ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/વેકેશન

Revision as of 04:40, 19 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} બૉબીની ચીસ સંભળાણી ને દીદી દોડી, પાછળ હુંય. જઈને જોયું તો બધા છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

બૉબીની ચીસ સંભળાણી ને દીદી દોડી, પાછળ હુંય. જઈને જોયું તો બધા છોકરા બૉબીને ઘેરી વળેલા. એકે બૉબીની આંગળી પકડી રાખેલી. આંગળીએ લોહી. દીદીએ બૉબીને ખોળામાં લઈ લીધો; લોહીવાળી આંગળી દાબી.

‘કોણે વગાડ્યું?… કેમ કરતાં વાગ્યું?… બહાર શું કામે નીકળ્યો?… ખરા બપોરેય સૂતા નથી… આખી શેરી માથે લ્યો છો… કોઈ કહેવાવાળું નથી.. નાનાનેય તમારી સાથે શા માટે રમાડો છો?…’ દીદી તો સામટી બૉબીને, છોકરાઓને, શેરી આખીને ધમકાવવા લાગી.

‘અમે તો, આન્ટી, ના પાડી’તી, પણ બૉબી કહે કે હવે હું નાનો નથી, હું તો રમવાનો…’

‘બોલ નથી વાગ્યો હૉ આન્ટી, આ વીકીએ સિક્સ મારી ને બૉબી કૅચ કરવા ગયો ને પડ્યો, એમાં…’

છોકરાઓ જવાબ આપતા’તા. આખી શેરી ધોમ તડકાથી ભરેલી હતી. બંને તરફ બારી – બારણાંની છત નીચે છાયાના ટુકડા પડ્યા’તા. પણ એ મોટે ભાગે કૂતરાઓએ રોકી લીધા’તા. બધા છોકરાઓ તો ધોમ તડકામાં જ ઊભા’તા. બોલાચાલી થઈ ને એક – બે બારણાં ખુલ્યાં. દીદી કોઈ જવાબ સાંભળવા તૈયાર નહોતી.

‘પડ્યો એમાં કાંઈ લોહી નીકળે?… તમે ખોટા છો બધા.. ચાલ અંદર…આ વીકી જ્યારે આવે ત્યારે કાંઈક ને કાંઈક ધમાલ કર્યા કરે છે…બપોરેય નિરાંત નહીં. નહિ જોયા હોય સચીનના દીકરા…’

‘સચીનને હજી દીકરો ક્યાં છે, આન્ટી!’ બધા ક્રિકેટરોના એ ટુ ઝેડ રેકોર્ડ્ઝ રાખનાર એક છોકરો બોલ્યો.

આંગળી પકડી રાખીને દીદી બૉબીને ઘરમાં લઈ ગઈ. અગિયારની જ નહિ, ગમે તેટલાની, આખી ટીમ ઘડીભર એમ જ ઊભી રહી. બધાથી જરાક અલગ ઊભેલા વીકી પર મારી નજર પડી. સામેવાળો ક્લીનબોલ્ડ થાય ત્યારે સિદ્ધ પગની આંટી લગાવી બૅટને ટેકે ઊભો રહે એમ ઊભો’તો વીકી. હજી એના ચહેરા પર એ વંચાતું’તું કે એ કાંઈ ગુનેગાર નથી. રમતમાં તો એમ જ ચાલે. મનેય એનો વાંક લાગ્યો નહોતો.

‘વેકેશનમાં છોકરાં રમે નહિ તો શું કરે? આખો દી ઘરમાં ગોંધાઈ રહે!’ સામેના બારણામાં જતાં જતાં જે માસી બોલ્યાં તે વીકીના સગાં લાગ્યાં.

‘મિષી…’

દીદીએ સાદ પાડ્યો. હું અંદર દોડી. જતાં જતાં મારાથી વીકી સામું જોવાઈ ગયું. એ પણ મારી તરફ, અમારાં બારણાં તરફ, નજર ઠેરવીને ઊભો’તો. બૉબીનો સાચો ઓછો ને ખોટો વધુ ભેંકડો ચાલુ હતો.

‘કબાટમાંથી દવાનું બૉક્સ લાવ. એમાં બૅન્ડેડ હશે.’ દીદીએ મને ઑર્ડર કર્યો. મેં બોક્સમાંથી એક બૅન્ડેડ કાઢી ત્યાં સુધીમાં દીદીએ બૉબીની આંગળીને પાણી રેડીને સાફ કરી નાખી. સ્હેજ છોલાયું હતું. પાણી અડતાં બૉબીનો અવાજ ધીમો થઈ ગયો ને દીદીએ બૅન્ડેડ લગાવી ત્યાં તો અવાજ બંધ. દીદીએ પાણીવાળો હાથ બૉબીના મોંએ ફેરવીને મોં લૂછ્યું ત્યાં તો બૉબીને કાંઈ થયું જ નથી જાણે, એમ ઊભો થઈ ગયો.

બહારથી એકે એક બૉલ પર જોરદાર અપીલના અવાજો આવતા’તા.

‘હવે બહાર જતો નહીં. તું ને માસી ગેમ રમો.’ દીદીનો હુકમ. મારી અંદર, બહાર ડોકાવાની છટપટાતી થતી’તી. દીદીને બપોરે સૂઈ જવાની આદત. વેકેશનમાં હું દીદીને ત્યાં આવું ત્યારે આખી બપોર બૉબી સાથે રમવામાં જાય. આ વેકેશનમાં વીડિયો ગેમમાં મજા પડતી’તી. કલ્પનામાંય ન આવે એવાં ચિત્રો રચાતાં – ભૂસાતાં; મગજમાંય ન બેસે એવા કોયડા ઊપસતા – ઉકેલાતા.

મને ને બૉબીને ટાઇમ ક્યાં પસાર થઈ જતો તેની ખબર રહેતી નહિ. અત્યારે બૉબી સરકીને ક્યારે બહાર ચાલ્યો ગયો એની મને ખબર રહી નહોતી. સાત વરસનો થઈ ગયો એટલે એ પોતાની જાતને મોટી માનવા લાગ્યો’તો પણ બાર – પંદરના છોકરાઓ સાથે કાંઈ રમાય?

‘નહિ, હું તો જવાનો. મને કાંઈ થયું નથી.’ કહેતોક ને બૉબી બારણાં બહાર દોડી ગયો. દીદીને બપોરે સૂઈ જવાની આદત. ‘તું ધ્યાન રાખતી રહેજે બારીમાંથી.’ કહીને દીદી રૂમમાં ચાલી ગઈ.

