ધરતીનું ધાવણ/2.લોક-સૃષ્ટિ

Revision as of 08:12, 30 April 2022 by MeghaBhavsar (talk | contribs)


2.લોક-સૃષ્ટિ

કુદરત અંદર પ્રવેશ કરીએ ત્યાં જ જો સુગંધ ન આવે તો એ ફૂલવાડી શાની? એમ સાચું લોકસાહિત્ય તો એ જ, જેમાં દાખલ થતાં જ લોક-જીવન અને તેની ચોગમ પથરાયેલી કુદરત આપણને એની સુવાસ વડે ઘેરી લે. આ ગીતોની અંદર સમસ્ત લોક-સૃષ્ટિ જેવી ને તેવી સજીવન ઊભી છે. શબ્દો વાંચવાની સાથે જ એ વસ્તુઓ પોતે વાચકની આંખોને ભેટી પડે છે. લોકગીતોમાં પ્રવેશ કરનારો વાચક જાણે કે ગ્રામ્ય જગતનો પ્રવાસી બની જાય છે. એની આસપાસ છેક ગામની ‘સીમડી’થી માંડીને ગ્રામ્ય કુદરતનું તથા લોક-નિવાસ સમસ્તનું વાતાવરણ બંધાતું આવે છે. આજે તો અગ્નિ, વાયુ કે વીજળીનાં વેગવંત વાહનો આપણને ગ્રામ્ય જગતનો ધીરે ધીરે પરિચય થવા દીધા વગર સીધે સીધા સડેડાટ લોક-સમુદાયની વચ્ચે ઉતારી મૂકે છે. જાણે આપણે અધ્ધરથી અચાનક ધબ દઈને નીચે પછડાયા હોઈએ તેવું અનુભવાય છે; પરંતુ પૂર્વે તો પ્રવાસી ધીરે ધીરે આવતો, જંગલનાં ઝાડથી લઈને એક પછી એક વસ્તુની ઓળખાણ કરતો આવતો, અને સૌથી પ્રથમ એને ગામડાની સીમડી ભેટી લેતી. ગામની સરહદ શરૂ થાય ત્યાં કોણ માનવી એની સામે ટહુકો કરવા ઊભું હોય? ગાય-ભેંસોને ચારતો ગોવાળિયો : સીમાડા ઉપરનો જાણે કે અધિષ્ઠાતા માનવ-દેવ. પ્રવાસીનું અજાણ્યાપણું ત્યાંથી જ તૂટી જતું. પછી આગળ ચાલતાં ખેતરો આવે, જેની વચ્ચે, કેડ કેડ સામી રે સેંજલ ડુંગરી

હૈયા સામેલા ભેડા જો.

એવી નાનકડી ટેકરીઓ, છાતી સુધી ઊંચી ભેખડો, અને ડુંગરે ચડીને ગોફણ ફેરવી સેંજલ નાર ઢોરું પાછા વાળજો! એવી ગોફણો ફેરવી ફેરવી પથ્થરો વડે પોતાના ખેતરના ઊભા મોલમાંથી પશુઓને હાંકતો ખેડુ નજરે પડે; પતિની સાથે સાચી સહચરી બની રહેલી, પતિના બોલ ઝીલતી, કદી કદી વળી મસ્તીએ ચડીને સ્વામીને સામા જવાબ દેતી, પતિને જમાડવાનું ભોજન (ભાત) લઈને ગામમાંથી આવતી, આજ્ઞા-ભંગને માટે કદી સોટા ખાતી, રડતી રડતી ઘેર જતી, મિષ્ટાન્ન રાંધીને પાછી પતિને રીઝવવા આવતી, રિઝાયેલા પતિને મારીને મીઠું વેર વાળતી અથવા માર ખાઈને મહિયરને માર્ગે વિચરતી ખેડુ-પત્નીનાં દર્શન થતાં. એવાં ખેતરો વટાવીને પછી અતિથિ ‘આલી લીલી’ વાડીઓનાં વૃંદ વચ્ચે દાખલ થતો. વાડીઓ ઘણે ભાગે ગામની નજીકમાં હોય છે. ત્યાંયે લોક-જીવનની શાંત ગડમથલ મચી હોય છે. અને ફૂલવાડીનાં ફૂલો સંભાળતો માળી ત્યાં રાજ કરી રહૃાો છે. પછી આવે છે સરોવરની પાળ્ય, જ્યાં વટેમાર્ગુને વાટ બતાવતી, તૃષાતુર પ્રવાસીને પાણી પાતી, ઠઠ્ઠા-મશ્કરી પણ કરી લેતી પનિહારીઓ કુદરતનું પડ ગજાવી રહી હોય છે. જળાશય જળાશયો તો લોકજીવનની સમૃદ્ધ દશાનાં પ્રતિબિમ્બો પાડતાં ઊભાં હોય છે. એ નદીઓ, જ્યાં ચોમાસે — ચારે ને કાંઠે રે માતા મોરી છલી વળ્યાં અથવા ભાદરવો ભલ ગાજિયો ને નદીએ ગાજે નીર એવી રમ્યતા જામી હોય છે, જ્યાં મસ્ત પનિહારીઓ ચલ ગાગર ચલ ગાગર જમનાને જાયેં જમનાનાં બો’ળાં નીર રે... ગાગર ઘૂમે છે. એ રીતે બેડલાંને ઘુમાવતી વિચરતી હોય છે; ‘સેંજળિયાળી સર’ નામે ઓળખાતાં અખંડિત ઝરણાંનાં પાણી ભરવા પણ રમણીઓ સંચરે છે. વળી ‘મોતીડે બાંધેલી પાળ’ વાળી નાની-શી, નિર્મળાં નીરની ચંદણ તળાવડી; આછૂડા કૂવા; એ કૂવાને કાંઠે મહેકતો કેવડો કે સપાટી પર છવાયેલો, લીલુડો શેવાળ; વાવમાં હિલોળા લેતાં નીર, વગેરે બધાં દૃશ્યો લોક-કવિતાની પ્રેરણાનાં ધામો છે. પાદરથી નીકળતો પ્રવાસી એક પલકમાં જ ત્યાં — સો સો બેડલિયાંની હેલ્યું ચડે એ નિહાળતાં જ — સો-સો બેડલાં ભરી ભરીને શિર પર ચડાવી ચાલી જતી પનિહારીઓને જોતાં જ — ગામની તે સમયની આબાદાનીનાં માપ કાઢી લેતો. અને — ઝલકાતું આવે બેડલું, મલકાતી આવે નાર રે

મારી સાહેલીનું બેડલું

— એવું પનિહારી-દૃશ્ય શ્રમજીવનની સાથે ઓતપ્રોત રહેલી સૌંદર્યદૃષ્ટિ સૂચવી આપે છે. રાણકદેવડી રે કાંઈ વધે દી ને રાત રે

પાંચ વરસની પાણી ભરે.

એવી પંક્તિઓ શું સૂચવે છે? વહેલી વહેલી વયે પાણી સીંચવામાં તો સ્ત્રીજીવનની ચતુરાઈ સમજાતી. કોઈ કોઈ જળાશય તો વળી ભાવુભાના બાગમાં રતન-કૂવો ત્યાં સો સો બેડલિયાંની હેલ્યું ચડે રે જળવાદળીનાં નીર મારે કોણ ભરે! એટલે કે ગામના દરબારોની ફૂલવાડીઓમાં કૂવો હોય; અને ત્યાં જ્યારે ‘સો સો બેડલિયાંની હેલ્યું’ ચડતી જોવામાં આવે, ત્યારે તો તેવા ગામના રાજાઓની પવિત્ર નીતિ અને ગામ-જનોની નિર્ભય વિશ્વાસભાવના સ્મરણમાં ચડે છે. આમ આ જળાશયો કેવળ વૈભવ, જીવનકોડ કે રાજા-પ્રજાની નિર્મળ હેતપ્રીતનાં જ માપકો બનીને નહોતા અટકી જતાં, એ તો સંવનનનાં — પ્યાર કરવાનાં — પણ ધામો હતાં. લોક-કલ્પનામાંથી સરજાયેલો કોઈ રામચંદ્રજી, મૃગયા ખેલતો ખેલતો તરસ્યો બનીને વગડામાં દૂરથી તબકતા તળાવ પર જઈ પહોંચે, ત્યાં બાળ-કુંવારી સીતાને પાણી ભરતી ભાળે, ભર્યો ઘડો રામ ગટગટાવી જાય, બન્ને વચ્ચે તારામૈત્રક રચાય, પરણી છો કે બાળ કુંવાર રે રામૈયા રામ એમ પૂછપરછ થાય અને અવિવાહિતા સીતાની સાથે ત્યાં ને ત્યાં લગ્ન ઊજવાય. કોઈ શિકારે ચડેલો રા’ ખેંગાર મજેવડીના પાદરમાં નીકળે છે, અને ઉબેણ નદીના આરે જુક્તિપૂર્વક એક સૌંદર્ય-દર્શન કરે છે — રાણકદેવડી રે કાંઈ પાણીડાંની હાર્ય રે

રાય રે ખેંગાર ઘોડા ખેલવે.

