કાળચક્ર/ગોપાળભાનું ડમરાળું
વિમળાના ભાઈજીએ કહેલી એક વાત શબ્દેશબ્દ સાચી હતી. ડમરાળા ગામના શેઠ-ઘેરે, વાસણ ઊટકનારી કામવાળી અજીઠાં ઠામડાંમાંથી જે થીજી ગયેલું ઘી ઉખેડતી તેનું રોજ રાતે અરધું છાલિયું ભરાતું. ઘી ત્યાં રોટલીઓ પર નહોતું ચોપડાતું, ઘીની તો વાટકીઓ જ ભાણે મુકાતી, અને એમાં બટકાં ઝબોળીઝબોળી જમાતું હતું. સિંગાપુર ચાલ્યો ગયેલ બાવીસ વર્ષનો યુવાન સુમનચંદ્ર જન્મ્યો એ પૂર્વેની આ જાહોજલાલી એના પિતા દલભાઈને ઘેર જામી પડી હતી. એ જમાવટ કરનાર હતા ગોપાળ શેઠ. ડમરાળા નામનાં ગામ તો એ એક જ પંથકમાં બે-ત્રણ હતાં. પણ આ ડમરાળા ‘ગોપાળ શેઠનું ડમરાળું’ એ નામે ઓળખાતું. અદાવતિયાઓએ એક વાર એવું ઉડાડેલું કે ગોપાળ શેઠ વાઘરણોને ગુજરાતમાં લઈ જઈ ઊંચા વર્ણોની કહી પરણાવવાના ધંધા કરનાર ટોળીના આશ્રયદાતા હોઈને તાલેવાન બન્યા હતા. બીજી વાર એવી વાત વહેતી મુકાયેલી કે એણે તો એની એક ભાણેજના દરદાગીના ઓળવીને સાહેબી જમાવી છે. સાચી વાત એ હતી કે ધરતી ધનધાન્યે દૂઝતી એને હજુ ચાલીસી પણ નથી વીતી. ડમરાળાના ખેડૂતો પોતાની તમામ નીપજનો ગંજ ગોપાળ શેઠને જ વેચી દેતા અને પાંચ ગાઉ પર આવેલા પ્રતાપગઢમાં એ અનાજ વેચી, ગોપાળ શેઠ મોટો નફો કરે છે એ જાણવા છતાં ખેડૂતોને બારોબાર શહેરમાં પહોંચી, ઊંચા ભાવ રળવાની કશી પડી નહોતી. કાળી રાતે કામ પડ્યે ખેડુકળને જવાબ આપતી ગોપાળ શેઠની કોથળી. ચુનંદું બિયારણ એક ગોપાળ શેઠ સાચવતા. વિવાહ-ટાણે વિશ્વાસપાત્ર સોનું-રૂપું ગોપાળ ભાભાની પાસેથી જ મળી રહેતું. સંધીઓ પાસેથી ખેડૂતો ગોધલા લેતા એના કબાલા પણ ગોપાળભા જ કબૂલતા, એટલે સંધીએ આવીને કોઈ દેણદાર ખેડૂતને ઘેર એક કલાકને માટે પણ સાંઢિયા-ઘોડાં બાંધ્યાનો દાખલો બધાં ગામોમાંથી ફક્ત એક ડમરાળામાં જ શોધ્યો જડે તેમ નહોતો. માટે જ ગોપાળભાને ઘેર ધરતી દૂઝતી પ્રાસવો મેલતી. ખેડૂતો ધરતીનાં વાછરડાં હતાં. વાછરડાંને ગોપાળભા પેટપૂર ધાવવા દેતા. વર્ષને અંતે રાજ્યનું મહેસૂલ ભરવા ડમરાળેથી દરેક ખાતેદારને પ્રતાપગઢને ટાંપે જવું પડતું તે ગોપાળભાએ જ બંધ કરાવ્યું હતું. ગામસમસ્તના બસો ખાતેદારોની મહેસૂલ વગેરે રાજલેણાની ટીપ લઈને અમલદાર સામેથી ડમરાળે આવતો અને ગોપાળભા એકીરકમે એ આખું ગામ-મહેસૂલ ચૂકવી દઈ, પ્રત્યેક ખેડૂતને ખાતે પોતાના હવાલા નાખી લેતા. ‘એલા હાલ, તને મામલતદાર સાહેબ, ટપ્પેદાર