બપોરના કાયમ બંધ રહેતી બારી મેં ખોલી. સીધો જ વીકી દેખાયો. બારી ખૂલી કે એણે આ તરફ ટીકી ટીકીને જોવાનું કર્યું એમ મને લાગ્યું. હું બારીમાં ઊભી. શેરી, તડકો અને આખી ટીમ દેખાતી’તી. પણ મારી આંખો વીકીને જ જોઈ રહી. એ સ્લીપમાં ઊભો’તો એટલે બરોબર અમારી બારી સામે જ. દરેક બૉલ એ જ કૅચ કરતો’તો. ઊંચો ઊછળીને, ડાય મારીને, એક હાથે. એમ કરે ત્યારે વિકેટકીપરે અને કેપ્ટને તાળીઓ પાડીને ‘શાબાશી’ આપવી પડે. અહીં તો બધા તાળીઓ પાડતા’તા. મને મજા પડી ગઈ. મારા ચહેરા પરની ખુશી વાંચતો હોય એમ વીકી પણ વધુ તરવરાટ દેખાડતો’તો. રનનો આંક વધે તેમ મારા મનના ભાવ વધી રહ્યા.

બારણામાંથી બૉબી અંદર ડોકાયો. ‘મી! મને આ લોકો નથી રમાડતા..’ બૉબીએ ફરિયાદ કરી. બહાર ઊભેલા બેત્રણ ફિલ્ડરોએ આ તરફ જોયું. મેં બહાર નીકળીને આખી ટીમને કહ્યું. ‘ભૈ, આને બે દડા રમાડો ને!’ વીકીએ મારો બોલ ઝીલીને ઑર્ડર કર્યો, ‘હવે એક ઓવર બૉબીની.’

બૉબીનો પહેલો બૉલ, સીધો ઘા, ફુલટોસ, ફટકો અને વીકીના હાથમાં સીધો કેચ આવ્યો પણ વીકીએ પકડ્યો નહિ, પાડી દીધો, પડવા દીધો, ખોટી ખોટી ડાય મારી ને હસી પડ્યો મારી સામું જોઈને. હું પણ હસી પડી. અમારી બંનેની આંખો સામસામું હસતી રહી. બીજા છોકરાઓનું ધ્યાન હશે કે નહિ એનું ધ્યાન મને નહોતું. હું અધખૂલાં બારણામાં જ ઊભી’તી. શેરીનાં બારીબારણાં બંધ હતાં. અવરજવર નહોતી. તડકાનો સન્નાટો પથરાયેલો હતો. છોકરા રમતમાં હતા. હું અને વીકી આ બધાથી અલગ પડી ગયાં હોઈએ એવું હું અનુભવી રહી. ખરેખર, મને વીકી પ્રત્યે અજબનું આકર્ષણ થઈ રહ્યું. તડકો અંદર ન આવે એટલે બંધ રાખેલાં બારીબારણામાંથી અત્યારે દેકારો અંદર આવી રહ્યો છે એનું પણ મને ભાન ન રહ્યું.

‘મિષી! બારણું બંધ કરીને બેસ.’ રૂમમાંથી દીદીનો અવાજ, ‘કેટલો દેકારો કરે છે આ લોકો…’

મારે એટલું જ જોઈતું’તું જાણે. ઓચિંતા જ મને આવું ગમવા માંડ્યું. બારીબારણું બંધ કરીને હું ઓટલે ઊભી રહી. આટલા દેકારા વચ્ચે મને મારી અંદર એકાંત લાગ્યું. આટલા તડકા વચ્ચે મને આનંદનું લખલખું આવી ગયું. મારી અંદર એકમાત્ર વીકી રમી રહ્યો. તડકાની જેમ સમય પણ અટકી જાય ને આમ ને આમ બધું ચિત્રવત્ થઈ જાય તો કેવું સારું, એવું અસ્પષ્ટપણે મારી અંદર થતું’તું. વીકી વારંવાર મારી તરફ જોતો’તો. એને પણ મારી જેમ જ થતું હશે?

સામેના મકાનની બારી ખૂલી. પેલાં માસીનો ચહેરો દેખાયો, ‘વિકી ચલ, ચા પી લે, ભઈલા! પછી રમજે.’

‘હમણાં આવું’. કહેતો વીકી છલાંગ મારીને સામેના બારણામાં અદૃશ્ય. મને થયું, ‘હમણા આવું’ એમ એણે મને કહ્યું કે શું!

હા. એમ જ. ગયો એવો જ વીકી પાછો આવ્યો. બારણામાંથી ઠેકડો મારતાં એ હસતી આંખોએ મને જોઈ રહ્યો. ઘણો સમય એમ જ ચાલ્યું.

મિષી, કેમ બહાર ઊભી છે?’ દીદી ઊઠી. રસોડામાંથી અવાજ કર્યો.

‘અંદર જઈને મેં કહ્યું, ‘તેં જ કહ્યું’તું ને, બૉબીનું ધ્યાન રાખવાનું?’

‘એ તો અમસ્તું. બૉલ આવે ત્યારે આપણે આડો હાથ કરી શકીએ કાંઈ?… આ તો તું ક્યારેક બારીમાંથી ડોકિયું કરતી રહે તો બૉબીને ઠીક રહે છે એટલે કહ્યું’તું.’

હું અંદરથી ચૂપ થઈ ગઈ. દીદીને કાંઈ શંકા પડી હશે? જાગીને બાથરૂમમાં જતાં, બાથરૂમમાંથી રૂમમાંથી રસોડામાં જતાં એ મને જોઈ રહી હશે? એ વિચારે મને આછી કંપારી આવી ગઈ. જઈને ઉઘાડું બારણું બંધ કરી આવી.

રિમોટ-કંટ્રોલ હાથમાં લીધું પણ ગેઇમ ચાલુ કરવાની ઇચ્છા ન થઈ. બહારથી એક એક બૉલે જોરદાર અપીલના અવાજો આવતા’તા. અમારી બંધ બારીએ બૉલ ભટકાવાનો અવાજ થયો… ધડામ. મને થયું, વીકીએ જ ફટકો માર્યો હશે!

મને દોડીને બારી ખોલવાનું મન થયું. પણ દીદીએ ચા – દૂધના કપ ટેબલ પર મૂકતાં હુકમ કર્યો, ‘બૉબીને બોલાવ. નહિ જોયા હોય સચીનના દીકરા…’ દીદીને ક્રિકેટ ઉપર જ કંટાળો આવતો હોય એમ લાગ્યું. મને તો બહુ ગમતું’તું. પણ હવે દીદી મને જોવા નહિ દે; મને મનોમન એવું થતું’તું.

બારણું ખોલતાં મેં ‘બૉબી!’ બૂમ મારી, પણ મારી નજર તો સીધી ક્રીઝ પર જઈ પહોંચી. વીકી ત્યાં નહોતો. વીકી સામેના ઓટલે સૂનમૂન બેઠો’તો. કેમ? શા માટે?… મારી અંદર હલચલ. હું અંદર આવી એટલે એણે બૅટ મૂકી દીધું હશે?

