બીડેલાં દ્વાર/કડી સોળમી

Revision as of 16:33, 5 May 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કડી સોળમી


સેંકડો આજારોની દવા કરનારો દાક્તર જો એમાંના પ્રત્યેકની જોડે પલેપલની વેદના ભોગવવા બેસે તો એની શી વલે થાય? એવું કોઈ હમદર્દ મનુષ્ય આ જગત પર સંભવે છે ખરું? આ વિચારોને માટે અજિત તૈયાર નહોતો. એને તો પોતાની જ પીડામાં જગતસમસ્તને ડૂબતું જોવાની ઇચ્છા હતી. દરેક જણને એ જ વૃત્તિ વળગેલી હોય છે.

દાક્તર તો પોતાનો કસબ બરાબર સમજતા હતા. એણે ઠંડે કલેજે સિનેમા તરફ પ્રયાણ કર્યું. ને અહીં પછવાડે પ્રભાના દેહમાં જાણે છૂરીઓ ચાલવા લાગી. એ જાણે પોતાની અંદર પ્રવેશેલા કોઈ અસુરની સાથે બાથંબાથા યુદ્ધ કરી રહી હતી. એના લલાટ પર પસીનાનાં મોતી બાઝતાં હતાં. નર્સ એને પંખો કરતી હતી ને અજિત એના લોચતા, ધૂણતા, પછડાતા દેહને ઝાલી બેઠો હતો. પણ એનું બેસવું, ઝાલી રાખવું, આશ્વાસનના બોલ બોલવા એ તમામ નિરર્થક હતું. પોતાને થાકથી તમ્મર આવવા લાગ્યાં ત્યાં સુધી એણે પ્રભાના દેહને જકડી રાખ્યો. પણ એ દેહ માનવદેહ જ નહોતો રહ્યો. એ તો એકાંત મધસાગરે તાંડવ ખેલતાં મોજાં ઉપર ખેંચાઈ ગયેલી કોઈ નાની નાવડી હતી. વેદનાની એક એવી છૂપી અંધારગલીમાં પ્રભા પહોંચી ગઈ હતી કે જ્યાં એની જોડે દાખલ થવાનો અધિકાર કોઈને નહોતો. પ્રસવકાળની વેદના એટલે એક એવું ભોંયતળિયું, કે જ્યાં ન જડે સાથી, સ્વજન અથવા સ્નેહ : જ્યાં હમદર્દીની દારુણમાં દારુણ ચીસો પણ નથી સંભળાઈ શકતી. જ્યાં દિલાસાના પ્રકાશનું એક રજકણ પણ નથી પહોંચતું; જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેની અનંત જણાતી એકલતા વસે છે. ઓ મહાસાગર! અરે ઓ મરુભોમ! છે એવી કોઈ એકલતા તમારા જાણવામાં, કે જે પ્રસૂતિ-વેદનાની એકલતાની બરોબરી કરી શકે? આંચકા ઉપર આંચકા : તાણ ઉપર તાણ : જાણે વંટોળ ઉપર વંટોળ અને ગાંડાતૂર જળતરંગોની અનંત હારમાળા : પ્રભા ન ખમી શકી. ચીસેચીસ પાડવા લાગી. ડૂસકાં ભરીને અનાથ શિશુની પેઠે પુકારવા લાગી કે “નથી સહેવાતું, નથી ખમાતું. મને કોઈ આમાંથી બહાર કાઢો!” અજિત દોડ્યો નર્સની પાસે. નર્સે આવીને આ દશા નિહાળી, અજિતને જે કાળસ્વરૂપ લાગેલું છે. તે નર્સને જરીકે નથી ગભરાવતું! નર્સે પણ હસીને એ-નું એ જ કહ્યું : “કંઈ જ નથી. આ બધી જ ખોટી વેણ છે.” “પણ પણ —” ગભરાટભર્યો અજિતે પૂરું બોલીયે નહોતો શકતો : “કંઈક તો કરો, કે જેથી આને