બીડેલાં દ્વાર/4. પ્રતિભાના સોદા

Revision as of 16:48, 5 May 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |4. પ્રતિભાના સોદા}} '''ભૂતનાથના''' સાગરતટે પહોંચ્યા પછી જ અજિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
4. પ્રતિભાના સોદા


ભૂતનાથના સાગરતટે પહોંચ્યા પછી જ અજિતને ભાન થયું કે પ્રભાનો અભાવ અસહ્ય લાગે તેવાં જૂનાં સ્મરણો એની રાહ જોતાં હતાં. એ સંભારણાંનો એકાએક હલ્લો થયો : અહીં અમે જોડે સ્નાન કરેલું, અહીં બેસી પ્રભાએ મૂળો ખાધેલો, અહીં પ્રભાને સૌ પહેલો બાળકનો ગર્ભસંચાર માલૂમ પડેલો ને એ બી ગયેલી.

અંધારું થયા પછી પોતે અગાઉ ગાંસડી બાંધીને અહીં મૂકી ગયેલો તે વસ્તુઓ ખોલતો હતો તેમાંથી પ્રભાના જૂનાં ફાટીતૂટી ગયેલાં ચંપલ હાથ આવ્યાં. ચંપલો લઈને પોતે સળગતા સ્ટવ પાસે સૂનમૂન બેઠો રહ્યો. સ્ટવ પર ચા મૂકી હતી. એકાંત એને અતિ આકરું લાગ્યું. હાથમાં ચંપલ હતાં, આંખમાં અશ્રુધારા હતી. છતાં બે જ દિવસ આ બધી નબળાઈઓને મહાત કરવા માટે પૂરતા બન્યા. લાગણીઓની મહેફિલ માટે હવે સમય નહોતો. પહેલી જ વાર એને જીવનમાં કામ કરવાની તક મળી હતી. મુક્તિ પણ સાંપડી હતી. રમણભાઈએ ખરાવી ખરાવીને ભળાવેલ કંઈક ‘વ્યવહારુ’ ને ‘લોકપ્રિય’ કૃતિ લખવાની એણે કમ્મર કસી હતી. ખરું કહીએ તો એ હાલતાં ને ચાલતાં ગોખાગોખ કરતો હતો કે એક પિતા, એની ભણેલી કન્યા, એને ફસાવનાર એક પુરુષ, એક શિક્ષક, એક ધર્માચાર્ય, એક દેશસેવક, ને એણે સ્વીકારેલું વેશ્યાજીવન : આ બધો કાંઈક ‘વ્યવહારુ’ અને ‘લોકપ્રિય’નો મસાલો હતો : ‘યામા ધ પિટ’નું પુસ્તક પણ સામે જ હતું. પરંતુ એ પોતાની જાતને વધુ વખત છેતરી ન શક્યો. ‘કાંઈક વ્યવહારુ’ ને ‘લોકપ્રિય’ના ચક્રો એના ભેજામાં ચાલી જ ન શક્યાં. અન્ય લોકોને રસ આપનારી કૃતિ દૂર પડી રહી. અજિતભાઈનો પ્રાણ દુનિયાને સંદેશ દીધા વગર જંપે તેવું રહ્યું નહિ. દુનિયાના બહેરા કાન પર બૂંગિયો પીટવો જ છે : એ ન કરું ત્યાં સુધી બીજી વાત અસ્થાને છે. મારા જ વિચારોમાંથી વજ્ર ઘડું — આ વેળા તો જગત હચમચી જાય તેવું ઘડતર કરું. ખાતાં-પીતાં, સૂતાં-બેસતાં, અધરાતે ઝબકતાં, સ્વપ્નમાં સુધ્ધાં અજિત આ બજારુ દુનિયા પર ત્રાટકવાની કરામત વિચારી રહ્યો હતો. એકાએક એને વસ્તુનું દર્શન થયું : એક