‘ચલો, પહેલાં દૂધ પી લો.’ દીદીનો હુકમ. ‘જોઉં બૅન્ડેડ.’ દીદીએ બૉબીની આંગળી પકડી. ‘થોડો સોજો છે. મટી જશે.’ દીદીએ બૅન્ડેડને થોડી દબાવી. ‘ભલે એમ જ રહી.’

એકબે બટકાં ને એકબે ઘૂંટડા ભરતોક ને બૉબી બહાર દોડી ગયો. હું દીદી સામે બેઠી બેઠી એક પછી એક ઘૂંટ લેતી રહી. મને અત્યારે દીદી મારી વૉચ રાખતી હોય એવી લાગતી’તી.

‘બારણું ખોલી નાખ. હવે તડકો નહિ આવે. પાછું વાગ્યા પર વાગશે તો ભાઈસાહેબ ભેંકડો તાણશે.’ દીદીના શબ્દો મને તડકામાં વરસાદના છાંટા જેવા લાગ્યા. ઉતાવળે જઈને મેં બારણું ખોલ્યું. પણ ઓટલે ઊભવું કેમ કરીને? દીદીને કેવું લાગશે? એને શંકા પડે કે હું વીકીને જોવા ઊભી છું, તો? એ વિચારમાં એમ જ ઊભી રહી, ત્યાં દીદીએ કહ્યું, ‘તારે કાંઈ કરવું ના હોય તો ત્યાં બેસ; ધ્યાન રાખજે.’

મારી અંદર ‘દીદી!… મારી દીદી!’ એવું થઈ રહ્યું. ‘મારે અહીં ઊભા રહેવા સિવાય કાંઈ કરવું જ ક્યાં છે, મારી દીદી!’ હું રાજી રાજી થઈ ગઈ. આ વખતે દસમાની એક્ઝામ આપીને તરત આવી ગઈ એટલે લાંબો સમય થઈ ગયો. હમણાં હમણાં મારા ચહેરા પર ક્યારેક એનો કંટાળો તરી આવતો. દીદી એ પામી જતી ને મને જેમ કરું તેમ કરવા દેતી. જોકે, તોય મને દીદીને ત્યાં વેકેશન ગાળવું ગમતું. એમાં, આજ તો બહુ ગમવા માંડ્યું.

હું ઓટલે આવી ઊભી કે વીકી ઊભો થયો. પેલા પાસેથી બૅટ લીધું. બધા છોકરાઓ તાળી પાડી ઊઠ્યા. ‘બૉલે બૉલે સિક્સર, હો વીકી!’ એક બોલી ઊઠ્યો. વીકી હસી રહ્યો. બધા છોકરા દેકારો. સામેવાળું બારણું ખૂલ્યું. પેલાં માસી એના ઓટલે આવ્યાં. આમતેમ જોયું. મારી સામે એકધારું જોઈ રહ્યાં. કેમ મને જ જુએ છે? હું આમતેમ જોવા માંડી. પછી બૉબી સામું જોઈ રહી. હવે વીકી સામું જોવું જ નથી. માસી એમ જ જોઈ રહ્યાં. ઘડીક વાર ઊભીને ઓટલે જ બેસી પડ્યાં. હવે? ઘણો સમય એમ જ ચાલ્યું.

તડકો શેરીમાંથી ઊંચકાઈને બીજા માળની બારીઓમાં ઘૂસવા માંડ્યો. બારણાં ખૂલવા માંડ્યાં. ઓટલા જીવતા થયા. શેરીમાં અવરજવર શરૂ થઈ. ‘સાંજ પડવા આવી. હવે બંધ કરો આ ભવાડા..’ એક માસી પસાર થતાં બોલ્યાં, પણ કોઈએ સાંભળ્યું નહિ. મને એ માસી જરાય સારી ન લાગી. ભલેને આ લોકો રમતા જ રહે એવું મને થતું’તું. ભલે ને હવે વીકી સામું સતત ન જોવાય; ક્યારેક ક્યારેક તો નજરો મળે છે! એય કેવું ગમે છે! મને સાંજ પણ સારી લાગતી’તી.

‘મી, મને બૅટિંગનું કહે ને!’ બૉબી બોલ્યો. વીકીએ સાંભળ્યું. એણે તરત બૉબીને બૅટ આપ્યું ને મારી સામે ફિલ્ડિંગમાં ઊભો. મને બહુ ગમ્યું. એણે એક વાર મારી આંખોમાં આંખો મિલાવી. અમારી બંનેની આંખો હસતી’તી. હું શરમાઈ ગઈ. પેલી માસીની આંખ અમારાં પર ચોંટી રહી. હું ધ્રૂજી ઊઠી. ત્યાંથી અંદર ચાલ્યા જવાનું મન થયું પણ પગ ઊપડ્યા નહીં. થોડો સમય એમ ચાલ્યું.

ત્યાં જીજાજીના સ્કૂટરની બ્રેક વાગી. એમની નજર સીધી બૉબી પર પડી. ‘ચલ, અંદર.’ હુકમ. બૉબીએ બૅટ મૂકીને દોટ દીધી. જીજાજીની નજર બૉબીની આંગળી પર પડી. ‘શું થયું?… કેમ કરતા?…’ પ્રશ્નો. જીજાજીએ અંદર આવતાં આવતાં બૉબીની આંગળી જોઈ.

‘વીકીએ બૉલ વગાડ્યો.’ બૉબી ઓચિંતો રડવા લાગ્યો.

‘કોણ વીકી?’

‘એણે નથી વગાડ્યો. આ ભાઈ જ પડી ગયા.’ હું બોલી ગઈ. જીજાજી મારી સામું જોઈ રહ્યા. મેં વીકીની ફેવર કરી એ એમને ગમ્યું નહિ કે શું? મેં વીકીની ફેવર કેમ કરી? મને ભાન ન રહ્યું.?

જીજાજીએ બૅન્ડેડ ઉખેડવા કર્યું. ‘નંઈ, નંઈ ઉખેડવી નથી. દુઃખે છે.’ બૉબીનું રડવાનું ચાલુ.

‘હવે કાંઈ થયું નથી. જરાક છોલાયું છે. આ તો મેં અમસ્થા બૅન્ડેડ લગાવી દીધી.’ દીદીએ ખુલાસો કર્યો.

