ધરતીનું ધાવણ/19.લોકસાહિત્યની નવી દુનિયા 2

Revision as of 09:49, 3 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|19.લોકસાહિત્યની નવી દુનિયા 2|}} {{Poem2Open}} [‘રંગ છે, બારોટ!’નો પ્રવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


19.લોકસાહિત્યની નવી દુનિયા 2

[‘રંગ છે, બારોટ!’નો પ્રવેશક : 1945] બારોટ શબ્દનો અર્થ કેટલાક ‘બાર હઠ’ કરે છે. એટલે કે બાર પ્રકારની હઠ કહેતાં નિશ્ચયોનું પાલન કરનારા ચારણ-બારોટો. પણ પ્રબંધોમાં જોઈએ તો ‘દ્વારભટ્ટ’ એવો શબ્દ જડે છે, અને તે શબ્દ વડે રાજદ્વારને રક્ષતા સુભટ સૈનિક તરીકેનું કામ કરતા પુરુષને ઓળખાવાયો છે. એનો રૂઢાર્થ ચારણ-બારોટ બનેલ છે, કારણ કે ચારણ જે અર્થમાં ગઢવી (ગઢનો પાલક ચોકીદાર) કહેવાયો છે તે અર્થ ‘દ્વારભટ્ટ’ સાથે મેળ લે છે. પુસ્તકનું નામકરણ આ પુસ્તકના નામમાં બારોટ શબ્દ યોજવામાં વાર્તા કહેનાર બારોટ અભિપ્રેત છે. કારણ એ છે કે આમાંની કેટલીક વાર્તાઓ મારી પાસે કહેનારા જેઠા બારોટ નામે કાઠિયાવાડના જસદણ રાજ્યના અણિયાળી નામે ગામના રહીશ, એક કાઠી કુળના વહીવંચા (રાવળ) હતા. એમણે મને જે વાર્તાઓ 1924-27ના ગાળામાં બે-ત્રણ વારના મેળાપમાં કહેલી, તેમાંથી કેટલીએકને મેં ‘દાદાજીની વાતો’ [1927]માં ગ્રંથસ્થ કરી હતી. પણ બાકીની જે ટાંચણરૂપે રહી ગઈ હતી તેમાંથી થોડીકને આટલાં વર્ષે મજકૂર ટાંચણનાં જર્જરિત પાનાં ઉથલાવતાં એ ટાંચણની અંદરના એ કથાકારના તત્ક્ષણ પડકાઈ શકેલા બોલ પરથી સ્મરણમાં ઉપસાવી કાઢી શક્યો તે લખી કાઢી. બાકીની કેટલીક મેં સદાને માટે ગુમાવી છે, કારણ કે મારું ટાંચણ પાંખું અને અધૂરું રહી ગયું હોઈ સમગ્ર સ્વરૂપ સ્મૃતિપટમાં ઊભું ન કરી શકાયું. વાર્તા આપનારાઓ એટલે આ બારમાંની પાંચ વાર્તા એ જેઠા બારોટની કહેલી હોવાને કારણે, તેમ જ બારોટો જ્યારે વાર્તા કહેતા હોય છે ત્યારે શ્રોતાજનોમાં હોંકારા અપાય : તેમાં ‘રંગ’, ‘રંગ, બારોટ!’, ‘રંગ છે, બારોટજી!’ અર્થાત્ ‘વાહ, ધન્ય છે!’ એ પરથી ‘રંગ છે, બારોટ!’ એવું સળંગ નામાભિધાન સૂઝ્યું છે. એ જેઠા બારોટે કહેલી પાંચ વાતો આ છે : ‘વિક્રમ અને ખાપરો’, ‘વિક્રમ અને પ્રભાત ચાવડો’, ‘ચાર સાર’, ‘પરકાયાપ્રવેશ’, ‘કાઠીકુળ’. (તદુપરાંત ‘દાદાજીની વાતો’માં એમણે કહેલી ચાર છે : ‘મનસાગરો’, ‘સિંહાસન’, ‘વિક્રમ ને વિધાતા’, ‘વીરોજી’.) જેઠા બારોટવાળી પાંચ ઉપરાંત જે સાત આ સંગ્રહમાં છે તેનાં પ્રાપ્તિસ્થાનો નીચે મુજબ છે : ‘બાપુ ભાલાળો’ : વઢવાણ શહેરમાં એક ખેતીકાર બ્રાહ્મણ યુવાન આ વાર્તા રાગે ચડાવીને લંબાણથી કહે છે, તે ખબર મને ત્યાંના કેટલાક યુવાન સ્નેહીઓએ આપેલ, અને 1928ના વૈશાખની એક રાતે ત્યાં જઈ રાતના ચાર-પાંચ કલાક એની પાસેથી સાંભળતાં સાંભળતાં ટાંચણપોથીમાં ટપકાવેલ. તે ટાંચણ આખું મોજૂદ છે. કહેનારનું નામ નોંધ્યું નથી. ‘દરિયાપીરની દીકરી ’ : સોરઠી સાહિત્યના જેને મેં દીક્ષાદાતા માન્યા છે તે હડાળા–દરબારશ્રી વાજસૂર વાળાએ છેક 1921-22માં એમના ગઢમાં આ વાર્તા એમની પ્રવાહબદ્ધ, સમતોલ નિરાડમ્બરી શૈલીમાં કહી હતી. મેં તે લખી કાઢી હતી. લખાણ તેમણે વાંચ્યું ને સુધાર્યું હતું. દુહાવાળો કાવ્યભાગ તો તેમણે જ લખીને મોકલ્યો હતો. તેમણે એ કંઠોપકંઠ સ્વરૂપે એક વાર્તાકાર પાસેથી સાંભળેલી. (ઘણું કરીને તો લાઠીના રાજવી સ્વ. કલાપીના રાજદરબારમાં, સામતભાઈ નીલા નામે એક ચારણ હતા તેમની પાસેથી વીસમી સદીના પ્રાત :કાળના કોઈ વર્ષમાં.) ‘જનમના જોગી’ : આ ભજનકથા પાંચાળના ચોટીલા તાબે પાજવાળી ગામના રહીશ નાથબાવા કાનીપાનાથ, ઝવેરનાથ વગેરેએ, મૂળ તો જ્યારે ડૉ. બાકે નામના એક યુરોપી વિદ્વાન હિંદના લોકસંગીતના સંશોધનાર્થે એમનાં પત્ની સાથે રેકોર્ડિંગનું આખું યંત્ર લઈને એક ટ્રક સાથે સફરે નીકળેલા ને રાણપુરમાં એ કામ માટે પડાવ નાખેલો ત્યારે તેમના રેકોર્ડિંગ માટે આ નાથબાવાની મંડળીએ ગાયેલ ને મેં ટપકાવેલ. પણ ટાંચણ ખંડિત રહેલું તે ત્યાર પછી બે-ત્રણ વર્ષે 1941ના ઉનાળામાં બોટાદ ગામની સીમમાં નાથબાવા ભાઈજીનાથ વગેરેના ઉચાળા પડેલા ત્યારે એક સ્નેહીની વાડીમાં ગવરાવીને પૂરું લખી નાખેલું. ‘નાગ અને બામણ’ અને ‘ભેરિયો અને ભૂજિયો’ : એ બેઉ વાતો મારા ગામ બોટાદના શ્રી બાવભાઈ (બલવંતરાય) મહારાજ નામે ‘વાર્તારસિક’ અને વાતડાહ્યા સ્નેહી પાસેથી સાંભળી. એમણે નાનપણમાં આ ગામના એક વાર્તાભંડાર ખોજા (મુસ્લિમ) પાસેથી આવી જે અનેક વાર્તાઓ સાંભળી હતી તેમાંથી આ બે સંભારી કાઢી. ‘ચંદણ મેણાગરી’ : અમારા ગામમાં મારા ઘરની અડોઅડ છેલ્લાં ઘણાં વર્ષોથી ચૈત્રથી ભાદરવા સુધીના પાંચેક માસ જેમનાં ગાડાં (પડાવ) ચાતુર્માસ કરે છે તે ‘લુહારિયા’ ઉર્ફે ‘ગાડલિયા’ નામે ઓળખાતી પરિભ્રમણશીલ જાતિના એક વાર્તાકથનમાં પાવરધા ગણાતા નથુ ભગત નામના લુહારિયાએ પોતાની મંડળી સાથે આવીને સંભળાવેલી. આ લુહારિયાની કથનપદ્ધતિ એ વૃંદપદ્ધતિ છે. વાર્તાનો ગદ્યભાગ કહેનારો એક જણ, પણ વચ્ચે વચ્ચે આવતા પદ્યખંડોનું આખી મંડળી વૃંદગાન કરતી જાય. ‘ખાનિયો’ : આ વાર્તા રાજકોટમાં સ્નેહી સાહિત્યકાર કવિશ્રી ત્રિભુવન વ્યાસે કહી. ને એમણે એ વર્ષો પૂર્વે પોતાના વતનના ગામડામાં પોતાના એક સગા કહેતા તે પરથી યાદ રાખી છે. નિરક્ષરોના કંઠમાં રમતું શુદ્ધ સ્વરૂપ આ રીતે દરેક વાર્તાનું મૂળ પ્રાપ્તિસ્થાન તપાસતાં એક મુદ્દો સ્પષ્ટ થાય છે કે જેઓ મોટે ભાગે નિરક્ષર હતા અને ગ્રંથસ્થ વાર્તાઓ જેમના વાંચવામાં આવી ન હોય, તેવા માણસોએ કંઠોપકંઠ સાંભળીને એના અસલ કંઠસ્થ સ્વરૂપમાં સાચવેલી આ લોકકથાઓ છે. એનાં મૂળ લોકસર્જિત છે એવું તો કહી શકાય નહીં, કારણ કે આ દેશની ભૂમિ કે જ્યાં છેક વેદના ગ્રંથપાઠો પરથી મહાકાવ્યો, નાટકો અને કથાસંગ્રહો પુસ્તકાકારે ઊતરીને પ્રચાર પામ્યાં છે, જ્યાં ગ્રંથારૂઢ પંચતંત્ર અને જાતકકથાઓ એક છેડેથી બીજા છેડા સુધી ભમતી રહી છે, જ્યાં દંડી, બાણ અને સુબંધુ સરીખા વ્યક્તિવિશેષ વાર્તાકારોની ગ્રંથસ્થ રચનાઓ વિહરતી રહી છે, જ્યાં બૃહત્કથામાંથી નીકળેલી કથાસરિત્સાગર, બૃહત્કથામંજરી અને બૃહત્કથાશ્લોક સંગ્રહની ત્રિવેણી રેલાયે ગઈ છે, જ્યાં વેતાલપંચવિંશતિ, વિક્રમચરિત અને શુકસપ્તતિનાં મૂળ સંસ્કૃત પુસ્તકો તેમ જ તેમના પરથી શામળભટ્ટ ઈત્યાદિએ અવતારેલા પદબંધો સૈકાઓ સુધી પ્રવહમાન રહ્યા છે, તેમ જ જ્યાં બ્રાહ્મણો-જૈનોનાં રચેલાં ચરિતો અને પ્રબંધ જનતાની વચ્ચે ગ્રંથકારે પહોંચ્યાં છે, તેવી આ ભૂમિમાં આજે પ્રચલિત એવી કંઠસ્થ વાર્તાવાણીની અંદર શુદ્ધ લોકસર્જનની તારવણી કરવી એ કઠિન છે. કોઈ ને કોઈ સ્વરૂપે આ મહાસાગર જેવડા ગ્રંથસ્થ વાર્તાસમૂહમાંથી જ કંઠસ્થ વાર્તાઓ બિંદુપરિમાણે પડી ગઈ હશે એમ લાગે છે. સિંધુ બિંદુઓ આ મૂળ વાર્તાવારિધિનાં બિંદુઓ એકાદા કોઈ પ્રાંતમાં નહીં પણ સમગ્ર હિંદમાં, ખૂણે ને ખાંચરે, સંસ્કૃત ભાષામાં તો શું પણ કોઈ પણ ગ્રંથસ્થ સાહિત્ય જ્યાં કદી પહોંચ્યું ન હોય એવાં આદિવાસીઓની લિપિવિહીન બોલીમાં પણ પહોંચી જઈને તે તે ભૂમિના તળપદા ઘાટ-આકારે વારતાઓ બની ગયેલ છે. પ્રાંત દીઠ પડેલી આ અદ્ભુત-રસિક કંઠસ્થ કથાઓને લિપિબદ્ધ કરવાનો મોટો ઉદ્યમ ગયા સૈકાથી ઊપડ્યો છે. એને સંગ્રહી લેવામાં તો હિંદીવાનો અને યુરોપી જનો વચ્ચે છેલ્લાં ચાલીસ વર્ષોથી જબરી સ્પર્ધા ચાલી રહી છે. આ હિંદી લોકકથાઓના આ યુરોપી સંગ્રહકારોમાંથી અગ્રપદે બોલાતું