બીડેલાં દ્વાર/5. મિસ મૃણાલિની

Revision as of 12:43, 9 May 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
5. મિસ મૃણાલિની


અજિતે આ ગુલાબી આશા આપતી હકીકત પોતાના એક સ્નેહીને જણાવીને, ફક્ત પાંચ જ દિવસને માટે રૂ. 25 ઉછીના માગ્યા. ટ્રેનમાં બેઠો. આખું પાટિયું ઊંઘવા માટે મળ્યા છતાં રાતભર એ ઊંઘી શક્યો નહિ. ક્ષણેક્ષણ રેલવેના પાટા જાણે એક જ બોલ ઉચ્ચારતા હતા : ‘મૃણાલિની! મૃણાલિની!’

નગરમાં આવીને મિસ મૃણાલિની પર મુલાકાત માગતો કાગળ લખ્યો. ઠરાવેલે દિવસે ને કલાકે મલબાર હિલના એક મકાનને શિખરમજલે આવેલા આવાસમાં એણે પ્રવેશ કર્યો. ફૂલો ભરેલા કિનખાબની ખોળોવાળા સોફા ને ખુરશીઓ ગોઠવેલાં હતાં; ખૂણામાં પિયાનો પડેલો. બે કબાટો પડેલાં તેમાં અજિતે મોપાસાં, મેરી કોરેલી અને ગાલ્સવર્ધી વગેરેનાં સોનેરી પૂંઠાવાળાં પુસ્તકો જોયાં. એને કહેવામાં આવ્યું, ‘બેસો, બાઈસાહેબ આવે છે’. પોણોએક કલાક એ બેસી રહ્યો હશે તે પછી મિસ મૃણાલિનીનાં દર્શન થયાં. એ તાજા જ સુગંધિત સ્નાનમાંથી નીકળીને આવી હોવાનો ભાસ થયો. એના મોં પર ગલ પડતા હતા. અજિત ઊભો થઈ ગયો. એણે નમન કર્યા. જવાબમાં જરાક જ માથું હલાવીને નટીએ કહ્યું : “બેસો.” અજિત એક સોફા પર બેઠો — પણ બરાબર કિનારી પર તોછડો જ બેઠો. ચકિત થયેલી મનોદશામાં એ સરખી રીતે બેસવાનું ભાન પણ હારી ગયો. મૃણાલિની સૌથી મોટા ફૂલભર્યા રેશમી સોફા પર શરીર ઢાળી દઈને બેઠી ને એણે વાત શરૂ કરી : “તમારા નાટકમાં મને ઘણો રસ પડ્યો છે. મેં તો એ વાંચીને તમને કોઈ પ્રતિભાશાળી પ્રૌઢ માણસ કલ્પેલા. તમે તો સાવ છોકરડા છો.” અજિતને સમજાયું કે ‘છોકરડા છો’નો ભાવ ‘પ્રતિભાહીન છો’ એવો હોવો જોઈએ. એ કાંઈ જવાબ આપે તે પહેલાં જ નટીએ ચલાવ્યું : “મુશ્કેલી એક જ છે : નાટકને ‘પ્રૅક્ટિકલ’ બનાવવું હોય તો એમાં ઘણા ફેરફારો કરવા પડશે.” “કયા પ્રસંગમાં?” “ખાસ કરીને તો પ્રેમપ્રસંગમાં. એમાં તો તમે છેક જ છબરડો વાળ્યો છે.” “કઈ રીતે?” “એ રીતે કે તમે તમારા ‘હીરો’ને વિચિત્ર રીતે જ વર્તન કરતો બતાવ્યો છે. દરેક જણને એમ જ લાગે છે કે, હીરો હીરોઇનના પ્રેમમાં છે, તમે પણ એ જ સમજણથી લખ્યું છે ને? તો પછી એ શા માટે હીરોઇનને છોડી ચાલ્યો જાય છે? શા માટે મિલાપ કરવાની પણ ના પાડે છે? આથી તો પબ્લિક નિરાશ જ થાય. એવું વર્તન દરેક રીતે અશક્ય જ છે. તમારે એમને છેલ્લા