ઋણાનુબંધ/રૂમ વિથ અ વ્યૂ —

Revision as of 11:43, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રૂમ વિથ અ વ્યૂ —|}} <poem> એક દૃશ્ય કલ્પો. એક વ્યક્તિને ત્રણ પગથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રૂમ વિથ અ વ્યૂ —


એક દૃશ્ય કલ્પો. એક વ્યક્તિને ત્રણ પગથિયાં ચડી, હૉલ પસાર કરી ઉપર જવાનું છે. અંધારું છે. હૉલમાં કાર્પેટ છે. પગલાંનો અવાજ સંભળાતો નથી. ટપકતા પાણી માટે બાલદીઓ મૂકી છે એ અડફેટમાં આવે છે. લિફ્ટ બંધ છે. અગિયાર માળ ચડવાના છે. ધીરે ધીરે એ વ્યક્તિ ઉપર જાય છે. ઉપર પહોંચ્યા પછી ત્યાં કોઈ જ નથી. વ્યક્તિ સાવ એકલી છે. એ વ્યક્તિ તે અનિલ. એ બારી પાસે આવે છે. નીચે અસંખ્ય ગાડીઓ પસાર થાય છે. લોકોનાં ટોળેટોળાં છે. લાઇટ લાલમાંથી લીલી થઈ જાય છે. રસ્તો ક્રોસ થાય છે. ઉપર એ એકલો છે.

એને આ અનુભવ વિશે વાર્તા લખવી છે. લખી શકે એમ છે. દરેક પગથિયા વિશે એક વાર્તા અને અગિયારમે માળે પહોંચવાની નવલકથા. આંગળીઓમાંથી લિસ્સા શબ્દો સરી જાય છે. પેન હાથમાં રહી જાય છે.

એને આ અપરિચિત શહેર ગમે છે. એને અમદાવાદ યાદ આવે છે. ત્યાં એ ‘પરિતોષ’ કૉમ્પ્લેક્સના પહેલે માળે રહેતો હતો. એને ત્યાંથી ભાગી છૂટવું હતું. પસાર થતી ટ્રેનની જેમ આજુબાજુની પરિસ્થિતિ બદલાતી હતી. રાતના આંખ બંધ કરીને બોલતો, ‘ચાલો એક દિવસ પૂરો થયો.’

એક દોસ્તારે એને અમેરિકા બોલાવ્યો ને નવો દિવસ શરૂ થયો. આકાશ, બારે માસ વરસતો અહીંનો વરસાદ, ઘર, રસ્તાઓ, માણસો ગમે છે. અમદાવાદ હતો ત્યારે આ બધું બૂચ મારેલી આકર્ષક શીશીમાં બંધ હતું. ત્યારે આ બધું માત્ર હોલિવૂડના કચકડામાં મઢેલું હતું.

શહેરની વચ્ચોવચના સ્કાયસ્ક્રેપરને અગિયારમે માળે એનો અપાર્ટમેન્ટ છે. લિવિંગરૂમ, બેડરૂમ, રસોડું બધું જ એક જ રૂમમાં. અપાર્ટમેન્ટની મોટી બારી રસ્તા પર પડે છે. બારીમાંથી આખા શહેરનો વ્યૂ દેખાય છે. સામે બે માળની ‘રમાડા ઇન’ હોટલ-મોટેલ છે. એની પાછળ લોગન સ્કેવર છે. સ્કેવરમાં ઋતુ ઋતુનાં ફૂલો ઉગાડેલાં છે. વચ્ચે ફુવારો છે. એમાં સૂતેલી ચાર મત્સ્યકન્યાઓના મુખમાંથી પાણીની સેરો ઊંચે ઊડે છે. પાણી નીચે પડે છે. એ જ પાણી રિસાઇકલ થઈને મત્સ્યકન્યાના મુખમાં આવે છે. ફુવારા પાસે સિટી હૉલનું ટાવર છે. બારીની જમણી બાજુએ અઠ્ઠાવન અઠ્ઠાવન માળનાં ‘લિબર્ટી વન’ અને ‘લિબર્ટી ટુ’ નામનાં મકાન છે. દસ વાગ્યાના ન્યૂઝમાં એની ટોચ દેખાડે છે. ઍરપૉર્ટ બહુ દૂર નથી. પ્લેઇન લૅન્ડ થતું હોય ત્યારે નીચે આવતું પ્લેઇન આ મકાનોની ટોચને ‘આ અડ્યું’ ‘આ અડ્યું’ થાય છે પણ એ અનિલની ભ્રમણા છે. રાતના આખું શહેર ઝગમગ ઝગમગ દીવાઓનો દેશ બની જાય છે. અનિલ આ રૂમને ‘રૂમ વિથ અ વ્યૂ’ કહે છે. વ્યૂ જોતો જોતો સવારની ચા પીએ છે અને રાતે જમે છે. ભલેને નાનો પણ પોતાનો અપાર્ટમેન્ટ છે. માથે છાપરું છે. ભાડું ભરે છે ત્યાં સુધી કોઈ એને કાઢવાનું નથી.

પાડોશીઓ સારા છે. ક્યારેક હૉલવેમાં મળી જાય છે. એકબીજાનાં નામ ખબર નથી. એક પાડોશી રાતદિવસ નિસાસા નાખે છે. ગાળો બોલે છે. પાતળી-દીવાલોમાંથી એ એને સંભળાય છે. અનિલને ‘પરિતોષ’નો પાડોશી યાદ આવે છે. પાનની પિચકારી મારતો. ‘લ્યા, જોતો હો તો!’ કહેતી શાકવાળી દૂર ખસતી. રોજ બપોરે આવતી શાકવાળી. રંગબેરંગી કમખો, ઘેરવાળો લાલ ચણિયો ને ઉપર છાપેલી ઓઢણી. વાલોળ-પાપડીની બાજુમાં મૂકેલાં ડીંટાવાળાં રવૈયાંને પાડોશી ભાવ પૂછતો. ‘લેવા નહીં ને રોજ રોજ ભાવ હાના પૂછો છો!’ એમ શાકવાળી કહેતી. અહીં અનિલ શૉપિન્ગ કાર્ટ લઈ સુપરમાર્કેટમાં શાક લેવા જાય છે. બ્રસલ સ્પ્રાઉટસ, આસ્પારેગસ જેવાં શાક ખરીદે છે. ઘેર આવીને માઇક્રોવેવમાં બાફી, ઉપર મરીમીઠું નાંખી ખાય છે.

સુપરમાર્કેટમાં એક દિવસ એક ઇન્ડિયન છોકરી કૅશ રજિસ્ટરની લાઇનમાં એની આગળ ઊભી હોય છે. એ હસીને એને હલો કહે છે. પૈસા ચૂકવીને અનિલ બહાર નીકળે છે ત્યાં સુધીમાં પેલી છોકરી ચાલી ગઈ હોય છે.

એ છોકરી પચ્ચીસની આસપાસ હશે. ટૂંકા કાળા વાળ, મીનાકારી આંખો, ઘઉંવર્ણી ત્વચા, સ્કર્ટબ્લાઉઝમાંથી દેખાતો સપ્રમાણ બાંધો. હસીને ‘હલો’ કહ્યું ત્યારે મોંમાંથી નીકળેલો મધુર અવાજ.

