સહરાની ભવ્યતા/યશવંત શુક્લ

Revision as of 09:45, 21 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
યશવંત શુક્લ


યશવંતભાઈને ક્યારેક કહીએ કે તમારે માત્ર બોલવાને બદલે લખવું જોઈએ, જેથી એમાંથી પુસ્તક થાય, તો એ તુરત જવાબ આપે:

જેમણે લખ્યું છે એમનુંય ઝાઝું ટકવાનું નથી, તો બોલ્યા એ પૂરતું છે.

યશવંતભાઈને અમરતાનો ભ્રમ નથી એ સારું છે. એ સાથે સૌંદર્યની પ્રભાવકતામાં શ્રદ્ધા છે. આમ તો સાહિત્યના સમાજ–સંદર્ભ વિશે એમણેવારંવાર વાત કરી છે પણ કોઈક લેખકના આવેશ માત્રથી માણસ બદલાઈ જશે એવી અંધશ્રદ્ધા દાખવી નથી. આપણે જેને અંધશ્રદ્ધાકહીને છીએ તેને એ વિચાર–વિવેકહીન શ્રદ્ધાનો જ પ્રકાર કહે છે. એમની દૃષ્ટિએ ખંડદર્શન પણ અંધશ્રદ્ધા જ ઠરે. સર્જકો ને મનીષીઓમાંએમને શ્રદ્ધા હોવાનું એક કારણ એ કે બીજા લોકોને ખંડ દર્શન થતું હોય ત્યાં એ વસ્તુનું અખંડ દર્શન કરવા મથે છે. યશવંતભાઈ કહેતા: ‘હાર્યા વિના સત્ય અને સ્વાતંત્ર્યનાં મૂલ્યો માટે મથી રહેવું, છિન્નતાની વચ્ચે પણ જીવનનો જયધ્વજ રોપવો એ કવિકર્મ વિશેની મારીઅપેક્ષા છે.’ દૃષ્ટાંતો જૂનાં પડે એની બીક રાખ્યા વિના એ ગોવર્ધનરામ અને રવીન્દ્રનાથને યાદ કરીને કહેતા કે છિન્ન અને હતાશ થવાયએવી પરિસ્થિતિમાં એમણે કવિધર્મ ચરિતાર્થ કર્યો હતો.

માત્ર લખવું એ પૂરતું નથી, અવગમન થવું જોઈએ. કૃતિ સમજાય કે પમાય નહિ તોપણ કલા હોઈ શકે એ મતના એ સમર્થક નથી. ‘જેકવિતા કવિથી છૂટીને બીજા ભાવકો સુધી પહોંચી શકતી નથી તે કવિતા છે કે નહિ તે ચોક્કસપણે કહેવાનું આપણી પાસે કોઈ સાધનનથી.’ એમ કહેવામાં એમનો અભિપ્રાય આવી જાય છે. કેટલુંક દાયકાઓ ને સૈકાઓ પછી ભાવકો સુધી પહોંચ્યાના દાખલા એમને યાદહશે જ પણ એમનું ચાલે તો એ વર્તમાનનો આગ્રહ રાખે. પોતે બોલે છે એ વાણી શ્રોતાઓ સુધી પહોંચે છે એવી ખાતરીથી એમણે ભાષાનુંલેખિત સ્વરૂપ ખેડવાને અગ્રતા આપી નથી. કેટલાક લેખકો ક્યારે ક્યાં છે એ જાણી શકાતું નથી. યશવંતભાઈ સાંપ્રતમાં જ વસતા, સ્થળભલે બદલાય.

ટૂંકમાં એ વર્તમાનના માણસ. બધી સમકાલીન સમસ્યાઓ હુમલો કરી શકે એટલા એ અરક્ષિત — ‘વલ્નરેબલ’. હૉટલ સભ્યતાના વધતાઆક્રમણ વિશે કે ચૂંટણીમાં થતી મારફાડ વિશે સહી કરવાથી માંડીને મુસદ્દો ઘડવા જેટલો સમય સતત એમની સિલકમાં હોવાનો. સારું થાયએનું સ્વાગત કરવા કે નાશ પામે એનો શોક કરવા એ જાહેરમાં આવતા. સમિતિમાં જવાનું હોય તો એ વ્યક્તિગત કામ છોડી દેતા નેસભામાં જવાનું હશે તો સમિતિમાંથી વહેલા ઊઠી જતા. કેમ કે એમની અભિવ્યક્તિનું માધ્યમ વાણી છે વક્તાએ સ્થળકાળનાં બંધન પાળવાંપડે. માત્ર લખવાનું હોય તો પછી પણ લખી શકાય. અનિશ્ચિત ભાવિમાં થોડો સમય અનામત રાખી શકાય. યશવંતભાઈ સમય સાચવીલેશે. એસ. આર. ભટ્ટની જેમ એ મોડા પણ નહીં પડે. બે દાયકા પૂર્વેની એ સાંજ આજે પણ સ્મરણમાં તાજી છે, લગભગ ચિત્રરૂપે અંકિતછે. એ બે વિદ્વાનો સ્ટાઈનબેક વિશે જે બોલ્યા છે! વાહ! એ પછી મને બહારનાને અમદાવાદમાં ફાવવા લાગેલું.

બોલતાં બોલતાં કોઈ પણ વિષયને સ્પર્શી શકાય. લખનારે કાન ન પકડાય એની કાળજીલેવી સુગમ પડે. જાણવા મળ્યું કે યશવંતભાઈ‘ઍબ્સર્ડ’ નાટકો વિશે બોલ્યા ત્યારે આશ્ચર્ય થયેલું. ખાતરી કરવા જતાં સમજદાર શ્રોતાઓએ પણ કહેલું કે સારું બોલેલા. એ પણવિષ્ણુભાઈની જેમ હતાશા ને છિન્નતાના સમર્થક નથી પણ યુદ્ધોત્તર પરિસ્થિતિના અભ્યાસી છે. ‘ઍબ્સર્ડ’ને તમામ સંદર્ભો સાથે મૂકીઆપવા માટેની વૈચારિક મૂડી ધરાવે છે. એ લખતા હોત તો સભામાં ગેરહાજર સહૃદયો સુધી એમનું વક્તવ્ય પહોંચત. પ્રાચીનકાળમાંવ્યાસ બોલતા અને ગણપતિ લખતા. યશવંતભાઈ બહારથી ગણપતિ છે પણ અંદરથી ‘વ્યાસ’ છે. એ શબ્દના બધા અર્થો ધરાવે છે. તેથી‘કેન્દ્ર અને પરિઘ’ બેઉ વિશે એક સાથે વિચારે. વિચાર્યા પછી બોલતા. વિચારતાં વિચારતાં પણ બોલતા. બોલ્યા પછી વિચારવું પડે એવુંભાગ્યે જ કરતા.

આમ જેમણે પોતાને લેખક બનતાં અટકાવ્યા છે એ યશવંતભાઈ પત્રવ્યવહારમાં બહુ ચોક્કસ. શક્ય છે વિષ્ણુભાઈનો વારસો હોય. વાતચીતનો ગુણ રા. વિ. પાઠકને આભારી હોઈ શકે. પાઠકસાહેબનાં બધાં જ પુસ્તકો એમણે વાંચ્યાં છે, લેખક સાથે ચર્ચ્યાં છે. પાઠકસાહેબ આપણા પ્રથમ કૃતિનિષ્ઠ વિવેચક છે. યશવંતભાઈની પ્રશિષ્ટ છતાં વિશદ ગદ્યશૈલી વિષ્ણુભાઈ અને રા. વિ. પાઠકના દ્વિવિધસંદર્ભે ઘડાઈ હશે. કેટલાક શબ્દપ્રયોગો ધ્યાન ખેંચવાના. ક્યારેક પૂર્વપરિચિત વિચાર બોલીના શબ્દમાં ઝિલાઈને તાજો લાગે તો ક્યારેકનવો વિચાર જૂના સમાસમાં અવતરીને સાર્થક પદ બને, તેથી પદાર્થની જેમ મપાય. વ્યાખ્યાન દરમિયાન એ એકબે અવનવા સમાસો રચે; ‘નિર્ગમે છે’, ‘અંગીકારે છે’ જેવાં ક્રિયાપદો યોજે. અરૂઢ નામધાતુઓ પણ પોતાનું ધનત્વ છોડી એમની પ્રવાહી વાણીમાં લય ધારણ કરે. એકદાપિ કોઈ વાક્ય અધૂરું મૂકી નહીં દે. શિયાળાની સાંજે બંધ ગળાનો કોટ પહેરીને એ બોલતા હોય ને સભા વિશાળ હોય તો એનેપોલિયનની જેમ શોભી ઊઠ્યા હોય એવા પ્રસંગો બન્યા છે. અભ્યાસીઓ જાણે છે કે નેપોલિયન સેનાપતિ હતો, સરમુખત્યાર નહીં. એમોડે સુધી લોકશાહીમાં માનતો હતો, તેથી અહીં ઉપમા–દોષ થતો નથી. આપણા જાહેરજીવનમાં પડેલા જે મુરબ્બીઓ લોકશાહીમાં દૃઢપણેમાને છે એ વહેલામોડા, વધતેઓછે અંશે અમલ પણ કરે છે એવો મારો અનુભવ છે. યશવંતભાઈ સાથે ઉગ્ર મતભેદ પાડી શકાય અથવાએમની સામેની સામાન્ય વાતને ઉગ્ર વિરોધથી કહી શકાય. એ સહી લેતા. પોતાનું વલણ લોકશાહી પદ્ધતિએ સહુ અધ્યાપકોને ગળેઉતારવા એ આચાર્ય તરીકે પ્રયત્ન કરતા. સહુનાં સૂચનો આવકારતા અને એમાં પોતાના મૂળ વિચાર એટલે કે નિર્ણયને રમતો મૂકતા નેતરતો જોઈને સંતોષ પામતા. અધ્યાપકોમાંથી મોટા ભાગના એમના વિદ્યાર્થીઓ હોઈ અદબ જાળવતા. હું એચ.કે.માં ગયો ને મર્યાદાઓતૂટતી જોઈ કટલાક અધ્યાપકોને ચિંતા પણ થઈ દેખીતી જગા ન હોવા છતાં યશવંતભાઈએ મને લીધેલો. તેથી સરેરાશ અડધું કામ કરતાઅધ્યાપકો કરતાં હું લગભગ દોઢું કામ કરતો, પણ ક્યારેક ન કહેવાનું કહીને એમને ગંભીર કરી મૂકતો. પછી ઈશ્વરભાઈ પેટલીકરે મનેકહેલું કે પીતામ્બર પટેલની સ્પષ્ટ ના હોવા છતાં મને એમણે કૉલેજમાં લીધેલો. શક્ય છે રસિકભાઈના અભિપ્રાયને લીધે એમણે જોખમખેડ્યું હોય. નહીં તો 1970થી હું ગામમાં રહેવા ધારતો હતો. અવગુણ જાણવા છતાં મદદ કરનારાઓમાં યશવંતભાઈને આગળ મૂકીશકાય. ઉંમર થતાં એ અને એસ. આર. ભટ્ટ આચાર્ય ન રહ્યા ત્યારે સહુને થતું કે એ હતા તે સારું હતું. એમણે ફરી આચાર્ય તરીકેઅવતરવું જોઈએ. ભલે શિક્ષણ ન સુધરે. આપવા જેવા દાખલા તો જડે.