વાયા વાયા રે કાંઈ ઓતર-દખણા વાય રે

ચૂંદડીના છેડા ફરુકિયા.

જોયો જોયો રે એની કડ્ય કેરો લાંક રે

બીજો જોયો સવા ગજ ચોટલો.

એવાં કુદરતે દેખાડેલા ર્નિવ્યાજ રૂપ નિહાળીને પ્રેમિક વીર એ કન્યાના પિતા કને માગું નાખે છે. ગામડાનાં પાણીઘાટને આરે એવી પ્રેમ-ઘટનાઓ અંકાયેલી છે. અને — જળ ભરું તો ભરવા નો દીયે,

વા’લો ખોબે ઉડાડે નીર, જીવણ જાવા દે.

અથવા તો — હું રે ભરું ને મારી ભાભી ભરે,

ત્યાં ભાભીનો સાયબો આડો ફરે,

રે જળ-વાદળીનાં નીર મારે કોણ ભરે

— એવી પ્રીતિની મસ્તીઓ ત્યાં એક દિવસ મચતી હતી. વળી —

કાન, તારે તળાવ

રૂમઝૂમતી રમવા નીસરી.

— એવી રૂમઝૂમ કરતી ગ્રામ્ય રાધિકાઓએ જળાશયોની પાળ પર ઊભીને જ કાંઠે ઘોડા ખેલવતા પોતાના પ્રિયતમોને નાગર ઊભા રો’ રંગરસિયા — એવા લાંબા મીઠા સ્વરે પોકારો પાડ્યા છે. કંઈક રસિકાઓએ હું તો દાતણિયા લઈને ઊભી રહી રે, દાતણ ન્યાં કરજો, મારી સગી નણંદના વીર જો આછુડામાં જાણું જીવન ઝીલવા રે. — એવી આજીજીઓ ગાઈને જળ-ઝીલણ રમવા પોતાના કંથને નોતરાં દીધાં હશે. પાણી સીંચતાં સીંચતાં, પગથિયે જેના પગ લપસ્યા હોય તેવી કોઈક રસ-ઘેલડીઓના નવસરા હાર પણ તૂટીને, નવરંગી મોતીડાં વેરાયાં હશે, અને મોતીડાં વીખરાય એ બીનાને તે કાંઈ કવિતામાં ઉતાર્યા વગર રહેવાય? માટે ગવાયું કે — રાજ, આઠ કૂવા ને નવ પાવઠાં, રે મારા પાઠવડે લપટ્યો છે પગ, રાજ

મોતી વેરાયલ ચોકમાં.

અને પહેલા ખોળાનો ‘બાવલ બેટડો’ ધવરાવતી પોતાને મહિયરેથી વેલ્યમાં બેસી સાસરે જતી કંઈક તરુણ જનેતાઓએ રસ્તામાં પોતાના એ બેટડાને ક્ષીર સરખાં મીઠાં નીરમાં સ્નાન કરાવ્યાં હશે તેનું દૂધે ભરી તળાવડી... નવરાવતી આવે — એવું મધુર મિત્ર આલેખાયું છે. ઘૂમતી ગાગર માથે લઈને પાણી ભરતી કંઈક નવ-વધૂઓએ ‘માથડાં દુખે’, ‘પગમાં કાંકરી વાગે’ એવી વિનોદભરી ફરિયાદો નોંધાવીને પતિની પાસે લાડ કર્યાં હશે. જળાશયની આવી રસમસ્ત તસવીરની બીજી કરુણ બાજુ પણ લોકગીતોમાં બતાવેલી છે. વઢિયારની સાસુના સિતમો સહેનારી દુખિયારી વહુ કૂવાને કાંઠે ઊભીને પોતાના દાદાને ઊડતા પંખીની સાથે સંદેશો કહાવે છે — દાદા તે દીકરી વઢિયારે નો દેજો જો,

વઢિયારી સાસુ રે, દાદા, દોયલી.

દી’એ દળાવે મને રાતડીએ કંતાવે જો,

પાછલે તે પરોડિયે પાણીડાં મોકલે.

ઓશીકે ઈંઢોણી, વહુ, પાંગતે સીંચણિયું જો,

સામેને ઓરડિયે, વહુ, તમારું બેડલું.

ઘડો બૂડે નૈ મારું સીંચણિયું નવ પૂગે જો,

ઊગીને આથમિયો કૂવા કાંઠડે.

ઊડતા પંખીડા મારો સંદેશો લઈ જાજે જો,

દાદાને કે’જે કે દીકરી કૂવે પડે.

— એવી કંઈક ગરીબડી દીકરીઓએ પોતાનો છેલ્લો વિસામો કૂવાનાં કાળાં નીરમાં શોધ્યો હશે. તેમ જ કોઈ કોઈ રણચંડી બનેલી સ્ત્રીઓએ આઘેરાં રહી વહુએ ધક્કો રે દીધો,

બાઈજી કૂવામાં બૂડ્યાં રે... મારી સૈયર સમાણી.

બાઈજી બૂડ્યાં ને સાડલો તરે,

રખે તે પાછાં વળે રે મારી સૈયર સમાણી.

— એવી વિધિ કરીને સાસુઓને જળસમાધિ લેવરાવી હશે. ગામડાનું જળાશય, એટલે આવી કાળી અને ઊજળી સ્મૃતિઓનું કેન્દ્ર : સ્નેહ, મસ્તી અને શોકની કંઈક ઘટનાઓનું ધામ. એની ઉપર તો કોઈ જીવંત દૈવી શક્તિની આણ વર્તતી હોવાનું મનાય છે. કોઈ કોઈ વાર એ જળદેવતા ગામલોકો પાસે ભોગ માગે. બાર-બાર વર્ષો સુધી ગાળેલું નવાણ છાંટોયે નીર નથી આપતું. ગામના ઠાકોરે જોશીડાને જોશ જોવા માટે બોલાવ્યા. જોશીડાએ ભાખ્યું કે જળદેવ જીવતાં માનવીનો ભોગ માગે છે. માટે — દીકરો ને વહુ પધરાવો જી રે. ઘોડી ખેલવતો કનૈયો કુંવર અને બેટડો ધવરાવતી ભરજોબનવંતી વહુ ગામના સુખ સારુ બલિ બનવાની તત્કાળ હા પાડે છે. છેલ્લી વાર માવતરને મળી લેવા વહુ મહિયર ચાલે છે. લોકો સામા મળે છે. તેમણે મેણાં દીધાં છે કે — મરવાનાં હોય તો ભલે રે મરજો

એનાં વખાણ નવ હોયે જી રે.

બલિદાનની સાચી ભાવના પ્રસિદ્ધિના આ આક્ષેપને સાંખી શકે નહિ. બાઈ પાછી વળે છે. ગોરની સાથે સંદેશા મોકલાવે છે કે — મારી માતાને એટલું રે કે’જે

મોડિયો ને ચૂંદડી લાવે જી રે.

જેઠાણીના ગરમ કરેલાં પાણીએ સ્નાન કીધું, નણંદબા પાસે માથું ગૂંથાવ્યું અને — પુતર જઈને પારણે પોઢાડ્યો,

નયણે આંસુની ધાર જી રે.