સાહેબ, ફલાણો કે ઢીંકણો સાહેબ બોલાવે છે,’ એવું કહી કોઈ ટપ્પાના થાણેથી ડમરાળે આવી શકતું નહીં, કારણ કે મિષ્ટાન્ન જમવાની સ્વાભાવિક અમલદારી ઇચ્છા એ કોઈપણ ટાણે ગોપાળભાને ઘેર જ્યારે આવે ત્યારે પૂર્ણપણે સંતુષ્ટ થતી. ઘઉં-બાજરાના પોંક, શેરડીના સાંઠાના ભારા, તલ-દાળિયાના લાડવા, હોકા માટેની કેળવેલી તમાકુ, ઘોડાના જીન માટેનું ચામડું, બળતણ અને નીરણનાં ભરોટાં, શિયાળુ માટલાનાં લગડાં, એવીએવી અમલદારો તરફની ઝીણીમોટી ઉપદ્રવકારક માગણીઓ ડમરાળે આવી પહોંચે એ પૂર્વે જ વર્ષોવર્ષ ઉપલા ચાર-પાંચ અધિકારીઓને મોકલી દેનારા ગોપાળભાએ પોતાના પ્રત્યે આદરમાન ઉપરાંત એક પ્રકારની શેહ પેદા કરી હતી. શેહ આ રીતે કે સીધેસીધો વસ્તીના માણસ પાસે જો કોઈ અમલદારી માણસ જતો તો એની જાણ થતાં જ ગોપાળભા એને ડેલીએ બોલાવતા ને મીઠો ઠપકો આપતા કે ‘કાં ભા, આંહ્ય તમને કોઈએ ના પાડી? આંહ્ય પરભુનો પરતાપ છે’. પણ એ પરભુના પરતાપ સુધી પહોંચવા માટે અમલદારને ગોપાળભાની ડેલીએ આવવું પડતું, બહારની બેઠકમાં રોકાવું પડતું, ‘ગોપાળભા પ્રભુપૂજામાં છે, બેસો, હમણાં આવશે’, એવું સાંભળવું પડતું. ને છેવટે ગોપાળભા આવતા ત્યારે વસ્તીના લોક પાસેથી ગોદાવીને દઈ શકાય તેવી ચીજ માટે ભાને વિનંતી કરવી પડતી. ભા આપતા ત્યારે પણ કૃપા કરતા હોય એવા દેખાતા. ‘પરભુનો પરતાપ છે’ એ જ બોલ ભા ગામમાં આવતા અભ્યાગતોને પણ કહીને દેતા. અમલદાર બેઠો હોય, એણે માગેલી ચીજને માટે ‘હા, ભલે, પરભુનો પરતાપ છે’, એવો બોલ કહ્યો હોય, તે જ વખતે કોઈ સાધુ આવીને માગે તેને પણ ‘હા, ભલે બાપુ, પરભુનો પરતાપ છે’, એવું ભાનું વચન સડેડાટ અમલદારના મનમાં વાસો કરીને સમજાવતું કે આ દાતાર છે, વેઠદાર નથી. ગોપાળભાના પુત્ર દલભાઈ (મૂળ નામ દલીચંદ)ની આ જાહોજલાલીની વેળામાં હજુ ઊગતી જુવાની. લગ્ન કરીને એણે રંગીલો રાહ લીધો. ઊંચામાં ઊંચી લીલાગર દલભાઈ માટે પાતાળ ફાડીને પણ પ્રત્યેક ઉનાળામાં ડમરાળે આવતી. આજથી ત્રીસ વર્ષ પૂર્વેના ગામડામાં ખાસ મુંબઈથી મગાવાતી નીલગિરિની ચા વગર બીજો ઘા ન કરનાર દલભાઈનો છાકો બેઠો. કેરીની મોસમમાં રેલગાડીનાં વૅગનમાં બફાઈ આવતી બજારુ કેરીઓ નહિ, પણ કરંડિયાબંધ વકલ ને વકલ દલભાઈને ઓરડે આવી પડતા. અને રસની તાંસળીઓ સિવાય કદી કોઈ નાનું વાસણ ન પીરસાતું. અત્તરો લઈને અત્તરિયા પણ ડમરાળે ઊતરતા. આ તેલ, અત્તર, આ કેરી, નીલગિરિની ચા કે ચુનંદી લીલાગર, એ દરેક વસ્તુ છેલ્લામાં છેલ્લી કઈ જાતની દલભાઈને ઘેર આવી છે એની જાણ ગામમાં ચાર-પાંચ જણાને તો અચૂક રહેતી બાવા લખમણપરીને, રૂખડ ગોવાળને, પદમશી કણબીને, જૈતા ખાચર કાઠીને અને પીરમામદ સપાઈને, કારણ કે એ પાંચના સાથ વિના દલભાઈએ ઉપલી વસ્તુનો ઉપભોગ કદી કર્યો નહોતો. એક વાર દલભાઈનાં તાજાં જ આણું વળી આવેલાં વહુએ દલભાઈને બેઠકમાંથી ઘરની અંદર બોલાવી ખાનગીમાં એમ સૂચના આપી કે “આજના પાંચ પ્યાલામાં તમારો કપ આ જોઈને લેજો” એમ કહીને એણે ખૂમચામાં ભરેલા પાંચ કપમાંથી એક નિશાનીવાળો બતાવ્યો. પતિએ પૂછ્યું, “કેમ?” જવાબ મળ્યો કે “નીલગિરિની ચા ફક્ત એક તમારે પ્યાલે થાય તેટલી જ નીકળી છે. હજી પ્રતાપગઢથી નવું પારસલ આવ્યું નથી. બીજાને માટે ભૂકીની ચા નાખવી પડી છે.” “અને તમારો કપ?” “આ રહ્યો. ભૂકીની ચામાંથી.” “ઠીક, લાવો ને એક તપેલી.” તપેલી લઈને છયે છ કપ દલભાઈએ એમાં ઠાલવ્યા, પછી એ મિશ્રણના ફરીથી છ કપ ભર્યા, એક પત્નીને આપ્યો, બાકીના પાંચ પોતે બેઠકે લેવરાવી ગયા. પાંચ-પંદર દિવસથી જ ઘરમાં આવનાર વહુને વરના બીજા એક સગપણની ખબર નહોતી. વાસીદું કરનારી મેઘવાળ (હરિજન) ડોસીને પત્ની સૂચનાઓ દેવામાં ‘ડોસી’ ‘ડોસી’ કરે છે, ‘ડોસી, આ લે આ ખીચડી’, એમ કહી આગલી રાતનું વધ્યું રાંધણું આપે છે, એ જાણી લીધા પછી દલભાઈ એક દિવસ ફળીમાં જઈ ઊભા અને રોજ આવતી હરિજન ડોસીને પોતે ડેલી બહાર જ જે સત્કારશબ્દ કહેતા એ પત્ની સાંભળે એમ કહ્યા “જે સ્વામીનારાણજી, પાનીકાકી! કેમ છે હવે મારા કલાકાકાને?” “જે સામીનારાયણ, ભાઈ!” ડોસીએ સાવરણો ઊંચે લઈ ઓઢણું કપાળ સુધી ઉતારી, ગોપાળભાના પચીસ વર્ષના પુત્રની અદબ કરીને કહ્યું “હવે તો કાયા પાછી કડે થઈ છે. તમારી આપેલી દવા તો રામબાણ રોખી, હો બાપા!” “લ્યો પાનીકાકી, આ મારા કાકા સારુ લેતાં જજો.” કહેતે કહેતે દલભાઈએ બે પાયરી કેરી ડોસીના ખોળામાં ઊંચેથી ટપકાવી, અને પાછા ઘરને ઓટે આવીને પાણીની છાંટ લીધી. હરિજનની આ છાંટ લેવી અને કાકા-ભત્રીજાનો સંબંધ રાખવો, એ બંને વાનાં ફક્ત એકલા દલભાઈને માટે જ નહિ પણ આખા ગામને માટે સ્વાભાવિક હતાં. નવાં આવેલ વહુ ચતુર હતાં. સમજી ગયાં કે એ દિવસની ચાવાળી ઘટના પછીનો આ બીજો પાઠ પણ વરે પોતાને માટે જ ગોઠવ્યો હતો. દલભાઈની બેઠ-ઊઠના પાંચેય ગોઠિયા કાંઈ એની હેડીના જુવાન નહોતા. આપા જૈતો ખાચર પચાસને કાંઠે હતા, અને પીરમામદ સપાઈ વનમાં પ્રવેશી ચૂકેલ હતો. જૈતો આપો પંદર સાલથી એકલવાયા હતા. બાઈનું કાંઈક હીણું હશે એટલે રજા દીધી હતી. નાવારસ જૈતાભાઈએ તમામ જમીન ગોપાળભાને ઘરે ગીરો મૂકી હતી અને એનો એકમાત્ર રસ દલભાઈની બેઠકમાં બેસીને ‘જૈતા મામા!’ એવું શેઠપુત્રના મુખનું સંબોધન પામવામાં રહ્યો હતો. એના રોટલા ટીપી દેનારી અને એના પ્રેમવિહોણા સંસારમાં થોડોઝાઝો શૃંગારરસ સીંચનારી બાવણ મોતીના મરી ગયા પછી જૈતા મામા હાથે જ બે રોટલા ટીપી લેતા, પણ માંદા પડતા ત્યારે ટૂંટિયાં વાળી પગથી માથા સુધી ધાબળો ઓઢીને ઘરમાં ભૂખ્યાતરસ્યા પડ્યા રહેતા. ભાણું પિરસાવીને દલભાઈ પોતે મામાને ઘેર ખવરાવવા જતા ત્યારે ગોપાળભાએ એક વાર ટકોર કરેલી કે ‘માણસ તો આંગણે દસ મૂઆં છે’. પણ ભાને સામો ઉત્તર ન વાળવાની દીકરાની સાત વર્ષની વયથી પડેલી રસમ પચીસની વયે કંઈ પલટી નહોતી. તેમ ભાની રસમ પણ જ્યારે હદથી જ્યાદે વાત થાય ત્યારે પણ એક જ વાર કહેવાની હતી એય કદી મોઢામોઢ તો નહિ જ. જૈતા મામા તો ડાહ્યા હતા, પણ મામાનો તાવ ગાંડો હતો. તાવમાં બીજાને ભૂખ મરી જાય, ત્યારે મામાને ભૂખ બેવડી ઊઘડતી. દલભા ભાણું લાવીને જમાડે ત્યારે મામા ના પાડતા, ન માનતા, પણ ભાણું પા કલાક મોડું પડે તો ગાળો સુધી પણ આગળ વધતા. રાંડેલા પીરમામદનો છોકરો કપાતર હતો. છોકરાની વહુ સાસરે રહેતી નહોતી. ‘હે સાલા બોણી વિનાના!’ એ બાપના વારંવારના બોલે રહેમાનને ખરેખર બોણી વિનાનો કરી ઘર છોડાવ્યું હતું. જ્યારે જ્યારે બપોરે ચૂલો ફૂંકી ફૂંકી છેવટે ‘હે સાલા! તેરે પર તો મેં પેશાબ કરતા હૂં’ એવા શબ્દ સાથે ધૂંધવાતાં છાણાં પર પાણીનું ટિનનું ડબલું રેડીને પીરમામદ ઘરની ઓસરીમાં નીકળતો ત્યારે કેમ જાણે બીબીએ મસાલેદાર રસોઈ ‘મેરી સોગન’ દઈ દઈ જમાડ્યા હોય એવા તોરથી ઓડકાર પર ઓડકાર ખાતો. એ જ વખતે પાછલા વાડામાંથી દલભાઈ છાનામાના ભાણું લાવીને ઘરમાં મૂકતા, ને પીરમામદ જ્યારે ‘મેં ખાધું, ભાઈની સોગાન, હમણાં જ ખાઈને ઊઠ્યો’, એવી રકઝક કરતો ત્યારે દલભાઈ કહેતા કે ‘ન ખાય તેને આવતા ભવની બીબીની સોગાન!’ ‘તો ઠીક, દલભાઈ! બાપડી કોઈક મિયાંની બાળકીનો આવતો ભવ શીદ બગાડવો?’ એમ કહી પીરમામદ જમતો ને દલભાઈ પાડોશીઓ પીરભાઈની ઇજ્જત ન લઈ જાય એની ચોકી રાખતા બેસતા. ગોપાળભાની કૃપાનિધાન કરડાકીમાં દલભાઈની આવી માનવતા મળી, એટલે ડમરાળા પરનો કાબૂ જડબેસલાક બન્યો. એવી સાહેબી, સત્તા અને દિલાવરીની પૂર્ણ તપતી વેળાએ દલભાઈને ઘેર દીકરો સુમન જન્મ્યો. પણ સુમનને ધાવણ છોડાવવા સુધીની જ વાટ જોતી હોય એમ બરાબર દોઢ વર્ષે સુમનની બા જ્યાંથી આવી હતી ત્યાં ભગવાનને ઘેર સિધાવી ગઈ. એના બારમાને દિવસે સાંજ પડી ન પડી ત્યાં તો મલબારકાંઠાની નારિયેળીઓ જાણે કે ડમરાળે ડાળો લંબાવીને વરસી પડી! સગપણનાં આટલાં આટલાં કહેણની સામે ‘જોઉં છું, વિચારું છું’ એવો શબ્દ કાઢનાર દલભાઈ પર ગોપાળભા રાતાપીળા થયા. ‘મોટો વિચારવાવાળો જોયો ન હોય તો! આજ જેવી કાલ ન સમજતો. કાલે આપણે ઊઠીને ગોતવા નીકળવું છે, એમ ના?’ અઠવાડિયું વીત્યું. હદ થઈ ગઈ. શ્રીફળો ઊભાં થઈ રહ્યાં હતાં. પ્રતાપગઢ સ્ટેશનની એક પણ ટ્રેન ખાલી નહોતી આવતી. બરાબર રૂપિયાની ઘોડાગાડી કરીને હાલાર, ગોહિલવાડ, ઝાલાવાડના ચમરબંધી ઊતરતા હતા, કોઈકોઈની પાસે તો કન્યાના ફોટોગ્રાફો પણ હતા. જોઈને દલભાઈએ ડોકી ધુણાવી. “હા, હવે તો ઈન્દ્રલોકથી નારિયેળ આવવાની વાટ જોઈએ!” ગોપાળભાએ એકલા બેઠેલ દલભાઈની પીઠ પાસેથી પસાર થતાં બરડા પર જાણે બરછી ચોડી. દલભાઈ હૈયામાં હસ્યા. પખવાડિયું ને મહિનો થયો. દલભાઈ દાદ દેતો નથી. કઈ અપ્સરાની તપાસમાં છે? જૈતા મામાને અને પીરભાઈને બહારગામ ક્યાં ક્યાં મોકલી રહ્યો છે? કુટુંબમાં કેમ કોઈને પેટ દેતો નથી? એના ભાઈઓ, ભત્રીજા, ભાભીઓ, બહેનો, દીકરીઓ આટલાં કળશી માણસોથી ચોરી રાખી રહ્યો છે એવી તે કઈ ઈન્દ્રપરી ઉતારવી છે? ભા તપતા હતા, પણ પોતાની જે કડક આમન્યા પુત્રે ઊભી કરી હતી તે જ આમન્યા અત્યારે પુત્રને કોટકિલ્લા જેવી બની ગઈ. બાપ એ આમન્યાની ભીંતને ભેદી ન શક્યો. ગોપાળભાને ડર હતો, નરી એકલી આમન્યા ઉપર તો એણે પોતે જ પોતાના વ્યક્તિપ્રભાવનું ચણતર ચણ્યું હતું. ઓછું બોલવું, ઓછામાં ઓછું મળવું; મેળાપ આપતા પહેલાં સામા માણસને ચોકીપહેરાથી આંજી નાખવો; સામો સો બોલ વેરી નાખે એ પછી પોતાનો એકાદ બોલ સંભળાવી પોતાના શબ્દોની ઊંચી કિંમત અંકાવી દેવી; સામો માણસ પગમાં અટવાય તેમ રસ્તા વચ્ચે ઊભો હોય એ છતાં કૂતરું પણ નથી એવી અદાથી એને લક્ષમાં લીધા વગર ચાલ્યા જવું એ બધી ગોપાળભાની શેહની ચાવીઓ હતી. કોઈપણ માણસ એનું વેણ વળોટે તો એટલામાં જ આ પ્રતિભાનું મોત હતું. મોટી બીક પુત્રનો આડો શબ્દ નીકળવાની હતી. એ નીકળે એટલે ખેલ ખતમ થાય! બીજે મહિને દલભાઈ ડેલીમાંથી નીકળી એકલા સામેની ગામરસ્તા પરની અવાવરુ મેડી પર પથારી લેવરાવી ગયા. એ ત્યાં પાણીનું એક નાનું ગટકૂટું મુકાવ્યું. એક સાવરણી રાખી. એક માળા ખીંટીએ લટકાવી. માએ કારણ પુછાવ્યું. કહેવરાવ્યું કે, ‘બાયુંવાળા ઘરમાં સંકોચ જેવું લાગે’. મહિના પછી મહિના વીતવા લાગ્યા તેમ તેમ આહાર, વિહાર અને લૂગડાંલત્તાંમાંથી, સર્પની કાંચળી કે પંખીનાં પીછાં ઊતરી પડે એવી સ્વાભાવિકતાથી દલભાઈનું રંગીલાપણું ટપકતું ગયું. લીલાગર, કેરી, નીલગિરિની ચા અને અત્તરનાં પૂમડાં દલભાઈએ ત્યાંગ્યાં નહિ પણ એ બધાં જાણે પોતાની મેળે જ પોતાની સાર્થકતા પૂરી થયે સરીને ચાલ્યાં ગયાં. જતાંજતાં એકેય સાહેબીએ તકરાર-તરફડાટ ન કર્યાં. પણ એ તો બહારનાં સાધન હતાં. દલભાઈનું ભીતર એવું જ રંગીલું રહ્યું. પાંચેય ગ્રામસ્નેહીઓ સાથેની બેઠક ચાલુ હતી. હાસ્યવિનોદ ચાલુ હતા. એ પાંચેયને ખવરાવવું-પિવરાવવું ચાલુ હતું. એમાં સાતમો આવ્યો હતો એક બાળક સુમન. ‘પોતાને બાવા બનવું છે ને છોકરાની ટંટાળ કોકને ગળે પહેરાવવી છે, એમ કે?’ ફરી ન પરણનારા દીકરાને ઘા મારવા માટે જ ભાએ આવું એક વાર કહ્યું. એ પછી સુમન, સુમનનું ઘોડિયું, સુમનનાં રમકડાં અને બાળોતિયાં, આ અલાયદી મેડી પર ક્રમે ક્રમે આવતાં ગયાં. વાંક તો એમાં સુમન પર જ ઓઢાડી દેવાયો. ‘શું કરું? મારો ખેધ મેલતો નથી. આવો હરામનો હેડો થઈ જાશે એવી ખબર હોત તો સામુંય ન જોત. આ તો ચોટી પડ્યો! મારાં નિત્યનીમ રઝળાવ્યાં! હું તો પાછો આ ટેટામાં લપટાણો! મારો તો હિમાલયનો કેડો રૂંધાણો!’ ભાએ વિચાર્યું કે ‘આ હિસાબે શું ખોટું છે? મર રમાડતો, નીકર સાવ છેલ્લે પાટલે બેસી જાત. માથું મૂંડાવીને નીકળી પડત તો હું ક્યાં આડા આગળા દેવા પહોંચત? ભલે ને ધુએ ગૂવાળાં! એ તો માયા માયાનું કામ કરશે’. ગોપાળભા આવી આશા બાંધવાને વખતે પોતે પોતાનો જ ઇતિહાસ ભૂલી બેઠા નહોતા. પોતે રાંડ્યા ત્યારે વય બત્રીસથી વધુ નહોતી, પરણવાની ઉત્કટ ઇચ્છા હતી, પણ ત્યારે એને બે હજારની કોથળી ઠાલવ્યા વગર કોઈ કન્યા દેનાર નહોતું, જ્યારે બે હજાર તો પાવલાં પણ એ દિવસે ઘરમાં નહોતાં. વળી વાઘરણો વેચનારી છૂપી ટોળીમાં ભળ્યાનો જોરદાર વહેમ એના પર તોળાઈ રહ્યો હતો. આજે જો દલભાઈ ન પરણે તો એ જૂની કડવાશ બાપના જીવનને બગાડી નાખે એમ હતું.