યશવંતભાઈ પોતે બહુ દાખલા આપીને બોલતા નહીં. એમની સ્મૃતિ બહુ સારી નથી એવો અભિપ્રાય મારા એકલાનો તો છે જ. તેથી‘જૂગજૂનું’ વિશેષણ એમને કેમ આટલું બધું પ્રિય હતું એની નવાઈ લાગે છે. એ વર્તમાનવાદી હોવા છતાં ઇતિહાસનો એમને વિરોધ નહીં. એ ‘ક્રાંતિની પ્રક્રિયાઓ’ સમજે, સમજાવે છતાં કિશોરલાલની સમૂળી ક્રાંતિથી બહુ પ્રભાવિત લાગતા નથી. ‘ઇતિહાસ એ ખાદ્ય નથી, ખાતરછે’ એ વાક્યને એ કાકાસાહેબ કરતાં પણ વધુ આસાનીથી સમજાવી શકતા: ‘ભૂતકાળ માટે જેમ ઇતિહાસ શબ્દ પ્રયોજાય છે તેમભૂતકાળના જ્ઞાનને માટે પણ ઇતિહાસ શબ્દ પ્રયોજાતો આવ્યો છે.’ બે ભિન્ન અર્થોની સેળભેળ ન થઈ જાય માટે એ જરૂરી ચોખવટ કરીનેએમાંથી મુદ્દો કરે છે કે સ્થળ અને કાળના સંદર્ભ બદલાતાં અનુભવનું સ્વરૂપ પણ બદલાય છે અને અનુભવ અને વિચારના આઘાત–પ્રત્યાઘાતને લીધે કાર્યનું સ્વરૂપ અને જીવનનું સ્વરૂપ બદલાય છે. ભૂતકાળનું કયું રૂપ વર્તમાનને પૂરેપૂરું મળતું આવે?

યશવંતભાઈ બદલાતા વિચારોને પોતાની ન બદલાતી ભાષામાં વ્યક્ત કરી શકે છે. વક્તાની ભાષા ઝડપથી ન બદલાય તો જ શૈલી બનીશકે. યશવંતભાઈ એ નિયમને સાચો પાડતા હોય તેમ લોકસમિતિના ઉપક્રમે ગામડા ગામમાં વ્યાખ્યાન કરતી વખતે પોતાની પ્રશિષ્ટવાણીમાં પ્રાપ્ત ધર્મનું પ્રોત્સાહન સમર્થન કરતાં થાકે નહીં.

