સોરઠી સંતવાણી/ચેલૈયાની જન્મભોમ

Revision as of 06:08, 29 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચેલૈયાની જન્મભોમ

નાકનું ટેરવું ફુલાવીને આ લોકોના વહેમોને તિરસ્કાર દેવા હું ગયો નહોતો. ઉપદેશ કરવાનું કર્તવ્ય પણ મેં નહોતું ધારણ કર્યું. એટલે એમની વાતો તરફ હું એક સ્વપ્નસ્થ, ઘેનઘેરી નજરે કાન માંડી રહ્યો. એ સ્મરણને તો હું આખા પ્રવાસમાં મારે હૈયે સાચવી રહ્યો હતો. કેમ કે ધીરોદાત્ત મર્દાઈને હિસાબે જેનો જગતમાં જોટો નથી એવી આ ખારવા જાતિનું નિરીક્ષણ મને પગલે પગલે તેઓની જુદેરી અધ્યાત્મ-દુનિયાના પ્રદેશો દેખાડી રહ્યું હતું, ને હું તો એક સંશોધક તરીકે તેઓના જીવનમાં પડેલી એ પુરાતન લોકવિદ્યાના પોપડા નિહાળવા નીકળ્યો હતો. પૃથ્વીનાં પડોને ખોદનાર સંશોધકોને તેઓના રોજના અનુભવની વાત છે, કે હજારો વર્ષોની અણીશુદ્ધ દટાયેલી પડેલ કોઈ મિસરી મમીને અથવા તો મોહેં-જો-દારોનાં ખંડિયેરમાંથી નીકળતા જૂના લેખોને જરી ફૂંક લાગતાં જ એનું સ્વરૂપ છેકાઈ જાય છે. લગાર તડકો કે પ્રકાશ પણ એને ધૂળ કરી નાખે છે. એટલે મારા જેવાને તો તેઓનાં આ જીવનતત્ત્વો પર તર્ક વા પાંડિત્યની, નવયુગની સુધારની ફૂંક મારવાનો, અજવાળું નાખવાનો જરીકે લોભ નહોતો. હું ગયેલો ખંડેરો ખોદવા, જેવું છે તેવું લોકવિદ્યાનું તત્ત્વ પકડવા. “હેં વશરામભાઈ,” ‘રૂપારેલ’ નામના વહાણના વશરામ ટંડેલને હું પ્રશ્ન કરું છું : (રૂપારેલ, રતનાકર, લક્ષ્મીપ્રસાદ, જબરદસ્ત — એવાં એવાં વહાણોનાં નામ હોય છે.) “વશરામભાઈ, તમે વહાણ લઈને ઘેરથી મુસાફરીએ ઊપડો ત્યારે કેવી રીતે દરિયાનું આરાધન કરો?” “દરિયામાં નાળિયેર ને ફૂલ ચડાવીએ. દરિયો મીઠો કરીએં, એટલે કે દરિયાનાં પાણીની અંજલિ ભરીને પીએં ને સલામ કરીએ દરિયાલાલને. વહાણની મોરી ઉપર લોબાનનો ધૂપ કરીએં ને કહીએ કે હે સવાઈ દુલા! અમને મીઠો મીઠો સાજો વાવડો દેજે! બીજું તો અમે અભણ અજ્ઞાની લોકો શું સમજીએં?” “તમે કોઈ બ્રાહ્મણને ન બોલાવો?” “ના, અમે નહીં પણ અમારા વેપારી લોક, જે આ વહાણોના ધણી હોય, તેઓ બળેવને દિવસે, જુઓ, આ ઠેકાણે કંઈક સ્થાપના કરાવીને બ્રાહ્મણો પાસે પૂજા ભણાવે.” એમ કહીને વશરામભાઈએ મને એના ‘રૂપારેલ’ની અંદર એક ઠેકાણે સિંદૂરનાં દોરેલાં ત્રિશૂળ વગેરે છાંટણાં દેખાડ્યાં. “એ સવાઈ દુલા કોણ છે?” “આ આપણી કંઠાળના દરિયાના એ દરિયાપીર છે. એની દરગા શિયાળબેટમાં છે, ત્યાં