નામ લૂમ્સફીલ્ડનું છે. એ પણ કહે છે કે “એ તો નક્કી છે કે આ સર્વ સંગ્રહોમાં ‘હિંદુ ક્લાસિકલ લિટરેચર’માંની પ્રાચીન વાર્તાઓના જ મોટે ભાગે પડઘા પડ્યા છે; આ લિપિબદ્ધ બનતી લોકવાર્તાઓમાં મૌલિક અને સ્વતંત્ર પ્રકારની સામગ્રીનો સમાવેશ થાય છે કે કેમ, એટલે કે કોઈ પણ હિંદી ભાષામાં કોઈપણ કાળે લિપિબદ્ધ ન બની હોય એવી પુરાતન મૌલિક લોકકથાઓ આમાં ઊતરી આવી છે કે કેમ, તે કહેવું કઠિન છે.” ‘મોટિફ’ની ભાંજગડ પરંતુ ‘ક્લાસિકલ લિટરેચર’ની વાર્તાઓમાં જે જૂજવાં પ્રધાન તત્ત્વો પડ્યાં છે, અંગ્રેજી વિવેચન-ભાષામાં જેને ‘મોટિફ’ કહે છે, તે ‘મોટિફ’ના જૂજવા બધા પ્રકારો આજે સંઘરાઈ રહેલી કંઠસ્થ લોકકથાઓમાં ક્રીડા કરી રહ્યા છે. આ ‘મોટિફ’ એટલે કે વાર્તાનો વેગ વધારતી ને એની ચમત્કૃતિ જચાવતી કરામતો, જુક્તિઓ — હિંદમાં હરેક નવે નવે સ્થળે-કાળે વહેંચાતાં અથવા તો નવેસર સંયોજિત થતાં રહ્યાં છે. હર સ્થળે વાર્તા કથનાર અથવા તો સંઘરનાર કેમ જાણે આ ‘મોટિફ’ની આખી અકબંધ સાંકળી ઉપાડે છે. (આ સાંકળીને આપણે પારાની માળા સાથે સરખાવીએ.) પછી એ માળાના પારા વિખેરી ચોમેર વેરી નાખે છે, અને પછી ફરી વાર નવી રચનામાં એ પારાને પરોવી લે છે. આમ હોઈને કોઈ પણ ‘મોટિફ’ આપણને કોઈ પણ સમયમાં, કોઈ પણ સ્થાનમાં, બલકે હિંદી વાર્તા તેમ જ એની શાખા-પ્રશાખાના કોઈ પણ અનુસંધાનમાં ભેટી જાય છે. ‘મોટિફ’નાં દૃષ્ટાંતો ‘મોટિફ’ કોને કહે છે તે વધુ વિગતથી સમજીએ. લોકવાર્તાનાં આ લક્ષણો એવાં છે કે જે બીજી કોઈ રીતે આગળ ન વધી શકે તેવા વસ્તુપ્રવાહને આગળ વધવા માર્ગ આપે. દાખલો લઈએ : પક્ષીની બોલીમાં બહાર પડતી ભવિષ્યવાણી. ‘દાદાજીની વાતો’માં મનસાગરા પ્રધાનની વાર્તામાં રાજાનો મિત્ર મનસાગરો રાજાને પદ્માવતી સાથે મહામહેનતે પરણાવી આપી, બેઉને લઈ પાછો રાજ્યમાં જાય છે, ત્યારે રસ્તામાં રાજારાણી ઊંઘે છે, મનસાગરો જાગે છે, ને ઝાડ પરથી ગરૂડ ને ગરૂડપંખણી વળતે દિવસે રાજારાણીને શિરે પડનારી છ ઘાતોની વાતો કરે છે. મનસાગરો પંખીબોલી સમજી શકતો હોઈ છ ઘાતોનું વારણ કરી શકે છે. હવે, આ એક એવી પરિસ્થિતિ હતી કે જેમાં સંદેશા, પત્ર કે માનુષી ચેતવણી પહોંચી શકે નહિ. તે વખતે વાર્તામાં પક્ષીને બોલાવ્યાં છે. તેઓ અંદર અંદર વાર્તાલાપ કરે, ને કોઈક માનવી એ સાંભળી જઈ આગામી જોખમ સામે વારણનાં પગલાં ભરે. આ સંગ્રહમાં પણ ‘ચાર સાર’ની વાર્તામાં બે પંખીની ચેતવણી આવે છે. એ હંસ-હંસણી હોય, ચકો-ચકી હોય, પોપટ-મેના હોય કે ગરૂડપંખી-ગરૂડપંખણી હોય. એ પક્ષી-જોડાંની વાતચીત વાર્તાનું પ્રધાન વસ્તુ નથી બની જતી, પણ અન્યથા અપ્રાપ્ય એવી મહત્ત્વની માહિતી પૂરી પાડીને આપદનું નિવારણ કરનાર ચાવી બની રહે છે. ‘ન કહેવી’ કરામત ગુપ્ત વાતને ગુપ્ત રાખવાની મુશ્કેલી અને એ ખુલ્લી કરવાથી થતો અનર્થ — આ પણ એક બળવાન ‘મોટિફ’ છે. ‘દાદાજીની વાતો’માં એ કરામતે મનસાગરા પ્રધાનની કથામાં વસ્તુને વેગ આપવાનો ભાગ ભજવ્યો છે અને રહસ્યમયતા ઊભી કરી છે. બે પંખી વચ્ચે થયેલો રાત્રિનો વાર્તાલાપ જે કોઈ માણસ સાંભળી જાય તેનાથી એ બીજાને કહેવાય નહીં, કહે તો પથ્થર બની જાય. એવું બંધન ન હોય તો તો મનસાગરો છયે ઘાતની વાત મિત્ર રાજાને જણાવી દઈ ને સાથે મળી વારણ કરત, પણ આ ‘વાત કરે તો પથ્થર બની જાય’ એ બંધન આડે આવ્યું, ઘાતોનું નિવારણ પોતે કરતો ગયો, પણ કારણ ન જણાવી શક્યો, એથી જેનો પોતે જીવ બચાવે છે તે રાજાની કુશંકા વધતી ગઈ. છેવટે રાજારાણીના શયનવાસમાં જઈ, રાતની વેળાએ, છાપરામાં બેઠેલી નાગણીનું ઝેર રાણીના હોઠ પર ટપકે છે તેને ચાટી લેવાનો સર્વોત્કટ પ્રસંગ ઊભો થયો, અને છતાં પોતે જાગી ગયેલાં રાજારાણીને ખુલાસો આપી શક્યો નહિ; છેવટે પોતાની વિશુદ્ધતાની ખાતરી કરાવવા ખાતર વાતો કહી દેવી પડી, કે જેને અંતે પોતે પથ્થર બની ગયો. આ ‘મોટિફ’ આપણા પ્રાંતની, બંગાળાની, મહાકોશલની, અનેક હિંદી પ્રદેશોની લોકવાર્તાઓમાં રમે છે. પક્ષી, પ્રાણી ને જંતુની વાત સમજવાનું વરદાન, એ વરદાન મેળવનાર પર પોતે સાંભળેલ પ્રાણી-વાત કોઈને ન કહેવાનો પ્રતિબંધ, પ્રતિબંધ તૂટ્યે મરણ ને એ વાત જાણનાર પાસેથી એના જાનને ભોગે પણ કહેવરાવવાની મોટે ભાગે સ્ત્રીની જ હઠ, એવી જીવલેણ સ્ત્રી-હઠને પણ આખરે ઠોકરે મારવાની ચાનક કોઈક પશુપંખીના વાર્તાલાપમાંથી જ જડે : આવું ‘મોટિફ’ જેમ આ સંગ્રહની ‘ચાર સાર’ નામની વાતમાં કામ કરે છે તેમ ઈતર હિંદી પ્રાંતોની સંખ્યાબંધ લોકવાર્તાઓમાં ભાગ ભજવે છે. ‘ચાર સાર’માં રાજાએ જીવમાત્રની બોલી સમજવાનું વરદાન નાગ પાસેથી મેળવ્યું છે. એક વાર જૂની રાણીનો ભાઈ મરી જાય છે ત્યારે એ સારો માણસ હોવાથી એનો જીવ દેહને બચીઓ ભરે છે એ દેખી રાજા રડે છે. ફરી વાર નવી રાણીનો દુષ્ટ ભાઈ મરી જાય છે ત્યારે જીવ બહાર નીકળીને ખોળિયાને ખાસડાં મારે છે તે જોઈને રાજા હસે છે. ‘હસ્યા કેમ? કહો.’ રાણી હઠ લે છે, કહું તો મોત છે એમ કહેવા છતાં રાણી જીદને પકડી રાખે છે. કાશીએ જઈને દેહ છૂટે એ ગણતરીથી રાજા રાણીને લઈ કાશી પહોંચ્યે વાત કહેવાના નિશ્ચયથી નીકળે છે. રસ્તે એક કૂવાને કાંઠે બકરો-બકરી ચરે છે. બકરી સગર્ભા છે. બકરાને કહે છે કે કૂવાની અંદર ઊંડે ઊંડે ઊગેલો વેલો લાવી દે. બકરો કહે છે કે હું આ રાજાના જેવો મૂરખો નથી કે બાયડી જે કહે તે, જીવને જોખમે પણ કરું. સાંભળનાર રાજાએ આ ટકોર ગ્રહણ કરી ને રાણીને એક લપડાક લગાવી પાછો ઘેર લઈ ગયો. આ પશુઓની વાણી સમજવાનું તેમ જ પશુઓનાં દૃષ્ટાંત પરથી ધડો લેવાનું ‘મોટિફ’ જાતકકથાઓમાંથી જન્મ પામીને વિવિધરૂપે હિંદી લોકવાર્તાઓમાં રમતું આવે છે. તમામ સ્વરો સમજવાનું વરદાન એક નાગરાજા પાસેથી પામેલો રાજા સેનક પોતે જમવા બઠો છે, ત્યારે એના ભાણામાંથી એક મધનું ટીપું, એક ગોળની કણી અને એક રોટલીનું બટકું પડી જાય છે એટલે એ જોઈ ને એક કીડી બુમરાણ મચાવે છે કે ‘હાલો ભાઈ હાલો, રાજાની મધની બરણી ભાંગી, રાજાનું ગોળનું ગાડું ઊંધું વળી ગયું છે, રાજાના રોટલાની ગાડી ઊથલી પડી છે, હાલો, ઉડાવો મોજ’. એ સાંભળીને રાજા સેનક હસી પડે છે, પાસે બેઠેલી રાણી એ ભેદ કઢાવવા મથે છે. રાજાને તો કહેવાથી મોત છે. રાણીહઠને વશ બની ભેદ કહી નાખવાની તત્પરતામાંથી એને પાછો વાળનાર પણ એક બકરી સાથે પ્રેમ કરતો એક બકરો જ બને છે. આ જ ‘મોટિફ’ સાંતાલની, કાશ્મીરની એને સિંહલદ્વીપની લોકવાર્તાઓમાં મોજૂદ છે. લંકાની વાર્તામાં કીડીની વાતચીત છે, બકરા-બકરીને બદલે વનનાં વાંદરાંનું મહેણું છે, ને રાજા એ મર્કટોનાં મહેણાં પરથી બોધ લઈને, હઠે ચડેલી પોતાની રાણીને અચ્છો મેથીપાક આપી સદાને માટે ચૂપ કરે છે. ખાસ નોંધપાત્ર વાત તો એ છે કે આ કરામત છેક ઈટાલીની લોકકથામાંથી જડે છે. એની અંદર રાજાને એક કૂકડો બચાવે છે. બળદ અને ગધેડા વચ્ચેનો વાર્તાલાપ સાંભળી ને હસતો ઈસુનો વરદાનધારી રાજા પણ એ જ નિષેધને અધીન હોઈ રાણીને વાત કહેતો નથી, કહેવા તત્પર બને છે એટલામાં કૂકડાના સગર્વ શબ્દો સાંભળે છે : ‘હું તો મારી વીસ કૂકડીઓને કબજે રાખું છું’ વગેરે. ‘ફલાણો પસ્તાયો હતો, તુંયે પસ્તાઈશ!’ એ કરામત (‘મોટિફ’) પણ લોકવાર્તાની ચમત્કૃતિ,વેગ અને વિકાસ વધારવા માટે વપરાઈ છે. સાંતાલ વગેરે પ્રદેશોની વાર્તામાં એક ગોવાળ છે, એને મહાદેવ પ્રસન્ન થઈ ને એની ગાયોની વાચા સમજવાનો વર આપે છે. એ વાચા થકી એને દાટેલું ધન સાંપડે છે. એ ધનને ફરી દાટીને ઘેર જાય છે. બૈરી એને ગમગીનીનું કારણ પૂછે છે. પણ સાચું કહે તો મરી જાય, એટલે હઠીલી સ્ત્રીને બનાવટી વાત કહે છે કે આજે રાજા જંગલમાં ખરચુ ગયા ત્યાં એના ખરચુમાંથી કાગડા નીકળ્યા. સ્ત્રીના પેટમાં વાત રહી નહિ. પડોશી દ્વારા વાત પહોંચી રાજા પાસે. રાજાએ ભરવાડને બોલાવ્યો, પૂછપરછ કરી. ન છૂટકે ધનની સાચી વાત કહીને ભરવાડ પથ્થર બન્યો, દાટેલ ધન કાઢી લઈને રાજા ઘેર ગયો, રાણીએ મૂળ વાત જાણવાની રઢ લીધી. રાજા જો કહે તો તે પણ પથ્થર બને. એણે રાણીને કહ્યું કે તું હઠ કરવી રહેવા દે, નહિતર પાછળથી પસ્તાઈશ — જેવો ફલાણો માણસ પોતાના નોળિયાને મારીને પસ્તાયો હતો. એટલે રાણી પૂછે છે કે એ શી વાત છે? રાજા વાર્તા કરે : એક માણસને ઘેર નોળિયો હતો, પછી એને દીકરો આવ્યો. દીકરાને સૂતો મૂકી મા પાણી ગઈ. પાછળથી સાપ આવ્યો ને ઘોડિયે ચડ્યો, નોળિયે સાપને મારી નાખ્યો, (અથવા તો સાપે કરડેલ બાળકને સાજો કરવા નોળિયો નોળવેલ નામનો છોડ લેવા ગયો, ત્યાં) ઘેર આવતા માણસે કે એની સ્ત્રીએ નોળિયાને લોહિયાળ મોઢે ભાળ્યો. બાળકને મારી નાખનાર નોળિયો જ છે એમ માનીને નોળિયાને મારી નાખ્યો. પછી સાચી વાત માલૂમ પડતાં પસ્તાવો થયો. વળી પાછી રાણી હઠ કરે એટલે રાજા કહે કે તું પાછળથી પેલા પોતાના વફાદાર કૂતરાને મારી નાખનાર વણજારાની જેમ પસ્તાઈશ. રાણી પૂછે કે એ શી વાત છે? રાજા પાછી એ વાત કહે. આ રીતે વાર્તાની અંદર વાર્તા પ્રકટતી આવે અને મૂળ વાર્તાની ચમત્કૃતિ ઘનીભૂત બનતી આવે. એ જ કરામત બુંદેલખંડની, ત્યાંના પાક્ષિક ‘મધુકર’માં પ્રકટ થયેલી અને ‘ધુતારાની દીકરી’ નામે ગુજરાતી સંગ્રહ (‘સોના પદમણી’)માં ઊતરેલ એક લોકવાર્તામાં છે. એક શેઠ ધુતારાઓને ઘેર સપડાયા છે. બનાવટી પરણેતર બનેલી ધુતારાની દીકરી શેઠની છાતી પર ચઢી જઈ કટાર કાઢી રતન આપવાનું કહે છે. શેઠ કહે છે કે મારી પાસે રતન નથી, જીવ ભલે લે, પણ મને મારીને તું પણ, વણજારો કૂતરાને મારી પસ્તાયેલો તેમ, પસ્તાઈશ. બાઈને વાર્તા સાંભળવાનું કૌતુક થાય છે. છાતી પર બેઠી છો ને શી રીતે કહું? ઊતરી ગઈ નીચે. શેઠે વાત કહી : એમ એક પછી એક ‘મને મારીશ તો ફલાણાની જેમ પસ્તાઈશ’ એ કરામત વડે, તરસ્યા રાજાને સાપના ઝેરને પાણી સમજી પીતો બચાવનાર બાજનું સહસા મરણ નિપજાવનાર રાજા પસ્તાયો તેની કથા વગેરે કહી, પેલી પ્રાણ હરવા આવેલી ધુતારણનું હૃદય જીતી લે છે. સાંકેતિક ભાષા અથવા નિશાનીઓ આ ‘કરામત’ આપણી ગુજરાતની લોકકથામાં પણ આવે છે. લોકવાર્તાની આ ખૂબીદાર જુક્તિ (‘મોટિફ’)ને આપણે ‘દાદાજીની વાતો’માં મળ્યા છીએ. (‘મનસાગરો’.) જંગલમાં પડેલા રાજાને, દેવળમાંથી પૂજા કરીને બહાર આવેલી સુંદરીએ કંકુવાળા ચોખા અને શ્રીફળ બતાવ્યું : છ આંગળીઓ ઊંચી કરી, પોતાના પેટ સામે કટાર નોંધી. બાકી કશું જ બોલ્યાચાલ્યા વિના ચાલી ગઈ. એ નિશાનીઓનો રહસ્યાર્થ મનસાગરાએ ઉકેલ્યો : શ્રીફળ અને ચોખા બતાવ્યા એટલે કે હું તને વરી ચૂકી છું. છ આંગળી બતાવી એટલે કે છ મહિના સુધી વાટ જોઈશ. કટાર પેટ સામે નોંધી, એટલે કે છ મહિનામાં નહિ આવ તો કટારથી હું આપઘાત કરીશ. પછી વધુ નિશાનીઓ મંદિરમાં જઈને ઉકેલી. પદમના ફૂલથી શંકરની પૂજા કરી છે માટે નામ પદ્માવતી. પદમફૂલની ફરતાં કનકનાં ફૂલ ગોઠવ્યાં છે એટલે કે મારી નગરીનું નામ કનકાવતી. પછી રાજા અને મનસાગરો કનકાવતી જઈ માળણને ઘેર ઊતરે છે. માળણ રોજ કુંવરી પદ્માવતીને માટે ફૂલની ચોળી, ચણિયો ને ઓઢણી બનાવી લઈ જાય છે. એક દિવસ મનસાગરે એ ફૂલ-પોશાક ગૂંથી દીધો છે, અંદર સંદેશો સંતાડ્યો છે એ સંદેશો સમજી જઈ ને પદ્માવતીએ માળણના ગાલ ઉપર મેશવાળે હાથે અડબોત મારીને બે લીટા છાપ્યા છે, ને એ નિશાની પરથી ‘કાળી રાતે બીજે પહોરે આવજો’ એવું મનસાગરો સમજી ગયો છે વગેરે. નિશાનીઓની આવી જુક્તિવાળી ‘બે ભાઈબંધ’ નામની મહાકોશલનાં આદિવાસીઓની કથા વેરીઅર એલ્વિને આપી છે, અને ‘લેંગ્વેજ ઓફ સાયન્સ’ નામની એક નોંધ લખી છે તેમાં આ પ્રેમ-સમસ્યાઓનું મૂળ પ્રાચીન ‘કથાસરિત્સાગર’માંથી કાઢી બતાવ્યું છે. (મૂળ તો આ વિષયની વિવેચના ક્રૂક નામના વિદેશીએ ‘સિક્રેટ મેસેજીસ ઍન્ડ સિમ્બોલ્સ ઈન ઈન્ડિયા’ એ પુસ્તકમાં કરી છે.) ‘કથાસરિત્સાગર’ની મૂળ કથામાં રાજકુંવરને સુંદરી નિશાનીઓ કરે છે : માળામાંથી એક ઉત્પલ (કમળ) લઈ ને પોતાના કાનમાં એનું ગૂંચળું વાળીને મૂકે છે : બીજું પદમ ઉપાડીને માથા પર મૂકે છે, અને છેલ્લે પોતાનો હાથ સૂચક રીતે હૈયા પર મૂકે છે. આ ચેષ્ટાઓનો અર્થ રાજકુંવરનો મિત્ર ઘટાવી આપે છે : ઉત્પલ કાને લગાડ્યું એટલે કે હું રાજા કર્ણોત્પલની નગરીમાં રહું છું. ફૂલનું દંતપત્ર નામનું ઘરેણું કરી દેખાડ્યું એટલે કે હું દાંતવેરણિયાની દીકરી છું. બીજું પદમ ઉપાડી શિર પર મૂક્યું એટલે કે મારું નામ પદ્માવતી છે. હૈયે હાથ મૂક્યો એટલે કે આ હૈયું હવે તારું છે. આ ચેષ્ટાઓ સમજીને રાજકુંવર પોતાની પ્રિયાને મળવા જાય છે. આ મૂળ કથામાં પણ, એમાંથી પુનરાવૃત્ત બનતી રહેલી પ્રાન્ત-પ્રાન્તની લોકકથાઓમાં છે તે જ રીતે, વાર્તાનો નાયક પોતે એ નિશાનીઓ સમજી શકતો નથી, પણ એક ત્રીજું માનવી એના ભેદ બતાવે છે. આમ ‘કથાસરિત્સાગર’ના કર્તા સોમદેવ પછી આઠમે સૈકે પણ એ કથા બહુ અલ્પ ફેરફારો સાથે લોકકંઠે સમસ્ત દેશમાં રમતી રહી છે. નિશાનીઓ એ પ્રેમની સંકેત-ભાષા બની છે, ને પુસ્તકમાં, શ્રી એલ્વિનના કહેવા પ્રમાણે, આ પ્રેમિક–સમસ્યાઓના વિવિધ હિંદી પ્રકારો નોંધ પામ્યા છે. (જુઓ ‘ફોક-ટેઈલ્સ ઑફ મહાકોશલ’ : વેરીઅર એલ્વિન.) આડકતરી ચેતવણી નિશાનીઓને મળતી એક બીજી કરામત વાર્તાના નાયકને આડકતરા માર્ગે ચેતવણી આપીને સાચા માર્ગ પર ચડાવવાની છે. એનો નમૂનો આ સંગ્રહની ‘ચાર સાર’ નામે વાર્તામાં છે. વાર્તાનો નાયક પ્રકૃતિને વશ બની જોખમમાં પડે તે પૂર્વે કોઈ ફકીર કે સાધુનું પાત્ર એકાએક વખતસર કંઈક સાર્વજનિક સાર લઈને વેચવા નીકળે, ને એનું રહસ્ય બિલકુલ ચમત્કૃતિમય અગર નવું ન હોવા છતાં એનું ભારે મૂલ્ય માગે. દાખલા તરીકે એક એક સારના એક એક હજાર! એ ભારે મૂલ્યના આકર્ષણથી વાર્તાનાયક સારની ખરીદી કરે. મૂલ્ય મળ્યા પછી ફકીર સાર આપે : (1) ક્રોધ વિમાસણ સાર તેના એક હજાર! (2) જાગ્યા સો નર સાર તેના એક હજાર! (3) વેરીને આદરભાવ સાર તેના એક હજાર! (4) અસ્ત્રીવાંક માર સાર તેના એક હજાર! એ ચાર સારરૂપી ચાર સ્થંભો પર જ આખી વાર્તાની માંડણી થાય. એ સાર માંહેનો અક્કેક સાર નાયકના તત્કાલીન આચરણને દોરવણી આપે ને એ દોરવણી વડે નાયક ચાર અનર્થોમાંથી ઉગાર પામે. આવી એક લાંબી કથા મારા પિતા ભારી શોખથી કહેતા એમાં કંઈક આવા સાર આવતા : છત કો બાપ અછત કી મા જોરૂ સો સાથ

— એ આઠ સવાલ શેઠના પુત્રે એક સાધુને એક લાખ રૂપિયા ચુકાવીને લીધા, અને તુરત જ વાર્તાપ્રવાહ ગતિ પકડે છે, જેમાં એક પછી એક સારનું સાચ પ્રતીત બનતું આવે. બાપ તો આ મૂર્ખાઈ બદલ દીકરાને કાઢી મૂકે છે, એટલે ‘છત કો બાપ’ એ પહેલો બોલ સાચો ઠરે છે. પિતાએ તજેલ અકિંચન પુત્રને મા રાખવા મથે અર્થાત્ ‘અછત કી મા’ પ્રમાણે મા તો અછત વેળાએ પણ મા જ રહે છે. પછી બહેનને ઘેર જતાં નિર્ધન ભાઈને અનાદર મળે છે, ભાઈબંધને ઘેર બહુમાન સાંપડે છે, પછી પરણેલી સ્ત્રી પતિના જવા પછી પિયર જઈ બેસીને વિલાસ માણવા મંડે છે. એનો મર્મ એ કે ‘જોરુ સો સાથ’ : અર્થાત્ સ્ત્રી તે પોતાની સાથે હોય ત્યાં સુધી જ વફાદાર રહે છે. આમ આખી વાર્તાનો ઘાટ અને પ્રવાહ બંધાય છે.