વાત્સલ્ય, દાંપત્ય અને લોકસેવાની લાગણીનાં કેવાં તુમુલ તોફાન! ગાજતે વાજતે લોકસમુદાયની વચ્ચે જાણે કે વરઘોડિયાં ફરી વાર ચોરીએ ચડવા ચાલ્યાં. નવાણને પગથિયે પગ દેતાં જેમ ઊતરતાં જાય છે તેમ તેમ એ સૂકી વાવનાં પાતાળી નીર ઊભરાતાં આવે છે. કાંડાં ડૂબ્યાં, ગોઠણ ડૂબ્યા, છાતી અને છેવટે માથા ઉપર પાણી ફરી વળ્યાં. જળાશય છલોછલ ભરાઈ ગયું. ભોગ પહોંચી ગયો. બાર-બાર વર્ષથી પાણી વિના તરફડતાં પશુ, પંખી અને માનવીઓને જીવન મળ્યું. પણ જળાશયને તીરે ઊભેલાં બુઢ્ઢાં માવતર શું પોકારે છે? એક હોંકારો દ્યોને, વસરામભાઈ, ગોઝારાં પાણી કોણ પીશે જી રે. એક હોંકારો દ્યોને વાઘેલી વહુ, ગોઝારાં પાણી કોણ પીશે રે! જળાશયના જતનની આટલી ઉગ્ર ત્યાગ-ભાવના આલેખતું આ મશહૂર ગીત લોકોના પ્રાણમાં જોરથી રેડાઈ ગયું છે. કોઈએ એ કથા માધાવાવ સાથે સંધાડી, કોઈએ ભીમોરાની વાવ સાથે જોડી, તો કોઈએ વાળુભા ગામ સાથે. એમ સહુએ એને પોતપોતાનું બલિદાન-કાવ્ય સમજી લીધું. એમાં લોકજીવનની ‘સિવિક્સ’ અને ‘પોલિટીક્સ’ સમાઈ જાય છે. સમસ્ત કુટુંબની રક્ષાને ખાતર જેમ વ્યક્તિ પોતાનું વહાલું સુખ હોમી દે (મોટાં ખોરડાં : ‘ર.રા.’) તેમ સમસ્ત લોકહિતને માટે આગેવાન કુટુંબોનાં બલિદાન ચડી જાય, તે આ ગીતનો મર્મ છે. આવાં બલિદાનની અંદરથી કેટકેટલી નોખનોખી લાગણીઓ ઉછાળા મારે છે! વાત્સલ્ય, દાંપત્ય, કુટુંબ-સ્નેહ, નિર્દોષ મૃત્યુની પારાવાર કરુણતા વગેરે તમામ ઊર્મિઓના હૃદયવેધી સ્વરોની વચ્ચેથી લોકહિત-લોકરક્ષાનો મંગળ ઘંટારવ સંભળાય છે. છતાંયે એ સ્વર બીજા સ્વરોને રૂંધી નથી મારતો. ગ્રામાભિધાન કે દેશાભિમાન મનુષ્યનું મનુષ્યત્વ ઝૂંટવી નથી લેતું. જળાશયના કિનારાઓ આવી આવી લોકજીવનની સમસ્યાઓના મૂંગા સાક્ષીઓ છે. જળાશય તો ગામડાનો સુખસ્વર છે તેમ જ આર્તનાદ છે. વડલો લોકજીવનમાં જેવું સ્થાન જળાશયનું, તેવું જ સ્થાન ગામને પાદર લૂંબઝૂંબ ઊભેલા વડલાનું હોય છે. લગભગ પ્રત્યેક ગામડાને આંગણે આ જટાજૂટધારી ઋષિવૃક્ષ કંઈ કંઈ જમાનાઓના પલટાઓ જોતું જોતું અડગ ઊભું હોય છે. અને એવા ઘેરગંભીર ઘટાદાર તરુવરને આશરે એટલાં એટલાં પશુપંખીઓ મહાલતાં હોય છે કે લોકપ્રજાએ એના રક્ષણાર્થે એને દેવ-દેવીનું થાનક બનાવી દીધેલ હોય છે. એને પાંદડે પાંદડે માતા ચામુંડાના દીવા બળે, એની ડાળીએ ડાળીએ દેવી રાસડા લે, અને એને કાપનાર મનુષ્યનું સત્યાનાશ નીકળી જાય, તેવી રમ્ય-ભીષણ ઘટનાઓ જોડાતી જાય છે. વળી જોગીડો ઊતર્યો... સેજ વડલા તળે રે લોલ એવા કંઈ અવધૂત અતિથિઓની ધૂણીઓ ગામના વડલાની છાંયડીમાં ધખતી હોય છે. પતિ-પત્નીના વિજોગની ઘડીનો સાક્ષી પણ એ નિર્મોહી વડલો જ હોય છે; વરસતે અષાઢ મહિને — વાલમ વળાવાને હું રે ગઈ’તી

ઊભી રહી વડલા હેઠ... વા’લા!

વડલો વરસે સાચે મોતીડે રે

તેનો પરોવ્યો હાર... વા’લા!

એવાં કેટલાંયે વિરહાશ્રુઓ એ વડની નીચે ઝરેલ હશે. એ વડલા, ગાયોના ગોંદરા, નાની એવી ડુંગરી અને તે ઉપર નાજુક દેરડી, વગેરે બધાં સ્થળો માત્ર સ્થળો જ નહોતાં, પણ લોકજીવનની ચિરંજીવ સંસ્થાઓ હતી. ગામનો ઝાંપો (દરવાજો) એ વડે રળિયામણો લાગતો. ઝાંપો એ ઝાંપો કે જ્યાં સુધી સાસરે જતી કન્યાને એની સૈયરો વળાવવા આવતી, જ્યાં ‘મોટાં ખોરડાં’ વગોવનારી નિર્દોષ વહુની નનામીઓને સ્મશાનની વાટે લઈ જતાં બીજો વિસામો દેવાતો, અને જ્યાં શત્રુઓને રોકતાં રોકતાં રણે ઝૂઝીને શૂરાપૂરાઓએ દેહ પાડેલા તે ઉપર સિંદૂરિયા રંગની ખાંભીઓ ખડી થાતી : ગામનો ઝાંપો તો સ્નેહ, વીરત્વ અને મૃત્યુની પુનિત ભાવનાઓનો સ્મરણસ્તૂપ લેખાતો. આકાશ પગ નીચે આવી રમ્ય ધરતી અને માથા પર નવલખ તારાથી જડેલું આભામંડળ : નવલખ તારાઓ તો જાણે માનવીની જોડાજોડ રહેતા હોય તેવી ગાઢ પરિચિતતા લોકગીતોમાં જ્યાં ને ત્યાં આલેખાયેલી પડી છે. કૃષ્ણ પ્રભુને માટે ગવાયું છે કે — ચાંદો તે તલખે ને સૂરજ તલખે તલખે નવલખ તારા, ગોકુળ રથવાળા. રામચંદ્રજીનાં લગ્નમાં જાણે ગગન-નિવાસી સાજન-મંડળ મળ્યું : નવલખ તારા જોઈ રિયા રામૈયા રામ, આભનો તે કીધો માંડવો રામૈયા રામ, વીજળીની કીધી વરમાળ રે રામૈયા રામ. આટઆટલી વસ્તુઓથી પરિચિત બન્યા પછી તેની વચ્ચે વસતો લોક-સંઘ જાણે કે આપણને અતિ જૂની ઓળખાણવાળો લાગે છે. ગામનો કારીગર વર્ગ, વેપારી વર્ગ, વસવાયાંઓ અને અસ્પૃશ્યો પણ આ રાસડાઓની પારંપાર ભાવભીની સંસારગાથાઓમાં સ્થાન પામી રહ્યાં છે. માળીડા રાજાજીના ગજરા અને રાણીજીના હાર ગૂંથે, વાંઝા રાજાજીનાં મોળિયાં (પાઘડી) અને રાણીજીનાં ચીર વણે, સોનીડા વાંકિયા અને ઝાલ બનાવે, સુતાર ઢોલિયા અને હીંડોળાનો ઘાટ ઉતારે, લુહાર દીવડા અને બખતરની સાંકળી ઘડે — એટલું વર્ણન હરકોઈ રળિયામણા ગામની રિદ્ધિ બતાવવા બસ થાય છે. ગામની નારીઓ કસુંબીઓની દુકાને ચૂંદડી વોરવા, મણિયારની દુકાને ચૂડલા વોરવા, કંસારાની દુકાને તાંબડી વોરવા હર્ષભેર નીકળી પડે છે તેનું મસ્તીભર્યું ચિત્ર કેટલાંયે ગીતોમાં અંકાયેલું છે. વસ્ત્રાભૂષણો ઓઢી-પહેરીને તો સદાય પાણી ભરવા સંચરવાના કોડ જાગે છે. જીવનના અલંકાર-પોશાકમાં તેમ જ ઘરનાં રાચરચીલાંમાં જનસમૂહને જે રસ હતો તે જ રસ કાવ્ય વાટે ઢળીને આ કારીગર કોમોને પણ ભીંજવતો હતો. સ્ત્રીઓના રાસડામાંથી ઢોલ બજાવનાર ભંગી પણ બાતલ નથી રહ્યા. મૈયારણ તો રસમૂર્તિ જ છે, પરંતુ વાઘરણ જેવી સ્ત્રીને પણ ખાસ વિનોદાત્મક ગીતમાં ઉતારી લેવામાં આવી છે. પ્રવાસ-વર્ણન લોક-સમુદાયના મહીસાગર-મેળાઓ મળે છે. પોઠ્યો લઈ લઈને વણઝારાઓ નીસરે છે. માર્ગો ઉપર આઘે આઘે ઝીણીઝીણી ખેપ (ધૂળ) ઊડતી આવે છે. દેશપરદેશથી હાથી, ઘોડા, બળદો, વેલડી, ચૂંદડી વગેરે મોહક સામગ્રીઓ આવે છે. પરંતુ રમણીઓ નિ :શ્વાસ મૂકીને ગાય છે : છેલ છોગાળો હોય તો મૂલવે, ડોલરિયો દરિયાપાર... મોરલી વાગે છે. એવા રસિક સ્વામી વિના આવી વસ્તુઓ બીજું કોણ લઈ આપે? વિદેશે બેઠેલો કંથ સાંભરી આવે છે. અને વા વાયા ને વાદળ ઊમટ્યાં મધદરિયે ડૂલેરાં વહાણ... મોરલી વાગે છે એવી વર્ષાઋતુમાં કુંજડીઓની સાથે સંદેશા છૂટે છે. આમ પ્રવાસનાં પ્રેમભીનાં વર્ણનો વારંવાર આ ગીતોમાં ડોકિયાં કરે છે. વિદાય વખતના પ્રસંગોમાં, પતિના પ્રવાસની ત્રણેય ઋતુઓની ફિકર કરનારી સ્ત્રીને પતિ જવાબ આપી રહ્યા હોય છે કે — ભેળાં રેશમી ગાદલાં લેશું, શિયાળો શું કરે રે લોલ.

