સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/બે અકાદમીઓ

Revision as of 11:21, 23 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બે અકાદમીઓ|}} {{Poem2Open}} ‘યુનિવર્સિટી વિધાઉટ વૉલ્સ’-નો વિચાર ભા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બે અકાદમીઓ


‘યુનિવર્સિટી વિધાઉટ વૉલ્સ’-નો વિચાર ભારતીય અધ્યેતાને નવો નહીં લાગે. આપણી ગુરુ-શિષ્ય પરમ્પરા તો પહેલેથી જ દીવાલો વિનાની હતી. બ્રહ્મચર્યાશ્રમીઓ જનપદોમાંથી ઋષિઓના આશ્રમોમાં જતા; જ્ઞાન કાજે ગુરુના સાન્નિધ્યમાં વસતા. નાગરક કશું નહોતું; સઘળું આરણ્યક હતું. સભ્યતાએ કે મનુષ્યકૃતિએ સરજેલી દીવાલો હતી જ નહીં; બધું પ્રકૃતિના સહવાસમાં હતું. સારું; પ્લેટોની (ઇ.પૂ. ૪૨૮-૩૪૮) ‘અકાદમી’-ને ક્યાં દીવાલો હતી? અરે, આજે તો એને ‘વિશ્વની સર્વપ્રથમ યુનિવર્સિટી’ કહેવાય છે! સારું; ઍરિસ્ટોટલની (ઇ.પૂ. ૩૮૪-૩૨૨) ‘લાયસિઝમ’ પણ દીવાલો વિનાની યુનિવર્સિટી ન્હૉતી તો શું હતી? બન્નેનું વાતાવરણ પ્રાકૃતિક. બન્ને શરૂમાં સ્કૂલ હતી. ‘અકાદમી’ તો પછીથી કહેવાઈ. પ્લેટોની અકાદમી, પહેલાં તો વ્યાયામશાળા હતી, આસપાસની સૂકી ધરાને ફળદ્રૂપ કરવા, કહે છે, કિકીફોસ નદીને એ તરફ વાળવામાં આવેલી. વૃક્ષો ઉગાડાયેલાં. એ નવપલ્લવિત પરિવેશમાં પછી તો મન્દિરો બંધાયાં, પૂતળાં મૂકાયાં, ઉત્સવો શરૂ થયા. ક્રમે ક્રમે પરિવેશ યુનિવર્સિટીને છાજે એવો પરિસર બની ગયો. ‘લાયસિયમ’ તો, પહેલાં મન્દિર જ હતી -જેમાં દેવ ઍપોલો લાયસિયસ વિરાજતા હતા. પ્લેટોનું ઘર અકાદમીમાં જ. બાજુમાં બગીચો. વ્યાખ્યાનો આપવાનું એમણે ત્યાંથી શરૂ કરેલું. ઍરિસ્ટોટલ મન્દિર ફરતે ચાલતા રહીને વ્યાખ્યાનો આપતા, કશાં ટેબલ-ખુરશી ન્હૉતાં. પ્લેટોની અકાદમીમાં અભ્યાસક્રમ ‘ઘડાયા’ ન્હૉતા. ભણાવવું શું તે નક્કી ન્હૉતું. અભ્યાસક્રમ નિયત હોય એ જરૂરી છે, પણ મને આ ન-નક્કી વસ્તુનો પણ મહિમા વરતાય છે. મારા ગુરુ સુરેશ જોષીએ કદી અભ્યાસક્રમવશ થઈને નહીં ભણાવેલું. એમ કે અધ્યાપક જડ ખીલે બંધાયેલો નથી ને તેથી સમુચિત વિદ્યાવિહાર કરાવી રહ્યો છે; ઊંચી ડોકે આકાશનો તાગ લેતો વાત ચલાવી રહ્યો છે. કેટલી આવકાર્ય રીત! પ્લેટોના ‘ડાયલોગ્સ’-માં ગણિત અને ફિલસૂફી અવારનવાર આવે કેમકે મુખ્યત્વે પ્લેટો ફિલસૂફ હતા. સામે બેઠેલાં આગળ, પ્રૉબ્લેમ્સ મૂકતા. ગુરુ, સામે શિષ્ય, વચ્ચે પ્રૉબ્લેમ! કેટલી કરુણીય વસ્તુ! વર્ગખણ્ડમાં જો પ્રૉબ્લેમ નામનું કશું કન્ટેન્ટ મુકાયું જ ન હોય, તો એને ‘વર્ગ’ શી રીતે કહેવાય? વિદ્યાર્થીનું