સુમન શાહની વાર્તાસૃષ્ટિ/ઘર

Revision as of 11:06, 21 April 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઘર


ઘરને બારી–બારણેથી મેઇનડોરથી બધેથી લૉક્ડ કરી એટલે કે સર્વ ઠેકાણેથી સાવ જ બંધ કરી ત્રણ–ચાર દિવસ માટે બ્હારગામ ચાલી જવાનું વર્ષમાં એને એકાદી વાર તો બને જ.

ઘર, પછી ટ્રેનમાં યાદ આવે : મુશ્કેટાટ બાંધેલા કોઈ વિરાટકાય શબ જેવું. ઠસોઠસ સામાનથી પૅક્ડ એવી પરગામ જતી કોઈ મોટી ટ્રક જેવું.

મુસાફરી એ હમેશાં ટ્રેનમાં જ કરવી પસંદ કરે. સડસડાટ દોડતી ટ્રેને બારી પાસે વાળ એના સર્સર્ સર્સર્ ઊડતા હોય. હાથમાં છાપું વંચાતું હોય. મનમાં જોકે એના એક સવાલ ધીમી ઊઠ–બેસ કરતો હોય: થતું શું હશે, મારી પાછળ મારા આ ઘરને…? યાદ કરતું હશે મને મારી જૅમ…?

પોતાની ગેરહાજરી ઘરને સતાવતી હશે –એમ માનવાને પછી એ મથે. ઘરનો બધો અસબાબ ચૂપ જણાય, ઉદાસ. એને થાય, આ ઘરનું બચારાનું મારા પછી આમ તો કોણ છે…?

પછી એના મનમાં થોડું જુદું થાય: એવું ન બને કે મારા નીકળી ગયા પછી ઘરને વધારે સારું લાગવા માંડ્યું હોય? મારી ગેરહાજરી ખરી; પણ ઘરને તો, દુર્લભ એવું પોતાનું એકાન્ત નહીં? ભોગવવા જેવું?

છેવટે એને થાય છે કે પોતાની પાછળ ઘરને અને ઘરની વસ્તુ માત્રને સાચે જ બહુ મજા પડી જતી હશે. એને થાય, ગૅલમાં આવી જઈને બધી દીવાલો ઘોકલે વળી જતી હશે. એને થાય, બધું ફર્નિચર લૂંટનો માલ વ્હૅંચી લેવાને તલપાપડ ટોળે વળ્યું હશે. આમ તો એને થાય કે પોતાની ગેરહાજરીને કારણે બધો સામાન વધારે મૂંગો ને હોય છે તેથી વધારે રહસ્યમય લાગતો હોવો જોઇએ. પણ એને લાગે છે કે એવું ન પણ બને: કદાચ બધાં જનરલ મીટિન્ગ જેવું કરે, ને સંભવ છે કે કેટલાક ઠરાવો એની વિરુદ્ધના ઠરાવાય/ બને, કે કોઈ કોઈને તો એની વિરુદ્ધ કાવતરું કરવાની જે જૂની દબાવી રાખેલી મંછા હોય તે ત્યારે બહુ પીડે –ને એમ એને લાગે કે એનું કાટલું કરવાનો પ્લાન પણ બનાવાય.. જોકે, જાતને એ ક્હૅ છે કે: મારા ઘરનું વાતાવરણ એટલું બધું ખરાબ નથી: છતાં, શંકા તો એને થાય જ —શંકા કદાચ અતિ સ્નેહને લીધે પણ હોય…

ઘરમાં બંધ એ બધાં એને બહુ યાદ આવે છે. છાપું વાળી લઈ થોડી વાર માટે એ બારી બ્હાર જોયા કરે છે –ટ્રેન સન્ન્ન્ સન્ન્ન્ દોડ્યે જાય છે. પછી પેલાંઓને સારી એવી લાગણીથી યાદ કરવાને એ આંખો મીંચી દે છે.