અનિલને થાય છે સારું થયું. નહીં તો કદાચ ઔપચારિક વાતો કરવી પડત. ક્યાંનાં છો? ક્યાં રહો છો? શું કરો છો? પાસે જ રહું છું. એમ? આવોને, ચા પીએ. ના, આ સંબંધ શેને માટે? સંબંધો છોડીને તો એ દસ હજાર માઈલ દૂર આવ્યો છે. એને એનો ભૂતકાળ ભૂલી જવો છે. બીજાં પણ એને ભૂલી જાાય એમ ઇચ્છે છે. અને તોય દોરીના વળની જેમ એ રોજ સવારે ‘કર મધ્યે સરસ્વતી’ કહી એના જમણા હાથની હથેળી જુએ છે. ઠાકોરજીને દીવો કરે છે. ડેસ્ક પર બેસે છે. સ્મૃતિને ટપારે છે. અંદર ડોકિયું કરે છે. પડઘાતા અસંખ્ય શબ્દોમાંથી એના કાનમાં ઘર કરી ગયેલો કોઈ માર્મિક શબ્દ પકડે છે. અચાનક એ શબ્દ તૂટેલી બારીના કાચમાંથી બહાર વહી જાય છે. એને રોકવા એ બારી ખોલે છે. સંભળાય છે ચકળવકળ થતી આંખ જેવી પોલીસકારના અને ઍમ્બ્યુલન્સની સાયરનના અવાજો. કોઈ ચગદાઈ ગયું. ચીસ, એ જ, એ જ એનો શબ્દ.

એને ચગદાઈ ગયેલા શબ્દ વિશે વાત કરવી છે. એ કોની સાથે વાત કરે? કરે તો શું કહે? કોણ સાંભળે? જે સાંભળે તે સમજે ખરું?

વરસાદ શરૂ થાય છે. તૂટેલા કાચમાંથી વાછંટ અંદર આવે છે. ભૂલવો છે તોય ત્યાંનો વરસાદ યાદ આવે છે ને એને રૂંવે રૂંવે પહેલા વરસાદ પછીનું કૂણું કૂણું ઘાસ ઊગી નીકળે છે. ‘આવે ત્યારે થોડી દુર્વા લાવજે’ મા કહેતી. મા છે પણ લોહીથી લદબદતી નાળ કપાઈ ગઈ છે.

હવે એ મુક્ત છે. કોઈનેય જવાબ આપવામાંથી મુક્ત છે. એણે માત્ર એની જ સાથે વાત કરવાની છે. એકપાત્રી સંવાદ બોલવાનો છે, કાનને છેતરવાના નથી. જાતને છેતરવાની નથી. આ અમેરિકા છે. એના પાસપૉર્ટના ચહેરા પર અમેરિકન સિક્કાની છાપ છે.

એ છત્રીસ વર્ષનો છે. જિવાયેલી જિંદગી એને ભૂલી જવી છે. ના, શબ્દો દ્વારા ફરી જીવવાની એને ખંજવાળ આવે છે. એના નખ બુઠ્ઠા થઈ જાય એ પહેલાં એને વલૂરી લેવી છે. નથિન્ગ વેન્ટ રાઇટ. બાપ મરી ગયો એટલે ઘરની જવાબદારી એના પર આવી. પાર્ટ ટાઇમ ભણીને બી. એ. થયો. માએ પરાણે પરણાવ્યો. પત્ની કોઈ બીજાના પ્રેમમાં હતી. છેવટે એ એને છોડી ગઈ. બહેનને પરણાવી. એના વરે દહેજ માટે એને હેરાન કરી. બહેનના જેઠની બહારગામ બદલી થઈ. એના નાના અપાર્ટમેન્ટમાં અનિલ ને એની મા રહેતાં હતાં. બહેનના જેઠ પાછા આવ્યા. અપાર્ટમેન્ટ ખાલી કરી આપવો પડ્યો. મા ગામ ચાલી ગઈ. દરમિયાન એના પાર્ટનરે કાપડની દુકાનમાંથી પૈસા કાઢી લીધા. દુકાન વેચી નાંખી. અનિલને એની જૂની પરિસ્થિતિ પર હસવું આવે છે. અમેરિકાના અપરિચિતો વચ્ચે એને ખડખડાટ હસવું છે. એ પરદેશી છે એ એને અચાનક યાદ આવે છે. અમેરિકનો વચ્ચે ભૂંડા દેખાવામાં શોભા નહીં. એનું હાસ્ય બે હોઠ વચ્ચે સંકોચાઈ જાય છે.