‘અચ્છા, અચ્છા, ચૂપ. ચૂપ થઈ જા. કાલે એસેલવર્લ્ડ જવાનું છે.’ કહેતાં જીજાજી બાથરૂમ તરફ. બૉબીનું રડવાનું બંધ. દીદીનું હસવાનું ચાલુ. હું કેમ હસતી નથી એવી શંકા સાથે દીદી મારી સામું જોઈ રહી. હું કેમ હસતી નથી? અંદર આવવું પડ્યું એ મને ન ગમ્યું? હવે બૉબી બહાર નહિ જઈ શકે એ ન ગમ્યું? કાલે એસેલવર્લ્ડ જવાનું એ ન ગમ્યું?

સાંજ પડી ગઈ તોય બહારથી છોકરાઓનો દેકારો ધસી આવતો હતો. પણ બૉબી બહાર ન જાય તો હું કેમ જઈ શકું? અને હવે રાતની રસોઈ પણ કરવાની. આ વખતે દીદી રસોડામાં ઓછું ધ્યાન આપતી. મને બધું શીખવાનો આગ્રહ કરતી. એ મને ગમતુંય. પણ અત્યારે હું રસોડામાં ને દીદી ઓટલે જઈ બેઠી એ મને બિલકુલ ન ગમ્યું. ઢીલા હાથે હું રસોઈ કરતી રહી. મન વગર જમી. એસેલવર્લ્ડની વાતોમાં ભળવાને બદલે મૂંગી મૂંગી ફિક્કું હસતી રહી. દીદી – જીજાજી ટીવી જોતાં બેઠાં. મને અત્યારે એય મન ન થયું. બૉબીય થાક્યો હતો. અમે બંને બારી પાસેના અમારા પલંગ પર જઈ બેઠાં.

‘હવે મિષા કંટાળી લાગે છે.’ જીજાજી બોલ્યા.

દીદીએ ટીવીમાંથી નજર ખેસવી નહિ. એમ જ જવાબ દીધો: ‘બસ, હવે આજકાલમાં જ પપ્પા – મમ્મી આવવાનાં ને. મીનામાસીની તબીયત સારી નથી એટલે અહીંથી વડોદરે જવાનાં. સવારે જ ફોન હતો.’

સવારે મને આ વાત બહુ ગમી’તી. અત્યારે મારી અંદર ચિત્કાર થઈ ઊઠ્યોઃ ‘ના. મારે નથી જવું. મારે અહીંયાં જ રહેવું છે. મને અહીં જ ગમે છે.’ પણ, કાલે પપ્પા – મમ્મી આવે ને કહે ચાલ, તો હું ના પાડી શકીશ? શું કહીશઃ મને વીકી બહુ ગમે છે. મારે વીકી હોય ત્યાં જ રહેવું છે, એમ?

બૉબીની બૅન્ડેડ લગાવેલી આંગળી મારા હાથમાં હતી.

રોજ તો દીદી-જીજાજી ટીવી જોતાં હોય ત્યાં અમે સૂઈ જઈએ. અત્યારે બૉબી સૂઈ ગયો. મારી આંખ મળતી નહોતી. મને વીકીના વિચારો આવતા’તા. કાલે બપોરથી એસેલવર્લ્ડ ચાલ્યા જઈશું તો રાત સુધી નહિ આવીએ; તો વીકી? …હું બૉબીની બૅન્ડેડવાળી આંગળી જોઈ રહી.

ઉપરવાળા માસીએ કહેલું કે, બૉબી – મિષા ભલેને બધાં છોકરાં સાથે ધાબા ઉપર સૂવે, પણ દીદીએ ના પાડેલી. નહિતર અત્યારેય વીકીને જોઈ શકાત. વીકી તો એની અગાસીમાં જ સૂતો હોય ને! છોકરાની જાત, કેવી સ્વતંત્ર! અહીં તો દીદી કહે તેમ રહેવાનું.

પડખાં ફેરવવામાં મારી અકળામણ બહાર આવતી’તી. ક્યાંય સુધી એમ જ પડી રહી. ઘરની લાઇટો ઑફ થઈ. દીદીને એમ કે હું સૂઈ ગઈ છું. પણ મને ઊંઘ ક્યાંથી?…તો, તો? કાલે આખો દિવસ વીકી નજરે નહિ પડે ને?… વીકીને કહું, એય એસેલવર્લ્ડ આવે; તો? ભલે ને અમારી સાથે ન આવે, પણ એકબે ફ્રેન્ડ સાથે આવે ને અમને ત્યાં મળે. પછી તો શેરીનાં છોકરાં ગણીને સાથે સાથે રાખવામાં દીદીને વાંધો ન રહે! આ વિચારે હું રાજી થઈ ગઈ.

શેરી જંપવા માંડી તો ય મને ઊંઘ આવતી નહોતી. દીદીના બેડરૂમમાંથી કાંઈ અવાજ નહોતો. હું ધીમેથી ઊભી થઈ. શેરીમાં પડતી બારી ધીમેથી ખોલી. આખી શેરીમાં ચાંદની પથરાયેલી હતી. સ્ટ્રીટલાઇટના પીળા અજવાળાનો કાંઈ હિસાબ નહોતો. વીકી અગાસીની કોર પર ઝળૂંબીને ઊભો’તો. ‘વી..કી..! હું બોલી ઊઠત, પણ મારા રૂંવે રૂંવે એ અવાજ ફૂટી નીકળ્યો. વીકીની નજર મારા પર ચોંટી. નીચું જોયેલો એનો ચહેરો દેખાતો નહોતો. બારીની અંદર ઊભેલી મારો ચહેરો એને પણ દેખાતો નહિ હોય. પણ અમને બંનેને ચોક્કસ હતું કે અમે બંને નજરોથી એકરૂપ બની રહ્યાં છીએ! વીકીને પણ એમ જ હશે ને કે હું બારી ખોલ્યા વિના નહીં રહું! મને પણ થતું’તું જ કે, વીકી અગાસીમાં ઊભો ઊભો મને જોવા અધીરો થતો હશે! બંને દિલ કેવાં એકબીજાનાં અરમાનો જાણે છે!

આમ ને આમ કેટલી વાર ઊભાં રહ્યાં બંનેને ભાન ન રહ્યું. હવે તો શેરી અને ચાંદની સિવાય અમને કોઈ જોતું ય નહોતું.

‘હવે સૂઈ જાને, ભઈલા!” સામેની અગાસીમાં અવાજ થયો.

‘મને ઊંઘ નથી આવતી. સૂઈ જઈશ હમણાં.’ વીકીનો જવાબ. ખરેખર, મને પણ ઊંઘ યાદ નથી. થાક યાદ નથી. કાંઈ યાદ નથી.

