સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/બટન

Revision as of 11:19, 23 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બટન|}} {{Poem2Open}} કોઇ પૂછે કે તમારા ખમીસને બટન કેટલાં છે તો શું ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બટન


કોઇ પૂછે કે તમારા ખમીસને બટન કેટલાં છે તો શું કહેવું? ઊભા રહીએ ને ગણીએ તો થાય. પણ એટલો બધો ટાઇમ લાવવો ક્યાંથી? અને ત્યાં લગી પ્રશ્નકાર થોડો ઊભો રહે? એણે ભલે પૂછ્યું, એની પાસેય ટાઇમ ક્યાંથી હોય! અમસ્તો ટહૂકો જ કર્યો હોય –મૉજ ખાતર. લાગે કે બટન મામૂલી વસ્તુ છે. જોકે મહેતાસાહેબનો ઍલઆઇસીમાં ઇન્ટર્વ્યૂ ચાલતો હોય, પ્રમોશન માટે, ને એકાએક એમનું ધ્યાન જાય કે ખમીસનું ઉપલું બટન નથી, છાતીના વાળ દેખાય છે, ત્યારે સમજાય કે બટનનો મહિમા કેવો છે. અમુક પ્રસંગે એથી જુદું પણ બને. બટન એની જગ્યાએ એવું નડે –પોતાનો એવો મહિમા દાખવે– કે રમણીબેન એને ખૅંચી પાડે તો જ હાશકારો થાય! નાનપણમાં બટનને “બટણ”, “બુતાન”, પણ કહેતા. કેમ તે તો ભાષાશાસ્ત્રીઓ જાણે. મોટીબા એને “બોરિયું” કહેતી. ખમીસનાં બટન તેમ પાટલૂનનાં બટન. પતરાનાં આવતાં. કપડાંના ગાભાનાં આવતાં. બટન ભલે મામૂલી લાગે છે, બટનનું જીવન પતિ-પત્નીના જેવું ધ્યાનપાત્ર છે. ધ્યાનપાત્ર છે એટલે રસપ્રદ પણ છે. એનો ગાજ સાથે ને ગાજનો એની સાથે સુમેળ ન હોય તો બધું ઉઘાડું પડી જાય. સાથસંગાથ હોવો જરૂરી છે. ગાજ લપટો-લપૂડો થઇ જાય તો બટન વીલું પડી ઝૂરવા લાગે. એટલું જ નહીં, ભમતું થઇ જાય –ઉખાડીને કોઇ એને બીજે જોડી આપે. તો વળી, બટનને જો ગાજનો સહવાસ સંકડામણભર્યો લાગે, ચુસ્ત, તો બન્ને વચ્ચે ઇલાજ વગરનો કંકાસ પણ ચાલુ થાય. વાતનો સાર એ છે કે શું ગાજે કે શું બટને વફાદારીપૂર્વકનું જીવી બતાવવું જોઇએ. પણ હા, બટન રાતોરાત ભમતું થઇ જાય કે ગાજ પોતાની મૅળે ને મૅળે પ્હૉળા થઇ જાય એવું નથી હોતું. એ બન્નેના સમ્બન્ધમાં વ્યક્તિની દખલગીરીએ ભાગ ભજવ્યો હોય છે. હું બીજી-ત્રીજીમાં હોઇશ. ત્યારે મારા એક દોસ્તના ખમીસનો પહેલો ગાજ મૅલો ને થોડા જ દિવસોમાં પ્હૉળો જોવા મળે. કશા દુ:ખદ ગૂંચવાડિયા મનોવ્યાપારને લીધે ઘણા લોકો પોતાના કોઇક બટનને રમાડ્યા કરતા હોય છે. એનું પણ એવું જ કંઇક હતું. એની ખરી મા મરી ગયેલી. કૉલરને ય ખૅંચી-ખૅંચીને એની અણીઓ ચાવ્યા કરતો. મને તો એટલે લગી સમજાય છે કે બટનનો માનવ-મન સાથે ઘેરો સમ્બન્ધ છે. સ્ત્રીઓના કબજાનાં બટન પણ પતરાનાં આવતાં. કબજાનાં બટન એ વરસોમાં પાછળ, પીઠ પર, તો હોય જ નહીં. બટન હમેશાં કલર-મૅચ હોવાં જોઇએ એ તો હવે જાણ્યું. હું વાત કરું છું ’લેટ-ફોર્ટીઝના જમાનાની. સંસારમાં ત્યારે બીજું વિશ્વયુદ્ધ પતવામાં હતું. ત્યારે આપણને ભારતવાસીઓને આઝાદી મળવામાં હતી. સ્વાભાવિક છે કે મને ખમીસનાં બટન વધારે યાદ હોય. ખમીસને જેમ જેમ ધો પડે તેમ તેમ બટન પોતાની અસલિયત દાખવે –પતરાનાં એટલે, કાટ! કાટનો એટલા ભાગમાં ડાઘ પડી જાય. ખમીસ સફેદ હોય ત્યારે તો ખાસ. બીજી ખાસિયત એ કે વારંવાર તૂટી જાય, ખોવાઇ જાય. જીવનસાથી ગાજે દગો કર્યો હોય એટલે એકલવાયું થઇ લબડી પડ્યું હોય. ને આપણે જાણીએ છીએ કે લબડી પડે એનું આગળનું જીવન ખતમ હોય છે! કેમકે દોરા ત્યારે નાઇલોનના નહીં. કેમકે દરજીએ બેપરવાઇથી ટાંક્યું હોય. કેમકે કોઇએ ખોલવામાં વિવેક વગરની ઝટાપટી કરી હોય. ત્યારે ખમીસની એ સ્ટાઇલ નહીં કે બટન છેક લગીનાં ૬ કે ૭ હોય. એ “અમેરિકન સ્ટાઇલ” તો પછી આવી. એટલે, મને બરાબર યાદ છે, ઉતાવળે કાઢવા જતાં એકાદ તો તૂટીને ગગડતું-ગગડતું ધરાશાઇ થયું જ હોય. તૂટેલાને પછી સાચવી રાખવાનાં –એવી જ કોઇ પતરાની ડબ્બીમાં. બા ફરી ટાંકી આપે ત્યાં લગી. એવું છે કે બટન જોડેનો મારો લગાવ ખાસ્સો સખત છે. એને વિશે કહ્યા જ કરું. લાગે કે આ તો યાર, બહુ કહે છે, કશો વિવેક નથી રાખતો. કોઇ એમ પણ કહે કે, દરજી છે કે શું! પણ ત્યારે, કૉલર માટેનું બાળ-બટન પણ આવતું. મૉંઘા ખમીસને હજી હોય છે. આજે તો બટન-ડાઉન કૉલર આવતા થયા છે. ખમીસની બાંયને બે-બે બટન હોય છે એ તો બધા જાણે છે, પણ એની ફડશના કાપને બન્ધ રાખવા વચ્ચે એક બાળ-બટન ટાંક્યું હોય છે. “બાળ” એટલે મોટાથી નાનું. પિતા-પુત્ર. ડબલ કફવાળી લાંબી બાંય આવતી, હજી આવે છે. ડબલ કફ તો સાવ ફૉર્મલમાં પ્હૅરાય. હું કૉલેજમાં પ્રિન્સિપાલ હતો ત્યારે ડબલ તો નહીં પણ સિન્ગલ કફને કફલિન્ક સાથે પ્હૅરતો. કફલિન્ક એટલે બટનનો અફલાતુન વૈભવી અવતાર. મારાં અવનવાં કફલિન્ક જોઇને ત્યારે મધુ રાય એમની શૈલી મુજબ મને “ઍક્ઝિક્યુટિવ” કહેતા. આ વાત ’મિડ-સેવન્ટીઝની છે. કોટનાં બટન વિશે તો એવું કે કોટ બચારો બટનથી જ ઓળખાય –એક બટનનો, બે બટનનો, ત્રણ બટનનો, ચાર બટનનો, છ બટનનો ડબલ બ્રેસ્ટેડ. કોટની બાંયો પરનાં બટન તો દેખીતી રીતે જ અમસ્તાં! શોભાનાં! બટનની એક પ્રજાતિ તે હૂક. હૂક પર આમ તો આપણે કંઇ ને કંઇ ભેરવીએ. પણ આ હૂક, આતુરભાવે એની રાહ જોઇ રહેલા કાંટામાં ભેરવાય ત્યારે જ સાર્થક થાય. હૂકથી ભય હમેશાં કાંટાને, હૂકને કંઇ નહીં. બીજી પ્રજાતિ તે પ્રેસ-બટન. જે મને ચૉંટડુક લાગે. કપાળના ચાંલ્લા જેવડાં, ચૉંટડુકનાં બે પૈતાં. એકને ઉપસાવેલું નક્કર ટોપકું. ખરલમાં બત્તાની માફક એકમાં આ બીજું, ટોપકું, બન્ધ બેસીને સજ્જડ ચૉંટ્યું રહે. મારી સમજશક્તિ એવી કે કેટલાક શબ્દોના અર્થ મને પ્રસંગે પડ્યે જ સમજાય. આ “સજ્જડ” તે એમાંનો એક. સૌમાં વફાદાર, આ ચૉંટડુક. જીવનભર ચૉંટ્યું રહે. જીવનભર એટલે કે, છૂટા થવાનું મન ન થાય, તેટલેભર. પછી તો પ્લાસ્ટિક-યુગ આવ્યો. ડોલ-ડબલાં તેમ બટન પણ પ્લાસ્ટિકનાં. શંખલાંનાં, છીપનાં ને વૂડન પણ આવવા લાગ્યાં. હવે તો કલર-મૅચ પણ આવે છે. મારો દરજી મને પૂછે, છીપનાં બટન આવ્યાં છે, બોલ, નાખું. નાખી આપે ને એનો જુદો ચાર્જ પણ ચડાવે. કદાચ પ્લાસ્ટિક-યુગને પ્રતાપે એવાં બટન પણ આવ્યાં જેને તમે સિન્ગલ અથવા સ્વાયત્ત પણ કહી શકો! કેમકે ગાજ જોડે એને નહીં, પણ ગાજે એની જોડે જોડાવું પડે. એ વર્ષોમાં અમારી નાતમાં કોઇ કોઇને બે સ્ત્રીઓ હોય –એક પત્ની અને બીજી રખાત, ઉપવસ્ત્ર. આ ચૉંટડુકને પણ બે ગાજ જોઇએ. ખમીસનાં બન્ને પડખે કાણાં જાતિના ગાજનું હોવું જરૂરી. એકમાં બટન પોતે વિરાજે, પોતાના માથાથી મોટી બેઠક પર. ને બીજા કાણાએ એના માથે થઇને એની જોડે બન્ધબેસ્તા થઇ જવાનું. હવે બન્યું એવું કે ગામના પૈસાદાર લોકોએ એ સ્વાયત્તને સોનાનાં કરાવ્યા. વચ્ચે લાલ કે સફેદ નંગ જડ્યું હોય. જેમકે બે સ્ત્રીવાળા અમારા ઓચ્છવકાકા. એમની કશ્મીરી ટોપી જેટલાં જ એમનાં એ બટન એમને શોભાવે. મોટા શેઠ દેખાડે. પણ મણિલાલમાહા એટલા બધા પૈસાદાર નહીં તે એમણે એ સ્વાયત્તને ચાંદીનાં કરાવ્યાં. આ બધાં મૉંઘાં તે પ્હૅરવા કરતાં સાચવવાનાં વધારે. મારા પિતાજીને પણ બાએ કોઇ ને કોઇ રીતે કરાવી દીધેલાં. પણ એમનાથી એકાદ તો ન જ સચવાયું હોય. ને એ ખાલીમાં પ્લાસ્ટિકનું થોડું પ્હૅરાય? મૉંઘાંની જફા આમેય ઘણી –ખરું કે નહીં? પાટલૂનનાં બટન કપડાંનાં હોય, નાનાશા ગાભા પર ચોતરફ દોરાના ટાંકાનું બંધારણ કર્યું હોય. ખાંડના કણને કીડીઓ વર્તુળાકારે કેવી ગોઠવાઇ હોય છે –એવા ટાંકા. નખ જેટલી તળેલી પૂરી કલ્પી લો. મારી મોટીબા બનાવી શકતી. સીવણનો વર્ગ હોય તેમાં છોકરીઓને શિખવાડાય. હવે તો એ જોવા પણ નથી મળતાં. કાળમાં હોમાઇ ગયાં. પાટલૂનને પહેલાંના વખતમાં, ત્રણ લગાવવાનો રિવાજ હતો. પછી, ચાર લગાવવા લાગ્યા. કેમ તે તો સમાજશાસ્ત્રીઓ જાણે. એમાંનું એકાદ તો પુરુષની જાણ બ્હાર રહી જ જાય. નીકળી પણ જાય. ખબર ન પડે. ત્યારે હજી સ્ત્રીઓ પાટલૂન ન્હૉતી પ્હૅરતી. હવે પ્હૅરે છે એ સારું છે ને ઝિપર હોય છે એ વધારે સારું છે. ત્યારે ક્યારેક ઉતાવળમાં આખેઆખું રહી ગયું હોય! ભૈબન્ધો હસે ત્યારે સમજાય. નાનપણમાં એવું અવારનવાર બને. “પોસ્ટ-ઑફિસ” ખુલ્લી રહી જવાની એ શિશુકાલીન ઘટનાને હું બહુ રમ્ય અને નિર્દોષ ગણું છું. એટલી બઘી કે કોઇની ન રહી ગઇ હોય તો ખોટું કહેવાય. સમથિન્ગ રૉન્ગ! આમે ય એ દા’ડા તો કશેથી કશીક દિલધડક પોસ્ટ મળવાના અભરખાભર્યા દા’ડા નહીં? –ખોટું કહું છું? બે વર્ષ કૉમર્સમાં બગાડીને હું પછી ૧૯૫૯માં આર્ટ્સના પહેલા વર્ષમાં હતો. ગામમાં કૉલેજ ખૂલેલી. ખાલી પહેલું વર્ષ ચાલુ થયેલું. ત્યારે માત્રચાર છોકરીઓ ભણતી’તી. પહેલી પાટલી પર બેસે. “જગતના ધર્મો”ના સાહેબની એક શૈલી એવી કે ટેબલ પર બેસી વ્યાખ્યાન કરે. ટાંટિયા એમના લબડતા ઝૂલ્યા કરે. શૈલી શાની? કુટેવ! તે દિવસે એઓ એ જ અવસ્થામાં બોલી રહેલા. એકાએક એ ચારે ચાર ઊઠીને બહાર ચાલી ગઇ! એક ઊઠી હોય તો સમજી શકાય, પણ ચારે ચાર! સાહેબ પોતે અને અમે છોકરાઓ વિચારમાં પડી ગયેલા. ત્યાં કારણ દેખાઇ ગયું. સાહેબ પાટલૂન-બટનને વિશેનો ક્રિયાધર્મ વીસરીને આવેલા! જાહેરજીવનના દરેક વ્યાખ્યાતાએ વ્યાસપીઠ પર જતાં જતાં આંગળી ફેરવીને ચોક્કસાઇ કરી લેવી જોઇએ કે નહીં? આ નિબન્ધ એક કવિને વંચાવતો’તો. એણે પંક્તિ જોડી આપી: વિવેકીજન તો તેને કહીએ જે જાત-બટનનું જાણે રે…ગમી? મને ગમી, જોકે એટલી બધી નહીં… ૨૦૦૩માં હું ફિલાડેલ્ફીઆની યુનિવર્સિટી ઓવ પૅન્સિલ્વૅનીઆમાં બે મહિના રહેલો, જ્યાં આપણા સાહિત્યકાર બાબુ સુથાર ૧૫-૧૬ વર્ષથી ભણાવે છે. યુનિ-કૅમ્પસમાં, વૅન પેલ્ટ લાઇબ્રેરીના આંગણામાં, એક વિરાટ બટન પડ્યું છે. ૧૬ ફીટનો એનો વ્યાસ છે. ઍલ્યુમિનિયમનું છે. આધુનિક શિલ્પ. નામ છે “બટન” પણ એનું મૂળ નામ “સ્પ્લીટ બટન” છે. કેમકે એને જાણે તોડેલું રાખ્યું છે. સ્વીડિશ શિલ્પી ઓલ્ડેનબર્ગે બનાવ્યું છે. કહે છે, એક લાખ ડોલરનું છે. સૂતું છે ધરતી પર, પોતાના ગાજથી વિખૂટું પડેલું ઉદાસ ભૂરિયું –આછો સ્કાય-બ્લૂ એનો કલર છે. એ “મીટિન્ગ-પૉઇન્ટ” છે. આપણે નથી ક્હેતા –ટાવરે મળજે? “ટાવર” મીટિન્ગ પૉઇન્ટ. વિદેશનાં શહેરોમાં ગમે તેને ગમે ત્યારે નથી મળાતું. પ્રિયજનને પણ નહીં. અન્સૅટ મીટિન્ગ લગભગ અશક્ય હોય છે. પણ મિલન-વ્યવસ્થાઓ ને જગ્યાઓ બરાબરની ગોઠવાઇ હોય છે. આ “બટન” પણ એ માટે વપરાય છે. વિયોગીઓએ મળવાની જગ્યા. તમે કહી શકો, સાંજે પાંચ વાગ્યે “બટન” પર મળીએ. અથવા કહી દો કે કાલે “બટન” પર મળીએ ને વાતનો ફૅંસલો લાવી દઇએ. કાયમને માટે બાય-બાય કરી દેવાની જગ્યા. આમાં “બટન” બાપડું કરે તો શું કરે? બન્ને પ્રસંગે “બટન” તો સાક્ષીમાત્ર! મળનારાં બન્નેને એ જાણે કહેતું હોય છે: પાછાં અહીં જ આવજો…મિલનમાં વિયોગ ઊછરતો સળવળે છે દોસ્ત…વિયોગમાં મિલનની ઘડીઓ એક પછી એક કપાય છે દોસ્ત… આજે પાટલૂનનાં બટન તો ગયાં જ! ઝિપરો કે ઝિપ્સ આવી ગઇ. વડોદરા મંગળબજારમાં “ન્યૂ મૉડર્ન ટેલર્સ”વાળા મગનભાઇ મારી પાસે એના વધારાના પાંચ રૂપિયા લેતા. નવી જ વસ્તુ –“ન્યૂ”! વળી બન્ધ-ઉઘાડની “મૉડર્ન” સરળતા! બ્રાસને બદલે પ્લાસ્ટિકની આવતી થઇ ત્યારે પાંચના રૂપિયા ત્રણ થયા, ને હવે તો જાણે મફતમાં નાખી આપે છે! વસ્તુઓ આપણા સંસારમાં હોશિયારીથી ઘૂસી જાય ને પછી કાયમ માટે ઘર કરી જાય તે આનું નામ. આવે ત્યારે મૉંઘી લાગે પણ પછીથી મફતમાં લાગે તે આનું નામ. આવે ત્યારે નવી લાગે પણ પછી જૂનીજટ થઇ જાય, અને, કાયમ માટે અલોપ થઇ જાય તે ય આનું નામ. મને પ્રશ્ન થાય, પ્રી-મૉડર્ન, મૉડર્ન ને પોસ્ટ-મૉડર્ન લિટરેચર્સ પણ આ જ ચાલમાં ચાલતાં હશે કે શું…?… આજે આપણાં ઇલેક્ટ્રૉનિક ગજેટ્સ રીમોટનાં બટનોથી ચાલે છે. રીમોટ, બટનોનું ઘર છે. દરેકના ઘરમાં ઓછામાં ઓછાં બે રીમોટ તો હોય જ હોય. એક જમાનામાં ઘરસંસારમાં કાંસકો કે નૅપ્કિન વારંવાર ખોવાઇ જતાં –મને એ બૂમો યાદ આવે છે: “ક્યાં ગયો કાંસકો…?”, “નૅપ્કિન હજી હમણાં અહીં તો હતો…!” હવે, રીમોટ આઘાંપાછાં થાય છે. પણ સીરિયલોના અમુક કાળજીખોર એવા કે પોતાનાં રીમોટને વ્હાલથી જાળવી જાણે –કોતરણીવાળી સુન્દર તાસકમાં ગોઠવીને રાખે. હમણાં અમે અમારાં એક સમ્બન્ધીને ત્યાં ગયેલાં. અમે સોફામાં બેઠાં. મેં જોયું તો બહેનજી નેતરની કશી ડાલી ઝુલાવતાં દાખલ થયાં. મને એમ કે મન્દિરે જવાના હશે. જોયું તો, ડાલીમાં જાતજાતનાં રીમોટ હતાં. એકથી એમણે બારીના પરદા પાડી દીધા. બીજાથી એમણે ટીવી ચાલુ કર્યું. ત્રીજાથી એમણે ટૉપ-સૅટબૉક્સને ઑન કર્યું. આજકાલ મને બહુ લોકો પુશિન્ગ નેચરવાળા મળવા લાગ્યા છે. એથી મને સતત થયા કરે કે યાદ રાખ, તું પુશ-બટન ટૅક્નોલૉજીના જમાનામાં જીવી રહ્યો છું. જોડે એમ પણ થાય કે અતડો ના રહૅ, શીખ જરા, નવા જમાનાની રીત શીખ! દુનિયામાં રોજે રોજ દરેક મિનિટે