નિગૂઢ સવાલો એ જ કરામત (‘મોટિફ’) આ સંગ્રહની છેલ્લી ‘ખાનિયો’ વાર્તામાં જોવાશે. બે સરખી જ પૂતળીઓમાંથી અસલ-નકલની પરખ, અને ચાર સવાલના ખુલાસા, એ પર આખી વાર્તા ચાલે છે. જાતની કજાત કોણ? કજાતની જાત કોણ? કચેરીના કુત્તા કોણ? ને મહેફિલના ગધ્ધા કોણ? — એ ચાર સવાલોના જવાબ વાર્તાનો નાયક અમુક ચોક્કસ પરિણામોની પોતે ઈરાદાપૂર્વક ગોઠવણ કરીને રજૂ કરે છે : ઈરાનના પાદશાહના બેટાનું પોતે પૈસા માટે ખૂન કર્યું છે એવો દેખાવ એક ઘેટો મારીને ખડો કરે છે. એ એક જ પ્રસંગે, એક તો પોતાની કુળવાન સ્ત્રી કેવી નિર્દય બનીને અવિચારી રીતે વર્તી, બીજી પોતે જેને દૂભવી હતી તે નીચ વેશ્યા વિચારપૂર્વક વર્તી, ત્રીજા પોતે જેમને ખૂબ ખવરાવ્યા-પિવરાવ્યા અને નવાજ્યા હતા તે અમીર-ઉમરાવોએ કેવું કૃતઘ્ની આચરણ કર્યું, અને ચોથો ખુદ ઈરાનનો પાદશાહ કે જે મહિનાઓથી પોતાના મહેમાનના પરિચયમાં હતો તેણે કંઈ તરતપાસ કર્યા વગર કએવી મૂર્ખાઈથી મહેમાનનો શિરચ્છેદ ફરમાવી દીધો, એ બધું પ્રત્યક્ષ બતાવીને વાર્તાનો નાયક ખાનિયો ચારેય સવાલના જવાબો રૂપે બતાવે છે કે ‘જાતની કજાત’ તો આ મારી જ સ્ત્રી : ‘કજાતની જાત’ તો આ હીન જાતિની છતાં ખાનદાનીથી વર્તનાર વેશ્યા : ‘કચેરીના કુત્તા’ તો આ ખવરાવ્યું ત્યાં સુધી લટૂપટૂ થનાર અને ખાવાનું બંધ પડતાં ખવરાવનારની બેગુને બદબોઈ કરનાર અમીરો : અને ‘મહેફિલના ગધ્ધા’ અવિચારીપણે આચરણ કરનાર પાદશાહ પોતે. આ જ કરામત અન્ય પ્રદેશોની કંઠસ્થ કથાઓમાં ભાગ ભજવતી હોવી જોઈએ. બુંદેલખંડી વાર્તા ‘ધુતારાની દીકરી’માં વાર્તાનાયક શેઠને ફકીર મોટી કિંમતે ચાર વાતો જણાવે છે : ઘરઆંગણે બોરડી ન વાવવી, કોટવાળની ભાઈબંધી ન કરવી રસ્તામાં મળે તે લઈ લેવું ખાટલો ખંખેરીને સૂવું. ને આ ચાર વાતો સાદી છતાં વાર્તાનાયકને તો અદ્ભુત ચમત્કારિક રીતે ફળે તેવી તરેહથી વાર્તાની રચના થઈ છે. ‘નબાપા’નું મહેણું આ કરામત પ્રાચીન ‘કથાસરિત્સાગર’ની કોઈ કથામાં છે કે નહિ? વિક્રમે પરણીને પછી વિસારી મૂકેલી સ્ત્રીનો પુત્ર વિક્રમચરિત નાનપણમાં રમે છે ત્યારે એનો દડો એક ડોશીને લાગી જતાં પહેલી જ વાર એને કાને મહેણું પડે છે કે ‘રોયા નબાપા!’ તે પરથી એ માને જઈ પોતાનો બાપ કોણ એ પૂછી, આખી વાત મેળવી, ઉજેણી જઈ કંઈક છૂપાં પરાક્રમો કરી, માને દુખિયારી કરનાર પિતા વિક્રમને હંફાવે છે ને પછી પુત્ર તરીકે પ્રકટ થાય છે, એ વાત મને જેઠા બારોટ કહેતા. તેનું ટાંચણ ખંડિત રહ્યું છે. બીજા પાસે પણ સાંભળી છે. આ વાર્તાનો ઉદય થાય તેવું ‘બત્રીશ પૂતળી’માં છે કે નહિ? કંઠસ્થ લોકવાર્તાઓમાં તો એ વારંવાર સમગ્ર કથાવસ્તુનું આદિપ્રેરક તત્ત્વ બને છે. આમાં ‘બાપુ ભાલાળો’ની શુદ્ધ લોકકથાનો આખો ઉપાડ આ કરામતથી કરવામાં આવ્યો છે. મોસાળમાં રહેલા કુંવરો બાપુ ને બૂઢો કંઈક તોફાનો કરે છે. એક જણ સીસાની ગોળી મારી પનિહારીનું બેડું ફોડે, તો બીજો તુરત જ મીણની ગોળી આંટીને ફૂટેલ બેડું સાંધે. એમાં એક ડોશી ઝપટાય છે. ડોશી મહેણું દે છે : ‘મારા રોયા નબાપાઓ! બાપનાં વેર તો ગોતો! બાયડીઓનાં બેડાં શું ફોડો છો?’ એ મહેણાના માર્યા બેઉ ભાઈઓ મહાપરાક્રમો કરવા નીકળી પડે છે. ‘ત્યાં ન જજે!’ ‘ફલાણી દિશામાં ન જજે, ફલાણા ઠેકાણે રાત ન રોકાજે, ફલાણો ઓરડો ઉઘાડીશ મા’ : એવી મોઘમ સૂચનાના પાલનથી નહિ પણ તેના ઉથાપનથી જ વાર્તા વેગ પકડે, રંગ પકડે, રહસ્ય પકડે, એ એક કરામત લોકવાર્તાઓમાં વપરાઈ છે. ‘છડીલખણો ને મનસાગરો’ એ નામની વાર્તામાં આ કરામતે કામ કર્યું છે. રાજકુંવર છડીલખણો અને પ્રધાનપુત્ર મનસાગરો, બેઉ દેશાવર ભટકવા નીકળે છે. રસ્તે એક વાવ આવે છે, મનસાગરો પાણી પીવા અંદર ઊતરે છે, પાણી પીતાં પીતાં વાવની ભીંતે લખેલું વાંચે છે : ‘અહીં કોઈએ આવવું નહિ, આવવું તો પાણી પીવું નહિ, પાણી પીવું તો રાત રોકાવું નહિ’. આ લેખ જો છડીલખણો વાંચશે તો એ છે અકોણો, જેની ના લખી છે તે જ કરશે,એમ વિચારીને મનસાગરાએ એ શિલાલેખ ઉપર ગારો ચોપડી દીધો; પછી છડીલખણો આવીને પાણી પીતો પીતો રમતમાં ને રમતમાં ભીંતે કોગળા છાંટે છે, તેથી ગારો ધોવાઈ જાય છે, લેખ વંચાય છે અને પોતે હઠ લે છે કે રાત તો અહીં જ રહેવું. નિષેધનો ભંગ લાભકર્તા એ નિષિદ્ધ વર્તન કરવાનું ફળ અનિષ્ટ આવે એ તો સ્વાભાવિક જુક્તિ ગણાય. એને બદલે અહીં તો નિષિદ્ધ આચરણ કરવાથી જ ઘટનાઓની પરંપરા મંડાય છે. બન્ને જણા ઝાડ ઉપર ચડી રાત રહે છે. મોડી રાતે વાવમાંથી જ્વાળાઓ ઊપડે છે. મણિધર નાગ બહાર નીકળે છે, એ પોતાનો માથાનો મણિ ઉતારીને ઝાડ હેઠળ મૂકે છે, ને પછી એ મણિના ઉજાસમાં બે-બે ગાઉ ફરતો ચારો કરી પાછો આવી, મણિ લઈ વાવમાં પાછો વળે છે. વળતે દહાડે મનસાગરો નજીકના શહેરમાંથી એક કાંટાદાર બનાવેલું લોઢાનું બકડિયું લાવે છે, એને દોરી બાંધી રાતે ઝાડ પર બેસે છે, નાગ બહાર નીકળી ઝાડ હેઠળ મૂકી ચારો કરવા જાય છે, એટલે મનસાગરો દોરી વતી બકડિયું નીચે ઉતારી બરાબર મણિ ઉપર ઢાંકી દે છે. નાગ આવી પોતાના મણિને ઠેકાણે બકડિયું દેખી તેને તોડવા તેના પર ફેણ પછાડે છે, ફેણમાં લોઢાના કાંટા (શૂળા) પરોવાઈ જતાં મૃત્યુ પામે છે, બેઉ ભાઈબંધ નીચે ઊતરી મણિ લઈ લે છે, જ્યાં વાવમાં મણિ ધોવા જાય છે, ત્યાં તો મણિને પ્રતાપે પાણી નીચે ને નીચે ઊતરતું જાય છે, છેવટે નાગકન્યાનો મહેલ આવે છે. રાજકુંવર નાગપદમણી સાથે રહે છે. રોજ બેઉ જણાં ફરવા નીકળે છે. એક વાર બહાર બેઠાં એમાં કાંઈક સંચાર થતાં દોટ દઈ વાવમાં ચાલ્યાં જાય છે, ઉતાવળમાં ને ઉતાવળમાં નાગપદમણીની એક મોજડી (કે પછી ઝાંઝરી) વાવ બહાર રહી જાય છે, ત્યાં બીજો એક રાજકુંવર આવે છે તેને આ મોજડી જડે છે, એ વેન લે કે આ મોજડી પહેરનારીને જ પરણું. પછી ગાંગલી ઘાંચણ પતો મેળવે છે કે આ તો નાગપદમણીની મોજડી છે. વાવને કાંઠે જ જઈ બેઠી બેઠી રુદન કરવા માંડે છે, રુદન સાંભળીને નાગપદમણી બહાર આવે છે, તેને ગાંગલી કહે છે કે હું તારી ફુઈ છું. તારો બાપ નાગ મરી ગયો તેના ખબર પડતાં કાણ્યે આવી છું. નાગ પદમણી તો ફુઈને વાવની અંદર લઈ જાય છે, ત્યાં ‘ફુઈ’ રહે છે, એક વાર ભત્રીજીને લઈ મણિ સાથે બહાર આવે છે, ને પછી મણિ છુપાવી દે છે. વાવનાં પાણી મણિ વિના મારગ દેતાં નથી, ગાંગલી નાગપદમણીનું હરણ કરાવે છે, વગેરે વગેરે પરાક્રમો અને સંકટોની કડીબંધ રચનાથી આ કથાની સમાપ્તિ સંકટોની પૂર્ણાહુતિ સાથે વિછોડાયેલાં પુનર્મિલન સાથે અને કૂડ કરનારાંના વિનાશ સાથે આવે છે. મુદતની માગણી સંકટમાં પડેલી નાયિકા પોતાનું અપહરણ કરનાર પુરુષને પરણવાની સ્પષ્ટ ના નથી પાડતી, પણ છ મહિના, વર્ષ કે બાર વર્ષ સુધી પોતાને વ્રતપાલન કરવાનું છે અને એ વ્રત પૂરું થયે પોતે ખુશીથી પરણશે એવી યુક્તિ વડે મુદત મેળવી લે છે, અને તે દરમિયાન વાર્તાની ઘટનાઓ આગળ વધતી ચાલે ને છેવટે જુદાં પડેલાં સ્વજનોનું ફરી મિલન થાય — એ કરામત (‘મોટિફ’)થી આપણે અજાણ્યા નથી. લોકવાર્તાના વસ્તુવિકાસમાં આ કરામતની મદદ ઘણી મોટી છે. એ જ પ્રમાણે ‘કેમ કરવું? કરી બતાવો!’ એ પણ એક જાણીતી જુક્તિ છે. નાયક અગર નાયિકા કોઈ અઘોરી મંત્રસાધક બાવાના હાથમાં સપડાઈ જાય, બાવો તેલની કડા ઉકાળે, પછી પોતાના ભોગ પડેલ પાત્રને ખોટું ખોટું સમજાવે કે આ કડાને સાત પ્રદક્ષિણા કરતાં કરતાં મંત્ર ભણવાથી અમુક સિદ્ધિ થશે. (મૂળ હેતુ એ માનવીને અમુક આવશ્યક ક્રિયા પછી એ કકડતી તેલ-કડામાં હોમી સોનાનું ઢીમ બનાવવાનો હોય.) પણ આ વખતે તે પાત્ર બાવાનો સંકલ્પ સમજી જાય, બીજી રીતે પોતે નિર્બળ હોવાથી છટકવું અશક્ય બન્યું હોય, પછી પોતે ચાતુરી વાપરીને બાવાને કહે કે ‘કેમ સાત આંટા મારવા તે મને બતાવો જોઉં!’ બાવો આગળ ચાલે ને માનવી પાછળ, પછી સાતમે આંટે એ બાવાને જ કડામાં ધકેલી દઈ સોનાનું ઢીમ પણ મેળવેને પોતાનો પ્રાણ પણ બચાવે કે જેથી વાર્તા નવું બળ પકડીને નવી ચમત્કૃતિના પટમાં આગળ વેગ પકડે — એ કરામત પણ એક બળવાન ‘મોટિફ’ છે. પરચુરણ કરામતો તદુપરાંત પરાક્રમ કરવા સંચરતા સંચરતા સાધનહીન વીરને પૂર્વજોના સમયની દેવતાઈ ઘોડી અગર ઘોડો સાંપડી આવે (જેમ કે ‘બાપુ ભાલાળો’ની વાતમાં બાપુને ‘કાળવી’નો ભેટો થાય છે), લાલિયો ધોકો, ઊડણપાવડી અને ઊડતા ઝાડ જેવી દેવતાઈ સામગ્રી મળે, મૂએલા માણસને એના એકાદ અસ્થિના ટુકડામાંથી પણ સજીવન કરવા માટે અમીનો કૂપો પ્રાપ્ત થાય અગર મંત્રસિદ્ધિ વરે, સંકટોમાં મુકાવા જતો નાયક પોતાની સ્ત્રીને એવી કોઈ નિશાની દેતો જાય કે જેની સ્થિતિ પરથી નાયક જીવતો છે કે મરી ગયો છે તેની જાણ થઈ રહે (જેમ કે ફૂલમાળા આપી હોય, તે જો કરમાય તો જાણવું કે નાયક મરી ગયો), અમુક રાક્ષસનો જીવ તો અમુક ગુફામાં, અમુક વિકટ સ્થાનમાં, અમુક પોપટ જેવા પક્ષીની અંદર જ સુરક્ષિત બનેલો હોય, અને એ ભેદ એ રાક્ષસ પાસેથી અમુક રીતે જ કઢાવી લેવાય : આ બધી લોકવાર્તામાં પ્રાણ પૂરનારી જુક્તિઓ સારાયે હિંદની લોકકથાઓમાં વિધવિધ સંકલનારૂપે પડેલી છે, અને તેમાંની ઘણીખરી જુક્તિઓ કથાસરિત્સાગર, વેતાલપચીશી, સુડાબહોતરી, બત્રીશ પૂતળી, પંચતંત્ર, જાતકકથાઓ ઈત્યાદિ પ્રાચીન લોકકથાઓના લિપિબદ્ધ સંગ્રહોમાં હાજર છે. લિપિબદ્ધ હિંદી કથાગ્રંથોના પ્રથમ અરબી ભાષામાં ને ઈરાની ભાષામાં અનુવાદો થયા. ત્યાંથી એ યુરોપની ભિન્ન ભિન્ન ભાષાઓમાં પ્રવેશ પામી, નામઠામ ને લેબાસ ધારણ કરીને પ્રસરી ગઈ, પણ એમાં અંકિત થયેલ પૌરસ્ત્ય હિંદી રૂપરેખાઓ અનામત રહ્યાં, કે જેની સાક્ષીએ આજના પાશ્ચાત્ય વિદ્વાનો પોતાની લોકવાર્તાઓ પરત્વે હિંદી લોકવાર્તાનું ઋણ સ્વીકારે છે. પશ્ચિમમાં ગઈ — બંગાળેથી? પણ બંગાળાના કંઠસ્થ લોકકથાસાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી દિનેશચંદ્ર સેનનો એવો દાવો છે કે બંગાળાની ઘટાદાર આમ્રકુંજોની અંદર ઊભેલાં માટીનાં ઘાસ-છાજેલ ઘરોમાં તેમની ગ્રામવનિતાઓએ સંઘરેલી અને કંઠોપકંઠ કહેલી, સંધ્યાનાં સલજ્જ માલતી-ફૂલો સમી બંગીય લોકવાર્તાઓ કે જે સોળમી શતાબ્દીના મધ્યકાળ સુધી ગ્રંથસ્થ બની જ નહોતી, તે છેક પુરોપમાં શી રીતે પગ કરી ગઈ? જવાબ એવો આપે છે કે એ કથાઓનું વાહન બંગાળાનાં નીચલા થરનાં માનવીઓ હતાં કે જેમણે યુરોપી માનવો સાથે સીધો ને જીવતો સંપર્ક સાધ્યો હતો. દાખલા તરીકે ઈ.સ. 420માં કનોજના રાજા સંખલે ઉત્તર હિંદમાંથી લૂરી નામની બંસી-બજાવણ જાતિનાં દસ હજાર નર-નારીઓને ઈરાનશાહ બેહરામ ગોરને ત્યાં એની વિનતિથી મોકલ્યાં હતાં, ને આ લૂરી લોકો ‘જિપ્સી’ નામ પામી આખા યુરોપમાં ભમ્યા હતા. તેમની આજની ભાષા પણ હિંદી અને હિંદની અન્ય પ્રાંતબોલીઓ સાથે ગાઢ સામ્ય ધરાવે છે. સંભવ છે કે આ લૂરી લોકો હિંદની લોકકથાઓ યુરોપ લઈ ગયા, અગર તો ઢાકાનું મલમલ લઈ યુરોપને કિનારે ઠાલવનારા વહાણવટીઓએ આ લોકકથાઓને અકબંધ ત્યાં ઉતારી. પાશ્ચાત્ય-પૌરસ્ત્ય સમાન કથાઓ આવા વિધાનની પુષ્ટિમાં શ્રી દિનેશચંદ્ર સેન ગંગાપ્રદેશમાં આજેય કંઠે કહેવાતી લોકકથાઓની યુરોપી આવૃત્તિઓનાં ઉદાહરણો ટાંકે છે. ‘ગ્રીમ બ્રધર્સ ટેઈલ્સ’માંની ‘ફેઈથફુલ જ્હોન’ની વાર્તા લ્યો. એમાં આ વફાદાર રાજ-બાંધવ પોતાના રાજાને પરણાવી નવી રાણી સાથે જહાજમાં લઈ આવતો હોય છે, ત્યારે બે ‘રેવન’ પક્ષીઓની વાત સાંભળે છે. એક પંખી કહે છે કે ‘જો તો ખરો આ નવાં રાજા-રાણીને’. બીજું બોલે છે કે ‘એ જ્યારે કિનારે ઊતરશે ત્યારે એક રાતો ઘોડો એમની સામે આવશે ને જો રાજા એના પર સવારી કરશે તો ઘોડો અસવારને લઈ આકાશમાં ભાગી જશે’. પહેલું પૂછે છે કે ‘કંઈ ઈલાજ નહિ?’ બીજું : ‘હા, એનો સવાર તરવારથી એ ઘોડાને હણી નાખે તો જ ઉગાર છે. રાજા બચી જાય, પણ એ ઉગારનારો જો આ વાત કોઈને કહે તો ગોઠણ સુધી પથ્થર બની જાય, પણ એ પછી પાછી બીજી ઘાત છે. રાણી લગ્નના જરિયાની પોશાક પહેરવા જશે, તો એ પોશાકને આગ લાગશે ને રાણી બળી ભસ્મ બનશે. ‘હાય હાય? કંઈ ઉગાર નહિ?’ ‘હા, ઉગાર થશે, જો કોઈક જઈને એ પોશાક આગમાં નાખી દેશે તો. પણ એ જો વાત બહાર પાડશે તો એનું શરીર ગોઠણથી છાતી લગી પથ્થર બની જશે. પણ તે પછી ત્રીજી ઘાત લગ્ન પછીના નૃત્યમાં આવે છે. રાણી નૃત્ય કરતી કરતી મરવા જેવી પીળી પડી પટકાઈ પડશે. એને જો કોઈ જઈને તેડી લેશે અને એના જમણા સ્તન પરથી લોહીનાં ત્રણ ટીપાં લઈ લેશે, તો એ બચશે. પણ આ વાત બીજાને કહેનારો છાતીથી માથા લગી પથ્થર બની જશે’. આટલું કહીને રેવન-પંખી ઊડી ગયાં. વફાદાર જ્હોન આ બધી જ શરતો પૂરી કરી દરેક ઘાતમાંથી રાજા-રાણીને બચાવે છે, પણ એના આવા અત્યંત ઠપકાપાત્ર આચરણનો ખુલાસો કરવાની રાજાએ ફરજ પાડવાથી એણે વાત કરી ને એ પથ્થરનો બની ગયો. પછી રાજાએ પોતાના પહેલા બાળકનો વધ કરીને એનું લોહી છાંટવાથી જ્હોન જીવતો થયો ને બાળક પણ પ્રભુની દયાથી સજીવન થયો. બંગાળી બિહંગમ-બિહંગમી આ યુરોપી વાર્તાની સામે શ્રી સેનબાબુ ‘રૂપમાલા’ની બંગાળી લોકવાર્તા મૂકે છે. એમાં પ્રધાનનો પુત્ર ‘ફેઈથફુલ જ્હોન’નો ભાગ ભજવે છે. યુવાન રાજા અને નવી રાણી રસ્તામાં પડાવ કરી સૂતાં છે. એ સૂનકાર પ્રદેશ હોઈ પ્રધાનપુત્ર ચોકી કરતો જાગે છે, અને ઝાડ પર બેઠેલાં બે ભવિષ્યભાખુ બિહંગમ-બિહંગમીનો વાર્તાલાપ સાંભળે છે : બિહંગમ : પ્રધાનપુત્ર રાજકુંવરનો જાન નહિ બચાવી શકે. બિહંગમી : એમ કેમ? બિહંગમ : રાજકુંવરને માથે ઘણી ઘાતો છે. રાજા કુંવરને લેવા હાથી-ઘોડા મોકલશે, પણ કુંવર હાથી પર બેસશે એટલે એ પડીને મરી જશે. બિહંગમી : પણ ધારો કે કોઈ કુંવરને હાથીએ ચડતો રોકે તો? બિહંગમ : હા, તો એ ઘાતમાંથી બચે, પણ તો બીજી ઘાત આવે. કુંવર મહેલના સિંહદ્ધારમાં પ્રવેશશે ત્યારે દરવાજો પડશે ને કુંવરને ચગદી નાખશે. બિહંમગી : પણ ધારો કે કોઈક જઈને પહેલેથી જ દરવાજાને તોડાવી પાડે તો? બિહંગમ : તો બચશે; પણ તો પછી ત્રીજી ઘાત છે. એ મહેફિલમાં જમવા બેસશે તો રાંધેલ માછલીનું ડોકું પહેલે જ કોળિયે