શાંતિ મળે!” “કશું જ ન બની શકે, એ તો એણે ભોગવવું જ રહ્યું.” “અરે પણ દાક્તરને બોલાવો, અત્યારે એને સિનેમા જોયા વિના શું નહોતું ચાલતું? કાલે ન જોઈ શકાત?” “પણ ભાઈ, દાક્તર આવીનેય શું કરવાના છે? પ્રસવને હજુ વાર છે. પ્રસવની સ્થિતિ આવશે ત્યારે તો આ પીડાનું સ્વરૂપ જ બદલી જશે; ને ત્યાં સુધી દાક્તરથી કશું નહિ થઈ શકે.” “દાક્તર આવીને એને કશોક ડોઝ આપે નહિ?” “પીડા શમવાનો ડોઝ આપે તો પ્રસવ જ અટકી પડે; ને પ્રસવ અટકે એટલે તો પછી થઈ જ રહ્યું ને?” સાંભળીને ફરી પાછો અજિત પોતાને કામે લાગ્યો. પ્રભાને પકડી, પ્રભાના ઉછાળા મારતા દેહને જકડી જકડી એનાં બાવડાં તૂટવા લાગ્યાં. એનું માથું ભમી ગયું. એનાં લમણામાં ચસ્કા નીકળવા લાગ્યા. એને બેવડું યુદ્ધ લડવાનું હતું : એક પોતાના દેહનું, ને બીજું પ્રભાના દેહપછાડા નીરખી નીરખી સહી લેવાનું. તે દરમ્યાન દુનિયા તો એની રીતે જ દોડધામ કરતી હતી. ટ્રામો-મોટરો થંભતી નહોતી, ગ્રામોફોન બજતાં હતાં. વરઘોડાનાં બૅન્ડ વાગતાં હતાં. ધસમસાટ દોડ્યા જતા બંબાના ટોકરા ગુંજતા હતા — ને ઓહ! બાજુના જ ખંડમાં કોઈક હસતું હતું. એ હાસ્યધ્વનિ સાંભળીને અજિતે પોતાના હોઠ પીસ્યા. હસનારની ગરદન ચાંપી દેવા જેટલો વિદ્રોહ એના દિલમાં વ્યાપી ગયો. દાક્તર શું આવશે જ નહિ? આટલો ઘાતકી? ક્યારનો ગયો છે. મારું પ્રિયજન મરી રહેલ છે તે વેળા એને સિનેમા જોવાનું સૂઝ્યું ! અક્કેક પળ યુગ યુગ જેવડી જતી હતી. ફરી એક વાર પ્રભાના દેહે ઉછાળો લીધો. એના હાથમાંથી દેહ છૂટી ગયો. એ પટકાઈ પડી. છાતીફાટ રડવા લાગી. અજિત નર્સને ફરી વાર તેડવા દોડ્યો. ત્યાં તો દ્વાર ઊઘડ્યું ને દાક્તર દાખલ થયા. પણ એ તો ઍસિસ્ટંટ હતો. મોટો દાક્તર ક્યાં મૂઓ? આ સા… ઍસિસ્ટંટોની બેવકૂફી તો ક્યાં અજાણી છે? “કેમ?” ઍસિસ્ટંટે નજીક આવીને નજર કરી : “કેવુંક ખમે છે?” નિરાંતે ઍસિસ્ટંટ કોટ-મોજાં ઉતારવા લાગ્યો ને નર્સ એને રિપોર્ટ આપવા લાગી. કોઈને જાણે કશી કાળજી જ નહોતી! દાક્તર બેઠા. પ્રભાની નાડ તપાસી. બીજી તજવીજ કરી લીધી. અજિત તો દાક્તરના મુખના બોલ ઝીલવા તલપાપડ હતો. એનું મોં ફાટ્યું રહ્યું હતું : પણ દાક્તર તો એકેય શબ્દ કાઢ્યા વિના ઊઠી ગયા. “દેખાય છે?” નર્સે પૂછ્યું. “હજી નથી.” દાક્તરનો ટૂંકો, લાગણીહીન જવાબ પડ્યો. “પણ ત્યારે —” ડઘાઈ ગયેલા અજિતે પૂછ્યું : “આમ ક્યાં સુધી ચાલવાનું, દાક્તર? એને ભયાનક પીડા થાય છે, જુઓ તો ખરા.” “મને લાગે છે કે સવાર સુધી તો ચાલવાનું જ; કેમકે આ તો અમુક મસલ્સની કડકાઈ પોચી પાડવાનો પ્રશ્ન છે; પણ તમારે કશો જ ગભરાટ રાખવાનો નથી. દર્દી તો સરસ સ્થિતિમાં છે.” નર્સને એણે કહ્યું : “હું બાજુના જ રૂમમાં સૂતો છું, જરૂર પડે તો જગાડજો.” ઍસિસ્ટંટ ગયા. એક નર્સે કોચ ઉપર દેહ લંબાવ્યો ને બીજીએ ખુરસી પર બેઠાં બેઠાં ઝોલાં ખાવાનું આરંભ્યું. પ્રભાનો તો દૈત્ય સાથેનો સંગ્રામ ચાલુ જ હતો. આટલી નાની ને પાછી ઓરત : ઓ પ્રભુ! એને આવા દારુણ સંગ્રામ! આ તે શી રાક્ષસી પ્રકૃતિલીલા! વિચારતો વિચારતો અજિત પ્રભાને ઝાલી બેઠો રહ્યો. બે જ જણાં જાણે જગતની અંધેરીમાં એકલાં જાગે છે : ને પોતાના સીસું સીંચેલા પગના ધીમાધીમા ચાલતા કદમો નીચે આ બેઉને ચગદતો કાળસત્રિનો અંધાર-ડગલો ઓઢીને ચાલ્યો જાય છે. દૂર દૂરનાં મકાનોની કોઈ કોઈ બારીમાં રાતના બે-ત્રણ બજે પણ અજિતે બત્તી ટમટમતી દીઠી, ત્યાં કદાચ કોઈક માનવની નસો છેલ્લા ધબકારા લેતી હશે. એના ઉંબર પર છાયાદેહી મોત તેડું કરતું ઊભેલું હશે — અથવા કોને ખબર છે, એ મૃત્યુનો નહિ, જન્મનો અવસર હશે. કાં ન હોય? દાક્તરે નહોતું કહ્યું શું, કે પૃથ્વી પર અક્કેક પળે બબ્બેનો જન્મ થઈ રહેલ છે! રાત્રિ — અંધકારના કાળા લોખંડનો બોજ ખેંચતી બુઢ્ઢી જેવી રાત્રિ — જાણે ચાલતી જ નહોતી : થંભીને ઊભી હતી. પ્રભાત જાણે હવે કદી પડવાનું નથી. ત્યાં તો દૂધવાળાનાં ડબલાં ખખડ્યાં. છાપાવાળાની બૂમો પડી. ‘કલો…ઈ!’ અને ‘મી…ઈ…ટ!’ના કર્કશ સૂર સુખીજનોની નિદ્રાને રૂંધવા લાગ્યા. પ્રભાતની કંકુપગલીઓ પડી ત્યારે તો પ્રભાનું દર્દ કંઈક શાંત પડ્યું હતું. પ્રસન્ન ચહેરે દાક્તર હાજર થયા, રોગીની નાડ ફરી વાર તપાસી, નર્સોએ ઊઠીને પ્રભાને નવાં શ્વેત વસ્ત્રો પહેરાવ્યાં. બિછાના ઉપર કંઈ કંઈ પ્રકારે ઉપરાઉપરી ચાદરો ગોઠવી. પ્રભાને જાણે એક પ્રકારનું ઘેન ઘેરાયું હતું; અને અજિત પણ ઝોલાં ખાતો હતો. એકાએક પ્રભાની ચીસ પડી, અજિત ઝબક્યો, પ્રભાને ઝાલી લીધી, નર્સ દોડતી આવી, ને એણે પ્રભાનો શ્વેત ચહેરો લાલચટક બનતો દીઠો. પ્રભાનો હાથ ઝાલી નર્સે પૂછ્યું : “વેદના થાય છે?” બેહોશ બનીને પ્રભાએ હકારમાં ડોકું હલાવ્યું. “પ્રથમથી જુદી જ જાતની ને?” પ્રભાએ ફરી ડોકું હલાવ્યું. “કશુંક નીચે ઊતરતું હોય તેવી પીડા ને?” પ્રભાએ મૂંગી હા કહી. “બસ, હવે પ્રસવ આવી પહોંચ્યો.” કહીને નર્સે દાક્તરને તેડવા માણસ મોકલ્યો.