સૌ પહેલું, ફ્રિજ દેખાય છે: એક પગે ઊભેલા હઠયોગી જેવું. ટીવી પર નજર પડે છે: પલાંઠો લગાવી બેઠેલા કોઈ દુરારાધ્ય મુનિ જેવું –આખા શરીરે એણે ભભૂત લગાવેલી હોય. બાપ અને બાપના બે મોટા દીકરા જેવા ત્રણેય સોફા, સુસ્ત દીસે છે —બપોરના બ્રેકમાં આરામને ફંફોસતા વર્કરો જેવા લાગે, એક મેઇન ને બીજા બે આસિસ્ટન્ટ. એને થાય કે એમની એ જીવનવ્યવસ્થા આમ તો દુ:ખપ્રેરક છે – જીવનભર બેઠા જ ર્હૅવાનું ને? કોઇને, ગમે એ લાગે, ભલે લાગે. મેઇન તો પાછો આપવડાઈ પણ હાંકે: હું તો સૌની બેઠકે ય છું ને જરૂર પડ્યે કો’કની પથારી ય છું…! ચાકરના જેવી, ગુલામના જેવી માનસિકતાની હદ નહીં તો બીજું શું?

જેમ–જેમ વિચારો પાંગરે તેમ–તેમ એને થાય  કે અહોહોહો કેટલી બધી વસ્તી છે મારા ઘરમાં –મારાં જ પોતાનાંઓની–! માટલું ઍક્વાગાર્ડ ખીંટીઓ કૅલેન્ડરો મિક્સી ઘરઘંટી ફૅન ફોટા લૅમ્પશેડ થાળી–વાટકા ચમચા–ચમચી સાણસી-વેલણ તવેથા ગળણી ચારણી શૂ-રેક– બૂક–રેક વૉર્ડરૉબ પલંગ ગાદલાં ઉશિકાં ખુરશીઓ વૉશિન્ગ–મશીન ડાઇનિન્ગ–ટેબલ પુસ્તકો કપડાં દાગીના ફ્લાવરવાઝ ટિપોઇઓ નળ નળની ચકલીઓ બારી–બારણાં બારી–બારણાંના નોબ તાળાં ને અહાહા સેંકડો કૂંચીઓ, ચાવીઓ, કિઝ– એમનાં તો જાણે ખૂણે ખૂણે દર!

એને થાય છે, ગણતાં સાચે જ થાકી જવાય એવી મોટી છે આ યાદી. એને થાય છે, એ દરેકને પોતે બજારમાંથી લાવેલો –પોતે જ લાવેલો. દરેક જોડે તે દિવસે –પહેલા દિવસે– પ્રગટેલો કેવો તો અનુરાગ, કેવી તો ચાહના, કેવી તો મોહિની! અંદરથી ચૂંથાઇ જવાય એટલી બધી લગન ને એટલા બધા અરમાન હતા પહેલે દિવસે. એને થાય છે કે એ દરેકની એ જો વારતા જો ક્હૅવા બેસે ને, તો સવાર પડી જાય… દરેકની જોડેની એ પ્રેમકથા ક્હૅવા જો માંડે ને, તો અઠવાડિયું વીતી જાય…મહિનાઓ…ઋતુઓ થઈ જાય.. વળી એક ડર એને એવો પણ છે કે એમની વાતો કરવા જતાં શી ખબર પોતે કદાચ પોતાની વાતો કરવા જ મંડી પડે…!

એટલે પોતાની ગેરહાજરીમાં બંધ ઘરમાં એ બધાં કેવા લાગે છે ને શું કરે છે એવું જ બસ વિચારવું એને હિતાવહ લાગે છે.

એ ક્હૅ છે:

જુઓ માટલું –લાગે છે શાન્ત. બંધ ઘરમાં એ પોતાને કશું એકાન્તવાસી જળાશય ગણવા લાગ્યું છે. અથવા વનમાંનો પોતાને એ કશો પ્ર–શાન્ત કૂવો માનવા લાગ્યું છે. જોકે ઍક્વાગાર્ડ જોડેનો એવો એનો રોજિદો સમ્બન્ધ કપાઈ ગયો છે, ને તેથી સંભવ છે કે એ પોતાને નિતાન્ત પર્યાવરણવાદી ય લેખવા માંડ્યું હોય.

એને થાય છે, સમ્બન્ધો કપાઈ ગયા પછીની નિર્લજ્જ સ્વાયત્તતાનો, એવો કૅફ ન ચડે તો જ નવાઇ!

આ ટેલિફોન–? પાળેલા કૂતરાને ‘સ્ટૉપ’ કહી બેસાડી દીધો ન હોય…એવો લાગે છે. જોકે બબડી, ના, કકળી ઊઠે છે આંતરે આંતરે. બોલાતું નથી તે મૂંગા-મૂંગા જેવો અંદરથી સમસમતો જણાય છે. જોકે એની એવી અન્તર–અકળામણ બીજે છેડેથી સામાવાળો તો પામી લેતો હશે.

એને થાય છે, વેદના, મૂંગા–મોઢે સહી લેનારાને સમજનારા આમે ય મળી જ ર્હૅ છે ને?

આ ભગવાન –ઘરના ઠાકોરજી– એને લાગે છે કે બિલકુલ મ્હૉડું ચઢાવીને બેઠા છે. રોજ તો પોતે એમને નવરાવે-ધોવરાવે, પૂજાપાઠ ને તુલસી–મિસરીના નૈવેદ્ય ધરાવે –પણ, એને યાદ આવે છે, આજે વ્હૅલી પરોઢે ટ્રેન પકડવાની’તી તે એમનાં લાલન–પાલન રહી ગયાં –હા, બિલકુલ જ રહી ગયાં! તે એટલે ફૂંગરાયા છે. રોજેરોજ મારી ખુશામત જ ખુશામત ખાધ્યે રાખવાની એમને ટેવ જે પડી છે તે એમનું બીજું થાય પણ શું? અરે ભાઈ, કોઈવાર કોઈ આપણો ભાવ નયે પૂછે; કોઈ દા’ડો, કેમ છો? મજામાં? નયે કરે. અને કાયમથી, દરેક વાતમાં, મારી જ ભૂલચૂક જોવાને બદલે જુઓ ને તમારી! કરો ને, આવી તક મળી છે તો જાતતપાસ!

એ સમસમતો ગુસ્સે થઈ જાય છે: તમને ભગવાન, આ જે આદત પડી ગઈ છે ને રોજ સવારે બીજાઓને નમાવવાની, કુટેવ પડી ગઈ છે ને સામાને નાનો બનાવવાની, ઓછો ગણવાની, તેનો જરા તો વિચાર કરો. જ્યારે મળો છો સામા ત્યારે મારા એક લંબૂસ કુલિગની માફક થોડું ઊંચું જ રાખો છો તમારું ઠૉડું! –મગરૂરીમાં! મારી જોડે આંખ મેળવતાં ય જોર પડે છે તમને! એ બધી પ્રભુશાહીનો જરા તો વિચાર કરો. જરા તો ઉધડો લો જાતનો.

પણ જાડી ચામડીના ય નહીં, એવાએ તો ધાતુના છે, પથરા જેવા નક્કર, પહેલેથી, તે સાંભળવાના શું આ બધી મારી અકળામણ?

એને થાય છે, આ જે ત્રણ–ચાર દા’ડા એઓ અપૂજ ર્હૅવાના તે ય જાણે એમને માટે ઓછી સજા છે. એને થાય છે, પોતે ઘેર પાછો ફરશે પછીયે એમની સામેનો પોતાનો રોષ શમશે નહીં. એને થાય છે, ભલે સડ્યા કરે એકલા. એમને ય ખબર પડે એકલતા શું ચીજ છે, ને એકલતાને વૅંઢારવનો કંટાળો કેવી તો ક્રૂર મજાક છે.

એને એકાએક થાય છે, બેડરૂમમાં કંઈ થયું. એ નજર દોડાવે છે તો બોલચાલ સંભળાય છે. અવાજ પણ અજાણ્યા છે. એને થાય છે, આમે ય બેડરૂમમાં અજાણ્યા અવાજોની બોલાશ સંભળાતી હોય તે લક્ષણ સારું તો નહીં જ વળી! –આ સંસારમાં એકમાત્ર અંગત ઠેકાણું છે એ! કોણ ઘુસ્યું હશે? ગૂસપૂસમાં સ્ત્રી–અવાજ પણ ભળાય છે. એને તરત સમજાય છે, ઓઓહ્! આ તો વૉર્ડરૉબનાં કપડાં! કપડાં વાતોએ વળગ્યાં છે.

તે દિ’ ન જોયું, સાએબ કેવા તો તતડ્યા’તા બેન પર?

જોકે મને તો બેનબા જ બહુ ગમે છે.

જરા ધ્યાન ધરતાં સમજાયું એને કે એનું શર્ટ સાડી જોડે વાતોએ વળગેલું. એને લાગે છે પેલું એનું વ્હાઇટ ઑક્સફર્ડ શર્ટ જ હોવું જોઈએ —કૉલરનાં બટનથી બંધ એ બિલકુલ એને એના જેવું જણાય છે. એને થાય છે, એટલે તો એ એનો પક્ષ લે છે! જોકે એને યાદ આવે છે: બેનને ગમાડનારી બેનની કોઈ સાડી હોવી જોઈએ –કોઈપણ ઘણીબધીમાંની કોઈપણ હોવી જોઈએ.