એના ગળામાં સલવાઈ રહેશે ને એ મરણ પામશે. બિહંગમી : પણ કોઈક જઈને એ પહેલો જ કોળિયો એના હાથમાંથી પડાવી લે તો? બિહંગમ : તો બચશે. પણ તો ચોથી ઘાત છે. કુંવર ને રાણી શયનગૃહમાં સૂતાં હશે ત્યાં નાગ આવી ડસશે. બિહંગમી : પણ કોઈક ત્યાં હાજર રહીને નાગને મારી નાખે તો? બિહંગમ : હા, તો બચે, પણ એ માણસ જો આપણી વચ્ચે થયેલી આ વાત રાજકુંવરને કહેશે તો એ પથ્થર બની જશે. બિહંગમી : પણ એ પથ્થરને પાછો માનવી બનાવવાનો કોઈ ઈલાજ નથી શું? બિહંગમ : હા, માનવી બને, જો રાજકુંવર પોતાના પહેલા જ જન્મનાર બાળકના લોહીમાં પથ્થરને નવરાવે તો. આ બંગીય લોકકથામાં છેવટે પેલી યુરોપી કથાના જેવું જ બને છે. અને રાજકુંવરનો બાળક માતા કાલીની કૃપાથી જીવતો થાય છે. બેઉ કથાઓ વચ્ચેનાં સામ્ય-તત્ત્વો સબળપણે ઊપસી આવે છે. અને ‘ગ્રીમ બ્રધર્સ ટેઈલ્સ’ જ્યારે 1823માં અંગ્રેજીમાં ઊતરી ત્યારે આ ‘ફેઈથફુલ જ્હોન’ની વાર્તા વિશે વિવેચકનું એવું વિધાન હતું કે વાર્તા વિલક્ષણ છે અને એટલાં બધાં પૌરસ્ત્ય તત્ત્વોથી ભરપૂર છે કે વાચક ‘અરેબિયન નાઈટ્સ’ના આનંદરસમાં ઝબકોળાઈ જશે. ભાવિ ભાખનારાં પક્ષી સર્વત્ર છે શ્રી સેન લખે છે કે “પૌરસ્ત્ય સાહિત્યનો કોઈ પણ કાળજીવાન અભ્યાસી જોઈ શકશે કે આ કથામાં અરેબિયન નાઈટ્સનું બે-લગામ કલ્પના-તરંગોવાળું, માત્ર નાનાં છોકરાને ખુશ કરવાના લક્ષ્યવાળું વાતાવરણ નથી. હિંદી કથાઓમાં તો કલ્પનાતરંગોને તળિયે ઊંડો નીતિ-મર્મ અને નૈતિક સુબોધ હોય છે. આ કથામાં મિત્રને માટે સર્વસ્વ હોમી દેનાર સેવકનો સખ્યનો ઉચ્ચ ભાવ છે. એ સખ્યનો આદર્શ આ વાર્તાને હિંદની જ પુરવાર કરે છે.” એટલેથી જ ન અટકતાં શ્રી સેન આ કથાની મૂળ જન્મભૂમિ બંગાળને જ ઠરાવવા જાય છે, કારણ કે બંગાળની સેંકડો વાર્તાઓમાં ભવિષ્યવાણી ભાખનારાં બિહંગમ-બિહંગમી પક્ષી આવે છે. આવો દાવો વિચારતી વેળા આપણે ગુજરાત-કાઠિયાવાડની બરાબર આ જ કથા ‘મનસાગરો’ (‘દાદાજીની વાતો’) નહિ ભૂલી શકીએ. એ સોરઠી-ગુજરાતી કથા વાંચો, તમને એ તળપદી લાગશે. જેણે બંગાળાની ‘રૂપમાલા’નું નામ પણ કદી સાંભળ્યાનો સંભવ નથી તેવા એક સૌરાષ્ટ્રના આંતરપ્રદેશમાં રહેનાર નિરક્ષર વાર્તાકાર જેઠા રાવળે કહેલી એ ‘મનસાગરો’ની કથામાં આમ છે : વડલાને છાંયે રાજાના રસાલાએ રાતવાસો રહેવા મુકામ નાખ્યા છે. રાવટીમાં રાજા ને રાણી પોઢ્યાં છે અને મનસાગરો બેઠો બેઠો ઉઘાડી તરવારે ધણીની ચોકી કરે છે. અધરાતનો ગજર ભાંગ્યો તે વખતે વડલાની ઘટામાં બે પંખીએ વાતો કરવા માંડી : ‘અરે હે ગરુડપંખણી!’ ‘શું કહો છો, ગરુડ પંખી!’ ‘આપણે આંગણે આજ રાજા-રાણી મહેમાન છે, પણ કાલ એનું રાજ રાંડી પડશે.’ ‘કેમ?’ ‘આ રાજાને માથે કાલે છ ઘાતો છે.’ ‘કઈ કઈ?’ ‘આંહીંથી રથ જોડીને હાલશે એટલે એને માથે આ વડલાની ડાળ ફસકીને તાટકશે અને રાજા-રાણીને કચડી નાખશે.’ ‘એમાંથી એને કોઈ ન બચાવે?’ ‘હા, બીજે માર્ગે રથ હાંકી જાય, તો રાજા-રાણી બચે, પણ થોડે જાશે ત્યાં બે ડુંગરા આવશે. જીવતું જાનવર વચ્ચે થઈને નીકળે કે તુરત બે ડુંગરા સામસામા દોડીને ભટકાય છે ત્યાં આ રાજા-રાણી છુંદાઈ જશે.’ ‘એમાંથી બચે તો?’ ‘તો રસ્તે હીરાજડિત સોનાનો વેઢ પડ્યો હશે. તેમાં રાજાનો જીવ લલચાશે; લેવા જશે કે તરત તંબોળિયો નાગ થઈને ફટકાવશે.’ ‘તેમાંથી બચે તો?’ ‘તો રાજધાનીમાં સામૈયાનો ઘોડો આવશે તે રાજાને પછાડી ફોદેફોદા કાઢી નાખશે.’ ‘એમાંથી બચે તો? ’ ‘તો છેલ્લી ઘાત રાતે આવશે. રાજા-રાણી બેય પહેલા પહોરની મીઠી નીંદરમાં પડ્યાં હશે. તે વખતે એક કાળી નાગણી છાપરામાંથી નીકળશે, એનાં મોમાંથી ઝેરનું ટીપું બરાબર સૂતેલી રાણીના ગાલ માથે પડશે. રાજા જાગીને રાણીને બચ્ચી લેશે એટલે ઝેર એના પેટમાં જાશે. પલમાં જ એના પ્રાણ નીકળી જશે.’ ‘પણ હે ગરુડ પંખણી! આ વાત જો કોઈ સાંભળીને બીજા ને મોંએ કરે તો એ કહેનાર માનવી પથરો બની જાય છે.’ એટલી વાતો કરીને પંખી પોઢી ગયાં. [‘મનસાગરો’ : ‘દાદાજીની વાતો’] શ્રી સેન કહે છે કે ભાવિ ભાખનારાં બિહંગમ-બિહંગમી ઘણી બંગાળી લોકકથાઓમાં આવે છે, તો આપણે કહી શકીએ કે આ ગરુડપંખી-ગરુડપંખણી આપણી સંખ્યાબંધ વાતોમાં હાજર છે : તો બુદેલખંડીઓ કહેશે કે ભાઈ, એ તો અમારે ત્યાં પણ છે. બંગાળી સુખુ-દુખુ શ્રી સેન તે પછી સામ્ય બતાવે છે : ગ્રીમ ભાઈઓની ‘ધ જાયન્ટ વિથ થ્રી ગોલ્ડન હેર્સ’ને આપણી ‘ચંદ્રહાસ’ કથાની જ યુરોપી આવૃત્તિ કહે છે. શીત-વસંત નામના બે ભાઈઓની વાત, કે જેમાં બે પંખીઓ આવે છે, ને એમની વાણી પ્રમાણે બેઉ ભાઈ એક એક પંખીનો ભક્ષ કરી જાય છે, એટલે તેના મોંમાંથી રતન ઝરે છે, એ વાતને શ્રી સેન ‘ગ્રીન બ્રધર્સ ટેઈલ્સ’માંની ‘સલાડ’ નામની વાર્તા સામે મૂકે છે; બંગાળી ‘સુખુ અને દુખુ’નું સામ્ય ‘મધર હોલ્લે’ સાથે સ્થાપિત કરે છે, અને એ તમામ તુલનાઓનું તારતમ્ય એવું કાઢે છે કે આ વાર્તાઓ બંગાળાને તીરેથી જ યુરોપમાં ગઈ છે; કારણ કે (1) હિંદની સર્વોત્કૃષ્ટ સંસ્કારિતા અને વિદ્યાનું ધામ સદીઓ સુધી મગધ હતું, (2) આ મગધનાં ખંડિયેરોમાંથી જ બંગાળાનાં કેટલાંક નગરો ખડાં થયાં છે, (3) બંગાળાના સભ્ય અને ભદ્રલોક સમાજે એ પુરાતન હિંદના પાટનગરના સંસ્કારો-આદર્શોનો વારસો મેળવ્યો છે, (4) મગધ, ચંપ અને એ બંગ તે યશસ્વી મગધકાળના ત્રણ પ્રાંતો હતા અને બાકીની દુનિયા પર મગધ-સંસ્કૃતિનો ઊંડો પ્રભાવ પડતો. એ ત્રણેયને યુરોપ જોડે સંપર્ક હતો. હવે, આ દાવાના આધારમાં યુરોપી વાર્તાઓનાં આદિજનક-જનની તરીકે જે બંગાળી લોકવાર્તાઓને શ્રી સેન રજૂ કરે છે તે બંગાળી વાર્તાઓ તો ઉપર ‘મનસાગરો’ નામની શુદ્ધ સોરઠી લોકકથા ચીંધાડીને બતાવ્યું છે તેમ આપણી સોરઠી વાર્તાઓ સાથે પણ સામ્ય ધરાવે છે. ‘ચંદ્રહાસ’ની વાર્તા બંગાળી શી રીતે? આપણે ત્યાં ચંદ્રહાસનું જે નાટક થતું તેના મૂળમાં આપણી જ કોઈક વાર્તા છે કે નહિ તે હું જાણતો નથી. પણ ‘સુખુ-દુખુ’ની બંગાળી વાર્તામાં તો આપણી શુદ્ધ ગુજરાતી વ્રતકથા ‘શીતળા સાતમની વાર્તા’નું પાંખું અનુકરણ છે. બંગાળી ‘સુખુ આર દુખુ’માં — ગરીબ દીકરી દુખુને એની મા તાપમાં રૂ સૂકવવા કહે છે. પવનનો ઝપાટો રૂને ઉપાડી જાય છે. રડતી દુખુને પવન કહે છે કે રડ ના, મારી પાછળ આવ, હું તારું રૂ પાછું આપીશ. રડતી રડતી પવન પાછળ જતી દુખુને માર્ગમાં ગાય મળે છે ને પોતાની ગમાણમાંથી છાણવાસીદું કરતી જવા કહે છે. પ્રાણી પ્રત્યેની અનુકંપાથી દુખુ એ કરતી જાય છે. પછી એક જામફળી મળે છે એ કહે છે કે દયા કરીને મારા થડને ઢાંકી દેનાર ઘાસને નીંદતી જા. ત્રીજો એક છોડ મળે છે એ પોતાનાં મૂળ પર ચડેલ ધૂળ વાળવા વીનવે છે. ઘોડો મળે છે તે દુખુને થોડું ખડ આપવા કહે છે. છેવટે એક ડોશી મળે છે અને એને ત્રૂઠે છે, હીરચીર, દરદાગીના ને જરજવાહિર આપે છે, ને પાછા વળતાં પેલાં બધાં પશુપંખી-વનસ્પતિઓ જેમને પોતે મદદ કરી છે તે દુખુને ભેટો આપે છે. પછી એ સર્વ જોઈને એની