોડે લટકતું કૃત્તિકાનું ઝૂમખું રાણલ જોઈ શકી હોત…ખરતો તારો પણ એ જોઈ શકી હોત…આવું ઘણુંબધું એ જોઈ શકી હોત! એનાથિ વિશેષ, ઘણું જોયેલું એ યાદ કરી શકી હોત! એકથી અનેક અને અનેકથિય અનેક વાર રચતાં એનાં આગવાં દિવાસ્વપ્નોમાં એ સરી પડી હોત. પણ ખાટલા નજીક, નીચું માથું કરી એ ઊભી રહી, ઊભી જ રહી…સ્થળકાળથી સાપેક્ષ એવા, સાગર વચ્ચેના ખડક જેવી.

તંબૂની કિનાર નીચે ઘસાઈને એક વીંછી અંદર દાખલ થયો

ઘડીક પહેલાં હલી ગયેલી ટેપનો પડછાયો સ્થિર થયો. પતંગિયાની પાંખ જેવી દીવાની જ્યોત ફફડી ગઈ અને પરિસ્થિતિ પૂર્વવત્ બની ત્યારે દરવાજાનો પડદો ઊંચો થયો. સાહેબ અંદર પ્રવેશ્યા. માટીના ઘડાને એમણે સંભાળીને જમીન પર મૂક્યો.

‘લે, આ તારું પાણી!’ કહેતાં એમણે રાણલ સામે જોયું અને ધોતિયાના છેડા પર લુછતા હાથની ગતિ અટકી પડી. એમની આંખો વિકસતી દેખાઈ અને શિથિલ હોઠ ખૂલી ગયા…અહીંની…અત્યારની…ચૂપકીદી મૂર્છા પામી ગઈ હતી, વાતાવરણ સ્વપ્નવત્ બન્યું હતું…

…પ્રકાશનાં ચિત્રવિચિત્ર આચ્છાદનોને અડોઅડ તિમિર હતપ્રાણ ઊભું હતું. થડકતી કીકીઓ સિવાય એનું એકેય અંગ ફરક્યું નહિ.

આમ તો અહીં બધું કહેતાં બધું જ જેમનું તેમ હતું. ટેબલ-ટિપૉઈ-ખુરશી-કબાટ-ખાટલા પર પ્રકાશનાં કિરણ અને ઓળા નિયમ મુજબ સરી રહ્યા હતા. ત્વચાને અડતી ભીની હવાની ઠંડક અને ગળે દીધેલ ફાંસા જેવી, ચારે બાજુથી ભીંસ દેતી આ તંબૂની દિવાલોની ગૂંગળામણ પણ એની એ જ હતી. છતાં….

છતાંય, યુગ જેટળી લાંબી વિસ્તરેલી અમુક ક્ષણોના અસ્તિત્વ દરમ્યાન ઇન્તેજારીના અતિરેકથી ચૂપકીદી કાટ ખાઈ ગઈ હતી…અને હવા એક પારદર્શક પથ્થર બની ગઈ હતી…એ બધું નહોતું દેખાતું. પણ પ્રતીત થયું ત્યારે સાહેબના હૃદયમાં એક ઉષ્મા દોડી આવી.

એ રાણલની નજીક સર્યા.

અને…એની છેક જ નજીક જઈ એને અડોઅડ થઈ જવાની એક પ્રબળ ઇચ્છા એમને મૂંઝવી, પરવશ બનાવી ગઈ.

રાણલ ધીમેથી ફરી પોતાનો પાછળ રહેલો હાથ આગળ લાવી એણે સાહેબ સામે એક ચાંદીની ફ્રેમ ધરી:

‘આ કોણ છે?’

એ પ્રશ્ન સાથે જ સોયના કાણામાં દોરો પેસે એમ સાહેબની કીકીઓમાં રાણલની નજર પેઠી. એ નજરની સર પર કાળની કેટલીક ભૂત અને વર્તમાન ક્ષણો, લાગણીઓના રંગબેરંગી મણકા બની પોરવાઈ ગઈ.

એક પરવશ નિ:શ્વાસ એમના બહાર ધસી આવેલા નીચલા હોઠને પગથિયેથી નીચે કૂદી પડયો. કપાળ પર ફરી ગયેલા એમના ધ્રૂજતા હાથની આંગળીઓએ ઝળહળતા પ્રસ્વેદબિન્દુઓનું સૌન્દર્ય ભૂંસી નાખ્યું.

‘રાણી છે?’

સાહેબે ડોકું ધુણાવી હા કહી અને પોતાનાં ધ્રૂજતાં અંગો લઈ એ ખાટલે બેસવા જતા હતા ત્યાં રાણલ એમની આડી ફરી.

‘જરા થોભો.’ એણે કહ્યું.

અને જેમાં વિનંતીનો બધો મહિમા એકઠો થયો હોય એવો કાળજીભર્યો ઊર્મિશીલ સ્પર્શ એણે સાહેબને ખભે કર્યો.

‘આટલા બેચેન છો તો એ વાત મને નહિ કહો? હું…હું…’

સાહેબ ખાટલા પર ફસડાઈ પડયા. બે હાથ વચ્ચે માથું પકડી એ નીચે જોઈ રહ્યા….

નીચે….

છેક નીચે…. સાગરનો અભિસાર લઈ એક સરિતા ચાલી જતી હતી. નાના-મોટા પથ્થરો પર કૂદકા લેતું એક ઝરણું સરિતા તરફ દોડી રહ્યું હતું. ઝૂલતાં વૃક્ષોને બાથ ભીડવા હવા દોડી રહી હતી! ઝૂકી આવેલી ખભે અડતી ડાળીઓ પર કેસૂડાનાં લાલ ઝૂમખાં…નમી આવેલી લટોની પાછળ આંખને ખૂણે વિલસતીસંધ્યાની લાલ સુરખી! ધરતીને અડોઅડ થતા મેઘ….એક હૃદયને અડીને થડકતું બીજું હૃદય…આનંદની વેદના અને વેદનાની આહ!

‘ઓહ! ના, ના….સાહેબ, સાહેબ!’

એક કરુણ આરજૂ આ તંબૂનાં અંધારાં વીંધી ગઈ.

ટેબલ, ટિપૉઈ, કબાટ વગેરે રાચરચીલા પરથી ભોંય અને છત પરથી પ્રકાશ સરી ગયો…પ્રકાશ પર આકાર લેતા ઓળાઔ પણ સરી ગયા. મનની સપાટી પરથી સભાનતા સરવા લાગી.

અંધકાર!

માત્ર અંધકાર, જ્યાં લાગણીઓ પોતાની સીમા ખોઈ બેસે અને અતિશયતા એની ટોચ ખોઈ બેસે , એવો સંપૂર્ણ ચેતનામય અંધકાર!

‘મને છોડો, સાહેબ, મેન છોડો…હું રાણી નથી… ઓ સાહેબ…મારા સા….!’

સાહેબને ખભે ઘસાતું એક હળવું રુદન તંબૂના અસીમ અંધકારમાં ઓગળી ગયું. અંતરે અંતરે આવતાં ડૂસકાં, એવા જ અંધકારની લીસી સપાટી પર લપસતાં સંભળાયાં. ઉપરાઉપરી લેવાતા ઊંડા શ્વાસ અને છેવટની એક લાંબી આહને અંતે, કોઈકની યાદમાં અમર રહેવા સર્જાયેલી અભંગ ચૂપકીદીની કેટલીક પળો ઉપસ્થિત થઈ.

તિમિરના ઉપવસ્ર નીચે હવા હાંફી રહી.

સાહેબની ડોક પરથી બે બલોયાં અવાજ કરીને વિખૂટાં થયાં. ખાટલા નજીકના કંતાનના પાથરણ પર સાહેબના પગ ઘસાતા સંભળાયા.

સુંવાળા તકિયાઓ વચ્ચે ફરી એક રુદન રૂંધાતું સંભળાયું.

બહાર પવન ફૂંકાવો શરૂ થયો હતો. વારે વારે અંદર ધસી આવતો દરવાજાનો પડદો અંધારી રાતના તારાઓનો પ્રકાશ અંદર મોકલતો હતો.

કંતાન પર ઘસાતા પગ આગળ વધ્યા અને ઘડી પછી પતંગિયાની પાંખ જેવી દીવાની જ્યોત ઝળહળી ઊઠી.

રાણલ સફાળી ખાટલા પર બેઠી થઈ ગઈ.

સાહેબે નજીક જઈ, વહાલથી એના આંસુભીના ગાલ પર હાથ ફેરવ્યો ત્યારે રાણલ આંખ મીંચી એમના બાહુ પર નમી પડી. લીસી ચામડી પર ગાલ ફેરવતાં એનું અંગેઅંગ ધ્રૂજી ગયું.