અંકમાં તો પરણાવવાં જ પડશે.” અજિતનો શ્વાસ તો ઊંડો જ ઊતરી ગયો. “જુઓ જાણે કે —” મિસ મૃણાલિનીએ આગળ ચલાવ્યું : “શૈલબાળાનો રોલ તો મારે જ કરવાનો છે; આ સ્ટોરીની ‘સ્ટાર’ મારે જ થવાનું છે. દેખીતું જ છે કે હું એ રીતે તરછોડાવાની સ્થિતિ કદી જ ન સ્વીકારું. એ રીતે અધ્ધર જ લટકી પડું તો તો હું ‘હીરો’ને હાથે માર ખાઈ જાઉં ને? અમુક પ્રકારનો ‘લવ-સીન’ તો મારે માટે હોવો જ જોઈએ.” “પણ-પણ-તો તો,” અજિત એકદમ બોલી ઊઠ્યો : “તો તો તમે મારી ‘સ્ટોરી’નો જે મૂળ વિષય છે તેને જ બદલી નાખવાની વાત કરો છો.” “એટલે?” “એટલે એમ કે આમાં નવીન પ્રકારનો પ્રેમ છે — નવીન જ પ્રકારનો.” “પણ પ્રેમનો એવો પ્રકાર લોકો ન સમજી શકે ને?” “પણ — પણ મિસ મૃણાલિની, પ્રેમના એવા પ્રકારની લોકોને સમજ આપવા ખાતર તો મેં આ લખેલ છે.” “પણ સ્ક્રીન ઉપર એ તમે નહિ કરી શકો. લોકો એ પિક્ચર જોવા જ નહિ આવવાના.” એમ કહીને એણે પિક્ચર-બિઝનેસની સફળતાની ખૂબીઓ પર વિવરણ કરવા માંડ્યું. અજિત તો થીજી ગયો. છતાં છેવટે એણે કહ્યું : “તમે જે કહો છો તે મારાથી નહિ થઈ શકે, મિસ મૃણાલિની.” “નહિ થઈ શકે?” મૃણાલિનીએ ચકિત થઈને પૂછ્યું. “કેમકે મારા વિચારો સાથે એ બંધ બેસી જ ન શકે.” “પણ તમારું નાટક તમારે ભજવવું જ નથી શું?” “ભજવવું જ છે. એટલે તો કહું છું કે તમે કહો છો તે કરું તો એ મારું નાટક જ નહિ રહે. એ કોઈક બીજાનું નાટક બની જાય.” અભિનેત્રીએ દલીલો ચલાવી : “વિચાર તો કરો, તમને આ કેવો ‘ચાન્સ’ મળે છે! આવો ચાન્સ જીવનભરમાં માંડ એકવાર જડે છે. મારા જેવી ઍક્ટ્રેસ તમને આ કીર્તિ અપાવવા તૈયાર થઈ છે. ગોબરભાઈ જેવા પ્રોડ્યૂસર, ને ધૂમધડાકા જેવી લોકપ્રિય કંપની : તમને કીર્તિ અને નાણાં મોંમાંગ્યા મળે છે.” જવાબમાં અજિતે ફક્ત માથાનો દસશેરો જ હલાવ્યો : “હું ‘પ્રતિભાના સોદા’ને પ્રણયકથા કેમ કરીને બનાવું?” બેઉના મોં પર થોડીવાર ચૂપકીદી રહી. પછી અજિતે પૂછ્યું : “ત્યારે તો લાગે છે કે તમારે આ નાટકનો ખપ નથી.” “મને કાંઈ સૂઝ પડતી નથી. જોઉં, મારા પ્રોપ્રાયટરને પૂછી જોઉં. મને તો આવી સ્થિતિ ઊભી થવાનો ખ્યાલ પણ નહોતો.” અજિત ગયો ને પછી વળતા દિવસે પ્રોપ્રાયટર ગોબરબાઈનો પત્ર મળ્યો : “જલદી મળી જાઓ.” મહાન પ્રોડ્યૂસર ગોબરભાઈ તોતિંગ શરીરના ને કરડા વર્તાવવાળા, ‘સ્ટીમરોલર’ સરીખા ધંધાદારી હતા. એણે પૂછ્યું : “મિસ મૃણાલિની તો મને કહે છે કે તમે તમારા નાટક બાબત બાંધછોડ કરવા માગતા જ નથી.’ “સાચી વાત.” “તમે જુવાન આદમી છો; જરા ‘પ્રૅક્ટિકલ’ બનીને વિચાર તો કરો! મિસ મૃણાલિનીને મેં જ એને ગમતો ‘રોલ’ કરવાની રજા આપી છે. એ ‘રોલ’ તો એની ઇચ્છા મુજબ જ હોવો જોઈએ. નગરના જાણીતા ‘સ્ટોરી’ લખનારાઓ તો મિસ મૃણાલિની આજ્ઞા કરે તે મુજબ ‘સ્ટોરી’ લખી દેવા તૈયાર હતા. છતાં એની પસંદગી તમારા પર ઊતરી છે. મને પોતાને તો ‘નાટક’ પસંદ જ નથી. હું તો ‘સ્ટોરી’માં જ માનું છું. આ તો મિસ મૃણાલિની હમણાં ઇબ્સનનું વાચન કરી રહેલ છે. એટલે એને ‘આઇડીઆ’નાં નાટકોની લ્હે લાગી છે. “આ આઇડીઆ-ફાઇડીઆમાં આપણને તો રસ નથી. મને તો એમાં ઇતબાર પણ નથી. હું તો એટલું જ સમજું કે બૉક્સ ઑફિસને ગરમ રાખી શકે તે જ સાચી ‘આઇડીઆ’. (શ્રી ગોબરભાઈ પુરુષ અભિનેતાઓ કરતાં અભિનેત્રીઓના વધુ પૂજક હોવાથી ‘આઇડીઆ’ને પણ નારી જાતિમાં જ મૂકતા.) “ખેર. આ તો મિસ મૃણાલિનીને મારે સવાલાખ રૂપિયા ખરચીને પણ એકવાર એની રીતે ફતેહ મેળવવા દેવાં છે. તો પછી તમારે પણ એ ઝળકી ઊઠે તે રીતનો તમારો હિસ્સોય આપવો જોઈએ ને! નહિ તો પછી પત્યું.” “હું દિલગીર છું, ગોબરભાઈ શેઠ!” અજિતે ડરતાં ડરતાં કહ્યું. “ના પાડવામાં તમારી ‘આઇડીઆ’ શી છે?” અજિતે પોતાની નેમ સમજાવી. “તમારું એકેય નાટક સ્ટેજ કે સ્ક્રીન પર મૂકેલું છે તમે?” ગોબરભાઈએ પૂછ્યું. “ના.” “બીજું કોઈ નાટક લખ્યું છે?” “ના.” “તમારો પહેલો જ અખતરો છે? વાહ વાહ! શું તમે એટલું બધું ધારીને બેઠા છો કે તમારો પહેલો નાટક પણ બસ સોએ સો ટકા સંપૂર્ણ બનવો જોઈએ!” “ના, એમ તો કેમ કહું?” “તો પછી આ ધંધા પાછળ અમે જિંદગીઓ કાઢી નાખનારાઓ, અમે હજારો ‘સ્ટોરીઓ’ અને “ડ્રામાઓ’ની સફળતા-નિષ્ફળતા જોઈ કરીને બેઠેલાઓ, તેની કાંઈક સલાહ તો માનો! અત્યારનો કાતિલ હરીફાઈનો જમાનો : એની વચ્ચે હું લાખ-સવાલાખ રૂપિયાનું પાણી કરવા તૈયાર થનાર પ્રોડ્યૂસર, તેનો શું તમારા નાટકનો ઘાટ નક્કી કરવામાં, બસ, કશો અવાજ જ નહિ? તમે જોઈ શકશો કે તમારી હા પડે એટલી જ વાર છે. બે મહિનામાં તો હું રિહર્સલ, શુટિંગ, એડિટિંગ વગેરે પતાવી નાખીને સ્ક્રીન પર મૂકી દઈશ. મિસ મૃણાલિનીના નામ પર જ આ પિક્ચર કમમાં કમ ચોવીસ અઠવાડિયાં ચાલશે. તે પછી સિંધ છે, પંજાબ છે, વળી ઇદનો તહેવાર ચાલ્યો આવે છે. એટલે જો તમે જરાક વ્યવહારુ બનશો તો પછી તમારો જિંદગીભરનો