નઠારી બેન સુખુ પણ વળતે દિવસે એ જ પ્રમાણે પવન પાછળ દોડતી દોડતી, રસ્તે મળેલાં પેલાં સર્વ સત્ત્વોની સેવા કરવાને બદલે તુચ્છકાર કરી ચાલી જાય છે, અને છેવટે રેંટિયો કાંતતી બેઠેલ ડોશીને દૂભવે છે. પરિણામે એ ઊલટી જ દશા પામી પાછી વળે છે. પાશ્ચાત્ય ‘મધર હોલ્લે’ પાશ્ચાત્ય કથા ‘મધર હોલ્લે’માં પણ ભલી ને નઠારી બે બહેનો માંહેની ભલી ગરીબ છોકરી પોતાની કૂવામાં પડી ગયેલી ત્રાક શોધવા જંગલમાં જાય છે ત્યાં રસ્તે એક ઝૂંપડીમાં ચૂલા પર એક રોટલો બળી જતો હતો તેને એ બહાર કાઢે છે. આગળ જતાં પાકાં ‘એપલ’ ફળોએ લચી રહેલ ઝાડ આવે છે, જે કહે છે કે મને હલાવ ને મારાં ફળો બધાં લઈ લે, નકામાં જશે. છેવટે એક ડોશી મળી ને એને સોનેરૂપે સજી આપે છે. પછી એની નઠારી બહેન એ જ રીતે જાય છે, પણ એ કોઈ ને મદદ કરતી નથી, ગાળો દેતી જાય છે. છેવટે ડોશીરૂપધારી પરી એને ત્રૂઠવાને બદલે રૂઠે છે. સોરઠી ‘શીતળા સાતમ’ સોરઠી ‘શીતળા સાતમ’ની વાર્તામાં એક ગરીબ સ્ત્રી શીતળા સાતમની આગલી રાતે નિયમ પ્રમાણે ચૂલો ઠારવાનું વીસરી જઈ થાકીપાકી ઊંઘી રહે છે. શીતળા મા ચૂલામાં આળોટવા આવેલાં. શીતળા મા દાઝે છે, એને પરિણામે બાઈનો બાળપુત્ર બળી ભડથું થઈ જાય છે. એ તો બાળકને લઈ શીતળા માની શોધમાં ચાલે છે. માર્ગે એને આટલાં સત્ત્વો મળે છે : બે તળાવડીઓ કે જેનાં ભર્યાં ભર્યાં નીર કોઈ પંખી પણ પીતું નથી; આંબો કે જેની લૂંબઝૂંબ પાકી કેરીઓ કોઈ ખાતું નથી, સાંઢડી કે જેને ગળે બાંધેલ ઘંટીનું પડ કોઈ છોડાવી શકતું નથી; મગરમચ્છ કે જે પાણીમાં જઈ શકતો નથી ને દરિયાકાંઠે ધગધગતી રેતીમાં પડ્યો પડ્યો લોચે છે; બે પાડા કે જે લડ્યા જ કરે છે, છૂટા પડી શકતા નથી. એ બધાં બાઈને ઊભી રાખી પોતાની દુર્દશાનો સંદેશો પણ શીતળા માને મોકલે છે, ને પોતાનો છુટકારો કેમ થાય તે પૂછતી આવવા કહે છે. છેવટે ડોશી મળે છે તેની પણ આ બાઈ સેવા કરી શાંતિ પમાડે છે. પરિણામે છોકરો સજીવન થાય છે, ને પેલાં પશુપ્રાણી-ઝાડોનો દરેકનો ખુલાસો પૂછતાં એ પ્રત્યેક પૂર્વજન્મમાં માનવ દેહે શાં શાં અપકૃત્યો કર્યાં છે કે જેને પરિણામે આ જન્મે વિફલતાનો શાપ ભોગવતાં હોય છે તેનો ખુલાસો મેળવે છે અને એ પ્રત્યેકની દુર્દશાને પલટાવી નાખવાનું વરદાન પામી પાછી વળે છે. પણ એ જ પ્રમાણે એની દુષ્ટ જેઠાણી કેવળ ખાટવાની દાનતથી કરે છે, અને રસ્તે જતાં કોઈનો સંદેશો લઈ જતી નથી, પરિણામે એનું અનિષ્ટ થાય છે. (જુઓ ‘શીતળા સાતમ’ : ‘કંકાવટી’) એ જ પ્રકાર અન્ય પ્રદેશોમાં હવે આ વાર્તાપ્રકાર નથી તો પાશ્ચાત્ય પેદાશ, નથી એકલો બંગાળી પ્રકાર કે નથી માત્ર સોરઠી પ્રકાર, પણ હિંદવ્યાપક છે. તેની ભાળ આપણને વેરીઅર એલ્વિનના તાજા બહાર પડેલ ‘ફોક-ટેઈલ્સ ઓફ મહાકોશલ’માંથી સાંપડે છે. સીમલા પ્રદેશની વાર્તા : એક ગરીબ જમીનદાર કિસ્મતની શોધમાં નીકળે છે. રસ્તે પહેલો રાજા મળે છે ને કહે છે કે મારો મહેલ રોજ બાંધું ને રોજ પડી જાય છે એનું કારણ કિસ્મતને પૂછતો આવીશ? પછી એક જળચર કહે છે કે જળમાં રહું છું છતાં બળું બળું કેમ થાઉં છું તે પૂછીશ? પછી ફળઝાડ કહે છે કે મારાં ફળ કડવાં કેમ? છેવટે બાર વર્ષથી ઊંઘતો ફકીર મળે છે તે જ કિસ્મત છે. એ ખુલાસો કરે છે કે રાજાનો મહેલ પડી જાય છે કારણ કે એણે દીકરીને પરણાવી નથી, જળચર બળું બળું થાય છે કારણ કે એ જ્ઞાનવાન છતાં મતલબી હોઈ જ્ઞાન કોઈને દેતો નથી, ફળઝાડનાં ફળ કડવાં ઝેર આવે છે કેમ કે એની નીચે માયા દાટેલી છે. જમીનદાર એ જ માર્ગે પાછો વળે છે. રાજાની કુંવરીને પોતે જ પરણે છે તેથી મહેલ પડતો અટકે છે; જળચર બળું બળું થતો અટકે છે કારણ કે પોતાનું અરધું જ્ઞાન એ આ જમીનદારને આપે છે; ફળઝાડનાં ફળ મીઠાં બને છે કારણ કે એની નીચેથી આ જમીનદાર માયાનો ચરુ ખોદી લે છે. (આ કથા શ્રીમતી ડ્રેકોટે મેળવી છે.) સરખાવો સોરઠી ‘શીતળા સાતમ’માંનો મગરમચ્છ ને આંબો : એ બેઉની એ જ રીતે મુક્તિ થાય છે. પશ્ચિમ હિંદની કથા ‘પોઢેલું કિસ્મત’ : એમાં એક ધનિકનો ગરીબ ભાઈ સાગરને પાર સૂતેલા કિસ્મતની શોધે નીકળે છે; રસ્તે આંબો, રાજા ને ઘોડો મળે છે. એમની દુર્દશાના પણ કિસ્મત ખુલાસા કરે છે તે ઉપર મુજબ છે. ઘોડાને અસવાર મળતો નથી તે દુ :ખ છે. છેવટે એ બધાનો લાભ એ ગરીબને મળે છે. બિહારી લોકવાર્તા (શરત્ચંદ્ર મિત્રે લખેલી) : એમાં પણ બ્રાહ્મણરૂપધારી ભગવાનને ગોતવા નીકળેલા ડોશીના ગરીબ પુત્રને એક રાજા મળે છે કે જેનો બાંધેલો સેતુ પડી જતો હોય છે. એક સાધુ ને એની સ્ત્રી મળે છે કે જેમને કોઈ શિષ્ય ભેટતો નથી; બે પકુર ઝાડ મળે છે કે જેમાંનું એક સુકાઈ ગયું છે. હાથી મળે છે કે જેની સૂંઢ ઝાડની ડાળીમાં અટવાઈ ગઈ છે; એ સૌના ખુલાસા બ્રાહ્મણરૂપે ભગવાન ભેટે છે ત્યારે કરે છે : હાથીની દુર્દશાનું કારણ એ કે એણે પોતાની પીઠ પર લોકોને બેસાર્યા નથી : ઝાડ સુકાયું છે કારણ કે એની હેઠળ માયાના સાત ચરુ છે : સાધુ દુ :ખી છે કારણ કે વિદ્યા એણે કોઈને આપી નથી. રાજાનો સેતુ તૂટી પડે છે કારણ કે દીકરીને પરણાવી નથી. પછી આ છોકરો જ પાછો હાથી પર ચડે છે, ચડીને સુકાયેલા ઝાડ પાસે જઈ માયાના સાત ચરુ ખોદી લે છે, સાધુની બધી વિદ્યા શીખી લે છે. ને રાજાની કુંવરીને પરણે છે. સોરઠી ‘શીતળા સાતમ’નાં પાત્રો સાથે આ પાત્રોનો મેળ મળે છે. તે પછી બંગાળાની બે વ્રતકથાઓ ટાંકી છે તેમાં તો સોરઠી કથાનાં બાકી રહેલાં પાત્રો પણ અણીશુદ્ધ મળતાં આવે છે : દા. ત. બે તળાવડીઓ અને મગર. મુસ્લિમ વાર્તા આવો પ્રકાર મુસ્લિમ વાર્તામાં પણ મળે છે. મુલ્લા ઈલાહી નામના એક બખ્ત્યારે કહેલી એ વાર્તાને ડી. એલ. આર. લોટીમરે અંગ્રેજીમાં ઉતારી છે. એમાં એક ધનિકનો ગરીબ ભાઈ કિસ્મતની શોધે જતાં રસ્તે એક અફળ ઝાડને, વસ્તી જેની વીફરેલી રહે છે તેવા રાજાને, ભક્ષ ન પામતા વરુને, વગેરેને મળી પ્રશ્નો લેતો જાય છે, કિસ્મત સૂતું છે તેને લાત મારી જગાડે છે. બધાંના ખુલાસા પૂછે છે. જવાબ જડે છે કે ઝાડ અફળ છે કારણ કે નીચે માયા છે; વસ્તી વીફરે છે કારણ કે રાજા પુરુષ નથી પણ મરદવેશે ઓરત છે; ને વરુને કોઈ મૂરખ મળતો નથી; માટે ઝાડ હેઠળથી માયા ખસે, રાજાવેશી ઓરત પરણી લે, ને વરુ એને જે મૂરખ માણસ ભેટે તેનો ભક્ષ કરી જાય, તો છુટકારો થાય. પછી આ વાર્તામાં એ ગરીબ માણસ પાછો વળે છે. પણ ઝાડ હેઠળથી માયા લેતો નથી. રાજાવેશી રાણી એને પરણવાના કોડ સેવે છે, છતાં એ મૂર્ખ પરણતો નથી, એટલે છેવટે એ મૂર્ખને વરુ ભક્ષી જાય છે. હવે આ મુસ્લિમ પાઠાંતરમાં પૂર્વાર્ધને છોડી દેવાયો લાગે છે, કારણ કે આ પ્રકારની પ્રત્યેક વાર્તામાં પ્રથમ સારો ગરીબ માણસ કે સારી સ્ત્રી નમ્ર બની સવળું આચરણ કરે છે તે રૂડાં ફળ પામે છે ને પછી એની પ્રાપ્તિ દેખી ઈર્ષાપ્રેરિત બનેલું બીજું નઠારું માણસ એની નકલ કરવા નીકળે છે પણ તુમાખી ને તોછડાઈ બતાવે છે તેથી સંતાપ પામે છે. દેખીતી રીતે