‘હા, એ થાકતા નથી. ન થાકનારા લેખકો તો ઘણા છે પણ પ્રવાસથી ન થાકનારાઓમાં યશવંતભાઈ પ્રથમ છે. બેઉ આંખે મોતિયો આવ્યોહોય ને દિલ્લીના અંધારામાં કોઈક વાહનની ગતિ નડતાં એ રીતસર પડી ગયા હોય તોપણ એકવાર ઊભા થઈ ગયા કે રાજા! પછીનીક્ષણે એ પૂર્વવત્ ઉત્સાહથી આગળનો પ્રવાસ ખેડવાના. વાતાવરણમાં તંગદિલી હોય કે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે આચાર્ય તરીકેયશવંતભાઈ વધુપડતી કાળજી લેતા. તેથી એ ડરે છે એ માનીને હું ગમ્મત કરતો.’ ‘પાકિસ્તાનવાળા નહેરુપુલ તોડવા બોંબમારો કરવાના જઅને નિશાન તાકવામાં એ કાચા હોવાથી બોંબ એચ. કે. પર પડવાનો.’ આવું સાંભળીને તુરત તો એમને ચિંતા થશે જ એવી શ્રદ્ધાથીબોલવાનો ઉત્સાહ મેં વારંવાર અનુભવ્યો છે. પરંતુ એ પ્રવાસથી ડરે છે એમ તો એમનો કડકમાં કડક ટીકાકાર પણ કહી નહીં શકે. બલ્કેપ્રવાસે જતાં તો એ પાકિસ્તાન પણ પસંદ કરશે. ચીન, અમેરિકા દુશ્મન હતા ત્યારે એ ત્યાં ફરી આવ્યા છે. બંનેના મિત્ર તરીકે પાછાઆવ્યા છે. પ્રવાસમાં એમની તબિયત બગડતી નથી. વિવિધ વાહનોમાં શરીરને મળતી હલનચલનને કારણે એમના બેઠાડુ જીવનને જરૂરીકસરત મળી રહેતી ને તેથી સ્વાસ્થ્ય એકધારું સચવાતું. એમની કાર્યશક્તિ જોઈને એમના નજીકના મિત્રોને પણ આશ્ચર્ય થતું. આ અંગેયશવંતભાઈનો ખુલાસો એટલો જ કે પ્રવાસમાં આરામ મળે છે તેથી કાર્યશક્તિ ટકી રહે છે. આ દલીલ સાથે ભોળાભાઈ સંમત છે. ખરેખરતો યશવંતભાઈ પ્રવાસમાં હોય ત્યારે લીલાબહેનને આરામ મળતો હશે. કેટલા મહેમાનો! યશવંતભાઈને તો અવનવા શ્રોતા મળી રહે પણલીલાબહેને સહુનું આતિથ્ય કરવાનું. ગુજરાતમાં બીજી કોઈ ગૃહિણીએ આટલી વેઠ કરી નહીં હોય અને કરી હશે તો આટલી પ્રસન્નતાથીતો નહીં જ. લીલાબહેન મળ્યાં ન હોત તો યશવંતભાઈ ગુજરાત વ્યાપી સૌહાર્દ કેળવી શક્યા ન હોત. બેઉ અર્થમાં એમને વિશાળ કુટુંબપ્રાપ્ત થયું. આઠ સંતાન. દરેક માટે નર્યો પ્રેમ. પૌત્ર–પૌત્રીઓ માટે એથીય વધુ. સાથે રમે. એ જ બચત ને એ જ મૂડી. કહે છે કે એકેયબાળકને ગુસ્સે થઈને કદી ટપલી પણ મારી નથી. કેટલાક ગાંધીવાદી મિત્રોથી એ આ બાબતે જુદા પડે છે.

યશવંતભાઈને ગાંધીજીની આત્મકથા વિશે ઉમળકાથી બોલતા સાંભળ્યા છે, પણ કોઈએ એમને ગાંધીવાદી કહીને વખાણ્યા કે ઉતારીપાડ્યા નથી એનું એક કારણ એ હશે કે માર્ક્સનો વ્યવસ્થિત અભ્યાસ કરનારાઓમાં એ થોડાક વહેલા જાણીતા થયેલા. હું તો એમ પણમાનું કે માર્ક્સવાદી થવાને એમને કારણ હતું. યુવાવસ્થામાં સમાજવાદી વિચારો સાથે કામ પાડવાનો એમણે પ્રયત્ન કરેલો. એમના નાનાભાઈવિનોદભાઈ તો સામ્યવાદી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા રહેલા છે.