મગજ જોડાય શેની જોડે? મુખ્ય અને પેટા મુદ્દાઓની જ્યાં સ્થાપના ન થતી હોય, એ વર્ગ, વર્ગ નથી, ઓરડો છે! અધ્યાપક અને વિદ્યાર્થીને અપાયેલી એ ૪૫ મિનિટ, કીમતી વસ્તુ છે. વર્ગમાં જો ગઝલના શેઅર ને એવા જ બધા સૅલસપાટાભર્યાં વિષયાન્તરો ચાલતાં હોય, તો તરત ધ્યાનમાં ન આવે એવું અ-દૃશ્ય નુકસાન થવાનું છે. જ્ઞાન વિશે અમુક પેઢીઓ ‘ખાલીખમ’ અને ‘બાઘ્ઘી’ આવતી હોય છે એનાં મૂળ કારણોમાં આ વિષયાન્તર-લીલા એક ચૉક્કસ કારણ છે. પ્લેટોને ત્યાં બધાંને ‘ડાયલૅક્ટિક’ વધારે ફાવતું’તું. એટલે કે ચર્ચાઓ અને વિમર્શ-પરામર્શથી સત્ય લગી પ્હૉંચવાનું, બારોબાર નહીં. તર્ક-વિતર્કથી વાદ-વિવાદ અને શક્ય સંવાદ. વાત, તું કહું છું માટે ખોટી અને હું કહું છું માટે ખરી જ ખરી, એમ નહીં. અમુક અધ્યાપકો જક્કી હોય છે. અમારા એક સાહેબ હમેશાં પોતાના મતનું જ ગાણું ગાતા -કહ્યા કરે, મુનશી ગોવર્ધનરામથી ચઢિયાતા છે, બસ! એમની નવલકથાઓમાં ક્રિયાવેગ તો જુઓ! હકીકતે, સાહિત્યની હર કોઈ વાતમાં નાનું-શું સત્ય તો હોય જ છે. વિદ્યાવ્યાસંગ આપણને એ સત્ય લગી દોરી જાય તો એ સુ-યોગ છે. પણ જો એને જ આખું બલકે અન્તિમ સત્ય ગણ્યા કરીએ, ને ગણાવ્યા કરીએ, તો એ ઠાલો હઠ-યોગ છે. સ્વમતસ્થાપન અને પરમતશ્રવણ વિદ્વત્તાનું રસાયન છે. વિદ્યાધર્મીએ આત્મલક્ષીતા અને પરલક્ષીતાનું સાયુજ્ય રચવું ઘટે છે. આપણે ત્યાં, ‘પરિપ્રશ્નેન’ જ્ઞાન લગી પ્હૉંચવાનો સદાગ્રહ, એટલે તો છે. સમજાય નહીં ત્યાં લગી ચોમેરથી બસ પૂછ્યા કરવાનું. સામાવાળો શમે નહીં ત્યાં લગી ચોપાસથી બસ સમજાવ્યા કરવાનું. એટલે તો કહેવત પડી -‘પૂછતાં પણ્ડિત નીપજે, લખતાં લહિયો થાય’. વર્ગોમાં આજે તો પૂછવા વિશે જ દુકાળ પ્રવર્તે છે. અને, લહિયો થઈ જવાય એટલું બધું તો લખે છે જ કોણ? સાહિત્યના કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષામાં જ લખે છે -પહેલી ને છેલ્લી વાર! આમ, બન્ને અકાદમીમાં, જ્ઞાન-સર્જન, જ્ઞાન-સમ્માર્જન અને જ્ઞાન-સંવર્ધનને માટેની જોગવાઈ હતી. એક એવું પરિમાણ જેને ‘ઍકેડૅમિક ડાયમૅન્શન’ કહી શકાય; જે વડે ‘અકાદમી’ નામ ચરિતાર્થ થવાનું હોય. અધ્યાપકોનું અધીત રી-ફ્રેશ થાય એ માટે હવે તો ઍકેડૅમિક સ્ટાફ-કૉલેજો છે. સ્ટાફ-કૉલેજોને મેં એવા ૨૧-દિવસીય રીફ્રેશર કૉર્સ અનેક વાર યોજી આપેલા. એક વાર એમાં નિરંજન ભગતને વ્યાખ્યાન માટે બોલાવેલા. એમને સાંભળવા વર્ગમાં હું ખાસ બેઠેલો. થોડી વારમાં ભગતસાહેબ મારા આશ્ચર્ય વચ્ચે આખા વર્ગમાં ફરતા ફરતા વ્યાખ્યાન કરતા થઇ ગયેલા. કોઈ કોઈ વાર એકાદ રીફ્રેશરની બાજુમાં બેસી જાય, એની પાસે પ્રશ્નોત્તર કરે, ને વળી પાછા ચાલવા માંડે. એમની એ લાક્ષણિક-સુન્દર પદ્ધતિ મને એટલા માટે યાદ આવી કે ઍરિસ્ટોટલ પણ, મેં કહ્યું એમ, મન્દિરની ફરતે ચાલતા રહીને વ્યાખ્યાનો આપતા. ત્યારે એક ગ્રીક શબ્દ ચલણમાં આવેલો, ‘પૅરિપૅટેટિક’. આપણી રીતે કહું તો પરિ ક્રમવું -જ્ઞાનાય પરિક્રમા, પરિવ્રજ્યા. ઠાંસિયા અવર-જવર નહીં! ‘પોએટિક્સ’ સમેતનાં ઍરિસ્ટોટલનાં ઘણાં પ્રવર્તમાન પ્રકાશનો શિષ્યોએ લીધેલી એમનાં વ્યાખ્યાનોની નૉંધો છે, આજે તો, ઊંધું છે. અધ્યાપક વ્યાખ્યાનો આછાંપાછાં કરે, નૉટો ભરપૂરે ઉતરાવે. કેટલાક પ્રિન્સિપાલો, તમારે નૉટો તો ઉતરાવવી પડશે, ભાઈ! -જાડા કાચનાં ચશ્મેથી એવી કરડીલી ચીમકી આપતા હોય છે. આપણી તો મુખોમુખ પરમ્પરા; જેમાં શ્રુતિ-સ્મૃતિનો મહિમા. આજે એ મહિમા નષ્ટભ્રષ્ટ દીસે છે -અધ્યાપક મુખેથી વદે, વિદ્યાર્થી કાનેથી શ્રવણ કરે. પછી, જેવું જેટલું સ્મૃતિમાં આવે, ઉત્તરવહીમાં લખી પાડે, ને હસતોરમતો ઘેર જાય. ઋષિ હરતાં-ફરતાં ન ભણાવે. ઉપનિષદીય પદ્ધતિ હતી. ગુરુ પલાંઠીએ કે પદ્માસને બેસી વાત માંડે. સમક્ષ શિષ્ય બેસે. જ્ઞાનનું સર્જન અને ગ્રહણ ચાલે. પોડિયમને ટેકે ઊભા ઊભા બોલવાનું તો આપણે શી ખબર શેને માટે શીખ્યા છીએ! છાતીસમાણાં એ અણઘડ ઑઠાંને લીધે વક્તાનું માત્રમાથું દેખાતું હોય છે. આયોજકોને એમ કે દેખાડવાલાયક તો વિદ્વાન મહોદયનું માથું છે, જે કંઈ પ્રગટવાનું એ, એમાંથી તો છે! હમેશાં હું બેસીને વ્યાખ્યાન કરનારો, પણ એક વાર મારે પોડિયમનો પ્રસંગ પડેલો. ઊંચું પડતું’તું. સંસ્થાએ નક્કી રાખેલા સેવકે ફટાફટ પાટલી ગોઠવી આપેલી. એ પર ચડી થોડા મનોકચવાટ સાથે, અલબત્ત, હું સમ્યક્ વ્યાખ્યાન કરી શકેલો. આથી ઊંધું એ કે કેટલીયે કૉલેજોમાં સાહેબનાં ટેબલ-ખુરશી ને વિદ્યાર્થીઓની બૅન્ચીસ એક જ લેવલે હોય છે, પ્લૅટફૉર્મ હોતું જ નથી. અધ્યાપક-વિદ્યાર્થી એક જ સ્તરે -આમ તો, બરાબર! એટલે, મારી જેમ, બેસીને-બોલનારા વ્યાખ્યાતાનો પાછળ લગી ‘આઇ કૉન્ટેક’ થાય નહીં. બૅંક-બૅન્ચર્સનો ઝીણો ગણગણાટ જરૂર સંભળાય. અધ્યાપક સાંભળવાની ચીજ છે -ટીચર શૂડ બી હર્ડ. એ રૂડી વસ્તુ આમ આજે રફેદફે થઈ રહી છે. જોકે, વિદ્યાર્થીઓ સાંભળે છે કે કેમ એની દરકાર રાખ્યા વિના બસ બોલ્યે જ રાખે, એવા આત્મનિતુષ્ટ અધ્યાપકો પણ મળી આવે છે. શું કરવાનું… લેખમાં ટીકાસ્પદ જે કંઈ કહ્યું છે એ અપવાદોને યાદ રાખીને, વળી, પ્રેમથી કહ્યું છે. તે છતાં, ખોટું લાગે એણે બે રોટલી વધારે ખાવી.

= = =