ઋતુગીતો/પ્રાસ્તાવિક દોહા

Revision as of 12:38, 6 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રાસ્તાવિક દોહા|}} {{Poem2Open}} ખડ ખૂટ્યાં ગોરલ વસૂક્યાં, વાલાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રાસ્તાવિક દોહા

ખડ ખૂટ્યાં ગોરલ વસૂક્યાં, વાલાં ગિયાં વદેશ, અવસર ચૂક્યા મેહુલા! વરસ્યે કાંઉ કરેશ?

[મોડા મોડા આવેલા વરસાદને નેસડાની વિજોગણ ચારણી કહે છે : હે અવસર ચૂકેલા મેહુલા! હવે નિરર્થક શું વરસી રહ્યો છે? ઘાસચારા ખૂટી ગયા, મારી ગાયો વસૂકી ગઈ, ને મારો વહાલો પ્રિયજન (મારો પતિ) પશુઓને લઈને ક્યારનો યે વિદેશે ચાલ્યો ગયો.]

શિયાળે ટાઢ્યું, સોપટે, હાલે હેમાળા, વસતા ઘર વસિયો નહિ કે દી કુચાળા!

[શિયાળામાં ઠંડી સૂસવે છે; હિમવાળા વાયરા ફૂંકે છે; છતાં હે કુચાળા! હે સ્વામી! તું તો એ ઋતુમાં ઘેર ન વસ્યો.]

ઉનાળે અગનિ ઝરે, કરવા પંથ કાળા, વસતા ઘર વસિયો નહિ, કે દી કુચાળા!

[ઉનાળામાં અગ્નિ ઝરે છે. પ્રવાસ કરવાનું વિષય થઈ પડે છે. એવી ઋતુમાં યે, હે સ્વામી! તું ઘેર ન રોકાયો.]

ચોમાસે ઠોંડી ચુવે પાણી પરનાળાં; વસતા ઘર વસિયો નહિ, કે દી કુચાળા.

[ચોમાસામાં પાઘડી ચૂવે (ટપકે) છે. પાણીની પ્રણાલીઓ ચાલે છે. છતાં હે સ્વામી! તું ઘેર ન રોકાયો.]

ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાવા ખડિયા.

[એક સખી પૂછે છે : આવી ચોમાસાની ભીની થઈ ગયેલી ભૂમિ છે. આવા સુંદર ઘોડા છે. એના ડાબલા આવી છટાથી ઊપડે છે. આવી ઋતુમાં અસવાર ક્યાં જતો હશે? બીજી સખી જવાબ આપે છે : “કાં તો પોતાની મૃગનયની પ્રિયતમાનો સમાગમ કરવા અથવા રણક્ષેત્રમાં ખડગ ચલાવવા. ત્રીજે કોઈ સામાન્ય કામે આવી ઋતુમાં બહાર ન નીકળે.”]

આભાં ગડે વીજાં ઝબે, પવન ઉડાડે ખેહ, જગ બાધું જિવાડવા મેહપત આયો મેહ.

[આકાશ ગડગડાટ કરે છે. વીજળી ઝબૂકે છે, પવન ધૂળ ઉડાડે છે. જગત બધાને જિવાડવા માટે મહીપતિ મેઘ આવ્યો છે.]

આભાં ગડે વીજાં ઝબે, મોરાં ધરે મલાર, ધરા–અંબરને ધરપવા, આયો મેહ ઉદાર.

[આકાશ ગાજે છે. વીજળી ઝબૂકે છે. મોરલા મલાર રાગ ગાય છે. ધરતી અને આકાશને તૃપ્ત કરવા ઉદાર મેઘ આવ્યો છે.]

નદિયું નિસાસા મોકલે, નહિ મથાળે મેં, વરસને કાળા મે! ગીર હાલી ગામાતરે.

[નદીઓ નિ:શ્વાસ નાખે છે. કેમકે ઉપરવાસના પ્રદેશમાં વરસાદ નથી. સંદેશો કહાવે છે કે હે કાળા મેહ, હવે તો વરસ! આ આખી ગીરનાં પશુધારીઓ ઘાસને અભાવે પશુ હાંકીને દેશાવર જવા હાલી નીકળે છે.]

રાત અંધારી મેહ ઝડ, શેરી સાંકડિયાં, હાથવછૂટી સાયબા! ખવજો વીજળિયાં.