કેટલી કાળજી લે છે અમારી, અવારનવાર નવરાવે–ધોવરાવે, તડકો ખવરાવે…ઇસ્ત્રીની પાછી વધારાની હૂંફ, કોઈ વાર તો ‘ડ્રાય’ની મજા–મુસાફરી ય કરાવે.

ના–ના, એ તો સાવ નકામી છે –વારે વારે ધણીને તું–તાં કરી હલકો પાડે છે –વાતે વાતે વ્હૅંત ઊંચા ર્હૅવાની કુટેવ છે એને.

એણે જોયું તો, કોઈ જૂની દેશી બનારસી બોલતી’તી.

ખરી વાત છે તમારી –અમને તો એનો જરાય સારો અનુભવ નથી; વારે વારે ઇસ્ત્રી ચાંપી–ચાંપીને મારા તો ખભા ઘસવી દીધા છે.

એણે જોયું કે કોઈક બ્લાઉઝ બોલતું’તું.

સાચી વાત છે એની, અમે તો થાકી ગયાં છીએ તમારાં એ બેનબાથી.

ઍણે જોયું કે બીજાં બે–ત્રણ બ્લાઉઝ સામટાં બોલ્યાં…

પોતાના જ બેડરૂમમાં ડોકિયું કરતાં એને જરા અડવું લાગ્યું: થયું, આ અમારો જ બેડરૂમ છે? પછી એને થયું, શું પોતે એ જ છે જે રોજ હોય છે?

વૉર્ડરૉબમાં છેલ્લી નજર કરી પાછાં વળતાં એને દેખાયું કે કેટલીક બ્રા રિક્તતાગ્રસ્ત ને તેથી શિયાંવિયાં આધુનિકા જેવી જણાતી’તી. હૅન્ડ્કર્ચિફ લાઇનમાં ઊભેલી ટાઇઓને તાકતા પડ્યા’તા –કશી ચિર આશામાં તડપતા હૉસ્ટેલ–બોય્ઝ ન હોય! શર્ટના વડીલ જેવા કોટ હાથ લબડાવી ઊભા’તા –જાણે વડીલ હોવું તે આ દિવસોમાં કશી તીવ્ર લાચારી જ ન હોય! હૅન્ગરે લટકતાં ટી–શર્ટ ધડ જેવાં –કોઈને માથાં જ ન’તાં! એને થયું: ઘણીવાર એની પોતાની હાલત ટી–શર્ટ જેવી ન–શિર હોય છે; ને તો ય, ઊભો તો હોય જ છે. લબડતો.

એની આંખો ખૂલી જાય છે –કેમકે, કશું સ્ટેશન આવ્યું હોય છે. એને થાય છે, ઘર તો ક્યાં પડ્યું છે દૂર ખૂણે એકલું, ને આ લોક–સંસાર કેવો તો મચ્યો છે ઘારી-ખમણ–વડાં-ગોટાની અફડાતફડીમાં, ચા–કૉફી–કોક–પેપ્સીની રીડિયારેડમાં…એને થાય છે હડિયાદડી કાગારોળ ધમાચકડી જેવા શબ્દો અંદરથી ઊકલે છે –પેલાં કોઈ જંગલી ફૂલોની જેમ. એને કાનમાં ક્હૅ છે —દિવસના અમુક વાગે જંગલનાં એ ફૂલ ઊઘડે છે. એમની પાંખડીઓ પોતે તો કશો પણ અવાજ કર્યા વિના ખૂલે છે. પરન્તુ એમના એવા ઉઘાડથી જંગલમાં ઘેરો હાહાકાર મચી જાય છે, ને હાહાકાર, પછી પર્વતોમાં પડઘાતો–પડઘાતો સાંજ–રાત થઈ સૂઈ જાય છે.

એને થાય છે પોતાનો કશો મેળ નથી ચોગરદમ ફેલાયેલા સ્ટેશન જોડે. પોતે જુદો છે. કચવાઇને એ બબડે છે જેવો છું તેવો મારા ઘરના મેળમાં છું. પછી એને ઍમ પણ થાય છે કે શું કામ નીકળ્યો છું ઘર છોડીને…? જવાબ ન મળે કેમકે ટ્રેન ચાલુ થઈ ગઈ હોય, પ્હૉંચવાના મુકામે દોડતી થઈ ગઈ હોય.