કિશોરાવસ્થામાં જ યશવંતભાઈને માથે ઘરની જવાબદારી આવી પડી. એમણે વિચાર્યું ન હોત તો જવાબદારી હળવી બની ગઈ હોત. બ્રાહ્મણના દીકરાને એ જમાનામાં કથા–પૂજા દ્વારા આવક કરીને જીવવામાં નાનમ ન હતી. બલ્કે હક હતો. પણ યશવંતભાઈએ સંકલ્પ કર્યોકે યાચકવૃત્તિથી જીવવું નથી. ઠરાવ્યું કે દિવાસળીનાં ખોખાં બનાવીને એની મજૂરીમાંથી સહુ ભાંડુઓએ મળીને નિભાવી લેવું. માએઉઠાવેલાં દુ:ખોની વાત કરતાં એ તન્મય થઈ જાય છે. એકવાર કૉલેજના સહકાર્યકરોથી છૂટા પડતાં પણ એમની આંખો ભીની થઈ ગયેલી. લાગણી પણ યશવંતભાઈના વ્યક્તિત્વનો ભાગ છે એ એમના જાહેર વ્યક્તિત્વથી પરિચિત વ્યક્તિઓને તુરત ગળે નહીં ઊતરે. પણ આવિગત ન નોંધીએ તો ખંડદર્શન થાય. એમ તો એમણે થોડીક વાર્તાઓ પણ લખેલી. પ્રવાસમાં ક્યારેક પ્રકૃતિનું સૌંદર્ય એવું માણ્યું છે કેએની વાત કર્યા વિના રહ્યા નથી છતાં એમને ભાવોદ્રેકના માણસ કહેતાં મને લાભશંકરની બીક રહે છે.

શિક્ષણ અને પ્રજાજીવનના પ્રશ્નોમાં સક્રિય થવાની ક્ષણે યશવંતભાઈએ વિચાર, વ્યક્તિ કે જૂથનો પક્ષ લેવાના પ્રસંગો ઊભા થયેલા છે. એમાંથી ક્યારેક એવી ગેરસમજ પણ થઈ હશે અથવા ઊભી કરવામાં આવી હશે કે વિચારને એ જરૂર પ્રમાણે વળાંક આપી શકે છે. સંજોગે કરીને જે કહેવાનું પ્રાપ્ત થયું હોય એને માટે સમર્થનો શોધી શકે છે જેમ કે ચર્ચાસભામાં પક્ષ કે વિપક્ષે ઊભા રહીને બોલવાનીફરજ બજાવવી. જે વિચારક હોય એ પોતાના પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ યોજી, વિશ્લેષણ કરી, અનેકાન્તની પ્રક્રિયામાંથી પસાર થઈ નિષ્કર્ષસુધી પહોંચે. યશવંતભાઈ વિચારક હોવા ઉપરાંત વક્તા પણ ખરા, જેમની માગ યુવાનોની દરેક પેઢીમાં રહી હોય તેવા વક્તા. ત્યાં એપ્રસંગ સાચવી લે. શ્રોતાઓની લાગણીને માન આપીને સવાઈ સત્યનો આશ્રય લે પરંતુ એ જ મુદ્દા વિશે પછી લખે ત્યારે વિચારક તરીકેનાપોતાના મૂળ સત્ત્વની લક્ષ્મણરેખા પાળે. ત્યારે એમના કથ્યના મર્મને એમની તર્કશક્તિ કાચબાની પીઠનું રક્ષણ પૂરું પાડે. તેથી તો અનેકપ્રહારો સહીને એ મંદ છતાં મક્કમ ગતિએ, ચરાચર જગતમાં આગળ વધતા રહેતા. યુગચેતનાના સંદર્ભમાં શબ્દરૂપે સ્વરૂપને વાચાઆપતા રહેતા. એમના અનેક વક્તવ્યોને નિબંધનું સ્વરૂપ સાંપડ્યું છે કેમ કે એ પોતાના કથ્યને અગાઉથી જાણતા અને સમયની શિસ્તપાળતા. હવે ગ્રંથસ્થ થનાર એમના નિબંધો એમની આ વિચારગતિનું નિદર્શન બની રહેશે. યશવંતભાઈ જરૂર ઊભી થતાં સહેજે ક્ષોભવિના અંગ્રેજીમાં અવિરત બોલી શકે અને ગુજરાતી ભાષાના એ સમર્થ વક્તા એ લગભગ સર્વસ્વીકૃત હકીકત છે. પણ એ કૃષ્ણમૂર્તિનીદૃષ્ટાંત કે વાગ્મિતા વિનાની સૂત્રાત્મક કે રજનીશજીની દૃષ્ટાંતપ્રધાન શૈલીથી જુદી કથનરીતિ ઉપજાવી શક્યા છે. એનાં મૂળ મણિલાલનભુભાઈ કે આનંદશંકર ધ્રુવનાં લખાણોમાં શોધવા જતાં શક્ય છે કે માત્ર શબ્દપ્રયોગોનું સામ્ય જડે. પરંપરાગત સૌંદર્યદૃષ્ટિ એમના આકુળના ગદ્યકારોમાંથી મળી હશે. સમકાલીનોમાંથી ઉમાશંકર અને જયંતિ દલાલ કરતાં એ ઘણા જુદા પડે. બોલવા કરતાં લખવાનું વધુપસંદ કરતા અને દરેક હારને હરાવીને કલમના ટેકે આગળ વધતા શ્રી ભોગીલાલ ગાંધી મોટા અભ્યાસી. આધારો સાથે જ વાત કરે. લોકશાહી માટેની એમની જેહાદને શબ્દાન્તરે શહાદત પણ કહી શકાય. એમની જેમ યશવંતભાઈ પણ માર્ક્સમાંથી શીખવા જોગું શીખ્યા. પણ સામ્યવાદના વિરોધમાં એ એટલા તીખા બનતા નથી. કારણમાં તટસ્થતા છતાં એથી એક ગેરલાભ થયો છે. 1956ના અરસામાં ને તેપછી પણ મગનભાઈ દેસાઈ આદિ ગાંધી વિચારના ખમતીધર ઇજારદારોએ યશવંતભાઈને સામ્યવાદી કહીને અનેકવાર ઉતારી પાડવાપ્રયત્ન કરેલો. પરંતુ યશવંતભાઈ પોતાનાં લખાણોમાં સમાનતા અને સ્વતંત્રતા પર સતત ભાર મૂકતા આવ્યા. બર્નાડ શોની જેમ એલોકશાહી અને સમાજવાદને પરસ્પર વિરોધી વસ્તુ નહોતા માનતા. પાશ્ચાત્ય વિચારકોમાંથી રસેલ અને વધુ અધિકૃત લાગ્યા છે. રસેલપાસેથી એમને ઘણું મળ્યું છે. કદાચ સઘન અને ઓજસ્વી ગદ્ય પણ. એ સામ્યવાદી થયા હોત તો આપણા શિક્ષણ અને સમાજજીવનનેલાભ થયો હોત કે નુકસાન એ તો માત્ર ધારણાનો વિષય રહી ગયો. પણ વિચારના ભોગે ભૌતિક સુખનું સમર્થન કરવા કોઈ બુદ્ધિજીવીપ્રેરાય એવી પરિસ્થિતિ છેલ્લી અડધી સદીના ગુજરાતે ઊભી કરી નથી. અલબત્ત, એમને ખાતરી કે રાજ્યસંસ્થાની પવિત્રતાનો ભાવઓસરતો જવાનો છે અને લોકો સમાનતા સ્થાપીને જ જંપવાના છે. છતાં ‘સત્તા’ની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે:

‘ક્રાન્તિ સમયે હથેલીમાં ચાંદ બતાવવામાં આવ્યો હોય તે શાંતિ સમયે પોતાનો શીળો પ્રકાશ પાથરશે એવી ભોળી શ્રદ્ધા રસેલમાં નથી. માર્ક્સની આ પ્રકારની ગણતરીઓ ખોટી પડી છે તેનું કારણ રસેલને મતે એ છે કે મનુષ્ય વ્યક્તિઓની સ્વાતંત્ર્યની અભીપ્સાઓ અનેસત્તાજૂથોનાં પ્રવર્તનોની માનસશાસ્ત્રીય ભૂમિકાઓ માર્ક્સની નજર બહાર રહી ગઈ હતી.’

એમણે ઇબ્સન, મેકિયાવેલી અને રસેલના અનુવાદો કર્યા છે એ ઘટનાઓનું અહીં સ્મરણ થાય છે. શ્રી રસિકલાલ પરીખને પડખે રહીએમણે ઇતિહાસ, સંસ્કૃતિ, રાજનીતિ, નાટ્યશાસ્ત્ર, પત્રકારત્વ જેવા વિષયો ગુજરાતીમાં ખેડાય એ માટે રસ લીધો, પહેલ કરી, પીછેહઠપણ સ્વીકારી. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાહિત્યને લોકો સુધી પહોંચાડવા સંમેલનો અને જ્ઞાનસત્રો દ્વારા પ્રયત્ન કર્યો. એ માટેસાહિત્યની વ્યાખ્યા હળવી કરી ધોરણોમાં બાંધછોડ કર્યા વિના. પરંતુ બધા જ સર્જકો પરિષદના સભ્ય બને એ માટે એમણે સભાનતાથીનમ્ર પ્રયાસ કર્યો હોત તો લોકશાહી પદ્ધતિએ મુનશીનો ચઢિયાતો વિકલ્પ એ પુરવાર થઈ શક્યા હોત. પરિષદના વહીવટ પાછળ એમણેજે સમય આપ્યો, ઘસારો વેઠ્યો એની યોગ્ય કદર કરવા ઘણા પ્રેરાયા હોત. જોકે મોટા ભાગના સર્જકો સંસ્થાઓ પ્રત્યે સૂગ ધરાવતા હોયછે, આત્મનિષ્ઠ હોય છે. તેથી કોઈકના સેવાભાવને ઇજારાનો પ્રપંચ કહી સંતોષ માનતા હોય છે.

