સોરઠી સંતવાણી/હરિનો દેશ
Revision as of 10:16, 28 April 2022 by MeghaBhavsar (talk | contribs)
હરિનો દેશ
મનને સ્થિર કરી આવો રે મેદાનમાં ને
મિટાવું સરવે ક્લેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું ને
જ્યાં નહીં વર્ણ ને વેશ રે —
સૂક્ષમ સૂવું ને સૂક્ષમ ચાલવું ને
સૂક્ષમ કરવો વે’વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને
વરતી ન ડોલે લગાર રે. — મનને.
કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભિયાસ કરવો ને
ચડાવવો નિત્ય નવો રંગ રે. — મનને.
ચિત્ત વિષયમાંથી ખેંચવું ને
રે’વું સદાય ઇન્દ્રિયજીત રે
ગંગાસતી એમ બોલિયાં જે
તેથી થાય નૈ વિપરિત ચિત્ત રે. — મનને.