ભેળી ચમ્મર છતરી લેશું, ઉનાળો શું કરે રે લોલ.

ભેળા મીણિયા માફા લેશું ચોમાસુ શું કરે રે લોલ એ સૂચવે છે કે તે કાળના પ્રવાસો વર્ષોના વર્ષો સુધી લંબાતા હતા, વિયોગની પ્રબળ વેદનાના એ પ્રેરક હતા અને પુનર્મિલનના આનંદો — ચારણ ઘેરે આયો રે

મુંજો ચારણ ઘેરે આયો,

લીલુડા નેસવાળો રે

મુંજો ચારણ ઘેરે આયો.

— એવી આવેશભરી પંક્તિ વાટે ધસમસતા હતા. આપણાં બારમાસી ગીતો પણ એ જ લાંબા વિરહો અને પ્રવાસોમાંથી નિર્ઝરતાં હતાં. ઊંચી મેડી તે મારા સાયબાની રે લોલ નીચી નીચી ફૂલવાડી ઝૂકાઝૂક, હું તો રમવા ગઈ’તી મોતી બાગમાં રે લોલ. લોકજીવનના આનંદો એવી ઊંચી ઊંચી પોતાના પિયુની મેડી અને નીચે ઝૂકાઝૂક જામેલી ફૂલવાડી, તેમાં પ્રેમિકની દૃષ્ટિ પડે તેવી રીતે રાસડે રમવા જવું, એ સ્ત્રી-હૃદયની ભૂખ હતી. આતિથ્યની ભાવના તો એટલી પ્રબળ હતી કે કે’દુની જોતી’તી વાટ, મે’માન આવ્યા

જોગીડો ઊતર્યો, સેજ વડલા તળે રે લોલ. એવાં અનેક ગીતોમાં અતિથિ-સત્કારના કોડ અંકિત થયા છે. પોતાનાં પ્રિયજનોને સાદ કરતી નારીઓ આતિથ્યની અટપટી વિધિઓમાં નથી સમજતી. સમજે છે માત્ર એટલું જ કે શેરી વળાવી સજ કરું, ઘેર આવોને, આંગણિયે વેરું ફૂલ, મારે ઘેર આવોને. દાતણ કરવા સોનાની ઝારી, નાવણ કરવા ત્રાંબાકૂંડી, ભોજનમાં કંસાર, ત્રાંબાનાં ત્રાંસમાં ઠારેલો શીરો, પોઢણમાં સાગ-સીસમના ઢોલિયા, હીંડોળાખાટ, રેશમી ગાદલાં, ભેરવના ઓછાડ, અતલસનાં ઓશીકાં, ગલવટ ગાલમસૂરિયાં, વીંઝણા, સાંગામાચી, પારણાં, ચમ્મર છતરી, ચાખડી, રૂમાલ, ચોખા અને કંકાવટી, ધુપેલ તેલ, પાણી ભરવાનાં બેડાં અને ઓસરિયાળા ઓરડા : એ બધી જીવતરની રસસામગ્રી લેખાતી. એમાંથી કવિતાની છોળો ઊછળી છે. એટલું જ બસ નથી. ગેડીદડાની રમતો, ઠેર ઠેર વાગતી ઝૂલણ મોરલીઓ, પિત્તળિયાં પલાણવાળા હંસલા ઘોડા ઉપર કે રોઝડી ઉપરની સવારીઓ, ઘર પછવાડેની ફૂલવાડીઓ, એનાં મહેકતાં અને વાલમ વિના કરમાતાં ફૂલો, વનમાં બંધાતા હીંડોળા અને હીંડોળાની નીચે હિલોળા લેતાં સરોવરો. આસોપાલવની અને કદંબની છાંયડીઓ, પારસ પીપળાઓ : એ બધાં પણ પ્રજા-પ્રાણની કોઈ અનંત ક્ષુધાને સંતોખતાં તેમજ અતૃપ્તિનો અગ્નિ સળગાવતાં, આ રાસડાઓમાં રજૂ થાય છે. વનવાસી જીવનનો આ બધો રાજવૈભવ આજ કેવળ ગીતોમાં જ રહી ગયો છે. આજે નવા રાસ રચાય છે. તેમાંયે આ તળાવડી, સરોવર, સોના ઇંઢોણી ને રૂપા બેડલાં, સરિતાના આરા, આસોપાલવ વગેરે ગ્રામજીવનની સામગ્રીઓ જ સ્થાન પામે છે. પાણીનો એક લોટો પણ માથે ઉપાડી ન જાણનારી કે સરિતાના કિનારાથી સદા છેટે જ નાસનારી નવા યુગની નારીઓને પણ આખરે અસલી જીવનની જ ગાથાઓ ગાવી પડે છે, કારણ કે કાવ્ય તો ખુદ વસ્તુઓની અંદર જ રહેલું છે. કૃત્રિમતાને સાચા કાવ્યમાં નહિ ઉતારી શકાય. લોકજીવનના વહેમો નદીનાં નીરમાં નાહતી વેળા કમળ ફૂલ તરતું આવે અને તરુણ કુમારિકાઓ એને સૂંઘતા જ ગર્ભ ધારણ કરે, એવી અજાયબ બીનાને લોકજીવનમાં અને લોક-કવિતામાં સ્થાન હતું. સંતતિને કારણે રાજાઓ દેવતાઓને પ્રસન્ન કરવા જનહિતકારી જળાશયો બંધાવતા અને જળાશયને પગથિયે પગથિયે દીપમાલા પ્રગટાવતા. પાણી ખાતર જળાશયને જીવતાં માનવીઓના બત્રીસા ચડતા. સંતાન ખાતર રાંદલ દેવીને અને જમિયલ પીરને નૈવેદ્ય ધરાતાં. દયાળુ પીર ગાય જેવા પૂજનીય પ્રાણીનું બલિદાન સ્વીકારવા ના પાડતો અને એની સાક્ષી રૂપે, ગાયની ખરીઓ પથ્થરમાં છપાઈ જતી. દેવીઓ આવીને વડલા વાવી વાવી ઉઝેરતી. એને પાંદડે પાંદડે દેવીઓ નૃત્ય કરતી. યુદ્ધે ચડનારા વીરને શંકર ભગવાન હોંકારો દઈ સાવધાન કરતા કે ભરી પીઠીએ અને બાંધ્યે મીંઢોળે જતો નહિ. યુદ્ધમાં મરવા જ સરજાયેલો યોદ્ધો પોતાની વિદાયને સમયે અમંગળ ચિહ્નો જોતો; ઉંબરમાં એનો પગ લપસતો; બારણામાં એની પાઘડી ભરાતી; ખીંતીએ એનું ભાલું અટવાઈ જતું; ઘોડી છોડતાં છીંક થાતી; લાકડાંની ભારી અને કાળે બેડે કુંભારણ સામે મળતી; આડો સર્પ ઊતરતો. ગામલોકો એને રોકવા મથતા. આવી રીતે માનવીના ભાગ્યવિધાનમાં જગતની અદૃશ્ય શક્તિઓ આટલો ઉઘાડો ભાગ લેતી. લોક-સંકલ્પનાને આવા ચમત્કારોમાંથી જબ્બર બળ પ્રાપ્ત થતું. દેવદેવી જાણે કે માનવસૃષ્ટિની અંદર, માનવોને દુ :ખે દુ :ખી અને માનવોને સુખે સુખી થતાં આંટા મારતાં. આવી માન્યતાઓએ લોકજીવનને રમ્યતા અને ભીષણતા એવા બન્ને રંગે રંગી દીધેલ હતું. દામ્પત્યના રંગો લોકગીતોમાં ગવાયેલા દામ્પત્યમાંથી તો — ઓશીકે નાગરવેલ્ય પાંગતે કેવડો રે — એવી સોડમ ઊઠે છે. પરણીને આવતી નવવધૂ શું લાવે છે? લાવશે તેલ ધુપેલ કે ફૂલ ભરી છાબડી રે. પત્નીની દૃષ્ટિએ ભરથાર તો ‘ગુલાબી ગોટો’ બનીને ગવાયો છે. અને એવા ગુલાબની સાથે વસનારી નારી પોતાના માટે કેવી કલ્પના કરે? ફૂલડિયાંની ફોર્યું સાહેલી મારી ચૂંદડીમાં રે.