હું ગીતાના કર્મયોગી અર્થઘટનમાં માનું છું. પરંતુ લેખક માટે જેટલું પ્રવૃત્તિમાર્ગનું તેટલું જ નિવૃત્તિમાર્ગનું મહત્ત્વ સ્વીકારું છું. તેથી અહીંકહેવા પ્રેરાઉં છું કે યશવંતભાઈના ગજાના એકેય ગદ્યકારે આવડી મોટી જંજાળ પાળી–પોષી નથી. નિવૃત્ત થયા પછી એમણે વિદ્યાસભાનીવધુ મોટી જવાબદારીઓ ઉપાડી. એમણે નિરાંતે લખવું જોઈતું હતું ત્યારેય એમણે સહીઓ કરવાનું ચાલુ રાખ્યું. મને ઘણીવાર લાગ્યું છે કેયશવંતભાઈ પોતાની શક્તિઓનો અનાદર કરી, લેખક તરીકેની જવાબદારી પૂરેપૂરી અદા ન કરીને, સૂક્ષ્મ રીતે લોકશાહી સમાજવાદનીભાવનાનો ભંગ કરે છે.

પોતાના શ્રોતાનું–વાચકનું માનસ એ જાણે છે પણ એને શું કહેવું એ પોતે નક્કી કરતા, એ એક સારી વાત છે. હા, એ બેપાંચ વાતોવાગોળ્યા કરતા હોય તો એનો મહિમા કરવાને કારણ ન હતું. ‘જીવતર મહીં થોડું જીવી ઘણું ન બગાડવું’ એ કાવ્યપંક્તિને પુરસ્કારતાંએમણે કહેલું છે કે થોડાંક સૂત્રોને આધારે જીવન તરી જઈ શકાતું નથી. કેમ? તો કહે:

‘જીવન પોતે એવું સંકુલ છે અને વ્યક્તિત્વના અકળ અંશો એવા દુર્દમ્ય અને નિર્ણાયક હોય છે કે ભોજરાજાને સવા લાખ સોનામહોરઆપી દેવી. ગમે એવી કવિતા પંક્તિઓમાં પુરાયેલાં બોધવચનો સુદ્ધાં જીવનને નિયમી શકતાં નથી.’

સદાસર્વદા વ્યસ્ત લાગતા યશવંતભાઈમાં સંકુલતાની આ સમજ ક્યાંથી આવી? ભારતીય સમાજના એ અભ્યાસી અને સમાજ સંસ્કૃતિનેધારણ કરી રક્ષી શકે એ માટે કયાં ચૈતસિક સંચલનો જરૂરી છે એ સમજતા. અહીંની વર્ણવ્યવસ્થામાં માત્ર પ્રકારભેદ હોત, મહત્ત્વભેદ નહોત તો એમને વાંધો ન હોત. આપણા બદલાતા સમાજમાં બ્રાહ્મણ હોવાના લાભ તો ઘણા લેખકોએ જતા કર્યા છે. પણ યશવંતભાઈએ તોકેટલાંક ગૃહીતોમાંથી પણ મુક્તિ મેળવી હતી. જે સુખદુ:ખાત્મક જગત ઈશ્વરદત્ત મનાતું આવ્યું એને સમાજની રચના દ્વારા, વ્યક્તિસમષ્ટિના પુરુષાર્થ દ્વારા શક્ય બનાવવા એમણે વિચાર્યું એ એમની પહેલ લેખાશે. વ્યાપક જીવનસાધનાને સાહસ સાથે જોડતાં એ લખે છે:

‘માણસે જે જ્ઞાનવિજ્ઞાનો ખીલવ્યાં છે, જે સંસ્કૃતિ વિકસાવી છે તેની પાછળ અપરિચિત વિશેની જિજ્ઞાસાથી પ્રેરાઈને તેણે કરેલી અનેકાનેકસાહસયાત્રાઓ પડેલી છે. આ સાહસવીરોએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં અકુતોભયસંચાર કરીને ઓછા સાહસિકોને અપરિચિતનો આનંદલણવા ઇશારતો કરેલી છે. કોઈએ ધર્મનાં, કોઈએ જ્ઞાનવિજ્ઞાનનાં, કોઈએ અધ્યાત્મનાં, કોઈએ ભૂગોળ અને ખગોળનાં તો કોઈએ વિવિધમાનવવ્યવહારોનાં ક્ષેત્રોમાં ઘા ખમવાની શરતે માર્ગો ફંટાવ્યા છે.’