દીદીના રૂમમાં અવાજ. અવાજ થયો કે હું બારી બંધ કરતાંકને પલંગમાં લાંબી થઈ ગઈ. કેવી પરતંત્રતા! છોકરાની જાત, કેવી સ્વતંત્ર! દીદી બહાર આવીને રસોડામાં ગઈ. દસ-પંદર મિનિટ થઈ તોય એ રસોડામાં કંઈક ખડખડ કરતી રહી. હવે બારી નહિ ખોલી શકાય. બારી નહિ ખૂલે તો વીકી લંબાવશે. ભલે સૂઈ જાય. સવારે વહેલો જાગે તાજામાજો ને તરત ક્રિકેટ શરૂ…

ક્યારે સ્વપ્નાવાળી ઊંઘ શરૂ થઈ ગઈ એનું મને ભાન ન રહ્યું. આમે ય આજ બપોરથી જાગૃતિ અને સ્વપ્નાં વચ્ચે ગોથાં ખાતી રહી છું ને! જેવો બપોરનો તડકો એવી મધરાતની ચાંદની! બધું એકરસ થતું આવતું’તું!

‘હવે જાગો, બેટા!’ દીદીના અવાજે મારી આંખો ખુલી. ‘આજે તો બહુ સૂઈ રહી.’ દીદીને હું સૂતી લાગતી’તી. મને થયું, હું ઊંઘી જ નથી જાણે. એમ જ, અરધી ઊંઘતી પડી રહી’તી. જાણે બપોરનો તડકો ને મધરાતની ચાંદની એકરસ થઈને મારી અંદર ઘૂમરાતાં’તાં!

જીજાજી ને બોબી ચાના ટેબલ પર હતા. આખી રાત આકાશમાં સફર કરી કરીને મારું શરીર થાકી ગયું હોય એમ લાગતું’તું. પણ તો યે મને તરત એમ થયું કે આ લોકો અત્યારથી જ ક્રિકેટ રમવાનું ચાલુ કરી ઘે તો કેવું સારું? મારા મનની મુરાદ ઈશ્વર પાસે પહોંચી ગઈ હોય એમ બૉબી જેવડા છોકરાએ બારણામાં ડોકાઈને બૂમ પાડી, “બૉ….બી મને થયું, એ રમવા બોલાવે છે. ખરેખર, એમ જ હતું. બૉબીને બદલે મને બહાર દોડી જવાનું મન થયું, પણ હું કાંઈ એમ જઈ શકું? બૉબી તો બહાર દોડી ગયો. પણ સવાર સવારમાં મારાથી દીદી સાથેના ઘરકામમાંથી કેમ છુટાય? તોયે, દીદી બાથરૂમમાં ગઈ ત્યારે હું બારીમાંથી ડોકાઈ. અરધીપરધી ટીમ એકઠી થઈ ગઈ હતી. વીકી મારી રાહ જોતો સામેના ઓટલે બેઠો’તો. અમારી આંખો મળી ને આંખોમાં આનંદ છલકાયો.

મારા આખા દેહમાં કંપારી વ્યાપી વળી.

પણ, આજે ગઈકાલ જેવી નિરાંત નહિ મળે. આજે અમે એસેલવર્લ્ડ ચાલ્યાં જઈશું ને વીકી એકલો પડી જશે. વીકીને કેમ કહેવું કે તુંય આવને! ઘરકામમાં ગૂંથાયેલું મારું મન દરેક વાતે ગૂંચવાતું જતું’તું. જીજાજી પૂજામાં બેઠા’તાં. મને ય ભગવાનને એક-બે પ્રાર્થના કરવાનું મન થયું. ખરેખર, પેલી કવિતામાં આવતું’તું એવું જ થયુંઃ ખરેખર, ભગવાન અમારા જેવા નોધારાનો આધાર છે. ભગવાન જ આવા સમયે ગરૂડે ચડીને આવે છે. મારામાં વિચાર ઝબક્યોઃ વીકીને કહી ન શકું પણ ચિઠ્ઠી તો લખી શકાય ને!

મારા કામમાંથી પરવારીને હું ધીમે ધીમે અમારા પલંગ પર આવી બેઠી. સીધું લખવાનું કરીશ તો દીદીનું ધ્યાન જશે. પહેલાં એક પુસ્તક ખોલીને બેઠી. વચ્ચે વચ્ચે જોઈ લેતી કે દીદી શું કરે છે? પછી, પુસ્તકમાં કાગળ રાખીને પેન હાથમાં લીધી. શું લખવું? શું સંબોધન કરું? ‘પ્રિય’ લખ્યું, ને જોઈ રહી. મારી અંદર આનંદની હેલી મચી રહી. પણ, વીકીને ન ગમે તો? આવું તો સહુ લખે. ‘પ્રિય’ છેકી નાખ્યું. ‘વ્હાલા પરિષ્વજન’ લખ્યું. આ શબ્દ મને આ વરસે જ જાણવા મળ્યો’તો, ત્યારથી ગમી ગયો’તો. પણ, વીકીને નહિ ગમે તો? એ તો કહી દે એવો છે? મારે કાંઈ લવ – ફવ નથી. રમતાં રમતાં તો સહુ હસતાં જ હોયને! હસીએ એટલે કાંઈ લવ કહેવાય? તો, મારી શી વલે થાય? ઘડીભર થયું કે નથી લખવી ચિઠ્ઠી. પણ વકી સાંજે નજીક આવે ને વાત થાય ને વીકી કહે કે મને કહ્યું હોત તો હુંય એસેલવર્લ્ડ આવત, તો? ચિઠ્ઠી તો લખી જ નાખું. કોઈ સંબોધન નથી કરવું. એમ જ જાણ કરી દઉં. ‘અમે આજે એસેલ વર્લ્ડ જવાનાં…’ આટલું જ લખ્યું. છેકેલાં સંબોધનવાળો ભાગ ફાડીને કાગળ ગાઉનના ખિસ્સામાં મૂકી દીધો. દીદી રસોડામાંથી આ તરફ જોઈ રહી છે એની મને ખબર ન રહી. મને ફાળ પડી દીદી હમણાં કહેશે, ખિસ્સામાં શું મૂક્યું? તો? વળી, મેં ભગવાનને પ્રાર્થના કરી : મારું આટલું કામ પાર પાડજો, ભગવાન!