તારી સેજડી ફૂલ રે રંગરસિયામાં રે. એવો ઉગ્રમાં ઉગ્ર શૃંગાર લોકબેલડીના જીવનમાંથી મઘમઘી ઊઠે છે. દંપતીને હીંચકવાના હીંડોળાઓ જાણે કે આસોપાલવની કે પારસ પીપળાની ડાળે ઝૂલી રહ્યા છે. રૂમાલોની સામસામી અદલાબદલી થઈ રહી છે. હીંચકેથી પડતાં પડતાં પતિને માથે ‘ખમા’ ‘ખમા’ની આશિષો જાણે કે વરસતી સંભળાય છે. પતિને ફરી વાર પરણાવવાના રમૂજી લાડકોડ થઈ રહ્યા છે. જીવનનો ઉલ્લાસ લોકભોગ્ય સ્વરૂપે ગવાયો છે. હજુયે ગવાતો આવે છે. અને ઉલ્લાસને બીજે પડખે સંતાપ જો ન હોત તો જગતમાં કરુણાની કાવ્ય-સરિતાઓ ક્યાંથી ચાલત? અસતરી નો મારીએં રે ઉંબરાની રખવાળ, મારા વા’લા. — એવી અનુકમ્પાભરી પંક્તિઓ ક્યાંથી અવતરી હોત? ચંદનની ડાળ સરખી ગુજરાતણ પુરુષના વિકાર, વિદ્વેષ અને કોપની જ્વાળાઓમાં સળગતી સળગતી આ સુગંધ-ગીતો પ્રસરાવતી ગઈ છે. પતિએ એના ઉપર શોક્યો આણી છે, અને ખારે બળતી નારીઓએ શોક્યના સંતાપમાંથી પણ ટોળ-ગીતો ને મર્મ-ગીતો ખેંચ્યાં છે. ‘સાયબાનાં લગ્ન’ અને ‘ઝેરી કાંટો’ એ બન્ને ગીતોમાં શોક્ય પ્રતિની ખીજ વિનોદનું રૂપ ધરીને તંગ લાગણીઓને વહાવી નાખે છે. પોતાના બેવફા કંથનું બૂરું થજો, એવું એ દાઝે બળતી બોલતી હોય, પણ એના મનમાં તો ‘ઘણી ખમા’ની લાગણી ગુંજે છે. વાલમના પ્રવાસો : રોકાવાની આજીજીઓ : વિયોગના બાર-બાર મહિનાની બદલાતી ઋતુઓ દેખી દેખીને એના હૈયામાંથી નીકળતા પોકારો : પતિની ગેરહાજરીમાં તેલ, ફૂલ અને મેંદી જેવા વૈભવનો અણગમો : ખાતાં-પીતાં ને સૂતાં-બેસતાં પતિનાં સ્મરણો : ઢળી જતી ઝારીઓ, ઝરી જતા કોળિયા અને લળી જતી સેજડીઓમાં — મોર બોલે મધુરી રાત રે

નીંદરા નાવે રે.

હું તો સૂતી’તી સેજ પલંગ રે

ઝબકીને જાગી રે.

