સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/નેસડાનું જીવન

Revision as of 05:51, 6 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નેસડાનું જીવન|}} {{Poem2Open}} ‘અતિથિ! અતિથિ!’ ઝંખ્યા કરનારા અને અત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નેસડાનું જીવન

‘અતિથિ! અતિથિ!’ ઝંખ્યા કરનારા અને અતિથિ વિદાય લ્યે ત્યારે અંતરેથી રુદન કરનારા એવા રબારી ભાઈઓ મધરાતના મહેમાનોથી તો મોટા ઉત્સવ જેવો આનંદ માને. અમે જ્યારે એમને અમારા રાવલ નદી માયલા સાહસની વાતો કરી, ત્યારે તેઓના મ્હોંમાંથી એક જ વાક્ય નીકળ્યું કે તમે નવે અવતાર આવ્યા છો! અમને કહેવામાં આવ્યું કે જે માર્ગે અમે ચાલ્યા આવ્યા ત્યાં ઝુંડે ઝુંડે સાવજ-દીપડાના વસવાટ છે. મને થયું કે આ કોઈ રીતે ખોટનો વેપાર નથી થયો. બચ્યા તો છીએ અકસ્માત-દૈવેચ્છાએ, પણ બડાઈ તો મારવા થશે કે સિંહોની વચ્ચે રઝળી આવ્યા છીએ! નેસડાં એટલે જંગલી લાકડાં ખોડીને કાંટા, પાંદડાં ને ડાળીઓ વડે છજેલાં છાપરાં. એક રસોડું ને બીજું શયનગૃહ. બધાં યે બારણાં વિનાનાં, પવનને ઝપાટે બલૂન બની જાય તેવાં એ ઘર. પોતાને રહેવાની જગ્યા એટલી બધી જાહલ, પણ પોતાનાં પ્યારાં પશુઓની આસપાસ તો અત્યંત મજબૂત ઝોકનો બંદોબસ્ત : સાવજ છલંગ મારીને અંદર ન પડે એવી ઊંચી ઊંચી કાંટાની વાડ્યો : બાકી તો કદાપિ જો સિંહ અંદર દાખલ થઈ જાય, તો તો આખે આખી ગાય અથવા મોટી પાડીને પણ જડબાંમાં ઉપાડી એ શિકારના શરીર વતી પોતાના માર્ગમાં આવનારી દીવાલ જમીનદોસ્ત કરતો ચાહે તેવી જોરાવર વાડ્ય સોંસરવો એ નીકળી જ જાય! અથવા તો સાવજ વાડ્યના ઓથે બહાર ઊભો રહી એવી તો કારમી ‘વાણ્ય’ નાખે — એટલે કે નસકોરામાંથી એવો તો ફૂંફાડો બોલાવે, કે ભયભીત પશુઓ ભાન ભૂલી વાડ્ય ભાંગી બહાર નીકળે, એટલે સાવજભાઈ નિરાંતે વાળુ જમે! આવી જંગલ-જીવનની કૈં કૈં ચાવીઓની વાતો સાંભળતાં સાંભળતાં અમે એ રૂડા મોંવાળી રબારણ બહેનના હાથના ઊના ઊના રોટલા ને દૂધનું વાળુ કર્યું. નેસડાની ચોખ્ખાઈ વિશે સાંભળેલી વાતો નજરે દીઠી. એ લીંપણ, એ છાજણ, છાશની ગોળી, બધાં વાસણ અને રોટલા : તમામની સુઘડતાએ મને આપણાં સંસ્કારી ઘરોમાં ચાકરની વાટ જોતાં એઠાં વાસણો, ચાના સરંજામ, સ્ટવમાંથી ઊડેલા ગ્યાસલેટ વડે છંટાયેલી જમીન વગેરેનું સ્મરણ દેવરાવ્યું. બાકી તો ગામડાંની ચોખ્ખાઈ પણ આજે માત્ર કવિતામાં અને આવા નેસડામાં જ રહી છે. પણ એ નેસડામાં બળતાં હરીકેન ફાનસની ઝગારા મારતી ચોખ્ખાઈ કેમ ભૂલી શકાય? ફાનસના શોધનાર પુરુષને પણ વારંવાર ધન્યવાદ દીધો. વાવાઝોડાંનાં ઝપાટા વચ્ચે હિંસક પ્રાણીઓનાં જડબાંમાં રહેનાર આ નેસવાસીઓને હરીકેન ફાનસ તો અણમૂલ આશીર્વાદ સમ થઈ પડેલ છે.