નાટક : એનું નામ ‘પ્રતિભાના સોદા’. સાચી પ્રતિભાને બજારુ માલ લેખે વેચતાં ને હરાજી કરતાં મેલી દુનિયાદારીનાં નિષ્પ્રાણ ને ઘાતકી સત્ત્વો એની કલ્પનામાં ચડી આવ્યાં. એ ખાવાનું પીવાનું વગેરે બધાનું ભાન ભૂલ્યો. પાત્રો, પ્રસંગો ને વાર્તાલાપો : ઉપહાસો, પરિહાસો ને કાતિલ કટાક્ષો : હાંસી, આક્રંદ ને કરુણાન્ત : એ તમામનાં કટક ઊતરી પડ્યાં, એની કલ્પનામાં આ સર્વની ભીડાભીડ થઈ રહી, ને એ તમામની વચ્ચે અજિતને દેખાયો એક યુવાન સંગીતકાર : વાયોલીનના સો-સો સૂરોનો સ્વામી : પોતાની જ મસ્તી અને ખુમારીમાં, પોતાની આત્મવિસ્મૃતિમાં ગરકાવ, નિર્દોષ કલાઘેલો લગભગ એક કિશોર. એમાં એણે પોતાની કલ્પના સિંચી. નાટકનો નાયક એણે એ યુવાન સંગીતકાર કલ્પ્યો. હીંગ-પીપરીમૂળના ગાંધિયાણાનો વેપાર કરતો કરતો મૂડીવંત બનેલો એક પિતા પોતાના પુત્રને પરદેશ સંગીત ભણવા મોકલે છે. પાછા આવેલા પુત્રને કપડાં પહેરવાનું તો સારું એવું ભાન રહ્યું નથી, પણ ત્રણ હજાર રૂપિયાની કિંમતનું એક વાયોલીન છોકરો સાથે લાવ્યો છે. કુટુંબીજનોને ભાન થયું છે કે છોકરો તો કોઈક ઉખડેલ ખોપરી નીવડ્યો! હવે એનો લેવાય તેટલો તો લાભ લઈએ : આજકાલ કળાનો જમાનો છે; આ છોકરો આપણને કળાની આલમમાં ખ્યાતિ અપાવે તેવે માર્ગે એને મૂકીએ, ગોઠવીએ. વીસ વર્ષના એ કુમારને અદ્ભુત તાલીમ આપી તૈયાર કરનારો ઉસ્તાદ પણ હાજર થાય છે. લોઢાના કરવતમાંથી પણ સંગીતના સૂરો ખેંચવાની કરામત એ જાણે છે. હારમોનિયમની પેટી પર આંગળીઓને અદ્ભુત રીતે રમાડવાની એને આવડત છે. સંગીતના ઇલમની કોઈ પણ ‘કરામત’ એનાથી અજાણી નથી. એના હાથમાં સંગીત એક ‘ચાલાકી’ બની ગયેલ છે. એ બધી જ ચાલાકીઓ એણે પોતાના ચેલાને ભણાવી છે. જગતને ચકિત કરવાનો નિરધાર થાય છે. સંગીતની સાથે નૃત્યને ગૂંથી દેવાય તો જલસો ‘હાઇક્લાસ’ બને. એકલો પુરુષ ગાયા કરશે તો અસર થશે નહિ. પ્રખ્યાત નર્તકી શૈલબાલાની કલા પણ સાથે જોડીએ. દીકરો બજાવશે-ગાશે ને શેલબાળા નૃત્ય-અભિનયમાં એ ગાનના સૂરો-શબ્દોને સાકાર કરી દેખાડશે. આવો સુમેળ નવીન બનશે. “તો પછી ગવર્નર સાહેબની પણ હાજરી શા માટે ન સાધવી?” હીંગના બુલંદ વ્યાપારી બાપે હિંમતભેર કેડ બાંધી : “એ નામદારને તેડી લાવવાનું કામ મારું.” કલાના નામાંકિત કાંધિયા એકઠા થાય છે. પોતાની રંગશાળા (થીએટર) પણ પાનાચંદભાઈ પાપડવાળા ફાજલ પાડવા તૈયાર થાય છે. પાનાચંદભાઈ પાપડવાળા પ્રથમ તો નાટક-સિનેમા કંપનીઓને બાર ટકા વ્યાજે નાણાં ધીરવાનું જ કામ કરતા. પણ રફતે રફતે એમને ‘કલા’માં ઊંડું ધ્યાન પડવા લાગ્યું છે એવી એમને જાણ થઈ ને હવે એમણે નગરની નામાંકિત નાટકશાળા ખરીદી લઈ પોતાની કરી છે. ઊંડા મર્મજ્ઞાતા ગણાઈ ચૂક્યા છે. ઘરની સિનેમા કંપની પણ એમણે કાઢી છે. પોતાની પાસે ‘સ્ટાર’ બનવા માટે ચાલ્યા આવતા કતારબંધ રૂપાળા, નમણા, ઘાટીલા ને વાંકડિયા વાળવાળા મર્દો, અને આસમાની આંખોવાળી, કમાનદાર નેણવાળી નટીઓ ચાલી આવે છે. પ્રત્યેકની અંદર પડેલી કળાનું માપ પાનાચંદભાઈ પાપડવાળા, જેટલી સહેલાઈથી શોફર મોટરની કોઠીમાંનું પેટ્રોલ માપી શકે તેટલી જ સહેલાઈથી કાઢી શકે છે. ને એ કલામાપક દૃષ્ટિ સાબૂત હતી. ‘બૉક્સ ઑફિસ’ની બારી પર આ કે પેલા ‘સ્ટાર’ની કિંમત કેટલી અંકાશે એ પાનાચંદભાઈ પાપડવાળા અચૂક કલાબુદ્ધિથી કહી શકતા. કુલ ત્રણ ગવર્નરોની પધરામણી કરી શક્યાની એમની નાટકશાળાની કીર્તિ હતી. જલસાને વધુ આકર્ષક બનાવવાની નવી તરકીબો બતાવનાર નિષ્ણાતો પણ મળી ગયા. મોંમાં એક તલવાર, પીઠ પર બીજી તલવાર, એમ બે તલવારો બાંધીને મંજીરાં બજાવી શકતી એક કાઠિયાવાડણ ભજનિકાનો પણ ‘આઇટમ’ ભેળો રાખવો ઠર્યો. આવી મંત્રણાઓ ચાલે છે ત્યારે દૂરના ખંડમાંથી સંગીતના આછા સૂરો બજતા સંભળાય છે. કોઈ કળી નથી શકતું કે આટલું બધું દર્દ વહાવનાર એ કયા ગાનની તરજ છે. મંત્રણાકારોની સન્મુખ એ સંગીતકાર કુમાર પ્રવેશ કરે છે. એની આંખોમાં પેલા હમણાં જ બજી ગયેલા સૂરોનું વેદનાભર્યું ઘેન છે. એને આ સમારંભની જાણ કરવામાં આવે છે. એ વિરોધના સળગતા અવાજો કાઢી શકતો નથી; નરમાશથી એ કહે છે કે મને આ બધું કેમ ફાવશે? એ પોતાના જ સંબંધે લખાઈ તૈયાર થયેલી જાહેરખબરો સાંભળીને ઘણું કષ્ટ અનુભવે છે. એને અજિત વાણીનાં ચાલાક વાક્યોનું પોટલું બનાવવા ચાહતો નથી. તે તો છે અજિતના આત્મામાંથી ઉદ્ભવેલું એક આર્ષદર્શન. એ સમજી શકે છે — પોતાની અને આ દુનિયાદાર ટોળીની વચ્ચે પડેલું અફાટ અંતર, પણ એ સમજાવી શકતો નથી. એને ભણકારા આવે છે કોઈ દૂરદૂરના જગત-તીરની વાણીના. કલાના ખેરખાં બધા વાતો કરે છે, ત્યારે એ બેઠો રહે છે સૂનકાર હૃદયે. મિસ શૈલબાળાનું આગમન થાય છે. એ અને કુમાર