[રાત્રિ અંધારી છે. મેહની ઝડીઓ વરસે છે. ને આ શેરી સાંકડી છે. અને હે પતિ! તમારા હાથમાંથી હું છૂટી પડી ગઈ છું, તો મને વીજળીને ઝબકારે ગોતી કાઢજો!]

વીજળી! તું વેરણ થઈ, મેહુલા! તું ય ન લાજ, મારો ઠાકર ઘર નહિ, મધરો મધરો ગાજ!

[હે વીજળી! તું મારી વૈરિણી બની છે. મેહુલા! તને પણ શરમ નથી. તું આજે ધીરે ધીરે ગાજ. કેમકે મારો પતિ ઘેર નથી. તારી ગર્જના થકી મારી વિપ્રલંભ વેદના વધે છે.]

સોણો લધો સૂમરા! સે ખધેમેં ખાસો, મીં વઠા મલીરમેં (બેલી) તડતડ તમાસો; જ્યાં ફેર્યાં પાસો (ત) જુસો જંજીરન મેં.

[એક કચ્છી રબારીની મુમલ નામની પુત્રીને સિંધના કો’ માલધારી સુમરાની સાથે પ્રીતિ બંધાયેલી હતી. દેશમાં દુષ્કાળ પડવાથી સુમરો ઢોર લઈને માળવા તરફ ઊતરી ગયો હતો. એ વિજોગ વેળાની એક રાત્રિએ ઝબકીને મુમલ કહે છે કે “હે સુમરા! કામળો ઓઢીને સૂતી હતી તેમાં મને સુંદર સ્વપ્નું લાધ્યું, કે જાણે મારા મલીર પર મેહ વરસે છે, ને ભેખડે ભેખડે લીલાવરણું સૌંદર્ય છવાઈ ગયું છે, (એટલે કે જાણે હવે મારો સુમરો ઘેરે આવતો હશે). પણ જ્યાં પાસું ફેરવ્યું, ત્યાં તો (જાગી ગઈ અને) શરીર સંસારની જંજીરોમાં જકડાયેલું જોયું.]

આષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘમઘોર, તેજી બાંધ્યા તરુવરે, મધુરા બોલે મોર.

મધુરા બોલે મોર તે મીઠા, ઘણમૂલાં સાજણ સપનામાં દીઠાં.

કે’ તમાચી સૂમરો, રીસાણી ઢેલ ને મનાવે મોર આષાઢ વરસે એલીએ ગાજવીજ ઘમઘોર.

[આષાઢ માસ સતત અણથંભ્યો વરસે છે. ગાજવીજ થાય છે. ઘનઘોર છવાયું છે. મોરલા ધીરા ધીરા બોલે છે. અને એવી રાત્રિએ મેં મહામૂલાં પ્રિયજનને સ્વપ્નમાં દીઠાં. તમાચી સૂમરો નામે કવિ કહે છે કે મોરલો પોતાની રિસાયેલી ઢેલને મનાવે છે. આષાઢ વણથંભ્યો વરસે છે.]

મોર મારે મદઈ થિયો, વહરાં કાઢે વેણ. જેની ગહકે ગરવો ગાજે, સૂતાં જગાડે સેણ;

સૂતાં જગાડે સેણ તે મોરલો ઊડી ગિયો, વા’લાં સાજણનો સંદેશો અધવચ રિયો;

પાંખું પીળી પોપટની ને કોયલ રાતે નેણ; મોર મારે મદઈ થિયો ને વહરાં કાઢે વેણ.

[મોર મારો દુશ્મન બન્યો છે. કેમકે આ વર્ષાની ઋતુમાં એ વસમા ટૌકા કરે છે. જૂના ગેહકાટ થકી ગિરનાર ગાજે છે, અને મારા અંતઃકરણમાં પોઢી ગયેલાં (વીસરાયેલાં) સ્વજનોને ટહુકાર દ્વારા જાગ્રત કરે છે. એ સૂતેલાં સ્વજનોને સ્મૃતિમાં જગાડીને મોરલો તો ઊડી ગયો, પણ મારા વહાલા સ્વજનને સંદેશો મોકલવો હતો તે તો અર્ધમાર્ગે જ રહી ગયો.]