રઝળપાટ મટી જશે.” “ના, ના,” અજિતે પંજાબ, સિંધ અને ઇદની વાત સાંભળીને વધુ જોરથી નાકારો ભણ્યો. “પણ શા માટે નહિ?” “એ અશક્ય છે. હું એ નહિ કરી શકું. મને એ બધું કરતાં આવડશે જ નહિ.” એની આંખો સામે સિંધ, પંજાબ ને ઇદ ડોળા ફાડી રહ્યાં. “તમે સુધારી ન શકો તો હું બીજા કોઈ લેખકને તમારી મદદમાં મૂકું. મિ. ઉરાટી નામના મશહૂર સિનેમા-સ્ટોરી-રાઇટરને તો તમે જાણતા હશો. એણે બસો જેટલી —” “હું નથી ઓળખતો.” “મિ. ઉરાટીને નથી ઓળખતા? ‘રત્નનગરની રાજકુમારી’, ‘ચતુર ચીભડાચોર’, ‘માતેલો મછેંદર’ વગેરેના લેખક. એને તો અમે આજ સુધીમાં છાકમકોળ પૈસા આપ્યા છે. એ તમારા ડ્રામા પર બેસશે પછી તમારે આંગળી પણ હલાવવાની નહિ રહે.” ગોબરભાઈ અજિતનું જાણે કલેજું ડખોળી રહ્યા હતા. ગોબરભાઈ જ્યારે એનાં ગોળ ચશ્માંની આરપાર નજર ઠેરવીને વાત કરતા ત્યારે સામા માણસને પોતાના વિશે ગુનેગાર હોવાની લાગણી થતી. એને ના પાડવામાં પોતાની ધૃષ્ટતા લાગતી. લેખક પોતાને નાચિઝ માનવા મંડી પડતો. અજિતને ત્યાંથી ઊઠીને નાસી જવાનું મન થયું. ગોબરભાઈ ઊઠીને એક અપ્રસિદ્ધ લેખક સાથે કલાકો સુધી દલીલો કરે એ તો ન સહી શકાય તેવું માન હતું. ગોબરભાઈના મોં પર ગુસ્સો પણ ગૂંચળાં વાળતો હતો. અજિતને પોતાના આ વલણમાં કોઈ અકળ હઠીલાઈ લાગી. એણે નરમ બનીને કહ્યું : “આપ મને ક્ષમા કરજો. હું બેશક જિદ્દી બન્યો છું. તેમાં આપ જેવાની સામે મારી શોભા નથી; પણ મેં મારા ડ્રામાની અંદર વાર્તા નહિ, વિચારો ભર્યા છે. એ વિચારોને હું જતા ન કરી શકું.” “પણ તમે બીજા ડ્રામાઓ લખજો અને તેમાં વિચારો ભરજો ને! એકવાર જો તમે ‘ધૂમધડાકા પિક્ચર્સ’ મારફત ફત્તેહ મેળવશો તો તમારા વિચારો ઝીલવા પણ પબ્લિક દોડી આવશે.” આ દલીલે અજિતને લગભગ પિગળાવી નાખ્યો. પોતાના કોઈ જૂના લખાણને બદલવાની અહીં વાત હોત તો એ હિંમત કરી નાખત; પણ ‘પ્રતિભાના સોદા’ તો એનું તાજું જ સર્જન : હજુ જનેતાની છાતીએથી ન છોડાવેલું સંતાન : એને કસાઈના હાથમાં મૂકવાની હામ અજિત ન ભીડી શક્યો. અજિતે વિદાય લીધી. બે દિવસનું નવું સમરાંગણ એના અંતરમાં કાપાકાપી મચાવી રહ્યું : દુનિયાનો શયતાન શું આખરે શયતાન જ રહેશે? અરે પણ મારે ક્યાં દુનિયાની સલ્તનત જોઈએ છે? હું તો માગું છું ઓરત અને બાળકની રોટી. એટલી રોટી ખાતર જ મારે શા માટે શયતાનને તાબે થવું? પુનિત રહી શકાય એ જ શું પુણ્યનો પૂરતો બદલો નથી? ત્યાં તો ત્રીજા દિવસના પ્રભાતે ગોબરભાઈનો કાગળ મળ્યો : “મિસ મૃણાલિની તમારો ડ્રામા જેવો છે તેવો જ લેવા ઇચ્છે છે. કોન્ટ્રાક્ટના દસ્તાવેજની બે નકલો બીડી છે. એક પર સહી કરીને પાછી બીડશો, ને એક તમારી પાસે રાખજો.” અજિતે આ દસ્તાવેજ ત્રણ વાર વાંચ્યો. એને પ્રથમ તો ભરોસો જ ન બેઠો કે આ સત્ય છે. નીચે એણે ગોબરભાઈની ફાંકડી સહી નિહાળી. આવા અનુભવોથી ઊગતા લેખકનું હૈયું જ બંધ પડી જાય એ વાત એને સાચી લાગી. ગજબ કોઈ મહાભાગ્ય આવી પડ્યું. પિક્ચરનું ખર્ચ નીકળી રહ્યા પછીની તમામ આવક ઉપર લેખકને ‘રોયલ્ટી’ આપવાની એમાં કલમ હતી. કોન્ટ્રાક્ટના દસ્તાવેજોની દુનિયા એણે દીઠી નહોતી. એને તો આ ‘રોયલ્ટી’ની કલમ અદ્ભુત લાગી. એડવાન્સમાં કાંઈક મળ્યું હોત તો ઠીક થાત, પણ આવી ઉદાર શરત આપનારા પક્ષ ઉપર એડવાન્સ રકમનું દબાણ કરવું એ તો મીઠાં ઝાડનાં મૂળિયાં ખોદવા જેવી વાત લાગી. આનંદની છોળે લેવાયેલા અજિતે એકદમ પોતાની સહી કરીને દસ્તાવેજની નકલ ગોબરભાઈ પર બીડી દીધી. એટલું જ બસ નહોતું; એણે પ્રભાને તો આ મહાન વિજયના ખબર તારથી આપ્યા. આ વિજયનું પહેલું પરિણામ એ તારનું ખર્ચ : બીજું પરિણામ — પોતે બજારે જઈ અરધો ડઝન ઝભ્ભા અને એક રેશમી ટોપી ખરીદી ને ત્રીજું પરિણામ, રિહર્સલમાં હાજર થવા પોતે ‘બસ’માં જવાને બદલે ખાસ ટેક્સી કરીને ગયો. રિહર્સલે એને એક નવીન જ અનુભવ આપ્યો. એક અજાણી દુનિયામાં એણે પ્રવેશ કર્યો. પોતાની ઊર્મિઓ સદા સંતાડવા નાસનાર એ શરમાળ લેખકે અહીં તો પોતાની સમક્ષ દીઠાં ખુદ એ માનવીઓ, કે જેમને એ ઊર્મિઓને જગત પાસે જીવી દેખાડવાની હતી; જેમને તો આ ઊર્મિઓનું જ ખુદ જીવન હતું. ક્ષણમાં એ ઊર્મિઓ અનુભવવાની હતી, ક્ષણ પછી પાછી ઉતારી નાખીને અળગી કરવાની હતી. એ અભિનેતાઓ અને અભિનેત્રીઓ નાનાં બાળકો જેવાં અભિમાની અને આવેશીલાં હતાં. એમણે આવેગોને બનાવટી જ સમજવાના હતા. પણ મઝા તો એ હતી, કે એ પ્રત્યેકને પોતપોતાના પાઠમાં જ્યાં જ્યાં બોલવાનું હતું, તેટલા પૂરતો જ તેમને આ નાટકમાં રસ હતો. સમગ્ર નાટકના ઊર્મિસમુચ્ચયની તેમને ગતાગમ નહોતી, ખેવના પણ નહોતી. પોતાને ભાગે ફિક્કી, મોળી ઓછીવત્તી પંક્તિઓ આપનાર લેખક તેમને બડો જાલિમ જણાતો હતો. દરેક ઍક્ટર પોતાને બોલવાના ફકરા વિષે ફરિયાદ કરવા આવ્યો. તેમનું કહેવું હતું કે ભાઈસા’બ, પેલાને બોલવાનો પાઠ કેવો જોશીલો છે, ને