સોરઠી સંતવાણી/મનડાં જેણે મારિયાં
ભક્તિ સાચી તો એ કે જેમાં માયલું મન મરી જવું જોઈએ. એ મહામાર્ગ પર યુગે યુગે સંખ્યાબંધ જનો વિચર્યા છે, પણ મોટી સંખ્યાનાં ચિત્ત તો ઉગ્ર કસોટીને લઈ ઊઠી ગયાં છે. ખરા હતા તે નિર્વાણ પહોંચ્યા છે.
ક્ષમા ખડગ લઈ હાથમાં, શીલ બરછી સત હથિયાર,
મનડાં જેણે મારિયા રે જી.
કાંધે કાવડ લઈ ફેરવી રે, ધમળા ધોળી ઝીલંતા ભાર,
મનડાં જેણે મારિયાં રે જી.
પંદર ક્રોડની મંડળી રે જેના પ્રહ્લાદ રાજા મુખીઆર
મનડાં જેણે મારિયાં રે જી.
દસ ક્રોડનાં ચિત ઊઠી ગયાં,
પાંચ ક્રોડ પોંચ્યાં નિરવાણ —
મનડાં જેનાં મરી ગિયાં રે જી.
જે ઘર નાર કુભારજા એનો એળે ગયો અવતાર,
મનડાં એનાં નહીં મરે હો જી.
જે ઘર નાર સુલક્ષણી એને વેલી ફળે આંબાડાળ,
મનડાં એણે મારિયાં હો જી.
પાંચા સાતાં નવાં બારાં ક્રોડ તેત્રીસ પોગ્યા નિરવાણ,
મનડાં એણે મારિયાં હો જી.
દોય કર જોડી દેવાત બોલિયા રે એના પંથ ખાંડાધાર
મનડાં જેણે મારિયાં રે જી.