લાખ્ખો લોકો દરેકે દરેક બાબતે કમ્પ્યૂટરની કી-ને ને સેલ-ફોનના સ્ક્રીનને ટચ્યા કરે છે. ક્લિક્ કરતાંમાં ક્યાંના ક્યાં પ્હૉંચી જાય છે. શું-થી શું ય મેળવી પાડે છે. બટન દબાવતાંવેંત સુખ મેળવી લે છે ને પલક ઝપકતાં દુ:ખને ભગાડી મૂકે છે. મને એટલું બધું નથી આવડતું એટલે એમની ઇર્ષા બહુ થાય છે. બાઘા જેવો તાક્યા કરું છું. ઇન્ટરનેટે અનેકોને અતિ ઝડપે ટૅક્નોસેવી બનાવી દીધા. સાથોસાથ એમ પણ બતાવી દીધું કે માનવજાત વૅરિ હ્યુજ વૉલ્યુમમાં ઘણી જિદ્દી, નિરુત્સાહી કે પછાત છે. મને થાય, ભૂતકાળમાં કદાચ એકે ય ટૅક્નોલૉજીએ આટલું બધું ન્હૉતું કર્યું. જુઓને, આપણી આસપાસમાં જ કેટલી બધી વ્યક્તિઓ કમ્પ્યૂટરને વિશે જ ઉદાસીન છે! અરે, દરેક ઘરમાં એકાદ તો હશે જ હશે. માણસ શાંઘાઇમાં રહેતો હોય કે પેરીસમાં કે કરાંચીમાં કે ભૂતડીઝાંપાએ, જીવનમાં એને બન્ધ–ઉઘાડ તો કરવું જ પડે છે. બટન વિના કે રીમોટ વિના ન ચાલે. બટન સમગ્ર માનવસભ્યતામાં શિરમોર છે. ઇતિહાસના એક સાહેબે મને હમણાં જ કહ્યું કે બટન સિન્ધુ નદીની ખીણ-સંસ્કૃતિ જેટલી પુરાતન વસ્તુ છે. અંગ્રેજીમાં “ફાસ્નર” શબ્દ છે તેનો અર્થ છે, ભીડી રાખનાર. બે પડખાંને અંકુશમાં રાખે. જરૂર પડ્યે, બટન ભીડભંજક પણ ખરું. ભીડને ભાંગી નાખે. ચાંપ રૂપે બધું ખોલી આપે. બટન અંકુશ છે તેમ ચાંપ છે. જીવનમાં કોઇ કોઇને એવા વાયરા વાય કે બધું ઉઘાડાથી ઉઘાડું જ પડ્યા કરે. કશો અંકુશ નહીં. તો કોઇ કોઇને એથી સાવ ઊંધું થાય –બાપડો ચૂપનો ચૂપ! એને કોઇ પૂછેગાછે નહીં, ન જાણે, કે ન સમજે. ચાંપ ખૂલે જ નહીં. પણ બટનના જીવનનો આ વાંકો વિસ્તાર મને ગમે છે. દરજી લોકોના હાથમાંથી નીસરીને એ ક્યાંનું ક્યાં પ્હૉંચી ગયું! એની આ ક્રાન્તિ-ઉત્ક્રાન્તિ મને ગમે છે. માણસના વસ્તુસંસારમાં ભલે એ ખોલ-બન્ધનાં બે વિરોધી કામો કરે છે, બાકી બન્ને કામો એકમેકનાં પૂરક છે. કશું ખુલ્લું હોય એને બન્ધ કરાય, બન્ધ હોય એને ખોલી શકાય. ખોલ-બન્ધ બટનનું જીવનભરનું કામ છે. એ એની જન્મજાત સત્-તા છે. વિદ્વાન લોકો એને બટનથી મળતું જ્ઞાનગત સત્ય કહે તો નવાઇ નહીં. પણ એક વાત વધારે સમજવા જેવી છે: એની મોટાઇ એમાં છે કે એ માણસને વશ રહે છે. માણસને પોતાને ઉઘાડ-બન્ધ કરવા દે છે. એની આ માણસવશતા મને વધારે ગમે છે. એ લોકો કદાચ એને એનું ભાવગત સત્ય કહે, તો કહી શકે. એ સત્ય આટલુંક છે –એમ કે, બધું બરાબર બન્ધ રાખો અથવા એકદમનું ખોલી દો…હું ખોલી દેવા બાજુ છું…

= = =