બીજા ખંડમાં તાલીમ લેવા જાય છે. અહીં પ્રયોજકોની વધુ મંત્રણા ચાલે છે. કુમારના સંગીતાચાર્ય પોતાના શિષ્યને સ્ત્રીના પ્રલોભનથી દૂર રાખવાની હિમાયત કરે છે : ‘પ્રતિભા’ની મોટામાં મોટી શત્રુ સ્ત્રી છે; પ્રતિભાશીલ કલાકારોએ પ્રેમવશ થવું ન જોઈએ : સ્ત્રીને પૂજનીય દેવી તરીકે નીરખતાં શીખવું જોઈએ, વગેરે વગેરે. દરમિયાન દૂરથી સંગીતના ઝંકાર આવે છે. ‘એ ગાન — એ ગાનનું શું મારે નૃત્ય કરવાનું છે?’ એટલું બોલતી એ ઊર્મિવશ સ્થિતિમાં બેસી જાય છે. વાતો એ કરી શકતી નથી. એના આવેશોને કોઈક હચમચાવી રહ્યું છે. સમારંભના પ્રયોજકો મિસ શૈલબાળા સાથે કોન્ટ્રાક્ટની વાતો કરવા લાગે છે, ત્યાં કુમાર આવે છે, ને કહે છે, અત્યારે તમે ચાલ્યા જાઓ. એ અને શૈલબાળા એકલાં રહે છે. “એ ગાન કોણે રચ્યું છે?” શૈલબાળા પૂછે છે. કુમાર એને એ ગાનના રચનાર પ્રબલ પાગલ આત્માની કથા કહે છે : “ગાન રચનારને જગતની મશ્કરી મળી ને એણે આત્મઘાત કર્યો. એ છે કબીરનું ગાન. મારે એ દુનિયાને સંભળાવવું છે. તમે એક જ એ ગાનને સમજી શક્યાં છો. તમે એ ગાનને નૃત્યમાં બતાવો.” બીજા અંકમાં જલસો થઈ ગયા પછીની સ્થિતિનો ચિતાર છે. જલસો રાતના બે વાગ્યે ખતમ થાય છે. ત્રણ વાગ્યે સૌ એકઠાં થયાં છે. જલસો નિષ્ફળ ગયો છે, કાર્યક્રમમાં જે ગાન નહોતું મુકાયું તેનું રૌદ્ર પ્રદર્શન કરીને દાટ વાળનાર એ સ્ત્રી જ હતી. કેટલાંક અઠવાડિયાં સુધી ગોખાવેલો કાર્યક્રમ — સંગીતની જુદી જુદી ચાલાકીઓ કરી બતાવવાનો — તે છોડી દઈને આ બન્ને જણાએ આસુરી અને ગામડિયાં નૃત્યોગાનો ચલાવ્યાં. સવારનાં અખબારોમાં છાજિયાં લેવાશે. આ દુનિયાદારીના મરશિયાને સાંભળ્યા વિના કુમાર અને શૈલબાળા ચાલ્યાં જાય છે. તેઓ વાત કરે છે : આપણે શું કરીએ? સંગીત આપણો કબજો કરી બેઠું હતું. પ્રભાતનાં કિરણ પ્રગટતાવેંત દુનિયાદારો છાપાં લેવા દોડે છે ત્યારે પ્રેક્ષકોની સન્મુખ કુમાર અને શૈલબાળા પ્રેમ-દ્વંદ્વ ખેલે છે. “તમને લોકોની પરવા નથી?” શૈલબાળા પૂછે છે. “એ તત્ત્વ જ લોકોમાં નથી.” “છતાં લોકોમાંથી જ એ આવવું જોઈએ ને?” “મારે કયો ભાવ પ્રગટ કરવો છે તે જ લોકો જાણતા નથી, તેમનામાં કલા પ્રત્યેની નરમાશ નથી.” થોડીવાર ચૂપ રહીને કુમાર બોલે છે : “એ એક સમસ્યા છે, એકાકી ચાલી નીકળવું? કે લોકોને સાથે લેતાં સુધી રાહ જોવી? મારા જીવનમાં એ સમસ્યા તમે ઊભી કરી છે.” શૈલ પૂછે છે : “મારો તમારા પરનો પ્રેમ તમને કઈ રીતે અંતરાયરૂપ થશે તે હું સમજી શકતી નથી.” “તમે જો મને જ ચાહશો તો મારી કલાને કોણ ચાહશે?” કલાકાર જવાબ આપે છે. એવી ચર્ચા આ પ્રેમીઓ કરી રહ્યાં છે ત્યાં પાનાચંદભાઈ પાપડવાળા, સંગીતાચાર્ય વગેરે બધા છાપાં લઈને આવી પહોંચે છે. જલસા પર પાડવામાં આવેલી પટકીનું વાચન થાય છે. એક પછી એક કુટુંબીજન દાખલ થાય છે, અને આખા સમૂહનો વિલાપ-હાહાકાર ગાજી રહે છે : હાય હા હા! તારાજ થઈ સંગીતાચાર્યની દિગંતવ્યાપી કીર્તિ, તારાજ થયા પાનાચંદભાઈ પાપડવાળાના પૈસા, તારાજ થયું હિંગના શહેનશાહનું કલાના કદરદાન બનવાનું સુવર્ણ-સ્વપ્ન. બન્ને જણાં શાંતિથી ઊભાં ઊભાં આ મરશિયા અને છાજિયાંને જોઈ-સુણી રહ્યાં છે. આખરે શ્રીમાન હિંગવાળાનાં ધર્મપત્ની અને કલાકારનાં માતુશ્રી સંતોકબાઈ શૈલબાળા તરફ ફરીને બોલે છે : ‘આણે કાળમુખીએ જ મારા છોકરાને ફસાવી દીધો.’ નાટકની અહીં પરાકાષ્ઠા આવે છે. અત્યાર સુધી ખામોશ ખાઈ રહેલો કલાકાર કૂદી પડે છે. આજ સુધી સંગીતમાં ઊતરેલી એની પ્રતિભા એ ક્ષણે રોષ અને ધિક્કારમાં રેડાય છે. એ સંભળાવે છે : ‘તમે સૌએ તમારા મેલા પંજા મારી પ્રેરણા પર પટક્યા છે. તમે એ પ્રેરણાને ચીરી ફાડીને તપાસી છે, એને તમારા ત્રાજવામાં તોળવા નાખી છે. તમે એને બજારુ માલ લેખે વેચવા નીકળ્યાં. મારી વીણાને તમે દુનિયાની વેશ્યા બનાવવા નીકળ્યાં. આ મારી વીણાને — આ લો! આ લો! આ લો!’ એમ કહીને પોતાનું રૂપિયા ત્રણ હજારનું વાયોલીન હવામાં ઘુમાવીને એ પાનાચંદભાઈ પાપડવાળાના માથા પર પછાડે છે! ત્રીજા અંકમાં આ ગૃહત્યાગી ને સમાજત્યાગી યુવાન ત્રણ વર્ષની અવધ બાદ એક જીવલેણ દર્દથી પીડાતો એક સ્થાનમાં એકાકી પડ્યો છે. શૈલબાળા ત્યાં આવે છે ને એને શોધી કાઢે છે. મૃત્યુ સાથે સમરાંગણ ખેલતો એ અધૂરા શ્વાસે તૂટક તૂટક ઉદ્ગારો કાઢે છે : ‘શૈલબાળા, આ મૃત્યુમંદિરમાં કલ્પાંતની અશુચિ આણશો મા. સ્ત્રીના પ્રેમબંધોમાં પ્રેરણા જીવી શકતી નથી. નારી નરને ખાતર સર્વસ્વ આપી શકે છે — નથી આપી શકતી એક જ વસ્તુ : છુટકારો : પરિત્યાગ. ને કળાનો પ્રાણ એ બંધનની રસ્સીમાં ટૂંપાય છે. કલ્પાંત, ધિક્કાર અને રોષના મોરચા ભેદીને હું બહાર આવી