‘સાહેબ!’ એ શબ્દ ચોંટભેર ગળે રૂંધાયો.

‘સાહેબ… આ… આ તમે શું કર્યું…સાહેબ…ઓ સાહેબ!’

સાહેબે એને નજીક ખેંચી.

પોતાના અંગેઅંગની સાહેબને અડી રહેવા મથતી, એમના બાહુ પર એ અંગો ડોલાવી ગઈ.

‘તમે કેટલા ભલા, ભોળા અને માયાળુ છો સાહેબ,!’

ન વરતાય એવી અધીર ત્વરાથિ દૂર ખસવા જતા સાહેબની આંગળી એણે પકડી રાખી.

‘કેમ એમ?’

‘તને મોડું થતું હશે – નહિ?’

‘ના.’

‘તારે પહોંચવું જોઈએ, તારાં માબાપ પાસે.’

એમણે રાણલની મુઠ્ઠીમાંથી પોતાની આંગળી સેરવી અને એ વધારે દૂર ખસ્યા… ધુમ્મસના આવરણ પાછળ બીજનો ચંદ્ર નમ્યો અને રાત્રિ એનું સુખસ્વપ્ન ખોઈ બેઠી.

સાહેબની આંગળીએથી છટકેલો રાણલનો હાથ એને પડખે, ખાટલાની કોરને અડીને લટકી રહ્યો. એણે નીચા નમી સાહેબ સામે જોયું.

‘હવે મારે કોઈ માબાપ નથી, સાહેબ, અને આ ઘર છોડી મારે બીજે ક્યાંય જવું નથી…ઘડીક પહેલાં, તમારા ચહેરા પર જોયેલી બેચેની હું આ ભવમાં કદી વિસરવાની નથી.

અને નિશ્ચયથી ઊભાં થતાં એણે ઉમેર્યું:

‘હું તો, સાહેબ, હવે તમારી સાથે જ રહીશ!’

‘તું મૂરખ છે, છોકરી.’ કહેતાં સાહેબે એને બાવડેથી પકડી બારણા તરફ ધકેલી…વાતાવરણ શ્વાસ લેતું થંભી ગયું. બારણાનો પડદો એનાં અંગોને સ્પર્શ કરતો એની ઉપરથી પસાર થઈ ગયો!

બહાર –

તંબૂઓની હાર આડે ધુમ્મસનાં વાદળ લટાર મારી રહ્યાં હતાં. મહાકાય ટાવરના બીમ વચ્ચેથી વૃશ્ચિકમાં રહેલો મંગળ ડોકિયું કરતો હતો.

હવા ભીની અને રાત્રી સુસ્ત હતી.

લીસી ચામડીની સ્પર્શ જેવો ભીની ધૂળનો સ્પર્શ.

‘સાહેબ, મને એ તરફ ના દોરો!’

ધુમ્મસના આછા આવરણ વચ્ચે દુખાતા તારાગણોનો પરિકંપ…અંગેઅંગના, સ્નાયુઓના અણુએ અણુમાં ધ્રુજારી!

‘હવે હું કેમ કરીને માબાપ સાથે રહી શકું, સાહેબ…ઓ મારા સાહેબ!’

જન્મીને ચિરંજીવ બનતી મીઠી વેદનામાં ઉપસ્થિત થતું સમગ્ર જીવન…

‘ઘડીક પહેલાં તમે કેવા માયાળુ હતા તમે….સાહેબ, અરે સાહે…બ…’

રાણલના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ.

વાગોળતા ઊંટે ચમકીને એમની તરફ જોયું. બેફામ ભસતો કૂતરો એમની તરફ દોડી આવ્યો. હાથમાં ડાંગ લઈ, તાપણાના અંગારાને ઠોકરે ઉડાવતો બીજલ અને એની પાછળ ઓઢણીને અંગ ફરતી વીંટતી રતની, ઉતાવળે નજીક આવતાં દેખાયાં.

સાહેબે રાણલને બીજલ તરફ હડસેલી.

‘બાપુ…બાપુ!’ એ ભીની ધૂળમાં માથું ઘસતી રહી.

‘શું છે રાણુ?’

નજીક આવેલી રતનીને રાણલ બાઝી પડી. ‘મા, મારે એમની સાથે રહેવું છે!’

‘હે?’

‘હા, મા!’

‘એમ?’ દાંત ભીંસીને બીજલ સાહેબ તરફ ફર્યો, ‘ત્યારે આટલી વારમાં આટલું બધું બની ગયું?’