જ આ મુસ્લિમ વાર્તામાંથી સંશોધકે એક પાંખિયું ગુમાવ્યું છે. સોરઠી કથાની સુરેખતા આ તમામ પાઠાન્તરોની સરખામણીમાં મને આપણી શીતળા સાતમની વાર્તા સુરેખ, સુમેળવંતી અને બુદ્ધિમાં, કલાદૃષ્ટિમાં, કલ્પનામાં બંધબેસતી લાગી છે. ઉપરાંત એમાં તો પૂર્વજન્મનાં આચરણોની સુસંગત રચના છે : તળાવડીઓ : આગલે જન્મે દેરાણી-જેઠાણી હતી, ખાટીમોળી છાશ ભેળસેળ કરીને લોકોને દેતી. આંબો : ધનવાન હતો, પણ કંજૂસ હતો. ધન પરાર્થે વાવર્યું નહિ. સાંઢડી : એક સ્ત્રી હતી, ઘેર ઘંટી હતી, કોઈને દળવા દીધું નહોતું. મગરમચ્છ : વેદવાન બ્રાહ્મણ હતો, ચારેય વેદ કંઠે હતા પણ કોઈને સંભળાવ્યા નહિ. બે પાડા : ગામના બે મુખી-પટેલો હતા, ખટપટો ને કલહ જ કરતાં. બંગાળી દાવો વધુ પડતો છે પૂર્વજન્મમાં કરેલાં કૃત્યો અને એની આ જન્મે સાંપડેલી પરિણતિ, એ બે વચ્ચે જે સુમેળ આ સોરઠી વાર્તામાં જોવા મળે છે તે ઉપર નિર્દેશેલી કોઈ પણ વાર્તામાં નથી. તે છતાં મારો મુદ્દો એ નથી કે આ તમામ કથાઓનું મૂળ સોરઠી પાઠમાં છે. મારો મુદ્દો તો આવી કોઈ પણ કથાના બંગાળામાં પ્રવર્તતા પ્રકાર પરથી એનું મૂળ પ્રભવસ્થાન બંગાળાનાં આંબાવાડિયાંની ઘેરી ઘટામાં ઊભેલાં સુંદર ગ્રામઘરોમાં રહેનારી વનિતાઓ છે એમ ન કહી શકાય, અથવા એમ પણ અનુમાન ન કરાય કે બંગાળાને સાગરતીરેથી જ આ કથાઓ ઈરાન, અરબસ્તાન ને યુરોપ પહોંચી કારણ કે ગુજરાત-કાઠિયાવાડનો દરિયાકાંઠો પણ બંગાળાના જેટલો જ સફરી વ્યાપારે ધીકતો હતો. એનાં જહાજો પણ ઈરાની અરબી સાગરતીરે જઈ નાંગરતાં હતાં, તેમ ઈરાની-અરબી નાવિકો પણ સોરઠ–ગુર્જર દેશને બંદરે આવતા, અહીં જાથૂકનોયે નિવાસ કરતાં. વળી આ કથાઓ બૌદ્ધકાળની પેદાશો છે એમ શ્રી સેન કહે છે તે સાચું હોય તો પણ, સૌરાષ્ટ્ર દેશને ફાળે એની ઉત્પત્તિ ન જાય તેવું કારણ નથી. અહીં પણ મગધ સામ્રાજ્યનો બૌદ્ધકાળ એક વાર તપ્યો હતો. અન્ય ભારત-પ્રદેશોની ભૂમિ પણ બૌદ્ધ સંસ્કારસાહિત્યજળે સીંચાઈ હતી. એ વાવેતર અખિલ હિંદી હતું. એનાં બિયાં ઠેરઠેર વેરાયાં હતાં. ભારતી કથાતત્ત્વ વિ. અરબી-ઈરાની કથાતત્ત્વ શ્રી સેનની એક વાત સાચી છે, કે પૌરસ્ત્ય સંસ્કારોએ ઝગારા મારતી પાશ્ચાત્ય લોકકથાઓને અરબી કે ઈરાની પેદાશ માનવામાં અને એને ‘અરેબિયન નાઈટ્સ’ની એક હજાર ને એક વાર્તાઓની જોડે ગૂંચવી મારવામાં પાશ્ચાત્ય વિવેચકો ભીંત ભૂલ્યા છે. શુદ્ધ ઈરાની-અરબી લોકકથાઓની ને શુદ્ધ ભારતવર્ષીય લોકવાર્તાઓની વચ્ચે મહત્ત્વનો ભેદ છે. ઈરાની-અરબી પેદાશના કથાસાહિત્યમાં નીતિતત્ત્વ પ્રત્યેનો ઝોક ઓછો હોય છે. ઘણીખરી હિન્દી લોકકથાઓમાં પ્રાણી-પાત્રો આવે છે ત્યારે ઈરાની-અરબી કથાઓમાં જીન, ખવીસ અને પરીઓ વિશેષ રમણ કરે છે. મુસ્લિમ દુનિયાની વાર્તાઓમાં દિવ્ય સત્ત્વો ચમત્કારો કરે છે, અને પ્રેમના વ્યાપારોમાં આવતાં વર્ણનો વધુ પડતાં વાસનોત્તેજક હોય છે, ત્યારે ભારતીય વાર્તાઓમાં વધુ જોર સદ્ગુણ અને શીલ પર ત્રૂઠવાની વાતને તેમજ નમ્ર અને નિર્બળ પક્ષની વહાર કરવાના મુદ્દાને અપાયું છે. પહેલા પ્રકારમાં જે ભાગ પરીઓ ભજવે છે તે બીજા પ્રકારમાં સ્વર્ગની અપ્સરા ભજવતી હોય છે. ‘અરેબિયન નાઈટ્સ’નું વાતાવરણ જાદુથી, બેલગામ તરંગોથી એને સુંવાળી અશક્યતાઓથી ગૂંગળાવી નાખે છે. માનવસહજ મનોર્મિઓ અને સંવેદનો હિંદી વાર્તાસૃષ્ટિમાં લીલા ખેલે છે. પ્રાંતભેદે વ્યક્તિગત કલાવિધાન હિંદ દેશની લોકવાર્તાઓનાં મૂળિયાં આમ પ્રાચીન બૃહત્કથા, કથાસરિત્સાગર, જાતકકથાઓ વગેરેની વાર્તાભૂમિમાંથી પોષણ મેળવે છે તે તો નિર્વિવાદ છે. છતાં પ્રાંતપ્રાંતની કથાઓને પોતપોતાનું નિરાળું વ્યક્તિત્વ છે તે પણ એટલું જ નિશ્ચિત છે. વ્યક્તિત્વ એના વિશિષ્ટ શિલ્પવિધાનમાં રહેલું છે; ‘દાદાજીની વાતો’ અને ‘રંગ છે, બારોટ!’ બેઉમાં એ સ્વયંપ્રતીત છે. વિક્રમ અને ખાપરાની પહેલી જ વાતમાં પાત્રોના વાર્તાલાપ, પ્રસંગોની મેળવણી, વાર્તાનો ઉપાડ, અંદર આવતા મંત્રો, પાત્રવર્ણનો બધું જ સોરઠી શિલ્પની સ્પષ્ટ છાપ ધરાવે છે. એનું જે કંઠસ્થ સ્વરૂપ છે તે જ અહીં ગ્રંથસ્થ આવૃત્તિમાં અણીશુદ્ધ રાખવામાં આવ્યું છે. એ વાર્તાઓમાં જણાઈ આવતા પદ્યાંશોમાં બે ભાત પડે છે. એક છે તે પ્રત્યેક વાર્તાનો વ્યક્તિગત વિભાગ છે. ‘બાપુ ભાલાળો’, ‘કાઠીકુળ’, ‘દરિયાપીરની દીકરી’, ‘જનમના જોગી’, ‘ચંદણ મેણાંગરી’, એમાં આવતા પદ્યવિભાગ એના પોતાના જ છે. અન્ય કથામાં વીર, વિયોગ, શોક, હાસ્ય વગેરે રસના ઉદ્દીપક પદ્યખંડો, અગર તો નિદ્રાવિહીનોની દશા વર્ણવતા દુહા, પદ્મણી વગેરે નારીઓના પ્રકારો વર્ણવતી પદ્યપંક્તિઓ, નાગનાં નવ કુળની ટીપ, ચૌદ વિદ્યાઓની પિછાનની કાવ્યપંક્તિઓ એ તો વાર્તાકારની નિજનિજની રીતે ટંકાતાં, લોકવાણીના મહાસિંધુમાં તરતાં સાર્વજનિક સુભાષિતો છે. મેં સંગ્રહેલી વાર્તાઓમાં લોકકથાઓ જે સ્વરૂપે અને ભાષામાં મને મળેલ છે તે સ્વરૂપ ને ભાષાને અકબંધ મૂકવાની મારી દૃષ્ટિ છે. પરંતુ ‘દરિયાપીરની દીકરી’ અને ‘ખાનિયો’ જેવી કથાઓ અસલ લોકવાર્તાકાર પાસેથી સીધી નહિ પણ અન્ય માધ્યમો દ્વારા સાંપડી હોઈ તેને મારી શૈલીએ મૂકવી પડી છે. બાકી ઘટનાઓ અગર ભાવો તો મૂળ હતાં તેમ જ સાચવ્યાં છે. ‘ચંદણ-મેણાંગરી’ની લોકકથામાં મારવાડી બોલીની છાંટ છે, કારણ કે એ કથનાર લુહારિયા લોકો અસલ થરાદ તરફથી ઊતરી આવેલા, અને ગુજરાતમાં ત્રણ પેઢીથી ચિરવાસ કરી રહેલ તથાપિ પોતાનાં રીતતિવાજની માફક પોતાની બોલીને પણ શુદ્ધ તળપદે સ્વરૂપે સાચવી રહેલ છે. ‘કાઠીકુળ’ એ આ સંગ્રહમાં જુદી ભાત પાડે છે. એ ઇતિહાસના પ્રદેશમાં જાય તેવી છે, છતાં જેઠા બારોટના કથા-ભંડોળમાંની સામગ્રી હોઈ એક નમૂના લેખે મૂકી છે. ‘જનમના જોગી’ એ રાજવી ભર્તૃહરિની જાણીતી કથાને સંઘરતું કાવ્ય છે. એ રાણી પિંગલાના દુશ્ચારિત્ર્યની, એના કહેવાતા પ્રેમિક અશ્વપાલની, અગર તો અમરફળની જે બીના ભર્તૃહરિને વૈરાગ્ય તરફ વાળી જનારી લેખે પ્રચલિત છે, તેનો આ ભજનમાં લેશમાત્ર ઉલ્લેખ નથી. નહિ તો એવી આકર્ષક સામગ્રીને લોકકાવ્ય જતી કરે નહિ. એ પરથી વધુ જોરથી કહી શકાય કે મજકૂર બીના ક્ષેપક અને આધુનિક હોવી જોઈએ. વાર્તા પહેલી ‘વિક્રમ ને ખાપરો’માં અંતે વિક્રમે ભાણમતી રાણીને માથું મૂંડાવી કાઢી મૂકી, એ બીના બરાબર નથી. વિક્રમનો તો તમામ વિક્રમ-કથાઓમાં એ જ ઉચ્ચ સંસ્કાર છે કે પોતાનું બૂરું કરનારને પણ પોતે કષ્ટ દેતો નથી. એ દોષ સ્મૃતિભ્રંશને લીધે મારો જ થયો છે. જેઠા બારોટનો નહિ. આ પ્રવેશક લખવામાં ‘મોટિફ’ના વિષય પર મને મૂલ્યવંત માહિતી શ્રી વેરીઅર એલ્વિનના નવા પ્રકટ થયેલ અંગ્રેજી પુસ્તક ‘ધ ફોક-ટેઈલ્સ ઑફ મહાકોશલ’માંથી મળી છે. લોકસાહિત્યના વાર્તાપ્રદેશ પર આ તો મારા તરફથી પથનિર્દેશ જ છે. જેઓ સંશોધન કરવા પ્રેરાશે તેઓને પોતપોતાનાં ગામોમાંથી પણ પુષ્કળ સામગ્રી મળી શકશે. સૂચના એટલી જ કે મૂળ કંઠસ્થ સ્વરૂપ કશા ફેરફાર વગર પકડી લેવું.