એ બારી સાથે ટકરાતું પતંગિયું જુએ છે. બંધ બારીમાંથી આકાશ આંબવા મથતા પતંગિયામાં ને એનામાં શો ફેર છે? એ એના શબ્દો દ્વારા આકાશને આંબવાની ચેષ્ટા નથી કરતો? કરે છે.

એક વાર શબ્દો દ્વારા એક છોકરી કંડારેલી. એ છોકરી હજીય એના મનનો કબજો લઈ લે છે. એ છોકરીની ગુલમોરી યાદથી એના આખા શરીરની ત્વચા રતુમડી થઈ જાય છે. એના સ્નાયુઓ તંગ થઈ જાય છે. જેવી પેલી છોકરીની પકડ છૂટે એવો એ ઢીલોઢફ થઈને ટૂંટિયું વાળી દે છે. આવી રમણામાં એ વારંવાર રાચે છે.

એને સેક્સમાં રસ છે પણ સંબંધમાં નથી. સંબંધ ન હોય તોય સેક્સ સંભવે એમ એ ચોક્કસપણે માને છે. સંબંધ પ્રવેશે એટલે જ ઉઝરડાની શરૂઆત થાય છે.

એને સુપરમાર્કેટમાં મળેલી એ છોકરી યાદ આવી જાય છે. શા માટે એણે એનો વિચાર કર્યો? મૈત્રી માટે? સેક્સ માટે? એને હસવું આવે છે. સેક્સ એ મૈત્રીનો વિસ્તાર નથી? બારણે ટકોરા થાય છે. કોણ હશે? એ પૂછે છે. પેટ્રિશિયા. કોણ પેટ્રિશિયા? એ કોઈ પેટ્રિશિયાને ઓળખતો નથી. ઊભો થઈને બારણું ખોલે છે. પેટ્રિશિયા લીશ પર બાંધેલા બે નાના કૂતરાઓ સાથે બહાર ઊભી છે. બંનેની આંખો મળે છે. ખુલ્લી બારીમાંથી આવતા પવન સાથે બંનેના શ્વાસ અથડાય છે. પેટ્રિશિયા એની બહેનપણીને મળવા આવી છે. અનિલે બારણું ખોલ્યા પછી એને ખ્યાલ આવે છે કે ખોટે માળે આવી છે. સૉરી. ખુલ્લા બારણામાંથી એ અનિલનો અપાર્ટમેન્ટ જુએ છે. ‘નાઇસ વ્યૂ’ કહીને જાય છે. અનિલ એને જતી જોઈ રહે છે. લિફ્ટ સુધી એની સાથે જવાની ઇચ્છા રોકી રાખે છે. બારણું બંધ કરે છે.

પેટ્રિશિયા પણ પચ્ચીસની આસપાસ. ગુલાબી. પ્રફુલ્લિત ગુલાબ જેવી. પોની ટેઇલમાં બાંધેલા ઝૂલતા વાળ. શ્વાસ ચૂમવો ગમે તેવી આકર્ષક, પ્રાણીના સાન્નિધ્યમાં જીવી શકે ને પથારીમાં પ્રાણી સાથે સૂઈ શકે.

બે દિવસમાં બે છોકરીઓ સાથે ‘હલો’ કહેવાનું થયું. સ્મૃતિપટ પરથી અદૃશ્ય થયેલા શબ્દો આળસ મરડી બેઠા થતા લાગ્યા. ટટ્ટાર. એક ત્રિકોણ રચાવા માંડ્યો. એ, સુપરમાર્કેટવાળી છોકરી, અને પેટ્રિશિયા. એના ડાઇનિંગટેબલ પર ત્રણ જણ બેસી શકે એમ છે.

અડધો કલાક બધા ચુપચાપ બેસે છે. બધા વ્યૂ જુએ છે. સરસ છે. સો વૉટ? વ્યૂ કાંઈ જીવનની વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા છે અપાર્ટમેન્ટનું ભાડું, ગ્રોસરી, જીવનની જરૂરિયાતો અને સેવિંગ્સ.