સાહેબે સંપૂર્ણ સ્વસ્થતાથી જવાબ આપ્યો, ‘જે બનવાનું હતું તે બની ગયું, પણ…’ એમણે રાણલ તરફ આંગળી ચીંધી, ‘તારી આ છોકરી નાદાન છે!’

બીજલે ડાંગ ઊંચકી.

‘ના, ઓહ ના. બાપુ, બાપુ….’

ઝડપથી ઊભી થઈ રાણલ બીજલ નજીક પહોંચે તે પહેલાં ફટકો પડી ગયો હતો.

વેદનાની એક આહ પણ સાહેબના મોઢા બહાર નીકળી ન શકી. એમનો દેહ શિથિલ થઈ ભીની ધૂળમાં ઢળી પડયો.

‘હાય! હાય!’ કહેતી રાણલ સાહેબની કૂખમાં માથું ઘાલી ગઈ.

‘આ તમે શું કર્યું!’

બીજલે રાણલને બાવડેથી પકડીને ઊંચકી, ‘રોદણાં મેલ છોડી, આ રડવાનો સમય નથી. અહીંથી આ ઘડીએ ઉચાળા ભરવા છે.’

એણે રતનીને પણ વાંસેથી ધક્કો દઈ ઊંટ તરફ ધકેલી.

‘જલદી ભાગી છૂટવું છે!’

ઊંટ પર કાંઠો ગોઠવાયો. લાકડાની તાસક, બેચાર વાસણો, પડખાના કોથળામાં દાખલ થતાં ખખડયાં. અસ્તવ્યસ્ત બેત્રણ ગોદડાં કાંઠા પર બેસવાની જગ્યાએ ફેંકાયાં.

‘તું આગળ બેસે, છોડી.’ ઊંટની લગામ હાથમાં લેતાં બીજલે પાછળ જોયું.

‘પણ કેટલી વાર? ઉતાવળ કરને!’

રતની પાછળના ભાગમાં ગોઠવાઈ. બેસતાં બબડી, ‘તમે માણસ નથી, રાક્ષસ છો!’

પેનીના એક પ્રહારથી ઊંટ ઊભું થઈને ભાગ્યું. એને પડખે ચૂપચાપ દોડયા આવતા કૂતરાના નહોર ભીની જમીન પર ઘસાતા સંભળાયા.

અસીમ ધરતી પર આળોટતા ધુમ્મસને વીંધતું ઊંટ આગળ વધ્યું. પાછળ રહી જતી બકરીનું રુદન રાણલના કાન પર અફળાયું. એણે પાછળ જોયું…

ઓહ! તંબૂમાં હજી દીવો બળતો હતો અને પડદો પણ હજી ઝૂલતો હશે; એ ટુવાલ ખાટલા પર પડયો હશે…અને તકિયાની ખોળ પર હજુ એનાં આંસુ સુકાયાં નહિ હોય….સારું થયું કે અંધારું હતું…સારું થયું કે એણે ચાંદીની ફ્રેમને સુવડાવીને ટેબલ પર મૂકી હતી, પણ ઊભી રાખી હોત અને અંધારું ન હોત તો… તો રાણીએ….

ઠંડી ભીની હવા કપડાં નીચેથી ચામડી પર લપેટાતી હતી. રાણલ કંપી ગઈ. એણે અંગ સંકોર્યાં. કેટલો બધો ક્ષોભ…કેટલો બધો સંકોચ…કેટલી આનાકાની…કેટલો ડંખ અને કેટલી વેદના માત્ર પાણીના બે ખોબા માટે!

‘મા!’ રાણલના સંબોધનમાં લાગણીઓ રુદન કરી ગઈ. ‘પાણીનો ઘડો હું તંબૂમાં ભૂલી આવી.’

‘ભલે રહ્યો ત્યાં જ,’ બીજલ વચ્ચે બોલી ઊઠયો, ‘કાચી માટીનો હતો!’

‘પણ બાપુ’ રાણલ એને ખભે માથું ઢાળી ગઈ અને ગળે હાથ ભેરવતાં બોલી: ‘એના પર ચિતરામણ સરસ હતું – એ ઘડો મને ગમતો’તો!


[લખ્યા તારીખ : ૧૮-૧૨-૧૯૬૩; પ્રગટ : ‘રુચિ’ જાન્યુ. ૧૯૬૪]