પહોંચ્યો છું. આજે તો હું પ્રકૃતિના ખોળામાં શાંત પડીને સૂતો છું. આકાશના કોટાનકોટિ તેજરાશિઓ કનેથી અને અરણ્યોના અગણિત તરુવરો પાસેથી હું સત્ય શીખ્યો છું કે ‘પ્રતિભા’ નામે પિછાનાતી વસ્તુ તો જીવનના હાર્દમાંથી અવિરત પ્રવાહે ઉદ્ભવી રહી છે. ‘મેં તો ભયને — અને ભય સાથે પ્યારને પણ — ફેંકી દીધો છે. કોણ છો તમે? કોણ છું હું? મેઘબિંદુમાં ઝલકતા તેજના ટીપા જેવડો મારો આત્મા આજે તો અનંતતાની સાથે એકાકાર છે. જીવનના સરવાળા લેખે હું મારી હસ્તપ્રતમાં એક, ફક્ત એક જ સ્વર-રચના મૂકી જાઉં છું — ને બીજી સોંપી જાઉં છું મારી શ્રદ્ધા : એ જ વિજય છે. એ વિજયની શોધ માટે જ હું સંસારથી નાસી ગયો ને પ્યારને ચગદી ચાલ્યો ગયો.’ સંગીતાચાર્ય આવે છે. પિતા ને માતા આવે છે. મા એના બિછાના પાસે ધ્રુસકા ભરે છે. તેમને સર્વને મરતો જુવાન કહે છે કે શ્રદ્ધાના આ નાનકડા ફૂલરોપને જળ સિંચજો. બધાં પ્રાર્થના કરવા જાય છે. શૈલબાળા પોતાના ઇસરાજમાંથી કારમી વેદનાના સ્વરો ખેંચે છે, લાંબી શાંતિ પછી મરતો સંગીતકાર પોતાની વીણા સાથે વાતો કરે છે. ઓરડામાં અજવાળું છવાય છે, ને એ શેષ શબ્દો ઉચ્ચારે છે : ‘રાહ જોજે, સબૂરી ધરજે, માનવીની હૃદયક્યારીઓમાં તારા વિજયનાં બીજ રોપાઈ ગયાં છે, મારી વીણા!’ મહિનાને અંતે જ્યારે આ કૃતિ રચી લઈને અજિત કાવ્યજગતની અટારી પર ચડી ચૂક્યો ત્યારે એને જ્ઞાન થયું કે ખોરાક પચાવવાની તમામ શક્તિ એના જઠરમાંથી વિદાય થઈ ચૂકી હતી. છતાં દિવસ ને રાત જાગીને એણે નકલ કરી. પ્રભાને એક નકલ મોકલીને લખ્યું : ‘આ વખતે તો આ તરવાર સજીને, એને મારા પ્રાણનું પાણી પાઈને એવી તાતી બનાવી છે કે દુનિયાનાં ભીંગડે ભીંગડાં જ ઉખેડી નાખીશ.’ બીજી બાજુથી ભીંગડાં ઉખેડવા શી રીતે તે સમસ્યા બની. કોણ ભજવે? ઓચિંતાનું એણે છાપું વાંચ્યું, કે લોકપ્રિય અભિનેત્રી, લોકોની ભવિષ્યની લાડીલી સિનેમા સ્ટાર મિસ મૃણાલિનીને માટે ધુમધડાકા ચિત્રપટ કંપનીના માલિક ગોબરભાઈ એક નવી ‘સ્ટોરી’ની શોધમાં છે. હોંશે હોંશે અજિતે આ વાર્તાની પ્રત મિસ મૃણાલિની પર મોકલી. એની પહોંચનો પત્ર મહેક મહેક થતા સુગંધી નોટપેપર અને કવરમાં આવ્યો : “તમારું નાટક મળ્યું છે, હું વાંચી જવા માગું છું.” પ્રભાને એણે લખ્યું, ‘થોડા જ વખતમાં મને પૈસા મળશે આ લોકો જો નાટક સ્વીકારશે તો એડવાન્સમાં થોડી રકમ આપશે. એટલે વગર વિલંબે હું તને અહીં તેડાવી લઈશ. ધીરજ રાખજે. દુઃખોને પી જજે, અકળાઈ ન જતી.’ જવાબમાં પ્રભાનો જે પત્ર આવ્યો તેણે અજિતને ભાવનાજગતની અટારી પરથી નીચે પછાડ્યો — “તમને મેં મારાં દુઃખોની ક્યારે ફરિયાદ લખી છે? પંદર વાર મેં કાગળો લખી લખીને ફાડી નાખ્યા, કેમકે તમારા કામમાં વિક્ષેપ થાય એ બીક હતી. હવે તો હું ટક્કર લઈ શકું તેમ નથી રહ્યું. અહીં ભરવસતીવાળી ચાલીમાં હું એકલવાયી પડી છું. આસપાસ એક પણ માનવી મને સમજનારું નથી. બાબો હજુ બેસવાય શીખ્યો નથી. હું પણ ધરાઈને ધાન ખાતી નથી. કારણ કે મારા ખોરાકની ખરાબ અસર બાબાની તબિયત પર થાય છે. તમારું નાટક તો કમાલ છે. પણ મને તો એમાંથીયે આપદા જ મળી છે. હું માનું છું કે એમાં તમે તમારા જ અંતરની ઊંડી વાતો ઠાલવી છે. સાચેસાચ શું તમને પ્રેમનાં બંધનો સતાવે છે? હું શું તમને ચુડેલની જેમ વળગી હોઉં એવું લાગે છે? હું શું તમને ગળે ટાંગેલા ઘંટીના પડ જેવી થઈ પડી છું? નારી નરને માટે બધું કરી શકે છે, નથી કરી શકતી ફક્ત એનો છુટકારો એવું વાક્ય લખતાં તમે ધ્રૂજી કેમ ન ઊઠ્યા? હું તમને એવી શી વળગી પડી છું? ઘણોય વિચાર કર્યો કે બાળકને લઈને હું તમારા માર્ગમાંથી વેગળી થઈ જાઉં : પછી સુખેથી તમે મારા શબ માથે થઈને તમારાં સ્વપ્નો, તમારી કલ્પનાઓ ને તમારી ભાવનાઓની શોધમાં સિધાવો. પણ છેવટે મારે હાર કબૂલવી પડી છે; મારાથી જીવતર છોડી શકાશે નહિ. જીવવું મને ગમે છે. મને જાણે એવું જ લાગ્યા કરે છે કે હું સિત્તેર વર્ષની ડોશી થઈશ તોયે જીવવાનો મોહ નહિ છોડી શકું. જાણે હું કદી ઘરડી બની જ નહિ શકું. મારાથી તમારો પ્રેમ નહિ ત્યાગી શકાય. કોક દિવસ એવો શું નહિ આવે કે જ્યારે તમારી હું સ્ત્રી હોઈશ તોયે તમે તમારાં સ્વપ્નાં સિદ્ધ કરી શકશો?’ દરરોજની ટપાલ અજિતને માટે આવા કાગળો લાવતી હતી. એક કાગળમાં લખ્યું હતું : “મેં હમણાં એક વાર્તા વાંચી. વાર્તાનો નાયક એક સુંદર અને સ્નેહાળ સ્ત્રી પરણ્યો છે, પણ સ્ત્રી પતિની લખેલી કૃતિઓની કદર કરી શકતી નથી. પણ વહાલા! હું એવી નથી હો, હું તો તમને ચાહવા ઉપરાંત તમારી ચોપડીઓની પણ ખૂબીઓ સમજવાની છું. હું થોડોક અભ્યાસ કરી લઉં ને, તો પછી બહુ મઝા આવશે. “બાબો હવે ‘આહ-બુ’ બોલતો