અહીં ‘અકુતોભય–સંચાર’ જેવા સમાસો સાથે ‘આનંદ લણવા ઇશારતો કરેલી છે’ જેવી બોલચાલની ભાષામાંથી સર્જાયેલો લાક્ષણિકવાક્યખંડ ધ્યાન ખેંચે છે.

‘આત્મૌપમ્યની તાલીમ’ નામના જીવદયા વિશેના વ્યાખ્યાનમાં યુદ્ધવિરોધના પરિચિત ખ્યાલને એમણે પોતાની ગદ્યશક્તિથી કેવી પ્રભાવકતાજગી બક્ષી છે:

‘બે વિશ્વયુદ્ધો પછી પણ માનવ જગત વશેકવશે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ગતિ કરી રહ્યું છે. કોઈને એ ખપતું નથી અને છતાં એની પ્રક્રિયાનેકોઈ રોકી શકતું નથી. ક્યારેક કોરિયામાં, ક્યારેક ક્યૂબામાં, ક્યારેક વિયેતનામમાં એમ જગતના કોઈ ને કોઈ ખૂણામાં એની રિયાઝ ચાલુજ રહી છે. ઝઘડાળુ તત્ત્વો એનો વેગ વધારવાની મોકળાશ શોધે છે અને પોતે સલામત રહીને સામાનો સંહાર કેવી રીતે કરવો તેનો વેતઉતારવા મથે છે… ઝઘડતાં પરિબળો કતરાતી આંખે એકબીજાની વ્યૂહરચનાનો તાગ લે છે અને પોતાનો પેંતરો વિકસાવે છે. સર્વનાશનોભય છે એ જ એક માત્ર બ્રેક છે. લાખ્ખો વર્ષો દરમિયાન જતનથી વિકસાવેલી માનવસંસ્કૃતિ પલકમાં અદૃશ્ય થઈ જાય એ શક્યતાએમનુષ્યને વિચારતો કરી મૂક્યો છે પણ હજુ એમાંથી વ્યાપક કરુણા અને વ્યાપક મૈત્રી પ્રગટી નથી. માનવપ્રશ્નોને ભયની પ્રયોગશાળામાંઉકેલવાની મથામણ ચાલી રહી છે.’

એક બાજુ ‘પ્રક્રિયાઓ’, ‘વ્યૂહરચનાઓ’, ‘સર્વનાશ’, ‘માનવસંસ્કૃતિ’, ‘કરુણા અને વ્યાપક મૈત્રી’, ‘ભયની પ્રયોગશાળા’ જેવી સંસ્કૃતપદાવલિ અને બીજી બાજુ ‘વશેકવશે’, ‘રિયાઝ’, ‘મોકળાશ’, ‘સલામત’, ‘પેંતરો’, ‘બ્રેક’, ‘જતન’ જેવા વિવિધ કુળના છતાં બોલચાલમાંવપરાતા શબ્દોનો સહજ સંકર રચીને એ પોતાની ભાષામાં કશીક ત્રીજી શક્તિ પ્રગટાવે છે. યશવંતભાઈ પોતાની આ ક્ષમતાનો તાગકાઢવા બેશે તો ગુજરાતી ગદ્યનું ગૌરવ વધ્યું જ હોત. એ વિના એમની મુક્તિ નથી. રોલાં વિશે એમણે કહ્યું છે કે હોવામાંથી થવું, નિત્યવિકસવું, એ જ એમનો મોક્ષ હતો. યશવંતભાઈને હું ઓળખતો હોઉં તો કહું કે એ સંપ્રદાયમુક્ત, પ્રવૃત્તિમાર્ગી આસ્તિક હતા. કારકિર્દીનાંપાછલાં વરસોમાં એમણે કૉલેજમાં પ્રાર્થના શરૂ કરાવેલી. એ શબ્દ ભલે માગવાનો અર્થ સૂચવતો હોય પણ એમને મન તો પ્રાર્થના કરવીએટલે વૈયક્તિક અસ્તિત્વનું વિશ્વના અસ્તિત્વ સાથે અનુસંધાન શોધવા શાંત થવું. આ ક્રિયામાં એમને શબ્દદેવતા વધુ ને વધુ સહાયકથાઓ એવી પ્રાર્થના!