મારા પાઠમાં કાં જોશ નથી મૂકતા? રિહર્સલ દરમ્યાન એક વાર જ્યારે અજિત એક પાત્રને બોલવાનો ભાગ ટૂંકાવવા યત્ન કરતો હતો, ત્યારે એ બોલનાર પાત્ર શ્રીમતી સંતોકબાઈ (શેઠ હિંગવાળાનાં પત્ની)નો પાઠ કરનારી ઍક્ટ્રેસ અજિતની ખુરશી પાછળ ઊભી ઊભી રડતી હતી! વધુમાં વધુ વિકટ પ્રશ્ન તો મિસ મૃણાલિનીના પાઠનો ઊભો થયો. મૃણાલિની જે શૈલબાળાનું — એટલે કે ‘પ્રેમિકા હિરોઇન’નું પાત્ર ભજવવાની હતી તે શૈલબાળાને લેખકે આટલી બધી ઉતારી કેમ પાડી છે? કળાકાર, જુવાન ‘હીરો’ એકેય વાર શૈલબાળાની પાછળ ન પડે, શૈલબાળા એને છોભીલો પાડતી ભાગી ન છૂટે, પેલો લટ્ટુ બનતો એની પછવાડે મનામણાં કરવા ન આવે, એ તે શું ‘રોમાન્સ’ કહેવાય? મૃણાલિનીની મોટી તકરાર તો આ હતી કે મારા જેવી સુંદરીના મોહપાશ પ્રત્યે ‘હીરો’ બેતમા બની જ કેમ શકે! એ કેટલું અકુદરતી આલેખન! અજિતને તેણે કેટલી વાર કહ્યું કે મારા પાઠમાં થોડી આકર્ષક ને ખૂબીદાર સ્પીચ તો મૂકો! પણ અજિતના આલેખનનો એ ઉદ્દેશ જ નહોતો, અજિત ના પાડતો. ના પાડતા અજિત પ્રત્યે મૃણાલિની છણકો કરી ઊઠતી કે ‘અબે લડકા, તૂ ભી તેરે હીરો કી તરહ બડા જિદ્દી હૈ!’ તોબાહ! પોતાને ‘લડકા’ કહેનાર મિસ મૃણાલિની પોતાના કરતાં બે જ વર્ષે મોટી છે એ અજિત જાણતો હતો. છતાંય આ ‘દાદીમા’ બની બેસનારીના બધા જ ધમપછાડા અજિતને ખમી ખાવા પડ્યા. પાછા ‘હીરો’નો પાઠ કરનાર ઍક્ટર રજૂ થયો ત્યારે તો મૃણાલિની તડફડ કરતી ઊભી થઈ ગઈ : “યે મેરા ‘હીરો! ક્યા બાત કરતે હો જી? યે તો બિલકુલ ખૂબસૂરત નહીં હૈ! જબ ડ્રામા મેં મુઝે ‘રીજેક્ટ’ હી હોનેકા હો, તો મૈં કહ દેતી હૂં કિ ઇસકે જૈસે બદસૂરત કે હાથોં સે મૈં હરગિઝ ‘રીજેક્ટ’ હોના નહીં ચાહતી. વો કભી નહીં હો સકેગા. મુઝકો ‘રીજેક્ટ’ કરનેવાલા તો થોડા કુછ ખૂબસૂરત હોના હી ચાહિયે; નહીં તો સારા મામલા હી બિલકુલ ‘અનનેચરલ’ બનેગા.” મિસ મૃણાલિનીની આ તકરાર સામે કોઈ બીજી વાત ટકી શકી નહિ. બીજા રૂપાળા આદમીને હીરો-પાઠ આપવામાં આવ્યો. એ હતો એક લખનવી ભૈયો : આખી કંપનીમાં સૌથી વધુ દેખાવડો : પણ એની સિકલને પસંદગીમાં પ્રાધાન્ય આપનાર મિસ મૃણાલિની ન જોઈ શકી એક જ બાબત : એનું ભેજું. એ ભેજા વગરનો ખૂબસૂરત ‘હીરો’ પોતાના અર્થભરપૂર પાત્રને સમજી તો નહિ શકે તો રજૂ કેમ જ કરી શકશે, આ વિચારે અજિત ધ્રૂજી ઊઠ્યો. સમગ્ર એક યંત્રમાળ સમું પોતે સરજાવેલું નાટક આ રીહર્સલોમાં