થયો છે. એને બે દાંત ફૂટ્યા છે. અત્યાર સુધી મને કરડી ખાતો તે અધૂરું હતું એટલે હવે પૂરું થશે! “હું તમને આવા ખૂબીદાર કાગળો લખું છું ને તમે કેમ સૂકા ફિક્કા જ લખો છો? હું કેટલા બધા લાંબા કાગળો લખું છું! મને કાંઈ તમારી માફક મારી લાગણીઓને ઠાલવવા ચોપડીઓ લખવાની થોડી જ મળે છે! વળી બાબો રાતમાં એટલી બધી વાર જગાડ્યા કરે છે કે તમને કાગળ લખવાનો સમય પણ ઘણો મળે છે.” થાકીને લોથપોથ પડેલા અજિતને આવા કાગળોનું વાંચન ઊંડી ઊંડી એકલતાની ખાઈમાં ઉતારી દેતું. એ એકલવાસમાંથી ઊઠતી તલસાટની લાગણીઓ ત્યાંના સાગરતટે હવા ખાવા આવનારાં સુખિયાં લોકોનો સામટો કુટુંબમેળો નિહાળી નિહાળી વધુ તીવ્ર બનતી, મછવામાં બેસીને ચંદ્રને અજવાળે સમુદ્રના નીર પર ગાન ગાતી ને સાજ બજાવતી આ સ્ત્રીઓ પોતાના પતિઓના સાથમાં હતી. તેઓ એ જ ગીતો ગાતી જે પ્રભાનાં પણ માનીતાં હતાં. સંગીતની ઉપાસનાને જ પોતાના લગ્નનું ધ્યેય બનાવનારી પ્રભા આજે રાજનગરની એક હવા વગરની ચાલીના કેદખાનામાં બફાતી હશે. એનું દિલરુબા કોણ જાણે ક્યાંય પડ્યું હશે. વેદનાના આ વલોપાત વચ્ચે અજિતે મિસ મૃણાલિનીને બીજો કાગળ લખ્યો — ને આખરે તેનો જવાબ પણ જડ્યો : ‘તમારું નાટક હું વાંચી ગઈ છું. મને એમાં ઘણો રસ પડ્યો છે. મારા મેનેજર-પ્રોપ્રાયટરને મેં એ વાંચવા દીધું છે. તમને તુરતમાં જ જવાબ લખશે.’ આ ખબર પણ પ્રભાને લખતાં અજિતે વધાઈ ખાધી, કે ‘હવે તો આપણું દળદર ફીટવાનું હાથવેંતમાં જ છે’. ઘણાં અઠવાડિયાં બાદ મૃણાલિનીનો ખુશબોદાર કાગળ ફરીથી આવ્યો : ‘તમારા નાટક પર ખૂબ વિચાર કરી જોયો છે. એ હાથ ધરવાની મારી ઇચ્છા થાય છે, પણ એમાં કેટલાક ફેરફારો ને સુધારાવધારા કરવાની જરૂર છે. તમે હમણાં મુંબઈ તરફ આવવાના હો, તો મળી જશો; આપણે વાતો કરી લઈએ. કાગળોથી એકબીજાને સમજાવવું મુશ્કેલ છે. જોજો, હમણાં તુરતમાં જ આવવાના હો તો મળજો. કેમકે આ કામ શરૂ કરવાનું જ હોય તો જલદી કરવું જોઈએ. કેમકે બીજી પણ ઘણી ‘સ્ટોરી’ આવી પડી છે.’ આનો અર્થ સ્પષ્ટ હતો, કે અજિતે મુંબઈ જવું હોય તો પોતાના જ ખર્ચે જવાનું છે : મિસ મૃણાલિની અને એના મેનેજર આ નાટક લેવા ય ઇંતેજાર છે, તેમાં ફેરફારો કરવા માગે છે, નથી માગતાં ફક્ત વાર્તાલેખકને મુંબઈ તેડાવવાનું જાતવળતનું રૂ. 25 ગાડીભાડું ખર્ચવા!