— એવી વિરહાકૂલ દશા : સૂની સેજલડી : અને કુંજલડીની સાથે છૂટતા સંદેશાઓ : એ બધાં નારી-હૃદયનાં દર્શન છે. તેની સામે, કદી કદી છોગલે આંસુ લોહતો તો કદી કદી અવળાસવળી ઠોંઠ અને ડાબા પગની મોજડી મારતો, કદીક હેતે હેતે પત્નીના હાથના પથ્થરો ખમી લેતો અને વધુ કોપે ભરાય તો વહુનાં ‘માથડાં’ પણ વાઢતો ભરથાર આ લોકગીતોમાં તરવરે છે. સાસરિયું સાસરવાસની જિંદગીએ ઘણી કરુણ ઘટનાઓ જન્માવી છે. તેની છાપ લોકગીતો ઉપર ઊંડી પડી છે. સાસરી-જીવન સામેની નારી-હૃદયની ચીસ સાદામાં સાદી રીતે કેવી તીક્ષ્ણ વાણીમાં ને કેવા જલદ ઢાળમાં નીકળી પડી છે! પિયરિયું અતિ વા’લું રે, ના મા, નૈ જાઉં સાસરિયે રે. ‘વઢિયારી સાસુ’ના સંતાપ પણ એવી જ ભેદક ભાષામાં ગવાયા તે આગળ જોઈ ગયા છીએ. લાજ કાઢવી, પાણી ભરવાં, દળણાં દળવાં, અને ‘વહુ’ એવું અળખામણું સંબોધન સાંભળવું, તે પિયરના મુક્ત જીવનમાં મહાલતી દીકરીને ઝેરના ઘૂંટડા જેવું વસમું લાગે છે. તેમ બીજી બાજુ કોઈ ‘રંગભર રસિયા’ની રસિકા ‘રાણી રાજવણ’ને સુખ સાંપડ્યા હશે એટલે તેણે તો ‘તને વા’લું કોણ?’ પ્રશ્નના ઉત્તરમાં સાસરા ને પિયર બન્ને ઉપર સરખી જ વહાલપની સરિતા વહાવી. પણ એવાં દૃષ્ટાંત દેનારાં ગીતો તો વિરલ છે. સાસરિયાના કાળાધોળા રંગોની છાપ જોવી હોય તો લોકગીતોમાં પ્રત્યેક સ્વજનને માટે વિશેષણો યોજાયાં છે તે વાંચીએ : સાસરો : એટલે તો ડોલતો ડુંગર : રણમલ રાજિયો : ગામનો ગરાસિયો : ચોરાનો ચોવટિયો : અરજણ ભીમ : એની લાજ કાઢ્યાની હામ થાય. એ બધાં તો મહત્તા સૂચવનારાં સંબોધનો. પણ કોઈ કોઈ વાર સસરાજી ‘સૂળીનું ફૂલ’ પણ બની જાય છે. દાઝ ચડે ત્યારે ‘સસરા માથે શિલા ઢળી’ પણ કહેવાય છે. સાસુ : સાંગામાચીએ બેસનારાં : ખળખળતી નદીએ નાહનારાં : સમદર-લેર (સમુદ્રની લહરી) : દેવદર્શને જનારાં : એમને પાયે પડ્યાની હોંશ થાય, એટલી એમની મોટપ, એટલી એમની પૂજ્યભાવ પ્રેરનારી વૃદ્ધાવસ્થા : ત્યારે બીજી બાજુ એમના સ્વભાવનું કેવું દુ :ખદ દર્શન અક્કેક વિશેષણમાં થઈ રહે છે! એ તો નરજણ નાગણી : દળણાં દળાવનારી, વહુને ઓશીકે ઇંઢોણી અને પાંગતે સીંચણિયું મેલી પાછલે પરોઢિયે પાણી ખેંચાવનારી : એને તો નાગણી ડસે એવી વધૂ-હૃદયની જ્વાળાઓ કાવ્યોમાં સળગે છે. જેઠ : ઘોડાનો ખેલાવનારો, અષાઢીલો મેહુલો, એની હાજરીમાં તો કુલીન વધૂને — ઝીણું બોલ્યાની ઘણી હામ રે. પણ એની વસમી બાજુયે ખરી. એટલે જ — સાસરિયામાં મારા જેઠજી ભૂંડા, લાજડિયું કઢાવે રે, ના મા, નૈ જાઉં સાસરિયે રે. જેઠાણી : મારી જોડીદાર : સદાય બેટડો ધવરાવતી : વાદળની વીજળી-શી : પણ જેઠાણી એટલે તો વાદડિયાં વદનારી પણ ખરી. દેર : તો હસ્યા-બોલ્યાનું ઠેકાણું : દડુલા દોટાવતો હોય : દરિયા માંયલો દેડકો : દેવળસંગના દેરા જેવો : નાનો દેરીડો એ તો લાડકો : વાટીઘૂંટીને મેંદીના વાટકા લાવે : લવિંગની લાકડી જેવો : તરવારના ઘા જેવો. દેરાણી : ઢીંગલે ને પોતિયે એ રમતી : નાનેરું બાળ : દેરા માયલી પૂતળી જેવી : મારી જોડ્ય. દેરાણીનું ચિત્ર સર્વત્ર નિર્દોષ, મધુર ને દયાપ્રેરક છે. નણંદ : ઊડણ ચરકલી. એ તો આખરે — ઊડી જશે પરદેશ વા’લા. સોનાની થાળીમાં જમનારી : લાડકવાયી : પિયરમાં રાડકરામણ પણ ખરી : કટકડાના ઘોડા જેવી : કુટુંબમાં એનું સ્થાન વહુ પાછળ નીમેલા જાસૂસનું છે. નણદોઈ : વાડી માંયલો વાંદરો : જટાળો જોગી : નણદોઈ બાવો બને અને નણંદ રઝળી પડે, એ તો ઘણીયે ભોજાઈઓની વાંછના હોય! ભાઈ-બહેન પરંતુ કુટુંબ-સંસારનાં આ નવરંગી ચિત્રોમાંથી સર્વોપરી ચિત્ર તો ભાઈ-બહેનના સ્નેહનું છે. પતિનો માર ખાઈને લોહીલોહાણ થયેલી પત્ની પિયર ચાલી આવે ત્યારે ચોરે બેઠેલો દાદોજી, સાંગામાચીએ બેઠેલાં માતાજી અને બેટડો ધવરાવતાં ભોજાઈ તો પાધરો એવો જ પ્રશ્ન કરે છે કે — કાં રે દીકરી, વગરતેડ્યાં આવ્યાં જો. દીકરીને પૂરો શ્વાસ પણ લેવા દીધા વગર, એને સુખદુ :ખના સમાચાર પણ પૂછ્યા વગર સીધેસીધો આવા પ્રશ્નનો હુમલો શા માટે થાય છે? એટલા માટે કે માવતરને તો પોતાની આબરૂ વહાલી છે. મૃગલી જેમ શિકારીઓથી ઘેરાય તેમ આવા આક્રમણ વચ્ચે વીંટળાયેલી દીકરી આખરે જ્યારે ભાઈની પાસે જાય છે, ત્યારે ભાઈ બોલી ઊઠે છે કે : ભલે રે બેની વગર તેડ્યાં આવ્યાં જો. ઊઠો વહુજી ઊનાં પાણી મેલો ને સેંજલને ચોળીને નવરાવો જો. એ જ રીતે ભોજાઈએ દૂભવેલી બહેનને પાછી વાળીને માડીજાયો બોલી ઊઠે છે : તારી ભાભીને પિયર વળાવું, તમે જન્મારો રિયો

મોહનરાયનું ઝૂમખડું રે.