પેટ્રિશિયા એની વાત કરે છે. પેટ્રિશિયા ખૂબ શોખીન જીવ છે. હૉસ્પિટલમાં નાઇટ મૅનેજર છે. ‘ડ્યૂટી’ ઓરિએન્ટેડ માણસ છે. પેટ્રિશિયાને વર્લ્ડ ટ્રાવેલમાં રસ છે. એને માટે પૈસા ભેગા કરવાના છે. એ પણ રાતના બે કલાક ‘કામ’ કરે છે. એમાંથી એના શોખ પોસાય છે. થોડા બચે છે એ બૅંકમાં મૂકે છે. એને માટે અનિલ એક નોવેલ્ટી છે. એનો હિસાબ ચોખ્ખો છે. અનિલ પૈસા આપે તો એને ‘ખુશ’ કરવા તૈયાર છે.

કોઈ કંઈ બોલતું નથી. સોપો પડી જાય છે. સુપરમાર્કેટવાળી છોકરીનું નામ અનિલને ખબર નથી. એ મિતા નામ રાખે છે. ‘મિતુડી, હવે તારો વારો.’ અનિલ વહાલમાં કહે છે. મિતુડી એની વાર્તાની નાયિકા હોઈ શકે જે હવે અઢાર વરસે સદેહે આવી છે. અનિલને એની વાર્તા સાકાર થતી લાગે છે. અનિલને એને ચુસ્ત આલિંગનમાં ભીંસી એના હોઠ ચૂમવા છે. એની ભરાવદાર છાતી પર માથું મૂકવું છે. એ સંબંધની નજીક જઈ રહ્યો છે. એ સંબંધ ભ્રમણા છે. એ સંબંધ એને છેતરશે. પટાક દઈને પછાડશે. ચોટ લાગશે. કળ વળતાં વરસો નીકળી જશે. આ બધાંની અનિલને ખબર છે. છતાંય, એના મનના બંધ, બખિયાના ટાંકા તડ તડ તૂટે એમ, તૂટતા જાય છે. એ મિતુડીના અવાજના પૂરમાં ધકેલાતો જાય છે.

મિતાએ સ્કર્ટબ્લાઉઝ પહેર્યાં છે. મિતાને અનિલે ‘મિતુડી’ કહ્યું એ મીઠું લાગ્યું. એને અનિલ ગમે છે. એ સાન્નિધ્ય આપી શકે છે. સાહચર્ય નહીં. એનું વાગ્દાન થઈ ચૂક્યું છે. એને રસ છે મૈત્રીમાં, પ્લેટોનિક રિલેશનશિપમાં. એ બોલતી બંધ થાય છે. પછી શું કરવું એની મૂંઝવણમાં અંગૂઠાથી ફર્શ ખોતરે છે. ફર્શ તડકે લીંપેલી છે. સોનેરી તડકામાં, ઘઉંવર્ણી ઝાંયવાળો પગ શોભે છે.

અનિલ સવારથી કમ્પ્યુટર પાસે બેઠો છે. એને ભૂલી જવો હતો એ ભૂતકાળ અને હવે પ્રવેશેલી બે તદ્દન જુદી કક્ષાની સ્ત્રીઓ. બધા તાણાવાણા એ ભેગા કરે છે. રેશમી પોત વણવાનું છે. એણે દાઢી કરી નથી. કપડાં બદલ્યાં નથી. નાહ્યો નથી. સિગરેટ પણ પીધી નથી. વાર્તાએ એના મગજમાં ભરડો લીધો છે.

વાર્તા પૂરી થાય છે. એ અપાર્ટમેન્ટની બારી આખી ખોલી નાખે છે. અનાવરણ થઈ જાય છે. અને અગિયારમે માળેથી બૂમ પાડી. પસાર થતા લોકોને કહે છે ‘હીઅર ઇઝ માય સ્ટોરી, ઍન્ટાઇટલ્ડ, “રૂમ વિથ અ વ્યૂ.” ’