અજિતે છૂટાછવાયા યંત્રોના ટુકડા સ્વરૂપે દીઠું. ટુકડા એને લોઢાના ને પિત્તળના ભાસ્યા. ટુકડા નિર્જીવ ને નિષ્પ્રાણ, ગતિહીન ને ધડા વગરના હતા. ધીરે ધીરે ટુકડા સંધાવા લાગ્યા. આખું માળખું ઊભું થયું ને એમાં સંચલન મૂકનાર ડાઇરેક્ટર મિ. દફણિયાને દેખીને તો અજિત હેરત પામી ગયો. શરાબ અને સુંદરીઓમાં નિચોવાઈ ગયેલ આ કાળો, કદરૂપ, કુટિલ જેવો ડાઇરેક્ટર રોજની સો-સો સિગારેટોના ધૂમ્રછાયાએ સ્ટુડીઓમાં, સંધિવાએ ખેડવી નાખેલા એક પગે એટલે કે કુલ પોણા-બે પગે પાનાચંદ પાપડવાળા, શ્રીમતી સંતોકબાઈ હીંગવાળા વગેરે પાત્રોને એના પાઠ શીખવતો શીખવતો આખા સ્ટેજ પર ઘૂમતો હતો ત્યારે એ ધરતી ફાડીને બહાર નીકળી પડેલા કોઈ સત્ત્વ સમો ભાસતો હતો. “એલી એઇ સંતોકબાઈ!” એમ નામ લઈ લઈને પાત્રોને તાડૂકી તાડૂકી એ પઢાવતો હતો : “હાથ પહોળા કરીને તારે બોલવાનું છે : “ઓહો દીકરા મારા! મેં તને નવ મહિના આટલા સારુ વેઠ્યો? મેં તને પથ્થર કેમ ન જણ્યો? એટલું કહીને પેટ ઉપર તારે હાથ પછાડવાના છે. માંદલીની માફક બોલવાનું નથી, સમજી સંતોકબાઈ!” એટલું કહીને એકદમ પાછો એ પાનાચંદ પાપડવાળાના પાત્ર તરફ દોડતો : “શેઠ પાપડવાળા, તારે એમ મુડદાના જેવા અવાજે નથી બોલવાનું. આમ બોલ કે : સત્યાનાશ જાજો તારી કળાનું : તેં મારા પંદર હજાર રૂપિયાનું પાણી કરાવ્યું. સત્યાના…આ…આ…આ શ. એમ સ્વરને ધ્રુજાવીને બોલ.” વગેરે વગેરે. મિ. દફણિયા ડાયરેક્શન નહોતા આપી શકતા એક મિસ મૃણાલિનીને. મૃણાલિની કદી જ કોઈનું ડાયરેક્શન લેતી નહિ; કેમકે એણે સાંભળ્યું હતું કે ગ્રેટા ગારબોને હોલીવૂડનો કોઈ પણ ડાઇરેક્ટર ‘ડાઇરેક્ટ’ કરી શકતો નહિ. ને મૃણાલિની પોતાને હિંદના હોલીવૂડની ગ્રેટા ગરબો જ માની બેઠી હતી. દિવસે દિવસે યંત્ર ગતિમાં મુકાતું ગયું. એક્ટરો પોતાની પંક્તિઓ કંઠે કરતા ગયા. અજિતના આત્મામાં ઉત્તેજના આવી. સમગ્ર યંત્રના સામર્થ્યનું એને દર્શન થતું ગયું. નવી નવી દિશાઓ ઊઘડતી ગઈ. અંદર સંગીત મૂકનારાં એ ગાયનોની તરજ બાંધનારા ગવૈયાજી આવ્યા. ઓર્ગન, બંસી અને તબલાના બજવૈયા જોડાયા. પોશાક તૈયાર કરનાર દરજીનો ખંડ દીપવા લાગ્યો. સીન-પેઇન્ટર પણ શામિલ થયો. સુતારો સ્ટુડીઓમાં નવી સૃષ્ટિ ખડી કરવા લાગ્યા. અને પિક્ચરનો ઢોલ પીટનાર પ્રેસ-એજન્ટ પણ હાજર થયો. એણે આ ‘બૂસ્ટિંગ’ના કામ માટે જરૂરી એવી લેખક મહાશયની જીવનકથા પણ જાણવા માગી.