બાર-બાર વરસ થયાં સાસરીમાં રિબાતી બહેનને મળવા માનો જણ્યો વેલ્ય જોડીને જાય છે અને પાણી ભરતી બહેન એ વિસરાયેલા વીરને કેવી રીતે ઓળખી કાઢે છે! ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર, બાપની બોલાશે વીરને ઓળખ્યો રે. અને પછી તો ભાઈનાં સ્વાગત : ભાઈની પથારી : આખી રાત એ પથારી પાસે બેસીને અંતરની કોથળી ઉઘાડી કરેલી સુખદુ :ખની વાતો : વેદનાભર્યા વીરે બહેનને પોતાનાં સાસરિયાં છોડીને પોતાની સાથે ચાલવા કરેલી વિનવણી : ભોજાઈના ભયથી બહેને પાડેલી ના : વીરાને ભેટીને પછી દુ :ખિયારી બહેને નદીમાં કરેલો આપઘાત : કોઈ કાવ્યની અંદર વળી સાસુડીએ કે ‘નણદી જહોદણી’એ વીર બાંધવને કરાવેલાં વિષપાન : બહેનીબાઈનાં ધ્રુસકે ધ્રુસકે રુદન : વગેરે આખો ઇતિહાસ અશ્રુભીંજ્યો છે. એમાંથી જ સ્વ. બોટાદકરનું ‘ભાઈબીજ’ સરી પડ્યું ભાસે છે. ભાઈ-બહેનની સ્નેહ-કથાએ તો લોકગીતોમાં આડો આંક વાળ્યો છે. બહેનને માથે સાસરિયામાં સિતમ થાય, તો તુરત જ બહેન સંદેશા મોકલાવે કે — મારા વીરાને જઈને કે’જે રે, વીરા, બેનીજી દુ :ખિયારાં રે, શામળિયા જી. એટલી જાણ થતાં તો — વીરો સો રે ઘોડે સો હાથીએ વીરે પાદર ડેરા તાણ્યા રે, શામળિયાજી. વીરો સૈન્ય લઈને ઊભો જ છે ને! સમર્થ ભાઈ હોય તો શસ્ત્રો બાંધીને બહેનને ઉગારવા આવે. અને ગરીબ હોય તો? તો વેલ્ય લઈને તેડવા આવે. આડી ઊંડી નદી હોય તો, વીર, કેડે લઈ તૂંબડાં બાંધો વીર, કેડે લઈ તૂંબડાં બાંધો રે તૂંબડલે તરતા આવો. એ રીતે સંકટ વેઠીને પણ આવે, અને બહેનને આંગણે કમોતે મરે. બાળક લોકજીવનમાં બાળકનું સ્થાન કેવું હતું? એ બતાવવા માટે વાંઝણી માતા ‘વાંઝિયાં મેણાં’ (‘રઢિયાળી રાત’) સહન ન થવાથી રાંદલ દેવીને મંદિરે જે ગદ્ગદિત પ્રાર્થના કરે છે તેને યાદ કરીએ. લીંપેલા-ગૂંપેલા આંગણા ઉપર નાજુક પગલીઓ પાડનારો, ઘંટીના થાળામાં લોટની શગ ચડેલી હોય તે પાડી નાખનારો, રસોઈ કરતી માતા પાસે નાનકડી ચાનકી માગનારો અને માતાના ધોયાધફોયા સાડલાને ખૂંદી ખરાબ કરનારો એક બાળક મળે! એ માતૃ-હૃદયની અમર ઝંખના છે. એને તો જોઈએ છે કોઈ, પોતાની સુંદરતાને બગાડનારું, કોઈ પોતાના કામમાં વિક્ષેપ પાડનારું! તલસાટનું એ ચિત્રણ કેવા વૈચિત્ર્યમાંથી સરજાવાય છે! ‘કિનખાબનાં ઘોડિયાં અને હીરની દોરી’ જે ઘરમાં ન બંધાય તે ઘર લોકોને મન સ્મશાન હતું. સીમન્તનો મહિમા અને જન્મ-સમયની મંગળ વિધિઓ (જનેતાના હૈયામાં : ‘ર.રા.’) સબળ ભાવે ગવાયેલ છે. પહેલા ખોળાનો બેટડો લઈને પિયરથી સાસરે ચાલી આવતી નારીનું આવું ચિત્ર મળે છે — ઝીંઝવે ચડી જોઉં ત્યાં કોઈ માનવી આવે ઘૂઘરિયાળી વેલ્યમાં નાની વહુ આવે ખોળામાં બાવલ બેટડો ધવરાવતી આવે દૂધે ભરી તલાવડી નવરાવતી આવે ખોળામાં ખારેક ટોપરાં ચવરાવતી આવે થાળ ભર્યો શગ મોતીએ વધાવતી આવે. અને ત્યાર પછી તો એ બાળકનો મહિમા બતાવનારાં કેટલાંક હાલરડાં છે. એ તો કોઈ વિકારજન્ય વસ્તુ નથી, પણ દેવની દીધેલી અણમૂલ ભેટ છે, જીવનની લક્ષ્મી છે, એવું ગુંજન આ હાલરડાંમાંથી ઊઠે છે. એને નવરાવવો, ધોવરાવવો, શણગારવો, સુવાડવો, જગાડવો, જમાડવો : એવી પ્રત્યેક ક્રિયા આ ગીતોમાં ઉતારેલી છે. એને પોઢાડતી વેળા ગોપાળ શ્રીકૃષ્ણ પ્રભુનાં બાલ-વીરત્વ ગવાયાં છે. એનાં રિસામણાં-મનામણાં પણ કવિતાની સામગ્રી થઈ પડી છે. સહેલાઈથી ન સૂએ તેવા શિશુને પોઢાડતાં પોઢાડતાં એની માયાળુ જનેતા થાકતી નથી. એ તો — હાલ્ય વાલ્ય ને હાંસી લાડવા લાવશે ભાઈની માસી, હાલ્ય વાલ્ય ને હડકલી ભાઈને ઓઢવા જોવે રે ધડકલી ભાઈ મારો છે સાગનો સોટો

— ઈત્યાદિ સો-પચાસ અર્થશૂન્ય જોડકણાં શીઘ્રતાથી જોડ્યે જ જાય છે. પરંતુ એ દેખીતી અર્થશૂન્યતામાં લાલનપાલનનો અત્યંત મૃદુ, રેશમી દોરો પરોવાતો જ આવે છે. બાળકને મારવા સામે તો લોક-હૃદયમાંથી સાદી રીતે મર્મવેધી મા-કાર થયો છે કે

બાળકડું નવ મારીએ રે ઉંબરાનો રખેવાળ મારા વા’લા. લોકગીતોનું કાવ્યત્વ જો પશ્ચિમના મુલકોની વન-કવિતા (‘પેસ્ટોરલ પોએટ્રી’)ને રસસાહિત્યના લતામંડપમાં તેમજ આપણા શિક્ષણ-ક્રમમાં માનવંત આસન છે તો આ ગુર્જર ગોપ-ગીતો પણ એને પડખે બેસવા લાયક છે કે નહિ તેનો નિર્ણય ગુજરાતે કરવો ઘટે. પાશ્ચાત્ય ગોપ-ગીતોની સાથોસાથ આ ગુર્જર ગોપ-ગીતોનો તુલનાત્મક અભ્યાસ કૉલેજનાં યુવક-યુવતીઓમાં યત્કિંચિત મંડાયો હોવાનું જાણ્યા પછી તો અત્રે એટલું ચીંધાડવાનો લોભ થઈ જાય છે કે : 1. ઊર્મિગીતનું તત્ત્વ (‘લિરીકલ એલીમેન્ટ’) તો આ સંગ્રહમાં લૂંબીઝૂંબી રહ્યું જ છે. 2. લાંબાં વર્ણનાત્મક ચિત્રકાવ્ય (‘લોન્ગર નેરેટીવ પોએટ્રી’)ના પરમાણુઓ પણ ‘રાણકદેવડી’ જેવાં ઐતિહાસિક કાવ્યોમાં બંધાયા ભાસે છે. ઊર્મિઓને સંયમમાં રાખીને લોકજનતાએ ધીરજભર્યું કસબકામ કે કોતરકામ કરવાની પોતાની કલાધરતા એવાં ઘટનાઓથી ભરપૂર લાંબાં કાવ્યોમાં પુરવાર કરી આપી છે. વાસ્તવિક તો, જે આંગળીઓ નાજુકમાં નાજુક ભરતગૂંથણ કરીને કંઈ કંઈ રંગોનું કે ચિત્રોનું ધીરું સંવાદિત્વ કૅનવાસ ઉપર કે મોતીનાં તોરણો ઉપર ઉઠાવતી હતી, અને જે કંઠ-સ્વરો આટલા વિગતભર્યા, સુવિકસિત અને સાંગોપાંગ મેળવાળાં શબ્દ-શિલ્પ કરી ગઈ છે, તે આંગળીઓ અને તે સ્વરો, બન્નેની પાછળ એક-નો એક જ કલાવિધાની આત્મા ખડો હતો. બન્ને કલા-પ્રદેશોમાં એ જ કલાધરની કલા ગુંજતી હતી. એ બધી તો ‘અનકોન્શિયસ આર્ટ’ (સ્વયંભૂ અને નૈસર્ગિક કલા) હતી. કલાયુક્ત જીવનનું જ એ આવિષ્કરણ હતું. એટલે જ ‘નગર સાસરે’ (‘રઢિયાળી રાત’)નો મર્મવેધી રાસડો નગરથી બાનાં નાળિયેર આવિયાં.