દીદીને શંકા ન પડે એવી સ્વાભાવિકતાથી ધીમે ધીમે ઓટલા પર! આવી ઊભી. બેટ ઘુમાવતો વીકી તો સામે છેડે હતો. એ જલદી આઉટ થાય એવો નથી. હું આ ચિઠ્ઠી કેવી રીતે આપી શકીશ? બૉબી મારી પાસે હતો, એને કહું કે આ વીકીને આપી આવ. પણ, બૉબીને આપતાં આવડે? બીજોત્રીજો જાણી જાય તો? ખુદ બૉબી જ દીદીને કહે કે ‘મીએ વીકીને કંઈક આપ્યું,’ તો? એમ નથી કરવું. વિકી ફિલ્ડિંગમાં આ બાજુ આવે તો જ આપવી છે. મારી નજરની દોર વીકીને ખેંચી રહી. એ મારી આરઝ પામી ગયો હોય, કે બેધ્યાન થયો હોય. પણ બોલ્ડ થઈ ગયો. હસતો હસતો મારી પાસે ફિલ્ડીંગમાં આવી ઊભો, ગઈ કાલની જેમ. મારી અંદર મોરલા ટહુકવા માંડ્યા. એને પણ એવું થતું હશે? એની આંખોમાંય એવું વંચાય છે. હમણાં, બધાનું ધ્યાન પેલો ફટકો મારે એમાં હોય ત્યાં ચિઠ્ઠી આપી દઉં એવા વિચારે મેં ગાઉનમાં હાથ નાખ્યો. ત્યાં હાથમાં છાપું લઈને જીજાજી મારી પાસે આવીને ઊભા રહ્યા. ઊભા શું ઓટલે બેસી પડ્યા; બેસી પડ્યા શું, છાપું પહોળું કરીને, દીવાલને ટેકો દઈને, આરામથી વાંચવા માંડ્યા. આજે એમને રજા. નિરાંત. હવે હમણાં એ ઊભા નહિ થાય. મેં ખિસ્સામાં પકડી રાખેલી ચિઠ્ઠી એમ જ રહી. મારી અંદર અંધારું અંધારું થઈ ગયું. કાયમ પ્રેમથી જોતી હું, જીજાજીને અત્યારે ચીડથી જોઈ રહી. આખી દુનિયા, ખુદ ભગવાન પણ અમારા પ્રેમની વિરુદ્ધ હોય એવું મને થયું. હું ઢીલીઢફ થઈ ગઈ. બૉબીની આંગળી પર લગાવેલી બૅન્ડેડ જોઈ. એમ જ હતી… મને એ બૅન્ડેડ ઊખેડી નાખવાનું મન થયું.

હવે હું અહીં ઊભી રહીશ તો વીકી મારા સામું જોયા વિના નહિ રહે ને હું વીકી સામું જોયા વિના નહિ રહું. અને અમારા લવ ઍટ ફર્સ્ટ સાઇટની જીજાજીને જાણ થઈ જાય તો? તો…તો…

જીવનની બધી નિષ્ફળતાના ભાર સાથે હું અંદર આવી. જમીને તરત, વહેલાં વહેલાં, એસેલવર્લ્ડ જવાનું હતું એટલે દીદી તો બધું ઉતાવળે ઉતાવળે પતાવતી’તી. બૉબી કરતાં દીદીમાં વધુ ઉત્સાહ દેખાતો’તો. મને એ ગમતું ન’તું. એસેલવર્લ્ડ તો નામ હતું; અમથું મેળા જેવું હતું. તોય આ લોકોને કેવો આનંદ થાય છે! એમાં શું જવું?

‘મિષી! તારા જીજાજીને ને બૉબીને અંદર બોલાવ.’ દીદીનો હુકમ.

હંઅ. ભગવાન સીધો છે. જીજાજીને અંદર આવે કે ગમે તેમ કરીને વીકીને જાણ કરી દઉં. બહાર આવીને મેં જીજાજીને અંદર જવા કહ્યું. જીજાજીએ બૉબીને હુકમ કર્યો, ‘ચલ, અંદર.’ બૉબી કહે, ‘આ ઓવર પૂરી કરીને.’ જીજાજી કહે, ‘એને લેતી આવ.’ બોલો, ભગવાન સીધો છે કે નહિ?

પણ, જેવી હું ઓટલે ઊભી કે વીકી મોં તંગ રાખીને એનાં બારણામાં દોડી ગયો. હું ચાલી ગઈ’તી એનો બદલો લેતો હોય એમ મને લાગ્યું. મારી અંદર ‘ન જા.’ થઈ રહ્યું. હું ‘વી…કી…!’ એમ ચીસ પાડી ઊઠત, પણ બલ્બ ઊડી જાય એમ મારું ચેતન હરાઈ ગયું. હું વીકીનાં બારણાં સામું નજર ખોડીને ઊભી રહી. વીકી હોત તો હું બૉબીને મોટેથી કહીને જાણ કરી દેતા કે, ‘જલદી ચાલ, આપણે અત્યારે એસેલવર્લ્ડ જવાનું છે.’ પણ, વીકી મારાથી રિસાયો હોય એમ ચાલ્યો ગયો.

બેત્રણ મિનિટ પછી બહાર આવ્યો. મને લુખ્ખી નજરે જોઈ રહ્યો. મારે હવે અંદર જવું જોઈએ. નહિતર દીદી… શું કરવું?…મેં ખીસામાંથી હાથ બહાર કાઢીને, હિંમત એકઠી કરીને, ચિઠ્ઠી ઓટલા પાસે નાખી. મારી નજર કહી રહીઃ આ બાજુ ફિલ્ડિંગમાં ઊભા રહીને લઈ લેજે. ને હું અંદર ચાલી ગઈ.

અંદર આવી, ને ધ્રાસકો પડ્યોઃ વીકી સમજી ગયો હશે? ચિઠ્ઠી લઈ લીધી હશે? નહિ લે તો? બીજા કોઈ છોકરાના હાથમાં આવશે તો? દીદીને જાણ થશે તો? ભવાડો થશે તો?

જમ્યાં, તૈયાર થયાં, બહાર નીકળ્યાં, જીજાજી સ્કૂટર ઉતારતા’તા. મારો મૂંઝારો વધી ગયો’તો. બહાર આવતાંકને મારી નજર ઓટલા પાસે ચિઠ્ઠી નાખી હતી ત્યાં પડી. ચિઠ્ઠી ત્યાં નહોતી, ઊડીને થોડે દૂર પડી’તી. ક્રિકેટ ટીમ ચાલી ગઈ હતી. શેરી અને ચિઠ્ઠી એકલાં પડ્યાં’તાં. હું બે ડગલાં ચાલીને ચિઠ્ઠી લઈ શકું તેમ નહોતી. મારી ચકળવકળ આંખોને નહીં સમજતી દીદીએ બારણાને લૉક કર્યું ત્યાં સુધીમાં ચિઠ્ઠીને જોતાં જોતાં મારી અંદર લોહીનું પાણી થઈ ગયું. સ્કૂટર પાછળ અમે બે બહેનો ને આગળ બૉબી. હૅન્ડલ પકડતાં જીજાજીએ બૉબીની દુઃખતી આંગળી દુ:ખાવી. બૉબીએ ચીસ પાડી. ‘કાંઈ થયું નથી. ચૂપ રહે. બૅન્ડેડ છે પછી…’ જીજાજીનો અવાજ.