થોડા દિવસો પછી એ પાછો ફરતો’તો ત્યારે ઘર એને વધારે યાદ આવતું’તુંને શબ જેવું ન્હૉતું લાગતું – જ્યાં હતું ત્યાં ડોલતું–ઝૂમતું લાગતું’તું –જાણે ચિરકાળથી ઊભેલું કોઈ નામ વગરનું વૃક્ષ લાગતું’તું.

એ પછી એને થયું, રોજ સવારે પેલું સૅટ–ઍલાર્મ તો રણક્યું જ હશે, પાંચ–પાંત્રીસે. બધાં ટેવ મુજબ જાગી ગયાં હશે. ગૅસે બગાસું ખાધું હશે, પણ એને કોઈએ ચા બનાવીને ધરવાનું નહીં કર્યું હોય. સવારની સૂની તળાવડી જેવું વૉશબેસિન રાહ જોતું બેઠ્યું રહ્યું હશે. બાથરૂમ બગડવાને ચોખ્ખા, ને કમોડ પણ. નૅપ્કિને ય. એને થયું, એમના સૌના અછૂતોદ્ધારનું એના વિના કોણ વિચારે? ને પેલું ટુથબ્રશ? મૉંમાં ઘૂસવાને અધીર પડી રહ્યું હશે –ટૂથપેસ્ટ બહાર નીકળી છૂટવાને તલપાપડ, છેવટે કરમાઈ ગઈ હશે. વધારામાં એને થાય છે, કેટલીક વસ્તુઓનું નસીબ જ એવું હોય છે.

એ ઘેર પ્હૉંચ્યો ત્યારે વ્હૅલી સવાર. ત્રણ–ચાર દિવસનાં છાપાં એકમેક પર ઢળેલાં, થાકેલા મુસાફર જેવાં. એણે એમને બાથ ભરી તેડી લીધાં કે તરત, એમની નિરાશ્રિતતા કૉચલાની જેમ ખરી પડી. ચાવીઓએ કળપૂર્વક લૉક, આગળા, નકુચાને વફાદારીમુક્ત કર્યા. મેઇનડોરે ખૂલીને એને અંદર લીધો, બરાબર તે જ પળે એ પોતાને ચિરપરિચિત એવી પોતાની, માત્ર પોતાની, હવાના આગારમાં જાણે ખાબક્યો. એને થયું કે એની પાછળ મબલખ ઉત્સાહનો ધબૂક્યો તડકો. ક્ષણેક પછી સમતુલા સાચવી એ સ્થિર ઊભો ત્યારે એને થયું, પોતે પુનરુત્થ છે –જાણે નવો –તાજો –નવજન્મીલો…

વૉલ–ક્લૉકની કાંટાળી નિયતતા પર એની નજર પડી. એથી ટિક્ટિક ટિફટિક્નું એનું જીવલેણ સાતત્ય એટલી વાર માટે તો જાણે તૂટ્યું જ. એને થયું, સારું લાગી રહ્યું છે પોતાને એવી દૃષ્ટોદૃષ્ટથી…

એને થયું, એના પુનરાગમનથી ઘરનાં બધાં જાણે હસું–હસું થઈ ગયાં છે, પણ ભાવ છુપાવે છે. જોકે એને લાગ્યું એટલે જ વધારે આકર્ષક લાગે છે. એને થયું, બધાં જોડે ક્રમે–ક્રમે વ્યવહારે ચડું, પરન્તુ ત્યાં તો એણે જોયું કે કશા તીખા તોખારની જેમ ફોન હણહણી ઊઠ્યો ને સૂંઘવા માંડ્યો એનાં કર્ણમૂળ.

એને સમજાયું કે ફોન એ બધાંનાં ‘બેન’નો હતો. એઓ શ્રીમતી ક્હૅતાં’તાં, પોતે બપોર લગીમાં તો પ્હૉંચી જશે ને એ વાતની એણે કશી ચિન્તા ન કરવી. થોડીવાર પછી એને થયું, એમના પુનઃપ્રવેશ પછી તો બધું જેવું હતું તેવું થઈ જ જવાનું છે –પણ આ જે જેટલું જેવું જુદું થયું છે તેને કશે સાચવી શકશે પોતે? શકશે તો ક્યાં? ક્યારે? વગેરે બધી વિમાસણમાં એ રીતસરનો પાછો વમળાતો ઑસરતો ર્હૅ છે –એને ખબર નથી પડતી કે છેલ્લે શું થશે…

(‘ગુજરાત’ દીપોત્સવી અંકમાં, ૧૯૯૮)