— એવા લગ્નના ઉલ્લાસ સાથે આરંભાય છે : કરિયાવરની મહામૂલી તૈયારીઓ કરાવતી વિધવા રાજમાતા દેખાય છે : આખા નગરનું લોક જોવા મળે છે : કાકાબાપુ કરિયાવરમાં કાંઈ ઊણપ રહી હોય તો તે પૂછવા આવે છે : ઓશિયાળી રાજકુમારીને હૈયે છલકાતા સુખ વચ્ચે વિદેહી પિતા અને માડીજાયા ભાઈનો અભાવ સાલે છે : ‘દાજીરાજનો દીવડો’ સાસરે સિધાવે છે : નવાનગરની બજારે ભાવનગરના રાજમાંથી પુત્રવધૂ આટઆટલી પહેરામણી સાથે ચાલી આવે છે ત્યારે એના સાસરિયાના રાજમહેલમાં શો શો ઉછરંગ મચી રહ્યો છે? સાસરીનું પ્રત્યેક સ્વજન કેવી કેવી ઊર્મિઓ અનુભવે છે? — 

ઓરડેથી બાની સાસુ જોઈ રહ્યાં, ક્યારે આવે ભાવેણાંનાં રાજ રે? સાસુને તો બીજું કશુંયે જોવાનાં નેત્રો નથી. એની આંખો, સ્ત્રી-પ્રકૃતિને સહજ એવી રીતે, કેવળ ‘રાજ’ને — સમૃદ્ધિને, કરિયાવરને — ઝંખે છે, જ્યારે સસરો — ક્યારે ભાવે ભાવેણાનાં તેજ રે? પોતાની પુત્રવધૂને ભાવેણાનું તેજ કહી, કુળલાજની ઉજ્જ્વળતા માગી રહ્યો છે. પરંતુ રાજકુમારીનો સાયબો પેલો કુમાર પોતાની અટારીમાંથી ડોકાઈને શેની વાટ જોઈ રહ્યો છે? એને નથી જોઈતું ‘રાજ’ કે નથી પરવા ‘તેજ’ની. એ બે આંખો તલસે છે કે — ક્યારે આવે ભાવેણાનાં રૂપ રે!

— એમ અક્કેક શબ્દમાં ઊંડા ઊંડા મનોભાવોનો, ભિન્ન પ્રકૃતિઓનો ધ્વનિ ઉતારી દીધો છે અને ત્યાર પછી જ્યારે પુત્રવધૂ આવી પહોંચે છે : રાજ, તેજ અને રૂપના હિલોળા છૂટ્યા છે : સુખનો મેરામણ હેલે ચડ્યો છે : શયનગૃહમાં પળે પળે વાટ જોઈ બેઠેલા સાયબાનું અંતર ધબકારા મારી રહ્યું છે : હમણાં જાણે ભોજનથાળ લઈને આવતી સુંદરી મેડીનાં પગથિયાં સળવળાવશે : ત્યારે બીજી બાજુ શી ઘટના બની જાય છે?

સાતે શોક્યુંની આપેલ ચૂંદડી ઓઢાડીને કાળી પાડી ચીસ રે. એ ચીસ છેલ્લી હતી, કેમ કે ચૂંદડીમાં જીવલેણ ઝેર ભેળવાયું હતું. પછી તો સોનલાવરણી બાની ચેહ બળે છે : અને રૂપલાવરણી બાની રાખ ઊડે છે : સચોટ ‘ડ્રામૅટીક આયર્ની’ : તદ્દન યત્ન વિનાનું કલાવિધાન છે. ચાલીસ-પિસ્તાલીસ વર્ષ પૂર્વે ભાવનગરની સડક ઉપર ટીપણ ટીપનારી કોઈ વીસરાયેલી મજૂરણના કંઠમાંથી અજરામર દેહ ધારણ કરીને બહાર પડેલી આ કૃતિ એ ‘અનકોન્શિયસ આર્ટ’નો નમૂનો છે. 3. ધ્વનિ-કાવ્ય, એ જો ઉચ્ચમાં ઉચ્ચ કોટિનું કાવ્ય ગણાતું હોય તો તેની કસોટી પર પણ ચડાવી શકાય તેવી વ્યંજનાત્મક કૃતિઓ આ પ્રદેશમાં વેરાયેલી પડી છે. 4. થોડામાં થોડા શબ્દે જે સચોટ ચિત્ર જન્માવે, જેનો રણકાર કાનમાંથી ખસે નહીં, જેમાં શબ્દની સચોટ વધ કે ઘટ સહન કરી શકાય નહિ, તે કાવ્યને સંસ્કારી કાવ્યવિવેચનાએ ઉત્કૃષ્ટ મનાવ્યું છે. જાપાની કવિતા પોતાની મિતભાષિતાને માટે કાવ્ય-સાહિત્યમાં પંકાય છે, તો લોકગીતોની અંદર રમકડાંનું સ્થાન પણ ઉત્કૃષ્ટ જ ગણાય. એ મદભરી કે દર્દભરી, મલપતી કે નૃત્ય કરતી અકેક અને બબ્બે પંક્તિઓએ અનેક અજરાઅમર ચિત્રો આલેખ્યાં છે. જેમ કે, રમવા નીસરી, ચૂંદડી વીસરી રે કાન તારે તળાવ, રૂમઝૂમતી રમવા નીસરી. એમાં મસ્તીખોર પુષ્પધન્વાના પગની ઝાંઝરીનો રૂમઝૂમાટ મચેલા છે. અને ચૂંદડી વગેરે આભૂષણોનું વિસ્મરણ તો તાદાત્મ્યનો મસ્ત ધ્વનિ કાઢે છે! અથવા તો — નીંદરભરી રે ગુલાલે ભરી, આજ મોરી અંખિયાં નીંદરભરી રે. અને લાલ લાલ જોગી ભભૂત લાલ જોગી રે ભભૂત ભરાવું તારી આંખ લાલ જોગી રે એમાં પ્રીતિની મદવિહ્વળ અને ઘેનઘેરી બેભાન દશા સબળતાથી અંકાઈ ગઈ છે. અને હવે — વનમાં હિંડોળો બાંધિયો, શ્યામ બોલાવે, બાંધ્યો છે વડલાની ડાળ, ગિરધરલાલ બોલાવે. અથવા શેના લીધા, મારા શ્યામ, અબોલડા શેના લીધા રે? કે એથીયે દીનતાભર્યું હું તો દાતણિયાં લઈને ઊભી રહી રે દાતણ ન્યાં કરજો, મારી સગી નણંદના વીર જો, આછુડામાં જાશું જીવણ ઝીલવા રે. — એ ગીતોમાં છલોછલ આજીજી અને શરણાગતી ભરી દીધી છે. એ નાનકડાં ગીતોને હવે વિશેષ કેટલાંક ટૂંકાવી શકાશે? અથવા તો ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો હો

પાંદડું પરદેશી.

— એમાં પિયરરૂપી તરુવરની ડાળે મહાલતું દીકરીરૂપી પાંદડું : પવનના સુસવાટાની માફક એને ઉપાડી જવા આવતાં સાસરિયાં : અને પરણ્યા પછી તો પરદેશણ જ બની ગયેલ કન્યાને ઝટપટ વિદાય કરી દેવા માટે, જુદાઈની કરુણતાને વિનોદના રૂપમાં પલટી નાખવા મથી રહેલાં પિયરિયાં : એ બધાં ચિત્રો આપણી આંખો સામે તરવરી રહે છે. અથવા તો — સામે કાંઠે વેલડી આવે રે

આવતાં દીઠી, વાલમિયા!

ઘડીક ઊભલાં રો’ તો રે

ચૂંદડી લાવું વાલમિયા!

— એમાં આઘેથી આવતા રથના વેગીલા ઘરઘરાટ ઝિલાયા છે. અને — કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે કાનુડો ઘનઘોર જોને કળાયલ બોલે છે મોર. એનું વર્ષા-વર્ણન અને — ઝીણા મોર બોલે આ નીલી નાઘેરમાં નીલી નાઘેરમાં, આ લીલી વનરાઈમાં માંહેલું લીલી નવપલ્લવ નાઘેર ભૂમિનું સમૃદ્ધિ-વર્ણન અત્યંત ટૂંકુ છતાં તેટલું જ સજીવ છે. આવાં મૃદુ પગલાં માંડતી એ-ની એ જ લોક-કલ્પના કોઈ કોઈ વાર ભવ્યતાના ભુવનમાં સંચરી છે, અને પ્રકૃતિના મહિમાવંત સ્વરૂપને પણ એણે પોતાની હથેળીમાં એક નાનો ગોટો ઝિલાય તેટલી સરલતાથી ઝીલેલું છે : વનમાં ચોરી ચીતરી રામૈયા રામ,

ધરતીના કીધા બાજોઠ રે રામૈયા રામ,

આભમાં નાખ્યો માંડવો રામૈયા રામ,

વીજળીની કીધી વરમાળ રે રામૈયા રામ,

નવલખ તારા જોઈ રિયા રામૈયા રામ,

પરણે પરણે સીતા ને શ્રીરામ રે રામૈયા રામ.