મારા મગજ ઉપર પણ કોઈએ બેન્ડેડ લગાવી દીધી હોય એમ હું એસેલવર્લ્ડ પહોંચી. બધા ગાંડા થઈને એક એક આઇટેમ માણતા’તા. મને કશાયમાં રસ પડતો ન’તો. મારું શબ ઊંચકીને બધા ઘૂમતા હોય એવું મને થતું’તું. ક્યારેક ક્યારેક કોઈ ટોળામાં મને વીકી દેખાઈ જતો પણ એ વીકી નીકળતો નહીં. દરેક આઇટેમમાં બૉબી સાથે મારે જ જોડાવું પડતું. પણ મારું ચેતન વગરનું શરીર શું કરે છે એનું મને ભાનસાન નહોતું. સાંજ પડી, ને લાઇટો ઝળહળવા માંડી તોય હું ભાનમાં ન આવી. અમારું સ્કૂટર શેરીમાં આવી ઊભું ત્યારે મારામાં ચેતન આવ્યું. વીકી એક નાના છોકરા સાથે એના ઓટલે બેઠો’તો. અમને જોતાં જ એ આનંદમાં આવી ગયો લાગ્યો. પણ મારી નજર અમારા ઓટલે પડી તો પપ્પા – મમ્મી બેઠેલાં! બધાંનાં હસવાં – કારવવાં વચ્ચે હું આસપાસ જોવા માંડી. પેલી ચિઠ્ઠી ઊડતી – આથડતી વીકીના ઓટલા પાસે પહોંચી ગઈ’તી. વીકીની નજર એના પર પડી. એણે ઉપાડી. વાંચી. એકધારું મારી સામે જોઈ રહ્યો. સ્ટ્રીટ લાઇટનું પીળું અજવાળું અમારા ચહેરા ઢાંકતું’તું.

આવડા મોટા બૉબીને પપ્પાએ તેડી લીધો, ને તરત પૂછ્યું, ‘આંગળીએ શું થયું?

‘કાંઈ થયું નથી. થોડું છોલાયું છે. બૅન્ડેડ તો અમસ્થી લગાવી છે.’ દીદીએ એ વાતને જરાય મહત્ત્વ આપ્યું નહીં. મને તો હવે બેન્ડેડ સાથે કંઈક અનુસંધાન થઈ ગયું લાગતું’તું. વીકી સિવાય બીજી કોઈ વાત મારા મગજમાં આવતી નહોતી. કાલે પપ્પા–મમ્મીની રાહ જોતી’તી; અત્યારે એ આવ્યાં એ મને ગમ્યું નહીં. એ લોકો શી વાતો કરવા મંડી પડ્યાં એ હું સાંભળતી નહોતી. પપ્પા મમ્મી એકાદ દિવસ રહીને કહેશેઃ ‘ચલ.’ તો?

એમાં, દીદી વાતવાતમાં બોલી, ‘મિષાય હવે તમારી જ રાહ જોતી’તી. બે દિવસથી તો સાવ ઢીલી પડી ગઈ છે.’ ને મારી અંદર ચિત્કારો થઈ ઊઠ્યા: હું કાંઈ રાહ જોતી નહોતી – હું કાંઈ ઢીલી પડી ગઈ નથી – હું કાંઈ અહીંથી જવાની નથી –’ પણ, મારું ચાલશે કાંઈ?

અત્યારે જમીકરીને બધાં અહીં બેઠાં છે તો બહાર ઓટલે ન બેસાય? બૉબીય પપ્પાની ગોદમાંથી નીકળતો નથી. બહાર છોકરા એકઠા થયાનો અવાજ આવે છે પણ બૉબીનું એ તરફ લક્ષ જ નથી. સહુ વાતો કરતાંય થાકતાં નથી. રોજરોજ ટપાલ લખતાં હોય, ફોન કરતાં હોય, પછી આટલી બધી વાતો શું? પણ આખી દુનિયા અમારી વિરુદ્ધ જ છે પછી શું? એમાં, મારા અને બૉબીના પલંગ પર પપ્પાએ સૂવાનું કર્યું ને અમારે મમ્મી સાથે રૂમમાં સૂવાનું થયું ત્યારે મારા પ્રાણ ઊડી ગયા! કોઈ વાતે હું કોઈને કાંઈ કહી શકતી નહોતી. કોઈને કહું પણ શું? એમાં, કાલે બપોરની બસમાં વડોદરા જવાનું નક્કી થયું. હું શું બોલું?

હું જોતી’તીઃ પપ્પાએ બારી ખુલ્લી રાખી. બારીમાંથી ચાંદની દેખાતી’તી. છોકરાઓ રમી રહ્યા’તા. મારે થાકેલી મમ્મી જોડે રૂમમાં લંબાવવું પડ્યું. છોકરાની જાત, કેવી સ્વતંત્ર! હું જાગતી પડી રહી કે ઊંઘતી પડી રહી; મારી અંદર – બહાર પથરાયેલી ચાંદની ને છોકરાના અવાજો સવાર સુધી ઊમટતાં રહ્યાં.

સવારે બ્રશ લઈને ઓટલે જતાં તો કોઈ રોકે નહિ! જોયું તો, વીકી, આંખો હસાવતો, એના ઓટલે. હું રાજી રાજી થઈ ગઈ. શેરીમાં કોઈ કોઈ માસી દેખાતી’તી, પણ કોઈનું ધ્યાન અમારી આ પ્રણયલીલા પર નહોતું. વીકીએ ખીસામાંથી ગડી કરેલો કાગળ કાઢ્યો. હસતાં હસતાં મારી સામું જોઈને મારી તરફ ઘા કર્યો. પ્રેમપત્ર! એ જ ક્ષણે એ ઝડપી લેવા હું પગથિયું ઊતરી, કે પપ્પા છાપું લઈને ઓટલે આવ્યા. મારા પગ થંભી ગયા. હવે? શેરી વચ્ચે પડેલા પ્રેમપત્રને પપ્પા દેખે એમ કેમ લેવો? બ્રશ હલાવ્યા વગર હું એમ જ ખોડાઈ ગઈ. વીકી પણ ફાટી આંખે એમ જ બેસી રહ્યો. સામેવાળાં માસી સાવરણો લઈને બહાર નીકળ્યાં. એના ઓટલા પાસેની શેરી વાળવા માંડ્યાં. બધો કચરો ભેગો કર્યો એમાં અમારો પ્રેમપત્ર પણ હતો. કાયમના ક્રમ પ્રમાણે માસીએ માચીસમાંથી દીવાસળી કાઢી, સળગાવી ને કચરાની ઢગલીને ચાંપી દીધી!

‘મિષી!’ મમ્મીએ સાદ કર્યો. ‘ચલ. પછી તારાં કપડાંલત્તાં ને બધું ભેગું કરી લે.’

એક વાર તો એમ થઈ ગયું કે બધાને રાડો પાડીને કહી દઉં: મારે અહીંથી ક્યાંય જવું નથી. મને મારી નાખવી હોય તો મારી નાખો! હું અહીંથી ક્યાંય જવાની નથી.

પણ, એવું કરી શકું કાંઈ? ચાપાણી કરીને બધી તૈયારી કરવામાં પડી. બહાર છોકરા એકઠા થયા હતા. આજ બૉબીડોય બહાર જવાનું નામ લેતો. નથી. એ તો મમ્મી – પપ્પાની આસપાસ ઊડાઊડ કર્યા કરે છે. રૂમમાં એકલાં બધું ગોઠવતાં મને વિચાર આવ્યો. હું વીકીને બધું લખીને આપતી જાઉં. તરત લખવા બેસી ગઈ : ‘મારા વ્હાલા વહાલા પરિષ્વજન! હું તમને મારું દિલ દઈ બેઠી છું. તમારા વિના હું જીવી શકીશ નહિ. શું કરવું તે મને કાંઈ સૂઝતું નથી. અમારે આજે જ જવાનું છે. તમે સાથેના એડ્રેસ પર મને કવર લખશો. લિખિતંગમાં છોકરીનું નામ લખશો. હું સમજી જઈશ. તમારું ઍડ્રેસ મોકલશો. દિવાળીના વેકેશનમાં તરત જ અહીં પહોંચી જજો. – સદાયની તમારી, તમારી ને તમારી જ મિષા.’ નાહીને, કપડાં બદલતાં, અરીસા સામે ઊભી ઊભી મારી સાથે નહિ, વીકી સાથે વાતો કરી રહી. મારામાં પહાડ જેવો વિશ્વાસ ખડો થયો. આખી દુનિયાનો દરિયો ઊછળી ઊછળીને મોજાં પછાડે તોયે ડગે નહિ એવો હતો એ.

આજ સુધી મારું ધ્યાન નહોતું કે દીદીના દરેક રૂમમાં વૉલપીસ છે. અત્યારે વારંવાર મારી સામે ઘડિયાળ જ આવ્યા કરતી હતી. બપોરની એકની બસ. સાડા બારે તો અહીંથી નીકળી જવાનું. સહુ પોતપોતાની પ્રવૃત્તિમાં હતાં. મને બહાર જવા સિવાય કોઈ વિચાર આવતો નહોતો. ઘડિયાળ નવ ઉપર પહોંચી. બૉબી બહાર જવાનો નહીં એ નક્કી. હવે? એમ જ, આમતેમ હરતાંફરતાં, હું બારણું ખોલીને બહાર આવી. વીકીને જોયો નહીં. હું મૂંઝાઈ. મને બહાર આવેલી નહિ જોતાં ગુસ્સે થઈને અંદર ચાલ્યો ગયો હશે? શું કરું? મારી અંદર ‘વીકી! વીકી!’ થઈ રહ્યું. વીકી દેખાયો નહીં. હવે?

‘ચલો, વહેલાં વહેલાં જમી લો, નિરાંતે.’ હજી તો અગિયારે નથી થયા ત્યાં દીદીની ઉતાવળ. તોપણ હું બારીમાંથી બહાર ડોકાઈ. વીકી એના ઓટલે બેઠો’તો. એ મારી સામું એકધારું જોઈ રહ્યો. એના ચહેરા પર હાસ્ય નહોતું. એના ચહેરા પર કાંઈ નહોતું. એ ખરેખરો મારા પર ગુસ્સે થયો લાગ્યો. જઈને મારા પ્રેમપત્રનો ઘા કરી આવું.

‘મિષી! ચલને, ભાઈ! દીદી પાસે આવીને ઊભી રહી. અત્યારે હું જવાની, એટલે એ મને વહાલ બતાવતી હતી. પણ, નથી જોઈતું મારે એવું વહાલ. પણ દીદીને શું કહું?

મારે બારીએથી ખસવું પડ્યું. ઇચ્છા વગર જેમતેમ જમવું પડ્યું. સહુ સાથે હસીખુશીથી વાતો કરવી પડી. બૉબી આજે બહાર નીકળ્યો નહિ તો ય એને વહાલ કરવું પડ્યું. ઘડિયાળો દોડતી જ લાગતી’તી. વળી વળીને હું બારી પાસે જતી. એક વાર વીકી દેખાયો. બીજી વાર અદૃશ્ય. પપ્પાએ જમીને બારી પાસેના પલંગ પર લંબાવ્યું. હવે?

હું લગભગ મૂર્છિત જેવી થઈ ગઈ. મારી અંદર અંધકાર વ્યાપી વળ્યો. જીજાજી સ્કૂટર લઈને રિક્ષા લેવા ગયા ત્યારે તો હું સાવ જડ થઈ ગઈ. નરસિંહઅવતાર વખતે થાંભલો ફાટ્યો’તો એમ આ બધાને કહી દઉં?: મારે અહીંથી નથી જવું. હું વીકીને પ્રેમ કરું છું. હું વીકી વિના જીવી શકીશ નહિ. વીકી મારો છે, હું વીકીની!

મારો પ્રેમપત્ર મારા ખિસ્સામાં રહ્યો. રિક્ષા આવી ગઈ. અમે બહાર નીકળ્યાં. ત્યારે સામેવાળાં માસી એના ઓટલે બેઠાં’તાં. એ અમારા પ્રેમપ્રકરણને જાણી ગયાં હશે? હસતાં હસતાં દીદી સાથે વાત કરતાં એ બોલ્યાં, ‘મિષાય જાય છે? હા, હવે તો વેકેશન પૂરું થવાનું ને! અમારે વીકીય આજકાલમાં જવાનો. એને તો એના મામા ફોરેન તેડાવે છે!’

મારી અંદર તરફડાટ થઈ રહ્યો. કોઈ રાક્ષસ મને કચકચાવીને પકડીને ઉપાડી જતો હતો.

બૉબીને તેડીને બહાર આવેલા પપ્પાએ રિક્ષામાં બેસતાં બૉબીને નીચે ઉતાર્યો. બૅન્ડેડવાળી આંગળી પકડાઈ ગઈ. બૅન્ડેડ એક બાજુથી ઊખડી. એ જોઈને બૉબીએ સિસકારો કર્યો. પપ્પાએ બૅન્ડેડ સરખી ચિપકાવતાં કહ્યાં, ‘હવે મટી ગયું છે. સિસકારા કરવાની જરૂર નથી. છતાં ઉખેડશો નહીં. એકબે દિવસમાં એની મેળે નીકળી જશે.’