જઈને તમે વધારે વાતો જાણશો.” બીજે દિવસે પ્રભાત જ્યારે ‘આર’ હતા, એટલે કે ભરતી ઊતરીને ઓટ ચાલુ થયો હતો, તે વેળા ખાડીમાંથી પાછાં મોટે દરિયે વળી જતાં અબોલ પાણીએ મારા મછવાને, કેમ જાણે એ કાગળનું બનાવેલ હોડકું હોય તેટલે હળવે હાથે, શિયાળબેટ તરફ સરકાવ્યો. “ઓલ્યો… કળાય તે ભેંસલો!” ખલાસીએ ચાંચ અને શિયાળબેટના વચગાળામાં પડેલા એક કાળા ભેંસા-આકારના ખડક તરફ આંગળી ચીંધીને કહ્યું. એના રંગ અને ઘાટ પરથી તેમ જ પાણીમાં એ એકલ પડેલ છે તે પરથી મસ્તાન કોઈ મહિષાસુર પાડો કલ્પીને લોકોએ એ ખડકને ‘ભેંસલો’ એવું પૂરેપૂરું સૂચક નામ આપ્યું છે. “કેટલીક જમીન છે એની?” “બેક વીઘાં.” “કોઈ રહે છે? ખેડ કરે છે?” “કોઈ માનવી રહેતું નથી. માથે અબુ પીરનું થાનક છે. એની માનતા કરવા માટે ખારવાઓ કોઈ કોઈ વાર જાય છે, ને ત્યાં પડેલાં ઠામડાંમાં લાપસી કે ચોખાની દેગ રાંધે છે, પણ રાત ત્યાં કોઈથી રે’વાતું નથી. ઉપાડીને ફેંકી દિયે છે. બાકી તો ત્યાં આખી જમીન ઉપર પંખીડાંનાં ઈંડાં પડ્યાં હોય છે. મૂળ એ ભાવનગર તાબે હતો. પણ જાફરાબાદના સીદી રાજાએ સરકારમાં લડીને ભેંસલાને પોતાના કબજાનો ઠરાવેલ છે.” પાણીમાં મસ્તાન પડેલા એ ભેંસલાભાઈની એકલતામાં ભંગ પાડવાની મને ઇચ્છા નહોતી, તેમ અબુ પીર કાંઈ દિવસવેળાએ મને ફગાવી દેવા નિમિત્તે પણ મુલાકાત દે તેમ નહોતા એટલે શિયાળબેટમાં જ રઝળવાનું વધારે ગમ્યું. એક વેળાની માતબર નગરીનું આ ખંડેર. જ્યાં ખોદો ત્યાં પાકા પથ્થરની બાંધેલ મીઠા પાણીની અણીશુદ્ધ વાવો નીકળે છે. કહે છે કે એ નગરીને ઘેર ઘેર પોતપોતાની અલાયદી વાવ હતી. વાત સાચી જ લાગે છે. ચોગરદમ ખારા સમુદ્રથી વીંટળાયેલ છતાં આ ટાપુની વાવડીએ વાવડીએ અમૃત-મીઠું નીર છે. આખાય ટાપુને ફરતા પાકા ગઢની છિન્નભિન્ન રાંગ અત્યારે પણ દેખાય છે. ગંગાતળાવ નામની વાવડી પણ પ્રાચીનોએ પાકી બાંધેલી. અને ‘થાનવાવ’ નામની વાવનું સત આજ પણ એવું ને એવું અનામત મનાય છે : જેનાં થાનમાં (સ્તનમાં) ધાવણ ન આવતું હોય તેવી માતાને આ વાવમાં બોળેલ કાપડું નિચોવીને ભીનું ને ભીનું પહેરાવવામાં આવે એટલે થાનેલાં દૂધે ભરાય! ગોરખમઢી નામનું અસલી થાનક મૂળ ગુરુ ગોરખનાથનો આશ્રમ મનાય છે. એના ઉપર જીર્ણોદ્ધાર થયો છે. ત્યાં રહેતા એક કપડવંજવાસી સાધુએ અંધારા ભંડકિયામાં વિરાજતી પ્રાચીન મૂર્તિઓનાં અમને દર્શન કરાવ્યાં : ગોરખનાથની મૂર્તિ : ગણપતિની : હનુમાનની : અને જૈનોના નેમનાથ–પાર્શ્વનાથની બે તાજેતરમાં નીકળેલી પ્રતિમાઓ. એક આપણી કમ્મર સુધીના પરિમાણની મોટી શ્યામ પ્રતિમા લઈને ગંગાતળાવડીની સામે કોઈ બાવો બેસી ગયો છે. થોડી જ વખત પર હળ ખેડતાં ખેતરમાંથી ખોદાઈ આવેલ આ પ્રતિમાના મસ્તક પર લાંબો ઊંચો મુગટ છે. કમર સુધી નારીસ્વરૂપ છે, કમરથી નીચે પુરુષ-આકાર છે. મૂર્તિઓ પારખવાનો મારો વિષય નથી. પણ કોઈ શિલ્પસ્થાપત્યના અભ્યાસીએ જઈને આ બધી પ્રતિમાઓનાં સ્થળ-કાળ ઉકેલવા જેવાં છે. સગાળશા શેઠ અને ચંગાવતી શેઠાણીની, એના પુત્ર ચેલૈયાની ને પેલા અઘોરી બાવાની ભયાનક બિના પણ આ શિયાળબેટમાં જ બની હોવાનું કહેવાય છે. ગંગાતળાવની પાળે પડેલ એક પથ્થરની અસલી કૂંડી એ જ પેલો ગોઝારો ખાંડણિયો, કે જેની અંદર જોગીને જમાડવા સારુ માતાએ ચેલૈયાનું મસ્તક ખાંડ્યું કહેવાય છે. એ આખી કથા એટલી ઘાતકી ધાર્મિકતાથી ભરેલી છે કે મને એ યાદ કરવાનું મન નથી. હું ધન્યવાદ એ બાવાને નથી આપતો કે જેણે સગાળશાના વ્રતનો ગેરલાભ લઈને છેક શેઠાણીનો ગર્ભ ચિરાવવાની હદ સુધી જીદ રાખી; નથી હું સ્તુતિ કરતો એ શેઠ-શેઠાણીની કે જેઓની શ્રદ્ધાએ જોગી કહેતો ગયો તે તમામ ઘાતકી ક્રિયાઓ આચરી; હું તો અભિનંદું છું એ અનામી લોકકવિને કે જેણે દિલેદિલને ભેદે તેવું એક લોકગીત આ કથા પરથી રચી કાઢ્યું. એ ‘ચેલૈયા-આખ્યાન’ની રચનામાં ઊણપ હોય તો તે આટલી છે : કે ચંગાવતી શેઠાણીએ જોગીરાજને પોતે વાંઝણી નથી એવી ખાતરી કરાવવા માટે સ્વહસ્તે છરો લઈ ગર્ભાશય ચીરી દેખાડ્યું. તે જ ઠેકાણે ભજન અટકી જવું જોઈતું હતું. જોગીરાજે પ્રભુરૂપે પ્રગટ થઈ સહુને સજીવન કર્યા એ પ્રસંગ ઉમેરાયો ન હોત તો ‘ચેલૈયા-આખ્યાન’ જગતનાં સર્વોત્કૃષ્ટ ‘બૅલેડ’ માયલું એક કથાગીત બની જાત. એની કરુણતા અનેક હૈયાંને નિરંતર ધોયા જ કરત. અત્યારે પણ એ ચેલૈયાની ઘટનાનું સ્મરણ વીસ–પચીસ વર્ષોના કાળને પાછો હટાવી દ્યે છે : ગામડિયા ઘરના ઉંબરમાં જાણે અમે નાનાં બાળકો અને પાડોશણ માતાઓ વગેરે બેઠાં છીએ. ચોગાનમાં કોઈ રઝળતો ભજનિક એકતારો લઈ ધીરે રાગે ‘ચેલૈયા-આખ્યાન’ ગાય છે : એમાં નિશાળે ગયેલો સાત વર્ષનો ચેલૈયો પોતાને ઘેર માતપિતા ઉપર મૂંઝવણ પડી છે એવી જાણ થતાં જ દફતર–પાટી લઈ, ઘેર દોડતો આવી, રમતો-હસતો માના ખોળામાં સૂઈ જાય છે : બાપ એનું માથું વધેરે છે, ને એ મસ્તકને ખાંડણીએ નાખી —

ખમા ખમા મારા ચેલૈયા! તુંને ખમા ઘણી રે મારા ચેલૈયા!

— એ હાલરડું ગાતી મા સાંબેલાં મારે છે : એ પ્રસંગની હાલરડાની પંક્તિઓ સાંભળતાં અમે સહુ રડીએ છીએ. આજ પણ પાછળથી પ્રભુએ ચેલૈયાને સજીવન કર્યાની ઘટના મને જરીકે સ્પર્શતી નથી. એ આખું કથાગીત ચેલૈયાની નિર્દોષ હત્યા અને માતાના નિર્દોષ સાંબેલાંના ઘાવને તાલે તાલે ગવાયેલ ‘ખમા! ખમા! મારા ચેલૈયા! તુંને ઘણી ખમા!’ના આ હાલરડાથી મારી બાલસ્મૃતિને તરબોળ કરી રહ્યું છે :

એ જી મારા પીંગલાના પોઢનાર રે બાળા!
ચેલૈયા ખમા! ખમા!
એ જી મારા ચાખડીના ચડનાર રે બાળા!
ચેલૈયા ખમા! ખમા!
એ જી તારે પીંગલે પડી હડતાલ રે બાળા!
ચેલૈયા ખમા! ખમા!
ભાઈ મરે ભવ સાંભરે, બે’ન મૂવે દૃશ્ય જાય,
પણ નાનપણેથી જેનાં માવતર મૂવાં
— તેને ચૌદશના વા વાય રે બાળ! — ચેલૈયા.

ભાઈ ચેલૈયા! ખરે જ જો આ શિયાળબેટ તારી માભૂમિ હોય, સાચે જ જો આ ખાંડણિયો તારા લોહીથી ખરડાયેલ અબોલ સાક્ષી હોય, તો હું તને કહું છું કે સોરઠના લાખો નાનકડા ચેલૈયા તારું ગીત સાંભળી સાંભળી તારી જોડે જ કપાયા ને ખંડાયા છે. તારાં ફૂલની એકાદ કણી પણ જો આ મિટ્ટીમાં ક્યાંઈક પડી હોય તો આ શબ્દો એને કાને પુકારું છું કે બાવાઓ, સાધુઓ, ધર્મ-ગુરુઓ — તમામનો હજુ તો એનો એ અઘોર પંથ ચાલ્યો આવે છે, માબાપોની અંધશ્રદ્ધા હજુય ઘેર ઘેર પોતપોતાના કિશોર કુમળા ચેલૈયાઓનો — શરીરનો નહિ પણ આત્માનો — વધ કરી રહેલ છે, ને સામે બેઠેલું એ માનવભક્ષી ધર્મપાખંડ, આહુતિ પછી આહુતિઓ પામતું, ‘હજુ લાવો! હજુ લાવો!’ની હાક પાડી રહેલ છે. એટલે જ, ભાઈ ચેલૈયા, અમે તારી વયના હતા ત્યારથી શ્રદ્ધાહીન બની રહ્યા છીએ, ને અમારી ઓલાદને કાને અમે ધર્મ કે સાધુ પરની શ્રદ્ધાનો એક છાંટોય નથી પડવા દેતા. મને તો એમ ભાસે છે, બંધુ ચેલૈયા, કે નક્કી કોઈ અઘોરી જોગીએ તારી અને તારાં ભોળાં માબાપની આવી દશા કરી હશે, પણ આપણા આર્યસંસ્કારો મુજબ આપણે કોઈ વાતનો કરુણ અંત સહી શકતા નથી એટલે બાપડા લોકકવિએ પણ, અત્યારના અનેક નાટકકારોની પેઠે, અંતમાં એ અઘોરીમાંથી પ્રભુએ પ્રગટ થઈ તમને સહુને સજીવન કર્યાં એવો સુખદ અંત ઠોકી બેસારેલો હોવો જોઈએ. ‘સુખી અંત’ લાવવાની ઘેલછાએ આપણા ઇતિહાસની અનેક ભેદક કથાઓના જોરને હણી નાખ્યું છે. મહાભારત અને રામાયણ બે જ એ ઘેલછામાંથી બચી છૂટ્યાં છે : કુરુક્ષેત્રના સંહાર ઉપર અમીનો કુંપો છાંટવા માટે કોઈ દેવદેવલું ઊતરતું નથી અને એ શોણિતભીનો વિજય ન સહેવાયાથી પાંડવો હિમાળે ગળવા જાય છે. યુધિષ્ઠિરના ખોળામાં રમતો છેલ્લો પ્રિય બાંધવ શ્વાન એ આખા મહાકાવ્યનો કરુણ નિચોડ છે. રામાયણના તમામ દિગ્વિજયને સૂનકાર કરી મૂકનાર એનું છેલ્લું દૃશ્ય છે : પૃથ્વીમાં સમાઈ જતી જાનકી. અને એને ઝાલવા દોડેલ રામચંદ્રના હાથમાં પકડાયેલો સીતાનો ચોટલો જ રામકથાનું સમાપ્તિબિંદુ છે, લવકુશનો સુખી રાજવહીવટ નહીં. હરિશ્ચંદ્રની કથાનો અંત પણ મધરાતે મસાણમાં સગા ધણીને હાથે તારામતીના છેદન વડે જ આવ્યો હોત તો કેવી સ્વાભાવિકતા સચવાત! નળનું બાહુક-રૂપ સદાને માટે અણબદલ્યું રહ્યું હોત તો કેવી કરુણતા ટપક્યા કરત! અનેક માનવ-ધર્મોની ભુલભુલામણીમાં અટવાયેલાં નરનારીઓમાં જીવનસંગ્રામની આ બધી કથાઓ છે. જિંદગીની નિગૂઢતા ઉપર એ વિચારો જગાડે છે, મંથનો જન્માવે છે, વેદનામાં તપાવીને કરુણરસ સીંચે છે, પ્રજાના કવિઓએ કે કથાકારોએ ભળાવેલું એ સાહિત્યધન છે. શા સારુ એવી પ્રજા-પ્રાણને વલોવવા સર્જાયેલી કથાઓ ઉપર ઈશ્વરી ચમત્કાર અથવા સુખદ અંતનાં બનાવટી થીગડાં મારવાં પડ્યાં? ફક્ત લોકોને બે ઘડી રાજી કરવા સારુ? ઈશ્વરને કોઈ મનસ્વી અને આપખુદ સર્વસત્તાધીશ તરીકે રજૂ કરવા ખાતર? પાખંડ ઉપર ધર્મનાં પરિધાન ઓઢાડવા ખાતર? દુઃખનું આધિપત્ય, ઊર્મિઓની અથડામણો, કર્તવ્યોની ભ્રમણાઓ અને એ તમામમાંથી નીપજતી આ સંસાર પરની હાહાકારભરી વિચારણા, એ જ શું ઈશ્વરી રચનાનો સાચો સાર નથી? શા માટે આપણે હરિશ્ચંદ્ર–તારામતી જેવાં પાત્રોને રાગદ્વેષભર્યા ઋષિઓનાં રમકડાં જ નથી રહેવા દેતા? શા માટે પાંચાલીના ચીર-હરણની પૂરેપૂરી નામોશી એ ડાહ્યા જુગારી પતિઓને કપાળે ચોડાવા ન દેતાં ભગવાનને હીર–ચીરની ગાંસડી લઈ હાજર કરીએ છીએ? શા માટે ચેલૈયાનું માથું ખંડાવનાર અઘોરી પાખંડીને પ્રભુસ્વરૂપની ઓથ આપવી પડી? ના, ના, એ કથાઓ જેવી સીધી ને મર્મવેધક છે તેવી જ છો રહી. એમાંથી જ આપણા અંતરાત્માઓનાં મંથનો જાગે છે. એ બધી નિગૂઢતાને માનવી યુગયુગો સુધી વિચાર્યા જ કરે, સારાસાર ખેંચ્યા જ કરે, જીવનનું સ્વતંત્ર ઘડતર કર્યા જ કરે, એ સ્થિતિ ઠીક છે. વાતવાતમાં ‘ગરુડે ચડીને શામળિયોજી ચડી આવ્યા’ની ચાવી બહુ બેહૂદી લાગે છે. ત્યારે, ઓ ભાઈ ચેલૈયા! આ ગંગાતળાવડીની પાળે જ શું એ અઘોરી બેઠો હતો? ને આંહીંથી શું તારી માતા એના રક્તપિત્તિયા દેહને મસ્તકે ધરીને ગાજતેવાજતે ગામમાં લઈ ગઈ હતી? અત્યારે પણ, ભાઈ ચેલૈયા, ગામોગામની હજારો માતાઓ, ભીતરથી એવા જ અઘોરી, પણ બાહેરથી સફેદ દેખાતા સાધુમુનિઓનાં સામૈયાં કરવા જાય છે, ને પોતાનાં બલોયાંની ચીપો સુધ્ધાં વેચી વેચી એ ગુરુઓના કોડ પૂરા કરે છે. [‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’]